આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે, એ વાત આજે જાણી
ચિનુ મોદી ‘ઈર્શાદ’
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for September, 2010
September 30, 2010 at 12:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, ચિનુ મોદી
નામ તારું કોઈ વારંવાર લે,
તું ખરો છે કે તરત અવતાર લે.
આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું ?
તું કહે તો થાઉં ખુશ્બોદાર, લે.
તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.
હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું ?
તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે.
શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર ?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.
બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
આ ફરી પાછો ફર્યો હુંકાર, લે.
એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’
ને હતો હું કેવો બેદર્કાર, લે.
(૨૪/૪/૨૦૦૭)
– ચિનુ મોદી ‘ઇર્શાદ’
ચિનુકાકાની ગઝલોમાં મને હંમેશા અનોખી ખુમારી જોવા મળે છે. આજે પણ વધુ એક ખુમારીવાળી ગઝલ, એમનાં તાજેતરમાં પ્રગટ થયેલાં ગઝલસંગ્રહ ‘ખારાં ઝરણ’ માંથી.
ચિનુકાકાને એમનાં જન્મદિવસે એમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ… આ જ ગઝલસંગ્રહમાંની એક બીજી ઇર્શાદ-ગઝલ આપ સૌ અહીં માણી શકો છો.
Permalink
September 29, 2010 at 7:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, મહેશ રાવલ ડૉ.
કાં સાદ કાં પડઘાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે
ચાલ્યા જ કર,રસ્તાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે
ડૂબી જવાનો ભય તરાવી જાય સહુને, છેવટે
આ ડૂબવા-તરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે
તું શાંતચિત્તે બાગમાં જઈ બેસવાનું રાખજે
કૂંપળ અને ખરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે
ટલ્લે ચડે નહીં અંધ થઈ વિશ્વાસ, જોજે એટલું
પથ્થર અને શ્રદ્ધાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે !
ઉત્તર વગરના પ્રશ્ન જેવું તું વલણ છોડી શકે
તો ,જીવવા-મરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે
ભેટી શકે તું, એટલું નજદીક છે ઈશ્વરપણું
ખોવાઇને જડવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે
તું લાગણીમાં શબ્દને નખશિખ ઝબોળી,લખ ગઝલ
મત્લા અને મક્તાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે !
– ડૉ.મહેશ રાવલ
એક નવિનતમ રદીફવાળી મહેશભાઈની આ ગઝલ વાંચતાવેંત ગમી ગઈ હતી… એમાંય ખોવાઈ ને જડવાવાળો અશઆર જરા વધુ ગમી ગયો !
Permalink
September 28, 2010 at 10:19 PM by ધવલ · Filed under ગઝલ, પ્રફુલ્લા વોરા
ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત,
ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત.
ખાલીપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં,
જામ દરદના ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત.
ફૂલોની રંગત છે આજે, રેશમ જેવી મહેક હવાની,
કાંટાનો વિસ્તાર ભૂલીને ફરીએ થોડું અંગત અંગત.
ચારે બાજુ દર્પણ મૂક્યાં, ચારે બાજુ ચહેરાઓ છે,
મહોરાં-બુરખા ઓઢી લઈને ભૂલીએ થોડું અંગત અંગત.
મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ,
પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત.
– પ્રફુલ્લા વોરા
થોડું અંગત અંગત જેવો સુંવાળો રદીફ હોય તો ગઝલના પ્રેમના ન પડી જવાય તો જ નવાઈ !
ચોથો શેર સૌથી વધુ ગમ્યો. વાછટની જેમ વાગતા ચહેરાઓની વચ્ચે પાતળી દિવાલ કરી લઈને વીતેલું ભૂલવાની કળા – એ જીવન સરળ કરી નાખવાની કળા છે.
Permalink
September 27, 2010 at 9:43 PM by ધવલ · Filed under કેશુભાઈ પટેલ, ગીત
દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે,
એક દિવસનું રાજ કરીને કેલેન્ડરથી છૂટે.
ગગને ઊડતાં પંખી જોઈ
અંતર આશા જાગી,
ખાલી નાહક એકલ ઊડે
સાથ પવનનો માંગી.
એક એક દિવસનું આયુષ્ય વરસ મહીંથી ખૂટે.
દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે.
ઝાડ ઉપરથી ખરતાં પર્ણો
કૂંપણ હોઠે હસતી,
સંબંધ તોડે પૂર્વજથી એ
નવા યુગની વસતી.
સૂકા અક્ષર બોલે મૂગું, વાણી ક્યાંથી ફૂટે ?
દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે.
– કેશુભાઈ પટેલ
દરેક દિવસ જીવનમાંથી એક દિવસ ઓછો કરતો જાય છે. કેલેન્ડર રોજ એક તારીખના તૂટવાના સમાચાર આપતું રહે છે. આ સતત વિસર્જન તરફ જતા કાફલાના સાપેક્ષમાં આપણે જીવન-આશા-આયુષ્ય-તારીખ એ બધાનો અર્થ ફરીથી તપાસીએ તો નવી જ વાત સમજ પડવાની શક્યતા છે. ફિલસૂફોએ પોતાના મૃત્યુ વિષે જાગૃત મનથી વિચારવાના માર્ગને ચેતનાનો રસ્તો ગણાવ્યો છે. પણ પરમ સખાના ખભે હાથ મૂકીને ચાલવાનું ગજુ કોઈકનું જ હોય છે.
Permalink
September 26, 2010 at 3:30 AM by તીર્થેશ · Filed under ગીત, મનસુખલાલ ઝવેરી
ઓ લ્હેરખી !
ન્હોતું કશું ને અલી! ઊઠી તું ક્યાંથી,
પોઢી ગયેલ મારા સોણલાં જગાડતી !
મેં તો અભાગણીએ જાણ્યું:
કે માણ્યું-ના માણ્યું
એ સર્વ ગયું ચાલ્યું
રે દૂર દૂર દૂર પેલાં ઝાંઝવાંની સંગ ત્યાં,
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી ?
ઓ લ્હેરખી!
તારે ઘડીક આમ અમથું આ લ્હેકવું;
માનવના હૈયાને અણદીઠું દેખવું!
દેખવું ને ઝંખવું ને ઝૂરવું સદાય, ત્યાં
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી?
ઓ લ્હેરખી!
હૈયાનાં આભ ભરી જાગ્યો વિજોગ આ!
આવડીક જિંદગીમાં આવી શી વેદના!
મનમાં ન માય કે ન હોઠે કહેવાય,ત્યાં
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી?
– મનસુખલાલ ઝવેરી
અનંતમાંથી અલગ થઈ,મૂળભૂત અનંતતાને વિસરી,અનંત તરફની યાત્રા એટલે જીવન… જાણે કે એક શાશ્વત અને ઈશ્વરીય છળ… સંસારમાં ડૂબેલા માનવને એક વિપળ માટે પરમ તત્વના અસ્તિત્વની આછેરી ઝાંખી થઈ જાય છે અને એ લ્હેરખી એને અશાંત કરીને ચાલી જાય છે…. કોઈકની યાત્રા ત્યાંથી શરુ થાય છે તો કોઈક તેને પળભરનો ભ્રમ ગણીને અવગણી દે છે…..
Permalink
September 25, 2010 at 2:22 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા
પત્ર ખોલું, પત્રમાંથી નીકળું
એ જ ક્ષણથી પૂર્ણ તેજે ઝળહળું
પત્ર વાંચું, પત્ર બોલું, સાંભળું
ફક્ત એ રીતે હવે તમને મળું
અન્ન-જળ ને પ્રાણવાયુ પત્ર છે
પત્ર દ્વારા જીવતું હું પૂતળું
એકધારું, એક ધારે ભીંજવે
આ તમારો પત્ર છે કે વાદળું !
પત્ર સાથોસાથ હું ઊગ્યો હતો
પત્ર જ્યાં પૂરો થયો કે હું ઢળું
– હર્ષદ ચંદારાણા
કેટલાક પત્ર જાહેરમાં વાંચવા પણ ગમી શકે છે… ખરું?
Permalink
September 24, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રમેશ પારેખ
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોનાં એવાં અંધાર્યાં વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાં-નું પૂર આવવું
ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
– રમેશ પારેખ
પહેલા વરસાદનું માહાત્મ્ય સૌને વિદિત છે જ. એના શુકન સાથે વિરહતપ્ત હૈયા અને મિલનની ભીનપને સાંકળી લઈ ર.પા. પ્રેમ અને વરસાદ બંનેને સમાન ઉજાગર કરે છે. ચાર આંખોનું તારામૈત્રક રચાય ત્યારે એવું ઘનઘોર અંધારું છવાય છે જ્યાં નથી બાકીની દુનિયા નજરે ચડતી કે નથી હું કે તું, રહે છે માત્ર ‘આપણે’. પ્રેમીઓનું એકીકરણ એટલે જ વહાલનું સુનામી…
Permalink
September 23, 2010 at 10:09 PM by ઊર્મિ · Filed under મુક્તક, રઈશ મનીયાર
ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ,
કે સત્યમ્ શિવમ્ સુંદરમ્ વ્યક્ત કરીએ;
આ મત્લાથી મક્તા સુધીની નમાજો,
પઢી લઇ અમે તો ધરમ વ્યક્ત કરીએ.
-રઈશ મનીઆર
Permalink
September 22, 2010 at 9:51 PM by ઊર્મિ · Filed under ગઝલ, ભરત ત્રિવેદી
શબ્દ સારા કે નઠારા હોય છે,
અર્થ કાયમના ઠગારા હોય છે !
એકસરખો એ ભલે વરસે છતાં,
હાથમાં વધઘટ અમારા હોય છે !
ડાળ છોડીને ગયું પંખી પછી,
કાનમાં કલરવ તમારા હોય છે !
એ ધજા છે કે સુકાતી ઓઢણી ?
દૂરથી પ્રશ્નો થનારા હોય છે !
એ તને દોડાવશે એવું કહી,
શબ્દ આગળ ક્યાં જનારા હોય છે !
-ભરત ત્રિવેદી
ભરતભાઈનાં કાવ્યસંગ્રહ ‘કલમથી કાગળ સુધી’ માંથી…
Permalink
September 21, 2010 at 9:58 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રવીણ ગઢવી
‘O, Wood Cutter,
Cut my Shadow.’
હિન્દુ બનું
બુદ્ધ બનું
મુસલમાન બનું
આ પડછાયો કપાતો નથી,
મારાથી.
કુલડી ગઈ
સાવરણી ગઈ
આ પડછાયો ખૂટતો નથી
મારાથી.
નામ બદલું
કામ બદલું
ઠામ બદલું
જાત બદલું
આ પડછાયો છોડતો નથી.
ભાષા બદલું
વેશ બદલું
ઈતિહાસ બદલું
આ પડછાયો તૂટતો નથી.
સ્મૃતિ રચું
બંધારણ રચું
કાયદા કરું
થાપણ બનું
કોઈ કાળે આ પડછાયો ભૂંસાતો નથી.
‘O, Wood Cutter,
Cut my Shadow.’
– પ્રવીણ ગઢવી
(‘પડછાયો’)
અસ્પૃશ્યતા આપણા સમાજનું સૌથી મોટું કલંક છે. એક વાર અસ્પૃશ્યની છાપ જેના નામ પાછળ લખાઈ જાય એ પછી ગમે તે કરો પૂરેપૂરી કદી ભૂંસાતી જ નથી. આ અસ્પૃશ્યતા – આ કાળો પડછાયો – આપણા બધાનું સહિયારું પાપ છે. કોણ જાણે કેટલો વધારે સમય લાગશે એને ભૂંસાતા ?
Permalink
September 20, 2010 at 10:45 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
છે જળમાં દગા ને હવામાં દગા,
લપાવાની મન સૌથી સારી જગા
તિમિર છે ને પ્રકટ્યું આ તારું સ્મરણ
થઈ જાણે અજવાસની શક્યતા
જવું બાગમાં યાને પાવન થવું
થવી ફૂલની મ્હેકતી જાતરા
કૂહાડા પડે સામે ગુલમ્હોર પર
અહીં ઊખડે મારી જીવતી ત્વચા
ગતાગમ, ભલે હોય નહીં શબ્દની –
મૂંગો પ્રેમ પણ- છે સહજ પ્રાર્થના.
– રમેશ પારેખ
લપાવા માટે મન સૌથી સારી જગા – આની સામે તો શું દલીલ હોઈ શકે ? 🙂
Permalink
September 19, 2010 at 3:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
એક નામ અલ્લા કહી, એક નામ મારું ય આજ પછી લેવાનું છોડી દઉં… એટલે નિરાંત.
આંખના ઉજાગરા, ને જીવના ઉચાટ,કશા વણફૂટ્યા ઝરણે ઝબોળી દઉં… એટલે નિરાંત.
એક એક અક્ષરને ગોઠવતાં ગોઠવતા અમથી લંબાઈ ગઈ વારતા !
ગેબી કો’ ગાયકના કંઠથી અગનઝરતી ડાયરામાં ફૂલકણી ફોડી દઉં… એટલે નિરાંત.
જીવતરના કીડિયારે કણકણમાં ઝેર કોઈ છાંટવા મથે ને કોઈ છાંડવા !
જોણું આ અચરજથી જોતાં હો એવાની શબ્દોના સથવારે ભ્રમણા જ તોડી દઉં… એટલે નિરાંત.
ભર ભર બપોરનું તે જડબું ઉઘાડું ને રોજની સવાર થતી સ્વાહા
દૂર દૂર સળગે છે સાંજનો મહેલ એના આંગણે મલ્હાર રાગ ખોડી દઉં… એટલે નિરાંત.
સૂરજની પાઘડીનો વળ કોણ જાણે ક્યારે છેડો આવે ને ક્યારે નીકળે ?
ધરતીની ઓઢણીને લીલેરી કોર હવે દશ દિશથી લાવીને ચોઢી દઉં… એટલે નિરાંત.
-ગની દહીંવાળા
ઉમ્રે દરાઝ માંગ કે લાયે થે ચાર દિન, દો આરઝૂમેં કટ ગયે દો ઇન્તઝારમેં…….. વહેવારુ જીવન ક્યારે આપણને સમૂળગા અને સંપૂર્ણ લપેટી લે છે તેનો કદી ખ્યાલ સુદ્ધાં નથી આવતો. બપોર સવારને અને સાંજ બપોરને ભરખતી રહે છે. સૂરજની પાઘડીના વળનો છેડો ઓડિસિયસની પત્નીની શાલ જેવો છે-દિવસે ગૂંથાય અને રાત્રે ઉખળે….. નિરાંત ઝાંઝવું જ બની રહે છે.
Permalink
September 18, 2010 at 12:40 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, વિવેક મનહર ટેલર
દોસ્તો,
‘ચિત્રલેખા’ના સાડા ચાર લાખ પરિવારના હાથમાં એકીસાથે પહોંચવાનું સપનું કઈ આંખ ન જુએ? આજે આ શમણું સાચું પડ્યું એનો તો આનંદ છે જ પણ સુરેશ દલાલ જેવી માતબર કલમના હાથે આ સૌભાગ્ય પ્રાપ્ત થયું એ આનંદ તો કંઈ ઓર જ છે. આ આનંદ આપ સહુ સાથે વહેંચવાનો પણ એક આનંદ છે… ‘ગરમાળો’ અને ‘શબ્દો છે શ્વાસ મારા’ થોડા મહિનામાં જ આપના હાથમાં મ્હોરશે…
-વિવેક
*
Permalink
September 17, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમેન શાહ
*
રાત આખી સળંગ વાગે છે
કાનમાં જલતરંગ વાગે છે
સુસવાટા અને કડાકાઓ
બંસી સાથે મૃદંગ વાગે છે
આ તો છાંટા છે, હો તમે પંડિત
કે હો હાજી મલંગ, વાગે છે
હોય પાણીમાં તીક્ષ્ણતા આવી ?
કંઈક જૂના પ્રસંગ વાગે છે
ક્યાં છે ઉંમર હવે પલળવાની
વક્ર વર્ષાનો વ્યંગ વાગે છે
-હેમેન શાહ
સાચું કહેજો આ પહેલાં કયા વર્ષા-કાવ્યે તમને આટલું અને આવા ભીંજવ્યા હતા? હેમેન શાહની આ ગઝલ સંવેદનાઓના છત્રી-રેઇનકોટ ફાડીને તરબોળ કરી દે એવી છે…. નરસિંહ મહેતાથી માંડીને તરોતાજા કવિઓના વર્ષાકાવ્યો તેમજ લોકસાહિત્ય અને લોકબોલીના પણ કેટલાક છાંટાઓની મનભર મસ્તીનો વરસાદ લઈને આવેલ ‘મૉન્સૂન મસ્તી’ હિતેન આનંદપરા નામના તાજા વાદળને ઉગેલી સોનેરી કોર છે… આપણી ભાષામાં કવિઓ દ્વારા ભાગ્યે જ કોઈ સંપાદન એવા થયાં હશે જેમાં એની પોતાની કવિતા ન હોય… છબીઓ અને સંદીપ ભાટિયાની કરામત મઢ્યું ‘ઇમેજ’નું આ નવલું નજરાણું સતત સરાબોળ ભીંજવે એવું થયું છે….
Permalink
September 16, 2010 at 2:00 PM by ઊર્મિ · Filed under સુનીલ શાહ, હાઈકુ
કાલચક્રનું
શોધું છું રહસ્ય હું,
ક્ષણો તોડીને…
-સુનીલ શાહ
Permalink
September 15, 2010 at 12:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, સુધીર પટેલ
સૌના મનમાં રમવું છે,
એમ અમસ્તુ ગમવું છે !
દરિયો થૈ ના અટકું ક્યાંય
ઝરણાં જેવું ભમવું છે !
સૂર્ય ભલે ચમકે દિવસે,
અંધારે ટમટમવું છે !
વૃક્ષ સમું લ્હેરાઈને,
વાતાયનને ખમવું છે !
રાખી મન પ્હાડ સમું દૃઢ,
તૃણ સરીખું નમવું છે !
થાય ગઝલ પણ આફરીન,
એમ શબ્દમાં શમવું છે.
ઊગી જઉં દિલમાં ‘સુધીર’,
એ રીતે આથમવું છે !
-સુધીર પટેલ
શિરાની જેમ સીધી હલકમાં ઉતરી જાય એવી સરળ અને ગહન ગઝલ… બસ, અમસ્તી જ ગમી ગઈ.
Permalink
September 14, 2010 at 10:19 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
લે, આ મને ગમ્યું તે મારું
પણ જો તને ગમે તો તારું!
મારું, તારું ને ગમવું પણ,
લાવ, લાવ કરીએ સહિયારું!
તું જીતે ને થાઉં ખુશી હું,
લેને, ફરી ફરીને હારું!
ઈટ્ટા-કિટ્ટા એક ઘડીના,
બાકી સઘળું પ્યારું પ્યારું!
હસિયે રમિયે મીઠું લાગે,
થૂ, આંસુ તો લાગે ખારું!
ગીત હોય તો શીદ અબોલા,
તું ઝીલી લે, હું લલકારું!
રમિયે ત્યાં લગ હાથ રમકડું,
મોજ મહીં શું તારું-મારું!
– રાજેન્દ્ર શુક્લ
ગમતાને સહિયારું કરવું – એ એક વામન પગલામાં આ જનમ આખો જીતી લેવાની તાકાત છે.
Permalink
September 13, 2010 at 9:46 PM by ધવલ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
વિશ્વમાં મંગળ અમંગળ કંઈ નથી;
આપણા હોવાનું અંજળ કંઈ નથી.
શ્વાસની સીમાની આગળ કંઈ નથી;
મૃત્યુની સરહદની પાછળ કંઈ નથી.
બત્રીસ કોઠે છે દીવાનો ઉજાસ;
આંખમાં ઝળહળ કે કાજળ કંઈ નથી.
નભ ભલે ને થૂંક ઉડાડ્યા કરે;
સૂર્ય ઊગતાંવેંત ઝાકળ કંઈ નથી.
મારી એકલતા છે મારું ઉપનિષદ;
શબ્દ, લેખણ, સાહી, કાગળ કંઈ નથી.
– ભગવતીકુમાર શર્મા
કવિ પહેલા જ શેરમાં હોવાપણાની ઘટનામાંથી હવા કાઢી નાખે છે. એટલું જ નહીં, બીજા શેરમાં એ ન-હોવાપણા (મૃત્યુ)ની ઘટનામાંથી પણ હવા કાઢી નાખે છે 🙂 ઉપરથી દેખાય એ કંઈ અંધારું કે અજવાળું નથી, ખરો ઉજાસ તો આખા શરીરમાં – બત્રીસ કોઢે – વ્યાપ્ત છે. ચોથા શેરમાં પહેલી વાર કોઈ કવિએ ઝાકળની થૂંક સાથે સરખામણી કરી છે. જોકે શેર એટલો જ ઊંડા અર્થવાળો છે.
ને છેલ્લો શેર ગઝલનો શિરમોર શેર છે – શબ્દ તો છીછરા પાણીનું માછલું છે; ચેતનાનો સાગર તો ખૂબ ઊંડો હોય છે.
Permalink
September 12, 2010 at 1:30 AM by તીર્થેશ · Filed under ગીત, રવીન્દ્ર પારેખ
હરિ, લાસ્ટ સપ્ટેમ્બરમાં તો
તમે હતા યુ.એસ.એ.,
તો ય ધડાકો કેમ થયો ત્યાં
પ્રશ્ન સદા એ રે’શે….
આખે આખી કાયા
કચ્ચર થઈને ઊડી,
માણસમાં જે લાશ હતી
તે કાઢી વાળી,ઝૂડી….
વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવું કૈં હતું
કોણ તે કે’શે?
હરિ તમે તો વર્ષોથી
આ ત્રાસવાદ નવ માન્યો,
છતાં ન તમને માન્યા તેથી
આ દા’ડો પણ આવ્યો,
હરિ, કંસ તો સમજ્યા
પણ વિધ્વંસ કોણ આ સે’શે?
સદા બન્યું છે તેમ ભોગ
નિર્દોષનો કોઈ લેશે….
– રવીન્દ્ર પારેખ
શ્રીકૃષ્ણે આપેલું શાશ્વત વચન-‘यदा यदा ही धर्मस्य, ग्लानिर्भवती भारतः |’ – કેટલુંક સાર્થક છે ? સમયાંતરે થતા જઘન્ય નરસંહાર કરનાર પણ ઈશ્વરનો અંશ છે અને ભોગ બનનાર પણ ઈશ્વરનો અંશ છે-આ વાત ગળે ઉતરવી અઘરી નથી ? પૂર્વજન્મના પાપનું નામ આપી આપીને કેટલાં નિર્દોષોને અન્યાય થવા દઈશું ? શબ્દોની રમત અને theories of exsistence નિર્દોષોનું લોહી વહી ગયા પછીના ઠાલા વિદ્વતપ્રલાપ થી વિશેષ શું છે ? એ તો રામબાણ વાગ્યાં રે હોય તે જાણે….
Permalink
September 11, 2010 at 12:30 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
(શિખરિણી)
અહો એ અશ્વો, એ તડિત-શી ત્વરા, ખૂંદતી ધરા
ખરીઓ એ, ખુલ્લાં હરિત ચરિયાણો ગજવતી
મહાહેષાઓ એ અતલ ઊંડું આકાશ ભરતી;
જરા વાગી એડી, ગગન ઊડતા લક્ષ્યઅધીરા !
અહો એ વેગીલા શત શત સર્યા પ્હાડથી ઝરા !
ઝલાતા ના ઝાલ્યા, તટ ઉભયને ઉચ્છલી જતા;
મહામોજે તાણી તરુવર, ગુહાઓ ગજવતા
ફીણો ફુત્કારંતા વળવમળબંકા બલભર્યા !
હવે ધીમે ધીમે ઘટતું મટતું જાય જીવન;
બુઝાતા દીવાની શગ-શું, અવળો વાય પવન;
દૃગો ટૂંકું ભાળે પગ નજીકનું – તે ય ધૂંધળું;
પગો ટૂંકી ચાલે ઘર મહીં ફરે રે હળુહળુ;
બધી ઇન્દ્રિયો ને મન હવે શાંત, શિથિલ
જગત્ જાણે ગૂંથ્યું જીવ જકડતું જાળું જટિલ.
– જયન્ત પાઠક
યુવાનીનો તેજીલા તોખાર સમો તરવરાટ અને ઘડપણનો હોલવાતો દીવો – જીવનની બે સાવ વિપરિત છેડાની પણ અનિવાર્ય અવસ્થાઓ કવિએ શબ્દો દ્વારા અદભુતરીતે ચાક્ષુષ કરી છે… પંક્તિની મધ્યમાં એક સાથે પાંચ લઘુ આવે એવો એવો શિખરિણી છંદ જાણે કે ઘોડાની ચાલનો લય દોરી આપે છે. 4-4-4-2 બંધારણના સૉનેટના પ્રથમ બે બંધ યુવાવસ્થાનું દૃશ્ય તાદૃશ કરે છે અને abba પ્રમાણે પ્રાસ જાળવે છે જયારે ત્રીજા બંધમાં અવસ્થાન્તરની સાથે પ્રાસ રચના પણ aabb પ્રમાણે બદલાય છે. સૉનેટના બંધારણ પર નજર રાખ્યા વિના કાવ્ય વાંચતો વાચક પણ કદાચ આ પ્રાસપલટા અને ભાવપલટાને અનુભવી શકે છે…
Permalink
September 10, 2010 at 2:06 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
થાય છે કે બધું સમેટી લઉં
કઈ રીતે આયખું સમેટી લઉં ?
ખૂબ અંતર છે આપણી વચ્ચે
તું કહે એટલું સમેટી લઉં !
તું સમેટાઈ જાય મારામાં
તો જીવનમાં ઘણું સમેટી લઉં
વિસ્તરી જાઉં આખી દુનિયામાં
કે સ્વયમ્.માં બધું સમેટી લઉં ?
હું જ છું, આસપાસ કાંઈ નથી
કેમ ખાલીપણું સમેટી લઉં ?
– ભરત વિંઝુડા
સમેટી લઉં જેવી વિચાર માંગી લેતી રદીફ ઉપર વિચાર કરવા મજબૂર કરી દે એવા પાંચ સશક્ત શેર…
Permalink
September 9, 2010 at 12:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
ટેરવાં સૂરજ બની ગયાં,
હાથને રસ્તા મળી ગયાં.
આયનો ફૂટ્યાથી શું વળ્યું !
પથ્થરો ભોંઠા પડી ગયાં.
કાળની રહી છે બરડ ત્વચા,
સ્પર્શના પડઘા શમી ગયાં.
દોસ્ત, રંગો પ્હાડના લીલા,
કાળજામાંથી નથી ગયાં.
શું ખબર એ શ્હેર ક્યાં હતું !
મીણના નકશા ગળી ગયાં.
લંગરો છૂટી ગયાં અને,
શ્વાસનાં વ્હાણો સરી ગયાં.
-મનોજ ખંડેરિયા
Permalink
September 8, 2010 at 10:00 PM by ઊર્મિ · Filed under બકુલેશ દેસાઈ, મુક્તક
સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું,
શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું;
કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?
હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપણું.
-બકુલેશ દેસાઈ
Permalink
September 7, 2010 at 11:03 PM by ધવલ · Filed under અછાંદસ, લેનર્ડ કોહેન, વિશ્વ-કવિતા, સુરેશ દલાલ
એ એટલું સરસ ગાય છે
કે એના અવાજમાં કોઈ ઈચ્છા જ નથી.
એ એકલી ગાય છે,
આપણને બધાને કહેવા માટે
કે હજી આપણે આપણને મળ્યા નથી.
– લેનર્ડ કોહેન
(અનુ. સુરેશ દ્લાલ)
સ્ફટીકમય ગીત, નશ્વર ઈચ્છાઓથી ઉપર બીરાજતું ગીત, એકલતાથી સીંચેલુ ગીત : આટલું પવિત્ર ગીત તો અંતર આત્માની સામે ધરેલા અરીસા સમાન હોય છે.
Permalink
September 6, 2010 at 8:48 PM by ધવલ · Filed under ગઝલ, સુધીર પટેલ
ક્ષણ મજાની ઘણી હોય છે
ક્યાં કદી આપણી હોય છે ?
એ જ મોં ફેરવી લે અહીં
આંખ જેના ભણી હોય છે !
વાત સોંસરવી કૈં નીકળે
શબ્દને પણ અણી હોય છે !
કેમ એના વગર જીવવું ?
વેદના મા-જણી હોય છે !
હર ગઝલના પદે એમની
ઝાંઝરી રણઝણી હોય છે !
જે થકી રંગ જામે ‘સુધીર’
બસ કમી એ તણી હોય છે
– સુધીર પટેલ
વાત સોંસરવી કૈં નીકળે … એ શેર સૌથી સરસ થયો છે.
Permalink
September 5, 2010 at 1:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
આ મારી છાતીમાં ફાટફાટ એકલતા
તારે શું કરવું છે જોઈને.
આખું આકાશ મારી અંદર હિજરાય
સાવ નવોનક્કોર ચાંદ ખોઈને…
હૂંફની આ કડકડતી તંગીમાં કોણ મને
ઓઢાડે કાશ્મીરી શાલ.
એક એક માણસને શ્રદ્ધાથી જોઉં,
મને મફલર વીંટાળશે કે વ્હાલ.
તાપણું કરવાને બેઠા કુંડાળે પણ
કોઈ નથી ઓળખતું કોઈને.. આખું આકાશ……
ટુકડો જમીનનો દરિયામાં હોય
એમ મારુંય નામ કોઈ ટાપુ,
મારી તારીખ સહુ વાંચીને કહી દેતા
પસ્તીમાં મૂકો આ છાપું.
દુઃખના આ ડાઘ નથી ભૂંસાતા:
થાક્યો છું ગંગાથી જખ્મોને ધોઈને. આખું આકાશ…..
– મુકેશ જોષી
રૂપકોનું નાવીન્ય અતિખેડાયેલા વિષયમાં નવા પ્રાણ ફૂંકે છે……
Permalink
September 4, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
આ બધું કેમ નવું લાગે છે
કોઈ હૈયામાં ગયું લાગે છે
જો પવન દોડી મદદમાં આવ્યો
ફૂલને ખુશબૂ થવું લાગે છે
હાથમાં હાથ મિલાવી રાખો
આ જગત હાથવગું લાગે છે
પ્યાસ એમ જ નથી બૂઝી, મિત્રો
લોહીનું પાણી થયું લાગે છે
વાત કહેતાં તો પડી ભાંગ્યો છે
દર્દ હોવાપણાંનું લાગે છે
ખોળિયામાં આ નવી હલચલ છે
જીવને ઘેર જવું લાગે છે
– ગૌરાંગ ઠાકર
પ્રેમના ગુલાબી મિજાજથી ઉઘડતી આ ગઝલ સમષ્ટિથી લઈ વ્યક્તિના હોવાપણા અને જીવનથી લઈને મૃત્યુ સુધીના તમામ રંગોને સ્પર્શતું છ રંગોનું જાણે કે મનભર રંગધનુ ન હોય !
Permalink
September 3, 2010 at 12:30 AM by વિવેક · Filed under દેવેન્દ્ર દવે, સોનેટ
(શિખરિણી)
ઝડી સંગે ઝીણું મરમરી ગયું વ્હાલ નભનું !
હવામાં ફૉરાણી મખમલ સમી મ્હેક મધ-શી !
પછી તો પૃથ્વીનું પડ પલળી પોચું થયું જરી,
મયૂરોની કેકા, રજનીભરી દાદુર ડમક્યા !
ઉદાસીનાં ઘેરાં પડળ ખસક્યાં – કૈંક હળવા
મિજાજે માતેલી કુદરત રહી શ્વાસ નરવા
ભરી, લ્યો લીલેરી ખૂબસૂરત ઓઢી ચુનરીને
ધરાને અંગાંગે તૃણ તૃણત રોમાંચ ગરવા !
રહસ્યો આ કેવાં, પ્રહર પૂરવે પ્હાડ-વગડા
ધખેલા, અંઘોળે નભ શત કરે શીતળ કરે !
રહ્યા વાતા શીળા પવન, વન વૃંદાવન બન્યાં !
ઉમંગે ઓચિંતા પલટઈ ગયાં દૃશ્ય સઘળાં !
જુદાઈવેળાના જડ, કુરૂપ ચ્હેરા સજ ધજી
રહ્યા સૌંદર્યોના અસલ અમલે ઘૂંટ ભરવા…
-દેવેન્દ્ર દવે
વરસાદના નિતાંત સૌંદર્યસભર ભીનુંછમ્મ સૉનેટ. ઘડીક નભનું વહાલ ઝરમર ઝરી જાય છે એવામાં તો પોચી થયેલી પૃથ્વી મધ જેવી મખમલી સુગંધથી તો મોર અને દેડકાં પોતાના અવાજથી તારસ્વરે વાતાવરણને ભરી દે છે. માતેલી સૃષ્ટિ હળવા મિજાને નરવા શ્વાસ ભરે છે અને ઉદાસીના ઊંડા પડ ખસકી જાય છે. લીલી તૃણની ચાદર જાણે કે ધરતીનો રોમાંચ ન હોય! થોડી વાર પહેલાં ભડભડ બળી રહેલ પ્રકૃતિ અચાનક વનમાંથી વૃંદાવન બની જાય આ કેવું રહસ્ય છે! એક નાનકડો ઉમંગ શું આપણી જિંદગીના દૃશ્ય પણ સમૂચા બદલી નથી નાંખતો? ઉમાશંકરે ખરું જ કહ્યું છે ને કે સૌંદર્ય પી, ઉર ઝરણ પછી ગાશે આપમેળે…
Permalink
September 2, 2010 at 9:34 PM by ધવલ · Filed under ઓડિયો, ગીત, હરીન્દ્ર દવે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે
કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવા
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;
એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
માથેથી મોરપિચ્છ હેઠે સર્યું; ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?
બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
– હરીન્દ્ર દવે
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ
સ્વર – આશિત દેસાઈ
[audio:
http://tahuko.com/gaagar/layastaro/Kanuda ne bandhyo chhe.mp3]
મા જશોદા સજા કરવા માટે કાનુડાને બાંધી દે છે એ પ્રખ્યાત પ્રસંગની વાત છે. કવિએ ગીતમાં કાનુડાના વર્ણન સિવાય કાંઈ કહ્યું નથી, અને એ છતાં આખા પ્રસંગને વ્હાલપથી મઢી દીધો છે. આજે જન્માષ્ટમીના દિવસે ખાસ આ ગીત.
(ઑડિયો લિન્ક માટે આભાર, જયશ્રી !)
Permalink
September 1, 2010 at 8:48 PM by ઊર્મિ · Filed under ગીત, હેમન્ત દેસાઇ
આજ મન મોરલીમાં માઢ નહીં છેડું;
. હાં જોઉં હવે
કહાન મને મથુરાથી મોકલે છે તેડું?
ઢોલ ચંગ વાગે છે પગલાંમાં પ્રીતમના
. જમુનામાં ઘુમરાતી ઝંખના અધૂરી.
શરમાતી પૂનમને સહિયર! મેં સાચવી છે
. અત્તરિયા અંતરમાં પૂરી;
આભ મહીં ઊગ્યા વૈશાખને હું વેડું;
કે કહાન મને મથુરાથી મોકલે છે તેડું!
ગીત મહીં ઘૂટું કદંબને, આ કલકલતી
. કુંજોને આંખડિયે આંજું,
પગદંડી કમખામાં બાંધું ને વનરાવન
. ઓઢી લઈ ઘૂંઘટમાં લાજું;
ઘાટે અધરાતના હું અજવાળું બેડું!
હાં કહાન મને મથુરાથી મોકલે તેડું!
-હેમંત દેસાઈ
માઢ = રાગ
Permalink