શારીન કુડચેકર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
January 23, 2011 at 2:30 AM by વિવેક · Filed under અછાંદસ, ડોરથી લિવસે, વિશ્વ-કવિતા, શારીન કુડચેકર
મારું હૃદય તાર પર તણાયું છે
તંગ, તંગ.
નાની અમથી લહેરખી
ભલે મંદમંદ
મૂકી શકે કંપ.
તારો કેવળ એક શબ્દ
ગમે તેટલો હળવો,
તેને નંદવી શકે…
– ડોરથી લાઇવસે
(અનુ. શીરીન કુડચેડકર)
કવિતા ખરેખર શું છે એની પ્રતીતિ આવી કવિતા વાંચીએ ત્યારે જ થઈ શકે. કેટલું નાનું અમથું કાવ્ય પણ કેટલું વિશાળ ફલક!! કેનેડિયન કવયિત્રી હૃદયને તાર પર તણાયું છે કહ્યા પછી જે રીતે તંગ તંગની પુનરુક્તિ કરે છે એમાં તંતુવાદ્યના તણાયેલા તાર ચાક્ષુષ પણ થાય છે અને એનો રણકાર સંભળાય પણ છે. કવિતાનો એક જ શબ્દ આ રીતે જે ઇન્દ્રિયવ્યત્યય કરી શકે છે એ જ કવિતાની ખરી તાકાત છે…
Permalink
January 22, 2011 at 1:07 AM by વિવેક · Filed under અછાંદસ, વિશ્વ-કવિતા, શારીન કુડચેકર
ફક્ત એક વાર હું તારી સાથે સૂતી હતી,
કદી જાણ્યો નથી એવાં શયન અને પ્રેમ
માધુર્યથી ભર્યાભર્યાં, પાછળથી સહેજે કડવાશ વિનાનાં
મારે માટે તે પહેલો જ અનુભવ હતો અને આટલી સુંવાળપથી
કોઈ ફૂલની પાંદડીઓને ઉઘાડી શક્યું ન હોત, ફૂલ ખીલી શક્યું ન હોત
તારા હાથ મારા પર દ્રઢ હતા, નિર્ભય
હું પડી હતી ઘેરાયેલી શાંત આનંદમાં-
ત્યાં એકાએક મારામાં ફુવારો જાગ્યો.
મારા પ્રિય, વર્ષો વીત્યાં છે, આપણે પ્રૌઢ બન્યાં છીએ
ઝડપથી, પોતપોતાની રીતે પોતપોતાના પ્રયત્ને.
હું તેને જોઉં છું ત્યારે જોઉં છું એક વૃદ્ધ પુરુષ.
સ્વપ્નો વિનાનો, રોજીરોટી વિનાનો, ઓવરકોટ વિનાનો,
પણ એક જ સંઘર્ષમાં જકડાયેલાં આપણે આવ્યાં છીએ નિકટ ને નિકટ
આપણા દેહ હજી એકમેકના આલિંગનમાં હોત તેથી વિશેષ
– ડૉરથી લાઇવસે
(અનુ. શારીન કુડચેકર)
પ્રેમનું અંતિમ લક્ષ્ય ભલે દેહ હોઈ શકે પણ પ્રેમ હંમેશા દેહથી પર જ હોય છે. કેનેડાના કવયિત્રીની આ કવિતા પાશ્ચાત્ય નારીભાવનાઓ સુપેરે ઉજાગર કરે છે પણ આપણા દેશમાં પણ પ્રેમની સાચી વિભાવના કદાચ આ જ હોઈ શકે. આ કવિતાના હાર્દમાં ઉતરવા માટે ‘ફક્ત એક વાર’ અને ‘પહેલો જ અનુભવ’ આ બે શબ્દપ્રયોગ ચાવીરૂપ છે. ઘણીવાર આવા સંબંધ પસ્તાવા અને મનની કડવાશ વહોરે છે પણ જો પ્રેમ સાચો હોય તો જ વ્યક્તિ ફૂલની પાંદડીઓ સમ ઉઘડી-ખીલી શકે, નિર્ભય હોઈ શકે, ફુવારાની જેમ અસ્ખલિત ઉભરાઈ શકે અને કડવાશવિહિન માધુર્ય અનુભવી શકે…
કવિતાના (કદાચ સૉનેટના) બીજા ભાગમાં જે વર્તમાન છે એ ભૂતકાળના પ્રેમના ખરાપણાંનું સર્ટીફિકેટ છે. બંને પાત્ર પછીની પોતપોતાની જિંદગી પોતપોતાની રીતે ગુજારીને સાવ ખાલી થઈ ગયા છે પણ એકમેકની એટલા નજીક આવી શક્યા છે જેટલા કદાચ આલિંગનમાં રહ્યાં હોત તો ન આવી શકત…
Permalink