વૃક્ષની એ વેદના સાચી હતી,
જે ખરી’તી એ કૂંપળ કાચી હતી.
– રાહુલ શ્રીમાળી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for October, 2006

નિહાળતો જા – રઈશ મનીઆર

દરેક વાતે વિચારવાનું ત્યજી દઇને નિહાળતો જા.
સ્વીકારવાનું, નકારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

સમસ્ત દુનિયા છે એક રચના, જો થાય મનમાં વહી જા લયમાં
ન તોલ એને, મઠારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

પસાર થાતી ઘડી ઘડીમાં જુદી જુદી જે છબી ચમકતી
તમામ ઊંડે ઉતારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

આ આંસુ કરતાં છે પૃથ્વી મોટી, હૃદય છે એક જ, હજાર દુઃખ છે
દુઃખે દુઃખે આંસું સારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

ઉઘડતું આથમતું રૂપ શાશ્વત ને એક પલકારો તારું જીવન
તું એની લટને નિખારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

તું આજીવન માત્ર જોતો રહેશે છતાંય તું અંશમાત્ર જોશે
સમગ્ર અંગે તું ધારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

રઈશ મનીઆર

Comments (4)

અથશ્રી હોવું – નયન દેસાઈ

અથશ્રી હોવું, બે હાથો જોડીને રોવું…

અભરે આંસુ, સભરે પીડા
તરફડવું ચિરકાળ, જીવજી
તન તડકો છે… મન પર્વત છે ને
શ્વાસો ખડકાળ, જીવજી
અથશ્રી હોવું : પડછાયાને પાણી ટોવું
બે હાથો જોડીને રોવું

ફૂલની પાંદડીઓમાં પેઠા ભમરા કૈં
ભમરાળ, જીવજી
ડંખ મ્હેંક ભરીને વાગ્યા
કંટક થૈ ગૈ ડાળ, જીવજી
અથશ્રી હોવું : દર્પણ થઈ ઝાકળને જોવું
બે હાથો જોડીને રોવું

સખ્ખળ ડખ્ખળ સંબંધોનાં
અણિયાળાં કૈં આળ, જીવજી
આ સૂરજને પાદર કાઢો
ઊગે છે બરફાળ, જીવજી
અથશ્રી હોવું : વહેતા જળને જળથી ધોવું
બે હાથો જોડીને રોવું

નયન દેસાઈ

કવિ નયન દેસાઈ જીવનની ભાતીગળ વાતોને કળાત્મક રીતે લાક્ષણિક શબ્દોમાં ઢાળીને કહેવાની હથોટી ધરાવે છે. આ પહેલી નજરે અસ્પષ્ટ ભાસતા ગીતમાં આપણા ‘હોવાપણા’ની વાત નયનભાઈ અભૂતપૂર્વ સહજતાથી લઈને આવ્યા છે. આપણું હોવું શું છે એ પ્રશ્નનો ઉત્તર તો એ ધ્રુવપંક્તિમાં જ આપી દે છે… બે હાથ જોડીને રોવું, એ જ છે આપણું હોવું…

માંહ્યમાં કંઈ ન હોય તો આંસુ અને માંહ્ય માલામાલ હોય તો પીડા, આજ છે આપણી દ્વિધા. અભરે કે સભરે, માણસો સદાકાળ તરફડતા જ રહેશે કારણકે તન-મન-શ્વાસ અને એ રીતે આ જીવનનો રસ્તો કંઈ આસાન નથી… એ તો તાપ સમો આકરો કે પર્વત સમો દોહ્યલો અને બાકી હોય ત્યાં દુર્ગમરીતે ખડકાળ છે. પડછાયાની પાછળ દોડવાથી નથી કશું હાંસિલ કે નથી કશું મળવાનું એને પાણી પાઈ પાઈને પોષવાથી…

જીવનને ફૂલની પાંદડી સમું નાજુક અને સુંવાળું ગણીએ તો એનો રસ ચૂસવા માટે કૈંક ભમરા ટાંપીને જ બેઠા છે એ ભૂલાવું ન જોઈએ. ફૂલના નસીબમાં માત્ર સુવાસ જ ક્યાં છે, ડાળ પરના કાંટા પણ તો છે… ઝાકળ પોતે ક્ષણાર્ધ માટેની વાસ્તવિક્તા છે, જે પ્રભાતના પહેલા કિરણ સાથે જ વિલોપાઈ જશે… અને દર્પણ એટલે આભાસ… આપણું હોવાપણું એટલે ઝાકળ સમી ક્ષણભંગુરતાને દર્પણના આભાસથી જોવાની અર્થહીન ચેષ્ટા….

આપણા સંબંધો પણ આપણા હોવાપણાની જેમ જ શિથિલ છે… એ ઢીલા પડી ગયા છે… પરસ્પર આળ ચઢાવવાની ઢીલાશથી વધુ ચુસ્તતા આપણે જવલ્લે જ કોઈ સંબંધોમાં અનુભવીએ છીએ કેમકે આપણા સંબંધોના સૂર્યમાં સ્નેહની ઉષ્મા નથી… એમાં છે ઔપચારિક્તાની બર્ફિલી ટાઢક. વહેતા પાણીને પાણીથી ધોવાથી શું વળે? આપણું હોવું પણ શું આવું જ અર્થહીન નથી?

Comments (4)

એક બસ સમજણ… હિમાંશુ ભટ્ટ

એક બસ સમજણ જો આવી જાય તો ?
જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?

મોક્ષની વાતો બધા કરતા રહે,
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો ?

કેમ છે ભીંતો અને સરહદ બધે ?
ચોતરફ વિશ્વાસ વ્યાપી જાય તો ?

આમ તો એ શું હતું ? શબ્દો હતા..
પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?

જેમનાથી જિંદગી દોડ્યા કર્યું,
એ હતું શું ? યાદ આવી જાય તો ?

જે નથી ભૂલ્યો, નથી કરતો હવે,
વાતમાં એ વાત આવી જાય તો ?

પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
લાગણી જો નામ પામી જાય તો ?

પાછલી વાતો બધા ભૂલી જશે,
આખરી તું દાવ જીતી જાય તો !

-હિમાંશુ ભટ્ટ

Comments (6)

ગઝલ – ઉર્વીશ વસાવડા

મને ગમતી પ્રત્યેક ક્ષણ ગઝલમાં લઈને આવ્યો છું
ઘણી વાતો તમારી પણ ગઝલમાં લઈને આવ્યો છું

સતત ચાહી છે કુદરતને પૂરી નિષ્ઠાથી જીવનમાં
નદી, પર્વત ને તપતું રણ ગઝલમાં લઈને આવ્યો છું

શિલાલેખો, ગિરિ ગિરનાર, દામોકુંડ, કેદારો
જૂનાગઢની ધરાના કણ ગઝલમાં લઈને આવ્યો છું

સમજપૂર્વક હકીકતને જુદી, આભાસથી પાડી
અરીસામાં પ્રગટતો જણ ગઝલમાં લઈને આવ્યો છું

નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની
સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું

ઉર્વીશ વસાવડા

ગુજરાતી સાહિત્યજગતમાં તબીબ-કવિઓની ખોટ નથી. ઉર્વીશ વસાવડા એમની સરળ ભાષામાં જ્યારે ખૂલે છે ત્યારે કળાવા નથી દેતા કે તેઓ એક તબીબ – રેડિયોલોજીસ્ટ છે. જૂનાગઢના વતની હોવાના નાતે એમની ગઝલોમાં ગિરનાર, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો કેદારો અને અશોકના શિલાલેખો ખૂબ સહજતાથી વણાઈ જાય છે. સાવ સરળ ભાસતા કાફિયાઓ પાસે પણ એ બેનમૂન કામ લઈ શક્યા છે એ એમની કવિ તરીકેની સાર્થક્તા સૂચવે છે. કાવ્યસંગ્રહ: “પીંછાનું ઘર”. જન્મ: ૧૩-૦૪-૧૯૫૬.

Comments (6)

અમર આશા – મણિલાલ ન. દ્વિવેદી

કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં, રહમ ઊંડી લપાઈ છે.

જુદાઈ જિંદગીભરની, કરી રો રો બધી કાઢી,
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે.

ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી,
હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે.

જખમ દુનિયાં જબાનોના, મુસીબત ખોફના ખંજર,
કતલમાંયે કદમબોસી, ઉપર કયામત ખુદાઈ છે.

શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ,
અગમ ગમની ખરાબીમાં, મજેદારી લૂંટાઈ છે.

ફના કરવું – ફના થાવું, ફનામાં શહ સમાઈ છે,
મરીને જીવવાનો મન્ત્ર, દિલબરની દુહાઈ છે.

ઝહરનું નામ લે શોધી, તુરત પી લે ખુશી થી તું,
સનમના હાથની છેલ્લી, હકીકતની રફાઈ છે.

સદા દિલના તડપવામાં, સનમની રાહ રોશન છે,
તડપ તે તૂટતાં અન્દર ખડી માશૂક સાંઈ છે.

ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું;
ગુલોના ખારથી બચતાં, બદનગુલને નવાઈ છે.

હજારો ઓલિયા મુરશિદ, ગયા માશૂકમાં ડૂલી,
ન ડૂલ્યા તે મૂવા એવી, કલામો સખ્ત ગાઈ છે.

-મણિલાલ દ્વિવેદી

મણિલાલ ન. દ્વિવેદી ‘અભેદમાર્ગપ્રવાસી’ તરીકે જાણીતા સાહિત્યકાર હતા. કવિતા ઉપરાંત નાટક, નિબંધ, સંશોધન, વિવેચન, સંપાદન અને અનુવાદ ઉપર પણ એમની હથોટી રહી. સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને અધ્યાપક. નર્મદના અનુગામી લેખકોમાંનો એક સશક્ત સ્તંભ એમને ગણી શકાય. ગુજરાતી ગઝલના ઉત્થાનમાં એમનું પ્રદાન નોંધપાત્ર છે. ‘અમર આશા’ એમના જીવનની સીમાચિહ્નરૂપ ગઝલ છે જે ગાંધીજીને પણ પ્રિય હતી. જન્મ અને મૃત્યુ નડિયાદમાં. (જન્મ : ૨૬-૦૯-૧૮૫૮, મૃત્યુ : ૦૧-૧૦-૧૮૯૮) કાવ્ય સંગ્રહ:”આત્મનિમજ્જન”

(વસ્લ= સમાગમ, મિલન; કદમબોસી= ચરણચંપી; અગમ= અગમ્ય, ભવિષ્ય; શહ્= સામર્થ્ય; રફાઈ=આત્મબલિદાન; મુરશિદ=ધર્મોપદેશક)

Comments (3)

વજનદાર શાંતિ – ગિરીશ ભટ્ટ

એ લોકો શું

– કોઇ નવા ઇસુને
  વધસ્તંભ પર ચડાવી રહ્યા છે?

– કોઇ નવા બુધ્ધ પર
  પથ્થર અને ગાળોનો વરસાદ વરસાવી રહ્યા છે?

– કોઇ નવી મીરાંને
   ઝેરનો પ્યાલો ધરી રહ્યા છે?

– કોઇ નવી રાબિયાની
   જીવતી ત્વચા કોચી રહ્યા છે?

– પુત્રવધૂને જીવતી સળગાવીને
   પછી એની અર્ધબળેલી લાશના
   અગ્નિસંસ્કાર કરી રહ્યા છે?

   મિત્ર, આટલી વજનદાર શાંતિ શા કારણે છે?

– ગિરીશ ભટ્ટ

Comments (1)

જર્જરિત દેહને – બળવન્તરાય ક. ઠાકોર

(પૃથ્વી)
સખા કહું? કહું તુરંગમ? તું છેક હારી ગયો? *તુરંગમ – અશ્વ
ત્રુંટું ત્રુટું થઇ રહ્યો વિકલ સંધિ ને સ્નાયુમાં ? * સંધિ – સાંધા
ન સ્થૈર્ય, નવ હોશ લેશ, શ્વસને ન વા વર્ત્તને
ખમાય લગિરે અનીમ. અહ શી દશા તાહરી !

તથાપિ સફરે પ્રલંબ મુજ સાથિ સંગી અરે, * પ્રલંબ – લાંબી
હ્જીય મુજને જવૂં છ ડગ સ્વલ્પ, તું ચાલ જો:
હજી છ મુજને કંઇક કરવૂં અધૂરું પુરૂં,
ઉકેલિ લઉં તે, – પછી ઉભય તું અને હું છુટી

વિરામમધુ પ્રાશવા, અક્રિયતોદધિ સેલવા, * અક્રિયતોદધિ – નિષ્ક્રીયતાનો સમુદ્ર
જુની સ્મૃતિ તણાં અનંત પતળાં રુચિર વાદળાં, * રુચિર – સુંદર
તરંત ઉભરૈ રહંત, રહિ હૈ જ વાગોળવા !
સબૂર જરિ, ના ચહું કશુંય જે તને શક્ય ના,

કદી ન તગડીશ, લે વચન! સાથિસંગી અહો,
જરા ઉચલ ડોક; દૂર નથી જો વિસામો હવે. * ઉચલ – ઊંચી કર

– બળવન્તરાય ક. ઠાકોર

સાક્ષર યુગના અગ્રગણ્ય કવિ – સોનેટ અને પૃથ્વી છંદ તેમની વિશેષતા. લાગણી પ્રધાન, પોચટ કવિતાઓના જમાનામાં વિચાર પ્રધાન કવિતાઓને વહેતી કરી. માટે તેમનો આગ્રહ સોનેટ અને પૃથ્વી છંદ ( લગભગ અગેય છંદ) માટે.

Comments (1)

તમારા દિલાસે – હરકિસન જોષી

પરમ ચેતનાની પ્રસરતી સુવાસે
હૃદય ધડકનો તારી મૂર્તિ તરાશે

દીવાલો ખસેડી ને છતને હટાવી
હવે કંઈક આકાશ લાગે છે પાસે

કશું ક્યાંક પથરાળ અટકી પડ્યું છે
વહે મારું હોવું તો શ્વાસે ને શ્વાસે

મળે ક્યાંથી આવે છે પૂનમ થઈને
અહીં શોધ ચાલે અમાસે અમાસે

અકિંચન હતા સાવ તો પણ જુઓને
અમે જીવી નાંખ્યું તમારા દિલાસે

-હરકિસન જોષી

માણસના વહેવાપણા અને હોવાપણાને અટકાવી રાખતી દિવાલો અને છતો જ્યાં સુધી હટાવી ન લેવાય ત્યાં સુધી આકાશની અસીમતા નજીક આવી શક્તી નથી… સરળ શબ્દોમાં અઘરી વાત !

Comments (1)

હરિ ગીત – રવીન્દ્ર પારેખ

હરિ, હાજરાહજૂર !
તોય મને શોધાવે એવું હો એ જગથી દૂર.

અડધી રાતે ડર લાગે તો કોને જઈને કૈયે,
હરિ, રહે હૈયે ને તો પણ કદી ન આવે શય્યે,
ક્યાંક ઝલક એની સાંપડતાં હું તો ગાંડીતૂર.

ટુકડે ટુકડે અંધારાં સીવીને કાઢું રાત,
ટીપે ટીપે વિરહ પરોવી માંડ કરું પરભાત,
છતે ધણીએ કોણ હશે મારા કરતાં મજબૂર ?

કોઈવાર તો એમ થાય કે બાથ ભીડું બ્રહ્માંડે,
પછી થાય, હૈયે છે તેને કોણ બ્હાર જઈ ભાંડે ?
એવું કરવા કરતાં હૈયું કરું ન ચકનાચૂર !

-રવીન્દ્ર પારેખ

અટક પારેખ હોય તો હરિગીત સરસ લખાય એવું તો નથી ને? રમેશ પારેખની જેમ રવીન્દ્ર પારેખના હરિગીતો પણ આપણી ભાષાનું સુંદર ઘરેણું બની રહ્યાં છે. હૈયામાં હોય એને બહાર જઈને વળી શું ભાંડવું એ વિલાપમાં હરિ માટેની અદમ્ય ઝંખના તીવ્રતાને સ્પર્શે છે…

Comments (3)

વ્યસ્ત છીએ આપણે – નીતિન વડગામા

આજે કેવળ આપણામાં વ્યસ્ત છીએ આપણે,
પોતપોતની કથામાં વ્યસ્ત છીએ આપણે.

આમ તો સુખનાં સગડ ક્યાં સાંપડે છે સ્હેજ પણ,
ને નિરર્થક આવ-જામાં વ્યસ્ત છીએ આપણે.

ભીંત તોડી બ્હાર નીકળવું જરૂરી છે છતાં,
પાંગળી પોકળ પ્રથામાં વ્યસ્ત છીએ આપણે.

આંખની ભીનાશ તો ઊડી ગઈ છે ક્યારની,
સાવ સુક્કી સરભરામાં વ્યસ્ત છીએ આપણે.

છેદવામાં, ભૂંસવામાં ને બધુંયે લૂંટવામાં,
કાં હજી પણ આ બધામાં વ્યસ્ત છીએ આપણે ?

-નીતિન વડગામા

Comments (4)

નૂતન વર્ષે શાન્તિસૂક્ત – ઉશનસ્

લયસ્તરોની ટીમ તરફથી સર્વ વાચકમિત્રોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને નૂતન વર્ષની ખૂબ ખૂબ વધાઈ…. નવું વરસ…સૌનું વીતે સરસ…!

ક્યાંય ના જરી ક્લેશ હો; ને ક્યાંય ના જરી ક્લાન્તિ હો;
સર્વને હો તાઝગી પ્રાતઃફૂલોની, શાન્તિ હો.

વ્યોમમાંયે શાન્તિ હો, ને ભોમમાંયે શાન્તિ હો,
વ્યોમભોમની મધ્ય રોમેરોમ સોમ શી શાન્તિ હો.

પૃથ્વી તો કંપે હજી ક્યારેક; એ જંપી નથી,
હો ધરીમાં સ્નિગ્ધતા, ને ક્ષુબ્ધતાને શાન્તિ હો.

એક જે હતું પૂર્ણ તે ખુદ કણકણોમાં ચૂર્ણ છે,
એ પૂર્ણપણમાં હોય તેવી ચૂર્ણકણમાં શાન્તિ હો.

ભવભવાટવિમાં ભટકવું છે લખ્યું જો ભાગ્ય; તો
એ ભાગ્યને પણ શાન્તિ હો, એ ભ્રાન્તિને પણ શાન્તિ હો.

પંચભૂતોની મહીં, ને સર્વ ઋતુઓના ઋતે
સંક્રાન્તિઓને શાન્તિ હો, ને ક્રાન્તિમાંયે શાન્તિ હો.

શપ્ત શાં સંતપ્ત રણ, નિઃસૂર્ય અંધારાં વનો;
એ રણો શાં, એ વનો શાં સૌ મનોમાં શાન્તિ હો.

કેટલું છે દુઃખ ઉશનસ્ ! ચેતનાથી ચિત્તમાં !
એ ચેહનેયે શાન્તિ હો, એ દેહનેયે શાન્તિ હો.

-ઉશનસ્

(સૂક્ત= વેદમંત્રો અથવા ઋચાઓનો સમૂહ, ભવભવાટવિ= જન્મ-જન્માંતરરૂપી વન, ઋતે= સિવાય, સિવાય કે, ચેહ= ચિતા)

Comments (5)

ક્યાં છે ? – કુમુદ પટવા

આંસુઓના પડે પ્રતિબિંબ
એવાં દર્પણ ક્યાં છે ?
કહ્યાં વિના  સઘળું સમજે
એવાં સગપણ ક્યા છે ?

– કુમુદ પટવા

Comments (5)

ભૂલી ગયો દિશાઓ – સતીન દેસાઇ ‘પરવેઝ’

ઝરણાંની ઘેલછામાં ભૂલી ગયો દિશાઓ;
દરિયો કઇ દશામાં, ભૂલી ગયો દિશાઓ.

ભીતર લપાઇ શ્વાસો શતરંજ ખેલ ખેલે,
કઇ ચાલ ચાલવામાં, ભૂલી ગયો દિશાઓ.

ઓ જીવ, આખરે તો દેતી દગો સુગંધો,
કેવી અજબ હવામાં, ભૂલી ગયો દિશાઓ.

ટટ્ટાર ઊભવું’તું જનમોજનમની આણે,
તરણું જ તોડવામાં, ભૂલી ગયો દિશાઓ.

છાયાની બસ મમતમાં રઝળે છે રાતદિન એ,
કેવી એ સૂર્યતામાં, ભૂલી ગયો દિશાઓ.

હું વ્હાણમય હતો ને, જળમય હવે થયો છું,
જળનેજ તારવામાં, ભૂલી ગયો દિશાઓ.

દર્શન કે દ્વાર સાથે નાતો નથી રહ્યો કે,
એની જ તો કથામાં, ભૂલી ગયો દિશાઓ.

ગાથા ગવાય ક્યાં લગ ‘પરવેઝ’ બે ચરણની,
ઉંબરને ઠેકવામાં, ભૂલી ગયો દિશાઓ.

– સતીન દેસાઇ ‘પરવેઝ’

Comments (3)

કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી – સોહનલાલ દ્વિવેદી

લહરોંસે ડરકર નૌકા પાર નહીં હોતી.
કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

નન્હીં ચીંટી જબ દાના લેકર ચલતી હૈ,
ચઢતી હૈ દીવારોં પર, સૌ બાર ફિસલતી હૈ.
મનકા વિશ્વાસ રગોંમેં સાહસ ભરતા હૈ.
ચઢકર ગીરના, ગીરકર ચઢના અખરતા હૈ.
આખિર ઉસકી મેહનત બેકાર નહીં હોતી.
કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

ડુબકીયાં સિન્ધુમેં ગોટખોર લગાતા હૈ.
જા જા કર ખાલી હાથ લૌટકર આતા હૈ.
મિલતી નહીં સહજ હી મોતી ગેહરે પાની મેં.
બઢતા દુગુના ઉત્સાહ ઇસી હૈરાનીમેં.
મુટ્ઠી ઉસકી ખાલી હર બાર નહીં હોતી.
કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

અસફલતા એક ચુનૌતી હૈ.
ઇસે સ્વીકાર કરો; ક્યા કમી રહ ગયી ?
દેખો ઔર સુધાર કરો જબ તક ના સફલ હો.
નીંદ ચૈન કી ત્યાગો તુમ.
સંઘર્ષકા મૈદાન છોડકર મત ભાગો તુમ.
કુછ કીયે બીના હી જય-જય-કાર નહીં હોતી.
કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

– સોહનલાલ દ્વિવેદી

થોડાક વખત પર આવેલી ફિલ્મ ‘ મૈંને ગાંધીકો નહીં મારા’ માં સતત પઠાતી રહેતી આ કવિતા છે. તેનો સંદેશો ફિલ્મના નાયકના આંતરિક સંઘર્ષ, તેની એક દુઃસહ્ય માનસિક બીમારી અને તેની દિકરીએ તેને માનસિક ગર્તામાંથી બહાર કાઢવા કરેલ અથાગ પ્રયત્નને સતત પુષ્ટિ આપતો રહે છે.

સારી કવિતા કથાવસ્તુને કેવું ઉજાગર કરી શકે છે તેનું આ બહુ જ સુંદર ઉદાહરણ છે.

Comments (5)

શું ચીજ છે ? – રમેશ પારેખ

એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ?
બાંકડો શું ચીજ છે ? બુઢઢા થવું શું ચીજ છે ?

ચીજવસ્તુ થઈ ગયેલી આંખને પૂછી જુઓ
સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે ?

કઈ તરસ છે એ કે એને આમ પાલવવી પડે ?
રોજ આખેઆખું છાપું પી જવું શું ચીજ છે ?

રોજ એનાં એ જ સાલાં ફેફસાં વેંઢારવાં
રોજ એનું એ જ જીવ પર આવવું શું ચીજ છે ?

ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ
ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે ?

વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવી, રમેશ
હોડ શું છે ? હાર શું છે ? ઝૂઝવું શું ચીજ છે ?

– રમેશ પારેખ

જ્યારે જ્યારે આ ગઝલ વાંચું છું ત્યારે એક ખાલીપો ધેરી વળે છે. ગોળ ચશ્માં… શેરમાં રમેશ પારેખે ઘડપણની એકલતા અને ખાલીપાને આબાદ ઝીલ્યા છે. જીવનમાંથી ધ્યેય ખૂટી જાય અને સમય કોકડું વળી જાય એ અવસ્થા કેમ કરી જીરવવી ? ઘડપણની જેમ જ, આ ગઝલમાં ખાલી પ્રશ્નો જ છે કોઈ ઉત્તર નથી. ઉત્તરો શોધવાની સતત મથામણને કારણે જ કદાચ ઘડપણને ઉત્તરાવસ્થા કહેતા હશે ?

Comments (4)

મુક્તક – ભરત પાલ

વહાણ ચાલે છે સમયની રેત પર,
કોણ મારે છે હલેસાં શી ખબર ?
છે ખલાસી પર મને શ્રદ્ધા અડગ,
એ મને છોડે નહીં મઝધાર પર.

