પસાર થઈ ગઈ છે ટ્રેન હડબડાટીમાં,
ને પ્લેટફૉર્મે હજી એ જ ધણધણાટી છે !
વિવેક મનહર ટેલર

પાંખી પરિસ્થિતિ – ગની દહીંવાલા

સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,
મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું.

અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું,
ખરા અવસર સમે ખાલી ગયેલા વાર જેવો છું.

કદી હું ગત સમો લાગું, કદી અત્યાર જેવો છું,
નિરાકારીના કોઈ અવગણ્યા આકાર જેવો છું.

ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી,
પડ્યો છું તો ય છાતી પર પડેલા માર જેવો છું.

પરિચય શબ્દમાં પાંખી પરિસ્થિતિનો આપ્યો છે,
ને મોઢામોઢની હો વાત, તો લાચાર જેવો છું.

‘ગની’, તડકે મૂકી દીધા રૂડાં સંબંધના સ્વપ્નાં,
હવે હું પણ સળગતા સૂર્યના વ્યહવાર જેવો છું.

– ગની દહીંવાલા

આજે ગનીચાચાની ‘વિંન્ટેજ’ ગઝલ માણીએ  !

5 Comments »

  1. pragnaju said,

    May 26, 2008 @ 8:27 PM

    ગનીભાઈની સુંદર ગઝલ્
    તેમાં
    પરિચય શબ્દમાં પાંખી પરિસ્થિતિનો આપ્યો છે,
    ને મોઢામોઢની હો વાત, તો લાચાર જેવો છું.
    ‘ગની’, તડકે મૂકી દીધા રૂડાં સંબંધના સ્વપ્નાં,
    હવે હું પણ સળગતા સૂર્યના વ્યહવાર જેવો છું.
    વાહ્
    યાદ આવી અજ્ઞાતની પંક્તીઓ
    પ્રથમ આકાર પામે, સંબંધના સ્તર પર લાગણી,
    ન પામે માવજત મનની, તો એ સંશય થવા લાગે.
    અને સુરેશ દલાલ કહે છે તેમ
    પ્રેમના સંબંધમાં તિરાડ પડે તો એની ફરીયાદ કેવી રીતે કરવી એ પણ પ્રશ્ન છે. દરેક ફરીયાદ સંબંધને વધુ તોડી શકે છે.

  2. ચૈતન્ય એ. શાહ said,

    May 27, 2008 @ 1:26 AM

    ખુબ સરસ
    સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,
    મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું.

  3. jayesh upadhyaya said,

    May 27, 2008 @ 4:10 AM

    કદી હું ગત સમો લાગું, કદી અત્યાર જેવો છું,
    નિરાકારીના કોઈ અવગણ્યા આકાર જેવો છું.

    દરેક શેર સરસ પણ આ મનને ગમ્યો

  4. વિવેક said,

    May 30, 2008 @ 3:09 AM

    અદભુત ગઝલ… સાચે જ વિન્ટેજ જેવી….. ધવલને વિન્ટેજ યાદ આવે એ બહુ કહેવાય…

  5. Maheshchandra Naik said,

    June 1, 2008 @ 10:20 AM

    ગનિચાચાને ગોપિપુરામા જોયેલા એ આજે યાદ આવિ ગયુ,સાભળએલા પરન્તુ આ ગઝલ આજે જ માણિ, આભાર ડા.વિવેકભાઈ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment