April 30, 2009 at 10:30 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
ચીસ પાડી ઊઠવાની એક વેળા હોય છે
ત્યાં સુધી ઘડિયાળના હોઠો, બીડેલા હોય છે
એમની ટક-ટક ભલે વેળા-કવેળા હોય છે
હાથ ઝાલી, સાચવી ટાણું, ઊભેલા હોય છે
ચાહ સાતે, છાપું સાડા સાત, આઠે ફોન પર
આઠ પાંચે, અંતરે ઈશ્વર વસેલા હોય છે
એક દિવસ એમને હળવેકથી હડસેલજો
સંવતોનાં બારણાં તો અધખૂલેલા હોય છે
લ્હેરી લાલો હોય તો ખિસ્સામાં રાખીને ફરે
સૌએ કાંડાં, આમ તો, સોંપી દીધેલાં હોય છે
– ઉદયન ઠક્કર
સમય તમારા પર સવાર થઈ જાય એ પહેલા સમય પર સવાર થઈ જવું એ જીંદગી જીતી જવાનો કીમિયો છે. કમનસીબે મોટા ભાગના માણસો ઘડિયાળને સમયની હાથકડી સમજીને જીવે છે. એક સાચી ક્ષણે તમે જરા હળવેકથી હડસેલો તો સમય ખુદ તમને ગત દિવસોના બધા રહસ્યો કહેવા તૈયાર જ હોય છે. એટલી રાહ જોવાની કદાચ આપણી જ તૈયારી હોતી નથી.
કાળજે ઘુમરાય છે ભીનો અનિલ,
એટલે શબ્દોથી રહેવાયું નહીં !
– રતિલાલ ‘અનિલ’
આ દેશમાં અઢળક વરસાદ છે, પણ ચોમાસું નથી. લીલોતરીનો સંબંધ વર્ષા સાથે છે એનાથી વધારે ઉષ્મા સાથે છે. એટલે અહીં રહીને અષાઢના પ્રથમ દિવસની કલ્પના વધુ રોમાંચક લાગે છે. વરસાદમાં જ્યારે ‘શબ્દોથી રહેવાયું નહીં’ ત્યારે સરી પડેલી આ ગઝલના જોરે ઊનાળો કાઢી નાખો દોસ્તો … અષાઢ એટલો બધો દૂર પણ નથી !
જન્મ એક શરૂઆત છે
મૃત્યુ આખરી મુકામ
અને જીવન એક મુસાફરી.
મુસાફરીઓ થતી રહે :
બચપણથી પુખ્તતા સુધી
તારુણ્યથી વૃદ્ધત્વ સુધી
નિષ્કપટતાથી સાવધતા સુધી
અજ્ઞાનથી જ્ઞાન સુધી
મૂર્ખતાથી નુક્સાન સુધી
અને ત્યાંથી કદાચ ડહાપણ સુધી
નબળાઈથી તંદુરસ્તી સુધી
અને ક્યારેક વળી તંદુરસ્તીથી માંદગી સુધી
ફરી ફરી તંદુરસ્તીની આશા સુધી
દોષથી ક્ષમા સુધી
એકલતાથી પ્રેમ સુધી
આનંદથી કૃતકૃત્યતા સુધી
પીડાથી રાહત સુધી
દુઃખથી સમજણ સુધી
ભયથી વિશ્વાસ સુધી
પરાજયથી પરાજય
અને પરાજય સુધી
અંતથી માંડી છેક શરૂઆત સુધી
જોઈ વળો તો વિજય
સમગ્ર પથ પરના કોઈ ઊંચા સ્થાન પર
બિરાજિત નથી
પરંતુ
પગલે પગલે કંડારાતી
પુનિત યાત્રામાં જ નિહિત છે.
– આલ્બર્ટ આઈન્સ્ટાઈન
અનુવાદ : રમણીક અગ્રાવત
E=MC2 જેવો સાપેક્ષવાદનો અટપટો સિદ્ધાંત આપનાર વીસમી સદીના મહાનતમ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન કલમ લઈ ક્યારેક કવિતા પર પણ હાથ અજમાવતા હતા એવું જાણીએ તો સાશ્ચર્યાનંદ જ થાય ને ! કવિ મુસાફરીની વાત લઈને આવે છે અને જીવનમાં આપણે નાનાવિધ સ્વરૂપે જે જે સફર અનવરતપણે કરતા રહીએ છીએ એ બધાની વાત કરે છે. યાદી લંબાતી જાય ત્યારે એમ થાય કે વૈજ્ઞાનિક કવિતામાં પણ સમીકરણો લઈને બેસી ગયા કે શું ? પણ બધી મુસાફરીઓમાં અંતે જ્યારે પરાજયથી પરાજય અને પરાજય સુધી આવે ત્યારે એક થડકો અનુભવાય… આ કેવી મુસાફરી છે જ્યાં હાર પર હાર અને હાર પછી હાર જ આવે છે ! પણ આ એક મહાન વૈજ્ઞાનિકની વાત છે. અહીં સત્ય સીધેસીધું આવી ભેટે એવી અપેક્ષા વધારે પડતી છે. જીવનનું સૌથી મોટું સત્ય વૈજ્ઞાનિક કવિતાના અંતે ખોલે છે કે હકીકતમાં વિજય કોઈ ઉચ્ચાસને નથી વિરાજતો, સાચો વિજય તો હોય છે વિજય માટેની પવિત્ર યાત્રાના હરએક પગલાંમાં…. માત્ર પગલાંમાં !
April 26, 2009 at 1:15 AM by વિવેક · Filed under આબિદ ભટ્ટ, ગઝલ
મંજિલ અનહદ દૂર પ્રવાસી, છે ધુમ્મસનાં પૂર પ્રવાસી.
ઠોકર એક જ વાગે એવી, સપનાં ચકનાચૂર પ્રવાસી.
હામ ધરી લે હૈયે હો જી, શાને તું મજબૂર પ્રવાસી !
સમજી લે કલરવની બોલી, વન મળશે ઘેઘૂર પ્રવાસી.
તમસ ભલેને કરતું લટકા, આતમનાં છે નૂર પ્રવાસી.
થાજે ના બેધ્યાન કદી પણ, હો ભીતરના સૂર પ્રવાસી.
મરણ મળે તો જા ઓવારી, જન્નતમાં છે હૂર પ્રવાસી !
– આબિદ ભટ્ટ
ટૂંકી બહેરની મુસલસલ ગઝલ. મંજિલ દૂર છે અને માર્ગ અડાબીડ ધુમ્મસથી ભર્યો છે, જિંદગી એક જ ઠોકરમાં ભલભલાં સપનાંને ચકનાચૂર કરી દે એવી કડવી વાસ્તવિક્તા છે પણ મજબૂર ન થઈ દિલમાં હિંમત રાખી આત્માના અજવાળાના સહારે બેધ્યાન થયા વિના મુસાફરી કરનાર એની મંઝિલે અચૂક પહોંચે જ છે…
April 25, 2009 at 12:50 AM by વિવેક · Filed under કેતન કાનપરિયા, ગઝલ
અશ્રુ જેવાં ફૂલ ખીલે આંખની આ ડાળ પર થાક ખાવા રોજ બેસે પાંપણોની પાળ પર
બાગમાં બેઠી તું સાંજે તો નમી ગઈ ડાળખી ને સવારે દોડ્યું ઝાકળ પાંદડના ઢાળ પર
કોઈ પૂછે ભૂલથી ગીતો લખો છો પ્રેમના ? જિંદગી આખી લખી દઉં પ્રેમ જેવા આળ પર
આભમાં પંખીડું ઘાયલ તીર ને ભાલા વિના, તીર જેવી મેશ આંજીને તું બેઠી માળ પર
યાદ તારી એમ કૂદે બેસું જો લખવા ગઝલ જેમ કૂદે માછલી જળમાં પડેલી જાળ પર
– કેતન કાનપરિયા
ગઈકાલે જ ઓળઘોળ થઈ જવાનું મન થાય એવો ‘પાંપણની પાળ પર’નો શેર માણ્યો ત્યાં આજે ફરી એકવાર પાંપણની પાળ જડી ગઈ… લ્યો ! હવે અહીં બેસીને થાક ખાઓ અને માણો ચૂકવી ન પોસાય એવી મજાની ગઝલ…
‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા મેઘાણીની આ રચના પહેલી નજરે રાષ્ટ્રીય ચેતનાની એમની શૈલીથી થોડી અલગ લાગે પણ પોત તપાસીએ તો ખબર પડે કે આમાંય વ્યક્તિચેતનાની વાત જ છે. કુદરતની મબલખ સંપત્તિમાંથી કવિ માત્ર પોતાને જેની સાચોસાચ જરૂર છે એવા બુંદમાત્રની જ યાચના કરે છે. અહીં કોઈ મનુષ્યસહજ સંગ્રહવૃત્તિ નજરે ચડતી નથી. અને કવિ જે ઈચ્છે છે એ પણ કોઈ ખોવાયેલાને સાદ દેવા કે યાદ કરનારને ચિતરવા યા ઊંઘવિહોણાને મદદ કરવા જ માંગે છે… કોઈ ઝાકઝમાળભર્યા સૌંદર્યનીય કવિને અપેક્ષા નથી, કવિ માત્ર અંતિમવેળાએ ગાઢ અંધકારની પછેડી જ તાણવા માંગે છે…
ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
આયનાઓ દંગ છે મારી ભીતર.
બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ
મન-હૃદયની સંગ છે મારી ભીતર!
શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.
હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.
શ્વાસ નશ્વર, થઈ ગયાં ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.
– વિવેક મનહર ટેલર
આજે વિવેકની એક સ્વરબદ્ધ ગઝલ માણો. ગઝલ તો લયસ્તરોના વાંચકો પહેલા માણી જ ચૂક્યા છે. સ્વર અને સંગીત સુરતના કલાકાર શૌનક પંડ્યાના છે.
અડબંગ= જક્કી, હઠીલું, અક્ષૌહિણી= જેમાં ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ રથ, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ હોય તેવી ચતુરંગી સેના (કૃષ્ણ ભગવાને યુદ્ધ પૂર્વે અર્જુન અને દુર્યોધન સામે ક્યાં તો નિઃશસ્ત્ર એવો હું અથવા મારી અઢાર અક્ષૌહિણી સેના એવો મદદનો વિકલ્પ આપ્યો હતો)
નહિ જોવાં દિનરાત : નહિ આઘું, ઓરું કશું;
શું ભીતર કે બહાર, સાજણ ! તુંહિ તુંહિ એક તું.
નેન રડે ચોધાર તોય વિજોગે કેમ રે ?
આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે ?
– મનસુખલાલ ઝવેરી
પ્રણય, વિરહ અને વિરહની તીવ્રતાનો અદભુત રંગ અહીં ઊઘડે છે. કવિ જાણે ચિત્રકાર હોય એમ કલમથી અમૂર્ત સૌંદર્યને જાણે કે મૂર્ત કરે છે. આષાઢી મેઘ ગાજે એના પડઘા ડુંગરાઓ ઝીલે છે. મોર ત્રિભંગી કરી મલ્હાર રાગ જાણે કે આલાપે છે અને અંતરમાં પ્રિયજનના લાખો સપનાંઓ આકાર લે છે. ફૂલો એમ ખીલ્યા છે જાણે ચાદર ન બિછાવી હોય અને ઘાસ પણ કંઈ આ સ્પર્ધામાં પાછળ રહે એમ નથી. અષાઢી વાદળો ઘડીમાં કાળા, ઘડીમાં ધોળા, પળમાં સૂરજને ઢાંકે તો પળમાં ખોલે એમ તડકી-છાંયડી વેરે છે. સમુદ્રમાં જેમ મોજાંઓ રણઝણે એમ દિલમાં પ્રિયજનની અફાટ-અસીમ યાદ માઝા મૂકે છે. આવામાં દિવસ શું ને વળી રાત શું? આઘું શું ને વળી નજીક શું? અંદર શું ને વળી બહાર શું? અત્ર-તત્ર-સર્વત્ર તું જ- તુંનો પોકાર છે… છેલ્લી બે પંક્તિઓમાં તો વળી સૉનેટમાં જોવા મળે એવી ચોટ છે… વિયોગમાં અંતરની અને બહારની સૃષ્ટિ જો આ રંગ-રૂપ લેતી હોય તો પ્રિયજન જો આવી ચડે તો તો પછી વાત જ શું પૂછવી?
પ્રેમાનંદના આખ્યાન એ મધ્યકાલીન ગુજરાતી કવિતાનો આગવો અવાજ છે. આજની પરિભાષામાં કહીએ તો આખ્યાન એટલે એ જમાનામાં લખાતી પદ્ય નવલકથા. નવલકથામાં પ્રકરણ હોય તેમ આખ્યાનમાં કડવું યાને કે ઢાળ. આ આખ્યાન-ગઝલમાં જોકે સાંપ્રત જમાનાની લાઘવની અપેક્ષાની એરણ પર ખરા ઉતરવા કવિ એક જ કડવાની આખ્યાન-ગઝલ લઈ આવ્યા છે. નવલકથાની પ્રસ્તાવના એટલે આખ્યાનનું મુખબંધ. અહીં નવલકથામાં શું વાત આવવાની છે એના અણસારનો પિંડ બંધાય છે. વલણ અથવા ઊથલો સામાન્યરીતે બે પંક્તિનું હોય જેમાં પહેલી પંક્તિમાં વહી ગયેલી વાર્તાનો ટૂંકસાર અને બીજી પંક્તિમાં આવનારી વાર્તાનો સંકેત હોય છે. અહીં જો કે એક જ કડવાની ગઝલ હોવાથી કવિ ઊથલો ત્રણ શેર સુધી લંબાવવાનું વલણ રાખે છે. ઉપસંહાર એટલે આખી નવલકથાનો સાર અને આખ્યાનના અંતે આવે છે ફળશ્રુતિ. એ જમાનામાં પુસ્તકો લખાતા નહોતા અને કવિતાઓ લોકમુખે જ જીવતી રહેતી. એટલે કવિતાનું વારંવારનું પુનરાવર્તન જ એને જીવતી રાખી શક્શે એ વાતથી અભિપ્રેત કવિ કવિતાના અંતે ફળશ્રુતિ રાખતા જેમાં આ આખ્યાનનો પાઠ કરવાથી વાચકને કેટલો ફાયદો થશે અને એને કેટલું પુણ્ય મળશે એનો અણસારો દઈ ‘પોઝીટીવ ઈન્સેન્ટીવ’ આપવામાં આવતું.
ઈશ્વરને મળવાની વાત છે. આયખાની ક્ષણભંગુરતા ‘ભગ્ન સમય’, સોયની અણી’ અને ‘પરપોટા’ વડે સૂચક રીતે બતાવી કવિ શરૂઆત કરે છે. પરપોટાનું આયુષ્ય આમેય કેટલું? અને એ પણ વળી સોયની અણી પર હોય તો ?
ઈશ્વર છે કે નહીંની શાશ્વત ચર્ચાઓ ગૂંથે ભરીને કવિ નીકળ્યા છે. સુદામાનો સંદર્ભ ઝળકે છે. હાથ ખાલી હતા એટલે આડોશપાડોશમાંથી મુઠ્ઠીભર તાંદુલ લઈ કૃષ્ણને મળવા નીકળેલ સુદામાની જેમ કવિ જીવનની તડકી-છાંયડી માંગીતુંસીને સાથે લે છે. મળવાનો રસ્તો પણ જાણી જોઈને કાચો બાંધે છે. કાચો હોય તો તૂટે અને તૂટે તો ફરીફરીને બાંધવાની તક મળે. અને અંતે ઈશ્વર ભક્તને ક્યાં ઝાલે છે એ જુઓ ! તેજ અને તિમિરની વચ્ચે, હદ અને અનહદની વચ્ચે અને જેણે ભક્તને ‘હોવાપણાં’ની છૂટ બક્ષી છે એ ભક્તને સ્ત્રી જેમ વાળ છુટ્ટા બાંધે છે એમ છુટ્ટા બાંધે છે !
અંતે કવિ સોનેટ જેવી ચોટ કરે છે. ઈશ્વરનું સાંનિધ્ય જેણે સાચુકલું નહીં પણ સ્વપ્નમાંય અને વધુ નહીં ક્ષણભર પણ માણ્યું છે એણે પરપોટા જેવા જીવતરમાં પણ સાચો અનંત સાગર પ્રાપ્ત કરી લીધો છે. કવિ અહીં ગઝલારંભની ક્ષણભંગુરતા અને પરપોટાની વાત સાથે પુનઃસંધાન સાધીને કાવ્યતત્ત્વ સિદ્ધ કરે છે…
કહો શબ્દ આજે પ્રતિઘોષપૂર્વક ગઝલ પણ લખો તો લખો હોંશપૂર્વક
હૃદયમાં ઉમળકા હતા જોશપૂર્વક થઈ આંખ ભીની જરા ઓસપૂર્વક
-કવિ રાવલ
કવિની એક સુંદર મત્લા ગઝલ.વળી આ ગઝલ હમરદીફ-હમકાફિયા ગઝલ પણ છે.’ લગાગા’ના આવર્તન ગઝલની મૌસિકી વધારે છે અને એકધારા આવ્યા કરતા મત્લા એમાં ચાર ચાંદ લગાવે છે. એક જ શબ્દના અડધિયા ‘પૂર્વક’ને રદીફની જેમ વાપરીને કવિ જે રીતે નવા શબ્દો ‘કોઈન’ કરે છે એ જોવા જેવું છે !
April 16, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનહર મોદી
તેજને તાગવા, જાગ ને જાદવા
આભને માપવા, જાગ ને જાદવા
એક પર એક બસ આવતા ને જતા
માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા
આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા
શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે
ફૂલવા ફાલવા, જાગ ને જાદવા
ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું
એટલું જાગવા, જાગ ને જાદવા
આપણે, આપણું હોય એથી વધુ
અન્યને આપવા, જાગ ને જાદવા
હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગ ને જાદવા
– મનહર મોદી
નરસિંહ મહેતાના ‘જાગ ને જાદવા’ પદના ઝુલણા છંદને હૂ-બ-હૂ મળતા આવતા ‘ગાલગા’ના સંગીતમય આવર્તનોથી આ ગઝલની લયાત્મક્તા વધે છે. નરસૈયો જગતના તાતને જગાડવા આર્દ્ર સ્વરે વિનંતી કરે છે, મનહર મોદી પોતાની જાતને જગાડવા તારસ્વરે ગાય છે. ગઝલ જેમ આગળ વધે છે એમ અર્થનું ઊંડાણ વધતું જાય છે. છેલ્લા ત્રણ શેરમાં તો પોત ખાસ્સું ગાઢું બને છે. ઊંઘ આવી ન જાય એમ ઊંઘવું અને એટલું જાગવા માટે જાગવાની ટકોર- બંને મિસરામાં એક જ શબ્દની દ્વિરુક્તિથી કવિ જે ભાવ વ્યંજિત કરે છે તે ભાવકને શેરના પ્રત્યેક પુનરાવર્તન પર નવી ચેતના બક્ષે છે. અહીં ‘ઊંઘ’ અને ‘જાગવું’ બંને ધ્યાન માંગી લે છે.
April 15, 2009 at 4:28 PM by ઊર્મિ · Filed under ગીત, મુકુલ ચૉકસી
આજકાલ ભારતમાં ચૂંટણીની હવા ફૂંકાઈ રહી છે. આપણે સૌ ભારતીયો ગંદા રાજકારણને સુધારવાની કાયમ વાત કરતા હોઈએ છીએ. એ જ રાજકારણ અને નેતાઓને બદલવાનો મોકો દરેક નાગરીક પાસે છે જ, મતદાન ! પરંતુ જ્યારે ચૂંટણીમાં મત આપવાની વાત આવે ત્યારે સાવ નિરાશાવાદી વલણ અપનાવીએ છીએ… કે આપણા એક મતથી શું થવાનું હતું? પરંતુ જેમ કાંકરે કાંકરે પાળ બંધાઈ અને ટીપે ટીપે સરોવર ભરાય, એવી જ રીતે એક એક નહીં અપાયેલાં મતોની સંખ્યા કેટલી હશે એ કદી વિચાર્યું છે? બની શકે કે એ નહીં અપાયેલા મતો જ રાજકારણનો આખો ઈતિહાસ બદલવા માટે સમર્થ હોઈ…! પરંતુ જ્યાં સુધી મત આપશો નહીં ત્યાં સુધી તમને કેમ ખબર પડશે…?! તો દરેક નાગરીકને મત આપવા માટે ઉત્સાહિત કરવા માટે મુકુલ-મેહુલની જોડીએ સૌને મતદાન કરવાની પ્રેરણા આપવા માટે એક અભિયાન હાથ ધર્યુ છે… લાઈન લગાવો… તો ચાલો મિત્રો, અત્યારે આ ગીતને સાંભળવા માટે તો તમારે લાઈન લગાવવાની બિલકુલ જરૂર નથી… પરંતુ હા, એપ્રિલની 30મી મતદાન કરવા માટે તો તમે જરૂર લાઈન લગાવશો ને?!
એક માણસ મુક્તિફળ લેવા ગયો હતો એણે કહેલું, હું પાછો આવીશ રાહ જોજે.
ખબર નથી એ ક્યાં ગયો છે ક્યા એકાકી હિમ અરણ્યમાં કે કોઈક નીલિમા-ભૂખ્યા પહાડને શિખરે ખબર નથી એની સામે કેવી આકરી મુશ્કેલીઓ ખડી છે ખબર નથી એ કેવા અસહનીય સાથે સંગ્રામ ખેલે છે. એણે મુક્તિફળ લાવવાનું કહેલું એણે રાહ જોવાનું કહેલું
હું બાર વર્ષ એની રાહ જોઈશ એ પછી પણ જો એ પાછો નહિ આવે તો મારે જવું પડશે.
હું પણ પાછો નહિ આવું તો જશે મારાં સંતાનો.
– સુનિલ ગંગોપાધ્યાય (અનુ. નલિની માડગાંવકર)
કવિ એવા મુક્તિફળની વાત કરે છે જે લઈને કોઈ પાછું આવતું (ને કદાચ આવવાનું પણ) નથી. વચનની કિંમત છે અને ધ્યેયની ઈજ્જત છે. આ ધ્યેયને છોડી દેવાનું તો વિચારી શકાય એમ પણ નથી. એક પછી એક પેઢી હોમાતી જાય તો પણ આ શોધ ચાલુ જ રહેવાની છે.
આ આખી વાત વાંચીને હસવું આવે – ભલા આવા મુક્તિફળ પાછળ સમય બગાડવાની શું જરૂર છે ? જેના હોવા કે ન હોવા વિષે પણ ખબર નથી એની પાછળ જીંદગી બગાડવાની શી જરૂર છે ? જે લઈને કોઈ કદી પાછું આવ્યું નથી એની પાછળ એક પછી એક પેઢીઓએ ઢસડાવાની શું જરૂર ? …..
પણ હકીકત તો એ છે કે આખી દુનિયા સદીઓથી આ જ કામ કરી રહી છે ! કોઈએ ખરી મુક્તિ જોઈ નથી પણ એને પામવાની ઈચ્છા જગતની શરૂઆતથી આજ લગી ચાલ્યા જ કરી છે. આ ઘાણીમાંના બળદ જેવી વૃત્તિ છે કે પછી એક ચિંતન-વંતી, સ્વપ્ન-ગર્વિત, બાહોશ પ્રજાનું લક્ષણ છે ?
મહેંદી હસનના નિરામય દીર્ઘાયુષ્યની પ્રાર્થના માટે સુરત ખાતે યોજાયેલો કાર્યક્રમ જબરદસ્ત સફળતાને વર્યો. હકડેઠઠ ભરાયેલ ગાંધી સ્મૃતિ ભવન મધ્યાંતર પછી પણ એ જ રીતે ભરાયેલું રહ્યું. અમદાવાદથી આવેલ અનિકેત ખાંડેકર, મુંબઈના વિકાસ ભાટવડેકર તથા રાજકોટના ગાર્ગી વોરા ઉપરાંત સુરતના અમન લેખડિયાએ રઈશ મનીઆરના રસતરબોળ કરતા સંચાલન હેઠળ મહેંદી હસને ગાયેલી ગઝલ, લોકગીત અને હીરની રમઝટ બોલાવી સતત ત્રણ કલાક શ્રોતાજનોને ભીંજવ્યા. આ કદાચ વિશ્વભરમાં મહેંદી હસનની આર્થિક સહાય માટે કરવામાં આવેલી સર્વપ્રથમ ટહેલ હતી અને આખા કાર્યક્રમનું પ્રારંભબિંદુ ઇન્ટરનેટ અને ગુજરાતી બ્લૉગ્સ- લયસ્તરો.કોમ, ટહુકો.કોમ અને ઊર્મિસાગર.કોમ બન્યા હતા. આ કાર્યક્રમી થોડીક ઝલક ટૂંકસમયમાં ટહુકો.કોમ અને ઊર્મિસાગર.કોમ પર માણવા મળશે. અભિયાન જેવું લબ્ધપ્રતિષ્ઠ સામયિક પણ આ કાર્યક્રમની નોંધ લેવાનું ચૂક્યું નહીં… સદભાવના દર્શાવનાર અને મદદ માટે હાથ લંબાવનાર તમામ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ…
( એક લાલ મદિરાની સુરાહી અને કવિતાનું એક પુસ્તક હું ઈચ્છું છું. શરીર અને આત્માને સાથે રાખવા માટે રોટીનો એક ટુકડો પર્યાપ્ત છે. પછી હું અને તું બેઠા હોઈએ આ વિરાનમાં. આ સ્થિતિ કોઈ સુલતાનની સલ્તનત કરતા પણ વધારે આનંદદાયક હશે. અનુવાદ: બકુલ બક્ષી)
એક રોટી ઘઉંની, એક શીશામાં અંગૂરી અસલ, શાંત નિર્જનમાં પ્રિયા ગાતી હો વીણા પર ગઝલ; ભલભલા સમ્રાટને જે સ્વપ્નમાં પણ ના મળે, ભોગવું છું વાસ્તવમાં ઐશ હું એવો વિરલ.
– શૂન્ય પાલનપુરી
Here with a loaf of bread beneath the bough A flask of wine, a book of verse, and Thou, Beside me singing in the wilderness – And wilderness is Paradise now !
– Edward FitzGerald
ઉમર ખૈયામની અતિ પ્રસિદ્ધ રુબાઈના આ ત્રણ સંસ્કરણ છે. કહે છે તમારી દરેક કવિતામાં માના દૂધનો સ્વાદ હોય છે. એટલે કે તમે જે વાતાવરણમાં ઉછરેલા હો એ વાતાવરણની અસર હંમેશ કવિતામાં દેખાવાની જ. ખૈયામની સલ્તનત ફિટ્ઝેરાલ્ડની કવિતામાં paradise બની જાય છે. જ્યારે ‘શૂન્ય’ની પ્રિયા તો ગઝલને વીણા પર વગાડે છે ! એક કવિતા કઈ રીતે સમય અને સંસ્કૃતિના પરિબળોથી બદલાય છે – અને છતાં ય એનો મૂળ વિચાર એટલો જ મોહક રહે છે – એનું આ સરસ ઉદાહરણ છે.
ઉઘાડાં હાં રે અમે ક્યમ કરી હાલીએ ?! આવ્યો સીમ-કેડો, તોય ના’વ્યો હાથ છેડો, બઇ ! કે’ને અમે ઘૂંઘટડો ક્યમ કરી ઢાળીએ ? ઉઘાડાં0
હલમલતી હેલ્ય માથે, વળી કડ્યે બેડલાં, ને છેડલાંની સંગ ભૂંડો વાયુ કરે ચેડલાં ! ઝાલું ઝાલું ને ઊડી જાય બઇ ! કે’ને વેરી વાયરાને ક્યમ કરી ટાળીએ ? ઉઘાડાં0
પથરાળી ભોંય માંહી ઝીણી ઝીણી કાંકરી, પાવલે ચૂમે ને જાય બેડલિયાં ઢળી ઢળી ! ખાળું ખાળું ને ઓછાં થાય બઇ ! કે’ને નીર નેતરતાં ક્યમ કરી ખાળીએ ? ઉઘાડાં0
દૂરદૂર ઝાકળિયા વંનમાં વજાડે ઘેલો, વ્હાલપની વેણુ મારા મંનનો તે માનેલો ! વાળું વાળું ને દોડી જાય બઇ ! કે’ને ભોળા દલ્લડાને ક્યમ કરી વાળીએ ? ઉઘાડાં0
-પ્રદ્યુમ્ન તન્ના
કોઈપણ ભાષામાં સાહિત્યકારની સહુથી મોટી જવાબદારી ભાષાને જીવતી રાખવાનું છે. કવિતા જે તે સમાજના સાંપ્રત સમયની આરસી છે. પ્રદ્યુમ્ન તન્નાની નખશીખ તળપદી ભાષામાં લખાયેલી કવિતાઓ વાંચીએ ત્યારે કલ્પના પણ ન આવે કે વરસોથી આ કવિ માભોમના વાડા ઓળંગી ઇટલી જઈ વસ્યા હશે. માથે છલકાતી હેલ અને કેડે પાણીના બેડાં હોય, કૂવેથી પાણી ભરીને ગામ ભણી આવતાં સીમઢૂંકડી આવી ઊભે અને વેરી વાયરો છેડો ઊડાડતો હોય એવામાં કાવ્યનાયિકા કેવો મીઠો ક્ષોભ અનુભવે છે ! અધૂરામાં પૂરું પગમાં કાંકરીઓ ભોંકાય છે અને લાખ સાચવવા છતાં પાણી ઢોળાતું જ રહે છે. ગીતનો પલટો નાયિકાના મનના માણીગરની દૂર વનમાં વાગતી વેણુ પાછળ દોડી જતા મન અને એને ન વારી શકવાની વિડંબના સાથે આવે છે… આખું ગીત મનની ઈચ્છા કંઈ અને થતી હકીકત કંઈની કશ્મકશના રંગોથી રંગાયું છે…
ફૂલ-પગલે તું ફરી આવી રહી આ શહેરમાં, એવી અફવાઓ ઊગી, ખીલી, ખરી વરસો સુધી.
મેઘલી સાંજે હવે આજે અચાનક થઈ સજળ, પથ્થરી આંખે ન ફૂટ્યું જળ જરી વરસો સુધી.
-કિસન સોસા
નિતાંત પ્રતીક્ષાની ઋજુ મુસલસલ ગઝલ. પ્રિયપાત્રનું નામ એ કદી ન બુઝાય એવી ધૂણી છે. સૂર્યનું પ્રતીક કિસનભાઈનું ચહીતું છે. એમના મોટાભાગના કાવ્યસંગ્રહના નામમાં પણ સૂર્યના દર્શન થાય છે. ધુમાડા અને આગથી શરૂ થઈ બારી, ગોખલા, સડક, બગીચામાં રઝળતી ઈંતેજારી અંતે આંખમાં આંસુ બનીને ઠરે છે ત્યારે એક ડૂમો આપણી ભીતર પણ ભરાતો હોય એવું નથી અનુભવાતું ?
હઠે તિમિરના થરો લઘુક જ્યોતિરશ્મિ થકી,
ધીમી અનિલ-લ્હેરખી પણ ભરે
અહો જડ સૂકેલ પર્ણ-ઢગમાં કશી ચેતના !
અને કથવું શું ?
જરીક ચમચી જ છાશ થકી દૂધ થાતું દધિ;
કરી શકું ન શું
પ્રયાસ મહીં માહરા તવ મળે અમીદૃષ્ટિ જો ?
-ગીતા પરીખ
પ્રિયજનની એક જ અમીદૃષ્ટિ જીવનમાં કેટલું વિધાયક પરિણામ લાવી શકે છે એની વાત કવિ ત્રણ નાનકડાં ઉદાહરણથી કેવી સુપેરે સમજાવે છે ! નાના અમથા પ્રકાશના કિરણ વડે અંધારાના થર હટી જાય છે, ધીમી સરખી પવનની લહેરખી સૂકાં પાનનાં ઢગલામાં ચેતના આણે છે અને ચમચીક છાશના મેળવણથી દૂધ દહીં બની જાય છે…
પૃથ્વી છંદમાં લખાયેલું આ લઘુકાવ્ય કેવું ચોટુકડું બન્યું છે !
હૃદયમાં વધી રહી છે ઘેરી ઉદાસી પળેપળ ગઝલ જાણે મહેંદી હસનની, અને સાંજટાણાનું ધુમ્મસ છે ઝાંખું કે વિહ્વળ ગઝલ જાણે મહેંદી હસનની.
આ ઘોંઘાટ, કલરવ વિનાનું ગગન, મ્લાન ટોળાં અને પાળિયાઓની વસ્તી, મને એકલો છોડી નીકળી ગઈ ખૂબ આગળ ગઝલ જાણે મહેંદી હસનની.
અભિનય કર્યો જિંદગીએ ઘણો પણ અહીં પ્રેક્ષાગારો તો શબઘર સમાં છે, કે ચીતરેલા શ્રોતાઓ સામે ગઈ હોય નિષ્ફળ ગઝલ જાણે મહેંદી હસનની.
મળી વારસામાં ફક્ત વેદનાઓ છતાં જાળવી એને વાજિંત્ર પેઠે, મૂકી આવી બેચેન સુરીલી પેઢીઓ પાછળ ગઝલ જાણે મહેંદી હસનની.
– ભગવતીકુમાર શર્મા
મહેંદી હસનની કથળેલી તન-દુરસ્તી અને ધન-દુરસ્તીમાં સહાય અને સુધારાના હેતુથી સહાયતા નિધિની ટહેલ નાંખી હતી પણ કોઈક કારણોસર બે મહિનાની ઊંઘમંથી સફાળી જાગેલી પાકિસ્તાનની સરકારે હાલ પૂરતું બંને બાબતની કાઅળજી લઈ લીધી હોવાના કારણે મદદ મોકલવાનું રદ કર્યું અને એમના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ધાયુની દુઆ માટે“ सूर की कोई सीमा नहीं ” કાર્યક્રમ છઠ્ઠી એપ્રિલે ગાંધી સ્મૃતિ ભવન, સુરત ખાતે યોજ્યો જે ખૂબ સફળ રહ્યો એમ કહી શકાય કેમકે હકડેઠઠ ભરાયેલું પ્રેક્ષાગાર મધ્યાંતર પછી પણ યથાવત્ રહ્યું અને કાર્યક્રમ પૂરો જાહેર થયા પછી પણ ઊઠવા તૈયાર નહોતું. આ કાર્યક્રમના અનુસંધાનમાં સુરતના પત્રકાર મિત્ર, ફૈઝલ બકીલીએ એક ગઝલ મોકલાવી છે જે એમની પોતાની જ ટૂંકનોંધ સાભાર સાથેઅહીં મૂકીએ છીએ.
આ ગઝલમાં ઉપરછલ્લી રીતે ગઝલ જાણે મહેંદી હસનની -માત્ર રદીફ તરીકે ઉપયોગ કર્યો હોય એમ લાગે પણ મહેંદી હસનની ગાયકીનો તરેહવાર મિજાજ શેરેશેરે વ્યંજિત થતો આવ્યો છે. ગઝલ જાણે મહેંદી હસનની માત્ર રદીફ ન રહેતાં ગઝલનું રૂપક- પ્રતીક બની ગયેલું અનુભવી શકાય છે, એ આ ગઝલની ખરેખરી ખૂબી છે
April 7, 2009 at 10:37 PM by ધવલ · Filed under ગઝલ
હું હવાની જેમ ચારે કોર લ્હેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે; થાય મન તો હું વળી દરિયાય પ્હેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
લોક રાખે છે ઈનામો કેટલાં મારા ઉપર, એ વાતની તમને કશી ક્યાં છે ખબર ? શોધવું મુશ્કેલ છે મારું પગેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
જીવતામાં જીવ છું હું ને મરેલામાં મરણ એવી જ છે કૈં વાયકા મારા વિશે. ક્યાંય પણ મારું નથી એક્કેય દે’રું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
ગૂંચવીને વાતને છેવટ ઉકેલી નાખવી એવી રમત ગમતી મને, ને એટલે – આંધળે કુટાય છે ક્યારેક બહેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
ગીતમાં હું લય બની લ્હેર્યા કરું છું, ને ગઝલમાં ગાલગાગા ગાલગાગા ગાલગા, વેદનાઓ પાઈને વૃક્ષો ઉછેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
હું જ છું કે જે નશામાં ચૂર થઈને છેક ઈશ્વરનાં ચરણ પાસે જતો ને આખરે, કોઈની શ્રદ્ધા તણું શ્રીફળ વધેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
– અનિલ વાળા
આ ગઝલ વાંચ્યા પછી સૌથી પહેલો વિચાર આવ્યો તે આ : અહીં તો એક નહીં પણ ઢગલાબંધ પ્રશ્નો ઊભા છે. અને સૌથી પહેલો પ્રશ્ન છે – ભાઈ, આ ગઝલ છે શાના વિશે ? 🙂
મજાક જવા દો તો ગઝલની મુખ્ય વાત આ છે : પોતાની જાતના જુદા જુદા પાસા જોઈને કવિને થાય છે કે આમાંથી એકે ય પાસું મારો પૂરો પરિચય આપી શકે – મારી જાતને define કરી શકે – એમ નથી. પોતાના બહુઆયામી અસ્તિત્વમાં કવિને વિસંગતતાની વાસ આવે છે. આ બધું તો છે પણ આ બધું એ હું નથી એવી વેદ-વેદનાને કવિએ અહીં ઉજાગર કરી છે.
એક રીતે જુઓ તો ‘હું કોણ છું’ એ એકીસાથે, જગતનો સૌથી વધુ અગત્યનો અને સૌથી વધુ મિથ્યા પ્રશ્ન છે. ‘હું’ને જાણવો વધારે જરૂરી છે કે ‘હું’ને ભૂંસવો વધારે જરૂરી છે એ પ્રશ્નનો જવાબ શોધતા શોધતા તો ભલભલા ઋષિઓની દાઢી સફેદ થઈ ગયેલી એ ચોક્કસ વાત છે.
શ્વાસના પોકળ તકાદા છે તને માલમ નથી, નાઉમેદીના બળાપા છે તને માલમ નથી; જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે, મોતના આ ધમપછાડા છે તને માલમ નથી.
– શૂન્ય પાલનપુરી
મૃત્યુના તસવ્વુરને શૂન્યે ખૂબ બહેલાવ્યો છે. દરેક શ્વાસ આપણને મૃત્યુની વધુ ને વધુ નજીક લઈ જાય છે એ ઘટનાને જિંદગી સામે વામણા બનતા મૃત્યુના ધમપછાડા સાથે સરખાવવાની કવિની ખુમારી કેવી મજાની છે !
April 4, 2009 at 2:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ
પ્રિય મિત્રો,
થોડા દિવસો પહેલાં શહેનશાહ-એ-ગઝલ જનાબ મહેંદી હસનની નાદુરસ્ત તબિયત અને એથીય વધુ નાદુરસ્ત આર્થિક પરિસ્થિતિની વાત કરી અમે જાહેર અપીલ કરી હતી કે એમના હૉસ્પિટલ બીલ પેટે ચૂકવવાના બાકી નીકળતા રૂ. પાંચ લાખમાંથી જેટલી રકમ ભેગી કરી શકાય એટલી ભેગી કરી પાકિસ્તાન પહોંચતી કરીએ. નેટ પર અને યાહૂ ગ્રુપ્સ પર મૂકેલી આ ટહેલ સામે કેટલાકે જાતિવાદી વિરોધ નોંધાવ્યો તો કેટલાકે પાકિસ્તાન સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો. અમે અમારા દિલને અનુસર્યા અને એમને પણ એમ જ કરવા કહ્યું. અમારે મન હિંદુ-મુસ્લિમ-શીખ જેવી જાતિભેદની ભાવના મનમાં જન્માવવી શક્ય નહોતી તો મહેંદી હસન જેવી વિરાટ હસ્તી માટે ભારત-પાકિસ્તાન નામના વાડા બાંધવા પણ શક્ય નહોતા કેમકે અમે માનીએ છીએ કે “सूर की कोई सीमा नहीं”…
આપને વિશ્વાસ નહીં આવે પરંતુ જોતજોતામાં ઢગલાબંધ મિત્રો તરફથી લગભગ સવા લાખ રૂપિયા જેવી મોટી રકમ ભેગી થઈ ગઈ અને સુરત ખાતે યોજવામાં આવનાર કાર્યક્રમમાં બીજા બેએક લાખ રૂપિયા ભેગા થવાની આશા હતી… નસીબજોગે કરાંચીની આગાખાન યુનિવર્સિટી હૉસ્પિટલ ખાતે ફોનથી વાત કરતાં અને નેટ ઉપર પાકિસ્તાનના અગ્રણી અખબારોમાં આવેલા સમાચાર પરથી જાણવા મળ્યું કે સરકાર અને હૉસ્પિટલ તરફથી ખાંસાહેબની સારવારની પૂરી કાળજી લેવાઈ ચૂકી છે. એટલે જે મિત્રોએ મહેંદી હસન સહાયતા નિધિ માટે મદદ કરવાનું વચન આપ્યું હતું એ સહુ મિત્રોનો હૃદયપૂર્વક અને સંગીતપૂર્વક ખાસ ખાસ આભાર માનીને અમે જણાવીએ છીએ કે હવે આપે કોઈ ધનરાશિ મોકલવાની રહેતી નથી.
પોતાના દિવ્ય સંગીત અને જાદુઈ અવાજના રંગોથી જેમણે આપણા જીવનની અનેક સંધ્યાઓ રંગીન બનાવી છે એ ખાંસાહેબના જીવનની આખરી અને રંગહીન સંધ્યામાં આપણે સાચા દિલની દુઆના થોડા રંગ ભરી શકીએ એવા અંદરના અને અંતરના અવાજને અનુસરીને અનેં સંગીત કે કળાની કોઈ સરહદ હોતી નથી એ કાયદા મુજબ ગુજરાતી કવિતાની સહુથી વિશાળ વેબસાઈટ – લયસ્તરો.કોમ – www.layastaro.com તથા સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઈંડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે આ ફિનોમિનલ ગાયકના નિરામય સ્વાસ્થ્યની દુઆ કરવા માટે છઠ્ઠી એપ્રિલ, સોમવારે રાત્રે ગાંધી સ્મૃતિ ભવનમાં એક સદભાવના સંગીત મહોત્સવ – “ सूर की कोई सीमा नहीं ” યોજવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકારો ભાગ લેશે. મુંબઈથી વિકાસ ભાટવડેકર, અમદાવાદથી અનિકેત ખાંડેકર તથા રાજકોટથી ગાર્ગી વોરા મહેંદી હસને ગાયેલી ગઝલો રજૂ કરી આ ગાયક કલાકારના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરશે. કાર્યક્રમનું સંચાલન ડો. રઈશ મનીઆર, ડૉ. મુકુલ ચોક્સી અને ડૉ. વિવેક ટેલર કરશે.
આ કાર્યક્રમ માણવા માંગતા સંગીતપ્રેમીઓને કાર્યક્રમના નિઃશુલ્ક પાસ મેળવવા માટે ‘લયસ્તરો.કોમ’ વેબસાઈટના સંચાલક ડૉ. વિવેક ટેલર, આયુષ્ય મેડીકેર હૉસ્પિટલ, ઉમાભવનની ગલીમાં, ભટાર રોડ (9824125355)નો સંપર્ક કરવા જાહેર વિનંતી છે.
