મુક્તક – ગોવિંદ ગઢવી
કોઈ મારી આંખમાં તરતું હશે
કોઈ મારા શબ્દમાં રમતું હશે
હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના
કોઈ નક્કી જાગરણ કરતું હશે.
– ગોવિંદ ગઢવી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
કોઈ મારી આંખમાં તરતું હશે
કોઈ મારા શબ્દમાં રમતું હશે
હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના
કોઈ નક્કી જાગરણ કરતું હશે.
– ગોવિંદ ગઢવી
જાત ઓળંગ્યા પછીની વારતા,
એક ભ્રમ ભાંગ્યા પછીની વારતા.
હુંપણાના ગામની તારાજગી,
મેં તને માગ્યા પછીની વારતા.
એ શહીદ થૈને વસ્યા ઈતિહાસમાં,
આપણી ભાંગ્યા પછીની વારતા.
ને હરણ આંખો મીચી બેસી ગયું,
ઝાંઝવા તાગ્યા પછીની વારતા.
બાણ હો એ રામ કે રાવણ તણું,
એ જ છે વાગ્યા પછીની વારતા.
ઝળહળે સર્વત્ર તું સૌ રૂપમાં,
શૂન્યમાં જાગ્યા પછીની વારતા.
– મધુમતી મહેતા
પહેલા બે શેર તો ‘પહેલી નજરનો પ્રેમ’ થઈ જાય એટલા સરસ થયા છે. ‘હુંપણાના ગામની તારાજગી’ જેવો સરસ પ્રયોગ શેરને અલગ જ આભા આપે છે. છેલ્લા બે શેર તો હું હજી મમળાવી રહ્યો છું. એમાંથી હજુ વધુ અર્થ છૂટશે એવી આશા છે એટલે એના પર વાત આગળ ફરી કદીક.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
રણઝણે તાર તાર પર તાર !
અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
સપ્ત તેજના તંતુ પરોવી તેં છેડ્યો કામોદ.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
કુંજ કુંજ કોયલ ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ,
ક્ષીરસિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
અમે પૂછતા કોણ વરસતું, નહિ વાદળ નહિ વીજ,
તેં તારો મુખચંદ દરસિયો, મુજને પડી પતીજ.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આસાનું મંજુલ મંજુલ ગાન.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
– સુન્દરમ્
કવિશ્રી સુન્દરમ્ ની જન્મ-શતાબ્દી નિમિત્તે આદરેલી સુન્દરમ્-સુધા શ્રેણીનું આજે એક બોનસપોસ્ટ આપીને સમાપન કરીએ. શૃંખલાની પ્રથમ કડી ઈશ્વરાસ્થાસભર હતી, એ જ અન્વયે અંતિમ કડીમાં પણ પ્રભુ સાથે તાદાત્મ્ય સાધવાની કોશિશ કરીએ…
ગાતાંની સાથે ગમી જાય એવું આ ગીત… (ગાતાંવેંત, વાંચતાવેંત નહીં કેમકે આ અદભુત લયબદ્ધ ગીત વાંચવું તો અશક્ય જ લાગે છે!) કવિ સૃષ્ટિમાંથી નીકળીને સમષ્ટિ તરફ વળે છે. અહીં બ્રહ્માંડની સિતાર રેલાઈ રહી છે. જેમ આ સિતાર જેવી-તેવી નથી એમ એમાંથી નીકળતાં સૂર પણ જેવા-તેવા નથી. સિતારમાં તાર-વ્યવસ્થા અન્ય વાજિંત્રોથી થોડી અલગ પ્રકારની હોય છે. ઉપરની તરફ મુખ્ય સાત તાર અને નીચેની બાજુએ તરપના તેર અન્ય તાર… તાર તાર પર તાર કહેવા પાછળ કવિનો આ વ્યવસ્થા તરફ ઈશારો હશે કે પછી તારના રણઝણવાનો નાદધ્વનિ શબ્દ પુનરોક્તિ દ્વારા ત્રેવડાવવા માંગતા હશે? સપ્તતેજના તંતુમાં ફરી એકવાર સિતારની તાર વ્યવસ્થા ઉપસતી નજરે ચડે છે… બાકી ગીત એવું સહજ છે કે એને માણવા માટે ભાવકને અન્ય કોઈ માધ્યમની જરૂર નથી…
(કામોદ=એક રાગ; ક્ષીર=દૂધ; મરાળ=હંસ; પતીજ=વિશ્વાસ; ભૂપ=રાજા; ભૂપ કલ્યાણ= કલ્યાણ રાગ; આસા=એક રાગિણી)
નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું :
જ્યાં માનવીનાં શિશુ અંતરોની
શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી.
કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની
આંખો જહીં પ્રેમળતા ઝરી ઝરી.
તું માનવીના મનમાં વસ્યો અને
તનેય આ માનવ માનવે કર્યો;
મનુષ્યની માનવતાની જીત આ
થયેલ ભાળી અહીં, તેહને નમું.
તું કાષ્ઠમાં, પથ્થર, વૃક્ષ, સર્વમાં,
શ્રદ્ધા ઠરી જ્યાં જઇ ત્યાં, બધે જ તું.
તને નમું, પથ્થરનેય હું નમું,
શ્રદ્ધા તણું આસન જ્યાં નમું તહીં.
– સુંદરમ્
(27, જુલાઇ 1939)
પટે પૃથ્વી કેરે ઉદય યુગ પામ્યો બળ તણો,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મૂઠીમાં જગજને,
શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળ તણા,
રચ્યાં ત્યાં ઊંચેરાં જનરુધિરરંગ્યાં ભવન કૈં.
ધરા ત્રાસી, છાઈ મલિન દુઃખછાયા જગ પરે,
બન્યાં ગાંધી રૂપે પ્રગટ ધરતીનાં રુદન સૌ,
વહેતી એ ધારા ખડક-રણના કાતિલ પથે,
પ્રગલ્ભા અંતે થૈ, ગહન કરવા વાચ પ્રગટી :
હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
પ્રતિદ્વેષી કેરું હિત ચહી લડો; પાપ મટશે.
પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
ફળ્યાં આજે વૃક્ષો, મરણપથ શું પાપ પળતું !
-‘સુન્દરમ્’
દશાવતારની કથાઓ વાંચતા હોઈએ અને એમાં જે રીતે પૃથ્વી પર કોઈના પાપનો ઘડો ભરાઈ જાય પછી વિષ્ણુ અવતાર લઈને પૃથ્વી પર એનો નાશ કરવા પધારે એજ શૈલીમાં કવિએ અહીં ગાંધીકથા આલેખી છે. નિર્બળ લોકોનો મદભર્યા લોકો શિકાર ખેલતા હોય, જલિયાવાલાં જેવા સભાગૃહો લોકોના શોણિતથી રંગાતા હોય અને પૃથ્વી ત્રાસી જાય ત્યારે એનું રુદન લોહવા જાણે ગાંધી પ્રગટ થયા.
“હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં, લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી“- આ બે પંક્તિઓ જાણે કે આ યુગની વેદવાણી છે પણ કેટલાએ જાણી છે ?!
(પ્રગલ્ભા=પ્રૌઢા, નિર્ભય)
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
-સુન્દરમ્
ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
અનંત થર માનવી હ્રદય – ચિત્ત – કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.
ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,
પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !
અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર કૃત્કારથી.
. તોડીફોડી પુરાણું,
. તાવી તાવી તૂટેલું.
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.
– સુન્દરમ્
જૂની વાસી વિચારસરણીને તોડીને નવસર્જન તરફ આગળ વધવા હાકલ કરતું એ જમાનામાં બહુ જ પ્રખ્યાત થયેલું ગીત. ‘ઘણ’ પ્રતિકની પસંદગી કવિ પર સમાજવાદી વિચારસરણીની અસર બતાવે છે. ગીતનો લય એટલો બુંલદ છે કે વાંચકને પોતાની સાથે તરત જ ખેંચી લે છે.
ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં,
રો રો કર મોરી થક ગઈ મતિયાં.
. ઢૂંઢ ઢૂંઢ તોહે…
બનબન ઢૂંઢત બની બાવરી,
તુમરી સૂરત પિયા કિતની સાંવરી,
કલ ન પડત કહીં ઔર ઔર મોહે,
. ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં.
દરસ દિયો પિયા! તરસત નૈના,
તુમ બિન ઔર કહીં નહીં ચૈના,
દિન ભયે રૈન, રૈન ભઈ દિના,
. ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં.
– સુન્દરમ્
મીરાં-ભાવે મીઠી બ્રજબાનીમાં સુન્દરમે ઘણા પદ લખ્યા છે. કવિએ પોતાનું મોટા ભાગનું જીવન પરમ-તત્વની ઉપાસનામાં અર્પણ કરી દીધેલું અને એમાંથી જે નિચોડ મળ્યો એ આ પદમાં દેખાય છે. શબ્દો અને ભાવને આ સીમા સુધી લઈ જવા માટે માણસ માત્ર કવિ હોય એ ન ચાલે, આ તો જે ‘સાંકડી ગલી’માંથી સોંસરો ગયો હોય તેના જ ગજાનું કામ છે. (એક વધુ પદ અહીં જુઓ.)
હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.
– સુન્દરમ્
સુન્દરમ્ નું આ બાળગીત આપણા શ્રેષ્ઠ બાળગીતોમાંથી એક છે. એક જમાનો હતો જ્યારે મને આ ગીત આખું મોઢે હતું. આજે હવે એવો દાવો તો કરી શકું એમ નથી. પણ આજે ય કોઈ કોઈ વાર આ ગીત, એના લય અને એના કલ્પનોને અવશ્ય માણી લઉં છું. કુદરતના સૌંદર્યની તમામ લીલાને જેણે જીવને સંતોષ થાય એટલી માણી હોય એ જ આવું ગીત લખી શકે. ‘મેઘદૂત’માં કાલીદાસ જેમ વાદળના માધ્યમથી સમગ્ર ભારતવર્ષના સૌંદર્યની ઓળખાણ કરાવે છે એમ અહીં કવિ બાળકોને કલ્પનાના નાનકડા જગતની ઓળખાણ વાદળના માધ્યમથી કરાવે છે. એ રીતે જોઈએ તો આ બાળકોનું ‘મેઘદૂત’ છે.
પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?
કોણ બદલતું સન્ધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમળ ચીર ?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ?
અહો, ગુંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ ?
કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?
ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડે ફાળ ?
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?
-ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્’
૨૨-૦૩-૨૦૦૮ના રોજ કવિશ્રી સુન્દરમ્ ના જન્મ-શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ થાય છે. વર્ષની ઊજવણીના પ્રારંભકાળે કોઈક કારણોસર ચૂકી જવાયું ત્યારથી મનમાં વિચાર રમતો હતો કે શતાબ્દીવર્ષ પૂર્ણ થાય ત્યારે કવિશ્રીની કેટલીક ઉત્તમ રચનાઓનો સંપુટ લયસ્તરોના મર્મજ્ઞ વાચકોને ભેટ આપીશું. એ સંકલ્પની પરિપૂર્ણતાનો પ્રારંભ આજથી આદરીએ છીએ. આપના અભિપ્રાય હંમેશની જેમ અમારું પૂરક અને પ્રેરક બળ સાબિત થશે…
કવિશ્રીની ટૂંકી જીવન-ઝરમર આપ આ ગીતની ફૂટનોટમાં જોઈ શક્શો.
જે વસ્તુઓ આપણે સહજપણે અને જોવાપણાના અહેસાસ વિના જ જોતાં હોઈએ છીએ એમાં દૃષ્ટિની પેલે પારનું દૃશ્ય નીરખી શકે એનું નામ કવિ. પ્રસ્તુત ગીતમાં ‘કોણ?’ પ્રશ્નનો ઉત્તર શરૂથી જ મુખરિત હોવા છતાં કલ્પનોની તાજગી અને લયમાધુર્યના કારણે કવિતા ક્યાંય ઢીલી પડતી નથી. ઈશ્વર સર્વત્ર છે એ જ સંદેશ છે પણ રજૂઆતની શૈલી એને કળાનું, ઉત્તમ કળાનું સ્વરૂપ બક્ષે છે. અનાયાસે આવતા લાગતા પ્રાસ, ઝાકળમોતીમાળ જેવી અભૂતપૂર્વ અભિવ્યંજના અને નાદસૌંદર્યના કારણે આ ગીતનું સંગીત વાંચતી વખતે આંખોમાં જ નહીં, આત્મામાં પણ ગુંજતું હોય એવું લાગે છે. મારા જેવા નાસ્તિકને ય આસ્તિક બનાવી દે…
(મુખરિત=વાચાળ; સાખ=ઝાડ ઉપર સીધે-સીધું પાકેલું ફળ; કૂપ=કૂવો)
છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.
પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.
ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.
આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.
ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.
-અનિલ ચાવડા
પહેલી નજરના પ્રેમ પેઠે આ શાયરને પહેલીવાર શબ્દોના રસ્તે મળ્યો ત્યારથી જ એ મને ગમી ગયો છે. એની ગઝલમાં રોજિંદી બોલચાલની વાત એવી સહજતાથી ઊતરી અને ઊપસી આવે છે કે ગમતા શેરોની આગળ નિશાની કર્યા સિવાય આગળ વધાતું નથી. હું માત્ર બે જ શેર -ત્રીજા અને ચોથા- ની વાત કરીશ.
જાહોજલાલીનો ઢોળ ચડેલી આપણી આ જિંદગી અંદરથી તો હકીકતે સાવ ખાલીખમ થઈ ગઈ છે. ચારે તરફ વૈભવી ચમકદમકથી વીંટળાયેલા હોવા છતાં એવું કોઈ ઓશિકું નથી જેના પર ચિંતાની, અજંપાની, બેચેનીની કરચલીઓ ન પડતી હોય. કવિ આપણી અંદરના ખોખલાપણા સાથે સીધો જ સંવાદ સાધે છે. અહીં ઘર અને બારણાંની વિભાવનામાં કશું પણ ‘ફીટ’ બેસી શકે છે. ભીતરનો ખાલીપો જ્યારે તીવ્રતમ વેદના બનીને ભોંકાતો હોય અને એ દૂર કરનાર કશાકના કોઈ એંધાણ માત્ર પણ ક્યાંય દૃષ્ટિગોચર ન થતા હોય ત્યારે જ એ ખાલીપણા સાથે સીધો વાર્તાલાપ જન્મે છે. જે દરવાજે કોઈ આવ્યું નથી અને કોઈના આવવાની આશા પણ હવે દેખાતી નથી, એ દરવાજાને આ ખાલીપો ખુદ જઈને ખખડાવે તો ય ઘણું હવે તો…. ‘ખખડાવ’ કાફિયાની પાછળ સાવ અડોઅડ કવિતાની ભાષા બહારની, નકરી બોલચાલની એકાક્ષરી રદીફ ‘ને’ ખાલીપાની વેદનાને શેરના અંતે વધુ ધાર કાઢી આપે છે…
એ પછીના શેરમાં હું માત્ર આંસુની સાવ નવી વ્યાખ્યા કરી આપવાના કવિકર્મને છૂટ્ટે હાથે દાદ દઈ આખા શેરને અને એ રીતે આખી ગઝલના મુશાયરાને અનુભવવાનું ભાવક પર છોડી દઈશ…
તબક્કે-તબક્કે તફાવત નડે છે
મને, માત્ર મારી શરાફત નડે છે !
નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
અને આખરે, એ જ બાબત નડે છે !
બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં
ઘણીવાર, ખુદની ય દાનત નડે છે !
ઉલેચાય ઈતિહાસ, તો ખ્યાલ આવે
કે સરવાળે, એકાદ અંગત નડે છે !
નડે છે મને સ્વપ્ન મારાં અધુરાં
અને સ્વપ્નને, આ હકીકત નડે છે !
કરી ’લ્યો હજુ સત્ય સ્વીકૃત, સહજ થઈ
અને કાં કહી દ્યો કે, નિયત નડે છે !
ખબર છે કે, સોનું તપે એમ નિખરે
છતાં પણ, કશુંક વારસાગત નડે છે !
– ડૉ. મહેશ રાવલ
નેટ-ગુર્જરીના ચાહકો ડૉ. મહેશ રાવલના નામથી અજાણ્યા નહીં જ હોય. એમના ગઝલસંગ્રહને ઈ-સ્વરૂપ આપતા એમના નવેસર અને ગઝલોનો ગુલદસ્તો બ્લૉગ્સ ઓછા સમયમાં બહોળા લોકપ્રિય બની રહ્યા છે. રાજકોટના આ તબીબ-કવિ મિત્ર લાંબા સમયથી શબ્દોના શિલ્પ કોતરી રહ્યા છે. એમની ગઝલોમાં બહુધા જોવા મળે છે એ જ રીતે પ્રસ્તુત ગઝલમાં પણ મનુષ્યની પ્રકૃતિની વિસંગતતાની વેદના અને પૂર્ણતાના અભાવની વ્યથા સાંગોપાંગ નજરે ચડે છે. આપણી ગતિનો અને પ્રગતિનો મુખ્ય અવરોધક કોણ હોઈ શકે? દોસ્ત? દુશ્મન? કે દુનિયા? કવિ જુદી જ પણ સાવ સાચી વાત કરે છે. આપણી વિકાસયાત્રામાં અવર નહીં પણ પોતીકી જાત જ વિશેષતઃ વ્યવધાનરૂપ સાબિત થાય છે. આપણે આપણા અહમ્ ને વટાવી શકતા નથી. અહમ્ નો ઉંબરો વટાવે તે જ સોહમ્ ના વિશ્વમાં પ્રવેશે. જાત વળોટાતી નહીં હોવાની હકીકત જ અંતે તો સૌને નડે છે. ઈતિહાસની સચ્ચાઈ બે જ લીટીમાં આલેખતો શેર પણ એવો જ ચોટદાર થયો છે.
(લયસ્તરોને એમનો ગઝલસંગ્રહ ‘નવેસર’ ભેટ આપવા બદલ ડૉ. રાવલનો ખૂબ-ખૂબ આભાર…)
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.
– મુસાફિર પાલનપુરી
ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ.
એના મનમાં ખાલી સમય સડે છે.
ચપટી નભ ને ચપટી માટી,
ચપટી વાયુ, ચપટી તેજ,
જરા મળ્યો જે ભેજ,
– બધુંયે વ્યર્થ વ્યર્થ બગડે છે.
દેશકાળને દર્પણ એના ડાઘ પાડે છે:
ચંદ્રકાંતનો ચ્હેરો ભૂંસી દઈએ;
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.
ભારેખમ એ ખડક,
નથી એ ઊછળવાનો મોજાંથી;
વરસે વાદળ લાખ,
છતાં કોરીકર એની માટી !
વંટોળો ફૂંકાય,
છતાંય એનો સઢ ન હવા પકડતો !
લંગર પકડી એ તો લટક્યા કરતો !
શ્વાસ કરોડો ઢીંચી,
પડછાયા સેવ્યા છે એણે આંખો મીંચી.
ચંદ્રકાંતના મન પર લીલ ચઢી છે;
એક માછલી, વરસોથી, કો ગલમાં બદ્ધ પડી છે.
કેટકેટલી તરડ પડી છે, જ્યાં જ્યાં એનાં ચરણ પડ્યાં ત્યાં !
ચંદ્રકાંતથી હવા બગડશે,
જલમાં ઝેર પ્રસરશે.
એનાં જે ખંડેરો – એને ખતમ કરી દો વ્હેલાં પ્હેંલાં,
એને અહીંથી સાફ કરી દો વ્હેલાં પ્હેલાં :
એની આંખે સૂર્ય પડ્યા છે ખોટા,
અને ત્યારથી દિવસ પડ્યા છે ખોટા,
ખોટી રાત છે :
ચંદ્રકાંતને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટ કરીએ,
ચં દ્ર કાં ત ને ભાં ગી ક ણ ક ણ ખ લા સ ક રી એ …
– ચંદ્રકાંત શેઠ
કહે છે કે માણસે પોતાના સૌથી કઠોર વિવેચક બનવું જોઈએ. અહીં તો કવિ પોતાની કવિતાનું નહીં પણ પોતાની જાતનું જ વિવેચન કરવા બેઠા છે.
ચોખ્ખી વાત છે : ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ. કેમ ? … કારણ કે એનું અસ્તિત્વ વિનાકારણ છે. જે પંચમહાભૂતમાંથી એના દેહનું સર્જન થયું છે એમા એ પાંચેય તત્વોનો તદ્દન બગાડ થયો છે. કોઈ વાતે એ બદલાય એમ નથી. એનું મન એવું અવાવરુ થઈને પડ્યું છે કે એમાં લીલ ચડી છે. કાંટામાં પકડાયેલી માછલી જેવો એ ન તો છૂટે છે અને ન તો નાશ પામે છે. સૂર્ય જેવા સ્વયંપ્રકાશિત સત્યને પણ એ સમજી શકતો નથી અને એટલે એને માટે દિવસ-રાત વ્યર્થ ગયા સમાન છે. એટલે : ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ.
કવિ અહીં પોતાની વાત કરે છે. પણ આ બધી વાત આપણે પોતાના માટે – આપણી અંદર રહેલા અહમ માટે – પણ કરી શકીએ. પોતાની જાતથી આગળ વધીને જે જોઈ શકે છે એ જ વધુ ઊંચા સ્તર પર પહોંચી શકે છે. માર્ગારેટ ફોંટેને કરેલી આ વાત મને બહુ પસંદ છે, The one important thing I have learned over the years is the difference between taking one’s work seriously and taking one’s self seriously. The first is imperative and the second is disastrous !
(ગલ = માછલી પકડવાનો આંકડો)
(નીલિમા, સમીરાને)
હાંફળાફાંફળા મુસાફરો
ગાડીમાં ગરકાવ થઈ જાય
તે પહેલા
ગાડી
કથ્થાઈ બારીઓ પર બદામી કોણીઓ ટેકવી ઊભેલી
દરેક વ્યક્તિના પેટમાંથી પસાર થઈ જાય છે.
ખાલી પાટા, બોગદું, પુલ,
વેઈટિંગ રૂમના બારણાનો ફરી ધ્રુજતો આગળિયો.
મારા શરીરની આજુબાજુ તરતી
બે મનુષ્યોના શરીરની ગંધ
ક્ષણવારમાં ઊડી ગઈ.
એની સાથે મારા શરીરની ગંધેય ઊડી.
(હંમેશ જનાર વ્યક્તિ જ જતી હોય
એવું નથી;
દરેક વિદાય વખતે
વળાવનાર વ્યક્તિનો કોઈ અંશ
ગાડી સાથે અચૂક ચાલી નીકળે છે.)
પાછો ફર્યો
ત્યારે કોરા પરબીડિયા જેવું ઘર
મને વીંટળાઈ વળ્યું.
– ગુલામમોહમ્મદ શેખ
કાવ્ય ‘સ્વજનને પત્ર’ તરીકે લખાયેલું છે – નીલિમા અને સમીરાને. સ્વજનથી છૂટા પડવાની ક્રિયા અનેક સ્તરે માણસને અંતરદર્શન કરવા પ્રેરે છે. કવિતા શરૂ સ્ટેશનના શબ્દચિત્રથી થાય છે. ગાડી સ્વજનને લઈ જતી હોય ત્યારે એક એક ચીજ કેટલી આકરી લાગે છે તે કવિએ પસંદ કરેલા શબ્દોમાં જોઈ શકાય છે. એ પછી આવે છે કાવ્યનો મુખ્ય-વિચાર. રખે તમે એ ચૂકી જાવ એટલા માટે કવિ એને કૌંસમાં મૂકીને સમજાવે પણ છે !
હોય મારો દાખલો ને તું મથે, તાળો મળે,
શક્યતા પૂરી છે ત્યાં સરવાળે ગોટાળો મળે.
મધ્યમાં જે શાંત છે, કાંઠે એ ફીણાળો મળે,
વાતમાં દરિયાની કોની વાતનો તાળો મળે !
પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.
આજે જે ડાળે હો જામી ભીડ ટહુકાઓની ત્યાં,
શક્ય છે ત્યાં કાલે ના માળો, ના ગરમાળો મળે.
રાહ નીરખે છે સદીઓની નપુંસક ફિતરતો,
આ સદીને ક્યારે એનો માટી મૂંછાળો મળે ?
શક્યતાઓ શ્રાપ પામી વાંઝણી હોવાનો જ્યાં,
એ જ મારા ઘરમાં ઈચ્છાઓ બચરવાળો મળે.
ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.
– વિવેક મનહર ટેલર
લયસ્તરો પર આજે આ કવિમહાશયનાં જન્મદિવસે મારા તરફથી એમની જ એક રચના. છેલ્લો શેર તો મારો એકદમ ફેવરીટ શેર છે… 🙂
મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા
આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ ઢળી તો
ધણ જાતાં ઘરઢાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
એની તીણી ટોચ અડી જ્યાં નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં અણિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
પૂનમ રાતે સામે સામી ડાળ ઉપરથી મંડાતા કંઈ-
ટહુકાના સરવાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
-મનોજ ખંડેરિયા
અમથી-અમથી ખુશાલીના સાત શેરોની આ ગઝલ- જાણે કે સપ્તરંગી ઈંદ્રધનુષ. આજે માણસ સ-કારણ પણ માંડ હસી શકે છે એવામાં અ-કારણ તો કોણ ખુશ થઈ શકે કવિ સિવાય? ગુજરાતી ગઝલના દેહમાં નવો જ આત્મા રેડનાર શબ્દોના શિલ્પી મનોજ ખંડેરિયાની આ ગઝલ આપણને શીખવાડે છે કે પોતાના નહીં, પણ અન્યના વૈભવને અને એ પણ સાત્વિક વૈભવને નીરખીને પણ માંહ્યલાને હર્ષાવધિમાં તરબતર કરી શકાય છે અને કદાચ એ આનંદ જ સાચો નિજાનંદ છે.
મેદાનની ખુલ્લી અને શુષ્ક વિશાળતાને ભરી દેતું ઘાસ એ પ્રકૃતિએ લખેલી નજાકતભરી એવી કવિતા છે જે નજરને ખાલીપાથી ઘાયલ થવા દેતી નથી. મેદાનોની આ હરિયાળી કવિને ખુશ કરી દેવા માટે પૂરતી છે પણ મિસરામાં કવિતાનો પ્રાણ રેડે છે બીજી પંક્તિ. અહીં અજવાળાંની વાત છે પણ એ કેવું છે? પ્રકાશ ઘાસ પર પડે છે માટે એ પણ લીલોછમ… કેવું અદભુત કલ્પન !અનુભૂતિની અભિવ્યક્તિનું આ નાવીન્ય મત્લાને જાનદાર બનાવે છે.
મનોજભાઈની કવિતામાં બરછટતા કે કટુતા કદી જોવા નહીં મળે. જેવો ઋજુ એમનો સ્વભાવ એવી જ લવચીક એમની કવિતા. બીજા શેરના પહેલા મિસરામાં વૈશાખના તાપથી સૂક્કુંભઠ્ઠ થઈ ગયેલું ત્રાસેલું શહેર આખું આંખમાં લઈને નીકળવાની વાત કરે ત્યારે પળભર માટે આંચકો લાગે ? આ કવિની બાનીમાં કઠોરતા ? પણ બીજી જ કડીમાં કવિ આખી વાતને ઠંડક પહોંચાડે એવી મૃદુતા બક્ષી દે છે. સિમેન્ટ-કોંક્રિટના મકાનોના જંગલોથી ઊભરાતા અને ગરમીના કારણે ખાલી-ખાલી ભાસતા શહેરમાં ફરતા-ફરતા કોઈ એકાદ ખૂણે દોમદોમ સાહ્યબીથી છલકાતા એકાદ-બે ગરમાળાના ઝાડ કવિની આંખમાં ડોકિયું કરી જાય ત્યારે કેવી ખુશી એ આંખોમાં છલકાઈ આવતી હશે ! ડાળીઓના હજ્જારો હાથે પોતાનો વૈભવ લૂંટાવતો ગરમાળો જેણે જોયો હોય એ જ આ લાગણી સમજી શકે…
હવે એક જ શેરની ટૂંકાણમાં માંડણી કરીશ… રાત્રે પંખીઓ સામાન્યરીતે શાંત થઈ સૂઈ જાય છે. પણ અહીં વાત છે પૂનમની રાતની. પૂનમના અજવાળાંને દિવસનું અજવાળું ગણીને પક્ષીઓ સામ-સામા ટહુકાઓની લ્હાણી કરે ત્યારે કોણ અમથું અમથું ખુશ થયા વિના રહી શકે?
તે આથમી ગયો
પછી
અંધારું સોળે કળાએ ઊગ્યું.
-પ્રભુ પહાડપુરી
ઠાલાં શબ્દો ન વેડફે એ કવિ ઉત્તમ. શબ્દોની કરકસરના પહાડ પાછળ કવિતાનો જે સૂર્યોદય અહીં થયો છે એ ભાવકને કવિતા પૂરી થયા પછી આગળ ન વધવા મજબૂર કરી દે એવો ઝળાંહળાં છે. ગાંધીજીને આપવામાં આવેલી કેટલીક ઉત્તમ અંજલિઓમાંની એક આ ગણી શકાય એવું હું માનું છું.
જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.
જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,
જે કંઈ તું આપશે સનાતન બની જશે.
તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવું કોણ કે બંધન બની જશે.
આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
– મરીઝ
શેર એટલા સરળ છે કે સમજાવવા પડે જ નહીં. ચાર શેરમાં વામન-મરીઝ કેટલું લાંબું અંતર માપી લે છે એ જોવા જેવું છે. આજનો દિવસ તો આ ચાર શેર મમળાવવામાં જ જશે !
(દાંડીકૂચ…. …પ્રારંભ, ૧૨-૦૩-૧૯૩૦)
“આવવું ન આશ્રમે – મળે નહિ સ્વતંત્રતા !
જંપવું નથી લગાર – જો નહિ સ્વતંત્રતા !
સ્નેહ, સૌખ્ય સૌ હરામ – ના મળે સ્વતંત્રતા !
જીવવું મર્યા સમાન – ના યદિ સ્વતંત્રતા !
પુત્ર-દાર !
જન્મમૃત્યુના જુહાર !
જંપવું ન, જાલિમો ય જંપશે ન, સૌ ખુવાર !
મૃત્યુ કે સ્વતંત્રતા : લખી ન આ લલાટ હાર !”
આકરા પુકારી કોલ, વીરલા રણે ચડ્યા !
ખેતરો ખૂંદ્યાં અને ભમ્યા અનેક ગામડાં !
મહી વટ્યા, ઝૂલ્યા સપૂત માત-અંક-નર્મદા !
ઝૂંપડે જઈ વસ્યા, પ્રજા-અવાજ પામવા !
મોખરે ધપે હસી હસી જવાન ડોસલો !
સર્વ સાથ – કોઈ ના – બધું સમાન : એકલો !
રાષ્ટ્રદેવ ! રાષ્ટ્રપ્રાણની પીછે સહુ ધસ્યા !
એક એ અનંતમાંથી સિંધુ સાત ઊમટ્યા !
પગો પડે !
સુવર્ણ માટીમાં મઢે !
અસંખ્ય ઊમટી પ્રજા પુનિત પાદમાં પડે !
જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સાંપડે !
જીવશે ન – જીવવા દઈ સપૂત – જાલિમો !
મારશે ય, મુક્તિમ્હેલ તો ચણાય રાખનો !
-કૃષ્ણલાલ શ્રીધરાણી
આજે બારમી માર્ચના ઐતિહાસિક દિવસે કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો આશ્રમમાં નહીં ફરૂંની ઐતિહાસિક પ્રતિજ્ઞા કરીને મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમમાંથી મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવા માટે ઓગણાએંસી અંતેવાસીઓ સાથે દાંડી તરફ કૂચ આદરી હતી. સુખ-શાંતિ, પત્ની-પુત્ર બધાને જાણે કે અંતિમ જુહાર કરીને, જંપવું નહીં અને જાલિમોને જંપવા દેવું નહીં એવા આકરા કોલ સાથે બાપુ ફનાના માર્ગે નીકળી પડ્યા હતા. આ પ્રસંગને સુપેરે આલેખતું આ કાવ્ય એ સમયના ઈતિહાસને સાંગોપાંગ આપણી નજર સમક્ષ ખડો કરી દે છે. મુક્તિનો મહેલ કંઈ સોના-ચાંદીની ઈંટોનો નથી ચણાતો, એ તો ચણાય છે રાખનો જેવી અગત્યની વાત કરીને આ આખા પ્રસંગચિત્રમાં સનાતન કવિતાનો પ્રાણ રેડી દે છે. આખા કાવ્યમાં -નાનપણમાં ભણવામાં આવતું હતું ત્યારથી- જે શબ્દપ્રયોગ મારા હૃદયમાં અંકિત થઈ ગયો છે એ છે ‘જવાન ડોસલો’. આ એક જ શબ્દ-પ્રયોગમાં રાષ્ટ્રપિતાને જે અંજલિ આ ગુજરાતી કવિએ આપી છે, એ અન્ય કોઈ ભાષામાં કદાચ કદી નહીં અપાઈ હોય!
(સૌખ્ય=સુખ, શાતા; દાર=પત્ની; જુહાર=નમસ્કાર; અંક=ખોળો)
આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ
ચાહી અમે નો’તી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ
માર્યા – પછી બાળ્યા – પછી દાટ્યા – પછી ફૂલો ધર્યા
ચાલો થયું તે થઈ ગયું સુંદર સમાધિ થઈ ગઈ
– શેખાદમ આબુવાલા
છોડ, કાંટા, ફૂલ તે શું ? હું તમે ને આપણે
સૂર્ય, તારા, ચંદ્ર તે શું ? હું તમે ને આપણે
રણ, આ રેતી, આ સમંદર, પર્વતો ને આ ઝરણ
સિંહ, સસલાં, મોર તે શું ? હું તમે ને આપણે
તેજ, વાયુ, માટી ને આ આભ ને આ જલ બધું
શૂન્ય જેવું શૂન્ય તે શું ? હું તમે ને આપણે
ઘર, આ ઘરની ભીંત, છત, બારી અને આ બારણાં
થાંભલી, આ મોભ તે શું ? હું તમે ને આપણે
વસ્ત્ર ને આ આભરણ ને આ સુગંધી દ્રવ્ય સૌ
એ બધાનું કેન્દ્ર તે શું ? હું તમે ને આપણે
ઊર્મિઓ, આ લાગણી, આ હર્ષ ને આ વેદના
દર્દનાયે અર્થ તે શું ? હું તમે ને આપણે
હું તમે ને આપણેની આ લીલા છે, ખેલ છે
ફોક, જુઠ્ઠું, વ્યર્થ તે શું ? હું તમે ને આપણે
– હસમુખ મઢીવાળા
ગઝલ તો હું વાંચી ગયો અને ગમી ગઈ એટલે અહીં મૂકી પણ રહ્યો છું. પણ આ ગઝલમાં કોઈ મને એ કહેશો કે, આ ‘હું તમે ને આપણે’ એટલે કોણ ? એક રીતે વિચારતા આ એક સંબધની કથા લાગે છે ( હું, તમે અને ‘આપણે’ ) તો બીજી રીતે જુવો તો કવિ સમગ્ર વિશ્વની એકાત્મતાની વાત કરતા હોય એમ પણ વિચારી શકાય ( હુ, તમે અને આપણે બધા ) અને પહેલા થોડા શેર તો ‘અમૂર્ત’ (એબસ્ટ્રેક્ટ) ગઝલ જેવા પણ લાગે છે… તમને શું લાગે છે ?
એક દોસ્તારને પૂછી જોયું તો કહે કે, “આખી દુનિયા સરસ મઝાના ચોરસ ટુકડા કરીને ખમણ ખાય પણ મઢી ગામ તો આકાર વગરની ખમણી માટે જાણીતું છે. આ મઢીવાળા કવિ પણ એવી લોચા વાળી ખમણી-ટાઈપની ગઝલ લાવ્યા છે. જેમ ખાવી હોય એમ ખાવ !” 🙂
સફરમાં કેટલા દિવસો વીતાવ્યા કેટલી રાતો
વિપદને કેવડી વણઝાર કે છેડો ન દેખાતો
કદી આ કાળ કેરી મંજરીના તાલમાં વાગી
પરંતુ સર્વ સંજોગોમાં વણઝારો રહ્યો ગાતો !
– ગની દહીંવાળા
જીંદગીની સફરના અટપટા રસ્તા કાપતા કાપતા બીજું બધું થાય ચાલે, પણ ગીત હોઠ પરથી હટી જાય એ ન જ ચાલે. રસ્તો ભલે આકરો હોય પણ એનેય મન ભરીને માણી લેવો જ જોઈએ. આ વાંચતા જ એક ઝેન-કથા યાદ આવી ગઈ : લીંક.
કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું :
તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી.
હું તમારી આંખોને અભણ કહેતો નથી.
પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ.
જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે
એક પ્રકારની ડિઝાઈન છે :
આપણે એકમેકને નહીં ઓળખીએ એ
આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે.
-સુરેશ દલાલ
આ નાનકડા અછાંદસને કવિએ કોઈ શીર્ષક આપ્યું નથી. પણ કવિતા વાંચતા જ સમજાય છે કે અહીં કવિતાના ઘરમાં પ્રવેશવા માટે શીર્ષક નામના દરવાજાની જરૂર છે જ નહીં કેમકે આખું મકાન જ દીવાલો, છત વિનાનું સાવ ખુલ્લું અ-સીમ છે. બે માણસો ક્યરેક આખી જિંદગી સાથે રહેવા છતાં પણ એકમેકને કદી ઓળખી શક્તાં નથી. એક માણસનો રસનો વિષય બીજા માટે સ-રસ બનતો નથી. આવાં કજોડાંઓ આપણે ત્યાં ચોરે ને ચુટે જોવા મળે છે. કવિ કેટલી સાહજિકતાથી આ કોયડો સમજાવી દે છે…! તમિલ, મલયાલમ, તેલુગુ, ઉર્દૂ કે અન્ય કોઈપણ અપરિચિત ભાષામાં લખેલું કોઈ લખાણ આપણે જોઈએ ત્યારે આપણી જાણકારીના અભાવે એ આપણા માટે એક ડિઝાઈનથી વધુ શું હોય છે ? આપણી આંખો અભણ નથી, પણ આપણી આંખો એ ભણી પણ નથી…
સાંજ પડતાં કોઈનો સથવાર ફૂટી નીકળે,
અર્થ નવતર સાંજનો તો યાર, ફૂટી નીકળે !
તું ન હો એવી ક્ષણે ઘાયલ ન થાઉં કેમ હું;
આ પવનની લ્હેરને પણ ધાર ફૂટી નીકળે !
રાખ ચાહતનું વલણ તું દોસ્ત, એવું કાયમી;
દુશ્મનોની આંખમાં પણ પ્યાર ફૂટી નીકળે !
મને ચહે તો હારમાં પણ જીતની આવે મજા;
મન વગરની જીતમાંથી હાર ફૂટી નીકળે !
છે નિરાળો આ ગઝલના સંગનો જાદુ ‘કિરીટ’,
સાવ સૂના જીવમાં ઝન્કાર ફૂટી નીકળે !
-કિરીટ ગોસ્વામી
જો બારણું તૂટે તો સરખું કરાય પાછું,
વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?
ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન પડે તરત એમાં જઈ શકાય પાછું.
હો વૃદ્ધ કોઈ એને દૂધિયા જો દાંત ફૂટે,
તો શક્ય છે કે બાળક જેવું થવાય પાછું.
કરમાઈ જે ગયું છે એ પુષ્પને ફરીથી,
એના જ મૂળ રૂપે ક્યાંથી લવાય પાછું ?
નિશ્ચય કરીને ગ્યા છો તો પાર પાડી આવો,
આ સાવ હાથ ખાલી લઈને અવાય પાછું ?
એવી જગાએ આવી થંભી ગયા છીએ કે,
જ્યાં ના વધાય આગળ કે ના વળાય પાછું.
-અનિલ ચાવડા
સંબંધમાં પડેલી તડ જોડાય તોય સાંધો તો જરૂરથી રહી જ જાય છે. આ વાતમાં કશું નવું નથી. પણ કવિનો શબ્દ વર્ષોથી જાણેલી-જીવેલી વાતમાં પણ નાવીન્ય છલકાવી શકે છે એની પ્રતીતિ આ ગઝલનો મત્લાનો શેર કરાવી જાય છે. ઘરના બારણાંને તો દુરસ્ત કરાવી શકાય છે, પણ ઘરના વાતાવરણને ? આમ તો બધા શેર મજાના થયા છે પણ મને સાંભળતાવેંત જ જે ગમી ગયો એ છે બીજા ક્રમનો શેર. ગઈકાલમાં પાછા ન ફરી શકાવાની વિવશતાને કેવી સરસ રીતે કવિ ઓરડા સાથે સાંકળી લે છે. (અનિલના મોઢે અમદાવાદની રેસ્ટોરન્ટમાં સાંભળેલી કેટલીક ગઝલોમાંની આ એક યાદગાર ગઝલ…. એક આવી જ ગઝલ આવતા અઠવાડિયે પણ…)
સૂર્યે સવાર પાડી ઘરને કર્યું અડપલું લગરીક સોનવરણું
છાંયાને બ્હાને કાજળનું ઘરના ગાલે કીધું અધિક-નમણું!
પોતાના કેશ સૂકવે તડકામાં તાજી તમતમતી ષોડ્ષી સુકન્યા
છાંયાઓ ભાત પાડીને ઠેરઠેર કરતા એ પર્વનું ઉજવણું
પંખીના કલરવોને મુઠ્ઠીમાં પકડી-પકડી ઉડાડતા કિશોરો
ફળિયું ભરીને આંખો ફફડાવતી કિશોરીનું પાડતા ખિજવણું
માથેથી સરતો સાલુ સંકોરતી ગૃહિણી કંકાવટીમાં ઘોળી-
કંકુના સાથિયાઓનું રૂપ ઉંબરામાં, ભભરાવે બમણું-બમણું
પૂજાની ઓરડીમાં ઈશ્વરને લાડ કેવાં-કેવાં લડાવે વૃદ્ધા!
ન્હવરાવે, લૂછે, વંદે, પ્હેરાવે ફૂલ, ઓઢાડે વ્હાલનું ઉપરણું
ટૂંકા પડે છે જેની ળા પનાની વ્હાલપને ઓસરી ને ફળિયું
એ વૃદ્ધમાંથી દોડે બાળકની કિલકારીનું ઠેકઠેક ઝરણું.
– રમેશ પારેખ
એક સોનાવરણી સવારના કીરણો સાથે એક શેરીમાં જીંદગી કેવી જાગી ઊઠે છે એ વર્ણવતી પરાણે મીઠી લાગે એવી ગઝલ.
ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
ન ફૂલ ને ફોરમ તોય ફોરતી,
વ્હેતી હવામાં હળુ ચિત્ર દોરતી.
અવ સુ-વર્ણ બધી જ ક્ષણેક્ષણ,
દિશેદિશે પ્રસર્યું અહીં જે રણ
ત્યાં વેળુમાંયે મૃદુ શિલ્પ કોરતી.
મધુર આ ઉરમાં પ્રગટી વ્યથા,
ક્ષણિકમાં ચિરની રચતી કથા,
સૌંદર્યની સૌ સ્મૃતિ આમ મોરતી.
– નિરંજન ભગત
કવિનું નામ ન લખ્યું હોય તો ય તરત જ પારખી શકાય કે નિ.ભ.નું ગીત છે. સરળ શબ્દોમાં રમ્ય છબી આંકી આપવાનું કૌવત જે એમના ગીતોમાં જોવા મળે છે તે બીજે ક્યારેક જ દેખાય છે. નાની સરખી અનુભૂતિ (નજીકમાં કોઈ ફૂલ નથી તોય ફોરમ આવે છે) ને લઈને સૃષ્ટિભરના સૌંદર્યને યાદ કરી લેવાનું કાવતરું એક કવિ જ કરી શકે !
તું
મારી નૌકાના સઢમાં
છિદ્ર પાડી
પવન ચોરી જઈશ
ને
આખી નૌકામાં
દરિયો છલકાવી
એને ડૂબાડી દઈશ
સાગરના પેટાળમાં
પણ
કવિતાની પંક્તિઓમાં
મહોરેલી મારી વસંતને
ક્યારેય ફેરવી નહીં શકે
પાનખરમાં…
-પન્ના નાયક
ગયા રવિવારે પન્ના નાયકની જ મૃત્યુ-વિષયક કવિતા માણી. આજે ફરીથી એમની જ અને એ જ વિષય પરની એક બીજી કવિતા જોઈએ. ચૌદ પંક્તિના આ મજાના કાવ્યને અછાંદસ સૉનેટ ન ગણી શકાય? કવિતાના અંતભાગમાં જે ચોટ આવે છે એ ખુદ મૃત્યુને વિચારતું કરી દે એવી છે… મરણ ખુદ વિચારે કે આ શરીરને મારીને શું મળશે? અંદરનો કવિ તો ક્યારનો અ-ક્ષર થઈ ગયો ! શબ્દનો મહિમા ક્યારેક આ રીતે પણ ગાઈ શકાતો હોય છે…