October 31, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગીત, દલપત પઢિયાર
જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?
મનનો મુકામ ક્યાંય કાયમનો નહીં,
ભલે દરિયાનો આલો દિલાસો !
જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?
કોને કહેવું અહીં મંડપ હતો
ને હતાં કેવડાંનાં મઘમઘતાં વન,
ફૂલ જેવાં ફૂલ અને ખરતાં કમાડ
પછી હળવેથી વાસો ના વાસો !
જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?
ચંદન તલાવડીમાં તારા ખર્યા
ને પછી તીર ઉપર ટાંપીને બેઠા,
ખોબો ભર્યો એ તો ખાલી ખુલાસો
જળ જેવા જળમાં લ્યો જાસો !
જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?
અડધો પંથક લીધો ઉંબરની બહાર
અને અડધો આ પાંગથને છેડે,
જીવતરની વાયકાનું ઝાઝું શું કહેવું ?
વણછામાં વાઢ્યો જવાસો !
જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો ?
– દલપત પઢિયાર
તળપદી ભાષામાં જરા હળવેથી ઊઘડતું મધુરું ગીત.
Permalink
October 30, 2015 at 1:59 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
એ જ તારી યાદના રસ્તે ચડીને,
રોજ હું પાછો ફરું છું લડથડીને.
નામ તારું નીકળે છે મૌનમાંથી,
જો પ્રતિબંધિત કરું બારાખડીને.
ડાઘ મનનો સ્હેજ પણ દેખાય છે ક્યાં?
તેં રૂપાળી બહુ કરી છે ચામડીને.
ઓરડો આખો ભરાયો હીબકાંથી,
ભીંત પર કોણે પછાડી બંગડીને ?
જેમણે દોરાને પણ હોળી રમાડી,
તે બધા પામી ગયા નાડાછડીને.
બાળપણ સાચું હતું ને એટલે તો,
એ સમજતું’તું નિસરણી ઠાઠડીને.
– ભાવિન ગોપાણી
ભાષા પ્રતિબંધિત થાય અને મૌન પ્રિયજનનું નામ ઉચ્ચારે એ પ્રણયનો સાચો તબક્કો. સાદા સફેદ દોરાને પણ જે હોળી રમાડી શકે, બેરંગ જિંદગીમાં જે રંગ ભરી શકે એ જ લોકો જિંદગીને સાચા અર્થમાં ઉત્સવ બનાવી ઉજવી શકે.
Permalink
October 29, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
સહેજ અંતર જરૂર રહેવા દો
સુખને થોડુંક દૂર રહેવા દો
માણો અંગત અમાસનો વૈભવ
સાવ ઉછીનું નૂર રહેવા દો
જિંદગીનો જ ખોલી દો ઘૂંઘટ
શેખ! જન્નતની હૂર રહેવા દો
એમ અગ્નિપરીક્ષા પાર કરો
આગ પાસે કપૂર રહેવા દો
ગીત ગમતીલું ઝૂંટવે જો સમય
શબ્દ આપી દો, સૂર રહેવા દો
જો ને! ચોમેર કેવી ઝળહળ છે!
આયનો ચૂરચૂર રહેવા દો
આંખ, હૈયું, દિમાગ, હાથ ‘રઈશ’!
કૈંક તો બેકસૂર રહેવા દો
રઈશ મનીઆર
આખી જ ગઝલ મનનીય પણ મક્તાનો શેર તો લાજવાબ !
Permalink
October 26, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, સિતાંશુ યશશ્ચંદ્ર
મારી પાસે દરેક ચીજ બે બે છે.
દરેક બારણું, દરેક દીવાલ, દરેક ચંદ્ર
દરેક મેદાન, દરેક શહેર કે પ્યાલો કે તારો.
એક પ્યાલો કાચનો, ને એ જ પાછો સ્ટીલનો.
કાચના તારાને
ખૂબ કાળજીથી જાળવી રાખું છું બને તેટલો વધારે સમય.
વર્ષો, પળો, સદીઓ કે પ્રહરો સુધી બચાવી લઉં છું
તૂટવામાંથી,
તોડી નાખે એવી પંખીઓની પાંખોની ઝાપટમાંથી.
હાથમાંથી છટકી ન જાય, કોઈની ઠેસ ના વાગે.
કોઈ બારીની પાળ પરથી પડી ના જાય કાચનો તારો
કે શહેર, એની સંભાળ પાછળ
ખરચી નાખું છું જિંદગી.
પછી
જ્યારે અણધારી રીતે સહસા
તૂટી જાય છે કાચનો પ્યાલો
ત્યારે
હળવે રહીને
મારા ખ્યાલમાં આવે છે, છલોછલ,
છલોછલ સ્ટીલની ચીજ.
– સિતાંશુ યશશ્ચંદ્ર
Vulnerability શબ્દ માટે કોઈ ગુજરાતી શબ્દ મળતો નથી. કાવ્યના કેન્દ્રસ્થાને Vulnerability છે. interpersonal relationship માં દાઝ્યા પછી, વારંવાર દાઝ્યા પછી વ્યક્તિ પોતાની ફરતે એક મજબૂત કિલ્લો ચણી લેતો હોય છે. આ પગલું લીધા પછી એ બાહ્ય આક્રમણથી તો કદાચ બચી પણ જાય , પરંતુ સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે તેની દુનિયા એ કિલ્લાના પરિઘ પૂરતી સીમિત પણ થઇ જાય !!! વિશ્વનું અદભૂત સૌન્દર્ય,સાનંદાશ્ચર્ય, વિસ્મય,પરિવર્તનજન્ય નાવીન્ય ઈત્યાદીથી સમૂળગો અળગો પણ થઇ જ જાય.
કાચની ચીજ એટલે કિલ્લેબંધી વગરનું મુક્ત કિંતુ vulnerable અસ્તિત્વ.
Permalink
October 25, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગીત
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
જીવનની બસમાં ખુશીઓની માટે સ્હેજે જગા જ રાખી નૈ!
તેં કીધું’તુંઃ ‘અમથી અમથી બેઠી છું હું ઝળઝળિયાને કાંઠે’,
હળવે રહી તેં ચરણ ઝબોળ્યાં, ઊતરી અંદર, પછી મને તું ગાંઠે?
આંખોનું આ તળાવ આખ્ખું ડ્હોળી નાખ્યું લિમિટ જરાયે રૈ?
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
તું ને તારો પેલો પ્રેમી એનું શું કીધું ‘તું નામ; ઉઝરડો?
તમે બેઉં જ્યાં ન્હોર લઈને મળી રહ્યા છો એ છે મારો બરડો;
મારામાંથી કાઢી મૂકો બહાર મને અંદરથી તાળું દૈ!
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
– અનિલ ચાવડા
નવતર પ્રયોગ, પણ બળકટ……..
Permalink
October 24, 2015 at 1:54 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા
સાંજ પડતા બસ, સ્મરણ તારું થયું
ને પછી, અંધારું ઝળહળતું થયું
આ સ્મરણ છે કે કોઈ સંજીવની ?!
ઝંખનાનું શબ ફરી બેઠું થયું.
આપણાંથી છેટાં શખ્સોને લીધે
આપણી વચ્ચે જરી છેટું થયું
હર વખત નડતી શરમ જેની તને
બોલ, અંતે કોણ એ તારું થયું ?
કંઈ પ્રસંગોપાત હો તો ઠીક છે
દર્દ આ તે કેવું રોજિંદું થયું
નામ લેતાં પણ ડરું છું સૂર્યનું
એવું માથાભારે અંધારું થયું
આંખથી કાજળ ગયું બસ, તારું તો…
મારું તો આખું જીવન કાળું થયું
-પંકજ વખારિયા
શાનદાર ગઝલ…
Permalink
October 23, 2015 at 12:30 AM by વિવેક · Filed under અદમ ટંકારવી, ગઝલ
અરૂપરુ અજવાળું છે.
તારું રૂપ નિરાળું છે.
એના હોઠ સીવાઈ ગયા
મારા મોઢે તાળું છે.
ક ખ ગ નું કીડિયારું
કરોળિયાનું જાળું છે.
ઝળઝળાં તારા પગલે
પાદર પણ ઉજમાળું છે.
કુલટા પેન કુટિલ કાગળ
પાછું એ જ છિનાળું છે.
અર્થો પણ નાદાર અને
શબ્દોનું દેવાળું છે.
જીભાજોડી છોડ “આદમ”
કજિયાનું મોં કાળું છે.
– અદમ ટંકારવી
બંને પક્ષે બોલી શકાય એવી ગઝલ… ગમે તો વખાણી લ્યો, ન ગમે તો…
Permalink
October 22, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા
ગરજતા મેઘ, ગાતાં વાદળાં ઘનઘોર આવ્યાં છે,
નવાં કૈં ગીત લઈને કેટલા ટાગોર આવ્યા છે.
હતું નભ સાવ ખાલીખમ, અડકતા પીંછી વાદળની,
થયું એ વહાલનો કાગળ, આ એવા પ્હોર આવ્યાં છે.
પડે માથે ને ચમકાવે, મને વિહ્વળ કરે છાંટા,
પહેરી મેઘ-ધનુનાં વસ્ત્ર એ ચિત્તચોર આવ્યા છે.
મને આ ચૂપ ભાળીને, ફરી ગાતો કરી દેવા,
પવન, વરસાદ, વાદળ, વીજ, ચારેકોર આવ્યાં છે.
અમે ઓવારણાં લીધાં, હૃદયમાં બેસણાં દીધાં,
અમારે દ્વાર, જળનું રૂપ લઈ ઠાકોર આવ્યાં છે.
– હર્ષદ ચંદારાણા
વાત તો એ જ છે. વરસાદની. વર્ષાઋતુની. પણ જે કમાલ છે એ અંદાજે-બયાંનો. ઘનઘોર વાદલ ગરજતો મેઘ લઈને આવે એ એક-એક વાદળમાં કવિને ક્યારેક કવિવર ટાગોર દેખાય છે તો ક્યારેક વહાલનો કાગળ લખતી કલમ નજરે ચડે છે.
ચાટુક્તિભરી સપાટબયાની અને સભારંજની એકવિધતાના ખાબોચિયામાં ડૂબવા પડેલી ગઝલ વિશે ચિંતિત થવાની ક્ષણે આવી કોઈ રચના હાથ લાગે ત્યારે સહજ હાશકારો અનુભવાય.
Permalink
October 21, 2015 at 1:36 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે
કોઇ લીલા સાદ જેવું લાગે છે.
કેમ ફૂલો ભરવસંતે આથમતાં ?
બાગમાં વિખવાદ જેવું લાગે છે.
સાવ ઓચિંતા ફૂટ્યાં તૃણો બેહદ,
માટીમાં ઉન્માદ જેવું લાગે છે.
આમ તો ખાલીપણું રડ્યા કરતું,
જે નગારે નાદ જેવું લાગે છે.
ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની
ક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે.
– મનોજ ખંડેરિયા
Permalink
October 17, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
જિંદગી સાક્ષાત્ થાતી હોય છે,
પણ પ્રસંગોપાત થાતી હોય છે.
એમ ક્યાંથી વાત એની નીકળે ?
વાતમાંથી વાત થાતી હોય છે.
બોલવામાં ધ્યાન તો રાખો જરા
સાવ ઉઘાડી જાત થાતી હોય છે.
કોઈનો કેમે દિવસ જાતો નથી
મારે સીધી રાત થાતી હોય છે.
એમ પ્રત્યેક વાતનો ઉત્તર ન વાળ,
કરવા ખાતર વાત થાતી હોય છે.
– હરીશ ઠક્કર
સોની જેમ દાગીનાને એકદમ બારીકાઈથી ઘડે, બરાબર એમ જ ગઝલ કરતા ગઝલકારોની યાદી બનાવવાની હોય તો હરીશ ઠક્કરનું નામ મારે મોખરાની યાદીમાં મૂકવું પડે. આ ગઝલ જુઓ… સાવ સીધા ને સટાક કાફિયા… એકદમ સહજ અને સરળ ભાષા… પણ ગઝલ જુઓ તો ? એક-એક શેર પાણીદાર. સંઘેડાઉતાર.
Permalink
October 16, 2015 at 1:23 AM by વિવેક · Filed under ગઝલ, હરદ્વાર ગોસ્વામી
લાખ ઇચ્છાઓને અવઢવ થાય છે,
એક સપનું ત્યારે સંભવ થાય છે.
ક્યાંક કોઈ વૃક્ષ હોવું જોઈએ,
શ્હેરમાં લ્યો, આજ કલરવ થાય છે.