(હર્ષવી પટેલની એક અક્ષુણ્ણ રચના ખાસ લયસ્તરો માટે એમના જ હસ્તાક્ષરમાં)
*
શબ્દની ફરતે અકળ ઘેરો ઘલાયો છે, ભલા,
કોઈપણ કારણ વિના ડૂમો ભરાયો છે, ભલા.
આંખ મીંચીને સતત દોડ્યા કરે છે આ સમય
એય નક્કી કોઈનાથી દોરવાયો છે, ભલા.
આમ શ્વાસોચ્છ્વાસમાં છલકાય નહિ તો થાય શું ?
એક અત્તરનો કળશ ભીતર દટાયો છે ભલા.
આપણી મહેફિલ વધુ લાંબી નહીં ચાલી શકે ?
એટલે તેં ભૈરવી સંબંધ ગાયો છે, ભલા ?
‘હર્ષવી’ હથિયાર હેઠાં મૂકતાં પ્હેલાં પૂછો –
નર મરાયો કે પછી કુંજર મરાયો છે, ભલા ?
– હર્ષવી પટેલ
કવિતા જ્યારે ગળે આવે પણ હાથે ન આવે ત્યારે જે અકળ ડૂમો ભરાય એની વેદનાના કારણ ક્યાં તપાસવા ? ભલા જેવી કપરી રદીફ રાખીને હર્ષવી એક સુંદરતમ ગઝલ લઈ આવે છે. બધા જ શેર સુંદર છે પણ મને છેલ્લા બે શેર ખૂબ ગમી ગયા.
ભૈરવી આમ તો સવારનો રાગ છે પણ કાર્યક્રમમાં એ હંમેશા અંતમાં ગાવામાં આવે છે. ‘આપણી’ મહેફિલનો ઉલ્લેખ કરી કવિ હળવાશથી પ્રશ્ન પૂછે છે કે આ સંબંધનો હવે અંત નિકટ છે એટલે શું તેં ભૈરવી રાગ ગાયો છે ? અને સંબંધને ભૈરવી વિશેષણ આપીને અને સમ્-વાદના અંતે ભલા પ્રશ્ન મૂકી કવિ ગજબનો કાકુ સિદ્ધ કરે છે.
મહાભારતના नरो वा कुंजरो वा ના સંદર્ભે હર્ષવી પ્રશ્ન તો પોતાની જાતને પૂછતી હોય એમ લાગે છે પણ જવાબ આપણે સહુએ આપવાનો છે. જિંદગીની રમત કે લડતમાં હાર માનતા પહેલાં હારનાં મૂળ એકવાર જરૂર નાણી જોવા જોઈએ…
ગાડરિયા પ્રવાહમાં વહ્યા કરવાની આપણી ઘેંટાવૃત્તિને કવિએ રણ શું છે, રણમાં ચાલવાનું કારણ શું છેની પળોજણમાં પડ્યા વિના ઊંટના નિશ્પ્રશ્ન ચાલ્યા કરવાની ક્રિયા સાથે સરખાવી છે.. આપણે સહુ ગતિશીલ છીએ પણ આપણી ગતિ કઈ દિશામાં અને કયા હેતુથી છે એ બહુધા ઘાણીના બળદ પેઠે આપણે જાણતા નથી હોતા. બીજા શેરમાં કવિ અને ભાવક વચ્ચે એક સૂક્ષ્મ સંવાદનો સેતુ ઊભો થાય છે અને જળના પ્રતીક વડે કવિ કદાચ પોતાની જાતને સમજાવવાનું કામ ભાવકને સોંપે છે. જળનો જ અવતાર હોવો અને તરસને ન સમજવું એ આપણા જીવનની સહુથી મોટી વિષમતા નથી ? આ ચાલી શકે? અને પ્રેમની પહેલી શરત છે વરસી જવું. ભીતરનો ગોરંભો ખાલી ન કરે અને ચાલી નીકળે એવા પ્રેમસંબંધ કઈ રીતે ‘ચાલી‘ શકે ? પ્રેમીજનને દિલની વાત ન કહેવી હોય તો પ્રેમમાં કોઈ ફરજ પાડવામાં આવતી નથી પણ આ મરજિયાત પ્રશ્નનો જવાબ ન આપો તો જિંદગી પણ કોરી જ રહી જવાની… ખરું ને ?
નહીં કૈં નીપજે નાહક બધાયે આ ઉધામાથી,
થશું સુંદર અને સદ્ધર સ્મરણ જો એમનું થાશે.
અચાનક કોઈ આવી પ્રાણવાયુ પૂરશે એમાં,
પછી પંગુ થશે પગભર સ્મરણ જો એમનું થાશે.
– નીતિન વડગામા
એમના સ્મરણને તાદૃશ કરતી આ ગઝલના સાત શેર જાણે કે ઈન્દ્રધનુષના સાત રંગ છે. આ વાત પ્રેયસીની પણ હોઈ શકે, પ્રભુની પણ. ભાવકને પોતાની રીતે આખી ગઝલ અનુભવવાની છૂટ છે. સ્મરણની શક્તિનો કાકુવિશેષ કવિએ સરસ રીતે સિદ્ધ કર્યો છે…
એમના સ્મરણમાત્રથી પથ્થર સમી સૌ અડચણ દૂર થઈ જશે અને ક્ષણમાત્ર અવસર બની રહેશે. આંખો ખોલીને જુઓ તો ક્યાંય કોડિયું નજરે નહીં ચડે કેમકે સ્મરણનો ઉજાસ ભીતર અજવાળું પાથરે છે. એક સાચું સ્મરણ સાવ સહજતાથી મોહમાયાના પડળોથી પરે લઈ જઈ શકે છે અને પછી કોઈ હિસાબો સરભર કરવાની ચિંતા રહેતી નથી. સ્મરણની આછી ઝરમર જીવનભરના ઉકળાટને શાતા બક્ષે છે તો આપણી સુંદરતા અને સદ્ધરતા પણ સ્મરણની ભરપૂરતા પર જ અવલંબે છે. પંગુ થઈ બેઠેલા જીવતરમાં યાદનો પ્રાણવાયુ પુરાયો નથી કે એ પગભર થયું નથી…