આકંઠ છલોછલ અંદર-બાહર દેહ-પ્રાણ રંગાયા છે,
તમે નથી પણ તમારા સ્મરણે થઈ રમમાણ રંગાયા છે.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શૂન્ય પાલનપુરી

શૂન્ય પાલનપુરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

કેટલા? - શૂન્ય પાલનપુરી
અવતારી નથી - શૂન્ય પાલનપુરી
આપણી યાદગાર ગઝલો : ૦૭ : તમારા પ્રતાપે બધા ઓળખે છે - શૂન્ય પાલનપુરી
એક રુબાઈની લાંબી સફર : ઉમર ખૈયામ, શૂન્ય અને ફિટ્ઝેરાલ્ડ
કૂંચી - શૂન્ય પાલનપુરી
કોણ માનશે ? - શૂન્ય 'પાલનપુરી'
કોણ માનશે? - ‘શૂન્ય’ પાલનપુરી
કોણ માનશે?- ‘શૂન્ય’ પાલનપુરી
ખટકે છે - શૂન્ય’ પાલનપુરી
ખુદા મળે-શૂન્ય પાલનપુરી
ગઝલ - શૂન્ય પાલનપુરી
ગઝલમાં તબીબ, હકીમ અને વૈદ -સંકલન
ગુજરાતી ગઝલમાં 'મૃત્યુ' :કડી ૦૫
જીવન મારું મરણ મારું - ‘શૂન્ય’ પાલનપુરી
જોઈએ - શૂન્ય પાલનપુરી
નૂરે ગઝલ -'શૂન્ય' પાલનપુરી
પડછાયો હતો - શૂન્ય પાલનપુરી
પ્યારું ઉપનામ - શૂન્ય પાલનપુરી
બંધ - ઉમર ખૈયામ, અનુ. શૂન્ય પાલનપુરી
મુક્તક - શૂન્ય પાલનપુરી
મુક્તિ-મંત્ર - શૂન્ય પાલનપુરી
યાદગાર મુક્તકો : ૦૨ : મરીઝ, શૂન્ય પાલનપુરી
રમવું જોઈએ - ઉમર ખૈયામ અનુ.'શૂન્ય' પાલનપુરી
રુબાઈ - ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)
રુબાઈ - શૂન્ય - ખૈયામ
રુબાઈયાત -ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)
લોહીની સગાઈ - 'શૂન્ય' પાલનપુરી
સાદ - શૂન્ય પાલનપુરી
સુરાહીમાં ખાલી - શૂન્ય પાલનપુરી
હિંમત છે નાખુદા - શૂન્ય પાલનપુરીજીવન મારું મરણ મારું – ‘શૂન્ય’ પાલનપુરી

જગતનાં અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું
હવે શું જોઈએ મારે ? જીવન મારું મરણ મારું

અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું

અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા
કવિરૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું

કહી દો સાફ ઈશ્વરને છંછેડે નહીં મુજને
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું

કહો ધર્મીને સંભળાવે નહિ માયાની રામાયણ
નથી એ રામ કોઈમાં કરી જાયે હરણ મારું

રડું છું કેમ ફૂલો પર ? હસું છું કેમ ઝાકળ પર
ચમન-ઘેલાં નહિ સમજે કદાપિ આચરણ મારું

હું નામે શૂન્ય છું ને શૂન્ય રહેવાનો પરિણામે
ખસેડી તો જુઓ દ્દષ્ટિ ઉપરથી આવરણ મારું

-‘શૂન્ય’ પાલનપુરી

Comments (4)

યાદગાર મુક્તકો : ૦૨ : મરીઝ, શૂન્ય પાલનપુરી

સુરા રાતે તો શું, વ્હેલી સવારે પી ગયો છું હું,
સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું;
કોઈ વેળા કશી ઓછી મળે તેની શિકાયત શું,
ઘણી વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું.

-મરીઝ

*
શ્વાસના પોકળ તકાદા છે, તને માલમ નથી,
નાઉમેદીના બળાપા છે, તને માલમ નથી;
જિંદગી પર જોર ના ચાલ્યું ફકત એ કારણે,
મોતના આ ધમપછાડા છે, તને માલમ નથી.

– શૂન્ય પાલનપુરી

મુક્તકોની ખરી મજા એમની Res Ipsa Loquitar (it speaks for itself-સ્વયંસ્પષ્ટ) પ્રકૃતિના કારણે છે. ચાર પંક્તિના ખોબામાં મુક્તક વાદળ ભરીને વરસાદ લઈ આવે છે. આજે ગુજરાતી ગઝલના બે ખ્યાતનામ શાયરોની કલમે એક-એક મુક્તકની મજા લઈએ… બંને મુક્તક સ્વયંસિદ્ધ છે…

Comments (4)

કોણ માનશે? – ‘શૂન્ય’ પાલનપુરી

દુ:ખમાં જીવનની લા’ણ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે?

શૈયા મળે છે શૂલની ફૂલોના પ્યારમાં!
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે?

લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ મનશે?

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો!
પીડા જ રામબાણ હતી, કોણ માનશે?

આપી ગઈ જે ધાર જમાનાની જીભને,
નિજ કર્મની સરાણ હતી, કોણ માનશે?

જ્યાં જ્યાં ફરુકતી હતી સૌન્દર્યની ધજા,
ત્યાં ત્યાં પ્રણયની આણ હતી, કોણ માનશે?

પાગલના મૌનથી જે કયામત ખડી થઈ,
ડાહ્યાની બુમરાણ હતી, કોણ માનશે?

– ‘શૂન્ય’ પાલનપુરી

Comments (2)

હિંમત છે નાખુદા – શૂન્ય પાલનપુરી

ડૂબી નહીં શકું ભલે પાણીમાં તાણ છે;
હિંમત છે નાખુદા અને વિશ્વાસ વા’ણ છે.

અવસર વહી જશે તો ફરી આવશે નહીં,
આવી શકો તો આવો હજુ કંઠે પ્રાણ છે.

અશ્રુનો આશરો છે તો ઝીલી શકું છું તાપ,
નજરો શું કોઇની છે? જલદ અગ્નિ-બાણ છે.

સમજી શક્યું ન કોઇ મને એનો ગમ નથી,
દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.

ચાલી રહ્યો છું એમ ફના-પંથે રાતદિન,
જાણે મને કોઇના ઇરાદાની જાણ છે !

લઇ જાઓ, આવો ઊર્મિઓ ! એકેક અશ્રુને,
આવ્યું છે કોઇ એની ખુશાલીની લા’ણ છે.

સમજી શકે જો ધર્મ તણો સાર માનવી,
સર્વાંગ એ જ ‘શૂન્ય’ અઢારે પુરાણ છે.

 

-શૂન્ય પાલનપુરી

 

 

Comments (2)

સુરાહીમાં ખાલી – શૂન્ય પાલનપુરી

અમો પ્રેમીઓના જીવનમાં વસી છે આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી
ધરા છે અમારા હ્રદય કેરો પાલવ, ગગન છે અમારા નયન કેરી પ્યાલી

અમે તો કવિ, કાળને નાથનારા, અમારા તો આઠે પ્રહર છે ખુશાલી
આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી

મને ગર્વ છે કે અમારી ગરીબી અમીરાતની અલ્પતાઓથી પર છે
સિકંદરના મરહુમ કિસ્મતના સૌગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી

તને એકમાંથી બહુની તમન્ના, બહુ થી મને એક જોવાની ઇચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી

-શૂન્ય પાલનપુરી

આ ગઝલ પ્રસ્તુત કરવાનો હેતુ એનો છેલ્લો શેર છે…….

Comments (6)

ખટકે છે – શૂન્ય’ પાલનપુરી

કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે
અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે

નથી એ ધર્મનાં ટીલાં કલંકો છે મનુષ્યોનાં
વિરાટોને લલાટે અલ્પતાની ભાત ખટકે છે

કદી ડંખે છે દિન અમને, કદી ખુદ રાત ખટકે છે
જુદાઈમાં અમોને કાળની પંચાત ખટકે છે

સમંદરને ગમે ક્યાંથી ભલા બુદબુદની પામરતા ?
અમોને પણ મારા દેહની ઓકાત ખટકે છે

વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં
ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે.

કરી વર્ચસ્વ સૃષ્ટિ પર ભલે રાચી રહ્યો માનવ
અમોને દમ વિનાને શૂન્ય એ સોગાત ખટકે છે

– શૂન્ય’ પાલનપુરી

ચોથા શેરની બીજી કડીમાં કંઈક છંદની ગડબડ લાગે છે…..જાણકારો પ્રકાશ પડે…..

Comments (6)

પડછાયો હતો – શૂન્ય પાલનપુરી

ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?

ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો.

નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.

ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?

તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.

માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.

Comments (12)

કેટલા? – શૂન્ય પાલનપુરી

હું નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?

ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?

દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા?

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસત થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલા?

સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

Comments (8)

ખુદા મળે-શૂન્ય પાલનપુરી

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,
એવું દરદ ન આપ કે જેની દવા મળે.

સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.

ઝંઝા સમે ગયો તે ગયો, કૈં પતો નથી,
દેજો અમારી યાદ અગર નાખુદા મળે.

સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,
સાચો અદલ તો એ જ કે એને સજા મળે.

કાઠું થયું હૃદય તો જીવનની મજા ગઈ,
એ પણ રહી ન આશ કે જખ્મો નવા મળે.

રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર,
સંભવ છે ત્યાં જ કોઇપણ રૂપે ખુદા મળે.

– શૂન્ય પાલનપુરી

Comments (13)

અવતારી નથી – શૂન્ય પાલનપુરી

છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી ;
મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી.

બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;
કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.

તારલાઓની સભા પર મીટ માંડી શું કરું ?
દિલ વિનાની કોઇપણ મહેફિલ મને પ્યારી નથી.

થઇ શકે છે એક મુદ્દા પર કયામતનો રકાસ –
ભાગ્યનું નિર્માણ કૈં મારી ગુનેગારી નથી !

એટલે તો કાળ સમો છું અડીખમ આજે પણ-
બાજીઓ હારી હશે,હિંમત હજી હારી નથી.

પાનખરને મેં વસંતો જેમ માણી છે જરૂર-
પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી.

જયારે જયારે થાય છે ગ્લાનિ ગઝલને વિશ્વમાં –
શૂન્ય દોડે છે વહારે, જો કે અવતારી નથી.

Comments (8)

Page 1 of 3123