મકાનો છે ઊંચા, નીચા આદમીઓ,
પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2007

કોણ પૂછે છે ? – કૈલાસ પંડિત

કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

– કૈલાસ પંડિત

Comments (6)

ગમતાનો ગુલાલ – નીલમ એચ. દોશી

નીલમ દોશી નામથી નેટ-ગુજરાતીઓ અણજાણ નથી. પરમ સમીપે બ્લૉગ પર એ સતત શબ્દોની સુવાસ પાથરતા રહે છે. તાજેતરમાં જ નેટ-ગુજરાતીઓ ગૌરવ લઈ શકે એવી એક ઘટનાએ આકાર લીધો છે અને એ છે નીલમ દોશી લિખિત બાળનાટિકાઓના પુસ્તક “ગમતાનો ગુલાલ”નું પ્રકાશન. ચોથા ધોરણથી દસમા ધોરણના બાળકો ભજવી શકે એવા મજાના સાત પ્રહસનો જાણે કે એક સાત રંગનું મેઘ-ધનુષ રચે છે. સામાન્યરીતે નાટકો લખાયા પછી ભજવાતા હોય છે, પરંતુ આ પુસ્તિકાની ખાસ વિશેષતા એ છે કે આ બધા જ નાટકો ભજવીને લખાયા છે. વર્ષો સુધી ભજવતા-ભજવતા લખતા જવાયેલા આ નાટકો એમના જ નિર્દેશનમાં બાળકોએ સફળ રીતે ભજવ્યા પછી આ પુસ્તકનો પિંડ બંધાયો હોવાથી નાટક લખવા અને ભજવવાની વચ્ચે જે અડચનો ઉપસતી હોય છે એની અપેક્ષા મુજબની ગેરહાજરી અહીં નાટકોને સરળ પ્રવાહિતા બક્ષે છે. હાસ્યરસ, કરુણરસ, દેશભક્તિ, ભણતરનો ભાર, સામાજિક દૂષણો અને જનરેશન-ગેપ જેવા ભારી વિષયોને સજિંદી હળવાશ અપાઈ હોવાથી નાટકો મોટાઓને પણ ગમી જાય એવા છે. એકાદ-બે અપવાદોને બાદ કરતાં નાટકની ભાષા બાળકોએ જ લખી હોય એટલી સુગમ રહી છે જે લેખિકાની સિદ્ધિ. ગુજરાતી સાહિત્ય અકાદમીએ આ પુસ્તિકાના પ્રકાશનમાં રસ દાખવ્યો એ બાબત નાટિકાઓ વિશે એક લીટીમાં ઘણું કહી નાંખે છે. નીલમ દોશીને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ.

(લયસ્તરોને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રીમતી નીલમ દોશીનો ખૂબ ખૂબ આભાર).

ગમતાનો ગુલાલ – બાળનાટકો (ધોરણ ચારથી દસના બાળકો માટે)
કિંમત : રૂ. 60.
પ્રાપ્તિ સ્થાન : ગૂર્જર એજન્સી, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ- 380001.
લેખિકા : નીલમ દોશી, બંગલા નં-2, ખટાઉ જંકર હાઉસીંગ કોમ્પ્લેક્સ, લક્ષ્મીનારાયણ સૉસાયટી, ધરમનગર સામે, ભોલાવ, ભરૂચ – 392002.
ઈ-મેઈલ : nilamdoshi@yahoo.com

Comments (13)

સૂરજના છડીદાર – કૃષ્ણલાલ શ્રીધરાણી

અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !

સૂરજ આવશે સાત ઘોડલે,
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલું બંદી બાંકો,
પ્રકાશ ગીત ગાનાર ! અમે0

નીંદરને પારણીએ ઝૂલે,
ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી,
જગને જગાડનાર ! અમે0

પ્રભાતના એ પ્રથમ પ્હોરમાં,
ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે,
જાગૃતિ રસ પાનાર ! અમે0

જાગો ઊઠો ભોર થઈ છે,
શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો,
સકલ વેદનો સાર ! અમે0

– કૃષ્ણલાલ શ્રીધરાણી

વહેલી સવારે છડી પોકારી જગતને જાગવાનો સંદેશ પાઠવતા કૂકડા વિશે લખાયેલું આ મજાનું ગીત શાળેય અભ્યાસક્રમનો એક ભાગ પણ હતું.કૂકડાની બાંગમાં સકલ વેદનો સાર વાંચી શકે એ જ કવિ.

(બંદી= ચારણ, વખાણ કરનાર; બાંકો=ફાંકડો)

Comments (1)

ગઝલ -ભરત વિંઝુડા

હોય મનમાં એક-બે જણનો અભાવ
જ્યાં હતો આખીય દુનિયાનો લગાવ

આંખ ખૂલી હોય ને બનતા રહે
આંખ ખોલી નાખનારા કંઈ બનાવ

હું રમતમાં હોઉં નહીં સામેલ ‘ને
તોય દેવાનો થયો મારેય દાવ

જળ વહી આવે તો તરવાની ફરી
મધ્ય રેતીમાં ઊભી છે એક નાવ

ભોગવે છે આજુબાજુમાં સહુ
હું ને તું બેઠાં છીએ એનો તનાવ

-ભરત વિંઝુડા

ભરત વિંઝુડાની આ ગઝલ જેટલી સરળ છે એટલી જ મર્માળી પણ છે. ખુલ્લી આંખનો શ્લેષ પ્રયોજવામાં એમની કલમનું બળકટપણું સ્પષ્ટ ઉપસી આવેલું અનુભવાય છે. અને એ જ રીતે બે જણ શાંતિથી બેઠા હોય એ આપણે જોઈ શકતા નથીની વરવી વાસ્તવિક્તા ગઝલના આખરી શેરમાં કેવી સુપેરે વ્યક્ત થઈ શકી છે !

Comments (6)

એક હુંફાળો માળો ! – તુષાર શુક્લ

હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;
મનગમતા માળાનું સપનુ જોયુ છે સંગાથે.
અણગમતુ જ્યાં હોય કશું ના માળો એક હુંફાળો,

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

મનગમતી ક્ષણ ના ચણચણીએ ના કરશું ફરિયાદ;
મખમલ મખમલ પીંછા વચ્ચે રેશમી હો સંવાદ.
સપના કેરી રજાઇ ઓઢી માણીએ સ્પર્શ સુંવાળો,

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

મઝિયારા માળામા રેલે સુખની રેલમછેલ;
એકમેકના સાથમાં શોભે વૃક્ષને વીંટી વેલ.
મનહર મદભર સુંદરતામા હોયે આપણો ફાળો

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

– તુષાર શુક્લ

પ્રસન્ન સાનિધ્યને ઉજવતું આ ગીત મોકલવા માટે આભાર, સ્નેહ ત્રિવેદી.

આગળ મૂકેલું તુષારભાઈનું ખૂબ જ સરસ ગીત એમ પૂછીને થાય નહીં પ્રેમ પણ આ સાથે જોશો. અને, સાથે સાથે ટહુકા પર જયશ્રીએ મૂકેલા એમના બે મઝાના ગીત પણ સાંભળો. આજનો દિવસ આખો મઘમઘ થઈ જવાની ગેરેંટી !

Comments (5)

‘કેમ છો?’

કેટલા વરસે મળી ગ્યા ‘કેમ છો?’
સાવ બસ ભૂલી ગયા’તા ‘કેમ છો?’

હું ફકત હસતો રહ્યો ઉત્તર રૂપે
એમણે પૂછ્યું’તું હસતાં ‘કેમ છો?’

શહેર છે ઓ દોસ્તો! આ શહેર છે.
કોઇ નહીં પૂછે અહીંયાં, ‘કેમ છો?’

અર્થ એના કેટલા એ કાઢશે?
કોકને પૂછ્યું’તું અમથા, ‘કેમ છો?’

આંખ મેં બારી તરફ માંડી ફકત,
કોઇએ પૂછ્યું કે ઘરમાં ‘કેમ છો?’

–  અજ્ઞાત

ગુજરાતીનું સૌથી નાનું પણ સૌથી વધારે વપરાતું વાક્ય – ‘ કેમ છો?’
શ્રી. મનહર ઉધાસે આ ગઝલ બહુ સરસ મિજાજમાં ગાઇ છે.

Comments (10)

પગલાં – ચિનુ મોદી

રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો
કહી ના શક્યો કોઇને કે ખસો.

પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે
અને દરવખત આપ ફિક્કું હસો.

સમય નામની બાતમી સાંપડી
પછી લોહી શું કામ નાહક ધસો:

પડે ડાળથી પાંદડું, એ પછી
ઇલાજો કરું એકથી એક સો.

ઇલાજો કરું એકથી એક સો
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો.

ચિનુ મોદી ( ઇર્શાદ)

કવિ પરિચય

     આધુનિકતાને વરેલા છતાં ગઝલના મૂળ સ્વરૂપની ઇજ્જત જાળવતા આ કવિની, પોતાની આગવી, આ ‘તસબી’ પ્રકારની રચના  છે.

Comments (7)

થઈ બેઠા – મુકુલ ચોકસી

અમે કેકટસને કાંઠે લાંગરેલા હાથ થઈ બેઠા,
તમે પણ કેટલો લોહીલુહાણ આધાર દઈ બેઠા!

તો વચ્ચેની જગાને સૌ તળેટી નામ દઈ બેઠા,
જો પહાડો ખીણથી બે ચાર ડગલાં દૂર જઈ બેઠા.

નિચોવાઈ ગયેલા હોઠને જોયા તો યાદ આવ્યું;
ફરી ક્યાં કોઈનું ગમતું પલળતું નામ લઈ બેઠા!

અવસ્થાની નદીમાં આજ ઘોડાપૂર આવ્યાં, ને;
અમે કાંઠા કદી નહી છોડવાની હઠ લઈ બેઠા.

– મુકુલ ચોકસી

સંબંધની એક અવસ્થા આવે છે કે સમગ્ર સંબંધ કડવાશથી ભરાઈ જાય છે. એક બીજાને કાંઈ પણ કહો બધુ જ દુ:ખદાયક બની જાય છે. એવી અવસ્થાનું વર્ણન આ ગઝલના પહેલા શેરમાં ધારદાર રીતે કર્યું છે. કેકટસના કાંઠે લાંગરેલા હાથ અને લોહીલુહાણ આધાર – કેટલી સચોટ વાત ! આજે આ એક શેરની વાત ઘણી છે… બાકીના શેરની વાત ફરી કોઈ વાર માંડશું.

