જો જીતી શકો તો એ ડરને જ જીતો
એ શું જીતે, જે હારવાથી ડરે છે ?
ડૉ. હરીશ ઠક્કર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for November, 2024

…કોઈ સ્મરણ ઉપર – પંથી પાલનપુરી

જ્યાં વૃક્ષ ફૂલ ખેરવે વ્હેતાં ઝરણ ઉપર,
કોઈ લખી દો નામ એ સ્થળનું ચરણ ઉપર.

કિલ્લોલતું પરોઢ પ્રસરતું ગુલાલમાં,
જ્યાં સાત સૂરની ઝળુંબે સાંજ ધણ ઉપર.

મહેકે શકુન્તલાનો પરસ ફૂલ-પત્ર પર,
જ્યાં વ્હાલ કણ્વ ઋષિનું થરકે હરણ ઉપર.

ગુંગળાઉં છું, રિબાઉં છું ઓથાર હેઠ હું,
લઈ જાવ જ્યાં ન ધૂમ્ર હો વાતાવરણ ઉપર.

આ કાળમીંઢ ભીંત અને મ્લાન દર્પણો,
ચહેરા તળે છે આવરણ, કૈં આવરણ ઉપર.

તૂટે પીઠિકા થાકથી, ભીંસાય પાંસળી,
ખડકી છે કોણે કૈંક સદી એક ક્ષણ ઉપર?

એવો મળ્યો છે એક દિલાસો મરૂસ્થળે,
જોયા કરું છું ઊંટનો આકાર રણ ઉપર.

નિષ્પર્ણ વૃક્ષને અઢેલી આથમી ગયો,
‘પંથી’ જીવે તો કેટલું કોઈ સ્મરણ ઉપર?

– પંથી પાલનપુરી

ગઝલના મત્લા અને મક્તા વાંચતાવેંત મોહી પડાય એવા મજાના થયા છે. મત્લામાં નિસર્ગની ચાહના એના ચરમ શિખરે નજરે પડે છે તો મક્તામાં પ્રણયની નિરાશાની ચરમસીમા સિદ્ધ થઈ છે. બીજા શેરમાંના એક છંદદોષ અને વાતાવરણવાળા ચોથા શેરમાં કાફિયા-રદીફની અનિવાર્યતાને કારણે સર્જાતા ભાષાદોષ (વાતાવરણમાં-સાચું)ને અવગણીએ તો બાકીની આખી ગઝલ પણ આસ્વાદ્ય થઈ છે.

Comments (1)

(જરા છું, જરા નથી) – રઈશ મનીઆર

ચાલું છું પણ સફરમાં જરા છું, જરા નથી,
છું કેદ, તોય ઘરમાં જરા છું, જરા નથી.

એવીય છે ગતિ, જે વહે બાળપણ તરફ,
વધતી જતી ઉમરમાં જરા છું, જરા નથી.

વેરાઈ આમતેમ જરા હળવો થાઉં છું,
આ દેહની ભીતરમાં જરા છું, જરા નથી.

સંપૂર્ણ લક્ષ પણ નથી, અવગણના પણ નથી,
ઈશ્વરની પણ નજરમાં જરા છું, જરા નથી.

પીડા તો થાય છે છતાં છે સ્મિત હોઠ પર,
છેદ્યું તમે એ થરમાં જરા છું, જરા નથી.

પ્રત્યેક રાતે મરતો રહું છું જરાજરા,
હર ઊગતા પ્રહરમાં જરા છું, જરા નથી.

ફૂટેલા લીલા ઘાસમાં મારો જ અંશ છે,
દાટ્યો’તો એ કબરમાં જરા છું, જરા નથી.

– રઈશ મનીઆર

લયસ્તરો પર આજે કવિશ્રી રઈશ મનીઆરના નવ્ય ગઝલસંગ્રહ ’કેવળ સફરમાં છું’નું સહૃદય સવાગત કરીએ…

સંગ્રહમાંથી કોઈ એક ગઝલ પસંદ કરવાનું કામ બહુ અઘરું હતું. જે ગઝલ પસંદ પડે, એ તો લયસ્તરો પર હોય જ. એક અનૂઠી રદીફવાળી ગઝલ અત્રે રજૂ કરું છું. વર્ગમાં શિક્ષક ભણાવતાં હોય કે મિત્રો ભેગાં મળીને વાતચીત કરતાં હોય, મા-બાપ કોઈ બાબતે ઠપકો આપતાં હોય કે બાલ્કનીમાં ખુરશી ઢાળીને આપણે એકલા બેઠા હોઈએ, આપણા સહુનો અનુભવ છે કે આપણે જ્યાં હોઈએ છીએ ત્યાં કદીયે સોએ સો ટકા હાજર રહી શકતાં જ નથી. આવી અધકચરી અધૂરી ઉપસ્થિતિ લઈને જ આપણે દુનિયામાંથી પસાર પણ થઈ જઈએ છીએ. આવી જરા હોવાની અને જરા ન હોવાની આંશિકતાતો તંત ઝાલીને પડકારરૂપ રદીફ પ્રયોજીને કવિએ કેવી મજાની સપ્તરંગી ગઝલ આપી છે!

Comments (14)

ઝાલાવાડ – લાભશંકર રાવળ ‘શાયર’

બહાર અમારે રેતી, ભીતર
.            જલની ભરખમ આવ,
સુખમાં ભલે ન કાંઈ સમજીએ
.            દુઃખમાં તો દરિયાવ.
.            અમારે ભીતર જલની આવ.

જરીક ટચકો વાગે હૈયે
.            પ્રગટે રસ સરવાણી
જગને જ્યારે મૃગજળ અમને
.            સઘળે પાણી પાણી
વૈશાખી આંખોના તળિયે
.            ભાદરવાના ભાવ
.            અમારે ભીતર જલની આવ.

અષાઢનું જલ જગના હૈયે
.            કલકલ વહેતું જાતું,
પચતું ઉરની ભોંય અમારે
.            ફોગટ ના છલકાતું,
અષાઢ તો આષાઢ અમારે
.            સાગ૨નાય સમાવ
.            અમારે ભીતર જલની આવ.

વસંતમાં તો સૌ વિલસે ને–
.            સૌએ રંગવિભોર,
બળુ બળુ અંગારે કેવળ
.            હસી રહે ગુલમ્હોર
વગડો આખો લૂમે લેવા
.            કેસરભીના લ્હાવ
.            અમારે ભીતર જલની આવ.

– લાભશંકર રાવળ ‘શાયર’

કવિ સમાજનો ખરો પ્રહરી અને કવિતા ખરો આયનો છે. જે તે સમય અને પ્રદેશની કવિતાઓમાંથી જે તે સમયની સભ્યતાનો સાચુકલો ક્યાસ કાઢી શકાય છે. ઇતિહાસ તો રાજકારણીઓ અને વિજેતાઓ લખે, એને તથ્ય સાથે સંબંધ હોય જ એ જરૂરી નથી. જુગારમાં ભાઈઓ અને પત્નીને હારી જાય અને પત્નીના જાહેરસભામાં ચીરહરણ સમયે આંખો બંધ કરી બેસી રહે એને આપણે ધર્મરાજ કહીએ કારણ એ વિજેતા થયા. દુર્યોધનની જેમ હારેલાઓએ લખેલો ઇતિહાસ જોવામાં આવતો નથી. પણ સાહિત્યકાર રાજકારણ અને હારજીતના ભાવથી મુક્ત હોવાથી સમાજનું સાચું અને પ્રામાણિક આલેખન જોવું હોય તો એ ઇતિહાસ કરતાં વધારે સાહિત્યમાં જ જોવા મળશે. પ્રસ્તુત રચના એનું એક નાનકડું ઉદાહરણ છે. કવિએ ઝાલાવાડનો મિજાજ કેવો સુપેરે પકડી બતાવ્યો છે એ જુઓ. કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં પણ જળવાઈ રહેતી સૌરાષ્ટ્રવાસીઓની દરિયાદિલી કવિએ બખૂબી ઝીલી છે.

Comments (3)

તમે-અમે – લાલજી કાનપરિયા

તમે મનની માલીપાની કોરીકટ ઇચ્છા, અમે રુદિયાની ભીનીછમ્મ લાગણી,
તમે મૂંગા રહેવાની ટેવ હોઠમાં ઉછેરો, અમે ઉછેરીએ બોલકણી માગણી!

ગઈ સાલ ચોમાસું કોરુંધાકોર ગયું,
કેવો અષાઢ ઓણ જાશે?
બેય તે કાંઠામાં હું તો છલકાતી હોઉં, પણ
મારામાં આવી કોણ ન્હાશે?

તમે વેણ બોલો તોય અણગમતાં બોલો, અમે ગણગણીએ મનગમતી રાગણી,
તમે મનની માલીપાની કોરીકટ ઇચ્છા, અમે રુદિયાની ભીનીછમ્મ લાગણી.

જોત રે જોતામાં આમ વીતી જશે
આ આયખાની લીલીછમ ક્ષણો,
આવતી કાલ કોણે દીઠી છે દુનિયામાં?
આજની ફસલ આજ લણો!

તમે કાળઝાળ સૂસવતી લૂની જેવા અને લહેરખી છીએ અમે ફાગણી!
તમે મનની માલીપાની કોરીકટ ઇચ્છા, અમે રુદિયાની ભીનીછમ્મ લાગણી.

– લાલજી કાનપરિયા

તમે-અમેની હુંસાતુંસી કે સરખામણીની ઘણી રચનાઓ આપણા ગીતસાહિત્યમાં જડી આવે છે. પ્રસ્તુત રચનામાં પણ નાયિકા પોતાની ભીનીછમ્મ લાગણીનો કોરોકટ પ્રતિસાદ આપતા મનના માણીગરને પ્રેમથી ઠમઠોરે છે. પ્રેમની હેલીની પ્રતીક્ષામાં અત્યાર સુધીનું જીવન કોરું ગયું હોવાથી એ વર્તમાન વિશે આશંકા સેવી રહી છે. બે કાંઠે છલકાતી જાતમાં પ્રિયતમ નહાશે કે કેમ એ મોટો સવાલ છે. પ્રથમ બંધની સરખામણીમાં બીજો બંધ પ્રમાણમાં સપાટ થયો હોવા છતાં ગીતનો મિજાજ સરવાળે જળવાઈ રહે છે, પરિણામે રચના આસ્વાદ્ય બની છે…

Comments (2)

વલખાટ – ગોપાલ ધકાણ

પાદરના પીપળાએ વાયરાને કીધું કે હુંયે રંગાવું વાળ કાળા,
ખીજડાની જેમ સાવ ખખડધજ ઊભા; હવે અમનેય થાવું રૂપાળા!

મહેંદીને ખાનગીમાં સંદેશો દેજે કે પીપળાની થાજે પાડોશણ.
કેતકીની આંખોમાં આંખ નાખી કહેજે કે પીપળાએ ખંખેર્યા ગઢપણ,
ચૂંટી ખણીને પછી માલતીને કે’જે કે ગૂંથીને રાખે વરમાળા.

લાંબીલચ ડાળીઓને કાપીકાપીને અમે થોકબંધ ઉતાર્યો મેદ,
બારમાસી સાથ કદી ખેલ્યા’તા ફાગ એવો અકબંધ રાખીશું ભેદ,
હૈડામાં ચોમાસું ધોધમાર વરસે ને કાયામાં ઊછળે ઉનાળા.

– ગોપાલ ધકાણ

લયસ્તરો પર આજે એક રમતિયાળ ગીત સાથે યુવાકવિ ગોપાલ ધકાણના ગીતસંગ્રહ ‘અજવાળું દીઠ્યું મધરાતે’નું સહૃદય સ્વાગત કરીએ.

જતી વયે પીપળાને મેકઓવર કરાવીને ફેર જુવાન થવાના ઓરતા જાગ્યા હોવાના કલ્પનને કવિએ બખૂબી રમાડ્યું છે. વાયરો વાત વહે એ વાતને ખપમાં લઈને પીપળો પોતાના મનની વાત વાયરાના કાનમાં કહે છે, જેથીમહેંદી, કેતકી અને માલતી સુધી સંદેશો બરાબર પહોંચી જાય. ગીતનું મુખડું અને પ્રથમ બંધ બંનેમજાનાથયા છે, પણ ખરી મજા તો બીજા બંધમાં છે. એક તરફ પીપળો ડાયેટિંગ કરીને વજન ઘટાડવા માંગે છે તો બીજી તરફ બારમાસી સાથેના અફેરને છૂપાવેલો પણ રાખવા માંગે છે. હૈયું પ્રેમમાં તરબતર છે અને કાયા ભડભડ બળી રહી છે… પુરુષસહજ વાર્ધક્યવૃત્તિને કવિએ પીપળાના પ્રતીકથી કેવી ખીલવી-ખેલવી છે, નહીં!

Comments (13)

(ભરબજારે) – અમિત ટેલર

લાજ, ભય, શંકા, રિવાજોની વચાળે,
એ મને ભેટી પડ્યા’તા ભરબજારે.

આંખ છોડી આંસુઓ એવાં તે નાઠાં,
જાણે છેલ્લો ઘંટ વાગ્યો હો નિશાળે.

એ કશું મનમાં વિચારીને લજાયાં,
હુંય થાતો પાણીપાણી એ વિચારે.

દર વખતની જેમ હું ચુપચાપ બેઠો,
એમણે વાતો કરી વળતી ઈશારે.

એકટશ જોયા કરે છે પંખીડાં બે,
જેમ શંકર-પોઠિયો બેઠા શિવાલે.

વેદનાનું વિસ્મરણ કરવું જ છે તો,
કેમ ઉતારે છે ગઝલમાં છાશવારે?

માર્ગ નહીં પણ સત્યમાર્ગે ચાલતા રહી-
થાય જે કડવા અનુભવ, એ મઠારે.

– અમિત ટેલર

ईद का दिन है गले आज तो मिल ले ज़ालिम,
रस्म-ए-दुनिया भी है मौक़ा भी है दस्तूर भी है।

– કમર બદાયૂનીએ જે વાત અધૂરી મૂકી હતી, ત્યાંથી આગળ વધીને કવિ આલિંગન પૂર્ણ કરે છે. સ્ત્રીસહજ લાજ, બદનામીનો ભય, નાયિકાના વર્તાવ અંગે નાયકના મનમાં રહેલી શંકા અને ઈદ કે દિવાળી જેવા કોઈક તહેવારોનો રિવાજો -ચાર અલગ અલગ પરિમાણોની વચ્ચે પ્રિયજન ભરવચાળે નાયકને બહુપરિમાણીય આલિંગન આપે છે એની મોજ એવી સ-રસ છે કે ભાવક પણ આ દુર્નિવાર્ય ભાવાલિંગનથી પરે રહી શકતો નથી. (ત્રીજા શેરમાં છે એ માનાર્થસૂચક અનુસ્વારની મત્લામાં અનુપસ્થિતિ જો કે થોડી ખટકે છે.) છેલ્લા બંને શેર નિવારી શકાયા હોત તો રચના સાદ્યંત આસ્વાદ્ય બની હોત. છઠ્ઠો શેર ગઝલના મિજાજથી થોડો વેગળો પડી જાય છે અને આખરી શેર તો સાવ આગંતુક જણાય છે. પરંતુ એટલું બાદ કરતાં પહેલા પાંચેય શેર ખૂબ જ મજાના થયા છે.

Comments (14)

(વિચારમાંથી) – આર. બી. રાઠોડ

તારા વિચારમાંથી, મારા વિચારમાંથી,
શીખી રહ્યો છું હું આ સૌના વિચારમાંથી.

શોધી શકાય છે જે થઈને વિચારશૂન્ય,
શોધી શકાય નહીં એ સઘળા વિચારમાંથી.

બેચાર જણની જ્યારે કોઈ સલાહ લઉં છું,
નોખું મળે છે ત્યારે નોખા વિચારમાંથી.

પાક્કા વિચારમાં પણ, રાખો ઘડીક ધીરજ,
થોડી કચાશ મળશે પાક્કા વિચારમાંથી.

એકાદ બીજ આખું વટવૃક્ષ થાય છે ને!
પુસ્તક રચાય છે બસ એવા વિચારમાંથી.

– આર. બી. રાઠોડ

નવું વર્ષ શરૂ થઈ ગયું છે… નવા વિચારો સાથે નવી શરૂઆત કરીએ. કવિએ પાંચેય શેરમાં બહુ જ સરળા ભાષામાં મજાની વાત કરી છે. ફરી ફરીને મમળાવવા જેવી ગઝલ…

Comments (14)

કોણ ઝીલે ? – ભૂપેન્દ્ર વ્યાસ

કોણ ઝીલે?
ભીતરની છોળ કોણ ઝીલે?
.                    – કોણ ઝીલે?

મારામાં માર્યો મેં
.            ધુબકો ધબ્બાક,
જળ ઊછળ્યાં છબ્બાક,
.            ઝીલે ઝીલે.
.                    – કોણ ઝીલે?

મારામાં ખીલ્યો હું
.            ખીલ્યો ખટ્ટાક,
ફોર ફૂટી ફટ્ટાક;
.            પી લે પી લે.
.                    – કોણ ઝીલે?

– ભૂપેન્દ્ર વ્યાસ

સારી કવિતા એ જે ઓછામાં ઓછા શબ્દોમાં કવિસંવેદનને વ્યક્ત કરી ભાવક સુધી સફળતાપૂર્વક પહોંચાડી શકે. પ્રસ્તુત ગીત જુઓ. આનાથી નાની ઇબારતના ગીત આપણી ભાષામાં જૂજ જ જડશે. ગીતની ભાષા પણ એકદમ સહજ અને સરળ છે. પંડિતાઈનું લેશમાત્ર પણ પ્રદર્શન કર્યા વિના કવિ અદભુત કરકસર સાથે દિલની વાત આપણી સમક્ષ યથાતથ મૂકી શક્યા છે. કવિહૃદયની ભીતર છોળ ઉછળી રહી છે. શેની છોળ અને કેમ એ વિશે ફોડ પાડ્યા વિના કવિએ એને કોણ ઝીલશે એ પ્રાણપ્રશ્ન રજૂ કર્યો છે. મુખડાના આરંભે અને અંતે ‘કોણ ઝીલે?’નો સવાલદોહરાવીને કવિએ એ વાત અધોરેખિત કરી છે, કે ભીતર છોળ ઉછળે છે એના કરતાંવધારે અગત્યની વાત એને ઝીલવાની છે. જીવનના અલગ અલગ તબક્કે આપણે સહુ અલગ અલગ પ્રકારની લાગણીઓના ફુવારા ભીતર ફૂટતા અનુભવીએ જ છીએ, પણ વધુ અગત્યનું એ છે કે એ ફુવારા તરફ આપણે કેટલા સચેત રહીએ છીએ અને એમાં ભીંજાવાનો લહાવો લૂંટીએ છીએ કે એને નજરઅંદાજ કરીને ઘાણીના બળદની જેમ કાયમના ચકરાવાઓમાં જ રત રહીએ છીએ! વાત સ્વયંની ભીતર ઉતરવાની છે,પણ સીડીના સહારે નહીં. સીધો ધુબાકો જ મારવાનો છે. અને પછી છબ્બાક કરતાંકને જે જળ ઉછળે એને ઝીલવાનાં છે. સ્વયંને ખીલવવાનું છે, પણ એય ખટ્ટાક કરીને… મતલબ અનાયાસ… પ્રયત્નપૂર્વક નહીં… અને પછી ફટ્ટાક કરતી જે ફોરમ ફૂટે એને પીવાની છે… આખા ગીતમાં ધ્રુવપંક્તિના ‘કોણ?’નો સવાલ ગૂંજ્યા કરે છે… આ કોણનો જવાબ મળી જાય તો જીવન સાર્થક થઈ જાય, ખરું ને?

Comments (4)

લાઠી સ્ટેશન પર – ઉમાશંકર જોશી

દૈવે શાપી
તેં આલાપી
.             દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી !

દૂરેઽદૂરે
હૈયાં ઝૂરે
.             ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.

તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી,
.             સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.

– ઉમાશંકર જોશી

(લાઠી સ્ટેશન, ૧૬-૧૦-૧૯૪૮)

અમેરેલી જઈએ અને ર.પા.ને યાદ ન કરીએ એ જેમ ન બને એ જ રીતે લાઠી ગયા હોઈએ અને કલાપી યાદ ન આવે એ કેમ બને? લાઠીના રેલવે સ્ટેશન પર સ્વાભાવિકપણે જ ઉ.જો.ને કલાપી યાદ આવ્યા હશે. એકબીજા સાથે જોડાયેલ બે હૃદયોની સ્નેહગીતાને નસીબનો શાપ મળ્યો હોવા છતાં જેણે આલાપી હતી એ કલાપીને એમના નગરના જ રેલવે સ્ટેશન ઉપર બેઠા બેઠા ઉમાશંકરે ચિરસ્મરણીય કાવ્યાંજલિ આપી છે. મંદાક્રાન્તા છંદના પ્રથમ ચાર ગુરુને બે પંક્તિઓમાં બેવડાવીને ખંડા મંદાક્રાન્તા છંદમાં ગુજરાતી કવિતાના એક શિખરે ગુજરાતી કવિતાના એક અગત્યના માઇલસ્ટોનને કેવી સ-રસ રીતે બિરદાવ્યો છે!

Comments (6)