કેદ છું સદીઓથી ક્ષણના મહેલમાં,
છું છતાં ક્યાં છું હું આખા ખેલમાં ?
વિવેક મનહર ટેલર

દર્દની ભેટ – શૂન્ય પાલનપુરી

એક દી સર્જકને આવ્યો
કૈં અજબ જેવો વિચાર;
દંગ થઈ જાયે જગત
એવું કરું સર્જન ધરાર!

ફૂલની લીધી સુંવાળપ,
શૂળથી લીધી ખટક
ઓસથી ભીનાશ લીધી,
બાગથી લીધી મહક.

મેરૂએ આપી અડગતા,
ધરતીએ ધીરજ ધરી
વૃક્ષથી પરમાર્થ કેરી
ભાવના ભેગી કરી.

બુદબુદાથી અલ્પતા,
ગંભીરતા મઝધારથી,
મેળવ્યો કંકાસ મીઠો
મોજના સંસારથી.

પ્રેમ સારસનો ઉપાડ્યો,
પારેવાનો ફડફડાટ,
કાગથી ચાતુર્ય લીધું
કાબરોથી કલબલાટ.

ખંત લીધી કીડીઓથી,
મક્ષિકાથી શ્રમ અથાગ,
નીરથી નિર્મળતા લીધી
આગથી લીધો વિરાગ.

પંચભૂતો મેળવી એ સર્વેનું મંથન કર્યું,
આમ એક દી સર્જકે નારીનું સર્જન કર્યું,
દેવદુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી,
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી!

– શૂન્ય પાલનપુરી

બાઇબલ કહે છે કે ઈશ્વરે સ્ત્રીનું સર્જન પુરુષની પાંસળીમાંથી કર્યું છે. પરિણામે પુરુષ ઈશ્વરના સીધા સંપર્કમાં રહી શકે છે, પણ સ્ત્રીને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી. સ્ત્રીને ઈશ્વરના સંપર્કમાં આવવું હોય તો પુરુષના માધ્યમ વડે જ આવી શકે. (Hee for God only, Shee for God in him) (Paradise Lost, Milton) પુરુષપ્રધાન સમાજવ્યવસ્થાનો રણકો પ્રસ્તુત નઝમમાંથી પણ ઊઠતો સંભળાય છે. આખું જગત દંગ રહી જાય એવું સર્જન કરવાના વિચારે સર્જનહારે સૃષ્ટિના અલગ-અલગ તત્ત્વો પાસેથી અલગ-અલગ વસ્તુઓ પ્રાપ્ત કરીને તમામને એકરસ કરીને સ્ત્રીનું સર્જન કર્યું અને દુનિયાને નારી નામની નવતર ભેટ પ્રાપ્ત થઈ. કવિએ સ્ત્રીની પ્રકૃતિ પ્રગટ કરવા માટે પ્રકૃતિના જે જે તત્ત્વો પાસે મદદ લીધી છે એની યાદી અને રજૂઆતની શૈલી પ્રભાવિત કરે એવી છે. સ્ત્રીસ્વભાવને ઉપસાવવા માટેની રૂપકવર્ષા અને અદભુત કાવ્યાત્મક રજૂઆત આપણને ભીંજવી જાય છે, પણ કાવ્યાંતે કવિ સ્ત્રીનો જન્મ થવાને કારણે દુનિયાને દર્દની ભેટ મળી એમ કહીને પૌરુષી સિક્કો મારીને સ્ત્રીને દુઃખદર્દનું નિમિત્ત ગણાવે છે એ વાત જરા ખટકે એવી છે.

6 Comments »

  1. pragnajuvyas said,

    December 1, 2022 @ 8:18 AM

    અમારી મહિલા મંડળની અનેક બેઠકોમા મેં અને અનેક મહિલાએ આ વાત કહી છે કે ક્યારે શરૂઆત થશે જાતિ ના ભેદભાવ વિના જીવતા સમાજની?.
    સર્જનહારે સૌ પ્રથમ પુરુષ જાતને ઘડી હશે
    ભૂલો સુધારી પછી નવરાશે સ્ત્રીઓને ઘડી હશે ,એટલે જ તો સ્ત્રીઓ આવી સૌંદર્યવાન બની હશે ! નારી શક્તિના સામર્થ્યને શૂન્ય પાલનપુરી સાહેબે ગઝલોમાં ધારદાર શબ્દે મઢીને અદભુત રીતે વર્ણવી છે . એમના માનીતા ગાયક મનહર ઉધાસે ગાયેલી ગઝલ રણકાર બ્લોગ http://rankaar.com/blog/archives/67 નીવડેલા સુરમાં તમે પણ માણો . 
    શૂન્ય પાલનપુરીએ નારીના સ્વભાવ, ખંત, જોમ, લાવણ્ય, ગાંભીર્ય, ભય, પ્રેમ અને વિરાગ જેવા અનેક ગુણોનું મિશ્રણ નારીના સર્જનની વાત મૂકી છે. કેમ કે આ બધા જ ગુણો નારીમાં સહજસાધ્ય છે, જે તેને સંપૂર્ણ બનાવે છે.ઇશ્વરે ઘણું બધું રચ્યું, છતાં સંતોષ નહીં થયો હોય, એટલે એક દિવસ એવો વિચાર આવ્યો હશે, કે આ બધામાં કંઇક વિશેષ અને ઉત્તમ કશુંક બનાવું. અને તેણે સ્ત્રી બનાવવાનું વિચાર્યું હશે. સ્ત્રી બનાવવામાં ઇશ્વરે શુંશું લીધું ? ફૂલની સુંવાળપ અને કાંટાની ખટક પણ લીધી, ઝાકળ પાસેથી ભીનાશ, બાગ પાસેથી મહેક, પર્વત પાસેથી અડગતા, ધરતી પાસેથી ધીરજ, વૃક્ષ પાસેથી સેવાભાવના, પરપોટા પાસેથી જીવનની ક્ષણભંગુરતા ની સમજ; દરિયા ના ઊંડાણ પાસેથી ગંભીરતા લીધી, કિનારે રોજ પર્વત સાથે અફળાતાં મોજાં પાસેથી સંસારનો મીઠો કંપાસ લીધો.(કવિએ આમાં પતી-પત્નીના મીઠા ઝઘડા નો ઉલ્લેખ કર્યો હોય તેવું કીધું દેખાઈ આવે છે, નહીં ?) ખેર, સારસની જોડી પાસેથી પ્રેમ લીધો. ‘મરવું, પણ અલગ ન પડવું’ની ભાવનાવાળી સારસ બેલડીનો પ્રેમ તો જગવિખ્યાત છે. પછી પારેવાનો સહજ ફફડાટ લીધો. કાગડા પાસેથી ચતુરતા અને કાબરો કનેથી કલબલાટ લીધો. (સ્ત્રી વધારે બોલતી હોય છે, એવા જોક્સ કદાચ આના લીધે તો નહીં બન્યા હોય ને !) કીડી ખૂબ ખંતીલી હોય છે, ભગવાને તેનો ખંત પણ લીધો, માખી ખૂબ પરીશ્રમ કરે છે, તેનો શ્રમ પણ લીધો. જળ પાસેથી નિર્મળતા અને આગ પાસેથી વૈરાગ્ય પણ લીધું. આ બધું લઇને પંચમહાભૂતમાં ભેળવ્યું, મંથન બનાવી.પછી છેલ્લી પંક્તિમાં કવિ સોનેટ જેમ વળાંક લાવે છે. એ કહે છે કે દેવોને પણ દુર્લભ એવી આ ચીજ જ્યારથી ઇશ્વરે ઘડી ત્યારથી દુનિયાને દર્દની ભેટ મળી, અર્થાત દર્દની શરૂઆત થઇ. આપણને હળવી એમ પૂછવાની ઇચ્છા થાય કે સ્ત્રી નહોતી ત્યારે દર્દ નહોતું ? સ્ત્રી કંઇ દુ:ખદાતા નથી, એ તો શક્તિની જનની છે. જો કે કવિ અહીં પ્રેમના ભાવને કેન્દ્રમાં રાખીને કદાચ એવું કહેવા માગતા હશે.
    આ અફલાતુન ગઝલન ખૂબ સ રસ આસ્વાદ ડૉ વિવેક દ્વારા
    ધન્યવાદ

  2. Bharati gada said,

    December 2, 2022 @ 7:07 AM

    નારી સર્જનનું અદ્દભુત વર્ણન કરતી ખૂબ જ સુંદર ખૂબ જ ગમતી ગઝલ

  3. નેહા said,

    December 2, 2022 @ 8:05 AM

    સુંદર નઝમ.. કુદરતનાં આટલાં શુદ્ધ તત્વોથી બનેલી કૃતિ
    કોઈનાં દર્દનું કારણ કઈ રીતે બની જાય એ સમજાયું નહીં.
    સામાન્ય કલમ આવું લખે તો ઠીક છે, પણ પરિપક્વ કલમ
    કવિતાનો આવો અંત લાવે ત્યારે આશ્ચર્ય થાય. છેલ્લી બે
    પંક્તિનો સંદર્ભ કવિતાની સાપેક્ષે ખૂલતો નથી. ઉપરાંત
    છેલ્લી બે પંક્તિ વગર પણ કવિતા તો બને જ છે.. કોઈ
    અભ્યાસુ આની સમજૂતિ આપે તો ગમશે.

  4. વિવેક said,

    December 2, 2022 @ 10:39 AM

    @નેહા:

    શૂન્ય પાલનપુરી જે જમાનામાં થઈ ગયા અને જે સમયકાળે એમણે આ નઝમ લખી એ વખતે સ્ત્રીઓને સેકન્ડ સેક્સ ગણવામાં કોઈને કોઈ ખંચકાટ નહોતો… છૂટીછવાયી સંભળાયા કરતી સ્ત્રીચેતના અને સ્ત્રીસમાનતાની વાતોને બૃહદસ્વરૂપ અને કંઈક અંશે સામાજિક સ્વીકાર તો છેક હમણાં મળ્યો… એટલે એ સમયના સર્જક આ રીતે કવિતા લખે એમાં મારા ખ્યાલથી બહુ નવાઈ નથી…

  5. Poonam said,

    December 3, 2022 @ 3:29 PM

    …પંચભૂતો મેળવી એ સર્વેનું મંથન કર્યું,
    આમ એક દી સર્જકે નારીનું સર્જન કર્યું,

    દેવદુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી,
    એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી!
    – શૂન્ય પાલનપુરી – Virod(ha)Abhasi !

    Aaswasd 👌🏻

  6. Lata Hirani said,

    December 4, 2022 @ 10:37 PM

    વાહ. દર્દ વિરહનુ હોઈ શકે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment