રાજેશ વ્યાસ મિસ્કીન શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
April 12, 2013 at 12:30 am by વિવેક · Filed under અછાંદસ, માર્કસ આર્જેન્ટેરિયસ, રાજેશ વ્યાસ મિસ્કીન, વિશ્વ-કવિતા
એના નિર્વસ્ત્ર ભરાવદાર સ્તન
પડ્યાં છે મારી છાતી પર
ને એના અધરો પુરાયા છે મારા અધરો વચ્ચે.
મારી સૌંદર્યવતી એન્ટિગની સાથે
સૂતો છું હું સંપૂર્ણ સુખમાં
નથી કોઈ આવરણ અમારી વચ્ચે.
આગળ કશું નહીં કહું,
એનું સાક્ષી તો છે માત્ર ઝાંખું ફાનસ.
- માર્કસ આર્જેન્ટેરિયસ
(અનુ. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)
સમજી શકાય છે કે આ કામક્રીડા સફળતાથી પૂર્ણ થયા બાદની સ્વગતોક્તિ છે. સમ-ભોગ પછીના સંપૂર્ણ સુખમાં બે દેહ અદ્વૈત અનુભવે છે પણ કવિ વિગતે કશી વાત ન કરીને આપણા રસભાવની કસોટી કરતાં હોય એમ આગળની વાર્તા ફાનસના ‘ઝાંખા’ પ્રકાશના હાથમાં છોડી દે છે…
થીબ્સના રાજા ઇડિપસના એની પોતાની માતા જોકાસ્ટા સાથેના લગ્નથી જન્મેલ અનૌરસ પુત્રી એ એન્ટિગની. એન્ટિગનીનો શાબ્દિક અર્થ ‘પુરુષ વિરોધી’ કે ‘વીર્યવિરોધી’ પણ થાય છે. મૃત્યુ પામેલા બે ભાઈઓને થીબ્સમાં જ દફન થવા મળે એ માટે એન્ટિગની લડી હતી. જો કે પ્રસ્તુત કવિતામાં એનો રેફરન્સ સમજવો મારા માટે દોહ્યલું થઈ પડ્યું છે…
Her perfect naked breast
upon my breast,
her lips between my lips,
I lay in perfect bliss
with lovely Antigone,
nothing caught between us.
I will not tell the rest
Only the lamp bore witness.
- Marcus Argentarius
(Greece)
Permalink
June 7, 2012 at 1:19 am by વિવેક · Filed under ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન
પ્રપંચ-ખટપટ-રમત નિરંતર,
રમે-રમાડે જગત નિરંતર.
ઘણુંય વ્હાલું બધું છતાંયે,
કહો, ખરેખર ગમત નિરંતર ?
ઊભો રહ્યો તું, ગુન્હો જ તારો,
વહ્યા કરે છે વખત નિરંતર.
કદીક બાહર કદીક અંદર,
કદી ન અટકી લડત નિરંતર.
અમૂલ્ય જે કૈં અહીં જગતમાં,
તને મળ્યું છે મફત નિરંતર.
સતત ભક્તની થતી કસોટી,
સુખી રહ્યા બગભગત નિરંતર.
-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Permalink
October 4, 2011 at 10:35 pm by ધવલ · Filed under ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન
અથડાયા-કુટાયા મનજી,
રહ્યા તોય રઘવાયા મનજી.
સમજણ કાયમ હાથવગી પણ,
જ્યાં ને ત્યાં સલવાયા મનજી.
નહીં ઠામ ઠેકાણું તોયે,
પાંચ મહીં પુછાયા મનજી.
દુઃખમાં ડગલે પગલે સાથે,
સુખ જોઈ સંતાયા મનજી.
એ જ વાર કરતાતા તોયે,
લાગ્યું વ્હારે ધાયા મનજી.
રસ ભીતરથી બાહર મૂકી,
ભરમાયા-પસ્તાયા મનજી.
બોજ બધા કહેતા’તા મિસ્કીન
કુંભાર કરતાં ડાહ્યા મનજી.
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
મનજીને મોજ કરાવે એવી મઝાની ગઝલ.
(છેલ્લા શેરમાં (કાચા કાનના) કુંભાર, એનો દીકરા અને ગધેડાની વાર્તાનો સંદર્ભ છે.)
Permalink
July 5, 2010 at 7:01 pm by ધવલ · Filed under મુક્તક, રાજેશ વ્યાસ મિસ્કીન
સાવ સૂનકારમાં સભર જોવું
ને અહર્નિશ ટગર ટગર જોવું
કેટલી ઘરડી આંખની હિંમત
સાવ ભાંગેલ ઘરને ઘર જોવું
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Permalink
May 30, 2010 at 6:00 am by વિવેક · Filed under અમર પાલનપુરી, જલન માતરી, બેફામ, મરીઝ, રાજેશ વ્યાસ મિસ્કીન, વિવેક મનહર ટેલર, શેર, સંકલન, સૈફ પાલનપુરી, હીના મોદી
જીવતો માણસ સંજોગો ખરાબ હોય તો નદી-સાગરમાં ડૂબી જાય છે પણ એની લાશ થોડા દિવસ પછી એ જ પાણી પર તરતી મળી આવે છે. પ્રકૃતિની આ કશું પણ ન સંઘરવાની વૃત્તિ ગુજરાતી ગઝલકારોની નજરે અવારનવાર ચડતી રહી છે. આજે થોડા શેર આ વિષય પર…
બરકત વિરાણી ‘બેફામ’ને લાશના તરવાની આ ઘટના ક્યાંક ખૂબ ઊંડે સ્પર્શી ગઈ લાગે છે. એમની ગઝલોમાં આ વાત અલગ-અલગ સ્વરૂપે અવારનવાર જોવા મળે છે.
હું ડૂબી જઈશ તો પહોંચાડશે એ લાશને કાંઠે
રહેલો છે કોઈ એવોય તારણહાર મારામાં.
જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલેને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.
ખૂબી તો એ કે ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.
નહિંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે.
- બરકત વિરાણી ‘બેફામ’
જરા મોડું થયું પણ આખરે એની દયા ઊતરી,
અમસ્તી લાશ કંઈ દરિયા ઉપર તરતી નથી હોતી.
-મરીઝ
સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
- સૈફ પાલનપુરી
ગરકાવ થઇ શકી નહીં ગઝલોના સાગરે
ઊર્મિની લાશ એમાં ડુબાડી શકી નથી
- હીના મોદી
બુદબુદા રૂપે પ્રકટ થઈ ડુબનારાની વ્યથા,
ઠેસ દિલને, બુદ્ધિને પેગામ એવો દઈ ગઈ,
કેવા હલકા છે જુઓ, સાગરના પાણી, શું કહું ?
જીવતો ડૂબી ગયો ને લાશ તરતી થઈ ગઈ !!
- જલન માતરી
ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,
નહિંતર કાં એની લાશને તરવાનું મન થયું?!
-અમર પાલનપુરી
ઘણાં રોજ ડુબી મરે છે છતાં કયાંય પત્તો નથી,
હંમેશાં અહીં લાશ અંતે તરે એ જરૂરી નથી.
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.
- વિવેક મનહર ટેલર
શબ પણ તરી શકે છે નદીની ઉપર તો દોસ્ત !
સામા પ્રવાહે તરવું એ છે જિંદગી ખરી.
- વિવેક મનહર ટેલર
Permalink
February 15, 2010 at 8:43 pm by ધવલ · Filed under ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન
શ્વાસ ખખડે છે અને વાગે છે,
સાવ ખાલી ઘડો આ લાગે છે.
કોણ તારા વિશે ગઝલ લખવા-
આમ મારામાં રોજ જાગે છે ?
ઓણ ચોમાસું ઝટ ગયું બેસી,
ને બધાં સ્વપ્ન તો નિભાડે છે.
એક વેળા ફૂટી જઈ માણસ,
જિંદગીભર કરચ ઉપાડે છે.
ટેવવશ સાવ કાચા નખ જેવી-
રોજ મિસ્કીન રાત કાપે છે.
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
કાચી ઈંટોને હજુ નિભાડામાં સીંચી માંડ હોય અને ત્યારે જ વરસાદ પડે તો કાચી ઈંટોની માટી બધી પાણી સાથે વહી જાય. આ વાતને સાંકળી લઈને કવિએ ગઝલનો શીરમોર શેર ઓણ ચોમાસું… બનાવ્યો છે. અને જે કોઈએ એકાદ રાત પણ તાજી ઉદાસીના સથવારે કાપી હોય, એ બધાને છેલ્લો શેર તો પોતીકો જ લાગવાનો.
Permalink
December 3, 2009 at 12:48 am by વિવેક · Filed under ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન
હોઈએ ના એય દેખાવું પડે છે,
ખૂબ વારેઘડીએ સંતાવું પડે છે.
માત્ર એક જ પ્રેમ નહિ કારણ ઘણાં છે,
શું કહું કે કેમ શરમાવું પડે છે ?
કોણ સમજે એ દશા મજબૂર મનની,
હોય ના ઇચ્છા ને વ્હેંચાવું પડે છે.
કુંભ થૈ જાવુંય કૈં સ્હેલું નથી મન,
ખૂબ સુકાઈને ટિપાવું પડે છે.
ટેવવશ ઉકળી જવાનું રોજ મિસ્કીન,
ટેવવશ પાછા ઠરી જાવું પડે છે.
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Permalink
August 28, 2009 at 12:30 am by વિવેક · Filed under ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન
તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ,
બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ.
કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ.
બની શકે તો એ વસમા દહાડા પાછા દે,
ઘણું જ કપરું છે ભોગવવું મન વગરનું સુખ.
નજીક એટલાં આવ્યાં કે ગઈ નિકટતા પણ,
નથી જ દૂર કે પામું ખુશી-ખબરનું સુખ.
…કે ખંડિયેર મહેલનો છું ઉંબરો મિસ્કીન,
નથી નથી જ ભાગ્યમાં અવરજવરનું સુખ.
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
સુખ વિશેની વાત હળવાશથી કરતી એક સંજીદા ગઝલ…
Permalink
April 29, 2009 at 11:12 pm by ધવલ · Filed under મુક્તક, રાજેશ વ્યાસ મિસ્કીન
કોઈ ક્યારેક નામ પૂછે છે
ફરી મળું તો કામ પૂછે છે
છે અજબ શહેર ! આંસુઓ જોઈ
વળે છે ટોળે, દામ પૂછે છે
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Permalink
June 14, 2008 at 12:30 am by વિવેક · Filed under આદિલ મન્સૂરી, જલન માતરી, પ્રકીર્ણ, રાજેશ વ્યાસ મિસ્કીન, વિવેક મનહર ટેલર, સાહિત્ય સમાચાર
શનિવાર, 07/06/2008ની સાંજનો સૂર્યાસ્ત યાદગાર રંગો લઈને સૂરતની ક્ષિતિજને અડ્યો… ‘બુક વર્લ્ડ’નામની પુસ્તકોની દુકાન ચલાવતા રિટાયર્ડ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી સરવૈયાના આયોજન હેઠળ ‘પસંદગીના શ્વાસ’ કાર્યક્રમનું ‘સમૃદ્ધિ’ સભાગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું. જનાબ શ્રી આદિલ મન્સૂરી, શ્રી જલન માતરી અને શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ -એમ ત્રણ પેઢીના ગઝલકારોની ગઝલ ગોષ્ઠી મંડાણી.
કાર્યક્રમની પ્રારંભમાં આદિલભાઈને મળવા ગયો. મને હતું કે મને નામથી તો એ ઓળખતા જ હશે પણ ચહેરાથી તો કેમ કરી ઓળખે? હું મારી ઓળખાણ આપું એ પહેલાં જ મને જોઈને એ જાતે જ આગળ આવ્યા અને કેમ છો વિવેકભાઈ કહી હસ્તધૂનન માટે લંબાવેલા મારા હાથને અતિક્રમીને એમણે મને એક ગાઢ ઉષ્માસભર આલિંગન પણ આપ્યું. આ અણધાર્યું આલિંગન અને મારી બન્ને વેબ સાઈટ્સ – શબ્દો છે શ્વાસ મારા અને લયસ્તરો- વિશે જે ઉમળકાથી એમણે વાત કરી એ મારા માટે કોઈ પણ પુરસ્કારથી વિશેષ હતા.
ગઝલોની આ રંગારંગ મહેફિલમાં એમણે વચ્ચે-વચ્ચે મુકુલ ચોક્સી, એષા દાદાવાલા, ગૌરાંગ ઠાકર અને મને પણ પોતાની ગઝલોનું પઠન કરવા નિમંત્ર્યા. કાર્યક્રમના અંતે ત્રણેય દિગ્ગજ શાયરો, મુકુલભાઈ અને હું અમારા જીવનસાથીઓ સાથે, રઈશભાઈ, એષા, રાજકોટના કુ. કવિ રાવલ હોટલમાં જમવા ગયા. અને ત્યાં રાત્રે દોઢ વાગ્યા સાથે ગઝલોની રમઝટ ચાલી. આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે મોડી રાત્રિના ભોજન બાદ રેસ્ટૉરન્ટના માલિકે બિલ પેટે એક પણ રૂપિયો ન લીધો… આદિલ મન્સૂરીના પગલાં પડે એ ઘટનાને પોતાનું અહોભાગ્ય ગણાવી પોતાનું આખ્ખું બિલ જતું કરનાર હૉટેલિયર્સ પણ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગુજરાતી કવિતા અને ભાષાને વાંધો આવે એવું લાગે છે, ખરું?

(ડાબેથી આદિલ મંસૂરી, જલન માતરી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)
*

(દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો… …મારું ગઝલવાચન)
*

(હું, વચ્ચે એષા દાદાવાલા અને આદિલ મન્સૂરી)
*

( જનાબ આદિલ સાહેબ સાથે હું…)
*

(ડાબેથી ગુલ અંકલેશ્વરી, એષા દાદાવાલા, મુકુલ ચોક્સી, ગૌરાંગ ઠાકર, આદિલ મન્સૂરી, જલન માતરી, હું, બુક વર્લ્ડવાળા સરવૈયા સાહેબ અને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)
Permalink