મરણરૂપે જ મૂકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for March, 2010

સવાર – હેમેન શાહ

ફેલાવતું ગગન ખુદ શાખો સવાર માટે,
છાતીમાં સૂર્ય ધબકે આખો સવાર માટે.

માદક સુગંધ વેચે છે ફેરિયો પવનનો,
થોડીઘણી ખરીદી રાખો સવાર માટે.

ઊડીને વીંટળાયું આંખોમાં દૃશ્ય નાજુક,
ફફડાવી સાચવેલી પાંખો સવાર માટે.

ફાટીન જાય પોચી ધુમ્મસની શાલ તેથી,
ઉજાસ હો હમેશાં ઝાંખો સવાર માટે.

દીધા વિના ટકોરા નહીં તો જશે એ પાછી,
સઘળાં કમાડ ખોલી નાખો સવાર માટે.

– હેમેન શાહ

સાંજને બધાએ ખૂબ ગાઈ છે, સવારને કોઈ કોઈએ જ સંભારી છે.  ગઝલકારો બધામોડા ઉઠનારા હશે કે શું ? 🙂

Comments (15)

કોઈ જાણીતો શ્વાસ લાગે છે – શોભિત દેસાઈ

કોઈ જાણીતો શ્વાસ લાગે છે,
એ અહીં આસપાસ લાગે છે.

સાવ લીલો ઉજાસ લાગે છે,
ઓસની નીચે ઘાસ લાગે છે.

જે દિવસભર રહ્યો છે નિર્જન એ,
રાતરાણીનો વાસ લાગે છે.

ગત જનમમાં કૂવો હશે શું અહીં ?
આવીને કેમ પ્યાસ લાગે છે ?

કોયલોના આ તરબતર ટહુકા,
મારાં કાવ્યોના પ્રાસ લાગે છે.

શાંત ઊંડા નદીના પાણીનો,
સાચું કહું તો રકાસ લાગે છે !

પ્હાડ પર વેરવિખેર તડકો છે,
ખીણ તેથી ઉદાસ લાગે છે.

– શોભિત દેસાઈ

નવીન કલ્પનોથી શોભતી શોભિત દેસાઈની રમતિયાળ ગઝલ.

Comments (23)

(રે અમે ને તમે ના મળ્યાં) – હરીન્દ્ર દવે

એક રે ડાળીનાં બેઉ પાંદડાં
એક છોડવાનાં બેઉ ફૂલ,
રે અમે ને તમે ના મળ્યાં !

તમારો માળો વેરીએ પીંખિયો
અમારા માળામાં અમે કેદ,
રે અમે ને તમે ના મળ્યાં !

ફૂલોની વચાળે ઘટતાં બેસણાં
કાંટાથી બિછાયો આખો પંથ,
રે અમે ને તમે ના મળ્યાં !

તમારા આંગણમાં તમે એકલાં,
અમારા આકાશે અમે એક
રે અમે ને તમે ના મળ્યાં !

તમારા હોઠોને તાળાં ચૂપનાં,
અમારી વાચાના ઊડે ધૂપ,
રે અમે ને તમે ના મળ્યાં !

લીલુડાં વને છો તમે પોપટી
અમે પંખી સાગર મોજાર,
રે અમે ને તમે ના મળ્યાં !

– હરીન્દ્ર દવે (૨૫-૭-૭૧)

ક્યારેક ગમે તેટલું ચાલીએ તોપણ બે ડગલાં જેટલું અંતર કપાતું નથી,તો ક્યારેક જોજનોનું અંતર પણ કંઈ વિસાતમાં નથી. એક મિત્રએ સહજ રીતે કીધેલી ગહન વાત યાદ આવે છે- “બહારનું અંતર કપાતું નથી,અંદરનું અંતર સમજાતું નથી !!!”

Comments (15)

ઊઠબેસ – અનામી (અનુ. હરિવલ્લભ ભાયાણી)

આ આવી એ જો !
વસ્ત્રવાઘા ?
શિર પરે રહી જીરણ જર્જર કામળી;
કૈં ભૂષણો ?
નહીં કંઠ મણકા વીશ પૂરા
(વાનથી પણ શામળી) –
ને તોય રસીલી મંડળી
મુગ્ધા-પ્રવેશે
ઊઠબેસે
શી બની ગઈ આકળી.

– અનામી (અપભ્રંશ)
અનુ. હરિવલ્લભ ભાયાણી

સ્ત્રીસૈંદર્ય કોઈ પણ ભાષા અને કોઈ પણ સંસ્કૃતિમાં હંમેશા કેન્દ્રસ્થાને રહ્યું છે. અપભ્રંશ ભાષાના કોઈ એક અનામી કવિની શૃંગારરસની કવિતાનો આ અનુવાદ કેટલા ઓછા શબ્દોમાં આ વાત કેવી ઉજાળી આપે છે ! કવિતાની પહેલી પંક્તિમાં માત્ર ચાર શબ્દો અને પાંચ જ અક્ષરોમાં કવિ એક આખું શબ્દચિત્ર ખડું કરી આપે છે. આ શબ્દની શક્તિ છે…

અને આવનારી સ્ત્રી પણ કેવી? વસ્ત્રોના નામે માથે એક જીર્ણ ફાટેલી કામળી અને ગળામાં પૂરા વીસ મણકાંય ન હોય એવી માળા… વાનેય શામળો પણ તોય એની ઊઠબેસ મંડળી પર કેવી અસર છોડી જાય છે!

Comments (5)

કીકીમાં – જયન્ત પાઠક

કીકીમાં કેદ કરી લીધા
.                       મેં કાનજીને કીકીમાં કેદ કરી લીધા !

ભોળી નથી કે હવે લોચન ઉઘાડું
.                છોને વગડામાં વાંસળીઓ વાગે;
મધરાતે કોઈ ભલે બારણાં ધકેલે
.                         બાઈ, મારે બલારાત જાગે !
જનમના જાણકાર કેદના તે એણે
.                          છૂટવાનાં છળ ભલાં કીધાં ! – મેં0

જુગજુગ જોગીડા ભલે ગાળે સમાધમાં
.                                વાળે પલાંઠી, સાસ રોકે;
મેં તો પલકમાં જ પકડ્યા ને પાધરા
.                            પધરાવ્યા સમણાંના લોકે !
વાંકા તે વેણના ને વાંકા વ્હેવારના
.                            એમ વના થાય ના સીધા ! – મેં0

-જયન્ત પાઠક

ગોપીની ચરમ કૃષ્ણભક્તિનું  એક ચાક્ષુષ ઉદાહરણ. જેને પામવા જોગીઓ યુગોયુઇગો સુધી તપ કરે છે, સમધિમાં બેસે છે, શ્વાસ રોકવાનો હઠાગ્રહ કરે છે એને ગોપિકા પલક ઝપકતામાં જ પકડી લે છે. ભક્તિ કરતાં પ્રેમની શક્તિ કેટલી વધારે છે ! કૃષ્ણનો તો જન્મ જ કારાગારમાં થયો હતો. એ તો જનમથી જ કેદ અને કેદમાંથી છૂતવાનો માહિતગાર છે પણ ગોપી કંઈ ઓછી માયા નથી. ઝપ્પ કરીને કાનજીને કીકીમાં કેદ કરીને પાધરા જ સ્વપ્નલોકની જેલમાં પધરાવી દે છે. કાનજી ભલે વાંસળીઓ વગાડે કે છૂટવા માટે નાનાવિધ છળ કરે પણ હવે આંખ ખોલે એ મારી બલારાત… ગોપી જાગે તો તો કહાનો ભાગે ને!

Comments (9)

હાઈકુ – માધુરી મ. દેશપાંડે

પલળવાનાં
સ્વપ્નમાં, કોરી રહી
ગઈ જિંદગી.

– માધુરી મ. દેશપાંડે

છ શબ્દોનાં બિંદુમાં આખ્ખો સિંધુ !  જાણે કોઈ લાં…બી જિંદગીની ટૂંકીટચ વાર્તા હોય એવું નથી લાગતું?!

Comments (13)

ખોલ તિમિરનાં તાળાં -મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

મનવા ! ખોલ તિમિરનાં તાળાં,
તારી આંખોમાં ડોકાતાં અનહદનાં અજવાળાં;
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.

વસંત આવી, વેણુ વાગી,
કોયલ બોલી બોલ સુહાગી,
નિમિલિત નેણાં કેમ નિરખશે ખીલ્યાં ફૂલ રૂપાળાં ?
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.

અખૂટ ખજાનો છે સાંચવણે,
એની વેદના વેણ શું વરણે ?
મધરાતે મનડાને મળતાં ઝડ ઝરડાં ને જાળાં.
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.

કારીગરનો સાથ કરી લે,
ચાવી એની હાથ કરી લે,
તાળાં તૃષ્ણાનાં ખૂલતામાં અજવાળાં અજવાળાં !
મનવા ! ખોલ તિમિરનાં તાળાં

-મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

રામનવમીનાં દિવસે આપણા સૌના મનનાં તિમિરનાં તાળાં ખૂલે અને અંદર અજવાળાં પધારે એવી શુભેચ્છાઓ… 🙂

Comments (9)

મન મૂકી વરસ – પુરુરાજ જોષી

બે ચાર છાંટાથી છીપે, એવી નથી તરસ,
તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.

નાંખ છત્રીને ધરામાં, નિર્વસન થૈને નીકળ,
આવું ચોમાસું ભલા ન આવતું વરસોવરસ.

મઘમઘું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની,
તું મને સ્પર્શે તો મિતવા આવ એ રીતે સ્પરશ.

કોઈ મારામાં વસે છે, ને શ્વસે છે રાતદિન,
એ મને જોતું સતત, પણ ના થતાં એના દરશ.

અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,
કોણ સામે તીર બજવે બાંસુરી એવી સરસ.

સાંકડે મારગ, મદોન્મત્ત હાથિણી સામે ખડો,
કાં છૂંદી નાંખે મને, કાં મસ્તકે ઢોળે કળશ.

– પુરુરાજ જોષી

મન મૂકીને વરસવા મજબૂર કરી દે એવી મોહક ગઝલ.

Comments (13)

આપણી વચ્ચે રહે છે – કરસનદાસ લુહાર

એક સંશય આપણી વચ્ચે રહે છે,
ભય વગર ભય આપણી વચ્ચે રહે છે.

તેજ જેવા તેજનો પર્યાય પોતે –
થઇ તમસમય આપણી વચ્ચે રહે છે.

ઉષ્ણ શ્વાસોથી ઊભય સંલગ્ન તેથી –
આર્દ્ર વિસ્મય આપણી વચ્ચે રહે છે.

ગીત બેઉ કંઠથી શેં એક ફૂટે ?
કોઇ ક્યાં લય આપણી વચ્ચે રહે છે !

જે વિજયને બાનમાં રાખી ઊભો છે,
એ પરાજય આપણી વચ્ચે રહે છે.

આથમી ચૂકેલ વચ્ચોવચ્ચતાનો,
કોઇ આશય આપણી વચ્ચે રહે છે.

આપણી વચ્ચે કશું હોતું નથી-નો
ભ્રમ અને ભય આપણી વચ્ચે રહે છે.

– કરસનદાસ લુહાર

જ્યારે બે માણસ સાથે ઊભા રહે તો એમની વચ્ચે એક આખું વિશ્વ રચાતું હોય છે.  પણ જો બેનો સૂર પૂરો ન મળે તો બન્ને વચ્ચે ઘેરો રંગ ઝમતો જાય છે. છેલ્લા બે શેર ખાસ ધારદાર થયા છે :  વચ્ચેનું બધું આથમી જવા છતાંય એક ઈચ્છા તગતગ્યા કરતી હોય છે. ઘણી વાર કશુંક ખૂટતું હોવાનો ભ્રમ અને ભય જ આપણને કોરી ખાતો હોય છે.

Comments (12)

સૉનેટ – ઉમાશંકર જોશી

કહું કે ચાહું છું જગ સકલમાં એક જ તને,
રખે માને વ્હાલી ઇતર પ્રણયો ના મુજ ઉરે;
રખે વાંછે,ભોળી,ઇતર પ્રણયો ના ટકી શકે
ઉરે મારે, તારા અનુભવ પછીયે સુમૃદુલ!
બિછાવે છોને સૌ પ્રણયની જગે રમ્ય ભ્રમણા,
અનન્યાસક્તિની વિતથ કરી વાતો પ્રિય કને.
સખી, હૈયાની જે અમિત ધબકો ઊઠી શમતી,
કહે શું ખોટું જો કદીક મળી કોને મહીંથી બે ?

કહું સાચ્ચું વ્હાલી,મુજ હૃદય જાગ્યા અણગણ્યા,
હજી જાગે,જાગ્યા હજીય કરશે કૈંક પ્રણયો,
અજાણી કો બાલા સ્મિત દઈ ગઈ,કો દૃગ મૃદુ,
અમી શબ્દો,સૂરો ક્યમ કરી સહુ એ ભૂલી જવું ?
ગણું સૌનો એવો તું પણ સખી અહેસાન ગણજે,
રહસ્યો તારાં હું લહું પરમ એ સર્વ થકી તો.

– ઉમાશંકર જોશી.
[1937]

પ્રણયની ચરિતાર્થતા શેમાં ? વ્યક્તિનિષ્ઠ પ્રણય એ સમષ્ટિનિષ્ઠ પ્રણય ના માર્ગની બાધા બને તે કવિને રુચતું નથી. શું વ્યક્તિ એક જ પાત્રને ચાહી શકે ? માની લો કે બીજા પાત્ર માટે પ્રણયની તીવ્ર લાગણી થાય તો આત્મવંચના કરી પ્રથમ પાત્ર માટે જ પ્રેમ છે તેવું સેલ્ફ-હિપ્નોસીસ કરવું , કે ખુલ્લા દિલે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો ? પ્રશ્નોના સર્વસ્વીકાર્ય ઉત્તર કદાચ ન હોઈ શકે – તુંડે: તુંડે: મતિ: ભિન્ના: …… પરંતુ પ્રશ્ન અત્યંત પ્રસ્તુત છે. જાતને છેતરવાનો આસાન રસ્તો લેવો કે ચીલો ચાતરવાની તૈયારી સાથે road less travelled ઉપર ચાલી નીકળવું તે દરેક વ્યક્તિની ફિતરત ઉપર છોડવાની વાત છે……

Comments (17)

મનુષ્ય એક નદી છે – દિનેશ ડેકા ( અનુ. અનન્યા ધ્રુવ)

દરેક જગા દુઃખથી ભરેલી રાત છે
સાંજને સમયે
કંસના અત્યાચારથી દેવકીની દુઃખભરી રાત
નથી વીતતી નથી સવાર થતી

વેગપૂર્વક આવે છે
હૃદયની વચ્ચેથી અંધકાર

દેવકીની રાત નથી વીતતી નથી સવાર થતી

એવો જ આવે છે કોઈ સમય
માણસે સેવેલાં સપનાંને મસળીને
દાટી દે છે એની ઇચ્છા અને અભિલાષા

તો પણ મનુષ્ય એક નદી છે
દુઃખ અને યાતનાને સહીને પણ
એ નદી વહેતી રહે છે
ઉજ્જડ ખીણોમાં થઈને અનંતકાળ સુધી

મનુષ્ય એક નદી છે
એ લઈ આવે છે
દેવકીની દુઃખની રાતના બંધન કાપીને
નંદોત્સવના સમાચાર

– દિનેશ ડેકા (અસમિયા)
(અનુ. અનન્યા ધ્રુવ)

છે મનુષ્યજીવનની ઘટમાળ એવી, દુઃખ અધિક, સુખ અલ્પ થકી ભરેલી. આપણી ઇચ્છા, સપનાં અને અભિલાષા મૂલતઃ આપણને પૂરા સુખી થવા દેતા નથી. આ એક એવી કાળી રાત છે જે પસાર થવાનું નામ જ લેતી નથી જાણે કે કંસના કારાગારમાં દેવકી પર થતો અત્યાચાર ન હોય ! આ સાંજ સ્થિર જાણે કે સમયનો થીજી ગયેલો ચોસલો છે પણ મનુષ્યજીવન થીજી જતું નથી એ તો નદીની જેમ વહેતું રહે છે. ભલે આ નદી અનંતકાળ સુધી ઉજ્જડ અંધારી ખીણમાં કેમ ન વહ્ય કરતી હોય પણ એ વહ્યા કરે છે કારણ કે એને ખતરી છે કે આ નદીપારથી જ નંદોત્સવના, સુખના સમાચાર આવવાના છે…

Comments (8)

પરિચય – પ્રીતમ લખલાણી

લીલી લોન,
વિશાળ ઘરમાં
આલિશાન ફર્નિચર
અને ડ્રાઇવ-વેમાં
ઊભેલ ગાડીઓનો કાફલો જોઈ
ભારતથી
અમેરિકા ફરવા આવેલ
મિત્રો
કહી બેસે છે
કે,
‘તમારે તો અહીં લીલાલહેર છે!’
હવે અમે
આવી વાતોના વર્તુળમાં
અટવાયા વિના
બારીએ ઝૂલતા
પીંજરે
ટહુકતી
મેનાથી
તેમને
પરિચય કરાવીએ છીએ!

– પ્રીતમ લખલાણી

શરીરથી વિદેશમાં વસેલા પણ હૃદય ભારતની ગલીઓમાં જ ભૂલી ગયેલા ‘ડાયાસ્પૉરા’ સાહિત્યકારોના કારણે આપણને એક વિશિષ્ટ પ્રકારનું સાહિત્ય માણવા મળે છે જેમાં ક્યારેક બે દેશની સંસ્કૃતિઓ તડ-સાંધા વિના એકાકાર થઈ જતી જોવા મળે છે તો ક્યારેક વતન-ઝુરાપાની એક જુદી જ ‘ફ્લેવર’ નજરે ચડે છે. પ્રીતમ લખલાણીની પ્રસ્તુત કવિતા વતન-ઝુરાપાની વાત સાવ સાદા શબ્દ-ચિત્રથી અંકિત કરે છે. પાંજરે પૂરાયેલી મેનાના ટહુકા અટકતા નથી પણ આકાશ ખૂટી ગયું હોય છે. લીલી લોનથી શરૂ થતું કાવ્ય ‘લીલા’લહેરથી એક યુ-ટર્ન લે છે ત્યારે બધી લીલોતરી પર એકસામટી પાનખર બેસી ગઈ ન હોય એવો ડંખ અનુભવાય છે…

Comments (25)

નોંધ લેવી જોઈએ – નીતિન વડગામા

આવતાં-જાતાં બધાંની નોંધ લેવી જોઈએ.
દેહના આ દબદબાની નોંધ લેવી જોઈએ.

આજ કડવી ઝેર છે, એ વાત જુદી છે છતાં,
કાલની મીઠી મજાની નોંધ લેવી જોઈએ.

ઊંઘનું ઓસડ બનીને રાતને પંપાળતી,
વ્હાલભીની વારતાની નોંધ લેવી જોઈએ.

પ્રાણ પૂરે છે અહીં એકાદ પગલું કોઈનું,
જીવતી કોઈ જગાની નોંધ લેવી જોઈએ.

બાદબાકી એક વ્યક્તિની થતાં શું થાય છે ?
સાવ સૂની આ સભાની નોંધ લેવી જોઈએ.

આવતીકાલે પછી ઘેઘૂર જંગલ થઈ જશે,
ઊગતી એ આપદાની નોંધ લેવી જોઈએ.

આખરે તો આપણો આધાર સાચો એ જ છે,
શ્વાસ જેવા આ સખાની નોંધ લેવી જોઈએ.

– નીતિન વડગામા

આમ તો કવિનું કામ જ – જેની બીજા કોઈ નોંધ ન લે એ બધાની – નોંધ લેવાનું છે. કવિ ન લે તો આ બધી નાની-નાની જણસોની નોંધ બીજું લેશે પણ કોણ ?

Comments (17)

ન સળગ્યો – ‘જટિલ’

તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર !
ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર !

તુફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે,
હતો છીછરો હું ન છલક્યો બરાબર !

ઘનશ્યામ !  તેં  ગર્જના  ખૂબ  કીધી,
બની મોરલો હું ન ગળક્યો બરાબર !

મિલાવ્યા કર્યા તાર, ઉસ્તાદ, તેં તો,
બસૂરો રહ્યો હું ન રણક્યો બરાબર !

અજાણ્યો અને અંધ જેવો ગણીને,
તમે હાથ આપ્યો ન પકડ્યો બરાબર !

છતાં આખરે તેં મિલન-રાત આપી,
ગઈ વ્યર્થ વીતી – ન મલક્યો બરાબર !

– ‘જટિલ’

પ્રભુ સાથે પ્રીત કરવાથી માંડીને છેક મિલન સુધીની કેટકેટલી તકો મળવા છતાંયે એને બરાબર ન પકડી શકવામાં કારણભૂત તો પોતાની અસમર્થતા જ છે, એ વાતનો કવિ અહીં ખુલ્લા દિલે સ્વીકાર કરે છે.

Comments (12)

રાધાની આંખ ! -વિવેક મનહર ટેલર

જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
તીરથ ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.

રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઈ જંઈ એક મોરપિચ્છ રંગાયું,
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ,
તંઈ જંઈ આ વાંસળીએ ગાયું,
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
આ ચોર્યાસી લાખ તણી ચાદર.
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

– વિવેક મનહર ટેલર
(૨૧-૦૭-૨૦૦૯)

જમુનામાં અવિરત વહેતા જળનું કારણ માત્ર રાધા જ છે, મોરપિચ્છનાં રંગોનું રહસ્ય ફક્ત રાધા જ છે, અને વાંસળીમાંથી ફૂંકાતા હૃદયસ્પર્શી સૂરોનો રાઝ પણ કેવળ રાધા જ છે- કેવી મજાની અભિવ્યક્તિ !  

પ્રિય વિવેકને લયસ્તરો તરફથી જન્મદિવસની મબલખ હાર્દિક શુભેચ્છાઓ..

Comments (31)

પારાવારના પ્રવાસી – બાલમુકુંદ દવે

આપણે તે દેશ કેવા ?
આપણે વિદેશ કેવા ?
આપણે પ્રવાસી પારાવારના હે…જી.

સંતરી સૂતેલા ત્યારે
આપણે અખંડ જાગ્યા;
કોટડાં કૂદીને ભાગ્યા :
આપણે કેદી ના કારાગારના હે…જી; 
આપણે પ્રવાસી પારાવારનાં હે…જી.

આપણે પંખેરું પ્યાસી
ઊડિયાં અંધાર વીંઝી
પાંખ જો પ્રકાશભીંજી :
આપણે પીનારાં તેજલધારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારના હે…જી.

આપણે ભજનિક ભારે :
આપણે તે એકતારે
રણકે છે રામ જ્યારે
આપણા આનંદ અપરંપારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારનાં હે…જી.

– બાલમુકુન્દ દવે

આઝાદીની ઝંખના,  જ્ઞાન-પ્રકાશની ખેવના અને ભક્તિના આનંદને ‘એક-તારે’ વણી લેતું ‘કાનથી વાંચવાનું’ ગીત. ઘણા ઘણા વખતથી મનમાં  તો હતું પણ આજે આ ગીત હાથમાં આવ્યું તો ‘આનંદ અપરંપાર’ થઈ ગયો !

Comments (6)

ઉચાટ – પ્રિયકાન્ત મણિયાર

એકલી ઊભી જમનાજીને ઘાટ
નીરખી રહી નીરમાં કાંઈ,ભરતી નહીં માટ !

ક્યાંક બેઠેલો કદંબ-ડાળે
કાનજી ઝૂક્યો જળની પાળે
એની તરતી છબિ સરકી આવી જળના વ્હેણની વાટ !
એકલી…..

કરથી સાહી કેમ તે ધારું ?
ઘટની માંહે કેમ હું સારું ?
અવરને દેખાય ન કાંઈ કોણને કહું ઉચાટ ?

એકલી ઊભી જમનાજીને ઘાટ
નીરખી રહી નીરમાં કાંઈ,ભરતી નહીં માટ !
– શ્રી પ્રિયકાંત મણિયાર

એક એક શબ્દ મહત્વનો છે- જમનાજીનો ઘાટ એ સામાન્ય માનવજાત જ્યાં ઊભી છે તેનું પ્રતિક છે, જમનાજીનું નીર સાક્ષાત પરમતત્વ છે,ઘટ અને માટ [માટલું] એ ગોપીની જાત છે. ગોપી એકલી છે-કારણકે તે પરમતત્વને પામવાને માર્ગે ચાલી નીકળી છે. તે જળ ભરતી નથી,નીરખ્યા કરે છે…..તેને જળ માં કાનુડો દેખાય છે. તેનો ઉચાટ ક્યાંથી કોઈને સમજાય ? જો તે જળને ઘટમાં ભરે તો તે પરમતત્વ સાથે એકાકાર થઇ જાય-ગોપી અને કૃષ્ણ અલગ ન રહે ! કદાચ તે ગોપી જ રહીને અનંતકાળ સુધી કૃષ્ણને ચાહ્યા જ કરવા ઝંખતી હોય !

Comments (17)

તમને ખબર ? – રવીન્દ્ર પારેખ

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
સ્તબ્ધતાએ આદરી દીધી સફર.

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
શૂન્યતા હસતી રહે અર્થોસભર.

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
– ને ક્ષણો પીગળ્યા કરે સૂરજ ઉપર.

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
– ને અહીં શબ્દો ભમે ભીંતો વગર.

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
ઝાંઝવાનું નામ અહીંયા માનસર !

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
ક્યાં હવે એમાં મળે ટહુકાનું ઘર ?

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
કોણ પડછાયાને ઉલેચે અરર !

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
છે સ્મરણમાં પણ મરણ, તમને ખબર ?

– રવીન્દ્ર પારેખ

રવીન્દ્રભાઈ સ્વભાવે પ્રયોગશીલ છે. અહીં આખી ગઝલમાં ઉલા મિસરા (પહેલી કડી)ને ગઝલના રદીફની જેમ જાળવી રાખીને બાકીની એક લીટી જેટલી સાંકડી જગ્યામાં એમણે આઠ શેર કહેવાનું સાહસ કર્યું છે જે ભાવકોના (સદ્)ભાગ્યે સફળ થયું છે.

કવિ જે નગરની વાત કરી રહ્યા છે એ રેતી, તડકા અને સ્મરણનું બનેલું છે… ત્રણેય કલ્પનો પર એક સાથે ધ્યાન આપીએ તો કેટલીક અર્થચ્છાયાઓ ઉપસી આવે છે. ત્રણેય પકડી શકાતા નથી, ત્રણેય પકડાય એનાથી વિશેષ છટકતા રહે છે, ત્રણેય સ્થિર નથી રહેતા અને ત્રણેયનો આકાર પણ ક્ષણેક્ષણ બદલાતો રહે છે… ત્રણેય કદાચ ભીનાશના અભાવ સાથે પણ સંકળાયેલા છે…

…હવે ગઝલ ફરીથી વાંચીએ?

Comments (13)

ચિત્ર – શેરકો બીકાસ (ઈરાકી કૂર્દિશ) અનુ. હિમાંશુ પટેલ

ચાર બાળકો
તૂર્ક, પર્શિયન
એક આરબ અને કૂર્દ
ભેગાં મળી માણસનું ચિત્ર દોરતાં હતાં.
પહેલાએ એનું માથું દોર્યું
બીજાએ એના હાથ અને ઉપલાં અંગો દોર્યાં
ત્રીજાએ દોર્યા એના પગ અને ધડ
ચોથાએ એના ખભા પર બંદૂક દોરી.

– શેરકો બીકાસ (ઈરાકી કૂર્દિશ)
(અનુ. હિમાંશુ પટેલ)

ક્યારેક કોઈ એક જ કવિતા આખા અસ્તિત્વ માટે પણ પર્યાપ્ત હોય છે. આ કવિતા તરફ જુઓ. કેટલી નાનકડી અને કેટલી સરળ ! પણ વાંચો અને ભીતરથી ચીસ ન ઊઠે તો આપણા માણસપણા અંગે શંકા જરૂર કરવી. આપણી ‘સંસ્કૃતિ’ હવે કેટલી હદે વણસી છે એનું આ તાદૃશ ઉદાહરણ છે. આપણું સર્જન પણ વિનાશ સથે જ જોડાયેલું છે અને આ વાત આપણી ગળથૂથીમાં જ પચી ગઈ છે કદાચ.

Comments (12)

(પળ વચ્ચે જીવ્યો) – મનોજ ખંડેરિયા

ખેંચતી ઘૂમરાતી પળ વચ્ચે જીવ્યો
હું જ પોતાનાં વમળ વચ્ચે જીવ્યો

જે મને ડસતી રહી સર્પો બની
એવી કૈં પહેરણની સળ વચ્ચે જીવ્યો

લોહનાં પૂતળાં ઘણાં ભાંગી ગયાં
હું સમયના બાહુબળ વચ્ચે જીવ્યો

એક આંસુનું અજબ ઊંડાણ આ
હું અતળ ઈચ્છાના જળ વચ્ચે જીવ્યો

છંદ શબ્દો લય અવાજો ને ધ્વનિ
તેં દીધાં રૂપાળાં છળ વચ્ચે જીવ્યો

મનોજ ખંડેરિયા

પોતાના જ બનાવેલા વમળોની મધ્યે ખેંચતી ઘૂમરાતી પળોની વચ્ચે ક્યારેક જીવન તો પસાર થઈ જાય છે, પરંતુ એ પળોની વચ્ચે ખરેખર કેટલું જીવી શકાય છે?  અહીં કવિ બેધડક સ્વીકારે છે કે આવી પળ, પોતાના બનાવેલા વમળ ને બીજાએ દીધેલા છળની વચ્ચે પણ ‘જીવ્યા’.  આપણને કોઈ પણ પરિસ્થિતિમાં જો હળવા રહેતા/થતા આવડી જાય તો માત્ર પસાર કરવાની જગ્યાએ જીવનને ખરા અર્થમાં ‘જીવી’ શકાય…

Comments (9)

સાધના કરવી પડે – કિરણસિંહ ચૌહાણ

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.

એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,
એના માટે પણ જગતમાં નામના કરવી પડે.

આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,
યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !

આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,
અન્ય હારી જાય એવી કામના કરવી પડે.

આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,
સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.

 કિરણસિંહ ચૌહાણ

કિરણભાઈની મને ઘણી ગમતી ગઝલોમાંની આ એક ગઝલ.  જેના પાંચેપાચ અશઆરમાંથી કયો શે’ર શિરમોર છે, એ મૂંઝવણ તમે ઉકેલી જ ના શકો.  જો કે મને અંગત રીતે ત્રીજો શે’ર વધુ ગમે છે… જેને યાદ જ ના કરવી પડે એવી યાદને ‘યાદ’ તો કેમ કહી શકાય?  કદાચ ‘ચિરસ્મરણ’ કહી શકાય…!

Comments (27)

જ્યારે વિધાતાએ ઘડી દીકરી… – મકરન્દ દવે

વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે
                    કસબી હાથેથી એણે કરી કમાલ !
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
                    ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.

દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
                   અને મધરાતે માપી સીમાડા સુદૂર,
ચપટીક રજ લીધી નખેતર તણી
                   અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર.

સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં
                  તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસ ને હુલાસ દીધાં
                  જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
                   વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
                   હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ.

– મકરન્દ દવે

નારી-ઘડતરની આ નમણી કવિતા મહિલા દિવસે એટલે કે ગઈકાલે મૂકવી’તી. પણ ગઈકાલે હું એક ખાસ મહિલાની સેવામાં હતો એટલે શક્ય ન થયું. તો હવે આજે પોસ્ટ કરું છું 🙂

(ખાંત=ઉત્સાહ, નખેતર=નક્ષત્ર,  હાસ=હાસ્ય,  હુલાસ=ઉલ્લાસ)

Comments (23)

ઉછેર્યાં છે – પ્રફુલ્લા વોરા

સદા આ જિંદગી માટે અમે મૃગજળ ઊછેર્યાં છે
અને આ આંખના આકાશમાં વાદળ ઉછેર્યાં છે
તમોને તો મુબારક હો વસંતી વાયરા મીઠા
અમે તો પ્રેમથી આ આંગણે બાવળ ઉછેર્યાં છે

– પ્રફુલ્લા વોરા

Comments (9)

(એકબીજાને) – સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ. સુશીલા દલાલ)

કેટલું સારું હોય છે
એકબીજાને વગર જાણ્યે
પાસે પાસે હોવું
અને એના સંગીતને સાંભળવું
જે ધમનીઓમાં બજે છે
એના રંગોમાં તરબોળ થવું
જે બહુ જ ઘેરા ચઢે-ઊતરે છે.

શબ્દોની શોધ શરૂ થતાં જ
આપને એકબીજાને ખોવા માંડીએ છીએ
અને એમની પકડમાં આવતાં જ
એકબીજાના હાથમાંથી
માછલીની જેમ સરકી જઈએ છીએ.

પ્રત્યેક જાણકારીમાં બહુ જ ઊંડે
કંટાળાનો એક ઝીણો તાંતણો છુપાયેલો હોય છે,
કંઈક પણ બરાબર જાણી લેવું
પોતાની સાથે દુશ્મની કરવા બરાબર છે.

કેટલું સારું હોય છે
એકબીજાની પાસે બેસીને ખુદને ઢૂંઢવા
અને પોતાની જ અંદર
બીજાને મેળવી લેવું.

– સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ. સુશીલા દલાલ)

જ્ઞાન બેધારી તલવાર છે. બાળક જન્મે છે, મોટું થાય છે, જીવનનો તાગ મેળવવા પ્રયત્ન કરે છે, વૃદ્ધ થાય છે – કોઈક ભાગ્યશાળીને સમજાય છે કે જીવનનું ગંતવ્ય છે – બાળસહજ જ રહેવું ! ભગવાનની રમૂજવૃત્તિનું શું આ શ્રેષ્ઠ ઉદાહરણ નથી ?

Comments (12)

વહેલાં ખીલેલાં વાયોલેટ ફૂલને – સ્વામી વિવેકાનંદ

(મન્દાક્રાન્તા)

તારી શય્યા હિમથકી ઠરેલી ભલે હોય, વાયુ
ઠારી દેતો તુજ વસન હો, ને ભલે પંથ તારે
ના કો ભેરૂ દિલ બહલવા, આભ આખું ઝળુંબે
છો ને માથે – ગમગીની સમાં વાદળાંથી છવાયું !
થાતો છોને વિફલ તુજ સૌ સ્નેહ, મીઠી સુવાસ
ખાલી ખાલી સહુ વિખરતી હો, ભલે ને અશુભ
છાઈ રહેતું સકલ શુભની ઉપરે થૈ વિજેતા !
તો યે ના હે વિમલ મધુરા જાંબલી ફૂલ ! તારી
ના દે ત્યાગી અસલ પ્રકૃતિ મંદ ખીલ્યે જવાની !
કિંતુ તારી સુરભિ વણથંભી અહીં દે પ્રસારી
મીઠી મીઠી ! દૃઢ પ્રતીત ! યાચ્યા વિના અર્પી દેજે !

– સ્વામી વિવેકાનંદ
(૦૬-૦૧-૧૮૯૬)
*
To an Early Violet

What though thy bed be frozen earth,
Thy cloak the chilling blast;
What though no mate to clear thy path,
Thy sky with gloom o’ercast —
What though of love itself doth fail,
Thy fragrance strewed in vain;
What though if bad o’er good prevail,
And vice o’er virtue reign —
Change not thy nature, gentle bloom,
Thou violet, sweet and pure,
But ever pour thy sweet perfume
Unasked, unstinted, sure !

– વાયોલેટ એ પાશ્ચાત્ય દેશોમાં વસંત બેસે અને શિયાળો પૂરો થવાનો હોય એ સંધિકાળ દરમિયાન ખીલતું પુષ્પ છે. એ ખીલે છે ત્યારે પવનના ઠંડા સૂસવાટાઓનો એણે સામનો કરવો પડે છે. પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમવા માટે સિસ્ટર ક્રિસ્ટાઇનને પ્રોત્સાહન આપવા માટે સ્વામીજીએ આ કાવ્ય ન્યૂયૉર્કથી લખ્યું હતું.

ગમે એટલી વિપત્તિ કેમ ન આવી પડે, મનુષ્યે પોતાની સજ્જન પ્રકૃતિ ત્યાગવી ન જોઈએ જે રીતે ફૂલ એની મીઠી મીઠી ફોરમ પ્રસરાવતું રહે છે, વિપુલ માત્રામાં અને માંગ્યા વિના અને કોઈપણ કામના વગર !!

Comments (17)

ગઝલ – જયંત સંગીત

આંધળી આંખે બધું જોતાં રહે છે ટેરવાં,
સ્પર્શનું રૂપાંતરણ કરતાં રહે છે ટેરવાં.

એકબીજામાં ભળીને ઓગળી જાતું સકલ,
ને સપાટી પર ફકત તરતાં રહે છે ટેરવાં.

ના થવાની તૃપ્ત હું ક્યારેય પણ વ્હાલી સખી,
રોજ મારામાં તરસ ભરતાં રહે છે ટેરવાં.

આ દિવસની માછલી પણ હાથમાં રહેતી નથી,
ને ઉપરથી રાત ખોતરતાં રહે છે ટેરવાં.

શું કહું ? શરમાઉં છું કહેતા તને સંગીતયા,
એમને સ્પર્શ્યા પછી રાતાં રહે છે ટેરવાં.

– જયંત સંગીત

ધીમે ધીમે ઉઘાડો તો સકળ ઓગળીને એકાકાર થઈ જાય એવી પણ દોડીને પસાર થઈ જાવ તો સપાટી પર ફક્ત ટેરવાં જ તરતાં રહી જાય એવી ગઝલ. અને આ સ્પર્શની, પ્રેમની તરસની કદી તૃપ્તિ પણ થતી નથી… જેટલું પીઓ એટલી એટલી એ વધવાની, ઇચ્છાની જેમ જ…. દિવસ હાથમાં નથી ને રાતની ઝંખના છે…

Comments (12)

(ઘડપણનું ગીત)- ભગવતીકુમાર પાઠક

વાળને તો ડાય કરી કાળા કર્યા, પણ ભમ્મરને કેમ કરી ઢાંકો ?
રાજ, હવે જોબનનો ઉતારો ફાંકો !

ચોકઠું ચડાવી શીંગ ખાશો પણ રાજ, તમે આખાં તે વેણ કેમ બોલશો ?
થરથરતા હાથથી બોલપેન ઉઘડે પણ વેણીને કેમ કરી ખોલશો ?
દાદર ચડતાં રે હાથ ગોઠણ દિયો ને કોઇ મુગ્ધા બોલાવે કહી ‘કાકો’ !

તડકામાં ઢોલાજી બબ્બે દેખાય, આ તો મોતિયો ઉતરાવવાનું ટાણું !
સાંભળવા ઈચ્છો તો અરુંપરું સાંભળો, પડદીમાં પડ્યું છે કાણું;
મિચકારો મારો તો પાણી ઝરે ને રાજ, પડછાયો સાવ પડે વાંકો.

તસતસતા પેન્ટ દઈ વાસણ ખરીદો અને ધોતીયું કે લુંગી લો ચડાવી,
સીટી મારો તો ઢોલા હાંફી જવાય, હવે સીસકારે કામ લો ચલાવી;
ઘોડે ચડીને હવે બાવા ન પાડશો, કમ્મરમાં બોલશે કડાકો.

– ભગવતીકુમાર પાઠક

આ કવિશ્રી વિશે મને ઝાઝી ખબર નથી, પરંતુ વાંચીને સાવ હળવા થઈ જવાય એવી એમની કે આ સાવ ‘હળવી’ કવિતા ક્યાંક વાંચી હતી અને મને ખૂબ જ ગમી ગઈ હતી.  કો’ક ઘરનાં કે આજુબાજુનાં ઘરડા વડીલોને ઘ્યાનમાં રાખીને આ કવિતા બિલકુલ ના ગણગણશો;  કારણકે મુજ વીતી તુજ વિતશે નાં નિયમ મુજબ એક દિ’  આપણોય વારો આવવાનો જ છે !  🙂

Comments (15)

ઊલટી રમત – તસલીમા નસરીન (અનુ. સોનલ પરીખ)

મેં જોયો
બજારમાં એક પુરુષને, એક સ્ત્રી ખરીદતાં
મારે પણ ખરીદવો છે, એક પુરુષ
સાફ દાઢીમૂછ, ચોખ્ખા કપડાં, ઓળેલા વાળ
શરીર અને સ્નાયુઓ દેખાય એમ મુકાયો હોય જે
મુખ્ય માર્ગ પર, વેચાવા
તેને કોલરથી ખેંચી
રિક્ષામાં ફેંકવો છે
તેની ગરદન, પેટ અને છાતીમાં આંગળીઓ નાખી
ઘેર લાવી પટકવો છે પથારીમાં
ને પેટ ભરાય એટલે
એડીવાળાં સેન્ડલથી ફટકારી, ગંદી ગાળો દઈ
હડસેલી મૂકવો છે: ‘ચાલ ફૂટ… તારી જાતના…’
માથા પર મેલો પાટો બાંધી
ચામડી ખણતો
સવારે તે ઝોકાં ખાતો હશે શેરીમાં
કૂતરાં તેના જખમ પરથી ફૂટતાં લોહીપરુ ચાટતા હશે
ને જતી આવતી સ્ત્રીઓ, બંગડીઓ રણકાવતી
અટ્ટહાસ્યથી ગલી ગજવતી જશે
સાચે જ
એક પુરુષ ખરીદવો છે મારે
તાજો, તંદુરસ્ત, છાતી પર વાળવાળો
તેને મસળી કચડી છૂંદી લાત મારી નાખી દેવો છે બહાર
ને બરાડવું છું: ‘મોં કાળું કર, ચાલ્યો જા, હરામી!’

– તસલીમા નસરીન ( -અનુ. સોનલ પરીખ)

ચાબખાના સોળ જેવી આ કવિતા એટલે નકરો, નફકરો અને નગ્ન આક્રોશ. જ્યારે ચીસો સદીઓ સુધી બહેરા કૂવાઓમાં ભટક્યા કરે ત્યાર પછી જ આવો આર્તનાદ ઉદભવી શકે. આ કવિએ પોતાનું વતન, બાંગ્લાદેશ, તો ઘણા વર્ષોથી છોડી દેવું પડેલું. અને હવે છેવટે ભારત પણ છોડી દેવું પડ્યું છે. કોઈને સત્ય સાંભળવું ગમતું નથી.

( ‘દિવ્યભાસ્કર’ માંથી )

Comments (27)

પહેલા એ લોકો… – માર્ટિન નાઈમુલર

નાઝીઓ જ્યારે સામ્યવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સામ્યવાદી નહોતો.

એ લોકો જ્યારે સમાજવાદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું સમાજવાદી નહોતો.

એ લોકો જ્યારે કામદાર યુનિયનવાળાઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું કામદાર યુનિયનવાળો નહોતો.

એ લોકો જ્યારે યહુદીઓને પકડવા માટે આવ્યા,
ત્યારે હું ચૂપ રહ્યો;
હું યહુદી નહોતો.

એ લોકો જ્યારે મને પકડવા માટે આવ્યા,
ત્યારે બોલવા માટે કોઈ બચ્યું જ નહોતું.

– માર્ટિન નાઈમુલર
(અનુ. ધવલ શાહ)

માર્ટિન નાઈમુલર નાઝી જર્મનીમાં પાદરી હતા. આજે હિટલરના અત્યાચારોનો બધા વિરોધ કરે છે પણ આશ્ચર્યની વાત એ છે કે એ વખતે આખુ જર્મની હિટલરની સાથે હતું. એના અત્યાચારનો બધા સક્રિય કે નિષ્ક્રિય રીતે ટેકો કરી રહ્યા હતા. જે થોડા લોકોએ હિટલરની પ્રવૃત્તિઓનો વિરોધ કરેલો એમાંથી માર્ટિન નાઈમુલર એક હતા. એમને પણ પકડી લઈને કોનશનટ્રેશન કેમ્પમાં મોકલવામાં આવેલા પણ કોઈ રીતે એ બચી ગયેલા. પાછળથી એમણે આખી જીંદગી યુદ્ધ અને અત્યાચારનો વિરોધ કરવામાં કાઢેલી.

હિટલર માણસ શેતાન હતો એ સમજી શકાય એવી બાબત છે. પણ એની શેતાનિયત ચાલી એનું મોટુ કારણ એ કે લાખો માણસોમાંથી મૂઠીભર માણસો સિવાય કોઈએ એનો વિરોધ ન કર્યો. બધા ‘મારે શું?’ કરીને બેસી રહ્યા.

અન્યાયનો વિરોધ ન કરવો એ પણ અન્યાય કરવા જેટલું જ મોટું પાપ છે.

મૂળ કવિતા અને વધુ માહિતી

Comments (15)

પહેલી પ્રીત – રતિલાલ ‘અનિલ’

યૌવનની પ્રીત પ્હેલી, ફાગણની રંગહેલી !
હૈયુ અતિ અધીરું ને આંખ સાવ ઘેલી !

નયને કટાક્ષ આછા વાણી પ્રીતે રસેલી,
હૈયામાં પ્રીત જાણે મ્હેંકી ઊઠી ચમેલી!

પ્રસરે છે એમ બાહુ, વીંટળાય છે જેમ વેલી.
શરમાઈ તે રહ્યાં છે, મેં સાવ લાજ મેલી!

ઈર્ષ્યાળુ કેટલી છે, ઊગી ઉષા વહેલી!
જોઈ રહ્યાં છો સ્વપ્નો ! કાં આંખ છે ઢળેલી ?

તારી શરમની લાલી ગુલમ્હોરમાંય રેલી !
કાં આંગળીઓ આજે પાલવથી ખૂબ ખેલી?

ફૂલો તો શું વસંતે કળિયો છે છકેલી,
સુંદર છે એ ‘અનિલ’, મેં વસ્તુઓ સૌ ચહેલી.

– રતિલાલ ‘અનિલ’

તમામ વાચકમિત્રોને લયસ્તરો તરફથી ફાગણનાં રંગો અને હોળીની શુભેચ્છાઓ… (એમ પણ અમેરિકામાં જરા મોડી જ આવે છે! 🙂 ) અને પહેલી પ્રીતનાં રંગોથી રંગાયેલી આ રંગીન ગઝલ પણ !

Comments (11)