પણ – ઉદયન ઠક્કર
મારો ઝાંપો વાસેલો હોય, પણ
એની ઉપરવટ ચરકલડીબાઈ
પણે તડકી ને છાંયડી વેરાઈ
જાણે જાર અને બાજરીના કણ
મારો ઝાંપો વાસેલો હોય, પણ
એને કુદાવીને ક્હે શિશુ,
‘એ…ઈ, આંખોને કાઢે છે શું?
આંખ મીંચીને દસ સુધી ગણ…’
મારો ઝાંપો વાસેલો હોય, પણ
નારિયેળીએ ચાંદ ઊગી જાય
ચાર ચીકુડી વાયરામાં ન્હાય
ખૂલતું જાય વાતાવરણ
મારો ઝાંપો વાસેલો હોય, પણ
ક્યાં સુધી સોરવાતો રહે?
વનવગડામાં જાવા ચહે
ડાહીનો ઘોડો: એક, બે, ત્રણ…
– ઉદયન ઠક્કર
ગુજરાતી ગીત-ગઝલના મેળામાં ઉદયન ઠક્કર અલગ ચોતરો માંડીને બેઠા છે. આમ જુઓ તો આ ગીત મુખડા અને પૂરક પંક્તિ વગરનું ચાર બંધનું ગીત છે, પણ આમ જુઓ તો ચારેય મુખડાની પહેલી પંક્તિ એક જ હોઈ એ ધ્રુવકડીનો ભાગ ભજવતી હોય એમ લાગે. અ-બ-બ-અ પ્રકારના પ્રાસગુંફન અને પંક્તિઓના સીમિત કદકાઠીના કારણે ગીતનું કલેવર પ્રવર્તમાન રચનાઓમાં એમ જ નોખું તરી આવે છે. પણ આ તો થઈ ઉપલક વાતો. જેને કવિતા માણવામાં રસ હોય એને તે મમમમ સાથે કામ હોય કે ટપટપ સાથે?
ચારેય બંધનો આરંભ ‘મારો ઝાંપો વાસેલો હોય, પણ’થી જ થતો હોઈ કવિમનોરથને પુનરોક્તિનું યથોચિત ચાલક બળ સાંપડે છે. આ ઝાંપો કેવળ ઘરનો ઝાંપો નથી, એ આપણા બંધિયાર વિચારો, આપણી કુંઠિત મનોવૃત્તિનો દ્યોતક પણ છે. જીવનમાં તડકી-છાંયડી તો આવતી રહેવાની, પણ જે રીતે ચકલી જુવાર અને બાજરીના ચણથી જીવનનિર્વાહ કરે છે એમ એને ભોગવતાં આવડવું જોઈએ. બાળસહજ નિર્દોષતાથી આપણા પૂર્વગ્રહોને વટી જતાં આવડવું જોઈએ. આપણો ઝાંપો બંધ હોય પણ એથી કંઈ પ્રકૃતિ પર તાળું લાગી જતું નથી. નારિયેળીના માથે ચાંદ ઊગવાને ઘટના કે ચીકુડીના વાયરામાં ડોલવાની ઘટના આપણા બંધત્વને અનુસરતી નથી. આપણો ઝાંપો બંધ હોય તોય વાતાવરણને ખૂલતું અટકાવી શકાતું નથી. આજની પેઢીને પરિચય નહીં હોય, પણ આપણી અને આપણી અગાઉની પેઢીઓ ‘એન ઘેન દીવા ઘેન’ જેવાં ગીતો પીને ઉછરી છે. આ બાળગીત જેને યાદ હશે એને ખાઈ-પીને ભાગી છૂટતો ડાહીનો ઘોડો પણ યાદ હશે જ. ડાહીનો ઘોડો એટલે બાળકોની રમત એવું અર્થઘટન પણ કરી શકાય. કથકના ઘરનો કે મનનો ઝાંપો વાસેલો છે પણ ડાહીનો ઘોડો ભીતર સોરવાયા કરે એવો નથી, એ તો વનવગડામાં જઈને જ ઝંપશે. બંધનની વિભાવનાને પુનરોક્તિથી અધોરેખિત કરતી આ રચના હકીકતે તો આઝાદીની આલબેલ જ પોકારે છે.