– ભરત પાલ

Comments (4)

ગઝલ – જાતુષ જોશી

આમ તો બસ એ જ અંતિમ લક્ષ્ય છે
એ વિષે પણ કેટલાં મંતવ્ય છે.

કૈંક ખૂણા ગોળ પૃથ્વીમાં જડે !
જો, અહીં અગ્નિ, પણે વાયવ્ય છે.

આપણો સંતત્વનો દાવો નથી,
આપણી ભૂલો બધીયે ક્ષમ્ય છે.

વ્હેંચવાથી જે સતત વધતું રહે,
આ હૃદયમાં એક એવું દ્રવ્ય છે.

સ્વપ્નનો છે અર્થ કેવળ શક્યતા;
સ્વપ્ન પણ આવે નહીં એ શક્ય છે.

જાતુષ જોશી

-આપણી ભૂલો બધીયે ક્ષમ્ય છે કહીને  કેટલી સરળતાથી મનુષ્યજીવનની નબળાઈનો કવિએ સ્વીકાર કરી લીધો ! અને સ્વપ્નની વ્યાખ્યા અને વાસ્તવિક્તાને મત્લાની બે કડીમાં સાંકળીને બોટાદના જાતુષ જોશીએ કમાલ નથી કરી લીધી ! (જન્મ : 02-01-1979)

Comments (4)

તારા વિના – સુરેશ દલાલ

તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.
તારા વિના ફૂલ તો ખીલ્યાં
પણ આંખો કરમાઈ ગઈ.
તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા.
તારા વિના…

તારા વિના…
તારા વિના…

જવા દે,
કશું જ કહેવું નથી.

અને કહેવું પણ કોને
તારા વિના ?

– સુરેશ દલાલ

એક સંગાથ છૂટી જાય તો ઘણી વાર આખી જીંદગીમાંથી અર્થ ખૂટી જાય છે. ‘તું’ નથી તો જાણે ‘હું’ જ નથી. અને એની ફરિયાદ કરવા જવું તો જવું પણ ક્યાં ? 

Comments (3)

મારા રે હૈયાને તેનું પારખું – પ્રહલાદ પારેખ

ક્યારે રે બુઝાવી મારી દીવડી, ક્યારે તજી મેં કુટીર.
કઇ રે ઋતુના આભે વાયરા, કઇ મેં ઝાલી છે દિશ;
નહીં રે અંતર મારું જાણતું;

કેવાં રે વટાવ્યાં મેં આકરાં, ઊંચા ઊંચા પહાડ;
કેમ રે વટાવી ઊભી માર્ગમાં, અંધારાની એ આડ:
નહીં રે અંતર મારું જાણતું;

વગડે ઊભી છે નાની ઝુંપડી, થર થર થાયે છે દીપ,
તહીં રે જોતી મારી વાટડી, વસતી મારી ત્યાં પ્રીત.
મારા રે હૈયાને તેનું પારખું.

પડ્યા રે મારા પગ જ્યાં બારણે, સુણિયો કંકણનો સૂર;
મૃદુ એ હાથો દ્વારે જ્યાં અડ્યા, પળમાં બંધન એ દૂર.
મારા રે હૈયાને તેનું પારખું.

ફરીને કુટિરદ્વારો વાસિયાં, રાખી દુનિયા બહાર,
પછી રે હૈયાં બેઉ ખોલિયાં, જેમાં દુનિયા હજાર,
મારા રે હૈયાને તેનું પારખું.

પ્રહલાદ પારેખ

જન્મ : 12 ઓક્ટોબર- 1912

Comments (1)

જો બીત ગયી સો બાત ગયી – હરિવંશરાય બચ્ચન

જીવનમેં એક સિતારા થા
માના વો બેહદ પ્યારા થા
વહ ડૂબ ગયા તો ડૂબ ગયા
અંબરકે આનંદકો દેખો
કિતને ઇસકે તારે ટૂટે
કિતને ઇસકે પ્યારે લૂટે
જો છૂટ ગયે ફિર કહાં મિલે
પર બોલો ટૂટે તારોં પર
કબ અંબર શોક મનાતા હૈ?
જો બીત ગયી સો બાત ગયી

જીવનમેં વહ થા એક કુસુમ
થે ઉસ પર નિત્ય નિછાવર તુમ
વહ સૂખ ગયા તો સૂખ ગયા
મધુવનકી છાતીકો દેખો
સૂખી કિતની ઇસકી કલિયાં
મુરઝાયી કિતની વલ્લરીયાં
જો મુરઝાયી વો ફિર કહાં ખીલી?
પર બોલો સૂખે ફૂલોં પર
કબ મધુવન શોર મચાતા હૈ?
જો બીત ગયી સો બાત ગયી

જીવન મેં મધુકા પ્યાલા થા
તુમને તન મન દે ડાલા થા
વહ ટૂટ ગયા તો ટૂટ ગયા
મદીરાલયકે આંગનકો દેખો
કિતને પ્યાલે હીલ જાતે હૈં
ગિર મિટ્ટીમેં મિલ જાતે હૈં
જો ગિરતે હૈં કબ ઊઠતે હૈં
પર બોલો ટૂટે પ્યાલોં પર
કબ મદીરાલય પછછાતા હૈ
જો બીત ગયી સો બાત ગયી

મૃદુ મિટ્ટીકે હૈં બને હૂએ
મધુ ઘૂટ ફૂટા હી કરતે હૈં
લઘુ જીવન લેકર આયે હૈં
પ્યાલે ટૂટ હી કરતે હૈં
ફિર ભી મદીરાલયકે અંદર
મધુકે ઘટ હૈં, મધુ પ્યાલે હૈં
જો માદકતા કે મારે હૈં
વે મધુ લૂટા હી કરતે હૈં
વો કચ્ચા પીને વાલા હૈ
જિસકી મમતા ઘટ પ્યાલોં પર
જો સચ્ચે મધુ સે જલા હુઆ
કબ રોતા હૈ, કબ ચિલ્લાતા હૈ
જો બીત ગયી સો બાત ગયી

 

– હરિવંશરાય બચ્ચન

બીગ-બી ના સ્વ. પિતાશ્રી હરિવંશરાય બચ્ચનની આ બહુ જ પ્રસિદ્ધ રચના છે.  પ્રથમ પત્ની શ્યામાના અવસાન બાદ તેઓ બહુ નીરાશાના ગર્તામાં સરી પડ્યા હતા. એક વર્ષ સુધી આ હતાશા તેમને ઘેરી વળી હતી. કો’ક પળે તેમને એ સત્યનું ભાન થયું કે તેમણે જીવન પસાર તો કરવું જ રહ્યું. તે વખતની તેમની આ નવાગંતુક જાગૃતિમાં આ રચના રચાઇ હતી.

જીવનનો નશો કાયમી રહે તે જરૂરી છે. કદાચ નશા(Passion) વગરનું જીવન તે જીવન  જ નથી. તે કયા પાત્રમાંથી આવે છે કે, પીનારનો પ્યાલો કેવો છે તે અગત્યનું નથી.

તેમનો ગયેલો નશો પાછો આવ્યા પછીની તેમની રચનાઓ બહુ જ અદ્ ભૂત અને વખણાયેલી છે.

Comments (3)

નડતું રહ્યું – વિવેક મનહર ટેલર

એક જ સ્ખલન આખું જીવન અમને સતત નડતું રહ્યું,
હર રૂપમાં,   હર શ્વાસને,   હર  સ્વપ્નને  અડતું રહ્યું.

ક્ષય પામવાનો શાપ છે, છો ચાંદની મુજ શુદ્ધ હો,
માથે કલંક એક જ છે કિંતુ આજીવન નડતું રહ્યું.

એવા સ્મરણનું વિસ્મરણ થાતું નથી કેમે કરી
જેના પડળની વચ્ચે આ મન ધાન થઈ ચડતું રહ્યું.

સૌએ કહ્યું, ભૂંસે પવન થઈ, કાળ રેતીમાંથી છાપ,
પત્થર મહીં પગલાં બનીને કોણ તો પડતું રહ્યું.

સાચે અગર જો આ ક્ષણોને જીવવામાં નહોતો થાક,
થઈને કરચલી કોણ આ માથે કહો, પડતું રહ્યું?!

મારી નજર ભટક્યાં કરી, એકાગ્રચિત્ત જ તું સદા,
કિલ્લો અડીખમ લાગે છો ને, કૈંક ઉખડતું રહ્યું.

રાતે પ્રિયાના ગર્ભમાં પગરવ થયો નક્કી કશોક,
ગળપણ વધારે ચામાં બાકી શાને ઉમડતું રહ્યું ?

આ ઘર તરફ આવી રહ્યો શબ્દોને પહેરીને પવન,
સુંદર મજાનું કાવ્ય બારી જેમ ઊઘડતું રહ્યું.

– ડૉ. વિવેક મનહર ટેલર

Comments

ખંડેરના એકાંત – રાજેન્દ્ર શુક્લ

ખંડેરના એકાંતને પણ એક જણ મળતું રહ્યું,
તે એક સાથે બીજી પળને કોક સાંકળતું રહ્યું.

ઊંચાઈઓને આંબવાનું ચંદ્ર તો બ્હાનું હશે,
ના વ્યર્થ કૈં સાગર તણું ઊંડાણ ખળભળતું રહ્યું !

આ જિંદગીની ચાર ક્ષણનું ગીત તો પૂરું થયું;
મુજ શૂન્યતા ગાતી રહી તુજ મૌન સાંભળતું રહ્યું.

ઊગ્યા કર્યું સ્વપ્નોનું લીલું ઘાસ કબરો પર અને
આકાશની આંખો થકી મુજ દર્દ ઓગળતું રહ્યું.

આ વન્ય કેડીઓ સમય ગાતો રહ્યો, ગાતો રહ્યો,
ને તે ક્ષિતિજની રેખ પર કોનું વદન ઢળતું રહ્યું !

‘ના કોઈની યે વાટ….’ કહી જેણે ક્ષિતિજ તાક્યા કર્યું,
છેવટ સુધી એ આંખમાં આકાશ ટળવળતું રહ્યું.

