અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.
‘આસીમ’ રાંદેરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for November, 2012

ઊગેલી પાંખને – સંજુ વાળા

સાવ સામે આવી ઊભાં હો અને…
શક્ય છે હું ઓળખું ના આપને !

સાંભરણ, સંબંધના ઊંડાણને
તાગતાં અડકી જવાતું આભને !

કેટલા પાછળ લિસોટા પાડવા ?
એની ક્યાં કંઈ પણ ખબર છે સાપને !

ખૂલ્લું છે આકાશ, પણ મન બંધ છે –
કેમ ફફડાવું ઊગેલી પાંખને ?

પ્હોંચવું, પામી જવું, તરછોડવું
એ જ ઘટનાક્રમ મળ્યો તમને- મને !

જે કહું એ જ પાછું સાંભળું
સાંભળ્યું જે, એ જ કહેવાનું બને !

છાંયે બેસે એની છાયા ઓગળે
તડકે ચાલે એ ગુમાવે ઝાડને !

– સંજુ વાળા

સંજુ વાળા એ આજની ગુજરાતી કવિતાનો અલાયદો અવાજ છે. એમની રચનાઓ રુઢગતિથી નથી ચાલતી. એ ન ખેડાયેલી કેડી પર પોતીકા ચીલા ચાતરે છે એના કારણે ક્યારેક એ દુઃસાધ્ય પણ અનુભવાય છે. પણ એમની આ ગઝલ જુઓ. એક-એક શેર ખૂબ હળવેથી ખોલી જુઓ અને જુઓ કે તમારી આંખ
સાનંદાશ્ચર્યથી પહોળી થઈ જાય છે કે નહીં ! કેટલાક શેર તરત પ્રત્યાયિત થાય છે તો કેટલાક ambiguous જણાય છે.

Comments (19)

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ? – ચિનુ મોદી

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?
જીવવા માટે બહાનું જોઈએ.

એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

એક પરપોટો ઘણો સુંદર હતો,
પણ હવાને ચાલવાનું જોઈએ.

સીમમાંથી ઘર તરફ પાછા જતાં,
આ ક્ષણે પંખી મજાનું જોઈએ.

વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,
જીવ, તારે ચોરખાનું જોઈએ.

આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,
સાંભરણ એવી જગાનું જોઈએ.

તું કહે ત્યાં આવશે ‘ઈર્શાદ’ પણ,
એક ઢેફું આ ધરાનું જોઈએ.

– ચિનુ મોદી

ચિનુ મોદીની એક ચિરસ્મરણીય ગઝલ…

 

Comments (10)

હોટેલનો આ રૂમ ખાલી કરતાં… – પ્રબોધ ર. જોશી

c472e4c8da162035ac1ebddf6a263df6

હોટેલનો આ રૂમ –
જલદી ખાલી કરી શકતો નથી
ફરી ફરી અથડાય છે ચીજો બધી
… કશુંક ક્યારેક આડુંઅવળું રહી ગયું
તો વળી કોઇકે કર્યું ઠીક –
અને આ વૃક્ષ લીલુંછમ સતત ડોક્યા કરે…
મોડી સાંજે પડદો પાડું
તો આવીને ગોઠવાઈ જાય રૂમમાં ચૂપચાપ
ને આ એકાંત મારું પ્યારું હવે બાવરું !
બધાં સાથે મળી આપે છે વિદાય.
આંખમાં ઝળઝળિયાં
ક્ષણ બે ક્ષણ એ દશ્યને મનમાં રહું મઢી
ને ચાલી નીકળું પુનઃ પ્રવાસે-
ભૂલી રહું એ રૂમ ને એ વૃક્ષ ને કૈં કેટલુંય !
કૈં કેટલા આ – લખચોરાસી – રૂમની છે
વિસ્મૃતિ!

– પ્રબોધ ર. જોશી (૧૯૫૩-૨૦૧૨)
(‘પાછો ઉઘાડ નીકળ્યો આ’)
સાભાર: વર્ડનેટ, મુંબઈ સમાચાર

કવિ પ્રબોધ ર.જોશીનું ૧૮મી નવેમ્બરે ૫૯ વર્ષની ઉંમરે અવસાન થયું છે. આપણા વેઢે ગણાય એટલા સત્વશીલ સામાયિકોમાંથી એક ઉદ્દેશના એ તંત્રી હતા. પાછો ઉઘાડ નીકળ્યો આ સિવાય એમનો બીજો સંગ્રહ છે મારે કોઈ નામ આપવું બાકી છે.

હોટેલનો રૂમ અહીં જીંદગીનું પ્રતિક છે અને કવિતા ખરેખર મૃત્યુ વિશે છે. વૃક્ષ જીવનમાં જે બધું વહાલું-પ્યારું લાગે છે એનુ પ્રતિક છે. આ રીતે વાંચો તો કવિતા વાગે એવી ધારદાર છે. હોટેલના રૂમ કે વૃક્ષ – બધાનું એક જ ગંતવ્ય છે – વિસ્મૃ તિ.

Comments (9)

ગઝલ- હરીન્દ્ર દવે

બંનેમાં વેદના છે; હું તારી નિકટ કે દૂર,
જુદા છે સાજ, એકનો એક જ વહે છે સૂર.

તારી કૃપાનું કેવું સનાતન ધસે છે પૂર,
ઓઝલ લગાર આંખથી,કહી દઉં છું તને ક્રૂર.

વચ્ચે છે ભારે મૌનનો સાગર છતાં, પ્રભુ,
લાગે છે કે લગારે ગયો છું હૃદયથી દૂર ?

વનરાજીમાં તો કૃષ્ણ નથી, માત્ર કાષ્ઠ છે,
નક્કી કદંબવનથી અમે સાંભળ્યો’તો સૂર.

કોઈને કંઈ દીધું કે લીધું ? કંઈયે યાદ ના,
લૈ કોરી પાટી આવી ગયો, આપની હજૂર.

-હરીન્દ્ર દવે

Comments (5)

ગઝલ – મુકુલ ચોકસી

ભલેને એમનો બીજો કશો પણ હોય શુભ આશય,
ગુનો એ છે કે આંખોએ કર્યો આકાશનો દુર્વ્યય.

ને તે જગ્યાએ લીટી દોરી થઈએ આપણે નિર્ભય,
તમે જીરવી શકો સરેરાશ બોલો, કેટલો પરિચય.

દિલાસાના અધૂરા અર્થ જેવી આ અગાશીમાં,
નહીં ઉકલેલી ભાષા જેવા અંધારાનો શો આશય ?

દીવાલો હોય કે તું હોય કે ઈશ્વર કોઈ પણ હોય,
મને ચૂપ રહેતી વસ્તુઓ વિષે પહેલેથી છે સંશય.

પછી તો વ્યગ્રતાની વાત હસતા હસતા કરવાની,
અને તક હોય તો થોડુંક તરફડવાનું પણ સવિનય.

-મુકુલ ચોકસી

Comments (10)

હોય છે – ગૌરાંગ ઠાકર

જેનું હૈયું શબ્દદાની હોય છે,
એની નોખી કાવ્યબાની હોય છે.

પ્રેમમાં જે સાવધાની હોય છે,
એ જ ચાહતની નિશાની હોય છે.

ફૂલને સ્પર્શે છતાં ચૂંટે નહીં,
એ હવાની ખાનદાની હોય છે.

રૂપથી ફરિયાદ પણ ના થાય કે
આયનાની છેડખાની હોય છે.

તારે તો વંટોળિયાની વારતા
ઝાડ માટે જાનહાનિ હોય છે.

જે ઘડી હું મારી સાથે હોઉં છું,
ત્યારે સન્નાટો રુહાની હોય છે.

જો કલમથી થાય ના અજવાળું તો
કાવ્યની એ માનહાનિ હોય છે.

– ગૌરાંગ ઠાકર

કેટલાક કવિઓ ગુજરાતી ગઝલમાં પોતાનો આગવો અવાજ પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. નીચે નામ ન લખ્યું હોય તો પણ ગઝલ વાંચીએ અને તરત સમજાઈ જાય કે આ ગઝલ તો આ કવિની. ગૌરાંગ ઠાકરની બાની પણ કુશળતાથી પોતાનો અવાજ આ રીતે આંકી શક્યા છે… ક્યારેક આ પ્રકારની સિદ્ધિ કવિશક્તિને કુંઠિત પણ કરી શકે છે પણ ગૌરાંગભાઈ આ દોષથી વેગળા રહી શક્યા છે એ ગુજરાતી ગઝલનું સદભાગ્ય.

Comments (16)

ગઝલ – નીતિન વડગામા

સજાવેલા એ તખ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.
અને પાડેલ પડદાનાં પ્રયોજન સાવ જુદાં છે.

ભલે બેઠાં નિરાંતે તાપણે સાથે મળીને સૌ,
બધાં લોકોની ચર્ચાનાં પ્રયોજન સાવ જુદાં છે.

હવે તો જાતને પણ જાળવીને ચાલવું પડશે,
અહીં પ્રત્યેક પગલાનાં પ્રયોજન સાવ જુદાં છે.

દિશા એક જ છતાં જુદી દશાની શક્યતાઓ છે,
જરા ફંટાતા રસ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.

કવિ, કાગળ, કલમ સઘળું ભલે હો એકનું એક જ,
છતાં મત્લા ને મક્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.

– નીતિન વડગામા

Comments (7)

ગઝલ – સુનીલ શાહ

એટલે ત્યાં કશું ઉધાર નથી,
લાગણીનું કોઈ બજાર નથી.

મારું ભીતર છે, કોઈ ‘છટકું’ નથી,
દ્વાર પાછળ જો… કોઈ દ્વાર નથી.

એ જરૂરી છે, હોય અર્થસભર,
શબ્દ કેવળ કશો વિચાર નથી.

શોધ એવું અતીત તો તું ખરો,
કોઈ પાને કશા પ્રહાર નથી.

ફૂલ રહેવા દે, લાગણી લઈ આવ,
દોસ્ત, મારું હૃદય મઝાર નથી.

– સુનીલ શાહ

બધા જ શેર સરસ પણ પહેલાં ત્રણ શેર તો ઉત્તમ…

Comments (15)

એક કવિતા પૂરી કરું છું કે – સંસ્કૃ તિરાણી દેસાઈ

હું જેવી એક કવિતા પૂરી કરું છું કે
તે આખો આકાર લઈ ઊભી થઈ જાય
કાગળ ઉપરથી.

સ્વપ્નપરીની વાત કરું તો
તેનું આકર્ષક રૂપ લઈ
મોહક અદાથી ચાલવા માંડે છે મારી સામે
આંખોથી ઈશારા કરતી.

મશ્કરા શબ્દોની વાત કરું તો
પાંચસાતની ટોળી ઊભી થઈ
મારી સામે મશ્કરી અને ટીખળ કરવા માંડે છે
ને પછી બધા જ નીકળી પડે છે વિશાળ દુનિયામાં.

એક દિવસ મેં રાક્ષસની વાત કરી કવિતામાં
ને તે ધીમે ધીમે આકાર લેવા માંડ્યો.

એટલો બધો ભયાનક ચીતર્યો હતો કે
મને થયું કે જેવી હું પૂર્ણ કરીશ કે
કૂદી પડશે મારા ઉપર જ.

હવે હું ગભરાઈ, શું રસ્તો છે એનાથી બચવાનો?
ને મેં છેલ્લી પંક્તિ લખી જ નહીં.
પૂરી જ ન કરી કવિતા.

રાક્ષસ બિચારો હજી ઊભો છે
કાગળ સાથે પગ જકડાયેલો
છેલ્લી પંક્તિની રાહ જોતો.

– સંસ્કૃ તિરાણી દેસાઈ

દરેક કવિતાના મૂળમાં એક વિચાર હોય છે. દરેક વિચાર એક વાયરસ સમાન હોય છે. કવિતા લખી નાખો પછી એ છૂટી ગયેલા તીર જેવા વિચાર-વાયરસ પર કવિનો કોઈ અંકુશ રહેતો નથી. જે વિચારથી કવિ પોતે ગભરાય એને માટે એક જ રસ્તો છેઃ કવિતા ન લખવી. પણ આ રાક્ષસ તો ખરેખર કવિના મનની જ ઉપજ છે. બીજા બધા તો બચી શકે, પણ એ વિચાર-રાક્ષસથી કવિ પોતે કેવી રીતે બચી શકશે ?

Comments (11)

કબૂલ નથી-રમેશ પારેખ

સજા કબૂલ,મને આ નગર કબૂલ નથી
હવે આ કેદ, આ ખુલ્લી કબર કબૂલ નથી

જર્દ ચહેરાઓ ભટકતી નજર કબૂલ નથી
ફૂલો વિનાનું મને કોઈ ઘર કબૂલ નથી

બંધ દરવાજા ઝૂરે છે સતત ટકોરાને
કોઈ વિલંબ કે કોઈ સબર કબૂલ નથી

ચાંદ ઊગે છે હથેળીમાં તો ય અંધારું
હસ્તરેખાને કોઇપણ અસર કબૂલ નથી

નથી કબૂલ આ અંગત વસંતનાં સ્વપ્નો
કોઈના હકમાં મને પાનખર કબૂલ નથી

નથી કબૂલ, હો દુ:સ્વપ્ન કોઈ આંખોમાં,
કોઈ હિચકારી પીડાની ખબર કબૂલ નથી.

તમારી પીડામાં રાખો કબૂલ હક મારો
કોઈ જ તક મને એના વગર કબૂલ નથી

સજા કબૂલ,મને આ નગર કબૂલ નથી
હવે આ કેદ, આ ખુલ્લી કબર કબૂલ નથી

-રમેશ પારેખ

Comments (6)

Page 1 of 3123