સવાર પડતાં ફાળ પડે છે
અજવાળું અઘરું પડવાનું
– હરીશ મીનાશ્રુ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for January, 2011

વહી જઈશ – જવાહર બક્ષી

જળનો જ જીવ છું, ફરી જળમાં વહી જઈશ
પળભર બરફમાં બંધ છું, પળમાં વહી જઈશ

મૃગજળ ભલેને ભ્રમ છે, એ જળનું જ દ્રશ્ય છે
છું સ્થિર સત્યમાં છતાં છળમાં વહી જઈશ

કોરા ગગનની પ્યાસ છું, ઝાકળની જાત છું
પળભર પલાળી હોઠ અકળમાં વહી જઈશ

ઘેરી વળ્યો છું હું જ હવે હર તરફ તને
તારી તરફ ન ખેંચ, વમળમાં વહી જઈશ

પળભર મળ્યાં છે મેઘધનુ રંગ-રૂપનાં
કાજળ ન આંજ હમણાં આ પળમાં વહી જઈશ

– જવાહર બક્ષી

આજની ગઝલની સમજૂતી તદ્દન સરળ ભાષામાં 😉

વહેવું = વિસ્તરવું = આગળ વધવું (= મૃત્યુ!)
બરફ = ઠંડો = વહેવાને માટે નાલાયક (= જીવન!)
મૃગજળ = જળ + છળ
અસ્થિર સત્ય = છળ
હું + તું + વિંટળાવું = વમળ
ઝાકળ = પલળેલું અકળ
અકળ = સુકવેલું ઝાકળ
મેઘધનુ = કુદરતી શોભા = જરૂરી
કાજળ = કૃત્રિમ શોભા = બિનજરૂરી

ગઝલ + મનમર્કટ = ગુંચવાયેલું ગણિત 🙂

Comments (15)

રજકણ – હરીન્દ્ર દવે

રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે ઊડવા લાગે,જઈ ઢળી પડે આથમણે.

જળને તપ્ત નજરથી શોધી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઈ દિન બિંબ બનીને
સાગરને મન વસવા,
વમળમહીં ચકરાઈ રહે એ કોઈ અકલ મૂંઝવણે.

જ્યોત કને જઈ જાચી દીપ્તિ
જ્વાળ કને જઈ લ્હાય,
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય;
ચકિત થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.

– હરીન્દ્ર દવે

સૂર્ય એ જ રજકણ અને રજકણ એ જ સૂર્ય-આ વાતની અનુભૂતિ જ્યાં સુધી રજકણને નહિ થાય ત્યાં સુધી તેનું ગંતવ્ય છે અકલ મૂંઝવણ મહીં અટવાવું અને તેનું લોક-ચરણે ટળવળવું. શા માટે તે સામર્થ્ય અન્ય પાસેથી ઝંખે છે ? જે ક્ષણે તે પોતાની અંદર નજર કરશે – તેને પોતાની અને સૂર્યની એકાત્મતા લાધશે.

Comments (10)

સ્વર્ગ – કિમ ચિ હા (અનુ. વિષ્ણુ પંડ્યા)

અન્નનો
એક કોળિયો
એ જ તો છે સ્વર્ગ !
સ્વર્ગમાં તમે
નથી જઈ શક્તા, સાવ એકલા.
એવું જ મુઠ્ઠી ધાનનું છે
તે વહેંચીને ખાવું પડે છે
એટલે તો તે છે સ્વર્ગ સમાન !

જેમ આકાશી તારા
પ્રકાશે છે એકમેકની સંગાથે
અનાજ પણ એમ દીપે છે
સાથે આરોગવાથી.

અનાજ છે સ્વર્ગ.
જ્યારે તે ગળામાંથી પાર થઈ
પહોંચે છે શરીરના કણ સુધી
સ્વર્ગ તમારા દેહમાં વસે છે.

હા, અનાજ છે સ્વર્ગ.

– કિમ ચિ હા (કોરિયા)
(અનુ. વિષ્ણુ પંડ્યા)

કોરિયાના આ કવિની જિંદગી આઝાદ હવામાં વીતી એના કરતાં વધારે જેલમાં વીતી છે. સરકાર સામે થવાના કારણે એને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી જે પછીથી લોક-વિદ્રોહને માન આપીને રદ કરી એમને આઝાદ કરવામાં આવ્યા. પણ જ્યારે એમણે સરકારના દમન અંગે વિધાન કર્યા ત્યારે એમને ફરીથી આજીવન કારાવાસમાં નાંખી દેવાયા. એમણે ‘આત્માનું જાહેરનામું’ કવિતા લખી એ પછી તો એમને એકાંતવાસમાં પણ ખદેડી દેવાયા… કોરિયામાં એ આગ અને શોણિતના કવિ તરીકે જાણીતા છે.

ભૂખમરા અને સત્તાવાદથી પીડાતા કોરિયન લોકો માટેની કવિની વેદના આ કાવ્યમાં ઉપસી આવી છે. અન્નનો કોળિયો જ ખરું સ્વર્ગ છે પણ એ સ્વર્ગ સહિયારું હોય તો જ… અન્ન બ્રહ્મ છે અને સહનૌભુનકતુની આપણી આદિ સંસ્કૃતિ સાથે પણ આ વાત કેવો મેળ ખાય છે !!

Comments (8)

પડછાયો – ગની દહીંવાળા

તમે આકૃતિ હું પડછાયો,
તેજ મહીંથી છું સર્જાયો….તમે….

તમે વિહરનારા અજવાળે,હું એથી બડભાગી,
ભમું ભલે આગળ પાછળ પણ રહું ચરણને લાગી;

શીતળ જળ કે તપ્ત રણે જઈ,
તમે ઊભા ત્યાં હું પથરાયો….તમે…

રાતદિવસના ગોખે દીવડા નિજ હાથે પ્રગટાવો !
એથી અદકું ઓજસ લૈને અહીં વિહરવા આવો;

લખલખ તેજે નયન ઝગે તમ,
કાજળ થૈને હું અંજાયો….તમે…

આંખ સગી ના જોઈ શકે જે,એવી અકલિત કાયા,
આ ધરતી પર સર્જન રૂપે હું જ તમારી છાયા;

પ્રશ્ન મૂંઝવતો આદિથી જે,
આજ મને સાચો સમજાયો ! તમે….

– ગની દહીંવાળા

Comments (6)

હકીકત છે – જિગર જોષી ‘પ્રેમ’

હવે આગળ કશે રસ્તો નથી, એ પણ હકીકત છે,
હું પાછો ક્યાંયથી વળતો નથી, એ પણ હકીકત છે.

સતત ફરિયાદ, ઈર્ષાઓ, સખત પીડા ને સીમાઓ,
છતાં આ જિંદગી ધક્કો નથી, એ પણ હકીકત છે.

બધી ડાળે બહારો છે, બગીચાઓય મહેંકે છે,
અને ત્યાં નામનો ટહુકો નથી, એ પણ હકીકત છે.

સમય જ્યારે મળે ત્યારે તને સંભારતો રહુ છું,
સમય ક્યારેય પણ હોતો નથી, એ પણ હકીકત છે.

ભલે એમાંય છે તોફાન, ભરતી, ઓટ, મોજા, ‘પ્રેમ’,
છતાં આ આંખ એ દરિયો નથી, એ પણ હકીકત છે.

–  જિગર જોષી ‘પ્રેમ’

આપણા સુખનાં બાગ-બગીચાઓ ફુલો અને ખુશબોથી હર્યા-ભર્યા હોવા છતાંયે ક્યારેક જિંદગી જીવવા જેવી ન પણ લાગે, પણ તોય જિંદગીનો આ ફેરો માત્ર ધક્કો નથી જ- એવી પ્રતિતી માટે તો પ્રેમનાં ટહુકાની માત્ર થોડી ક્ષણો પણ પૂરતી હોય શકે…

Comments (16)

હિંદમાતાને સંબોધન – કવિ કાન્ત

ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !

હિંદુ અને મુસલ્મિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !

પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !

રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં !

વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !

સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !

ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !

– કવિ કાન્ત

(સૌજન્ય: ટહુકો)

લયસ્તરોના વાચકમિત્રોને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ પ્રસ્તુત છે, આપણી પાઠશાળાઓમાં ગવાતું એક ખૂબ જ જાણીતું અને માનીતું ગીત…  જય હિંદ !

Comments (8)

પ્રેમ – શેખ નુરુદ્દીન વલી

પ્રેમ
એ તો એક માત્ર પુત્રનું મરણ:
માતા કદી ચેનથી શું સૂએ ?

પ્રેમ
એ તો મધમાખી કેરા વિષડંખ:
લાગ્યા પછી ચેન કોઈ લહે ?

પ્રેમ
એ તો હૃદયે હુલાવેલી કટાર:
પછી એક નિસાસો ય રહે ?

– શેખ નુરુદ્દીન વલી
(અનુ. હરીન્દ્ર દવે)

પ્રેમની વ્યાખ્યા, એક વધારે વાર. કવિએ પ્રેમની કસકને ચાખી શકાય એટલી ધારદાર રીતે મૂકી આપી છે.

Comments (4)

એક પીછું હવામાં તરે છે – હિતેન આનંદપરા

એની યાદો બસ બાકી બચે છે,
કોઈ એવી રીતે વિસ્તરે છે.

શાંત દરિયો અને ખાલી હોડી,
બેઉ સાથે ઉદાસી ઘડે છે.

કાં તો સરનામું ખોટું કાં પોતે,
દ્વાર પરથી એ પાછો વળે છે.

લાખ હસવાની કોશિશ કરું છું,
એમને તોય ઓછી પડે છે.

છે મુમકીન મળે કોઈ પંખી,
એક પીછું હવામાં તરે છે.

– હિતેન આનંદપરા
(‘એક પીછું હવામાં તરે છે’)

તરતું પીછું એટલે પસાર થયેલા પંખીની રેશમી ગવાહી !

Comments (14)

(મારું હૃદય) – ડોરથી લાઇવસે (અનુ. શીરીન કુડચેડકર)

મારું હૃદય તાર પર તણાયું છે
તંગ, તંગ.
નાની અમથી લહેરખી
ભલે મંદમંદ
મૂકી શકે કંપ.
તારો કેવળ એક શબ્દ
ગમે તેટલો હળવો,
તેને નંદવી શકે…

– ડોરથી લાઇવસે
(અનુ. શીરીન કુડચેડકર)

કવિતા ખરેખર શું છે એની પ્રતીતિ આવી કવિતા વાંચીએ ત્યારે જ થઈ શકે. કેટલું નાનું અમથું કાવ્ય પણ કેટલું વિશાળ ફલક!! કેનેડિયન કવયિત્રી હૃદયને તાર પર તણાયું છે કહ્યા પછી જે રીતે તંગ તંગની પુનરુક્તિ કરે છે એમાં તંતુવાદ્યના તણાયેલા તાર ચાક્ષુષ પણ થાય છે અને એનો રણકાર સંભળાય પણ છે. કવિતાનો એક જ શબ્દ આ રીતે જે ઇન્દ્રિયવ્યત્યય કરી શકે છે એ જ કવિતાની ખરી તાકાત છે…

Comments (8)

સાથી – ડૉરથી લાઇવસે (અનુ. શારીન કુડચેકર)

ફક્ત એક વાર હું તારી સાથે સૂતી હતી,
કદી જાણ્યો નથી એવાં શયન અને પ્રેમ
માધુર્યથી ભર્યાભર્યાં, પાછળથી સહેજે કડવાશ વિનાનાં
મારે માટે તે પહેલો જ અનુભવ હતો અને આટલી સુંવાળપથી
કોઈ ફૂલની પાંદડીઓને ઉઘાડી શક્યું ન હોત, ફૂલ ખીલી શક્યું ન હોત
તારા હાથ મારા પર દ્રઢ હતા, નિર્ભય
હું પડી હતી ઘેરાયેલી શાંત આનંદમાં-
ત્યાં એકાએક મારામાં ફુવારો જાગ્યો.
મારા પ્રિય, વર્ષો વીત્યાં છે, આપણે પ્રૌઢ બન્યાં છીએ
ઝડપથી, પોતપોતાની રીતે પોતપોતાના પ્રયત્ને.
હું તેને જોઉં છું ત્યારે જોઉં છું એક વૃદ્ધ પુરુષ.
સ્વપ્નો વિનાનો, રોજીરોટી વિનાનો, ઓવરકોટ વિનાનો,
પણ એક જ સંઘર્ષમાં જકડાયેલાં આપણે આવ્યાં છીએ નિકટ ને નિકટ
આપણા દેહ હજી એકમેકના આલિંગનમાં હોત તેથી વિશેષ

– ડૉરથી લાઇવસે
(અનુ. શારીન કુડચેકર)

પ્રેમનું અંતિમ લક્ષ્ય ભલે દેહ હોઈ શકે પણ પ્રેમ હંમેશા દેહથી પર જ હોય છે. કેનેડાના કવયિત્રીની આ કવિતા પાશ્ચાત્ય નારીભાવનાઓ સુપેરે ઉજાગર કરે છે પણ આપણા દેશમાં પણ પ્રેમની સાચી વિભાવના કદાચ આ જ હોઈ શકે. આ કવિતાના હાર્દમાં ઉતરવા માટે ‘ફક્ત એક વાર’ અને ‘પહેલો જ અનુભવ’ આ બે શબ્દપ્રયોગ ચાવીરૂપ છે. ઘણીવાર આવા સંબંધ પસ્તાવા અને મનની કડવાશ વહોરે છે પણ જો પ્રેમ સાચો હોય તો જ વ્યક્તિ ફૂલની પાંદડીઓ સમ ઉઘડી-ખીલી શકે, નિર્ભય હોઈ શકે, ફુવારાની જેમ અસ્ખલિત ઉભરાઈ શકે અને કડવાશવિહિન માધુર્ય અનુભવી શકે…

કવિતાના (કદાચ સૉનેટના) બીજા ભાગમાં જે વર્તમાન છે એ ભૂતકાળના પ્રેમના ખરાપણાંનું સર્ટીફિકેટ છે. બંને પાત્ર પછીની પોતપોતાની જિંદગી પોતપોતાની રીતે ગુજારીને સાવ ખાલી થઈ ગયા છે પણ એકમેકની એટલા નજીક આવી શક્યા છે જેટલા કદાચ આલિંગનમાં રહ્યાં હોત તો ન આવી શકત…

Comments (6)

ઑફિસ મૈત્રી – ગેવિન એવર્ટ (અનુ. સુજાતા ગાંધી)

ઇલા પાગલપણે હરેશના પ્રેમમાં છે.
અને હરેશનો જીવ શીલામાં છે.
ચંદ્રકાંત બહુ જ થોડાંકને પ્રેમ કરે છે
અને થોડાંક તેને પ્રેમ કરે છે.
મેરી બેઠી બેઠી ટાઈપ કરે છે પ્રેમની નોંધ
રોમેન્ટિક પિયાનોવાદકની આંગળીઓની અદાથી.
ફીરોજ ઊંચે આકાશ તરફ જુએ છે,
જ્યાં ફાલ્ગુનીની દિવ્ય સુગંધ લહેરાય છે.
નીતાની આંખોમાં ગોળ ફરે છે વળ લેતાં સાપોલિયાં
અને મગરૂરીથી પોતે ધીમે ધીમે ચાલે છે.
દરેક જણ અણુએ-અણુમાં રોમાંચ અનુભવે છે
સુનીલની વાતોના ઇશારાઓથી
દબાયેલી જાતીયવૃત્તિ બેફામ આક્રમક થશે
પણ તે આપણને સૌને જીવંત રાખે છે.
પત્નીઓ અને કામની આ દુનિયામાં આ છે એક અદભુત
હવાફેર
અને તેનો અંત આવે છે સાડા પાંચે.

(અનુ. સુજાતા ગાંધી)

આપણે બધા જ બે દુનિયામાં જીવીએ છીએ, એક આપણી આસપાસની અને બીજી આપણી અંદરની. આપણી આસપાસની દુનિયા બહુધા એકવિધ થઈને રહી જતી હોય છે. सुबह होती है, शाम होती है, जिन्दगी यूँ तमाम होती है | પણ આ એકવિધ થઈ જતી જિંદગીમાં આપણને આપણી ભીતરની કાલ્પનિક દુનિયા જ કદાચ સતત જીવંત રાખે છે. આ કાલ્પનિક વિશ્વ પ્રસ્તુત કાવ્ય મુજબ કામાવલંબિત પણ હોઈ શકે કે અન્ય કંઈ પણ હોઈ શકે પરંતુ એ આપણા શ્વાસમાં જિંદગી રેડતું રહે છે…

કવિના સ્વમુખે આ કાવ્યપઠન આપ અહીં માણી શકો છો.

***

Office Friendships

Eve is madly in love with Hugh
And Hugh is keen on Jim.
Charles is in love with very few
And few are in love with him.

Myra sits typing notes of love
With romantic pianist’s fingers.
Dick turns his eyes to the heavens above
Where Fran’s divine perfume lingers.

Nicky is rolling eyes and tits
And flaunting her wiggly walk
Everybody is thrilled to bits
By Clive’s suggestive talk.

Sex suppressed will go berserk,
But it keeps us all alive.
It’s a wonderful change from wives and work.
And it ends at half past five.

– Gavin Ewart

Comments (10)

શેર -મનસુખલાલ ઝવેરી

જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત !
એક પગલું ખોટું ને ખોટો જ આખો દાખલો.

-મનસુખલાલ ઝવેરી

વર્ષો પહેલાં મારી કવિતાની એક નોટબુકમાં લખી રાખેલો મને ખૂબ જ ગમતો એક શેર… વાર્તાનાં શિર્ષક તરીકે પણ ઘણી જગ્યાએ વાંચ્યો છે, પરંતુ ક્યારેય આખી રચના વાંચવામાં આવી નથી.  કદાચ તો આ આખી ગઝલનો જ એક શેર હશે.  જો કોઈને મળે તો અહીં મોકલવા વિનંતી…

Comments (16)

વયથી વધારે – ગૌરાંગ ઠાકર

જીવનને ભરી બાથ અમે ભયથી વધારે,
જીવાઈ ગયું દોસ્ત પછી વયથી વધારે.

પીડાને વળી પ્રશ્નથી જો હાર મળી તો,
શ્રદ્ધાને વધારી અમે સંશયથી વધારે.

ભીતરને ઉમેરો પછી સૌંદર્ય મળી જાય,
ગઝલોમાં જરૂરી છે કશું લયથી વધારે.

જ્યાં આપ મળો માર્ગમાં તો એમ મને થાય,
હું ઓળખું છું આપને પરિચયથી વધારે.

કોઈને અહીં સાંભળી તું રાખ હૃદયમાં,
ક્યારેક દિલાસા બને આશ્રયથી વધારે.

જીવનનું આ નાટક હવે ભજવાતું નથી રોજ,
માંગે છે અહીં જિંદગી અભિનયથી વધારે.

– ગૌરાંગ ઠાકર

એકબીજાથી ચડિયાતા એકેક શેર… એમાંય સંશય કરતા શ્રદ્ધા વધારવાની વાત વધુ જચી ગઈ.

Comments (19)

અર્ધસત્ય – દિલીપ ચિત્રે (અનુ. ધવલ શાહ)

ચક્રવ્યૂહમાં ઘૂસતા પહેલા
હું કોણ હતો કે કેવો હતો
એ કાંઈ મને યાદ નહીં રહે.

ચક્રવ્યૂહમાં ઘૂસ્યા બાદ
મારા અને ચક્રવ્યૂહની વચ્ચે
હતી માત્ર જીવલેણ નિકટતા
એ મને સમજાયું જ નહીં.

ચક્રવ્યૂહમાંથી નીકળીને
સ્વતંત્ર થઈ જાઉં તો ય
ચક્રવ્યૂહનો તો કાંગરો ય ખરવાનો નથી.

મરુ કે મારુ,
ખતમ થઈ જાઉં કે ખતમ કરી નાખું.
અશક્ય છે આ નિર્ણય.

સૂતેલો માણસ
ઊઠીને એક વાર ચાલવા માંડે,
પછી એ કદી સપનાના પ્રદેશમાં
પાછો નથી ફરી શકતો.

ચુકાદાના તેજ તળે
બધુ એકસરખું જ થઈ જશે ?
એક પલ્લામાં નપુંસકતા,
અને બીજામાં પૌરુષ,
અને વચ્ચોવચ ત્રાજવાની દાંડીની બરાબર ઉપર –
અર્ધસત્ય.

– દિલીપ ચિત્રે
( અનુ. ધવલ શાહ)

દિલીપ ચિત્રે એક બહુવિધ પ્રતિભા હતા. કથાકાર, ચિત્રકાર, દિગ્દર્શક, અનુવાદક એ બધુ ય ખરા પણ કવિતા એમનો પહેલો પ્રેમ. આજે એક પરથી બીજી કવિતા શોધતા એમની આ કવિતા હાથ લાગી ગઈ, જાણે અનુભવોની એક આખી પંગત સામટી બેસી ગઈ.

દિલીપ ચિત્રેએ આ કવિતા ‘અર્ધસત્ય’ ફિલ્મ માટે લખેલી. ‘અર્ધસત્ય’ ફિલ્મનો નાયક, અનંત વેલણકર, ફીલ્મમાં આ કવિતા વાંચે છે. પહેલી વાર તો સમજ નહોતી પડી પણ બીજી-ત્રીજી વારમાં જ્યારે સમજાઈ ત્યારે આ કવિતા વીજળીની જેમ પડેલી. એક આખી પેઢી માટે આ ફિલ્મ ભ્રષ્ટાચારના કલંક અને ઈમાનદાર લોકોની હતાશાનું પ્રતિક બની ગયેલી. વેવલી ગણાતી ‘આર્ટ ફિલ્મ’ જોવા લોકો લાઈન લગાડતા આ ફિલ્મ પછી થયેલા.

પહેલા આપણે જ એક અડધા સત્યને ત્રાજવાની દાંડી પર બેસાડીએ છીએ. અને પછી આપણે જ ફરિયાદ કરે રાખીએ છીએ કે નપુંસકતા અને પૌરુષમાં કોઈ ફરક નથી રહ્યો. ભ્રષ્ટાચારનો આખો ચક્રવ્યૂહ તોડવો હોય પહેલા અર્ધસત્યનો નાશ કરીને સત્યને ઉપર બેસાડવું પડે. પણ અર્ધસત્યને મહાત કરવાની આપણી ત્રેવડ નથી. ફિલ્મના અંતમાં અંનત વેલણકર તો ‘સર, મૈંને રામાશેટ્ટી કો માર દિયા’ બોલીને પોતાનું પૌરુષ પાછું મેળવી લે છે, પણ સાથેસાથે, આપણા કપાળ પર નપુંસકનું લેબલ મોટા અક્ષરે લગાડતો જાય છે. ક્રાંતિની જ્વાળા કદી બજારમાં વેચાતી નથી મળતી, એને માટે તો માણસે પોતે જ સળગીને મશાલ થવું પડે છે.

( હિંદી કવિતા)

Comments (9)

પૂર્વાવસ્થા – રઘુવીર ચૌધરી

પવન શા પુરાતન અમે.
પુષ્પ સમા ક્ષણિક ને
સૌરભ શા ચિરંતન.
ક્ષણમાં વસેલ પેલી ચિરંતન
તથતાને જીવનાર,
વારંવાર વિતથને
અનુભવી,ઓળખીને
અળગા થનાર :

ચિત્ત હોય તો પછી તો
સંપાતિની જેમ ઊડી
તેજ સામે,
બળવું ના.

અધિકની આકાંક્ષામાં
ધરા-આભ વચ્ચે
કરી ઉચ્ચાવચતાનો ભેદ
ત્રિશંકુનું પરિણામ પામવું ના.
રાવણના દેશનાં સમિધમહીં
એક સીતા આગ સહે.
સંશયાત્મા રામ જીવે દ્વૈત.
દ્વૈત એટલે જ યુદ્ધ.
શાશ્વત એ વૈશ્વિક યુદ્ધની
નિજ પ્રતીતિ થી દૂર રહી
પ્રમાણી ના અનિવાર્યતા
તો પછી અશ્વત્થામા બની
ન્યાય કરી દેવા નીકળવું નહીં.
અઢાર અઢાર દિન ઓછા નથી.
કુરુક્ષેત્રે
મૃત્યુમ્લાન પવનોમાં પ્રેત ભમે.
સુદૂર અરણ્યમહીં
નતશિર એકલવ્ય મૂક.
સામે ગુરુમૂર્તિ
છિન્ન અંગૂઠાનો કંપ જોઈ રહે.
કુટિરને દ્વાર ઊભા હરણની
ક્ષમાહીન આંખ રડે.
તરુપર્ણ હવામહીં સમસમે.
કેટલાંક સ્મરણોના સૌંદર્યને
પક્ષાઘાત…
અરે,જેણે આત્મવંચના ન કરી
એવો એકે યુધિષ્ઠિર મળ્યો નહીં.
પોતાને મૂકીને કર્યું અન્ય સામે યુદ્ધ !
છતાં આજ લગી યુદ્ધની કથાઓ
બધી રમ્ય રહી !
યુદ્ધની કથાઓ હવે રમ્ય નથી.

-રઘુવીર ચૌધરી.

[ તથ=સત્ય, વિતથ=અસત્ય, સંપાતિ= જટાયુનો ભાઈ જે વાનરોને લંકા અને રાવણ વિષે માહિતી આપે છે., સમિધ=હવનમાં હોમ કરવાની સામગ્રી અથવા હવન, ઉચ્ચાવચતા=ઊંચા-નીચાપણું અથવા વિવિધતા]

આ અત્યંત બળકટ ચિંતનાત્મક અછાંદસમાં જાણે અનેક કાવ્યો સમાયેલા છે ! માનવસહજ નબળાઈઓને વિસરી સામર્થ્ય વિના હનુમાન-કુદકો મારવાની ચેષ્ટાનો શું અંત હોઈ શકે,ત્યાંથી શરૂઆત કરી કવિ મધ્યભાગમાં એક શકવર્તી ‘statement’ આપી દે છે- ‘ દ્વૈત એટલે જ યુદ્ધ ‘ ! – આ ઘોષણા આ કાવ્યની ચરમસીમા સમાન છે. ત્યાં તો જરા આગળ વધતા બીજી અદભૂત પંક્તિ આપણને આંચકા સાથે થંભાવી દે છે- ‘ અરે, જેણે આત્મવંચના….અન્ય સામે યુદ્ધ ! ‘ બંને વાત એક જ છે,પરંતુ અંદાઝે-બયાંની તાકાત કાવ્યના મૂળ તત્વને વધુ ઠોસ રીતે નિખાર આપે છે. આથી વધુ કઠોર અને ઈમાનદાર આત્મ-નિરીક્ષણ શું હોઈ શકે ? પૌરાણિક સંદર્ભોને જે અધિકારપૂર્વક અને સચોટ રીતે કવિએ પ્રયોજ્યા છે તે પુરાણોનું સાચું અધ્યયન કોને કહેવાય તેના ઉત્તમ ઉદાહરણ સમાન છે.

Comments (7)

મને મળવાનો તારી પાસે સમય નથી – અનિલા જોશી

તને મળવા હું એટલો બધો આતુર
કે મેં મારા અસ્તિત્વના એંધાણ
ચારે તરફ મૂકી દીધાં.
મારા સ્પર્શથી તને શાતા થાય
એટલે હું હવાની લહેરખી બની આવ્યો,
પણ તું તો સુઈ ગયો એરકન્ડિશન્ડ રૂમમાં.
પુષ્પ બની હું રોજ ને રોજ ખીલું
પણ તારા પાસે મારી સુગંધ સુધી
પહોંચવાનો સમય પણ ક્યાં છે ?
તારા મનને મધુરપથી તરબતર કરવા
પંખીનો સૂર બનીને આવું,
પણ તું તો મશગૂલ
તારા પોપ મ્યુઝિકમાં…
નિદ્રામાં તારું રક્ષણ કરી
સવારે ઉઠાડું એક જ આશાએ
કે કદાચ આજે તું મારી સાથે વાત કરીશ
પણ તું તો મોબાઇલમાં મસ્ત.

-અનિલા જોશી

આમ તો આ મનુષ્યમાત્રને મળવા આતુર ઈશ્વરની ઉક્તિ છે પણ આપણા આજના તમામ સંબંધોમાં સમાનરીતે લાગુ નથી પડતી? જાવેદ અખ્તરનો એક શેર યાદ આવે છે: तब हम दोनों वक्त चुराकर लाते थे, अब मिलते है जब फुरसत होती है |

Comments (7)

હવા ચાલી – કુલદીપ કારિયા

ફૂલોનો પ્રેમ એ આખા જગતને આપવા ચાલી,
હવાનો હાથ ઝાલીને મહેક સૌની થવા ચાલી.

મને પૂછો કે વૃક્ષો પર હતાં એ પાંદડાં ક્યાં છે ?
સમય પીળો હતો ત્યારે જ તોફાની હવા ચાલી.

હતી એને ખબર કે આખરે ખારાશ મળવાની,
નદી પર્વતથી ઊતરી તોય સાગર પામવા ચાલી.

હતા નહિ રાગ ને વૈરાગ્ય મારા પ્રાણમાં ક્યારેય,
છતાં શેનું હતું આ દર્દ ને શેની દવા ચાલી ?

સમય આવી ગયો ચાલો હવે આકાશ પહેરી લો,
ક્ષણો કાતર બનીને જિંદગીને કાપવા ચાલી.

– કુલદીપ કારિયા

એક મહેકનુમા ગઝલ… પરંપરાની ખુશબૂ આધુનિક્તાની હવાની પાલખી પર બેસીને આપણી રુહને તરબતર કરે છે…

Comments (10)

પતંગ -રિષભ મહેતા

હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ,
છું હવાના આશરે છુટ્ટો મુકાયેલો પતંગ !

ડોર કાચી છે કે પાકી, જાણ એની કંઈ નથી,
જીંદગી બેધ્યાન શ્વાસોએ ઉડાવેલો પતંગ !

આભ ખુલ્લું ને અનુકૂળ હો પવન તો શું થયું ?
ઉડવા પહેલાં જ ભીતરથી ઘવાયેલો પતંગ !

મારશે ગુલાંટ ક્યારે ? સ્થિર ક્યારે એ થશે !
આપણાથી હોય ક્યારે ઓળખાયેલો પતંગ !

એકલો ચગતો રહે તો એનો કંઈ મહિમા નથી,
ને બધા વચ્ચે રહે તો છે ફસાયેલો પતંગ !

કોણ ચગાવે, કોણ કાપે, કોણ લૂંટે શી ખબર ?
આપણા જેવો જ છે અધ્ધર, જુઓ, પેલો પતંગ !

ના ચઢે, કે ઉતરે પોતાની મરજીથી કદી,
ને છતાં લાગે કહો કયારેય થાકેલો પતંગ ?

એક તો કાગળની કાયા, આગ-વાયુ ચોતરફ,
તે છતાં પણ નીકળ્યો, ચગવા જ જન્મેલો પતંગ !

આપણી આ જાતમાં આખર વસે છે વાલિયો,
ખુબ પ્યારો હોય છે સૌને લૂંટાયેલો પતંગ …

એક માણસ જો કપાયે, ટીસ પણ ઉઠતી નથી !
ને કેવી હો-હા થાય છે દેખી કપાયેલો પતંગ !!

હાથમાં રહી જાય છે જે ડોર, એ છે જીંદગી !
સૂચવે છે એ જ સૌને હર કપાયેલો પતંગ…

-રિષભ મહેતા

(સૌજન્યઃ સરનામું પ્રેમનું…)

આજે આ ગઝલનાં એકેક શેર લયસ્તરોનાં ફલક પર ચગેલા એકેક પતંગ હોય એવું નથી લાગતું ? 🙂

લયસ્તરોનાં વાચકમિત્રોને લયસ્તરો તરફથી મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ…

Comments (10)

અમદાવાદ – મણિલાલ દેસાઈ

કરુણા તો અમદાવાદના ઊંટની આંખોમાં છે. માણસોને તો
આંખો જ નથી. ઊકળતા ડામરની સડકો પર ચાલતાં ચાલતાં
એમની બુદ્ધિ પર હવે મોતિયો બાઝી ગયો છે. તે હું પણ
અમદાવાદમાં રહું છું, અમદાવાદમાં રહું છું, મારી આસપાસ
પણ એક ઝાંખું પડ બાઝવા માંડ્યું છે. નિરોઝ – ક્વૉલિટીનું
એરકંડિશનર ભઠિયાર ગલીનો શ્વાસ લેવાનો પ્રયત્ન કરે છે.
અને ભઠિયાર ગલી તો મણીનગરની વેશ્યાઓના પડછાયા
પાડે છે. સાબરમતીની રેતી અહીંના રસ્તે રસ્તે પથરાઈ
ચૂકી છે. અને રસ્તા રાહ જોઈને બેઠા છે ગાંડા ઘોડાપૂરની.
સાબરમતીનો આશ્રમ ગાંધીએ માછલાં પકડવા નહોતો
બનાવ્યો. કે ઘાટ પર નાહવા આવતી અમદાવાદણો સાથે
કનૈયાગીરી પણ નહોતી કરવી, એને તો સાઈકલરિક્ષા ચલાવનાર
અહમદશાહને ઑટોરિક્ષા અપાવવી હતી. પણ આ અમદાવાદ
બળવંતરાય મહેતાની મોટરના પાટા પર થૂંકવામાંથી,
અને ઈન્દુલાલ યાજ્ઞિકની ટોપીમાં માથું મૂકવામાંથી જ ઉપર
નથી આવતું. કાલે – સરખેજની કબરમાં અહમદશાહનો
ઘોડો હણહણ્યો હતો. કાલે – આદમ મારે બારણે ટકોરા
મારી પૂછશે કે ‘મેં આપેલી પેલી લાગણીઓનું શું ?’ ત્યારે
હું, લાલ દરવાજે એક પૈસામાં ‘બૂટ પોલીશ’ કરી આપવા
તૈયાર થયેલા છોકરાની આંગળી પકડી, અમદાવાદમાંથી
નાસી છૂટીશ.

– મણિલાલ દેસાઈ

દરેક શહેર એમાં રહેતા કવિઓને સતત પીડતુ રહે છે. કવિઓ પોતાના શહેરને જાણે ડંખતા જોડાની જેમ સહન કરે રાખતા હોય છે એવું લાગ્યા કરે છે. મહાદેવની જેમ વિષને ગળામાં રાખીને જીવવાની આ પીડા જાણે નગરકાવ્યોમાં બહાર આવે છે. ( સાથે જોશો : નગર એટલે, અમદાવાદ અને મુંબઈ )

Comments (4)

ઐસા ત્રાટક – રાજેન્દ્ર શુકલ

દેખૂંગા ઓર દોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
સાંસ સૂરંગા ફોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

દેખન લાગા અબ અંધા, મૈંને બાંધા મૈં બંધા,
છૂટૂંગા તબ છોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

જનમજનમ કો જાન ગયા, કારાગૃહ પહેચાન ગયા,
કાહે કો મુખ મોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

બિખરબિખર મિટ જાઉંગા, ફિરતફિરત ફિર આઉંગા,
નિશાન ડંકા ખોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

સૂન્નશિખર તક પહોંચૂંગા, પાઉંગા પલમેં અપલક,
ઐસા ત્રાટક જોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

– રાજેન્દ્ર શુક્લ

દરવાજો ખોલવાની ગઝલથી આગળ આ દરવાજો તોડવાની ગઝલ માણો. કવિશ્રીના શબ્દોની તાકાત અને મીઠાશ બન્ને માણવા જેવા છે.

Comments (13)

સભર નથી – ભગવતીકુમાર શર્મા

છે સમુદ્ર સાવ નિકટ છતાંયે પૂર્વવત એ સભર નથી,
હજી સૂર્ય ઊગે ને આથમે અને પહેલાં જેવો પ્રખર નથી.

અભિશપ્ત છું સિસિફસ સમો,ચઢું-ઊતરું છું હું પર્વતો,
હું કશેય પહોંચી નહીં શકું,બધું વ્યર્થ છે,આ સફર નથી.

અહીં કાળમીંઢ સદીઓ છે અને કાળખંડના ચોસલાં,
હું સમયનો ત્રસ્ત શિકાર છું,અહી પળ નથી અને પ્રહર નથી.

ગયો સાથ છૂટી દિશાઓનો,નહીં સ્પર્શ શેષ કશાયનો,
હું સ્વયંને પૂછ્યા કરું સતત,મને અંશ માત્ર ખબર નથી.

ગયો ક્યાં અનાહત નાદ એ ? મને ઝંખતો હતો સાદ એ ?
હું વિરાટ વિશ્વમાં એકલો, કોઈ ભાવભીનો યે સ્વર નથી.

આ નગર,ગલી અને ધૂળ આ,આ નદીનાં નીર ભર્યાં ભર્યાં,
તે સિવાય પૃથ્વીમાં ક્યાંય પણ મારું ઘર નથી, મારું ઘર નથી.

હું વહાવી દઉં છું લખી લખી મારા અક્ષરો,મારી સંપદા
જે પ્રવાહ તે વહ્યો જાય છે,અહીં બીજું કૈં જ અમર નથી.

– ભગવતીકુમાર શર્મા

એક સળંગ સૂર ધરાવતી આ ગઝલ નો બીજો શેર સદાય યાદ રહી જાય તેવો છે. [ સિસિફસ એ ગ્રીક પુરતાનકથા અનુસાર એક શાપિત રાજા હતો જેને શ્રાપ હતો કે તેણે એક મસમોટી ગોળાકાર શિલાને એક સીધા ઢોળાવવાળા પર્વત ઉપર ચડાવવાની હતી,પરંતુ તે જેવો તેની ટોચની નજીક પહોંચતો કે તે શિલા પછી ગબડીને તળેટીમાં ચાલી જતી…-તેણે અનંત સુધી એક અંતહીન,અર્થહીન પ્રવૃત્તિ કરતા રહેવાનું હતું…] એક નિરાશાના સૂર સાથે જે એક આત્મખોજનો,આત્મનિરીક્ષણનો સૂર છે તે આ ગઝલની ખૂબી છે.

[ ગઝલની ઊંડી સમજ ધરાવતા ભાવકોને એક નમ્ર વિનંતી- મારી સમજમાં વધારો થાય તે હેતુથી આ વિનંતી કરું છું, કવિ વિષે કોઇપણ comment કરવાની મારી કોઈ જ લાયકાત નથી- છઠ્ઠો શેર મને કઠ્યા કરે છે, બહુ જામતો હોય તેમ નથી લાગતું. કદાચ તે શેર વગર ગઝલ વધુ સબળ થતે તેમ લાગે છે. આપ પ્રકાશ પાડો તો આભારી થઈશ. ]

Comments (12)

()- મીના છેડા

હું રણની રેતી
રાહ જોતી બેઠી છું,
ક્યારે

મૃગજળના દરિયામાં મોજાં આવે
અને
મને
નખશિખ ભીંજવે !

-મીના છેડા

કવિતાની ખરી મજા ત્યારે છે જ્યારે એ ઓછામાં ઓછા શબ્દોમાં મોટામાં મોટી વાત કરી શકે… મીના કવિતા જવલ્લે જ લખે છે પણ જ્યારે લખે છે ત્યારે અંદરતમ તારોને રણઝણાવી દે છે. પ્રતીક્ષા વિષયક આવી ચરમસીમાદ્યોતક કવિતા આપણે ત્યાં જૂજ જ જોવા મળે છે…

*

તાજેતરમાં જ ‘મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી’ અન્વયે મીના છેડાનો પ્રથમ વાર્તા સંગ્રહ ‘સંબંધ નામે દરિયો’ પ્રકાશિત થયો છે. આ સંગ્રહની ત્રેવીસ વાર્તાઓ આંખના ખૂણાઓ સાડી ત્રેવીસવાર ભીંજવી દે એવી થઈ છે… સંગ્રહમાંની જ એક વાર્તા ‘આકાર’ને ‘લેખિની’ સામયિક તરફથી તાજેતરમાં ધીરુબેન પટેલ પારિતોષિક મળ્યું છે.

મીનાને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન !

Sambandh naame dariyo

Comments (22)

ગઝલ – નીલેશ પટેલ

તમામ ઝંખના કાગળ ઉપર ઉતારી છે,
ગઝલને વાંચો ન વાંચો સમજ તમારી છે.

કહી દો આંસુને મોટી છલાંગ ના મારે,
બિચારી આંખની નાની સૂની જ ક્યારી છે.

જબાન પર હતા સહુના વિરોધના વાદળ,
પરંતુ લખતા રહ્યા એ જ તો ખુમારી છે.

તું તારા ઘરથી બે’ક ડગલાં ચાલજે આગળ,
પછી જે આવશે બસ એ ગલી અમારી છે.

કદાચ મારી ગઝલમાં બહુ કચાશ હશે,
ઘણાની નબળી ગઝલને અમે મઠારી છે.

મુશાયરો હવે તો ચંદ્ર પર ભલે કરીએ,
તમામની અમે દરખાસ્તને વિચારી છે.

ભલે અમીર હશે કે ગરીબ માણસ પણ,
બધાના ઘરમાં જરૂરજોગી તો પથારી છે.

– નીલેશ પટેલ

સાયણના આ કવિ ભલે કહેતા હોય કે એમની ગઝલમાં બહુ કચાશ હોવાની ગુંજાઈશ છે પણ મને તો આખી ગઝલમાં એમની ખુમારીના જ દર્શન થાય છે… નર્મદનગરની નજીકના નિવાસી હોવાની અસર હશે ?!

Comments (18)

ગઝલ – આકાશ ઠક્કર

ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે,
ઝાંખી થયેલી મેંદીનો ઇતિહાસ છે.

સૂના પડ્યાં છે ટેરવે વસતાં નગર,
લકવો પડેલાં સ્પર્શ તો ચોપાસ છે.

ભગવી  ધજાને ફરફરાવે એ  રીતે,
જાણે પવન પણ લઇ રહ્યો સંન્યાસ છે.

ઈશ્વર, તને જોયા પછી સમજાયું છે,
બન્ને તરફ સરખો વિરોધાભાસ છે.

પાંખો મળી પણ જાત માણસની મળી,
‘આકાશ’માં પણ ધરતીનો સહવાસ છે.

– આકાશ ઠક્કર

આખી ગઝલમાં ટેરવાવાળી વાત ખૂબ જ સ્પર્શી ગઈ.  ટેરવે વસતાં નગરનું સૂના પડવું જ ટેરવાનાં સ્પર્શને મૃત:પાય કરી જતું હશે…  કે પછી એનાથી ઊલટું પણ થતું હોય…?

Comments (5)

અદ્વૈત – જયંત પાઠક

હવે ન છૂટે હાથ, હાથમાં આવ્યો, પ્યારા !
હવે ન છૂટે સાથ, બાથમાં આવ્યો, પ્યારા !

તું તારે ખેંચ્યા કર, છૂટવા હું હાર્યે ખેંચાવું,
આ પા તે પા દશે દિશામાં તું જાશે ત્યાં જાઉં,
આ ચરણો, આ ગતિ, હવે ક્યાં, પિયા, રહ્યા છે મારાં ! 

તારામાં જ મૂકીને જાણે મૂળ ફૂટ્યો છું પ્યારા,
એકમેકમાં ઓતપ્રોત, ક્યાં જોવા હવે જુદારા !
એક વૃક્ષનાં પંખી ? ના, ના… એક જ બીજ-જવારા !

– જયંત પાઠક

Comments (10)

દરવાજો ખોલ – મનોજ ખંડેરિયા

કૈં ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ
આ મરવું ઝાકળ જેવું છે દરવાજો ખોલ

બ્હાર પવન સૂસવાતો એમાં ઊડી જશે
આ જીવતર કાગળ જેવું છે, દરવાજો ખોલ

આ ખુલ્લા આકાશ તળે બે શ્વાસ ભરી લે
ઘર સમજણનું છળ જેવું છે, દરવાજો ખોલ

તેજ હશે કે ઝરમર? સૌરભ? કોણ હશે આ?
કૈં નમણી અટકળ જેવું છે, દરવાજો ખોલ

શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વર્ષોથી
લે કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ

– મનોજ ખંડેરિયા

રવિવારે બારણું બંધ કરવાની વાત કરતું ગીત આવ્યું એટલેદરવાજો ખોલવાનું કહેતી આ ગઝલ યાદ આવી ગઈ. (હવે ખરેખર બારણું ખોલવું કે પછી બંધ રાખવું એ પાછા મને ન પૂછતા ! 🙂

અંતરમનના દરવાજાને ખોલવાનું આવાહન કરતી ગઝલ બહુ ઊંડી વાત લઈને આવે છે.  મરણના ઝાકળસમ પાતળા પોતને ઓળંગીને ઝળઝળ તેજ તરફ બોલાવતો પહેલો શેર આપણા શ્રેષ્ઠ શેરમાંથી એક છે. પહેલા જ શેરથી જે વાતાવરણ બંધાય છે એને કવિ છેલ્લે સુધી જાળવીને બતાવે છે. જીવનની ભંગૂરતા, સમજણનું છીછરાપણું, અગમ્યના કૌતુહલનો રોમાંચ – બધુ એક પછી એક આવે છે. છેલ્લો શબ્દમહિમાનો શેર ગઝલને ચરમસિમા પર લઈ જાય છે.

Comments (11)

મિત્રોના સવાલ – શ્રીકાંત વર્મા (અનુ. જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ )

મિત્રો,
એ કહેવાનો કોઈ અર્થ નથી
કે હું પાછો ફરી રહ્યો છું.

સવાલ એ છે કે તમે ક્યાં જઈ રહ્યા છો ?

મિત્રો,
આ કહેવાનો કોઈ મતલબ નથી
કે હું સમયની સાથે ચાલી રહ્યો છું.

સવાલ એ છે કે સમય તમને બદલી રહ્યો છે
કે તમે
સમયને બદલી રહ્યા છો ?

મિત્રો,
એ કહેવાનો કોઈ અર્થ નથી,
કે હું ઘેર આવી પહોંચ્યો.

સવાલ આ છે
હવે પછી કયાં જશો ?

– શ્રીકાંત વર્મા
(અનુ. જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ )

જવાબો શોધવા કરતા પણ સવાલો શોધવા વધારે અઘરા છે.  એક મુદ્દાનો સવાલ એક આખી જીંદગી બદલવા માટે પર્યાપ્ત હોય છે.

આજે બધા કામ પૂરા થઈ જાય પછી નિરાંતે સૂતા પહેલા પોતાની જાતને પૂછી જોજો, ‘સમય તમને બદલી રહ્યો છે કે તમે સમયને બદલી રહ્યા છો?’ – એકાદ અઠવાડિયું ચાલે એટલો વિચારવાનો સામાન મળી રહેશે 🙂

Comments (10)

બારણાંને – કિસન સોસા

બારણાંને મેં બંધ કર્યાં
ને ખોલી નાખી બારી
આજ ટેરવે સમજણ ફૂટી
એવી કંઈ અણધારી…

પળમાં તાજો થયો અનંતથી
છૂટી ગયેલો નાતો
પસાર થાતો જીવ કનેથી
પવન ઋચાઓ ગાતો
બારણું બાંધી રાખે,બારી
ઉડાન દે અલગારી…

કિરણગૂંથ્યા મોરપિચ્છથી
સજી એવી સંજવારી
ઓરડા સાથે અંતરમનમાં
ફોરી ઓજની ક્યારી
આજ કેટલી કુબેર દૃષ્ટિ
ગતની રંક બિચારી
બારણાંને મેં બંધ કર્યાં
ને ખોલી નાખી બારી….

– કિસન સોસા

આ નમણા કાવ્યમાં lateral thinkingથી લઈને “ઘૂંઘટકે પટ ખોલ રે,તોહે પિયા મિલેંગે…” સુધીની વાતો વણી લેવાઈ છે…. ‘બારણું બાંધી રાખે,બારી ઉડાન દે અલગારી…’ -પંક્તિ અદભુત સ્પંદનો જગાવે છે.

Comments (11)

ગઝલ – વિવેક કાણે ‘સહજ’

kaThputLi

અધર ને શબ્દના મંજુલ સમાસમાં લીધી
અમે પીગળતી કોઈ ક્ષણને પ્રાસમાં લીધી

ગઝલના પાકને રેતી જ રાસ આવે છે
મરુભૂમિ અમે એથી ગરાસમાં લીધી

ભરે કોઈ જે રીતે શ્વાસ અંતવેળાના
તમે શ્વસેલી હવા એમ શ્વાસમાં લીધી

પ્રથમ ગુનો તો ‘સહજ’ છૂટછાટ લીધી એ
અને ઉપરથી એ હોશોહવાસમાં લીધી

– વિવેક કાણે ‘સહજ’

વડોદરા ‘ગઝલસભા’ દ્વારા ‘મરીઝ  યુવા પ્રતિભા ગઝલકાર’નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે એ બદલ કવિશ્રીને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન !!

કવિશ્રીને એમના પ્રથમ ગઝલ સંગ્રહ ‘કઠપૂતળી’ બદલ ‘લયસ્તરો’ તરફથી હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ…

Comments (21)