(બસ ગમે છે એટલે શંકર મને) – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
જંપવા દેતુ નથી પળભર મને,
કોણ કોરી ખાય છે અંદર મને.
કોણ જાણે કેમ પણ જઉં છું નડી,
હું થવા દેતો નથી પગભર મને.
નામ બીજા પણ ઘણા છે દોસ્તો,
એકલા વાગ્યા નથી પથ્થર મને.
ઝેર ભોળા થાવ તો પીવું પડે,
બસ ગમે છે એટલે શંકર મને.
વસવસો, કે જોઈ ટોળામાં પછી,
તેં ગણી લીધો હશે કાયર મને.
પ્રશ્ન તો મિસ્કીન કેવળ એક છે,
પણ જડ્યા છે કેટલા ઉત્તર મને?
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
pragnajuvyas said,
October 26, 2022 @ 10:00 PM
બધા શેર સ રસ મક્તાનો શેર વધુ ગમ્યો
પ્રશ્ન તો મિસ્કીન કેવળ એક છે,
પણ જડ્યા છે કેટલા ઉત્તર મને?
અદ્ભુત
ઘણા વખતે પધારેલ ઊર્મિ નો કોરોના કાળે- વાઈરસ સામે વોરિયર ન બની શકીએ તો કંઈ નહીં, એના કેરિયર તો ન જ બનીએ વાતે આ લડતને શબ્દસ્થ કરતો શેર યાદ આવ્યો હતો! …
નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે
એ બારી વિનાની ઈમારત ચણે છે