પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ
છતાં યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જ
-રાજેન્દ્ર શુક્લ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2015

ખાસમખાસું – હરદ્વાર ગોસ્વામી

તારી આંખો, તારા આંસુ,
મારે હૈયે કાં ચોમાસુ ?

જેના પર તું હાથ મૂકતી,
એ જ કિરણ થઈ જાતું ત્રાંસું.

નજર મેળવી શક્યા નહીં, લ્યો,
દૂર પડેલું ખાસમખાસું.

સંવેદનના સાસરિયામાં,
ખૂબ નડી શબ્દોની સાસુ.

માધુરીના મૌન વચાળે,
ચારેપા બિપાશા બાસુ.

ભારે ભારે ગઝલ લખે છે,
માણસ છે ભારે અભ્યાસુ.

બધે જ તારા સી.સી. ટીવી,
છટકીને હું ક્યાં ક્યાં નાસું ?

– હરદ્વાર ગોસ્વામી

પહેલો શેર વાંચીને જ હું તો પલળી ગયો… ત્રાંસા કિરણ, શબ્દોની સાસુ, સી.સી. ટીવી- બધા જ શેર મજાના થયા છે.

Comments (9)

સ્વીકારું – સ્નેહી પરમાર

ઇચ્છાઓની હડિયાપાટી સ્વીકારું
વાહન રાખ્યું છે, ઘુરર્રાટી સ્વીકારું

આડાંઅવળાં દૃશ્યો ના દેખાડું સૌને
માટી ખાધી છે તો માટી સ્વીકારું

ઉપર હળદર જેવું ચમકે છે તન, કિન્તુ
અંદર છે એક હલદીઘાટી, સ્વીકારું

પાણી હો જેનામાં એ દેખાડી દે
કોઈ કહે કે ‘તું છે માટી’, સ્વીકારું

જન્મ છે ઉત્સવ તો મૃત્યુ મહોત્સવ છે
જેમ સ્વીકારું ત્વચા, રૂંવાટી સ્વીકારું

– સ્નેહી પરમાર

જાનદાર ગઝલ. ઇચ્છાઓના વાહનની ઘુરર્રાટી અદભુત તો કૃષ્ણ જેવા કૃષ્ણનો અભૂતપૂર્વ ઉધડો લેતો શેર લાજવાબ. ભીતરની હલદીઘાટીનું કલ્પન મજાનું તો છેલ્લા બે શેર પણ એવા જ જોરદાર…

Comments (15)

સાંજ હીંચકા ખાય .. – અનિલ જોશી

ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય
ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું –
કણકણ થઇને ગોરજમાં વિખરાય.

સાવ અચાનક કાબર-ટોળું ડાળ ઉપરથી ઊડ્યું ને ત્યાં એક પાંદડું તૂટ્યું
વડલાનાં લીલાં પાન વચાળે લાલચટક આકાશ થઇને લાલ પાંદડું ફૂટ્યું
ધૂળની ડમરી ચડતાં એમાં ચક્કર ચક્કર ફરતાં મારા શૈશવના કણ –
પાદરમાં ઘૂમરાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય.

ખડના પૂળા લઇ હાથમાં પાછા વળતા લોકવાયરે ઊડતી જાય પછેડી
ઘઉંના ખેતર વચ્ચે થઇને સીમપરીની સેંથી સરખી ગામ પૂગતી કેડી
ધીમે ધીમે ખળાવાડમાં કમોદની ઊડતી ફોતરીઓ વચ્ચે થઇને
સાંજ ઓસરી જાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય…

-અનિલ જોશી

શું classic ગીત છે !!!

Comments (8)

Zen poem – Foyan

It is as though you have an eye
That sees all forms
But does not see itself.
This is how your mind is.
Its light penetrates everywhere
And engulfs everything,
So why does it not know itself?

-Foyan

[ સરળ કાવ્ય છે તેથી ભાષાંતર નથી કર્યું. ]

અસંખ્ય થોથાંમાં જે વાત કહેવાતી આવી છે તે વાત સાત લીટીમાં કહેવાઈ છે – ઝેન કાવ્યનું આ મુખ્ય લક્ષણ છે. અનાદિકાળથી આ પ્રશ્ન ચિંતકોને કનડતો આવ્યો છે……જે વિચાર કરે છે તે મન, તો મનને કઈ રીતે જાણવું ?? અનંત પ્રશ્ન છે – જો સઘળું ઈશ્વરે સર્જ્યું તો ઈશ્વરને કોણે સર્જ્યો……ઈશ્વરના સર્જનહારને કોણે સર્જ્યો…..etc etc etc

મન શું છે તે જાણ્યા વગર મનની ગતિવિધિ સમજવી કઈ રીતે ?? અને સમજ્યા વગર એને નિયંત્રિત કઈ રીતે કરવી !!?? વ્યવહારમાં મબલખ વપરાતો શબ્દ ‘ધ્યાન’ સાંભળીને ઘણીવાર ખૂબ જ આશ્ચર્ય થાય – લોકો અમુક શારીરિક મુદ્રામાં બેસી આંખો બંધ કરીને એમ માનતા હોય છે કે એ ધ્યાન છે !! એવી પણ માન્યતા છે કે ધ્યાન voluntarily કરી શકાય છે અને કોઈકને શીખવી પણ શકાય છે. ઈચ્છા પ્રમાણે અમુક સમય ધ્યાનમાં બેસી શકાય છે ઈત્યાદી ઈત્યાદી…. ધ્યાન વિષે બે વ્યક્તિવિશેષ દ્વારા આધારભૂત માર્ગદર્શન અપાયું છે – ભગવાન બુદ્ધ અને જે. કૃષ્ણમૂર્તિ . આ વિષય ઘણો બહોળો હોવાથી અહીં તે વિષે વિસ્તૃત વાત નથી કરતો, પરંતુ લોકમાનસમાં ધ્યાન વિષે અસંખ્ય ભ્રમણાઓ પ્રવર્તે છે તે મીનમેખ.

ધ્યાન વિષેની પ્રચલિત વાતો કદીપણ મારે ગળે ઉતરી શકી નથી. જ્યાં સુધી ‘વિચાર’ ના ઉદગમસ્થાનને ભલીભાંતિ સમજી નહિ શકાય ત્યાં સુધી વિચારને નિયંત્રિત કરવાની વાત કઈ રીતે સમજી શકાય ? વિચારના ઉદભવ,તેના વિકાસ અને તેની ગતિને સમજવું અર્થાત મનને સમજવું. જે ક્ષણે મન વિચારશૂન્ય થાય છે [ જેને પ્રચલિત પરિભાષામાં ‘ધ્યાન’ કહેવામાં આવે છે ] ત્યારે ‘મન’ જેવું કંઈ રહે છે ખરું !! શું ખરેખર વિચારશૂન્ય અવસ્થા ક્ષણભર માટે પણ શક્ય છે ખરી ? માની લો કે એવી અવસ્થા શક્ય છે તો તે વખતે ‘મન’ની વ્યાખ્યા શી ? જો રેતીનો એક કણ પણ રહે નહીં તો રણનું અસ્તિત્વ રહે ખરું ?? are thought and thinker different ?

ઉપરના તમામ પ્રશ્નોના જવાબ વ્યક્તિ પોતાની પ્રજ્ઞાના સ્તર અનુસાર જ સમજી શકે.

કાવ્ય માત્ર અંગૂલિનિર્દેશ કરે છે……..

Comments (7)

ગઝલ – મિલિન્દ ગઢવી

શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
ભીંતનો અટ્ટહાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

એક ગમતી સાંજ ચાખ્યે કેટલાં વર્ષો થયાં
આંખનો ઉપવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

સાવ નિર્જન કોઈ ટાપુ છે હૃદયની મધ્યમાં
ત્યાં જ કારાવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

પાંગર્યું છે ઊર્મિલાનું મૌન મારી ભીતરે
જાતનો વનવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

– મિલિન્દ ગઢવી

ચાર જ શેરની પણ સાદ્યંત અદભુત ગઝલ લઈને ગ.મિ. આજે લયસ્તરોના આંગણે આવ્યા છે. રદીફમાં દોરવાની અને ‘તું નથી’ એવું લખવાની જે વાત કવિ કરે છે એ વાત જ પહેલી નજરે પસંદ પડી જાય છે પણ ગઝલના ચાર શેરમાં જે વિરહ-વિયોગ-પ્રતીક્ષા ઘૂંટાતી રહે છે એનો ઘેરો રંગ આ ગઝલનો ખરો પ્રાણ છે.

રાસ એ ટોળાંની કવિતા છે. પ્રેમીજનોની અંગે-સંગે મ્હાલવાની કળા છે. રાસ શબ્દ સાંભળતાવેંત આપણી આંખ સામે યમુનાકાંઠે વેણુ વગાડતાં શ્રીમુરારિ અને ગોપિકાઓ આવી ઊભે. પણ કવિનો રાસ તો શૂન્યતાનો રાસ છે. આ એક જ કલ્પન પર કવિ આફરીન આફરીન પોકારાવી દે છે. કેવી ઘેઘૂર અને ભરચક્ક શૂન્યતા હશે જે પ્રિયજનના વિરહમાં રાસે ચડી છે ! અને પછી ખાલી પડેલી ભીંતો અટ્ટહાસ્ય ન કરે તો બીજું શું! આંખનો ઉપવાસ અને સાંજને ચાખવાના કલ્પનનું નાવિન્ય પણ એવું જ હૃદયંગમ…

Comments (8)

ગઝલ – પરાજિત ડાભી

ભાવ બદલ્યો, અભાવ બદલ્યો છે,
દોસ્ત, મેં પણ સ્વભાવ બદલ્યો છે.

ના પવન, ના દિશાઓ બદલાણી,
મેં જ મારો પડાવ બદલ્યો છે.

નાવ છે એ જ, નાખુદા પણ એ જ,
પણ નદીએ બહાવ બદલ્યો છે.

જે હતું એ જ છે જગત આખું,
માણસોએ લગાવ બદલ્યો છે.

મોત સીધું, સરળ, રહ્યું કાયમ,
જિંદગીએ જ દાવ બદલ્યો છે.

– પરાજિત ડાભી

બદલાવ વિશેની મજાની ગઝલ…

Comments (9)

ગઝલ – વિવેક કાણે ‘સહજ’

બેખુદી જે સભામાં લાવી છે,
ત્યાં જ બેઠક અમે જમાવી છે.

શ્વાસ પર શ્વાસ લાદી લાદીને,
જાતને કેટલી દબાવી છે !

ભીંત એકે ન કેદખાનામાં,
કેટલી બારીઓ મૂકાવી છે ?

માત્ર પ્રતિબિંબ, ભાસ, પડછાયા,
તેંય ખરી દુનિયા બનાવી છે !

પાછલી ખટઘડી ‘સહજ’ સમજ્યા,
તું છે તાળું ને તું જ ચાવી છે.

– વિવેક કાણે ‘સહજ’

મત્લાના શેરમાં સાચા કવિનું સરનામું જડે છે. ખુદ, ખુદના વિચારો, અભિમાન, સંપર્કો – બધાથી અળગા થઈ જઈએ એ પછી હોવાહીનતા જ્યાં આપણને લઈ આવે ત્યાં જ કવિ બેઠક જમાવી બેસે છે બાકી તો મજૂરિયાની જેમ શ્વાસ પર શ્વાસ સતત લાદતા જઈને આપણે આપણેરે જાતને દબાવવા-કચડવા સિવાય બીજું કર્યું જ શું છે ?

Comments (7)

તને ઓછું ન પડે – ‘ગની’ દહીંવાળા

આયખા-તાપણું કેમે કરી ટાઢું ન પડે,
મારી સાથે તો હવે મારું યે પાનું ન પડે.

કોઈ ઇન્સાફ કરો, મારી અધરબંદીનો,
ઊમટે ઉદગારનો દરિયો,અને ટીપું ન પડે ?!

ઘર ભરી દીધું છે એકાંતથી તારે કારણ,
દિલની બેચેની ! કશું યે તને ઓછું ન પડે.

પાંપણે રંગ છે માણેલ ભીની મોસમનો,
મોર નાચીને ઊડી જાય, ને પીંછું ન પડે ?!

જ્યાં બન્યું શક્ય ક્ષિતિજોને ખભે લઈ ચાલ્યા,
નામ સંબંધના આકાશનું નીચું ન પડે.

એક આ પાન ! જે ફરક્યા કરે લીલું લીલું,
ને જો ઊખડે, તો પવનથી કદી પાછું ન પડે.

દિલના ખંડેરમાં પડઘાય ‘ગની’ , ભાંગેલા,
કોઈનું નામ લઇ બૂમ જો પાડું, ન પડે.

– ‘ગની’ દહીંવાળા

Comments (5)

ગીતાંજલિ – 21 -રવીન્દ્રનાથ ઠાકુર

I must launch out my boat.
The languid hours pass by on the shore—Alas for me!

The spring has done its flowering and taken leave.
And now with the burden of faded futile flowers
I wait and linger.

The waves have become clamorous,
and upon the bank in the shady lane
the yellow leaves flutter and fall.

What emptiness do you gaze upon!
Do you not feel a thrill passing through the air
with the notes of the far-away song
floating from the other shore?

~ Rabindranath Tagore

મારે નાવ લઇ નીકળી પડવું જ રહ્યું.
મારી કમબખ્તી ! – ….કે કિનારે સુસ્ત સમય વીતતો જાય છે
વસંત પોતાનો નિખાર ફેલાવી ને ચાલી ગઈ.
અને હવે હું મુરઝાયેલા-વ્યર્થ ફૂલોના ભાર સહ
રાહ જોઉં છું, વ્યર્થ વિલંબ કર્યા કરું છું.

મોજાંઓ હવે ગરજી રહ્યા છે
અને કિનારે છાંયામાં
પીળા પર્ણો ખડખડી અને ખરી રહ્યા છે.

તું કયા ખાલીપાને તાકી રહ્યો છે !
નથી અનુભવી શકતો તું વાયરામાં વહેતો રોમાંચ
દૂરસુદૂરના ગીતના સૂરો સાથેનો
અન્ય કિનારેથી પ્રતરતો ?

-રવીન્દ્રનાથ ઠાકુર

કાવ્યનું માધુર્ય તો અસીમ છે જ કિન્તુ અર્થગહનતા જુઓ ! ભૂતકાળને વળગીને નિ;સાસા નાખતા રહેવું કે એ બધું ખંખેરીને ઉત્સાહભેર આગળ વધવું તે આપણાં જ હાથમાં છે. નિષ્કર્મણ્યતા,અવૈજ્ઞાનિકતા અને અંધશ્રદ્ધા ભારતવર્ષના અત્યંત જૂના અને હઠીલા રોગ છે…..

Comments (1)

થાતા જાય છે – અલ્પેશ ‘પાગલ’

ખૂબ તાતાં તીર થાતાં જાય છે !…
શબ્દ બહુ શાતિર થાતાં જાય છે !

આજકલ ઈશ્વર મટી ઈશ્વર બધા,
મસ્જિદો-મંદિર થાતાં જાય છે !

હાથને ચહેરો નથી તો શું થયું…?
લેખ સૌ તસવીર થાતાં જાય છે !

તું હસે તો કોણ જાણે કેમ આ…
આઈના ગંભીર થાતા જાય છે !

દોડવાની હોડમાં છે માણસો…
ને સંબંધો સ્થિર થાતા જાય છે !

લાગણીના માણસોનું શું કરું…?
કાચની સમશીર થાતા જાય છે !

આ જૂના આલબમના ફોટાઓ હવે
દર્દની જાગીર થાતા જાય છે !

હા, હયાતીની દવા લેખે હવે,
ઝાંઝવાં અક્સીર થાતાં જાય છે !

– અલ્પેશ ‘પાગલ’

એક સે બઢકર એક…

Comments (4)

વિચાર્યું હોત તો – પ્રણય જામનગરી

મન તો મન છે, મનને માર્યું હોત તો ?
જે મળ્યું, એને સ્વીકાર્યું હોત તો ?

તીર પાછું કઈ રીતે વાળ્યું વળે ?
છોડતાં પહેલાં વિચાર્યું હોત તો ?

ઘર ખરેખર ઘર મને પણ લાગતે
કોઈ મારે ત્યાં પધાર્યું હોત તો ?

ભારેલા અગ્નિ સમું ધખતું રહ્યું,
એવું મન, ક્યારેક ઠાર્યું હોત તો ?

આજીવન, જીવન બની રહેતે જીવન:
આપણે સાથે ગુજાર્યું હોત તો.

પ્રેમ નફરતમાં કદી પલટાત ના,
આપણું વર્તન સુધાર્યું હોત તો.

રણ તો આખર હોય છે રણ આમ પણ,
એટલું તેં પણ વિચાર્યું હોત તો.

ઘાત ગઈ તારા હૃદય પરથી ‘પ્રણય’
હળવું-મળવું તેં વધાર્યું હોત તો ?

– પ્રણય જામનગરી

મજાની ગઝલ… ત્રણેક શેર નબળા થયા છે, કવિએ એ શેર પડતા મૂકવાનું વિચાર્યું હોત તો આખી ગઝલ સંઘેડા ઉતાર થઈ શકી હોત એમ લાગે છે.

Comments (5)

ભૂલા પડ્યા – શિવજી રૂખડા

આંગણામાં આપણે ભૂલા પડ્યા,
આપણામાં આપણે ભૂલા પડ્યા.

એક હળવી વાતને મોટી કરી
હુંપણામાં આપણે ભૂલા પડ્યા.

આમ તો ત્યાં એકલા ફરતાં હતાં,
પણ ઘણામાં આપણે ભૂલા પડ્યા.

રોજ દિવસ ધારવામાં જાય છે,
ધારણામાં આપણે ભૂલા પડ્યા.

તાર સીધા હોય તો ચાદર બને,
તાંતણામાં આપણે ભૂલા પડ્યા.

દ્વાર ઝાઝાની હવેલી આપણી,
બારણાંમાં આપણે ભૂલા પડ્યા.

– શિવજી રૂખડા

માત્ર બેજ અક્ષર જેટલા નાના કાફિયાને લાંબી રદીફ સાથે જોડીને પણ કવિ નાનાવિધ અર્થચ્છાયાની ભારે કમાલ કરી શક્યા છે…

Comments (3)

રવીન્દ્રનાથ ઠાકુર – ગીતાંજલિ – 14

My desires are many and my cry is pitiful,
but ever didst thou save me by hard refusals;
and this strong mercy has been wrought into my life through and through.

Day by day thou art making me worthy of the simple,
great gifts that thou gavest to me unasked—this sky and the light, this body and the
life and the mind—saving me from perils of overmuch desire.

There are times when I languidly linger
and times when I awaken and hurry in search of my goal;
but cruelly thou hidest thyself from before me.

Day by day thou art making me worthy of thy full acceptance by
refusing me ever and anon, saving me from perils of weak, uncertain desire.

– Rabindranath Thakur

 

મારી ઈચ્છાઓ ઘણી છે અને આર્તનાદ હ્રદયદ્રાવક,
પરંતુ હંમેશા તેં મને તારા કઠોર અસ્વીકારથી બચાવ્યો છે;
અને તારી આ પ્રબળ કરુણાએ મને ઘડ્યો છે
વારંવાર.

પ્રતિદિન તું મને લાયક બનાવે છે
વણમાંગે તેં મને આપેલા સાદા,ભવ્ય ઉપહારો માટે-
આ વ્યોમ અને આ પ્રકાશ, આ દેહ અને જીવન અને મન –
રક્ષે છે મને અત્યાભિલાષાના જોખમોથી.

કોઈકવાર હું સુસ્તીથી આળસ્યા કરું છું
અને ક્યારેક હું જાગૃત થઈને ઉતાવળે મારા ધ્યેયને ખોળું છું;
કિન્તુ ક્રુરતાથી તું છૂપી જાય છે મારાથી.

પ્રતિદિન તું મને તારા પૂર્ણતય: સ્વીકાર માટે યોગ્યતર બનાવતો રહે છે
મને વખતોવખત અસ્વીકૃત કરીને,
બચાવતો રહે છે મને તું નબળી અને ધૂંધળી ઇચ્છાઓના જોખમોથી.

– રવીન્દ્રનાથ ઠાકુર

 

ગીતાંજલિનું આ ચૌદમું કાવ્ય ગુરુદેવની અગાધ પ્રજ્ઞાનું પ્રતિક છે…….

Comments (4)

કોણ હતું એ ? – કરસનદાસ લુહાર

તળાવનાં પાણીની ઉપર કોનાં છે આ કોરાં કુમકુમ પગલાં ?
પરવાળાની પાનીવંતું કોણ હતું એ કહો, કાનમાં કાંઠે ઊભાં બગલાં

જળ કરતાં જણ હશે પાતળું, ઝળહળ જળળળ જળ-કેડી આ કોરી ?
તળનાં જળને એમ થયું કે આજ સપાટી ઉપર કોઈ ફૂલ રહ્યું છે દોરી ?

લયબદ્ધ છતાં લજ્જાળું કોણે ભર્યાં હળુળુ હવા સરીખાં ડગલાં ?
પરવાળાંની પાનીવંતું કોણ હતું એ – કહો, કાનમાં કાંઠાનાં હે બગલાં !

– કરસનદાસ લુહાર

ફક્ત એક જ અંતરાવાળું અલ્લડ ગીત… તળાવનાં પાણી પર અંકાતા ચિત્રની વાત પણ કેવી અસરદાર ! સાવ ટચુકડા ગીતમાં સતત સંભળાયા કરતો ‘જ’કાર, ‘ળ’કાર અને ‘હ’કાર ગીતનું જળની ગતિ સાથે કેવું સાયુજ્ય સ્થાપે છે !

Comments (3)

ગઝલ – દિલીપ રાવલ

આપણી આટલી અરજ સાંઈ,
ના પડે કાંઈ પણ ગરજ સાંઈ.

આપ આપો મને સમજ સાંઈ,
કઈ રીતે રહી શકું સહજ સાંઈ.

આપણે સાવ એક રજ સાંઈ,
આપણો ઈશ છે સૂરજ સાંઈ.

શ્વાસ લેવા ને જીવતા રહેવું,
આપણી આટલી નીપજ સાંઈ.

એની ઇચ્છાની નોબતો વાગે,
આપણાં વાગશે શું ગજ સાંઈ.

એક અંધાર રાત આવી તો,
ઊગશે કંઈક નવા સૂરજ સાંઈ.

તું હી તું નો જો સૂર લાગે તો,
આપણી પણ બને તરજ સાંઈ.

– દિલીપ રાવલ

Comments (7)

ગઝલ – કુલદીપ કારિયા

જોઈ શકાતું હોય જો ધુમ્મસની આરપાર,
તો દૃશ્ય પણ વહી શકે, નસનસની આરપાર.

અજવાળું ઊગશે, હજારો વાર ઊગશે,
અંધારું નીકળ્યું ભલે ફાનસની આરપાર.

એણે કહેલો માર્ગ ક્યાં સમજી શક્યું કોઈ !
ખીલાની જેમ સૌ ગયા જીસસની આરપાર.

પૂછો નહીં કે એ પછી આકાર શો થયો
ચારેય રેખા વિસ્તરી ચોરસની આરપાર.

સાચી ગઝલ હશે તો કશું પણ થશે નહીં,
તલવાર જઈ શકે નહીં તાપસની આરપાર.

સંબંધ આપણો કદી જાહેર ના થયો,
એક આગ આવી નૈ કદી બાકસની આરપાર.

– કુલદીપ કારિયા

સંઘેડાઉતાર રચના… એક એક શેર બળકટ…

Comments (7)

ફાટ્યા ને તૂટ્યા…..- મુકેશ જોષી

ફાટ્યા ને તૂટ્યા સંબંધોને થીંગડા લગાવો
તો ક્યાં સુધી ચાલે ?
એક વાર મન માંહે પડતી તિરાડ પછી
આપમેળે લંબાતી ચાલે

અણિયાળા શબ્દોના આછેરા સ્પર્શથી
તૂટે જ્યાં લાગણીના માળા
ઊખડી પડે રે પછી વ્હાલના પોપડા
ભીતર જુઓ તો અગનજ્વાળા
હાલતી હવેલીને ક્યાંથી બચાવો
જ્યાં મૂળમાંથી પાયાઓ હાલે….ફાટ્યા ને તૂટ્યા…..

પાસે પાસે તો હવે રહેવાના ડોળ ફક્ત
મન તો છેટાં ને ખૂબ આઘાં
કાંકરીભાર નહીં ખમતા સંબંધ હવે
પહેરે છે કાચના જ વાઘા
તૂટ્યા ને ફૂટ્યા સંબંધોનો કાટમાળ
લટકે પાંપણની દીવાલે…… ફાટ્યા ને તૂટ્યા…

– મુકેશ જોષી

એકદમ કરારી વાત………

Comments (8)

તું અને હું જાણે સામા કિનારા – શુકદેવ પંડ્યા

તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદળ વૈશાખના
પણ મૌન કંઈ કહેતું એ શું?

હળવેથી વાતી આ લેહેરાતી લેરખી
ને લેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
ને એમાં કદબંની આ છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?

શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલીપો ઓઢીને સુતું આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ રુદિયામાં રોતું એ શું?

તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?

– શુકદેવ પંડ્યા

Comments (1)

ગઝલ – ઉષા શાહ

હું નદીની જેમ વ્હેવાની નથી,
ને ગગન ઓઢીને રહેવાની નથી.

આંખમાં ભીનાશ જેવું કંઈક છે,
પણ તમારું નામ લેવાની નથી.

સ્વપ્ન આ થીજે, નયન રીઝે તો શું ?
ચંદ્ર ! તારી રંગતો છાની નથી.

એષણાની આંખ વનમાં તગતગે,
રાહબર છે સાથ, ડરવાની નથી.

રેતમાં ત્રોફેલ તારું નામ છે,
પણ પવનને કૈં જ કહેવાની નથી.

– ઉષા શાહ

આમ તો બધા જ શેર સ-રસ છે પણ આંખમાં ભીનાશવાળી વાત અને રેતમાં ત્રોફેલ નામવાળી વાત તો ભઈ, વાહ !

Comments (10)

એક સવાર – અનિલ જોશી

એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર !
પાંખ વીંઝતો ડાળ ઝુલાવી કાકડિયો કુંભાર ઊડ્યો કે આખેઆખા જંગલમાં કલશોર.

વાદળાં હતાં તે બધાં વરસી ગયાં હવે પાણીમાં નથી રહ્યાં જૂથ;
કાગડાના માળામાં તરણાં હતાં તે કહે : ‘સૂગરીની ચાંચ, મને ગૂંથ’
કાબરચીતરી ભોય ઉપરથી સાવ અચાનક ઊડ્યાં તણખલાં અટવાયાં જઈ થોર
એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર !

લૂગડાં માફક ક્યાંક સૂકાતું તિરાડના ચિતરામણ પહેરી કાદવિયું મેદાન;
નીલ ગગનમાં કુંજડીઓની હાર લગોલગ ધુમાડાની કેડી પાડી ઊડતું એક વિમાન…
સ્હેજ અમસ્તી ડાળ હલી કે પડછાયાના હડસેલાથી ફર્રક કરતો ખડી ગયો ખડમોર !
એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર !

– અનિલ જોશી

એક સવારનું આવુંં મજાનું લયબદ્ધ વર્ણન જડવું મુશ્કેલ છે… કવિના કેમેરામાં ઝાડ, સવારમાં ઊઠતાં પંખીઓ, વાદળ, મેદાનથી માંડીને વિમાન સુદ્ધા આવી જાય છે અને સરવાળે આપણને હાથ લાગે છે એક મજાનું ગીત… સવાર જ નહીં, આખો દિવસ અજવાળી દે એવું…

Comments (7)

ક્યારેક – સોનલ પરીખ

ક્યારેક
તને બધી રીતે બાંધી લેવાની ઇચ્છા થાય
ક્યારેક મન થાય
તને દરેક રીતે મુક્ત રાખવાનું

ક્યારેક
મને બધી રીતે બંધાઈ જવાની ઇચ્છા થાય
ક્યારેક મન થાય
દરેક રીતે મુક્ત રહેવાનું

બાંધવા-બંધાવાની ઇચ્છા પાછળ
પડછાયો છે એક એસલામતીનો

મુક્ત રાખવા-રહેવાની પાછળ ડોકાય છે
એક બીજી અસલામતી

મારું સત્ય
આ બે કિનારાની વચ્ચે
ક્યાં છે ?

– સોનલ પરીખ

એક પણ અલ્પવિરામ, પૂર્ણવિરામ કે કશાયના ખટકા વિના સડસડાટ આગળ વધતી કવિતા અંતે જ્યારે પ્રશ્ન પર આવીને અટકે છે ત્યારે બે ઘડી આપણને પણ સવાલ થાય કે આ પ્રશ્ન તે ખાલી કવયિત્રીનો કે આપણા સહુનો ?

Comments (7)