આપણી વચ્ચે હતી સ્નેહની જે એક કડી,
ભલભલા કષ્ટ કે મનભેદને બસ એ જ નડી.
વિવેક મનહર ટેલર

હમણાં હમણાં – હરિકૃષ્ણ પાઠક

હમણાં હમણાં
એમ થાય કે
આભ મહીં આ હરતી ફરતી
વાદળીઓને વાળીઝૂડી
લાવ જરા આળોટું.

હમણાં હમણાં
એમ થાય કે
સાત સાત સાગરની વચ્ચે
નાનું અમથું નાવ લઈને
તરંગ પર લ્હેરાતો જાતો
લાવ નિરાંતે પોઢું.

હમણાં હમણાં
એમ થાય કે
ઘરજંજાળી આટાપાટા
અળગા મેલી
કોઈ અગોચર વનમાં જઈને
લાવ જરા
એકાંત ગુફાના ઓઢું.

હમણાં હમણાં…

– હરિકૃષ્ણ પાઠક

પ્રકૃતિના ખોળામાં ખોવાઈ જવાની ઈચ્છાને કવિ નમણા કલ્પનોથી સજાવે છે તો ત્યારે એ ઓર આકર્ષક લાગે છે. હમણાં હમાણાં… નું પુનરાવર્તન સરસ અસર ઉપસાવે છે.

11 Comments »

  1. pragnaju said,

    April 6, 2009 @ 8:55 PM

    હમણાં હમણાં
    એમ થાય કે
    ઘરજંજાળી આટાપાટા
    અળગા મેલી
    કોઈ અગોચર વનમાં જઈને
    લાવ જરા
    એકાંત ગુફાના ઓઢું.
    હમણાં હમણાં…
    પંક્તીઓ વધુ ગમી
    યાદ આવી મુકેશની પંક્તીઓ
    પંખીએ ઘર બાંધ્યું પાછું હમણાં હમણાં
    ઝાડ ફરી લાગે છે તાજું હમણાં હમણાં
    કોનો એને સંગ થયો છે ખબર નહીં
    બોલે છે એ સાવ જ સાચું હમણાં હમણાં
    પહેલાં તો હું સૂરજ સાથે ફરતો’તો
    જરા આગિયો જોઈ દાઝું હમણાં હમણાં

  2. ઊર્મિ said,

    April 6, 2009 @ 9:26 PM

    વાહ… અછાંદસ હોવા છતાં પણ ગીતનેય ચડી જાય એવો મજાનો લય…!

  3. sapana said,

    April 6, 2009 @ 9:27 PM

    :55 pm

    હમણાં હમણાં
    એમ થાય કે
    ઘરજંજાળી આટાપાટા
    અળગા મેલી
    કોઈ અગોચર વનમાં જઈને
    લાવ જરા
    એકાંત ગુફાના ઓઢું.

    હમણા હમણા
    એ થાય કે
    સંસાર આ મિથ્યા,
    છોડી ભાગુ હું
    કોઇ એકાંતમાં ડેરા નાખુ હું

    સરસ અતિ સુંદર
    સપના

  4. sapana said,

    April 6, 2009 @ 9:30 PM

    કેમ છો ઊર્મિ? શુક્રિયા ઈ મેઈલ માટે
    સપના

  5. sudhir patel said,

    April 6, 2009 @ 9:50 PM

    સરસ પોતાનો આગવો લય ધરાવતું અછાંદસ!
    સુધીર પટેલ.

  6. P Shah said,

    April 6, 2009 @ 10:50 PM

    એક સુંદર અછાન્દસ રચના !
    હમણાં હમણાં… આ પંક્તિના પુનરાવર્તનને કારણે આ રચનાને સુંદર લય મળ્યો છે.
    છંદના વ્યાકરણના બંધનોથી મુક્ત કાવ્યવિહાર !!

    P Shah
    http://www.aasvad.wordpress.com

  7. KIRANKUMAR CHAUHAN said,

    April 6, 2009 @ 10:51 PM

    સુંદર ઝરણાં જેવું કાવ્ય.મનની ગહન ઇચ્છાઓ કેવી સહજ રીતે વ્યક્ત થઇ!

  8. વિવેક said,

    April 7, 2009 @ 12:24 AM

    સુંદર કાવ્ય….

    ઊર્મિ! આ અછાંદસ કવિતા નથી… આ ગાગાગાગાના આવર્તનોમાં લખાયેલ ઊર્મિકાવ્ય છે. એને આઝાદ નઝમ પણ કહી શકાય. ‘ગાગાગાગા’ના આવર્તનોના માન્ય રૂપ ‘ગાલગાલગા’, ‘ગાલલગાગા’ તથા ‘લગાલગાગા’ વાપરીને આ કવિતા ચુસ્ત છંદમાં લખાઈ હોવાના કારણે વાચકને એમાંથી નીપજતું સંગીત ‘આંખે’ સંભળાય છે !

  9. preetam lakhlani said,

    April 7, 2009 @ 12:58 PM

    વિવેક ભાઈ, સારુ થયુ તમે આઝાદ નઝમ અને અછાદ્સ કવિતા બાબતનો ખુલાસૉ ક્ર્ર્યો, ?…નહિ તર કારણ વગર લોકો લખવા પુરતુ ગમે તે ખોટે રાખત્….આજ કાલ બે ચાર વેબ વારા પોતે બહુ જ કવિતા વિશે જાણૅ છે તે બતાવવા ખલિલ ધનતેજવીનો શેર રઈશ મનિયારના નામે ચડાવી દે છે…અને ત્યાર બાદ શાચા માણસનેૉ ફૉન કરીને પોતે ભુલ શુધાર વાની સિફાવત કરે …..ખાશ લખવાનુ કે સુરતના એક કવિ મિત્ર મારી સાથે મુશાયરામા હતા અને સનચાલન પોતે કરતા હતા ત્યારે ગઝલ કારના શેર રજુ કરે ત્યારે મુર કવિનુ નામ શેર બોલે ત્યારે ન બોલે અને દાદ પોતે લુટી જાય્….અને નવા વેબ વારાને લાગે કે આ શેર આપ્ણા મિત્ર કવિનો છે…..

  10. ઊર્મિ said,

    April 8, 2009 @ 10:34 AM

    આભાર વિવેક… હવે જરા બરાબર ખ્યાલ આવ્યો કે આ અછાંદસ જેવી લાગતી કવિતા મને આટલી લયમાં કેમ લાગી…!!

    મારા જેવા ‘અ-કવિ’ને તો ‘આ કવિતામાં લય છે’- એટલું સમજાણું, એય ઘણું છે… બાકી આ નઝમ અને આઝાદ નઝમ વિશે તો મારે હવે શીખવું જ પડશે…!

    જો કે કવિતા અને અ-કવિતા વચ્ચેનાં ફર્કની સમજ તો ધીમે ધીમે આવશે જ… પણ કમ સે કમ અત્યારે તો મને કવિ અને અ-કવિ વચ્ચેનાં ફર્કની સમજ બરાબર આવી ગઈ છે હોં…! 😉

  11. preetam lakhlani said,

    April 8, 2009 @ 11:48 AM

    બેન ઊમિ, જ્યા સુધી તમે ‘અ-કવિનો અથ્ર અમર કવિ ન કરો ત્યા સુધી અમને કોઈ વાધો ન થી, બાકી જે કવિ નથી તેની રચના વાચવા થી વાચક ને ખબર પડી જાય કે આ કવિ નથી, બાકી સમ ય જેવો મોટો કોઈ વિવેચક નથી…..ભાદરવા ના ભીડા બહુ લાબો સમય ન ચાલે……જો ગુજરાતિમા લખતા ફાવિ જશે તો……વધારે લખીશ્………..હમણા તો સિખુ છુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment