વીહલા, રોજ હાંજે સુંદરકાંડ વાંચીવાંચીને – કિશોર મોદી
(મોરારીબાપુ….. ….અસ્મિતાપર્વ, મહુવા, ભાવનગર, ૧૯-૦૪-૨૦૦૮)
.
વીહલા, રોજ હાંજે સુંદરકાંડ વાંચીવાંચીને
થાકી ગિયા.
પેલા મોરારીબાપા કેવટનો પરસંગ મલાવી મલાવીને કે’ છે.
પણ આપળી હમજણને એવો લૂણો લાગી ગેયલો
છે ને… મગજમાં મારું બેટું કંઈ ઊતરતું નથી.
એ તો વળી એમ પણ કે’ છે કે
અમે તો વરહોવરહ વાહણને કલ્લઈ કરવાવાળા છીએ
પણ એલીમીનના વાહણને કંઈ કલ્લઈ થતી ઓહે,
વીહલા ?
– કિશોર મોદી
વરસોથી અમેરિકા રહેતા કિશોર મોદીના લોહીમાંથી સચીન (સુરત) નજીક આવેલા એમના ગામ કનસાડનો કણસાટ ઓગળ્યો નથી. એમના તાજા ‘એઈ વીહલા !’ કાવ્યસંગ્રહમાં અડધોઅડધ કાવ્ય સુરતી ભાષામાં (સૉરી, હુરતી ભાહામાં !) છે. આટલી વિપુલ માત્રામાં સુરતી કાવ્યોનો થયેલો આ કદાચ પહેલો સંચય હશે ! કવિતાના શબ્દે-શબ્દમાં પહેલા વરસાદના સંવનને ઘરતીમાંથી સોડમ ઊઠે એમ ઊઠતી ગામડાંની તળપદી મહેંક સૂંઘી શકાય છે.
કાલ્પનિક મિત્ર વીહલાને સંબોધીને કવિ આપણને સુંદરકાંડનો સંદર્ભ આપી રામાયણમાં પાત્રપ્રવેશ કરાવે છે. નાવિક કેવટનો પ્રસંગ તો યાદ હશે જ. રામને જ્યારે સરયૂ નદી પાર કરવાનો વખત આવે છે ત્યારે કેવટ પગ ધોવાની જીદ કરે છે. રામ પગ ધોવા દેવાના મતના નથી પણ કેવટ મક્કમ છે. તમારા ચરણસ્પર્શથી તો શીલા પણ સ્ત્રી (અહલ્યા) બની ગઈ હતી. મારી નાવડી જો સ્ત્રી બની જાય તો એક તો મારી આજીવિકા જાય, ઉપરથી મારે એનું ભરણપોષણ કરવાનું આવે. રામના સ્પર્શથી જડ પણ ચેતન બની જાય એ સંદર્ભ લઈને કવિ એક પ્રસંગમાંથી કાવ્યનું સર્જન કરવાનું કવિકર્મ આદરે છે.
મોરારીબાપુની કોઈક કથામાં સાંભળ્યા પ્રમાણે કવિ રોજ રામાયણનું પઠન કરી જાત મઠારવાની મથામણ કરે છે પણ લૂણો લાગી ગયેલ સમજણમાં કંઈ ઉતરતું નથી. મોરારીબાપુએ કદાચ વારંવાર કથા સાંભળવાનું અને રોજેરોજ રામાયણ વાંચવાનું માહાત્મ્ય સમજાવતા કહ્યું હશે કે આ તો દર વરસે પિત્તળના વાસણને જેમ કલાઈ કરીને આપણે ચમકાવીએ છીએ એવું કામ છે. પણ માત્ર મિત્રની સમક્ષ જ હૈયું ખોલીને જે નબળાઈ છતી કરી શકાય એ છતી કરતાં કવિ નિઃસાસો નાંખી કહે છે કે વાસણ પિત્તળનું હોય તો એને ચમકાવી શકાય, ઊજાળી શકાય પણ આપણી તો કાઠી જ મૂળે એલ્યુમિનિયમની છે. એને કેમ કરીને કલાઈ કરવી?