અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો...
જગદીશ જોષી

સાથી – ડૉરથી લાઇવસે (અનુ. શારીન કુડચેકર)

ફક્ત એક વાર હું તારી સાથે સૂતી હતી,
કદી જાણ્યો નથી એવાં શયન અને પ્રેમ
માધુર્યથી ભર્યાભર્યાં, પાછળથી સહેજે કડવાશ વિનાનાં
મારે માટે તે પહેલો જ અનુભવ હતો અને આટલી સુંવાળપથી
કોઈ ફૂલની પાંદડીઓને ઉઘાડી શક્યું ન હોત, ફૂલ ખીલી શક્યું ન હોત
તારા હાથ મારા પર દ્રઢ હતા, નિર્ભય
હું પડી હતી ઘેરાયેલી શાંત આનંદમાં-
ત્યાં એકાએક મારામાં ફુવારો જાગ્યો.
મારા પ્રિય, વર્ષો વીત્યાં છે, આપણે પ્રૌઢ બન્યાં છીએ
ઝડપથી, પોતપોતાની રીતે પોતપોતાના પ્રયત્ને.
હું તેને જોઉં છું ત્યારે જોઉં છું એક વૃદ્ધ પુરુષ.
સ્વપ્નો વિનાનો, રોજીરોટી વિનાનો, ઓવરકોટ વિનાનો,
પણ એક જ સંઘર્ષમાં જકડાયેલાં આપણે આવ્યાં છીએ નિકટ ને નિકટ
આપણા દેહ હજી એકમેકના આલિંગનમાં હોત તેથી વિશેષ

– ડૉરથી લાઇવસે
(અનુ. શારીન કુડચેકર)

પ્રેમનું અંતિમ લક્ષ્ય ભલે દેહ હોઈ શકે પણ પ્રેમ હંમેશા દેહથી પર જ હોય છે. કેનેડાના કવયિત્રીની આ કવિતા પાશ્ચાત્ય નારીભાવનાઓ સુપેરે ઉજાગર કરે છે પણ આપણા દેશમાં પણ પ્રેમની સાચી વિભાવના કદાચ આ જ હોઈ શકે. આ કવિતાના હાર્દમાં ઉતરવા માટે ‘ફક્ત એક વાર’ અને ‘પહેલો જ અનુભવ’ આ બે શબ્દપ્રયોગ ચાવીરૂપ છે. ઘણીવાર આવા સંબંધ પસ્તાવા અને મનની કડવાશ વહોરે છે પણ જો પ્રેમ સાચો હોય તો જ વ્યક્તિ ફૂલની પાંદડીઓ સમ ઉઘડી-ખીલી શકે, નિર્ભય હોઈ શકે, ફુવારાની જેમ અસ્ખલિત ઉભરાઈ શકે અને કડવાશવિહિન માધુર્ય અનુભવી શકે…

કવિતાના (કદાચ સૉનેટના) બીજા ભાગમાં જે વર્તમાન છે એ ભૂતકાળના પ્રેમના ખરાપણાંનું સર્ટીફિકેટ છે. બંને પાત્ર પછીની પોતપોતાની જિંદગી પોતપોતાની રીતે ગુજારીને સાવ ખાલી થઈ ગયા છે પણ એકમેકની એટલા નજીક આવી શક્યા છે જેટલા કદાચ આલિંગનમાં રહ્યાં હોત તો ન આવી શકત…

6 Comments »

  1. preetam lakhlani said,

    January 22, 2011 @ 2:37 AM

    બહુ જ સરસ્……………

  2. અનામી said,

    January 22, 2011 @ 7:00 AM

    સુંદર…..ને વિવેકભાઈની રજુઆત પણ સુંદર…

    “પ્રેમનું અંતિમ લક્ષ્ય ભલે દેહ હોઈ શકે પણ પ્રેમ હંમેશા દેહથી પર જ હોય છે. ”

    really nice….

  3. pragnaju said,

    January 22, 2011 @ 1:14 PM

    એક જ સંઘર્ષમાં જકડાયેલાં આપણે આવ્યાં છીએ નિકટ ને નિકટ
    આપણા દેહ હજી એકમેકના આલિંગનમાં હોત તેથી વિશેષ
    અ દ ભૂ ત
    પ્રેમનું અંતિમ લક્ષ્ય પ્રભુનો સાક્ષાત્કાર વિરહના અનુભવ વિના થતો નથી અને વિરહના અનુભવમાં પ્રિય પ્રભુ સિવાય સર્વ ત્યાગ કરી નિરંતર પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરી આપની સન્મુખ રહેવાનું હોય છે. તે વિના સાક્ષાત્કાર થતો નથી. અને નિત્યલીલાસ્થ દિવ્ય પ્રેમ સ્વરૂપના સાક્ષાત્કાર વિના દૈવી જીવનની સાર્થકતા માની શકાતી નથી.

  4. Girish Parikh said,

    January 22, 2011 @ 1:27 PM

    વિવેકભાઈઃ મૂળ અંગ્રેજી કવિતા આપશો?

  5. dHRUTI MODI said,

    January 22, 2011 @ 3:42 PM

    ખૂબ જ સુંદર કવિતા. ખાસ ગમી ગયેલી પંક્તિઓ,

    ઍક જ સંઘર્ષમાં જકડાયેલાં આપણે આવ્યાં છીઍ નિકટને નિકટ.
    આપણા દેહ હજી ઍકમેકના આલિંગનમં હોત તેથી વિશેષ.

    દિલને ચોંટદાર અસર કરે ઍવી ભાવવાહી કવિતા. અનુવાદકને અભિનંદન.

  6. વિવેક said,

    January 22, 2011 @ 11:38 PM

    મૂળ કવિતા મને મળી નથી… કોઈ ભાવક શોધી આપશે તો એમના ઋણસ્વીકાર સહિત અહીં મૂકીશ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment