કેમ એ આવ્યા નહીં કોને ખબર?
એમને પણ કોઈ મર્યાદા હશે
-જવાહર બક્ષી

સ્વર્ગ – કિમ ચિ હા (અનુ. વિષ્ણુ પંડ્યા)

અન્નનો
એક કોળિયો
એ જ તો છે સ્વર્ગ !
સ્વર્ગમાં તમે
નથી જઈ શક્તા, સાવ એકલા.
એવું જ મુઠ્ઠી ધાનનું છે
તે વહેંચીને ખાવું પડે છે
એટલે તો તે છે સ્વર્ગ સમાન !

જેમ આકાશી તારા
પ્રકાશે છે એકમેકની સંગાથે
અનાજ પણ એમ દીપે છે
સાથે આરોગવાથી.

અનાજ છે સ્વર્ગ.
જ્યારે તે ગળામાંથી પાર થઈ
પહોંચે છે શરીરના કણ સુધી
સ્વર્ગ તમારા દેહમાં વસે છે.

હા, અનાજ છે સ્વર્ગ.

– કિમ ચિ હા (કોરિયા)
(અનુ. વિષ્ણુ પંડ્યા)

કોરિયાના આ કવિની જિંદગી આઝાદ હવામાં વીતી એના કરતાં વધારે જેલમાં વીતી છે. સરકાર સામે થવાના કારણે એને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી જે પછીથી લોક-વિદ્રોહને માન આપીને રદ કરી એમને આઝાદ કરવામાં આવ્યા. પણ જ્યારે એમણે સરકારના દમન અંગે વિધાન કર્યા ત્યારે એમને ફરીથી આજીવન કારાવાસમાં નાંખી દેવાયા. એમણે ‘આત્માનું જાહેરનામું’ કવિતા લખી એ પછી તો એમને એકાંતવાસમાં પણ ખદેડી દેવાયા… કોરિયામાં એ આગ અને શોણિતના કવિ તરીકે જાણીતા છે.

ભૂખમરા અને સત્તાવાદથી પીડાતા કોરિયન લોકો માટેની કવિની વેદના આ કાવ્યમાં ઉપસી આવી છે. અન્નનો કોળિયો જ ખરું સ્વર્ગ છે પણ એ સ્વર્ગ સહિયારું હોય તો જ… અન્ન બ્રહ્મ છે અને સહનૌભુનકતુની આપણી આદિ સંસ્કૃતિ સાથે પણ આ વાત કેવો મેળ ખાય છે !!

8 Comments »

  1. Kirtikant Purohit said,

    January 29, 2011 @ 7:20 AM

    વેદનાની આધ્યાત્મિક અભિવ્યક્તિ.સરસ.

  2. Girish Parikh said,

    January 29, 2011 @ 11:41 AM

    કિમ ચિ હા અને વિષ્ણુ પંડ્યાની ક્ષમાયાચના સાથે આ વહેંચવા માટે લખું છું:

    ગઝલનો
    એક શેર
    એ જ તો છે સ્વર્ગ !

    ગઝલ છે સ્વર્ગ.
    જ્યારે તે ગળામાંથી પાર થઈ
    પહોંચે છે શરીરના કણ સુધી
    સ્વર્ગ તમારા દેહમાં વસે છે.

    હા, ગઝલ છે સ્વર્ગ.

    નોંધઃ “ગળામાંથી પાર થઈ” એ ગઝલ-ગાન અને પઠન વિશે છે. “આંખોથી પાર થઈ” લખીએ તો ગઝલ વાંચવા વિશે થાય.

    –ગિરીશ પરીખ
    ગિરીશના પ્રકાશિત થનાર પુસ્તક ‘આદિલના શેરોનો આનંદ’ માણીએ અને વહેંચીએ !
    Blog: http://www.girishparikh.wordpress.com
    E-mail: girish116@yahoo.com

  3. Girish Parikh said,

    January 29, 2011 @ 12:09 PM

    અલબત્ત, અન્ન, વસ્ત્ર, અને આશ્રય એ સૌ માનવીઓની ત્રિવિધ જરૂરિયાત છે.
    અન્ન એ શરીર અને મનનું પોષણ કરે છે. દેખીતું છે કે એના વિના જીવી ન શકાય. પ્ણ ત્રિવિધ જરૂરિયાતો સંતોષાયા પછી શું?
    સાહિત્ય, સંગીત, અને કલા મનનો ખોરાક છે.
    કાવ્યસાહિત્યમાં ઉત્કૃષ્ટ ગઝલોના શેરો, અને ગઝલો, પૃથ્વી પરના સ્વર્ગ સમાન છે !

    નીચેની લીંક પર ‘અન્નદેવનું અપમાન ન કરો’ લેખ વાંચવા વિનંતી કરું છું:
    http://girishparikh.wordpress.com/2011/01/01/%e0%aa%85%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a8%e0%aa%a6%e0%ab%87%e0%aa%b5%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%85%e0%aa%aa%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8-%e0%aa%a8-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b/

  4. pragnaju said,

    January 29, 2011 @ 1:15 PM

    …જેમ આકાશી તારા
    પ્રકાશે છે એકમેકની સંગાથે
    અનાજ પણ એમ દીપે છે
    સાથે આરોગવાથી.

    અનાજ છે સ્વર્ગ.
    કઠોપનિષદનો શાંતિમંત્ર યાદ આવ્યો
    ૐ સહનાવવતુ સહ નૌ ભુનકતુ સહ વીર્યમ્ કરવાવહૈ
    તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ
    ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
    વિજ્ઞાન અને અઘ્યાત્મની સરહદ પર ઊભા રહીને દર્શન કરવા જેવી રચના છે.
    તૈત્તિરીય ઉપનિષદની બ્રહ્માનંદ વલ્લીમાં, પંચકોષીય અને શરીરની વિભાવના છે. શરીર પાંચ કોષોનું બનેલું છે. કોષ એટલે શું? અહીંયા તેનો ‘ભંડાર’ જેવો અર્થ લેવા જેવો છે. પ્રથમ કોષ છે, અન્નમય કોષ. અન્નમાંથી જન્મેલ, અન્નથી જ વૃદ્ધિ પામતો અને અંતે અન્નમાં જ વિલય પામતો ભાગ અન્નમય કોષ કહેવાય. અન્ન શબ્દમાં બધા જ ભૌતિક પદાર્થો, જેમાંથી ભૌતિક શરીર બને છે, તેનો સમાવેશ થાય છે. વિજ્ઞાનની ભાષામાં તેને જૈવિક કે બાયોલોજિકલ શરીર કહેવાય. અન્નમય કોષ અન્ય ચાર કોષોનો આધાર છે. તેથી વ્યવહાર ધર્મોમાં અન્નનું ઘણું મહત્ત્વ છે. લગભગ બધા જ ધર્મોમાં અન્નદાનનો મહિમા છે. વેદોમાં ‘અન્નં બહુ કુર્વિત’ અને ‘અન્નં ન નિંધાત્’ જેવો અન્ન-મહિમા છે. ભોજનની ક્રિયાને વૈશ્વાનર યજ્ઞ કહીએ છીએ. યજ્ઞ એટલે વિવેકપૂર્ણ ઉપયોગ. જયાંથી લઇએ ત્યાં થોડું પાછું વાળીએ અને વધેલું સૌ સાથે વહેંચીને ખાઇએ.

  5. dHRUTI MODI said,

    January 29, 2011 @ 4:08 PM

    તેન ત્યકતેન ભુંજીથાઃ
    ત્યાગીને ખાવું જોઈઍ. ગીતામાં ભગવાને ઍ જ કહ્યું છે. ઍકલો ખાનારો નર્ક ખાય છે. કવિની પણ ઍ જ ભાવના છે.અન્નની વહેંચણી ઍ યજ્ઞ છે. ઍ યજ્ઞમાં સૂર્યથી માંડી ગરીબ ખેડૂત પોતાની તરફથી કંઈને કંઈ અનુદાન આપે છે, તેથી જ અન્ન પવિત્ર છે. સુંદર કવિતા, સુંદર અનુવાદ.

  6. preetam lakhlani said,

    January 29, 2011 @ 4:14 PM

    બ હુ જ સરસ ઉતમ કાવ્ય્ વાચીને રાજી થયો ……………

  7. કિરણસિંહ ચૌહાણ said,

    February 2, 2011 @ 1:06 PM

    વિદ્રોહ કરવા માટે પણ એકતા તો કેળવવી પડે. અને પેટમાં થોડું તો અન્ન ગયેલું હોવું જોઇએ. કવિએ સાંકેતિક રીતે ઘણું બધું કહી દીધું.

  8. Pinki said,

    February 9, 2011 @ 4:05 AM

    ….. !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment