અમદાવાદથી વ્યવસાયે એન્જિનિઅર એવા બંકિમ રાવલ એમનો પ્રથમ સંગ્રહ “ઢળે જો સાંજ” લઈને આવે છે. માત્ર એકાવન કૃતિઓનો રસથાળ પીરસતો આ નાનકડો સંગ્રહ ૨૧ ગીત, ૨૨ ગઝલ અને બાકીના અછાંદસ-હાઇકુઓથી સજ્જ છે. માત્ર બાવીસ જ ગઝલમાં અલગ અલગ ૧૪ જેટલી બહેરનું છંદ-વૈવિધ્ય આપી શક્યા છે એ વાત સાનંદાશ્ચર્ય જન્માવે છે. ગીતોમાં ક્યાંક લય લથડે છે અને એકાદ અછાંદસ ગદ્યની પૃષ્ઠભૂ પરથી ઊંચે નથી ઊઠી શકતું એ જવા દઈએ તો સરવાળે સરસ કામ થયું છે.. ગઝલોમાં તો ઘણા બધા શેર આસ્વાદ્ય થયા છે.
ગઝલના કેટલાક શેર:
ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક
આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે.
એ અવિરત પૂર ધસમસ, અંકપટ્ટી આપણે;
નોંધ ચોક્ક્સ થઈ શકે પણ ખાળવું સહેલું નથી.
કશું છે ભીતર ? શક પડે છે હવે,
પડળમાં પડળમાં પડળ કેમ છે !
વૃક્ષ કેવળ થડ બનીને રહી જશે,
લાગણી અગવડ બનીને રહી જશે.
કોકનું ચાલી જવું આ દ્વારથી હટતું નથી,
કોકનું આવ્યાં છતાં આવ્યા વિના ચાલી જવું.
ચોપાસ એમ રહેવું જાણે કશે જ ના હો,
એ તું હશે કે મારી અટકળ હતી ? જવા દો.
શબ્દની છલનાનું ગૌરવ સાચવું,
ચુપ રહું, અફવાનું ગૌરવ સાચવું.
ખુદને તાળું દઈ ઘરેથી નીકળું,
ભીડમાં ભળવાનું ગૌરવ સાચવું
વૃક્ષની પાર પણ વિશ્વ હોઈ શકે,
પાનખરની બહાને ખરી જોઈએ.
જાણવાથી કંઈ ફરક પડતો નથી,
દુઃખ એ જાણી ગયાનું હોય છે.
બચપણમાં સંતાડેલું તે જડી ગયું તો કામ આવ્યું,
એક રમકડું સ્વયં થકી સંતાઈ જવાની આદતનું.
પથ્થરનું સ્વપ્ન વૃક્ષ,
લીલો-પીળો પ્રવાસ.
ફ્રેમ બની જા તું ફોરમની,
મારી જાત મઢાવી આપું.
ઉલા-સાની બે ડાળની વચ્ચે,
ચંદ્ર શાયરની વ્યંજના જાણે.
ચલો, ‘હોવું’ મળે છે ક્યાં ‘ન હોવા’ને પૂછી લેશું,
ઊડી છે વાત કે બન્ને વસે એક જ સ્થળે, સાધો.
ગીતોમાંય ક્યારેક અદભુત કલ્પન ડોકિયાં કરી જાય છે. બે ઉદાહરણ જોઈએ:
પહેલી લીટી એક અજંપો, બીજી લીટી ડૂમો,
તારું હોવું ‘ફ્રેન્ચ’ કવિતા, કેમ કરું તરજૂમો !
કૂવાની મિલકત પૂછો તો પડઘા ને અંધારું,
વૈભવ લેખે તાડ ગણાવે શૂન્યભવન મજિયારું…
-બંકિમ રાવલ
કવિશ્રીને શુભકામનાઓ…