રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર પણ,
મોટા કે ઘરડા થવું છે, એટલું નક્કી કરો.
– ગૌરાંગ ઠાકર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for November, 2018

હતા અમે – આશ્લેષ ત્રિવેદી

ના ઉંબરે, ન બ્હાર, ન ઘરમાં હતા અમે
શબ્દોની કોઈ ગેબી અસરમાં હતા અમે.

થોડુંય આમતેમ હલી પણ શક્યા નહીં,
ચારે તરફથી એની નજરમાં હતા અમે.

નાહક રહ્યા છો ગોતી હવે કાટમાળમાં,
તૂટેલ કાંગરાની ભીતરમાં હતા અમે.

પૂછ્યું નહીં જ હોય કશું કોઈને તમે
નહીંતર તો દોસ્ત એ જ નગરમાં હતા અમે.

એક નામના અભાવે ધકેલાયા દર-બ-દર
ખાલી ગણ્યું તમે એ કવરમાં હતા અમે.

એને અમારી યાદ કદી સંભવે જ કેમ?
અણજાણ માછલીના ઉદરમાં હતા અમે.

કાંઠે ઊભીને પ્યાસ તમે તો બૂઝાવતા
ખળખળ જતી નદીની લહરમાં હતા અમે.

– આશ્લેષ ત્રિવેદી

નખશિખ ઉમદા રચના…

Comments (5)

(અટકળ હતી) – રમેશ ઠક્કર

ધાર કે એ આપણી અટકળ હતી,
વાત તોયે સાવ ક્યાં પોકળ હતી?

ચાલવાના અર્થને જાણ્યા પછી,
થોભવાની વાત તો વળગણ હતી.

લાગતો આજે ભલે પટ રેતીનો,
આ નદીની ગોદમાં ખળખળ હતી.

સીમ, વગડો, ડાળ, ઝાડી. પાંદડાં,
એક યાદી કેટલી ઝળઝળ હતી.

ના કદી એથી વધુ પામી શક્યા
પામવાની ધારણા કેવળ હતી.

– રમેશ ઠક્કર

સરળ શબ્દો પણ વાત મજાની… કાફિયાદોષ થોડો ખટકે છે પણ એને અવગણીએ તો રચના આસ્વાદ્ય થઈ છે…

Comments (3)

ઘૂંઘટમાં નથી – જવાહર બક્ષી

કંઈ નથી બનતું છતાં સબંધ સંકટમાં નથી
પ્રેમ તો હોવાપણામાં છે, એ વધઘટમાં નથી

પ્રેમ જેવું નામ છે એ તો છે એક વ્હેતી ભીનાશ
જળ વિના કોઈ નદી તટ, પટ કે પનઘટમાં નથી

તટ ઉપર રહીને તમાશો દેખનારા ! ભૂલ નહિ
જો નદી છે તો જ તટ છે, પણ નદી તટમાં નથી

રૂપ તારું કલ્પનાથી પણ વધુ આગળ ગયું
સ્વપ્નમાં જોયો તો જે ચ્હેરો, એ ઘૂંઘટમાં નથી

ઘટ ફૂટ્યો, માટીમાં માટી તો મળી, એક ફેર છે
જે હતું આકાશ ઘટમાં, એ હવે ઘટમાં નથી

– જવાહર બક્ષી

છેલ્લા બે શેર શિરમોર છે. છેલ્લો શેર મૃત્યુ વખતે consciousness શરીર છોડી દે છે તેનો ઈશારો કરે છે.

Comments (2)

અક્ષરો પડવાની જ્યાં ઘટના બની કાગળ પરે – મનોજ ખંડેરિયા

અક્ષરો પડવાની જ્યાં ઘટના બની કાગળ પરે
ત્યાં તરત અફવા ઊડી કે હાથથી કંકુ ખરે

અર્થની આ આંબલીમાં ભૂતનો વાસો હશે
રોજ મધરાતે દીવાઓ પાંદડા પર તરવરે

ઝંખનાના બંધ ખાલી સાવ જૂના ઓરડે-
કોણ હરતુંફરતું ? ઝીણી ઝાંઝરી રણક્યા કરે !

એક ભડકો થઈ સ્મૃતિ અંધારમાં ઊડી ગઈ
આંખ સામેથી હજી એ દ્રશ્ય આઘું ના સરે

એક કાગળ વાયકાની વાવ શો ઊંડો હતો
લોક કહેતાં : જે જતું એમાં તે પાછું ના ફરે !

– મનોજ ખંડેરિયા

ચોથા શેરની ચમત્કૃતિ જુઓ !!! સ્મૃતિ ઊડી ગઈ પણ એ ઘટનાની સ્મૃતિ રહી ગઈ ! વિચારશૂન્ય થવાના પ્રયત્નોમાં વિચારશૂન્યતાના વિચાર તો રહી જ ગયા……! ત્રીજો શેર પણ લાજવાબ છે.

Comments (4)

(સાંજ ઢળશે!) – હર્ષા દવે

હરિ! સાંજ ઢળશે!
ફરી સાંજ ઢળશે!

કદી આંખ વચ્ચે,
ઠરી સાંજ ઢળશે!

ગમે તેમ પણ આ,
નરી સાંજ ઢળશે!

પીંછા જેમ હળવું,
ખરી સાંજ ઢળશે!

ભૂલાયેલ વાતો,
સ્મરી સાંજ ઢળશે!

ક્ષણોની નદીને,
તરી સાંજ ઢળશે!

પછી એક સાંજે,
ખરી સાંજ ઢળશે!

– હર્ષા દવે

માય ગૉડ! શું ગઝલ છે! આફરીન… આફરીન… શત પ્રતિશત આફરીન…

એકદમ ટૂંકી બહેર… લગાગાના બે જ આવર્તન… દસ જ માત્રાનો એક મિસરો. હરિ-ફરી જેવા બે અક્ષરના કાફિયા અને અને એમાંય ‘રી’ તો લઘુત્તમ સામાન્ય અવયવ. દસ માત્રાની પંક્તિમાં નવ માત્રાની રદીફ એટલે કવિ પાસે કવિકર્મ કરવા માટે ફક્ત એક જ માત્રા બચે છે. મત્લામાં તો વધુ તકલીફ છે. મત્લામાં તો બંને પંક્તિઓમાં એક જ લઘુ અક્ષરની મદદથી પંક્તિનો અર્થ પણ જન્માવવાનો અને બે પંક્તિ જોડીને આખો શેર પણ નીપજાવવાનો. મત્લા સિવાય પણ આખી ગઝલમાં બીજા મિસરામાં કેવળ એક જ અક્ષર જેટલો અવકાશ કવિ પાસે છે. એક શબ્દ નહીં, પણ માત્ર એક અક્ષરની જ હેરફેર કરીને શેર જન્માવવાનો. કેવું કપરું કામ! સોયના કાણાંમાંથી આખેઆખું ઊંટ પસાર કરાવી દેવાની પરીક્ષા અને એમાં કવયિત્રી સોમાંથી સો ગુણ મેળવી ઉત્તીર્ણ થયાં છે. લગભગ બધા જ શેર આસ્વાદ્ય અને અર્થસભર થયા છે…

Comments (8)

પડી છે… – હરદ્વાર ગોસ્વામી

મંદિર અંદર રાડ પડી છે,
ધર્મો કરતાં ધાડ પડી છે.

એક શબ્દમાં, બીજો ગુપચુપ,
મારામાં બે ફાડ પડી છે.

ખુલ્લા ખેતર જેવું જીવન,
આખેઆખી વાડ પડી છે.

મારું જંગલ ખોવાયું છે,
એથી તો આ ત્રાડ પડી છે.

લે, તારું સરનામું આપું,
તું તો હાડોહાડ પડી છે.

દરિયામાં વહુવારુ જેવી,
નટખટ નદિયું પ્હાડ પડી છે.

કેમ ગઝલને ભેટું, બોલો!
શબ્દોની આ આડ પડી છે.

– હરદ્વાર ગોસ્વામી

મસ્ત મજાની દમદાર ગઝલ… કોઈપણ પિષ્ટપેષણ વિના મમળાવ્યે રાખવા જેવી…

Comments (2)

(આરસ જોઈએ) – રઈશ મનીઆર

મંદિરો માટે તો આરસ જોઈએ
ભક્તિ માટે મન નિખાલસ જોઈએ

કઈ રીતે જગ થાય રોશન, શું ખબર?
ઝૂંપડીને માત્ર ફાનસ જોઈએ

દેહ તો કંતાનથી ઢાંકી શકો
આયનો બોલ્યો કે અતલસ જોઈએ

એક વૈરાગીને જોયો તો થયું
કંઈ ન કરવામાંય સાહસ જોઈએ

ધનને માટે એક વંશજ કાફી છે
ભાષા માટે લાખ વારસ જોઈએ

એકરસ થઈને ગઝલ લખતો રહ્યો
એ ખબર નહોતી કે નવરસ જોઈએ

– રઈશ મનીઆર

કવિતાની ખરી કમાલ એ છે કે કવિ મરજીવો બનીને મહાસાગરના અતળ ઊંડાણ તાગીને અમૂલ્ય મોતી વીણી લાવીને કાંઠે ઊભેલા ભાવકના હાથમાં મૂકે છે અને દરિયામાં પગ ભીનો કર્યા વિના જ ભાવક મોતીનો લ્હાવો માણી શકે છે. જો કે આજકાલ જે પ્રકારની ગઝલો અને ગીતોનો ફાલ ફાટી નીકળ્યો છે, એમાં ખાલી છીપ વધારે છે અને મોતી તો ભાગ્યે જ જડે છે. રઈશભાઈની ગઝલો જો કે પ્રારંભથી જ મોતીનું તેજ ધરાવતી ગઝલો છે. જરાય અઘરી ભાષા વાપર્યા વિના સાવ સહજ રીતે બોલચાલની ભાષામાં જ એ અદભુત ગઝલો આપણને આપતા આવ્યા છે. આ ગઝલ જુઓ… એકેય શેર સમજાવવાની જરૂર નથી પણ એકેય શેર સમજ્યા વિના પડતો મૂકાય એવોય નથી…

Comments (3)

આકાર હોય છે – ગની દહીંવાલા

સાચી સ્વતંત્રતાને એ વ્યવહાર હોય છે,
દિલ કોઈનું, કોઈનો અધિકાર હોય છે.

દિલથી મળી રહે છે મને પ્રેમનો પ્રકાશ,
બુદ્ધિ-પ્રદેશમાં યદિ અધિકાર હોય છે.

મારું જીવન તિમિર ગણો છો ? ભલે ગણો,
ચમકે છે આગિયાઓ જો અંધાર હોય છે

આ એ જ દિલ છે, એ જ છે આસન મયૂરનું,
જ્યાં આપનો આવાસ ઘણી વાર હોય છે.

એ વર્તણૂંક એમની મારા પ્રતિ રહી,
મૃત્યુનો જિંદગીથી જે વ્યવહાર હોય છે.

જીવન-કિતાબ લાખ પ્રકારે લખાય પણ,
સરખે સહુનો અંતમહીં સાર હોય છે.

ભોળી ઉષાને ભાન નથી કંઈ સ્વમાનનું,
નિત્ એને જન્મ આપતો અંધાર હોય છે.

ઘેરી વળે છે જ્યારે ‘ગની’, દુખના કંટકો,
ત્યારે જીવન ગુલાબનો આકાર હોય છે.

– ગની દહીંવાલા

કોઈ જ શબ્દઆડંબર વિનાની મર્મવેધી રચના….

Comments

અનેક…… – અનિલ ચાવડા

ઘર તો હતાં અનેક ને ઝાંપા હતા અનેક,
પણ આશરાના આપણે ફાંફા હતા અનેક.

એકાદ ડગની દૂરી યે કાપી શકાઈ નૈં,
એકાદ ડગના માર્ગમાં ફાંટા હતા અનેક.

વર્ષો પછી મળ્યાં હતાં એ માર્ગમાં, અને-
દૃશ્યો અમારી આંખમાં ઝાંખાં હતાં અનેક.

ખીલાઓ ખૂબ માર્યા છે એ સ્પષ્ટ થાય છે
સંબંધની દીવાલમાં ટાંચા હતા અનેક.

આ જિંદગી વિશે જરા પૂછ્યું’તું મેં મને જ,
થોડાં સમર્થનો હતાં, વાંધા હતા અનેક.

ખોલીને એની કેદથી આવી શક્યો ન બ્હાર
સ્મરણોની બંધ શીશીને આંટા હતા અનેક.

બીમાર આંખને ગણી કરતા રહ્યા ઇલાજ,
જોયું નહીં કે સપનાંઓ માંદાં હતાં અનેક.

મૃત્યુ સિવાય શ્વાસને ના લાંગરી શક્યા,
જીવનની આ નદીને તો કાંઠા હતા અનેક.

એક દોરડે મદદ કરી કૂવાની ડોલને,
તેથી કૂવાના પથ્થરે આંકા હતા અનેક.

ચોર્યાસી લાખ બાદ ક્યાં નિશ્ચિત હતું કશુંય,
જન્મોની એક ગલી હતી, ટાંપા હતા અનેક.

– અનિલ ચાવડા

Comments (6)

ક્લિઓપેટ્રા – અન્ના આખ્માતોવા (અનુ.: વિવેક મનહર ટેલર)

હું હવા અને અગ્નિ છું.
– શેક્સપિઅર

એલેક્ઝાન્ડ્રિયાનો મહેલ
એક મીઠા છાંયડાથી ઢંકાયેલો છે.
– પુશ્કિન

(તેણીએ) ક્યારના ચૂમી લીધા છે એન્ટનીના મૃત હોઠો,
અને ઑગસ્ટસ સામે ઘૂંટણિયે પડીને ક્યારના આંસુ વહાવી દીધાં છે…
અને સેવકોએ દગો દીધો છે. વિજયી રણશિંગાઓ ગાજી રહ્યાં છે
રોમન ગરુડના ઓથા તળે, અને સાંજના ઓળા ઊતરી રહ્યાં છે.

અને પ્રવેશે છે એના સૌંદર્યનો આખરી ગુલામ,
ઊંચો અને ઉદાત્ત, અને એ મૂંઝાતા-મૂંઝાતા કાનાફૂસી કરે છે:
“તમને –ગુલામ તરીકે- તેની આગળ વિજયની ખુમારીમાં લઈ જશે…”
પણ હંસની ડોકનો ઝુકાવ હજીય અકંપ છે.

અને કાલે બાળકોને મારી નંખાશે. ઓહ, કેટલું ઓછું બચ્યું છે
પૃથ્વી પર કરવા માટે – આ માણસ સાથે હંસીમજાક કરો,
અને, જાણે કે વિદાયનો કરુણાસભર ઈશારો ન હોય,
એમ એક કાળા સાપને મૂકી દો શામળા સ્તન પર બેપરવા હાથ વડે.

– આન્ના આખ્માતોવા
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતા એટલે કવિની આત્મકથા. ખરું ને? સ્થૂળ સ્વરૂપે નહીં તો સૂક્ષ્મ સ્વરૂપે પણ સર્જક જે કંઈ લખે છે, એ એની ઇન્દ્રિયોના ચશ્માંમાંથી જોયેલી, જાણેલી, અનુભવેલી દુનિયા જ છે. સ્ટાલિન જેવા સરમુખત્યારની દાદાગીરી અને એક પછી એક સ્વજનોના એના હાથે મૃત્યુની વચ્ચે પણ વતન છોડી ભાગી જવાના બદલે છાતી તાણીને કલમ ચાલુ રાખવાની જે મર્દાનગી રશિયન રજતયુગના સામ્રાજ્ઞી કવયિત્રી આન્ના આખ્માતોવાએ બતાવી હતી એ અભૂતપૂર્વ છે.. આજની ગ્લૉબલ કવિતામાં આન્ના ક્લિઓપેટ્રા જેવા મહાન ઐતિહાસિક પાત્રના સ્વાંગમાં પોતાની આત્મકથા – પોતાનું સ્વાન-સૉંગ કેવી બખૂબી આલેખે છે તે જોઈએ….

Cleopatra

I am air and fire.
Shakespeare

Alexandria’s palace
Has been covered by a sweet shade.
Puškin

[She] has already kissed Antony’s dead lips,
And on [her] knees before Augustus has already poured out [her] tears…
And the servants have betrayed [her]. Victorious trumpets are blaring
Under the Roman eagle, and the mist of evening is drifting.

And enters the last captive of her beauty,
Tall and stately, and he whispers in confusion:
“[He] will send you – like a slave… before him in the triumph…”
But the inclination of [her] swan-like neck is still serene.
And tomorrow they will put [her] children in chains. Oh, how little remains
[For her] to do on earth – to joke with a man,
And, as if in a farewell gesture of compassion,
Place a black [small] snake on [her] swarthy breast with an indifferent hand.)

– Anna Akhmatova
(Eng. Translation: Judith Hemschemeyer)

Comments

(ટકોરા પડે છે) – વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

ઘણી વાર દ્વારે ટકોરા પડે છે,
હવાના નથી ને એ જોવા પડે છે.

વધુ પડતા જ્ઞાની થવાથી તો માણસ
સ્વયંમાં જ ક્યારેક ખોટા પડે છે.

ખબર છે તું એનાથી રોકાઈ જાશે,
ને આંસુઓ ત્યારે જ મોડાં પડે છે.

હવેના સંબંધો વિશે તો છે એવું,
જરૂરતના ટાણે જ મોળા પડે છે.

તમે લાગણીની જરા છાંટ નાખો,
તમારાં તો આંસુય કોરાં પડે છે.

કરે વાત ‘વેદાંત’ ચુંબનની જ્યારે,
આ ભમરા બધા કેમ ભોંઠા પડે છે?

– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

સરળ… સહજ… અને સાદ્યંત આસ્વાદ્ય.. પરંપરા અને આધુનિક ગઝલ -એમ બંને રંગોનું મજાનું સાયુજ્ય અહીં જોવા મળે છે…

Comments (3)

(આ જગત તારું થશે) – કિરીટ ગોસ્વામી

જે થયું સારું થયું ને જે થશે સારું થશે;
એટલી સમજણ હશે તો આ જગત તારું થશે.

થાય છે માઠા દિવસ પણ આખરે મીઠા કદી,
આજ નહિ તો કાલ, સઘળું દૂર અંધારું થશે.

જોઈએ બસ જોઈએ ખુદનો ભરોસો સામટો;
એ વિના જીવન પળેપળ સાવ નોંધારું થશે.

દાદ એને આપશો તો દુઃખ વધુ દુઃખ આપશે,
સુખ વધુ સુખ આપશે જો નિત્ય સહિયારું થશે.

મન હવે ચાલ્યું છે ભીતરના પ્રવાસે બસ, ‘કિરીટ’;
બસ, હવે જે કંઈ થશે તે કામ કંઈ ન્યારું થશે.

– કિરીટ ગોસ્વામી

આમ તો આખી ગઝલ મસ્ત છે પણ મત્લાનો શેર જ સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થઈ જાય એવો અફલાતૂન થયો છે. બે પંક્તિના ઘરમાં કવિએ જે કમાલ કરી છે એ શબ્દાતીત છે… આવી જ રદીફવાળી એક બીજી ગઝલ –હવે જે થાય તે સાચું– પણ કવિએ લખી છે, એ પણ આ સાથે માણવી ચૂકશો નહીં…

Comments (1)

જૂન સંનિષ્ઠ – જૉર્ડન જોય હ્યુસન (અનુ. વિવેક મનહર ટેલર)

હું સેન્ટ્રલ પાર્કમાં જઈ રહી છું
મારા કૉબાલ્ટ બ્લૂ હેડફોન્સ પહેરીને

એ દરેક અવાજની સામે દલીલમાં,
જે મને ફરજ પાડી શકે એને સાંભળવાની. હું જોતરાતી નથી

કારણ વિનાની સ્વયંસ્ફૂર્તતામાં પણ
ઘાસ તરફ વળું છું. આ દિવસનો એ સમય છે

જ્યારે સૂર્ય આળસે છે અને ટેકરીઓની બાજુઓ પરથી
ઊગવાનો ડોળ કરે છે

અને હું મારું માથું બહાર કાઢીશ, જે કંઈ પણ
એની પાછળ છે એનું પ્રસારણ

સમજાવી ન શકાય એમ થશે.
પહેલેથી જ થઈ ચૂક્યો છે

અહીં મારા હોવાનો અકસ્માત તમે જુઓ
અને ગુરુવારની ગંધ અને અવાજ

મૃત પાંદડાઓને વાળીને પરતદાર પ્રવેશપત્રો બનાવવાનો.
શાખા પરથી ચિરાયેલી ડાળખી સુદ્ધાં શરીરથી છૂટી પડેલી આંગળીની જેમ

ચીંધી રહી છે. નિર્દોષતાથી
હું ડેન્ટિસ્ટ પાસેથી આવી રહી હતી પણ બાળકો

બધાં એમાં જોતરાયેલાં છે તેમના કાન છેદાયેલ છે
બાહરી હસ્તક્ષેપના ડેટા માટે; એ લોકો વાઇકિંગ છે

એક નાનકડી ઘેરાબંધીની તૈયારી કરતા રાજ્યમાં.
હું આડી પડી છું કેન્દ્રમાં આહુતિ થઈ ફેલાઈને.

– જૉર્ડન જોય હ્યુસન
(અનુ. વિવેક મનહર ટેલર)

ટોળાંની વચ્ચે પણ ટોળાંથી દૂર રહેવાની વાત… આજુબાજુ આખી દુનિયા આમથી તમે દોડી રહી હોય પણ આપણી ખુલ્લી આંખોના કેમેરા એકેય દૃશ્ય ક્લિક્ જ ન કરતા હોય, આપણા કાનના રડાર એકેય અવાજની નોંધ જ ન લેતા હોય એવી સમાધિવત્ અવસ્થામાં આપણે સહુ જાણ્યે-અજાણ્યે અવારનવાર મૂકાઈ જતાં હોઈએ છીએ. ભીડની વચ્ચેની આ એકલતા પાણી વચ્ચે ખીલેલા કમળ જેવી નિસ્પૃહ છે. ધ્યાન અને સમાધિ સુધી જવા માટેનું કદાચ આ પહેલું પગથિયું છે. યુવા અમેરિકન કવયિત્રી જૉર્ડન જોય હ્યુસન પ્રસ્તુત રચનામાં કંઈક આવો જ સૂર લઈને આવે છે.

June Devotional

I’m walking into Central Park
wearing my cobalt blue headphones

in argument with every voice
that could compel me to its call. I do not indulge

in spontaneity without cause but turn
onto the lawn. It’s that time of day

when the sun lets up and feigns an arousal
on the sides of the hills

and I might let my head out, the transmission
of whatever is

behind this will unexplainably perform.
There is already the accident

of my being here you see
and the smell of a Thursday and the sound

of dead leaves being folded into laminate access passes.
Even a torn twig from a branch like a disembodied finger

pointing. Innocently
I was coming from the dentist but the children

are all in on it their ears pricked for data
of outside interference; they are Vikings in the kingdom

preparing a tiny siege.
I lie in the center spread out in offering.

– Jordan Joy Hewson

Comments

પ્રયત્નો કરું છું – મેહુલ ભટ્ટ

પડું-આખડું છું,
પ્રયત્નો કરું છું.

નસીબે લખેલા
કદી ક્યાં ગણું છું?

સજા ક્યાં દે ઈશ્વર,
છતાં પણ ડરું છું.

નયનમાં ઘણાની
ખટકતું કણું છું.

લખીને ગયા એ
ફરીથી લખું છું.

પ્રણયમાં જે છૂટ્યું
કલમથી ભરું છું.

અણી પર જે ચુક્યો
હવે આવરું છું.

ઘણી ભીડમાં પણ
‘સ્વ’ને સાંભળું છું.

હું સર્જાઉં રોજ્જે,
ને રોજ્જે મરું છું.

– મેહુલ ભટ્ટ

ટૂંકી બહેરમાં મોટી વાત કરતી મજાની ગઝલ… મોટાભાગે ટૂંકી બહેરની ગઝલ નાના વિધાન બનીને રહી જતી હોય છે પણ આ ગઝલના મોટાભાગના શેર વિધાન બનીને રહી જવાના અભિશાપથી ઊગરી ગયા છે. લગભગ બધા જ શેર વિચાર માંગી લે એવા…

Comments (3)

પડકાર ફેંકે છે – સંજુ વાળા

કદી સ્થિતિ, કદી સમજણ નવો પડકાર ફેંકે છે,
કદી ભીતરની અકળામણ નવો પડકાર ફેંકે છે.

નિરંતર કાળની કતરણ નવો પડકાર ફેંકે છે,
ક્ષણેક્ષણ આવનારી ક્ષણ નવો પડકાર ફેંકે છે.

અચાનક એક લક્કડખોદ આવી છાતી પર બેઠું,
શરીરે ઉપસી આવ્યા વ્રણ નવો પડકાર ફેંકે છે.

કબૂતર જેવી મારી લાગણીને ચણ બતાવીને,
અજાણ્યા મ્હેલનું પ્રાંગણ નવો પડકાર ફેંકે છે.

ઉખેડી મૂળથી વાચા પછી આદેશ આપ્યો : ‘ગા’
આ શસ્ત્રોહીન સમરાંગણ નવો પડકાર ફેંકે છે.

હવે એકેય લીલું પાંદડું બાકી બચ્યું છે ક્યાં?
છતાં આ ભોમનું વળગણ નવો પડકાર ફેંકે છે.

હજુ નવનાથ, દામોકુંડ, કેદારો, તળેટી-ટૂક..
હજુ કરતાલની રણઝણ નવો પડકાર ફેંકે છે.

– સંજુ વાળા

ગઝલ કાવ્યપ્રકારની ખાસિયત એ છે કે એ બે પંક્તિના મકાનમાં આખી દુનિયા વસાવી આપે છે. સંજુ વાળાની ગઝલોમાં તો આ ખાસિયત ખાસ ઉપસી આવે છે. ખૂબ મજાની રદીફવાળી મજાની ગઝલ કવિ લઈ આવ્યા છે. દરેક શેર ખૂબ ધીમે રહીને ઊઘાડવાલાયક…

Comments (2)

અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં – ગંગાસતી

અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં
ને ન રહેવું ભેદવાદીની સાથ રે
કાયમ રહેવું એકાંતમાં
ને માથે સદગુરુજીનો હાથ રે … અભ્યાસ જાગ્યા પછી

તીરથ વ્રત પછી કરવા નહીં
ને ન કરવા સદગુરુના કરમ રે,
એવી રે ખટપટ છોડી દેવી
જ્યારે જણાય માંહ્યલાનો મરમ … અભ્યાસ જાગ્યા પછી

હરિમય જ્યારે આ જગતને જાણ્યું
ત્યારે પ્રપંચથી રહેવું દુર રે,
મોહ સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રે … અભ્યાસ જાગ્યા પછી

મંડપ ને મેળા પછી કરવા નહીં
એ છે અધૂરિયાનાં કામ રે,
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ
ભાળવા હોય પરિપૂર્ણ રામ રે …. અભ્યાસ જાગ્યા પછી

– ગંગાસતી

” If you meet Buddha on road, kill him ” – એક જાણીતી ઉક્તિ. નાવનું કામ નદી પર કરવા પૂરતું જ છે, તે પછી નાવને ખભે ઊંચકીને ભમ્યા ન કરાય…..

સર્વ મિત્રોને દિપાવલીની હાર્દિક શુભકામનાઓ….

Comments (1)

પર્વત પર પાછું ચડવાનું – હરીશ મીનાશ્રુ

પર્વત પર પાછું ચડવાનું
નદીપણું નિશ્ચે નડવાનું

સવાર પડતાં ફાળ પડે છે
અજવાળું અઘરું પડવાનું

ઓરમાન માટીમાં તારું
બીજ જનમભર તરફડવાનું

પવન ઉપર નકશા ખુશ્બૂના
તું શોધે થાનક વડવાનું

દરદ સહુનું સહિયારું છે
શું પૂનમનું શું પડવાનું

શું કરશો કે એક સફરજન
મનમાં પડ્યું પડ્યું સડવાનું

પાણીને ના પડે ઉઝરડો
એમ સરોવરને અડવાનું

ભાષાનો ભાંગી કર ભૂક્કો
એ જ બને કારણ ઘડવાનું

સાવ સાંકડા ઘરમાં સંતો
યાયાવર થઈને ઊડવાનું

– હરીશ મીનાશ્રુ

ટૂંકી બહેરની મજબૂત રચના…દરેક શેર એક સ્વતંત્ર વિચારને બળકટ રીતે રજૂ કરે છે….

Comments

ફેસબુક સૉનેટ – શર્મન એલેક્સી (અનુ. વિવેક મનહર ટેલર)

આવો, છે સ્વાગત હર કોઈનું હાઇ-સ્કૂલના અંતહીન
પુનર્મિલનમાં. ને સદા સ્વાગત છે જૂના મિત્રો ને
પ્રેમીજનોનું, હો ગમે તેવા ભલા કે ક્રૂર પણ.
ચાલો, તો અવમૂલ્યન કરો ને નાદુરસ્તી પણ કરો

આ આજની. શા માટે એ ધારી ના શકીએ આપણે
કે એકસરખા જિંદગીના સૌ તબક્કા હોય છે?
ખોદીએ, ચાલો તો, પુનઃ આરંભીએ, વિસ્તારીએ
એ બાળપણ. ચાલો રમીએ સાથે એ સઘળી રમત

જે વ્યસ્ત રાખે છે યુવાનોને. શરમ ને ખ્યાતિને
એકમેકમાં લપટાવા દો. ને થઈ જવા દો કો’કની
ઈશ્વરતલાશીને સરાજાહેર ડોમેન નેટ પર.
બનવા દો દેવળ.કોમને દેવળ ચલો, હરકોઈનું.

તો, કરીએ સાઇન અપ, ને સાઇન ઇન તથા એકરાર પણ
કરીએ ચલો, અહીંયા આ એકલતા તણી વેદી ઉપર.

– શર્મન એલેક્સી
(અનુ. વિવેક મનહર ટેલર)

ફેસબુક આપણને આજને ભૂલીને ગઈકાલમાં જીવતાં શીખવે છે. ફેસબુક જીવનના દરેક તબક્કે એકસરખી લાઇક્સ અને કોમેન્ટ્સ લઈને આવે છે. જીવનની દરેક પરિસ્થિતિમાં આપણે એની એ જ કી વાપરીને કામ કરતાં શીખી જઈએ છીએ. ફેસબુકના દરિયામાં લાગણીઓની ભરતી-ઓટ છે જ નહીં, કેમકે ફેસબુકનો દરિયો તો પથ્થરનો દરિયો છે. ભલે આનું નામ સોશિઅલ મીડિયા કેમ ન હોય, અહીં કશું જ સોશિઅલ નથી. આ તો માત્ર સમાજનો આભાસ છે. વધુમાં વધુ લોકો સુધી પહોંચવાની હોડમાં ને દોડમાં આપણે જાત સુધી પહોંચવાનું જ વિસરી ગયાં છીએ. #MeToo ના આરોપનો ભોગ બનેલા અમેરિકન કવિ શર્મન એલેક્સી ફેસબુકના સંદર્ભે સોશિઅલ મિડીયાના આક્રમણ સામે લાલ બત્તી ધરે છે…

પ્રસ્તુત રચનાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે…

The Facebook Sonnet

Welcome to the endless high-school
Reunion. Welcome to past friends
And lovers, however kind or cruel.
Let’s undervalue and unmend

The present. Why can’t we pretend
Every stage of life is the same?
Let’s exhume, resume, and extend
Childhood. Let’s play all the games

That occupy the young. Let fame
And shame intertwine. Let one’s search
For God become public domain.
Let church.com become our church

Let’s sign up, sign in, and confess
Here at the altar of loneliness.

– Sherman Alexie

Comments

(કોનો સાદ છે!) – મેઘબિંદુ

ભૂલી જવી જે જોઈએ એ વાત યાદ છે,
બસ એટલે તો આપણી વચ્ચે વિવાદ છે.

ધાર્યું થયું ના એટલે વિવશ બની ગયો,
દૃષ્ટિ કરું છું જ્યાં હવે ઘેરો વિષાદ છે.

શ્રદ્ધા રહી ના એટલે શંકા વધી ગઈ,
મંઝિલ મળે ક્યાંથી હવે પ્રયત્ને પ્રમાદ છે.

એથી તમારા દ્વાર પર આવ્યો નહીં કદી,
સમજી ગયો’તો આપની મેલી મુરાદ છે.

છું એકલો ને આસપાસે રણની રિક્તતા
અથડાય છે જે કાન પર એ કોનો સાદ છે!

– મેઘબિંદુ

મત્લાનો શેર કેવો સરળ, સહજ પણ કેવો સચોટ! વાહ!

Comments (5)

અશ્રુ – નિરંજન ભગત

તારે પ્રાણે પુલકમય કૈં રાગિણી રમ્ય સૂરે
જાગી રહેતી, મધુર લયનો દોલ દૈ મંદ મંદ;
તાલે તાલે સ્વરપરશથી વિશ્વનો નૃત્યછંદ
ડોલી રહે ને પલ પલ કશો મુગ્ધ થૈ તાલ પૂરે!
મેં એમાંથી અધરસ્મિતનો શાંત પ્રચ્છન્ન સૂર
માગ્યો, જેથી સ્વરમધુર એ દોરમાં ગીતફૂલે
માળા ગૂંથું, ચિરજનમ જે તાહરે કંઠ ઝૂલે;
રે એ આશા ક્ષિતિજ સરખી રહૈ ગઈ દૂર દૂર!
મેં માગ્યું’તું અધરસ્મિત, તેં અશ્રુનું દાન દીધું;
તારે પ્રાણે મુજ હૃદયની માગણીને જડી દૈ,
થંભી તારી શત શત કશી રાગિણી, તું રડી ગૈ!
હું શું જાણું પ્રિય, પ્રણયનું એમ તેં ગાન કીધું!
રે તારું એ અરવ સરતું અશ્રુનું એક બિન્દુ
જાતે સપ્ત સ્વરે શું છલછલ પ્રણયોન્માદનો મત્ત સિન્ધુ!

– નિરંજન ભગત

રવીન્દ્રનાથની ગીતાંજલિમાંથી પસાર થતા હોવાની અનુભૂતિ આ સૉનેટ વાંચતા થયા વિના રહેતી નથી. સહવાસના સંગીતની પરાકાષ્ઠાની વાત છે. પ્રિયપાત્રના સ્મિતને ગીતમાં ઢાળવા માંગતા પ્રિયજનને સ્મિતના સ્થાને સામેથી અશ્રુ પ્રાપ્ત થાય છે ત્યારે પહેલાં તો પ્રિયજન વિમાસણમાં પડે છે પણ પછી એને તરત જ સમજાય છે કે આ અશ્રુ એ પ્રણયની ચરમસીમા છે. આ એક બિંદુમાં પ્રણયોન્માદનો મત્ત સિંધુ ભર્યો પડ્યો છે…

આખું સૉનેટ શિખરિણીમાં લખીને આખરી પંક્તિ સ્ત્રગ્ધરા છંદમાં લખીને કવિ પ્રિયાના અશ્રુની માળાને જરા અલગ તારવી આપે છે એની પણ એક મજા છે.

(પુલકમય=પુલકિત, રોમાંચિત, દોલ=હિંચકો, સ્વરપરશથી=સ્વરના સ્પર્શથી)

Comments