દ્વાર દિલનાં ખોલવાં પડશે હવે,
પાંપણે કોઈના પગરવ થાય છે.
પથ્થરોના દિલને પ્હોંચે ઠેસ, તો
ડુંગરોના દેશમાં દવ થાય છે.
કેમ ચાહું કોઈ બીજાને, ગઝલ ?!
એક ભવમાં દોસ્ત, બે ભવ થાય છે.
– હરદ્વાર ગોસ્વામી
સરળ ભાષામાં હૃદયસ્પર્શી વાતો… પણ આખરી શેર તો શિરમોર. ગઝલ સિવાય કોઈ બીજાને ચાહવું માત્ર એ કવિ માટે તો એક ભવમાં બે ભવ કરવા જેવું પાતક છે… આનાથી ચડિયાતી ગઝલ પરસ્તી બીજે ક્યાં જોઈ શકાય? વાહ કવિ…
Permalink
October 15, 2015 at 1:29 AM by વિવેક · Filed under ગઝલ, પ્રશાંત સોમાણી
કહો કોણે કોની સજાવટ કરી છે ?
ધરા સાથ આભે કરામત કરી છે.
હા, મેં છંદ સાથે શરારત કરી છે,
છતાં મારી ગઝલે કરામત કરી છે.
અમીરી ગરીબી બઘું જોઈ લીઘું,
પછી આજ સાથે પતાવટ કરી છે.
હતા સત્યને ચાહનારા, છતાં પણ
તમે મારી સાથે બનાવટ કરી છે.
ઉદાસી નથી આવતી કઈ અમસ્તી,
ખુશીએ જ નક્કી બગાવત કરી છે.
– પ્રશાંત સોમાણી
સહજ-સરળ અને મજાની ગઝલ. છંદ સાથેની શરારતવાળો શેર મારા જેવા દુરાગ્રહી માટે જ લખાયો હોય એમ લાગે.
🙂
Permalink
October 13, 2015 at 10:10 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઝેન કવિતા, વિશ્વ-કવિતા
In this way and that
I tried to save the old pail
Since the bamboo strip was weakening
And about to break
Until at last the bottom fell out.
No more water in the pail !
No more moon in the water !
– Chiyono [ ઝેન સાધ્વી ]
આ કાવ્યની ભૂમિકા એવી છે કે ઝેન સાધ્વી ચિયોનો વર્ષો સુધી તપસ્યા કરતી રહી પરંતુ આત્મસાક્ષાત્કાર [ satori ] દુર્લભ હતો. એક ચાંદની રાતે સાધ્વી એક જૂનો ઘડો વાંસ સાથે બાંધીને પાણી લઈને મઠ તરફ જતી હતી. વાંસ તૂટી ગયો…..ઘડો ફૂટી ગયો……તત્ક્ષણ ચિયોનો ને આત્મસાક્ષાત્કાર થઇ ગયો….. સાધ્વીએ આ કવિતા તે ક્ષણને વર્ણવતી લખી છે.
અહીં વાંસ એ મન અને અ-મન વચ્ચેનો અંતરાય – અર્થાત વિચારજન્ય બંધનો. પાણીમાં પ્રતિબિમ્બિત ચંદ્રનું પ્રતિબિંબ એ જેવું પાણી ઢોળાઈ જાય તેવું જ અદ્રશ્ય થઇ જાય છે, છલના ભાંગી જાય છે. વ્યક્તિની ઘણી જિંદગી આ છલનાનો તાગ પામવામાં જ વ્યતિત થઇ જાય છે. એક ચમત્કારિક ક્ષણે વાંસ તૂટે છે, પાણી ઢોળાઈ જાય છે અને છલના ભાંગી જાય છે.
Permalink
October 13, 2015 at 3:11 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
રહેજો મારી સાથે સાજન, રહેજો મારી સાથે
હોવ તમે તો સૂરજ સાથે, ઊગું હુંય પ્રભાતે.
કૉલ દીધા જીવનના સજની,
મેઘધનુષના ઘરમાં પેસી જોશું મીઠા સપનાં.
રહેજો મારી સાથે સાજન….
સાજન મારી આભ તમારી આંખોથી છલકાતું,
એક જ મીઠી નજરે મારું જોબનીયું મલકાતું.
ખુશ્બુ ખુશ્બુ થઇ જાતું આ જીવન વાતે વાતે.
રહેજો મારી સાથે સાજન….
ભૂલ ન નાનું ગામ ને મારા ગામની છે તું રાણી,
વ્હાલ ભરેલો દરિયો એનું માપું હું કેમે પાણી.
જળમાં રમતી માછલીઓ શી આંખની તારી રટના.
રહેજો મારી સાથે સાજન….
પ્રીતની મોસમ તમે કહ્યું તો હૈયે આવી બેઠી,
મારે માટે તડકાની તે આવન-જાવન વેઠી.
આપણી હોડી પાર થવાની, હરીનો હાથ છે માથે.
રહેજો મારી સાથે સાજન….
– મુકેશ જોશી
મધમીઠું ગીત…….
Permalink
October 10, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ધવલ શાહ, વિશ્વ-કવિતા, હાવર્ડ ઓલ્ટમેન
ઈતિહાસ ગાદી પર બીરાજે છે
બારી બારણાં વિનાના ઓરડામાં.
સવારમાં એ બારણું શોધવા ખાંખાખોળા કરે છે,
ને બપોર વામકુક્ષિમાં કાઢે છે,
મધરાતના ટકોરે
આળસ મરડીને એ નિસાસો મૂકે છે.
એ સમયને જાળવે છે ને ભૂલી પણ જાય છે.
એ પોતાનુ મહત્વ જાણે છે ને ભૂલી પણ જાય છે.
કોઈ વાર એ ગાદીને પગથિયું સમજી બેસે છે
ને કોઈ વાર જાણે એને માટે ગાદી જેવું કંઈ છે નહીં.
છેવાડેથી એ તદ્દન અલગ જ દેખાય છે.
ગાંડપણમાં એ કોઈને ગાંઠે એમ નથી.
ઈતિહાસ ગાદી પર બીરાજે છે
આપણા બધાના ઘરથી બહુ ઉચે.
– હાવર્ડ ઓલ્ટમેન
(અનુ. ધવલ શાહ)
*
આ મજાની કવિતાનો અનુવાદ કરવા જતાં હું full moonવાળી લીટીમાં અટવાયો. એટલે મેં ધવલ નામની સંકટ સમયની સાંકળ ખેંચી. એણે એ એક લીટીના જવાબમાં આખી જ કવિતાનો અનુવાદ કરી મોકલ્યો. એનો અનુવાદ મારા અનુવાદ કરતાં એટલો સહજ હતો કે મેં મારા અનુવાદને રદિયો આપી દીધો.
શાળામાં હોઈએ ત્યારે ફરજિયાતપણે અને એ પછી મરજીયાતપણે પણ આપણે એક યા બીજા કારણોસર ઈતિહાસના સંસર્ગમાં રહેતાં હોઈએ છીએ. અહીં કવિએ ઈતિહાસનું Personification કરીને ઈતિહાસને એક અલગ જ આયામથી આપણી સમક્ષ રજૂ કર્યો છે.
*
Holding Posture
History sits on a chair
in a room without windows.
Mornings it searches for a door,
afternoons it naps.
At the stroke of midnight,
it stretches its body and sighs.
It keeps time and loses time,
knows its place and doesn’t know its place.
Sometimes it considers the chair a step,
sometimes it believes the chair is not there.
To corners it never looks the same.
Under a full moon it holds its own.
History sits on a chair
in a room above our houses.
– Howard Altmann
“This short poem was conceived in Lisbon, where the light never rests on its laurels. It was put to bed a few years later in New York City, where the light crowds out the stars.”
—Howard Altmann
Permalink
October 9, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લક્ષ્મી ડોબરિયા
આમ ભરચક આમ ખાલી,
મન તો છે જાદૂઈ પ્યાલી.
એ હતી નવજાત તો યે,
વાત આખી રાત ચાલી.
છે સવાલો સાવ નક્કર,
પણ, જવાબો છે ખયાલી.
ઘાસની લીલી સભા પર,
શ્વેત ઝાકળની છે લાલી.
સાત પગલા મેં ભર્યા છે,
ખુદની દુ:ખતી રગને ઝાલી.
તું ગણિત એવું ગણે કે,
મૂડી મુદ્લ, વ્યાજ પાલી.
કેફિયત મારી સૂણીને,
આ ગઝલ પણ ફૂલી-ફાલી.
– લક્ષ્મી ડોબરિયા
અન્ય કવિઓ સાથે ભાગીદારીમાં બબ્બે સંગ્રહ આપ્યા બાદ રાજકોટના કવયિત્રી લક્ષ્મી ડોબરિયા પોતાનો પ્રથમ સ્વતંત્ર ગઝલસંગ્રહ “તાસીર જુદી છે” લઈને આવ્યા છે. સંગ્રહમાંથી એક મજાની ગઝલ આપ સહુ માટે…
લયસ્તરો તરફથી કવયિત્રીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ…
Permalink
October 8, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહા પટેલ
મહેંદીમાં એક નામ લખ્યું છે,
કેવું ખુલ્લેઆમ લખ્યું છે !
ચિઠ્ઠીમાં શરૂઆત લખી તેં,
એમાં મેં અંજામ લખ્યું છે.
દીવો પ્રગટાવ્યો છે ઘરમાં,
આંગણમાં આરામ લખ્યું છે.
પાંપણ નીચે વાંચી લેજો,
જલ્દી આવો રામ લખ્યું છે.
દ્રાક્ષાસવ જેવું જિહ્વા પર,
ને હોઠો પર જામ લખ્યું છે.
જાવું’તું મંઝિલ પર મારે,
ઘટનામાં મુકામ લખ્યું છે.
– સ્નેહા પટેલ
અમદાવાદના લેખિકા-કવયિત્રી સ્નેહા પટેલ પોતાનો પ્રથમ કાવ્યસંગ્રહ “અક્ષિતારક” લઈને પધાર્યા છે. કવયિત્રીનો મિજાજ પ્રસ્તુત ગઝલમાં સુપેરે પકડી શકાય છે.
સુસ્વાગતમ્, સ્નેહા !
Permalink
October 5, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઝેન કવિતા, પ્રકીર્ણ, વિશ્વ-કવિતા
From where did the Buddha come,
To where did the Buddha go?
If the Buddha is still around,
Where can be the Buddha found? – Shun-tsung
From non-activity the Buddha came
To non-activity the Buddha disappeared.
Cosmic reality his spiritual body is,
In no-mind the Buddha will appear. – Ju-man
Great mountains, rivers and seas,
Heaven and earth, sun and moon.
Who says there is no birth and death?
For even these meet their end soon. -Shun-tsung
Birth is also before birth,
Death is also before death.
If you have attained no-mind,
Naturally there will be nothing left. -Ju-man
આ એક ચીનના રાજા અને ઝેન મહાત્મા વચ્ચેનો સંવાદ છે. આશરે 1500 વર્ષ પહેલાનો આ સંવાદ ઝેનસાહિત્યમાં ખૂબ જાણીતો છે. પ્રથમ દ્રષ્ટિએ માત્ર contradictory statements હોય એવી છાપ ઊભી કરતો આ સંવાદ ઘણીબધી વાર વાંચ્યા પછી ઊઘડે છે.
સૌપ્રથમ ખૂબ જ ટૂંકમાં ઝેન બુધ્ધીઝ્મ વિષે થોડી મૂળભૂત વાત કરું તો તેમાં મૌન,અનુભૂતિ અને અનુભવ – આ જ મુખ્ય પદ્ધતિઓ છે જે દ્વારા ઝેન માસ્ટર પોતાની પ્રજ્ઞા શિષ્ય સુધી પહોંચાડે છે. કોઈ પ્રવચન અથવા તો વિશાળ ગ્રંથાભ્યાસ હોતો નથી. કોઈકવાર ગુરુ એક જ વાક્ય બોલે જેના ઉપર શિષ્ય આખી જિંદગી વિચાર કરે !!!!!! આવું કરવા પાછળનો હેતુ મુખ્યત્વે એ હોય છે કે સ્વ-અધ્યાય વિનાનું સર્વ વ્યર્થ છે.
પ્રથમ પ્રશ્ન સ્પષ્ટ છે – અહીં કોઈ શારીરિક આવાગમનની પૃચ્છા નથી. વાત બુદ્ધત્વની છે. ઉત્તરમાં વપરાયેલા ત્રણ શબ્દો મહત્વના છે – non-activity, cosmic reality અને no-mind. ત્રણે શબ્દની વિસ્તૃત સમજૂતી ખૂબ લાંબી થઇ જવાનો ડર છે, તેથી ટૂંકમાં – non-activity એટલે સંપૂર્ણપણે કર્તૃત્વભાવ વિનાનું-સંપૂર્ણ સહજ અસ્તિત્વ. cosmic reality એટલે અદ્વૈતની સહજ સ્વીકૃતિ. no-mind એટલે એ અવસ્થા જ્યાં વિચાર અને વિચારકનું દ્વૈત શમી જાય છે. [ આ અત્યંત જ સંક્ષિપ્ત ભાવાર્થ છે ].
બીજા પ્રશ્નનો ઉત્તર અદભૂત છે – પ્રત્યેક ક્ષણ નૂતન છે. ગ્રીક ફિલોસોફર હેરાકલિટસનું અમર સૂત્ર છે – ‘ one can never step into the same river twice.’ પ્રતિક્ષણ ધસમસતું વહેતું પાણી એ નદી છે. ક્ષણ વીતી ગઈ-પાણી વહી ગયું-નદી બદલાઈ ગઈ ! એ જ રીતે જીવન સતત – ક્ષણે ક્ષણે જન્મ લે છે અને ક્ષણે ક્ષણે મૃત્યુ પામે છે…. સાતત્યનો ભાસ ઊભું કરનાર તત્વ છે mind . જેવું mind ને અતિક્રમીને ‘no-mind’ અવસ્થામાં જીવન પ્રવેશે છે તેવું તરત જ જન્મ-મૃત્યુનું પરંપરાગત જ્ઞાન બાષ્પીભૂત થઇ જાય છે.
આ બધી વાતો લાગે તો રોચક, પરંતુ વ્યવહારનું શું !?? એ જ્ઞાન શું કામનું કે જે વ્યવહારમાં નેપથ્યમાં ધકેલાઈ જાય !! ભગવાન બુદ્ધે વ્યવહારઉપયોગી વાત સિવાય કોઈ વાત કદી કરી જ નથી. તેઓ એક માત્ર એવા મહાત્મા હતા જેઓએ કદીપણ ‘સ્વર્ગ’ અથવા ‘નર્ક’ શબ્દોનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નહોતો. તેઓ કહેતા કે જિંદગી એ પહેલા શ્વાસ અને છેલ્લા શ્વાસ વચ્ચેનો ખેલ છે. ન તો એ પહેલા કશું હોય છે કે ન તો એ પછી. [ આથી જ હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મ ભિન્ન ધર્મ છે ]. તેઓએ સતત જીવન અને તેની વિષમતાઓની જ વાત કરી છે. જીવનને સમજતા જેમ ઊંડાણમાં ઉતરતા જઈએ તેમ એક એવી અવસ્થા આવે છે-એવા પ્રશ્નો ઉદભવે છે કે જેનું સમાધાન ઉપરોક્ત કાવ્યમાં આલેખાયું છે.
Permalink
October 4, 2015 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
પથ્થરના બનેલા છે આ રસ્તા, ન સાંભળે
લોહીલુહાણ ચરણોની પીડા ન સાંભળે
એને કહેવું શું કે જે અષાઢ – શ્રાવણમાં
કેસેટ સાંભળે ને ટહુકા ન સાંભળે
મળવા ધસેલી એક સરિતાના કાનમાં
દરિયો જે કરે વાત તે મોજાં ન સાંભળે !
વીણા વગાડવી છે પરંતુ સચેત છું
થોડાંક સાંભળે ને ટોળાં ન સાંભળે
ઘડિયાળ છે જીવંત, સમય તાલબધ્ધ છે
ભીંતોનો દોષ છે જે ટકોરા ન સાંભળે
એ છે અધીરતા કે ઉપેક્ષા ખબર નથી
આખી ગઝલ સુણે અને મક્તા ન સાંભળે.
– ભગવતીકુમાર શર્મા
બધા માત્ર બોલે જ છે……’સાંભળે’ છે જ કોણ !!??
Permalink
October 3, 2015 at 12:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર
ગુજરાતી કવિતા-સંગીતના ચાહકો માટે ટહુકો.કોમ નામ અજાણ્યું હોય એવું ખબર પડે તો મારા જેવાને કદાચ હાર્ટ-એટેક આવી જાય. ઉત્તમ કવિતાઓ અને ગુજરાતી સંગીતના ખજાનાના એક-એકથી ચડિયાતાં અને દુર્લભ-અણમોલ રત્નો જયશ્રી વરસોથી ટહુકો.કોમ પર પીરસતી આવી છે…
આ વખતે એક સાવ નવતર ખ્યાલ સાથે ટહુકો આપણી સમક્ષ કવિતા અને કાવ્યાસ્વાદને વિડિયો સ્વરૂપમાં લઈને આવે છે. એટલે વાંચવાની ઝંઝટ નહીં. જેમને ગુજરાતી વાંચતા આવડતું ન હોય એવા ગુજરાતીઓ માટે તો આ નવતર પ્રયોગ વરદાન સાબિત થવાનો.
હા, જો કે આ પ્રયોગ નિમિત્તે કેટલાંક સૂચન કરવાનું મન જરૂર થાય.
- એક જ વ્યક્તિ બધા આસ્વાદ કરાવે એના કરતાં અલગ-અલગ વ્યક્તિઓ આ કામ ઉપાડે તો વૈવિધ્ય જળવાઈ રહે.
- બધા વિડિયો પોણા કલાકથી બધુ લાંબા છે. વિડિયોની લંબાઈ નોંધનીય રીતે ઓછી કરી શકાય તો પ્રયોગ વધુ આસ્વાદ્ય બની શકે.
- સાતત્ય જળવાઈ રહે.
વધુ ને વધુ ગુજરાતીઓ આ નવતર પ્રયોગનો લાભ ઉઠાવે એ ઇચ્છનીય છે.
Permalink
October 2, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જુગતરામ દવે
એનું જીવનકાર્ય અખંડ તપો
. અમ વચ્ચે બાપુ અમર રહો !
એના જીવનમંત્ર સમો ચરખો
. પ્રભુ, ભારતમાં ફરતો જ રહો !
અમ જીવનમાં અમ અંતરમાં
. એની ઉજ્જવલ જ્યોત જ્વલંત રહો !
અમ દેશનાં દૈન્ય ને દુર્બળતા
. એની પાવક આતમજ્વાળ દહો !
એનો સત્યનો સૂર્ય સદાય તપો
. અમ પાપ-નિરાશાના મેલ દહો !
એનાં પ્રેમ-અહિંસાનાં પૂર પ્રભો
. અમ ભારતનાં સહુ ક્લેશ વહો !
એણે જીવતાં રામ સદાય રટ્યા,
. એ તો ‘રામ’ વદીને વિદાય થયા;
લઘુ માનવમાં મહિમા ભરવા
. નિજ લોહી અશેષ વહાવી ગયા.
– જુગતરામ દવે
વરસમાં બે વાર બાપુને યાદ કરવાનો ‘ભારતીય’ રિવાજ અમે પણ બરકરાર રાખીએ છીએ.
Permalink
October 1, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રમણીક સોમેશ્વર
કવિતાને મેં
કાગળથી
દૂર જ રાખી
આખરે
કાગળ એટલે તો
મારા ટેબલ ઉપર પડેલી
લંબચોરસ આકૃતિ
ભલે ને પછી
આખી થપ્પી હોય
પણ
અંતે તો એ
ચોક્કસ માપમાં
બંધાયેલો આકાર
અને
જ્યાં જ્યાં આકાર
ત્યાં ત્યાં વિકાર
મારેબચાવી લેવી હતી કવિતાને
બધી જ કુંઠાઓથી
પછી
રહી રહીને મને સમજાયું
કે
કાગળ તો ખરેખર હોય છે
કાગળની બહાર જ
કવિતાની જેમ.
– રમણીક સોમેશ્વર
રમણીક સોમેશ્વરની કાગળ વિશેની આ બીજી કૃતિ. કવિતા ખરેખર કાગળમાં હોય છે? કવિતાને કોઈ પણ પ્રકારનો આકાર આપીએ, અક્ષરોમાં બાંધી પછી એ ખરેખર કવિતા રહે છે ખરી? કે પછી સાચી કવિતા એટલે સર્જકના ભાવપિંડમાં જે અનુભૂતિ થાય છે એ જ ? પ્રસ્તુત રચના સ-રસ રીતે જવાબ આપે છે.
Permalink