Comments (3)

મઝધારમાં – અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’

જીત હું નીરખ્યા કરું છું સર્વદા મુજ હારમાં,
મુક્તિ મારી આખરે છે એક કારાગારમાં;
ડૂબીને તરતો રહીશ હું સાગરોની ધારમાં,
હોડી મારી લઈ જઉં હું ડૂબવા મઝધારમાં !

– અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’

Comments

ઊભા છીએ – જાતુષ જોશી

અંત ને શરૂઆત લઇ ઊભા છીએ,
જાત ખોઇ, જાત  લઇ ઊભા છીએ. 

ક્યાં અહીં અજવાસ કે અંધાર છે?
ક્યાં દિવસ કે રાત લઇ ઊભા છીએ? 

કોઇ પ્રત્યાઘાત તો શોધો જરા,
મર્મ પર આઘાત લઇ ઊભા છીએ. 

એક ઢળતી પળ હજી પામી મરણ,
એક પળ નવજાત લઇ ઊભા છીએ. 

શબ્દ તો સાપેક્ષ છે, નિરપેક્ષ છે,
શબ્દને સાક્ષાત લઇ ઊભા છીએ.

-જાતુષ જોશી


જાતુષ જોશીની કવિતામાં પરંપરાના પ્રતીકો પોતીકી તાજગી સાથે આવતા હોવાથી એમાં વાસીપણાની બદબૂ નહીં, પણ ઓસની ભીનાશ વર્તાય છે અને એનું કારણ તો વળી એ પોતે જ આપે છે કે શબ્દને સાક્ષાત્ લઈ ઊભા છીએ. એક ક્ષણના મૃત્યુના ગર્ભમાં બીજી ક્ષણ જન્મ લઈ રહી હોવાનો ઈંગિત પણ તરત જ ગમી જાય એવો છે.

Comments (5)

આખ્ખું બાવળપણું ખોયું ! – ભાનુપ્રસાદ પંડ્યા

મેં – કાંટાએ ઝાકળને પ્રોયું
અને પ્હેલીવાર આરપાર જોયું:

લાગે કે આસપાસ છલકાયું સ્રોવર
ને પોતે રહ્યો છું એમાં ડૂબી ?
ઓરું આવીને ઊભું મેઘધનુ આંખમાં
સાતે ય રંગોની કેવી ખૂબી ?
પાસે પરોઢ આવી સોહ્યું ?!

હું તો પલ્ટાઈ થયો કૂણેરી દાંડલી
ક્યાં ગઈ એ બાવળિયા શૂલ ?
અણિયાળી ટોચ જતી પલકારે ઓગળી
ને એની પર ફૂટ્યું શું ફૂલ ?!
એલ્લા, આખ્ખું બાવળપણું ખોયું !
મેં – કાંટાએ ઝાકળને પ્રોયું !

– ભાનુપ્રસાદ પંડ્યા

જન્મ: ૨૪-૦૪-૧૯૩૨, અમરેલીના તોરી ગામમાં. જાણીતા કવિ અને વિવેચક. સૉનેટ અને ગીતમાં એમની સર્જકતાનો રુચિકર ઉઘાડ જોવા મળે છે. આ ગીતમાં કાંટાની ઉપર ઝાકળબુંદ વીંટળાયા પછી કાંટાની આખેઆખી બદલાઈ ગયેલી દુનિયામાં ક્યાંક મનુષ્યજીવનની તીક્ષ્ણતા કોઈક સુંવાળા સહેવાસ થકી સમૂળગી કઈ રીતે બદલાઈ શકે છે નો ઈંગિત દૃશ્યમાન થતો જણાય છે. અહીં પહેલી પંક્તિમાં મેં અને કાંટા શબ્દની વચ્ચે મૂકેલો એક નાનકડો ડેશ (-) આખા કાવ્યવિશ્વને સમૂચ્ચુ બદલી નાંખે છે… અને પછી પ્રસંગ કાંટાની આંખેથી ઝાકળને જોવાને ભલે કહેવાયો હોય, આપણે આપણી આંખને ક્યાંક ઊઘડતી અનુભવીએ છીએ…
(કાવ્ય સંગ્રહો: ‘અડોઅડ’, ‘ઓતપ્રોત’, ‘શબ્દે કોર્યાં શિલ્પ’, ‘ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર’.)

Comments (5)

જડી જાય – જવાહર બક્ષી

એક શબ્દ દડી જાય, દડી જાય અરે !
પડઘાઓ પડી જાય, પડી જાય અરે !
બ્રહ્માંડથી ગોતીને ફરી લાવું ત્યાં
એક કાવ્ય જડી જાય, જડી જાય અરે !

– જવાહર બક્ષી

Comments

લાજ રાખી છે – કૈલાસ પંડિત

ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે.
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે.

તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે.

ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.

પડી ‘કૈલાસ’ ના શબ પર, ઊડીને ધૂળ ધરતીની,
કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે.

કૈલાસ પંડિત

ગમગીન રચનાઓના ચાહક આ કવિની ગઝલોના મત્લામાં પણ ‘બેફામ’ની ગઝલોની જેમ ઘણી વખત મૃત્યુ આવી જાય છે. શ્રી. મનહર ઉધાસે બહુ જ સુરીલા કંઠે આ ગઝલ ગાઇ છે.

Comments (6)

હજી – પ્રવીણ દરજી

હજી
હજી આમ
મારે
આ સોનેરી ચીસો લઇ
ક્યાં સુધી જન્મવાનું છે?

ફ્રોસ્ટ,
સૂતાં પહેલાં
જોજનો દૂર જવાની વાત
વિતથ છે.

અઠ્ઠાવીશ અઠ્ઠાવીશ વર્ષથી
મારા શબને
કાંધ ઉપર લઇને
અહીંતહીં ફરતાં
હું
બેવડ વળી ગયો છું.

છે કોઇ ડાઘુ ?
ચોર્યાસી લાખ પાળિયામાં
ક્રન્દી ક્રન્દી
વિશ્વની અજાયબીઓમાં સ્થાન પામે
એવી કરુણપ્રશસ્તિના નાયક
મારે
નથી થવું.

પ્રવીણ દરજી

વિતથ – તથ્ય વિનાનું, અસત્ય

પ્રવીણ દરજી લુણાવાડાની કોલેજના નિવૃત્ત અધ્યાપક છે અને કવિ અને નિબંધ લેખક છે.
 

Comments (3)

લે ! – અમૃત ‘ઘાયલ’

એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !

લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,
સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે !

તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે
લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે !

મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !

સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !

કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !

‘ઘાયલ’ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી,
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે !

– અમૃત ‘ઘાયલ’

ઘાયલસાહેબની આ રચનાનો …આ પડખું ફર્યો, લે ! શેર તો ખૂબ જાણીતો શેર છે. પરંતુ આખી ગઝલ તો હમણા જ વાંચવામાં આવી. આખી ગઝલ જુઓ તો ઘાયલસાહેબની ‘રેંજ’નો ખ્યાલ આવે… અને ‘નિમજ્જન’ જેવો શબ્દ એ કેવી અદભૂત રીતે ગઝલમાં લઈ આવ્યા છે એ તો જુઓ ! આ ગઝલ જોઈને અનાયાસ જ ડીલન થોમસનું ગીત Do Not Go Gentle Into That Good Night યાદ આવી ગયું. એમાં પણ ઘાયલસાહેબના શેરની જેમ જ મોત સામે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની વાત બહુ ઉમદા રીતે મૂકી છે.
(નિમજ્જન=ડૂબકી મારવી)

Comments (7)

ચર્ચા ન કર – ડૉ. મહેશ રાવલ

વીતી ગયેલી પળ વિષે, ચર્ચા ન કર
સપના વિષે, અટકળ વિષે,ચર્ચા ન કર

લોકો ખુલાસા માંગશે, સંબંધનાં
તેં આચરેલા છળ વિષે, ચર્ચા ન કર

ચર્ચાય તો, ચર્ચાય છે સઘળું, પછી
તું આંસુ કે અંજળ વિષે ,ચર્ચા ન કર

એકાદ હરણું હોય છે સહુમાં, અહીં
તું જળ અને મૃગજળ વિષે, ચર્ચા ન કર

જે સત્ય છે તે સત્ય છે, બે મત નથી
અમથી, અસતનાં બળ વિષે, ચર્ચા ન કર

– ડૉ. મહેશ રાવલ

આભાર, સુનીલ.

Comments (2)

આવતા ભવે – વિપિન પરીખ

તું અમેરિકન પત્નીની જેમ
મને છોડીને ચાલી તો ન ગઈ
તેં મને
અનેક મનુષ્યોની વચ્ચે
વકીલોના સહારે
કોર્ટમાં બદનામ પણ ન કર્યો
ન તો ક્યારેય આક્રોશ કર્યો
ન ફરિયાદ કરી
માત્ર એક દિવસ વાતવાતમાં
તું આટલું બોલી ગઈ –
‘આવતા ભવે પતિ તરીકે તમે તો નહીં જ !’

-વિપિન પરીખ

ભવોભવ એક-મેકના સાથી બનવાની માન્યતાને બાળાગોળીને જેમ ચટાડી ચટાડીને ઉછેરાતા ભારતીય દંપતિઓમાંથી કેટલા દંપતિઓ જીવનના અંત લગી સાચેસાચ આ સંસ્કારો જીવી-જિરવી શકતા હશે ? કેટલાક સુખદ અપવાદોને બાદ કરતાં વિવિન પરીખની આ વાત શું મોટાભાગના લોકોના જીવનનો સાચો ચહેરો નથી? ક્યારેક પરિવારની સંકુલતા, ક્યારેક બાળકોના નામની બેડી, ક્યારેક ધર્મનું નડતર અને ક્યારેક સમાજની દિવાલ બે વ્યક્તિને એક છત નીચેથી છૂટા પડતા અટકાવી દે છે. પણ છૂટાછેડા શું માત્ર કોર્ટરૂમમાં જ થાય છે? એક પલંગના બે છેડા પર સૂતેલા બે શરીરો કદાચ રાત્રિના અંધારામાં એક થાય પણ ખરાં, પણ બે મન છૂટા પડીને પૃથ્વીના સામસામા છેડે પહોંચી ગયા હોય એવું નથી બનતું?

Comments (13)

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે – ૩

ગયા વર્ષે મિત્રતાને લગતા શેરોની બે શૃંખલા ‘ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે” નામથી (ભાગ-૧, ભાગ-૨) રજૂ કરી હતી. ત્યારે આપણી અને આપણી પાડોશી ભાષાઓમાં પ્રાચીનકાળમાં દોહરા, સાખી, સવૈયા, કુંડળિયા, સુભાષિતો જેવા સ્વરૂપે કરાયેલા મિત્રતાનું શબ્દાંકન રજૂ કરવાની ઈચ્છા થઈ હતી. આપણા સાહિત્યના ભવ્ય ભૂતકાળને મિત્રતાની પરિભાષામાં આજે રજૂ કરું છું:

શેરીમિત્રો સો મળે, તાળીમિત્ર અનેક,
જેમાં સુખ-દુઃખ વામીએ, સો લાખનમાં એક.

મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,
સુખમાં પાછળ જે રહે, દુઃખમાં આગળ હોય.

મુશ્કેલીમાં મિત્રની ખરી કસોટી થાય,
હીરો સંઘાડે ચડે, તો જ ચમક પરખાય.

નિંદા હમારી જો કરે, મિત્ર હમારા હોય;
સાબુ લેકે ગાંઠકા, મૈલ હમારા ધોય.

સજ્જન વનવેલી ભલી, કરે ઝાડશું પ્રીત,
સૂકે પણ મૂકે નહીં, એ સજ્જનની રીત.

દુશ્મન તો ડાહ્યો ભલો, ભલો ન મૂરખ મિત્ર;
કદરૂપી પણ કહ્યાગરી, નહી રૂપાળી ચિત્ર.

કેળું, કેરી, કામિની, પિયુ, મિત્ર, પ્રધાન;
એ સર્વે પાકાં ભલાં, કાચાં ના’વે કામ.

વિપદા જેવું સુખ નથી, જો થોડે દિન હોય;
બંધુ મિત્ર અરુ તાત જગ, જાન પડત સબ કોય.

હરિ સમરે પાતક ઘટે, મિત્ર હરે નિજ પીર;
અરિ સમરેમેં તીન ગુન, બુદ્ધિ, પરાક્રમ, ધીર.

પારધી બન્યો સત્સંગી, ભાલે તિલક નિશાની,
ભગવાં પહેર્યાં, કંઠી બાંધી, એ રાખ સેલી ને વાની.
મુખ મીઠાં, મનમાં કપટ, સ્વાર્થ લગી સગાઈ છે,
કદી જોખમકારી જીવને મૂર્ખની મિત્રાઈ છે.

ધીરજ ધર્મ મિત્ર અરુ નારી
આપત્તિકાળ પરખીએ ચારી.

પાગ બદલ, બાંટા બદલ, વચન બદલ બેકુર;
યારી કર ખુવારી કરે, વાકે મુખ પર ધૂળ.

પ્રીત રીત બુઝે ન કછુ, મતલબમેં ભરપૂર,
દોસ્ત કહી દુશ્મન બને, વો મુખ ડારો ધૂળ.

પ્રીતિ અસીલસેં હોત હય, સબસેં નીભે ન પ્રીત;
કમજાતકી દોસ્તી, જ્યું બાલુકી ભીંત.

સજ્જન-મિલાપી બહોત હય, તાલીમિત્ર અનેક,
જો દેખી છાતી ઠરે, સો લાખનમેં એક.

દોસ્તી ઐસી કીજિયે જૈસે સરકે બાલ,
કટે કટાવે ફિર કટે, જડસે જાય ન ખ્યાલ.

સકર પિલાવે જૂઠકી, ઐસે મિત્ર હજાર;
ઝેર પિલાવે સાચકો, સો વિરલા સંસાર.

કપટી મિત્ર ન કીજિયે, અંતર પેઠ બુધ લેત;
આગે રાહ બતાયકે, પીછે ધોખા દેત.

મન મૈલા તન ઉજલા, બગલા કપટી અંગ;
તાતે તો કૌઆ ભલા, તન મન એક હી રંગ.

પ્રીત ત્યાં પડદો નહીં, પડદો ત્યાં નહીં પ્રીત;
પ્રીત ત્યાં પડદો કરે, તે દુશ્મનની રીત.

મિત્ર એડા કીજિયે, જેડા જુવારી ખેત;
શિર કાટીને ધડ વઢાં, તોયે ન મેલે હેત.

પૃથ્વી સમું નહીં બેસણું, આભ સમું નહીં છત્ર;
પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર.

શમે ના વેરથી વેર, ટળે ના પાપ પાપથી;
ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રીભાવ સનાતન.

(ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે – ભાગ -૧, ભાગ-૨)

Comments (6)

ત્રણ ત્રિપદીઓ – હેમેન શાહ

વૃક્ષ ચાલ્યું સ્કંધ પર ચકલી લઈ,
પ્હાડ પણ દોડ્યા ઝરણ પડતાં મૂકી !
કોણ આવ્યું મ્હેક આછકલી લઈ ?

દાવ એક જ છે તો ખેલી નાખીએ,
પ્રુથ્વીના ગોળાનો એક છેડો લઈ
ભેદ ઈશ્વરનો ઉકેલી નાખીએ.

સારા-નરસાના કશા પરદા નથી,
વિશ્વનું પ્રતિબિંબ પરપોટો ઝીલે,
સાફદિલ તત્વોને આવરદા નથી.

– હેમેન શાહ

ત્રિપદીઓ ધીમે ધીમે મારો ગમતો કાવ્યપ્રકાર થતી જાય છે ! વઘારે કવિઓ ત્રિપદીઓ લખે એવી મારી આશા છે. ત્રિપદીઓમાં કલ્પનોની તાજગીની જે પરંપરા છે એ મને સૌથી વધુ ગમે છે. આ ત્રણમાંથી એકેય ત્રિપદી સમજાવવાની જરૂર જ નથી. એતો અત્તરની નાની શીશીઓ જેવી છે… ખુલતાં જ જન્નત !

Comments (1)

દિલ વિના લાખો મળે – મરીઝ

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.

લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.

એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

મરીઝ

ગુજરાતના ગાલીબ ગણાતા આ મહાન શાયરની આ રચનાની છેલ્લી કડી બહુ જ જાણીતી છે.

Comments (8)

ચમન તુજને સુમન – કૈલાસ પંડિત

ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.

અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.

ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.

મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.

કૈલાસ પંડિત

 

ગમગીનીની ગઝલો જેમને વધારે સદતી હતી તેવા આ ઋજુ હૃદયના કવિનું જીવન પણ ગમથી ભરેલું હતું. તેમની આ રચના શ્રી. મનહર ઉધાસના કંઠે સાંભળતાં આપણે પણ એ માહોલમાં ખેંચાઇ જઇએ છીએ.

Comments (3)

હથોડી – કાર્લ સેન્ડબર્ગ (અનુ. સુરેશ દલાલ)

જૂના પુરાણા દેવોને
મેં જતા જોયા છે
અને નવા દેવોને આવતા.

પ્રત્યેક દિવસે
અને વરસે વરસે
મૂર્તિઓ પડે છે
અને પ્રતિમાઓ ઊભી થાય છે.

આજે
હું હથોડીની ભક્તિ કરું છું.

કાર્લ સેન્ડબર્ગ

આ નાનકડા કાવ્યના કેટલાય અર્થ છે. એક તરફથી જુઓ આ કવિતા એ ‘કિંગ’ અને ‘કિંગ-મેકર’ની વાત કરે છે. અને બીજી બાજુથી જુઓ તો આ કાવ્ય લોકશાહીની પ્રણાલીની વાત કરે છે જેમા મૂર્તિઓ ઘડતી હથોડી એટલે કે પ્રજા જ આખરે રાજા છે. અને વળી બીજા ખૂણેથી જુઓ તો આ કવિતા – પરિવર્તનથી  વધુ શાશ્વત વાત કોઈ નથી – એ ધ્રુવવાક્યનો પડઘો પાડતી જણાય છે. તમને જે ગમે તે અર્થ છે તમારે માટે ખરો અર્થ !

Comments (1)

ધન્ય – નરેન્દ્ર મોદી

પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે.
આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું.
કિયા ભવનું પુણ્ય છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.
સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,
કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં !
સભર આ શૂન્ય છે.
પૃથ્વી આ રમ્ય છે.
માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
આ બધું અનન્ય છે.
ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય છે.
પૃથ્વી મારી રમ્ય છે.

-નરેન્દ્ર મોદી

ગઈકાલે ૦૭-૦૪-૨૦૦૭ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રથમ કાવ્યસંગ્રહ ‘આંખ આ ધન્ય છે’ નું વિમોચન મુંબઈના ભાઈદાસ હૉલમાં થયું. રાજકારણ સાથે સંકળાયેલો માણસ જ્યારે શબ્દ સાથે પનારો પાડે ત્યારે પહેલાં તો શંકા જાગે કે એ સાચા શરસંધાન કરી શક્શે ખરો? પણ જેમ રામે પરશુરામની શંકા શિવધનુષ ધારીને કડડડભૂસ કરી હતી એમ ન.મો.ના કાવ્યો સાહિત્યરસિકોની આશંકાને સાનંદાશ્ચર્યથી નવાજી ખોટી પાડે છે. ગીતની કક્ષામાં આવી શકે એવું આ કાવ્ય મહદ્ અંશે તરન્નુમમાં ભાસે છે. પહેલી કડીમાં પૃથ્વીના સૌંદર્યનું વિશાળ ફલક રજૂ કરી બીજી જ પંક્તિમાં કવિ આંખ જેવી ઝીણકી સંજ્ઞા પર ભાવકને એવી મસૃણતાથી પછાડે છે કે કાવ્યમાં આગળ ખરેખર કવિતા આવશે એવી ભાવાનુભૂતિ થયા વિના રહેતી નથી. પૃથ્વીની રમ્ય વિશાળતા આંખના ઝીણકાપણાથી માણીએ તો જ જીવન ધન્ય બને. ઝાલ્યા ન ઝલાતા તડકાના ઢોળાવાની વાત અને હવામાં રંગોના વર્તુળો દોરતા મેઘધનુની વાત સાથે પુણ્યને સાંકળીને કવિ પ્રકૃતિના નાના-મોટા સાક્ષાત્કારોને ધન્યતાની ઊંચાઈ આપવામાં સફળ થયા છે. સમુદ્ર આકાશમાં ઊછળે? અને એની સાથે વાદળોની વાત? રાજકારણના આદમી શબ્દકારણના કવિ તરીકે ક્યાંક વાણીવિલાસ તો નથી કરી બેઠા ને? અરે હા! વાદળોના ગાભમાં હકીકતે ભર્યું છે શું? સમુદ્રનું બાષ્પીભવન થયેલું પાણી જ ને? અંતરાના અંતમાં જ્યારે કવિ ‘ભરેલા શૂન્ય’ની વાત કરે છે ત્યારે અચાનક તડકો, રંગધનુ, સમુદ્ર અને વાદળોના ગાભને એકસૂત્રે બાંધતા વૈજ્ઞાનિક તથ્યની ચમત્કૃતિનો શબ્દાત્કાર થાય છે અને પૃથ્વીની રમ્યતા શબ્દોમાંથી નીકળીને આપણા અહેસાસ સાથે સંકળાતી લાગે છે, જે કવિતાની સાચી ફળશ્રુતિ છે. કવિ માત્ર સૌંદર્યની વાત કરીને અટકી નથી જતાં. એમની ભીતરે તો કૈંક બીજું જ અભિપ્રેત છે. માનવીના મેળામાં ભળવાની વાત સાથે અન્યોની  હાજરીમાં પોતાની જાતને કળવાની વાત કવિની જાગૃત સંવેદનાનું દ્યોતક્ છે. અને અંતે આ બધા ગમ્યની બહાર કશુંક અગમ્ય પણ છે કહીને પોતાની ધારી ચોટ પૂરી કરે છે ત્યારે લાગતું નથી કે ગુજરાતની સૂરત બદલી નાંખનાર કોઈ પ્રખર રાજકારણીના આ શબ્દો છે.

Comments (40)

ગઝલપૂર્વક (કડી:૨) – અંકિત ત્રિવેદી

મંચ અને રોમાંચની વચ્ચે તાળીઓની ઘોડાપૂર વહેતી નદીમાં તણાયા વિના પોતાના શબ્દનો નોખો કિનારો બાંધવો એટલું સહેલું નથી. પ્રસિદ્ધિ અને પ્રશંસા ભલભલાને રસ્તામાં જ મારી નાંખે છે. અંકિત ત્રિવેદી મંચની સફળતાને ગળામાં જ અટકાવી દઈને કાવ્યની ગંગાને માથે ધારી-અવતારી શક્યા છે એ એમની સિદ્ધિ. ગયા અઠવાડિયે એમના કેટલાક શેરો માણ્યા પછી આજે એ યાત્રાના બીજા મુકામ પર આવીએ. આપના પ્રતિભાવો અહીં આપીને આપ વિશ્વભરના ગુજરાતીઓ સાથે વહેંચી શકો છો અને ઈચ્છો તો અં.ત્રિ.ને પણ સીધેસીધા મોકલાવી શકો છો: ghazalsamrat@hotmail.com

પડીને એકલો એવું વિચારું,
બધાથી એકલો ક્યારે પડ્યો છું?

આંખમાં આંખો પરોવી એટલામાં,
સૌ ક્ષિતિજો સૂર્ય ઓગાળી ચૂકેલી.

તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને ?

તું કહે છે કૈંક તો દૂરી કરો,
હું કહું છું આ ગઝલ પૂરી કરો.

તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?

દ્રશ્યની જો ઘરાકી જામી છે,
હોય જાણે દુકાન આંખોમાં.

આપણાથી કશું ન બોલાયું,
એમનું પણ સ્વમાન આંખોમાં.

કોઈ બીજાનાં હશે માપી જુઓ,
આપણાં આવાં નથી પગલાં કદી.

જે કદી સોંપી દીધેલું કોઈને,
એ હૃદયની વાત જાણું કઈ રીતે?

આ ગઝલ ક્યાં દોસ્તો અમથી લખાય છે?
કેટલીયે સાંજના શ્વાસો રૂંધાય છે !
વધુ આગળ વાંચો…

Comments (10)

કાચના અસ્તિત્વ પર… – ઉર્વીશ વસાવડા

કાચના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ લાગી જાય છે
હાથમાંથી એક પથ્થર જ્યારે ફંગોળાય છે

બંધ મૂઠ્ઠી ખોલવામાં પ્રશ્ન એ સર્જાય છે
હસ્તરેખાની લીપી ક્યાં કોઈને સમજાય છે

કેમ કોઈ સાંભળી શકતું નથી આ શહેરમાં ?
એક પંખી તારસ્વરમાં ગીત કાયમ ગાય છે

આ જગાએ એક ટહુકો સાંભળ્યો તો મે કદી
એ સતત મારા સ્મરણમાં આજે પણ પડઘાય છે

બુદબુદા ફૂટે સપાટી પર બધા દેખી શકે
કોઈને પેટાળના વિસ્ફોટ ક્યાં દેખાય છે.

– ઉર્વીશ વસાવડા

આમ તો ગઝલ આખી સરસ છે. પણ બીજો શેર મને સૌથી ગમ્યો. હસ્તરેખાની લીપીની વાત સરસ રીતે આવી છે. એક બાજુ મુઠ્ઠી ખોલવાની વાત છે જ્યારે બીજી બાજુ ભવિષ્ય વાંચવાની વાત છે ! આગળ વિવેકે ઉર્વીશભાઈના સંગ્રહ ‘ટહુકાના વન’ની સફર કરાવેલી એ પણ આ સાથે જોશો.

આ ગઝલ મોકલવા માટે આભાર, કલ્પન !

Comments (1)

ગયો – ડો. દિલીપ મોદી

લ્યો, વસંતી સૂર હું સૂણી ગયો
રંગબેરંગી પળે ટહુકી ગયો.

મિત્રતાનું એ કમળ લેવા જતાં
દોસ્ત! કાદવમાં પછી ખૂંપી ગયો.

ખૂટી ગઇ છે મારી પણ ધીરજ હવે
આમ જીવન જીવતા થાકી ગયો.

મારી મરજી હો, ન તારી મરજી હો
આંખથી હું સત્યને સમજી ગયો.

અટકળોની બાહુઓમાં છેવટે
થઇ અધીરો ખુદ સમય વળગી ગયો.

બાગનું સરનામું ક્યાં મળતું હતું?
હું ઇશારે મ્હેંકના પ્હોંચી ગયો.

ગત જમાનાની છબી થઇને ‘દિલીપ’
ભીંતમાંની ખીલી પર લટકી ગયો.

ડો. દિલીપ મોદી

Comments (5)

તાર જોડી દે- હરીશ પંડ્યા

ગાંઠ જૂની આજ છોડી દે હવે,
બંધ કિલ્લો આજ તોડી દે હવે.

બિંબ સાચું એક જેમાં ના મળે,
દર્પણોને આજ ફોડી દે હવે.

સર થશે પર્વત સમો આ માનવી,
લાગણીનો ધ્વજ ખોડી દે હવે.

પ્રેમનું સંગીત ગુંજી તો રહે,
બે હૃદયના તાર જોડી દે હવે.

જિંદગીની પાથરી ચોપાટ છે,
હાથમાં એનાય કોડી દે હવે.

હરીશ પંડ્યા

પૂર્વગ્રહો અને રૂઢ માન્યતાઓથી સ્વતંત્રતા વાંછતી આ ગઝલ મુક્ત મનના માનવીની ચિત્ત વૃત્તિને અનુકૂળ આવે તેવી છે! મત્લામાં ‘એના’ શબ્દ વાપરીને કવિએ ઘણું બધું કહી દીધું છે. જેના ગુણગાન ગાતાં આપણે થાકતા નથી તેવા પરમ તત્વને ય જિંદગીની ચોપાટમાં રમવા દેવાનું ઇજન આપીને કવિએ બહુ મોટી વાત કરી દીધી છે.

Comments (3)

પ્રભાત સૂર્યમાં – ઉશનસ્

આપણું પ્રાતના તાપમાં ચાલવું.

કેન્દ્ર લૈ ચરણમાં
ઈન્દ્રધનુ વરણમાં
કો અનાવરણમાં
વ્યોમના વ્યાસના વ્યાપમાં ચાલવું !

તેજ-છાયા-વણી
બિંબ-બિંબોતણી
ચો-ભણી ગૂંથણી,
આપણું કો મહાખાપમાં ચાલવું !

રેખનું ખરી જવું,
રૂપનું ગળી જવું,
આપમાં મળી જવું,
આપણું આપણા આપમાં ચાલવું !
આપણું પ્રાતના તાપમાં ચાલવું.

– ઉશનસ્

થોડા વખતથી બધી ગંભીર રચનાઓ જ મનમાં આવે છે. એટલે આ વખતે ખાસ આ પ્રસન્ન રચના શોધી ! આવું જ એક ગીત ઉમાશંકરનું પણ છે – ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.

Comments (2)

ગઝલ – મનોજ ખંડેરિયા

ખૂબ અંદર ભીનો છું નહીં સળગું;
કાષ્ટ સૂકાં ને સૂકાં જ ગોઠવજો.

ના ગમે તો ઊઠીને ચાલ્યા જજો,
શરમે મારી ગઝલ ન સાંભળજો.

એનું માઠું મને નહીં લાગે,
મારું માઠું વરસ છે તે સમજજો.

– મનોજ ખંડેરિયા

ત્રણ જ શેરની આ ગઝલ વરસાદના નાના પણ જોરદાર ઝાપટા જેવી છે. ભીંજાયે જ છુટકો !

Comments (5)

ગઝલ – મુકુલ ચોક્સી

ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું
ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું,

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું ! 

પૂર્વે હો પારિજાતો, પશ્ચિમમાં પૂર્ણિમાઓ
ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું

બાહુ વહાવી દઈને બારીથી બારણાથી,
ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું.

પેટાવો પાંદપાંદે એ તળપદાં તરન્નુમ
બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું

કેવા અસૂર્ય દિવસો ! કેવી અશ્યામ રાતો !
કેવું ઝળકઝળકતું મોંસૂંઝણું મનસનું 

– મુકુલ ચોકસી

મુકુલ મનહરલાલ ચોક્સી. (જ. 21-12-1959). જન્મે ને કર્મે સુરતી. કવિ. હાસ્ય કવિ. મનોચિકિત્સક. સેક્સોલોજીસ્ટ. સરવાળે ન મળ્યા હોય તો પસ્તાવું પડે એવો માણસ. કેટલાક કવિઓ શબ્દ પાસે જઈને યાચના કરે, આરાધના કરે અને કવિતા કરે. આ માણસ એવો કે શબ્દ જાતે એની પાસે આવે અને નવોન્મેષ પામી ગૌરવાન્વિત થાય. એના જબરદસ્ત કવિકર્મને કદાચ ર.પા.ની હરોળમાં મૂકી શકાય. તરસનું તાપણું અને અશ્યામ રાતો એ મુકુલની કવિતામાં જ આવી શકે.  પરસ્પરને અત્યંત તીવ્રતાથી મળવાની ઘડીમાં કદાચ આપણા બાહુઓ પણ આડખીલી લાગે. બાહુને વહાવી દઈને એકમેક વચ્ચેનું અંતર શૂન્ય કરવાની વાત ગઝલને અ-લૌકિક અનુભૂતિના સ્તરે મૂકે છે. (કાવ્યસંગ્રહો:  ‘તરન્નુમ’, ‘આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા’, ‘તાજા કલમમાં એજ કે…’)

Comments (15)