ઉઘાડા દ્વાર જેવો થઈ
બધું આપીને બેઠો છું

ન ફૂટી પાંખ એ સ્થાને
ગઝલ સ્થાપીને બેઠો છું
ડૉ. મહેશ રાવલ

ઊંટ – ઉષા ઉપાધ્યાય

હતા દીવાલે ગયા સમયના
ઠાઠ અને અસબાબ સમા કૈ
ઝૂલ, ચાકળા, કાંધી, તોરણ, ભેટ અને તલવાર, કટારી;
પરસાળ વચાળે
અમીયલ નેણાંવાળી બાયું
સુપડે સોતી ધાન
કાંબીના રણકા શું હસતી’તી,
હતા આંગણે લીમડા હેઠે
ઢળ્યા ઢોલિયે હુક્કાના ગડેડાટ
મૂછોના તાવ
કાળને ધરબી દેતી આંખ્યુંની રાતડમાં
ઝગતા તેગઝર્યા અંગાર
અને ત્યાં દૂર
સમયને કાંધે લઈ
ગાંગરતું ઊભું ઊંટ
વાટ કોઈ નવી ખેપની જોતું,
જોતું ઝીણી આંખે દૂર ક્ષિતિજની પાર
હવાની શી લાગી કૈં ગંધ
અચાનક થડકી ઊઠ્યું –
કંપ્યું, ચીખ્યું, ભડકીને તોડાવી રાશ
ઊભી બજારે ધણધણતું, ચિત્કાર વેરતું
વાંભ વાંભની ઠેક ભરીને
હડફેટે ઘર ધડૂસ કરતું
પીઠ ઉપર લાદીને કબ્રસ્તાન
હાંફતું ઊભું ગામને છેડે
હાંફતું ઊભું ગામને છેડે
હાંફતું ઊભું ગામને –
અને હવામાં હવે તરે છે
ગીધ સમી મડદાંની તીખી ગંધ,
સાંજની રુંઝયું ઢળતાં
ટીંબા વચ્ચે ઊભેલા પીપળનાં પીળાં પાન
ગણે છે ઝાળ ચેહની,
વિખરાયેલાં વાળ, ચીંથરેહાલ સુરત લઈ
નગરની તૂટી મોતનમાળ નીરખતી
સ્તબ્ધ ધરા પણ
હજુ રહી છે કંપી!
હજુ રહી છે કંપી!

– ઉષા ઉપાધ્યાય

કવિતાની શરૂઆત ‘હતા’થી થાય છે, મતલબ જે જે સાહ્યબીની અહીં વાત થઈ રહી છે એ હવે નથી. એક ટાણે ઘરની દીવાલો વિગત સમયના ઠાઠ અને અસબાબની નિશાનીઓથી સુશોભિત હતી. પરસાળમધ્યે સૂપડામાં ધાન સાફ કરતી અમીનજરવાળી બાઈઓ ક્યારેક કાંબીના રણકાર જેવું રોકડું હાસ્ય વેરતી હતી. આંગણામાં લીમડાના વૃક્ષ તળે ઢોલિયા પર બેઠક જમાવીને બેઠેલ, મૂછોને તાવ દેતા અને કાળનેય કોઠું ન દે એવી અંગારઝગતી રાતી આંખોવાળા ઘરના મોભીઓના હુક્કાનો ગડેડાટ સંભળાતો હતો. નવી ખેપની વાટ જોતું ઊંટ પણ આંગણે ભાંભરતું હતું.

સૃષ્ટિનો નિયમ છે કે કુદરતી આપત્તિ આવવાની જાણ સૌથી પહેલાં મૂંગાં પશુપક્ષીઓને થઈ જાય છે. હવામાં કશીક ગંધ આવતાવેંત ઊંટ અચાનક થડકીને, ભડકીને, ચીખ મારતું રાશ તોડીને ઊભી બજારે લાંબી લાંબી ઠેક ભરતું ભાગી નીકળે છે કટાવ છંદની રવાની અચાનક દ્રુત ગતિ પકડે છે. થડકી-ચીખ્યું-ભડકી-ધણધણતું-વાંભ-વાંભ-ધડૂસ જેવા શબ્દપ્રયોગો ગભરાયેલ ઊંટની દોડને આબાદ ચાક્ષુષ કરી બતાવે છે. ઊંટની પાછળ ઘર ધડૂસ કરતું પડી ભાંગે છે. હાંફતું ઊભું ગામના છેડેની ત્રિરુક્તિમાં અંતે ‘છેડે’નો લોપ કરીને સર્જકે હાંફને પણ શબ્દોની પીંછીથી જીવંત કરી બતાવી છે. હવામાં ગીધ સમી મડદાંની તીખી ગંધ તરી રહી છે, પીપળાનાં પીળાં પડી ગયેલ પાન ચિતાની ઝાળ ગણે છે. છેક કાવ્યાંતે સર્જક મુઠ્ઠી ખોલે છે ત્યારે ખબર પડે છે કે આ તો કચ્છના ભૂકંપની દાસ્તાન છે. કાવ્યાંતે હજુ રહી છે કંપીની દ્વિરુક્તિ ભાવકના સ્તબ્ધ હૈયામાં પણ એક કંપ જગાવે છે, જે લાંબા સમય સુધી શમતો નથી.

3 Comments »

  1. Mita mewada said,

    July 20, 2024 @ 12:01 PM

    Superb

  2. પીયૂષ ભટ્ટ said,

    July 22, 2024 @ 10:40 PM

    ઊંટની વાત આવે એટલે નજર સામે રણ, તરસ, વણઝાર, કાફલો, મૃગજળ, રેતી, સમય સાબદો થઈ જાય સાથે જ જે તે પ્રદેશ તરવરવા લાગે. અહીં શીર્ષકથી જ આપણને ઊંટના પ્રદેશે વિહાર કરવા ઉત્સુક કરે. હતા કહી ભૂતકાળ ના સમયગાળાના લઈ જાય. પૂર્વભૂમિકા રૂપે ઠાઠ અસબાબનું દ્વષ્યાત્મક ચિત્રણ મનોહર લાગે પણ અચાનક કાવ્યનો હીરો દેખાય અને પછી ચલચિત્રના કેમેરાની ગતિ સાથેની ઘટના ઉલ્લાસથી ધમધમતી હવેલીથી કંપતા સમયની હાંફ સાથે પૂરી થાય ત્યારે હ્રદયની હાય સાથે એક નિઃશબ્દ સન્નાટો છવાઈ જાય છે.
    ઉત્તમ કાવ્ય નો યથોચિત આસ્વાદ કરાવ્યો. વંદન સહ અભિનંદન

  3. Poonam said,

    August 28, 2024 @ 11:18 AM

    …હજુ રહી છે કંપી!
    – ઉષા ઉપાધ્યાય –

    Aasawad swadisth sir ji 🙏🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment