મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for February, 2011

ગઝલ – જયેશ ભટ્ટ

સેજ પાથર હે સખી ! આજે કમળની
દ્વૈત-પળમાં આથડું છું હું અકળની.

એક ચાતકની તરસ લઈને ઊડું છું
લાવ સરવાણી ફરીથી તળ અતળની.

શબ્દમાં વિસ્તાર મારો છે નિરંતર
તું ઋચા થઈ આવ સાથે મૌન પળની.

કે મને જકડી રહી છે આ ત્વચા પણ
ગાંઠ છોડી નાખ તું આ પાંચ વળની.

– જયેશ ભટ્ટ

સર્વથા મુલાયમ ગઝલ. છેલ્લા બે શેર ખાસ સરસ. મૌન પળની ઋચા – કલ્પના જ રોચક છે. છેલ્લા શેરમાં પંચ-તત્વોની ગઠરીના રૂપકનો ઉપયોગ અલગ રીતે કર્યો છે.

Comments (9)

શબ્દોનું સ્વરનામું – દ્વિતીય કડી

પહેલી કડી: વીએમટેલર.કોમ
ત્રીજી કડી: ટહુકો. કોમ
ચોથી કડી: ગાગરમાં સાગર.કોમ

*

ત્રેવીસમી ફેબ્રુઆરી, 2011ની સાંજ… મારા જીવનની સહુથી યાદગાર સાંજ… સુરત ખાતે ગાંધી સ્મૃતિભવનમાં એક અલગ જ અંદાજમાં મારા બે પુસ્તકો ‘ શબ્દો છે શ્વાસ મારા’ (ગઝલસંગ્રહ) તથા ‘ગરમાળો’ (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સી.ડી. ‘અડધી રમતથી’નું વિમોચન થયું પણ આખી વાત થઈ જરા હટ કે…

‘શબ્દોનું સ્વરનામું’ કાર્યક્રમ અંતર્ગત વિમોચન-નાટિકાનો પૂર્વાર્ધ આપે ‘શબ્દો છે શ્વાસ મારા’ પર માણ્યો… એ પછીની વિમોચન વિધિ અહીં લયસ્તરો પર…

આદમકદના પુસ્તકનું અનાવરણ કરતી મમ્મી…

179884_1438611343919_1792087610_840485_7553338_n

અને મમ્મી બીજા પુસ્તકનું અનાવરણ કરે એ પહેલાં જ દોડી જઈને અમારા હૈયાના હાર સ્વયમે બીજા પુસ્તકનું અનાવરણ કરી દીધું…

IMG_8519

…અને ઝળહળી ઊઠ્યો મારો ‘ગરમાળો’….

IMG_8520

બે હાથમાં બે સ્વપ્ન લઈને ઊભેલ મારો પરિવાર…

IMG_8523

પણ ઑડિયો સી.ડી. ક્યાં ગઈ? દોડતા આવી મુકુલભાઈએ નાદારી નોંધાવી કે મેહુલ સુરતી ક્યાંય નજરે ચડતા નથી… પણ હાથમાં મોટું સી.ડી. કવર લઈ મેહુલ સુરતી પણ દોડતા આવ્યા…

DS2_4893

..અને આમ થયું ‘અડધી રમતથી’ ઑડિયો સી.ડી.નું વિમોચન…

180982_1841035113853_1479837407_2010080_3496669_n

…નેપથ્યમાં અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને ગઝલ વાગવી શરૂ થઈ અને પડદો પડ્યો…

પણ ના… પડદો હજી પડ્યો નથી… આ તો માત્ર મધ્યાંતર છે… કાર્યક્રમનો બીજો ભાગ તો હવે શરૂ થાય છે પણ એ માટે આપે ટહુકો.કોમની મુલાકાત કરવી રહી…

Comments (31)

ગઝલ – રઈશ મનીઆર

કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ
ડગ માંડવું હો ત્યાં જ નજર હોવી જોઈએ

જે જોઈએ છે તમને મળે એ જ આખરે
શું જોઈએ છે, એની ખબર હોવી જોઈએ

પરપોટા જેવી હસ્તી છતાં હઠ સહુની એ
હોવા કે ફૂટવાની અસર હોવી જોઈએ

બાળકમાં રોપી જાય છે સ્વપ્નો વિફળ પિતા
અતૃપ્ત ઝંખનાઓ અમર હોવી જોઈએ

હંગામી છે નિવાસ છતાં ઘર વિશાળ ખપે
કહેશે કોઈ, કે મોટી કબર હોવી જોઈએ ?

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ

ભરવા મથ્યો ઘણી રીતે ખાલીપો,તો થયું
બસ,જિંદગી તો પ્રેમસભર હોવી જોઈએ

– રઈશ મનીઆર

સીધી ને સરળ હૃદયસ્પર્શી ગઝલ….’પરપોટા જેવી….’-શેર સૌથી ચોટદાર લાગ્યો. અંગત રીતે મને ચોથો શેર બહુ મજબૂત ન લાગ્યો. એ સિવાય તમામ શેર ધ્યાનાકર્ષક છે.

Comments (19)

ઊઘડતા પ્રભાતનું ગીત – ઉશનસ્

આછા આછા ભાંગતી રાતના ગાળે,
કે આછા આછા ચાંદરણા-અજવાળે
કોણ આ વ્હેલું ઊઠી ગયું છે, ને ઘરઆંગણું વાળે !

વાસીદામાં ખરિયાં તારકફૂલ વળાતાં વાગે !
ગમાણ-ખાણ-કરે ભરવાડણ કો અડવાણે પાગે !
તેજ તણખલાં વીખર્યાં વાળી-ઝૂડી બાંધતી ભારે ! – આછા0

પાછલી રાતનો ટેટી-ટેટીએ લૂમઝૂમ વડ આકાશે,
તેજ-તાર-કસબ વડવાઈ ઝૂલે આંખની પાસે,
ઝોળી બાંધી, પણ હજી જોને નીડ ઊંઘે છે ડાળે – આછા0

નિહારિકાના ચીલેચીલે ઝોકતું પ્હેલું ગાડું
નીકળ્યું છે, પણ ધૂળ ન ઊડે, હજી છે ઘારણ ગાઢું,
ઊંઘતી ફૂલફોરમ ભરી ગાલ્લે કોણ જાય અત્યારે ! – આછા0

– ઉશનસ્

Comments (5)

કાનજી ને કહેજો કે – જયંત પાઠક

કાનજીને કહેજો કે આવશું,
બળ્યા ઝળ્યા અમે બોલીએ તેમાં વાંકું શું પાડવું તમારે!
કુંજોમાં ઘૂમનારા ક્યાંથી જાણો તમે માથે શું વીતે અમારે?
પળની ન મળે નવરાશું…
કાનજીને કહેજો કે આવશું.

મનનો મારગ એક, તનનો દૂજેરો, લાજમહીં અટવાતી આંખો,
સંસારી, કેડીઓમાં આંકેલી ચાલીએ શમણામાં વીંઝીએ પાંખો !
જીવતરની વેચીએ છાશું…
કાનજીને કહેજો કે આવશું.

મ્હેણાંના માર અહીં, ઘરના વહેવાર ને તમ્મારી રીસ વળી તાતી,
હરતાં ફરતાં હાથ રાખી સંભાળીએ ભારથી ન ભાંગી પડે છાતી,
આખી રહેશે તો લેતા આવશું…
કાનજીને કહેજો કે આવશું.

– જયંત પાઠક

Comments (2)

રસ્તો – અજય સરવૈયા

કવિતા પહેલાં

શરીર પાસે શિરાઓ છે,
વૃક્ષ પાસે ડાળીઓ છે,
શહેર પાસે રસ્તા.

પહેલાં નદીઓ
સંસ્કૃતિને પોષતી, આકારતી,
હવે રસ્તા.

ઘર કે દુકાન
ઈમારત કે મકાન નહિ,
શહેર બને છે રસ્તાઓથી.

કવિતા

રસ્તાને ખૂણે ઊભો છું
રાતની સફરને કારણે
શરીરમાં થોડો થાક છે
સિગ્નલ ખૂલે છે
હું રસ્તો ઓળંગું છું
કપડાંની દુકાનના કાચ પર
મોબાઈલ પર વાત કરતી એક છોકરી પસાર થાય છે
એને જોવા હું ફરું છું
પણ પારદર્શક કાચ હંમેશા દિશાઓ ગૂંચવી નાખે છે
હતાશ હું આગળ વધું છું
ચિત્તમાં અચાનક રયોકાનની પંક્તિ ઝબકી ઊઠે છે
‘અને માર્ગ કયાંય નથી જતો’

કવિતા પછી

જેમ જેમ રસ્તા વિકસતા જાય,
ઘર અને રસ્તા વચ્ચેનો ભેદ ભૂંસાતો જાય.

– અજય સરવૈયા

આમ તો એક નાની ઘટના અને મનમાં ઝબકેલી એક પંક્તિ જ છે કવિતામાં. પણ એને આકાર આપે છે કવિતા પહેલા અને પછીનું દર્શન.  રસ્તો જ ઘર બની જાય – એ સારું કે ખરાબ ? … એ તો તમે જાણો.

Comments (4)

પ્રેમસૂક્ત (અંશ) – હરીશ મીનાશ્રુ

તમે પુષ્પ ચૂંટ્યું
તો મેં ગંધ
તમે પાદુકા ઉતારી
તો મેં પંથ
તમે ત્યજ્યાં પટકૂળ
અને મેં ત્વચા
હવે ઝળહળે તે કેવળ પ્રેમ

– હરીશ મીનાશ્રુ
(‘પર્જન્યસૂક્ત’)

આવરણો -ભૌતિક અને અધિભૌતિક- પાછળ છોડી દો પછી બચે તે પ્રેમ. ને છોડવું જ હોય તો અડધું પડધું શું કરવા છોડવું ? – પુષ્પના આકારને બદલે ગંધનો આખો વિસ્તાર જ છોડવો, પાદુકાને ઉતારવાને બદલે સફરની ઈચ્છા જ ઉતારી નાખવી અને વસ્ત્ર પર અટકવાને બદલે અસ્તિત્વની ત્વચા જ ઉતારી દેવી. બધા આવરણ ઉતારી, અઠે દ્વારકા કરીને બેસો એટલે બધુ જ ઝળહળ ઝળહળ.

Comments (5)

ફરી વાર મારું શહેર જોતા – શ્વેતલ શરાફ

આ શહેરને મેં એક દિવસ
એવી કસીને બાથ ભીડેલી કે
એને લીલો આફરો ચડી ગયેલો.
મોડી રાત્રે શ્વાનસૃષ્ટી ચાતરેલી
મેં લાલ કેસરી બત્તીઓના
સહારે.
ઊભા બજાર બધા મારા ખૂંદેલા.
ફાટેલા બદકિસ્મત લોકોને
અહીં મેં હસી કાઢેલા.
આ જગાનો જ્વાર મારી આંખોમાં
બેશુમાર ચડેલો.
અહીંની ગલીઓમાં તો
મારા સ્ખલનોની વાસ હજુયે રખડે છે.

મોડા પડ્યાનો રંજ નથી મને;
પણ ઊગ્યા પહેલા આથમી ગયાનો છે.
દોસ્તીની પરખ કરવાનો આરોપ લઈને
જીવી શક્યો નહીં
એટલે પીઠ પરના ઘાનું ઉપરાણું લઈને જીવું છું.
તારો ઓશિયાળો છું.
હવે ક્ષણોના હિસાબમાં જ્યારે જ્યારે
વર્ષોની ખોટ આવે છે
ત્યારે એને ખી ખી ખીથી ભરી દઉં છું.

“(ગાળ) ઘસાયેલા પર થૂંકે તો
તને ચચરે નહીં તો શું
ગલગલિયાં આવે ?”

છોડ આ બધી વાત
ને ધરાઈને મને ફરી જોઈ લેવા દે –
મારું શહેર !

– શ્વેતલ શરાફ

વતનમાં પાછા ફરવું એટલે સંસ્મરણોમાં ડુબકી મારવી. સાથે જ વતન છૂટી કેમ ગયું એનો ઘા ફરી અકારણ જ તાજો થાય છે. સિંહ જેવો માણસ દોસ્ત પર શંકા કે દોસ્તીની પરખ કરવાને બદલે દોસ્તનો ઘા જ વહોરી લેવાનું પસંદ કરે. અને એ ઘાને ય આખી જીંદગી જણસની જેમ જાળવે,  ભલેને એ પછી એ ઘા જ એની જીંદગીમાંથી વર્ષોની બાદબાકી કેમ ન કરી દે.

પણ, આ બધા ઘાની દવા છે – વતન ફરી જોવા મળવું. અતીતસ્થળને આંખોમાં ભરી લેવું  એટલે  તો … આહ ! સાક્ષાત જન્નત !

Comments (14)

આવજે મિત્ર – સરજી એસિનિન

આવજે મિત્ર, ચાલો છૂટા પડીએ
ફરી ન મળીએ ત્યાં સુધી
મારા હ્રદયમાં તું વસ્યો છે;
દીર્ઘકાલથી નિયત થયેલી આ વિયોગની ઘડી
સામે પારના આપણાં પુનર્મિલનની
આગાહી આપે છે.
હવે વાત નહિ, હસ્તધૂનન નહિ
ફરી ન મળીએ ત્યાં સુધી.
શોક ના કરીશ,મિત્ર,ચહેરાને કાળો ના પડવા દે.
જીવનમાં મરવામાં કોઈ નવાઈ નથી
ને જીવવામાં પણ ક્યાં કશી વધારે નવાઈ છે !

– સરજી એસિનિન

[ નોંધ : લેનિનગ્રાદની એક હોટેલમાં આત્મહત્યા કરતાં પહેલાં લોહીથી લખાયેલું કાવ્ય]

અનેક ભાવસ્પંદનો પેદા કરે છે આ કાવ્ય. કવિનો આત્મા પોતાના શરીરને ઉદ્દેશીને સમગ્ર વાત કરે છે ? કે પછી કવિ કોઈ ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને આ સંદેશ છોડી જાય છે ?- …..જે કંઈ પણ હોય-કાવ્યમાં મૂળભૂત રીતે એક પરિપક્વતાનો-એક અમર આશાનો સૂર છે,અને છેલ્લા વાક્યમાં જે એક આઘાત છે તે ખરું કવિકર્મ છે-ખરો સંદેશ છે. why to live ? for what to live ?-આ પ્રશ્નો ઘણા exsistentialist વિચારકો દ્વારા ચર્ચાયા છે,પરંતુ અહીં જુદી વાત છે – જીવવામાં મરવા કરતાં ક્યાં કશી ખાસ વધારે નવાઈ છે ? – જીવન-મૃત્યુના દ્વન્દ્વને અતિક્રમીને વિચારવાની વાત છે. [ અહી ‘નવાઈ’ માટે મૂળ કયો રશિયન શબ્દ પ્રયોજાયો હશે અને તેનું શાબ્દિક ભાષાંતર નહિ પણ ભાવનાત્મક ભાષાંતર શું હશે તે જાણવું મહત્વનું છે.] વળી આ કોઈ ઠાલી શબ્દોની રમત નથી-આત્મહત્યા પૂર્વેનું લોહીથી લખાયેલું નિવેદન છે. એક તીવ્ર વિચારવમળ પ્રારંભી જતું કાવ્ય…..

Comments (5)

અમે ચુપ થઈ ગયાં છીએ – મનોજ ખંડેરિયા

જીવનના જળને ડ્હોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
ચરણ મૃગજળમાં બોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

બરાબર પગલું દાબી પાનખર પાછળ ઊભી રહી’તી
કૂંપળની જેમ કોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

નમી જાશે જ દુનિયાદારીનું પલ્લું, ખબર નો’તી
અમારો શબ્દ તોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા
દીવાલો ઘરની ધોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

ફફડશે મૌન વડવાગોળ જેવું કોરા કાગળનું
હવે ખડિયાને ઢોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

-મનોજ ખંડેરિયા

કવિનું તો મૌન પણ બોલે… સાંભળનાર પાસે કાન હોવા ઘટે !

Comments (9)

આ મોજ ચલી – મકરન્દ દવે

આ મોજ ચલી જે દરિયાની તે મારગની મુહતાજ નથી,
એ કેમ ઊછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી.

ઓ દોસ્ત,વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે ?
બેઠો છે ક્યાં એ બજવૈયો ? કૈં સૂર નથી,કૈં સાજ નથી.

હા,બે’ક ઘડી એ નયનોમાં જોઈ છે એવી એક છબી,
ઝબકારે એક જ જાણી છે, જ્યાં કાલ નથી કે આજ નથી.

હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ !
ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ,તારે કાજ નથી ?

આ નૂરવિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
એક પંખી ટહૂકી ઊઠયું તો લાગ્યું કે તું નારાજ નથી.

આ રંગકટોરી ફૂલોની પરદા ખોલી પોકાર કરે,
ઓ દેખ નમાઝી, નેન ભરી, જ્યાં લગની છે ત્યાં લાજ નથી.

– મકરન્દ દવે

પહેલો શેર જે.કૃષ્ણમૂર્તિના વિખ્યાત વિધાનની યાદ દેવડાવી દે છે- TRUTH IS A PATHLESS LAND. પાંચમો શેર અનુભૂતિના એક નવા જ શિખરને સર કરે છે. છેલ્લા શેરનું વિધાન-‘….જ્યાં લગની છે ત્યાં લાજ નથી.’-એક શકવર્તી વિધાન છે જે મકરંદ દવે જેવા સૂફી જ કરી શકે….અહીં કતિલ શિફાઈનું પદ યાદ આવે છે-‘મોહે આયી ન જગ સે લાજ,મૈં ઈતના જોર સે નાચી આજ,કે ઘૂંઘરૂ તૂટ ગયે….

Comments (13)

મુક્તક – હરીન્દ્ર દવે

જેવી પડી મધુર નામની ગુંજ અંતરે
વાગી રહી અકળ સુંદર કોઈ બાંસુરી;
મુંઝાયેલો પથિક હું સ્વરને પથે થઈ
તારી કૃપા નિકટ પહોંચી ગયો અચાનક.

– હરીન્દ્ર દવે

કૃષ્ણની બાંસુરી તો હંમેશા વાગતી જ રહે છે પણ  આપણે એ સ્વરને રસ્તે જવા માટે કાન ખુલ્લા રાખીએ છીએ ખરા ?

Comments (3)

વરસવાનું હોય છે – નયન દેસાઈ

આંખોથી લાગ જોઈ ભટકવાનું હોય છે, ટહુકવાનું હોય છે
એકાદ વૃક્ષ થઈને પલળવાનું હોય છે વરસવાનું હોય છે.

ચકલીની પાંખ થઈને આખું ઘર ઊડે અને કલરવ સુંઘે મને
એવા સમયમાં કાવ્ય સરજવાનું હોય છે હરખવાનું હોય છે.

બિલ્લોરી સાંજ શબ્દથી વીંધાય છે કવિતા લખાય છે,
ફૂલોએ મહેંક જેવું પલળવાનું હોય છે પ્રસરવાનું હોય છે.

આ ઈંતજાર આખરે બારી બની ગયો, રસ્તો બની ગયો,
પગરવને શી ખબર કે પહોંચવાનું હોય છે ખખડવાનું હોય છે.

પંદર નવાના કાર્ડ પર આનંદમાં છું હું કુશળ હશો તમે,
શબ્દના છળકપટને સમજવાનું હોય છે વિસરવાનું હોય છે.

ગોપીપરાની ગેટમાં હાજર થઈ ગયો મારું જ ખૂન કરી;
બીજા ‘નયન’થી મારે ભટકવાનું હોય છે ચમકવાનું હોય છે.

– નયન દેસાઈ

પહેલા તો ગઝલને બે વાર વાંચો.  ને પછી ઊંડો શ્વાસ લઈને હોય છે … હોય છે… ના આવર્તનને માણો.  મૂર્ત સાથે અમૂર્ત – રીયલ સાથે સરિયલ – ની કવિએ એવી મઝાની ભેળસેળ કરી છે કે ગઝલના અર્થને બે ‘કોટ’ વધારે ચડે છે એ જુઓ.

(પંદર નવાનું કાર્ડ = પંદર પૈસાનું પોસ્ટકાર્ડ, ગોપીપુરા=સુરતનો વિસ્તાર જ્યાં કવિનું રહે છે)

Comments (10)

સાજન, થોડો મીઠો લાગે – હરીન્દ્ર દવે

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!

સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!
મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.

રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;
તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!

– હરીન્દ્ર દવે

વેલેંટાઈન ડેના અવસરે હરીન્દ્ર દવેનું સંગાથનો મહીમા કરતું મધમીઠું પ્રેમગીત.

Comments (9)

અતિથિ વિશેષ : આપણે બધા

આપે ત્રેવીસમી ફેબ્રુઆરી તારીખ તો નોંધી જ લીધી હશે…. હવે આપ સહુના માટે આ આમંત્રણ પત્રિકા…. સમય કાઢી જરૂર પધારશો. આપને અંગત આમંત્રણ પત્રિકા જોઈતી હોય તો આપનું સરનામું મને dr_vivektailor@yahoo.com પર મેલ કરવા વિનંતી છે…

01_Card_cover 01_Card_front_final 01_Card_back_final

*

આપણો જ કાર્યક્રમ અને આપણે બધા જ અતિથિ વિશેષ…

*

A_SCSM_front_final A_CDsticker_final GarmaaLo

-આપની પ્રતીક્ષામાં,

વિવેક

Comments (6)

() – મીના છેડા

ગઈ કાલે રાત્રે સૂતી વખતે
મેં…
મારા બધા જખ્મોને પથારી પર પાથરી દીધા…
પછી સવાર સુધી…
હું પડખું ફેરવી નહોતી શકી…

-મીના છેડા

દર્દની કોઈ વ્યાખ્યા નથી હોતી, ફક્ત અનુભૂતિ જ હોય છે…

Comments (9)

ચમત્કારોની દુનિયામાં – મકરન્દ દવે

ચમત્કારોની દુનિયામાં ભરું છું હર કદમ, સાકી !
નિહાળું છું છલકતા જામમાં જનમોજનમ, સાકી !

હજારો વાર તારા મયકદાથી છૂટવા ચાહું
છતાં તારા ભણી લઇ જાય છે મારાં કરમ, સાકી !

નિરાલી હર અદા,હર ચાલ,હર કાનાફૂસી તારી,
તને પહેચાનું પણ રહી જાય છે પાછો ભરમ, સાકી !

કહી દઉં સાફ દુનિયાને બધી વાતો,બધા ભેદો,
કરે છે આંખથી તું ત્યાં મના કેવી મભમ, સાકી !

નથી જેણે હજુ તારાં નયનની ચોટ પણ ઝીલી,
મને સમજાવવા બેઠા અહીં તારાં નિયમ, સાકી !

સિતમ તારો ગણે જે બે ઘડી બેસી નથી શકતા,
સબરને તો નથી કાં ક્યાંય દેખાતો સિતમ, સાકી !

ખુશી તારી નિહાળી તેજ પ્યાલી તરબતર પીધી,
નથી મેં જામ તોડ્યો કે નથી તોડી રસમ, સાકી !

હવે તો જિંદગીની રોશની પર રોશની જોઉં,
મને સમજાય છે સમજાય છે તારો મરમ,સાકી !

ભરી મેહફિલ મહીં એકાદ મુફલિસને ન ભાળીને,
દબાવી હાથ દિલ પર ખાય છે કોના કસમ,સાકી !

– મકરન્દ દવે

આગવી જ ઊંચાઈને સ્પર્શતી સૂફી ગઝલ ! આ રચના મકરંદ દવેની જ હોઈ શકે ! બીજો શેર મર્મભેદી છે. એમાં કવિએ ખૂબીથી એક ગૂઢ અર્થ છૂપાવ્યો છે – કવિ મયકદાથી શા માટે છૂટવા માંગે છે ? જો કવિ માત્ર મયકદામાં જ સાકીની હાજરી અનુભવી શકશે, અન્યત્ર નહિ, તો નશો અધૂરો કહેવાય. પરંતુ સાકીએ કર્મની-ઋણાનુબંધની- જાળ એવી આબાદ નાખી છે કે કવિના કર્મો જ કવિને છોડતા નથી. સાકી કવિને અળગો પણ નથી થવા દેતો અને એકાકાર પણ નથી થવા દેતો. આ કઠિન પરીક્ષામાંથી કવિ પાર ઉતરશે ત્યારે તે સાકી સાથે એકાકાર થઇ શકશે. અન્ય તમામ શેર પણ છેતરામણા છે-લાગે છે તેટલા સરળ નથી.

Comments (8)

(લાગણીના ફૂલ ખીલે છે મને) – ભરત ભટ્ટ ‘તરલ’

સાવ અધવચ્ચેથી ચીરે છે મને,
મારો પડછાયો જ પીડે છે મને.

બેસવા જાઉં ને બટકી જાઉં છું,
તર્ક કેવી ડાળ ચીંધે છે મને.

હું શિખાતો જાઉં છું અનપઢ વડે,
કોઈ અનપઢ જેમ શિખે છે મને.

સોય ભોંકાતી રહી મારી ભીતર,
વસ્ત્ર માફક કોઈ સીવે છે મને.

હું તો કેવળ વૃક્ષ છું, સંયોગવશ,
લાગણીના ફૂલ ખીલે છે મને.

– ભરત ભટ્ટ ‘તરલ’

માંહ્યલાની અલગ અલગ છબીઓ સમાન બધા જ શેરો આમ તો મસ્ત થયા છે… પરંતુ બીજો અને ચોથો શેર જરા વધુ અંતરંગી  લાગ્યા.

Comments (6)

મુક્તક – રમેશ પારેખ

પ્રસંગની શૂન્યતા જ પ્રસંગ લાગતી રહે,
સ્વપ્ન ટૂટતા રહે ને આંખ જાગતી રહે;
બારીઓ ખૂલે નહીં ને ભીંત ફરફરે નહીં,
અને વસંતના પવનની ફાંસ વાગતી રહે.

– રમેશ પારેખ

Comments (8)

આ ગુલાબની… – મ. મ. દેશપાંડે

આ ગુલાબની સૂકી ડાળી પર
તું જરા હાથ ફેરવે
તો પણ તેને ફૂલો આવે એવી તું!
અને હું ?
ઈંધણની જેવો-બળતો!
મને પણ ફૂલો આવે…
પણ તે અંગારાનાં!

– મ.મ.દેશપાંડે
અનુ. સુરેશ દલાલ

આ તદ્દન સરળ દેખાતી કવિતા મેં ત્રણ જણને અલગ અલગ વંચાવી જોઈ. અને દરેક જણે મને જુદો જ અર્થ કાઢી બતાવ્યો. ખરે જ, કવિતા દરેક માટે બહુ અંગત બાબત છે !

Comments (3)

ગઝલ – અમૃત ઘાયલ

વાત ગોળગોળ છે,
પ્રાણ ઓળઘોળ છે.

હૈયું છે હચુડચુ,
દૃષ્ટિ ડામાડોળ છે.

ભીંજવે છે કોણ આ ?
છાંટ છે ન છોળ છે !

કૈં નથી,અમસ્તી આજ,
આંખ લાલચોળ છે.

હાથ લાવ,શેકીએ,
હાથ ટાઢાબોળ છે.

શ્વાસ છે તો છે સિતમ,
પીઠ છે તો સોળ છે.

કલરવોનું શું થયું?
કેમ કાગારોળ છે !

માંહ્યલાનું કર જતન,
ખોળિયું તો ખોળ છે.

મોક્ષમાં યે શાંતિ ક્યાં ?
વ્યર્થ શોધખોળ છે.

– અમૃત ઘાયલ

નાનીશી છીપમાં છૂપ્યાં પાણીદાર મોતીઓ !
ઘાયલ અને શેખાદમ-લાઘવના મહારથીઓ !

Comments (8)

ત્રેવીસમી ફેબ્રુઆરી…

ત્રેવીસમી ફેબ્રુઆરી…

આ દિવસ આપની ડાયરીમાં નોંધી રાખજો, દોસ્તો !  કેમકે આ દિવસ આપના એકધારા સ્નેહ અને હૂંફના કારણે જ મારી જિંદગીમાં આવ્યો છે…

આ દિવસે મારા બે પુસ્તકો ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ તથા ઑડિયો સીડી ‘અડધી રમતથી…’નું વિમોચન ગાંધી સ્મૃતિભવન, સુરત ખાતે થશે… સાથે જ ગાર્ગી વોરા, અમન લેખડિયા અને રાહુલ રાનડે રજૂ કરશે મારા ‘શબ્દોનું સ્વરનામું’ – જાણીતા-માનીતા ગુજરાતી ગીત-ગઝલનો મનહર કાર્યક્રમ…

આપ જો સુરત રહેતા હો અથવા આ દિવસે જો સુરત આવી શક્તા હો તો આપ સહુને મારા આ કાર્યક્રમમાં સહભાગી થવા મારું સ્નેહભીનું આમંત્રણ છે.

આપનું સરનામું જો મને dr_vivektailor@yahoo.com પર મોકલી આપશો તો આપને આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં મને સુવિધા રહેશે…

આભાર !

GarmaaLo

SCSM

Comments (17)

એક કાવ્ય – મનીષા જોશી

સિનેમાના પડદા પર
સમુદ્રમાં આવેલ તોફાનનું દૃશ્ય
હું એકીશ્વાસે જોઈ રહી હતી,
ત્યાં અચાનક મોટી વ્હેલ માછલીએ મોઢું ખોલ્યું
મને ખેંચી લીધી.
હું મારા રૂમમાં હોત તેના કરતાં
વધુ સુરક્ષિત છું, એના શરીરમાં.
એના શરીરમાં મારા શરીરની કોઈ વૃદ્ધિ નથી,
એ મને વિશેષ ગમે છે.
જો કે, આ વ્હેલ હવે વૃદ્ધ થવા આવી છે
સમુદ્રતટે આવતા
સહેલાણીઓને રીઝવવા
અગાઉની જેમ એ પાણીમાંથી બહાર આવી
ઊંચે ઊંચે ઉછાળા નથી મારતી
વ્હેલ મરી જશે ત્યારે મારે
ફરીથી મારા રૂમમાં આવી જવું પડશે.
મને ખરેખર ડર લાગે છે,
હવા ઉજાસનો.
મારા રૂમમાં મને નથી જોઈતો સૂર્યપ્રકાશ.
જીવનથી ભાગીને
હું ક્યાં જઈને રહું ?

-મનીષા જોશી

જીવન હંમેશા વિટંબણાઓથી ભર્યું જ હોવાનું અને ભાગેડુવૃત્તિ એ સહજભાવ જ હોવાનો. જિંદગીથી હારેલા માણસને પોતાના રૂમની એકલતા પણ કોરી ખાતી હોય છે. હવા અને ઉજાસનો પણ ડર રહે છે કેમકે સૂર્યપ્રકાશ પોતાની અંદર જે જે અસમંજસ અને તકલીફો-પીડાઓ ભરી પડી છે એને અંધારામાંથી અજવાળામાં આણી લાવે છે. અને માણસ એનાથી જ તો ભાગવા મથે છે. ટેલિવિઝન આ પલાયનવૃત્તિનું એક પ્રતીક માત્ર છે. ટીવી પર દેખાતા દૃશ્યમાં એકલો માણસ કંઈ એ રીતે ખોવાઈ જાય છે કે એ પોતે દૃશ્યનો જ એક ભાગ બની જાય છે. ટીવી પરની વ્હેલ એને ગળી જાય છે એ દરમિયાન વાસ્તવિક દુનિયાનો સમય અને તકલીફો અટકી જાય છે અને એ જ કારણોસર એને વ્હેલના પેટમાં વૃદ્ધિહીન થઈ ગયેલો પોતાનો સુરક્ષિત અંધારભર્યો સમય વધુ ગમે છે. પણ એ જાણે છે કે આ પલાયન શાશ્વત નથી. આ વ્હેલ વૃદ્ધ છે અને એના પેટમાંથી એણે બહાર આવવું જ પડશે અને ફરીથી એ જ જિંદગીનો સામનો કરવો પડશે જેનાથી એ ભાગી જવા ઇચ્છે છે…

Comments (11)

એક પળમાં – નંદિતા ઠાકોર

એક પળમાં પરોવી દઉં જીવતર આખુંય
બોલ, આપી શકીશ એવું કંઈ?

સાંજ મને સોનેરી જોઈતી નથી  કે નથી રૂપેરી રાતનાં ય ઓરતા,
એક્કે ય વાયદા કે વેણ નથી જોઈતાં, એમાં ગુલમ્હોર છોને મ્હોરતા.

અઢળકની ઝંખનાઓ છોડીને આવી છું સાંજ તણી આશાએ અહીં,
બોલ, આપી શકીશ એવું કંઈ ?

મારામાં ઊગેલું મારાપણું ય હવે તારામાં રોપી હું છુટ્ટી,
લેવાથી દેવાનો અદકેરો લ્હાવ હવે ખોલી દે બાંધી આ મુઠ્ઠી.

ચીતરેલા ફૂલને ય ફૂટે સુગંધ એવું આંખોમાં જોતી હું રહી,
બોલ, આપી શકીશ એવું કંઈ ?

– નંદિતા ઠાકોર

Comments (21)

મુક્તક – ધૂની માંડલિયા

પ્યાસ સમજી ના શકી એ ઝાંઝવાનું જળ હતું,
પ્રેમપત્રો આખરે તો અક્ષરોનું છળ હતું.
માસ બારે માસ આંખે આમ ચોમાસું રહ્યું,
આયખાભર એ જ તારી યાદનું વાદળ હતું.

– ધૂની માંડલિયા

Comments (5)

ગઝલ – મરીઝ

પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રધ્ધા મને,
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને.

કંઈક ખામી આપણા આ પ્રેમનાં બંધનમાં છે,
છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને.

હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં,
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને.

હાથમાં આવી ગયું’તું એમનું આખું જીવન,
હું હતો ગાફિલ નહીં દેખાયા એ મોકા મને.

આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને.

– મરીઝ

આજે મરીઝની કારીગીરી માણીએ. આ ગઝલમાં વધારે સમજાવવાની જરૂર જ ક્યાં છે ?

Comments (3)