હું તો સમયની જ્યમ બધુંયે ભૂલવા મથતો ગયો,
યુગ-અંતનું ખાલીપણું મુજ રક્તમાં ભળતું રહ્યું.

રાજેન્દ્ર અનંતરાય શુક્લ (૧૨-૧૦-૧૯૪૨) નો જન્મ બાંટવા, જૂનાગઢ. હાલ અમદાવાદ. શબ્દના તળમાં ઠેઠ ઊંડે ડૂબકી લગાવ્યા બાદ હાથમાં આવેલા અલભ્ય મોતીની ચમક એમના કાવ્યોમાં આવ્યા વિના રહેતી નથી. મૌનને બોલતું સાંભળવું હોય તો એમની કવિતાનો ભગવો ધારણ કરવો પડે. આ ગઝલના બધા જ શેર એક વિશિષ્ટ અભિવ્યંજના લઈને સામાન્ય પ્રતીકોમાંથી અસામાન્ય કલ્પનલીલા સર્જે છે, જેના અર્થ-વર્તુળો ધીમે-ધીમે આપણી અંદર કંઈક હચમચાવતા હોય એવું ભાસે છે…

કાવ્યસંગ્રહ: ‘કોમલ રિષભ’, ‘સ્વવાચકની શોધમાં’, ‘અંતર ગાંધાર’, ‘ગઝલ સંહિતા’- ૧ થી ૫ (સભર સુરાહિ, મેઘધનુના ઢાળ પર, આ અમે નીકળ્યા, ઝળહળ પડાવ, ઘિર આઈ ગિરનારી છાયા).

Comments (2)

હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુક્લ

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમિયેલ પાનક.

સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.

અમે જાળવ્યું છે ઝીણેરા જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક.

છે ચન જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

નયનથી નીતરતી મહાભાવ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

શબોરોજ એની મહેકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક.

-રાજેન્દ્ર શુક્લ

ગિરનારની તળેટીમાં આજે શરદપૂર્ણિમાના રોજ તારીખ ૦૭-૧૦-૨૦૦૬ નો દિવસ સાક્ષાત્ સરસ્વતીના અવતરણ સમો યાદગાર બની રહેશે. જૂનાગઢના ‘આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ’ તરફથી દરવર્ષે અપાતો ગુજરાતી કવિતા માટેનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત “નરસિંહ મહેતા પુરસ્કાર” રૂપાયતન સંસ્થાના પ્રાંગણમાં આ વર્ષે મોરારિબાપુના વરદ્ હસ્તે કવિશિરોમણી શ્રી રાજેન્દ્ર શુક્લાને અપાશે ત્યારે એમનું આ બહુમાન છે કે ગુજરાતી કવિતાનું- એ નક્કી કરવું આકરું થઈ રહેશે…

રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી કવિતાના લલાટ પરનું જાજવલ્યમાન તિલક છે. એમની કવિતા વાંચીએ તો લાગે કે એ શબ્દો કને નથી જતા, શબ્દો એમની કને સહસા સરી આવે છે, જાણે કે આ એમનું એકમાત્ર સાચું સરનામું ન હોય! ભગવો માત્ર એમના દેહ પર જ નહીં, એમના શબ્દોમાં પણ સરી આવ્યો છે. રાજેન્દ્રભાઈની કવિતા એટલે જાણે આત્માનો પરમાત્મા સાથેનો ચિરંતન વાર્તાલાપ. લાંબા સફેદ દાઢી-મૂછ, સાક્ષાત્ શિવનું સ્મરણ કરાવે એવા લાંબા છૂટા જટા સમ વાળ, કેસરી ઝભ્ભો, ગળામાં રુદ્રાક્ષની માળા, ખભે થેલો અને આંખે ચશ્માં- ‘બાપુ’ને જોઈએ ત્યારેકોઈ અલગારી ઓલિયાને મળ્યાનો ભાસ થયા વિના ન રહે. આધુનિક ગઝલની કરોડરજ્જુને સ્થિરતા બક્ષનાર શિલ્પીઓના નામ લેવા હોય ત્યારે બાપુનું નામ મોખરે સ્વયંભૂ જ આવી જાય.

(ચાનક= કાળજી, (૨) ઉત્તેજન, ઉત્સાહ, જાગૃતિ; થાનક =સ્થાનક; નાંવ = નામ; સમયરો = સમર્યો; અમિયેલ = અમૃત સીંચેલું; પાનક =પીણું, પેય; ચન = ચણ; હથ્થ = હાથ; નાનક = ગુરૂ નાનક; ધૌત=ધોયેલું, (૨) સ્વચ્છ; ગૌડ = એ નામનો એક શાસ્ત્રીય રાગ; ગાનક = ગાવામાં હોશિયારી, સંગીતમાં પ્રવીણતા; શબોરોજ = રાત-દિન; મુસલસલ= લગાતાર, નિરંતર, ક્રમબદ્ધ; અનલહક = ‘હું બ્રહ્મ-પરમાત્મા છું’ એ અર્થ આપતો શબ્દ; આનક = નગારું )

Comments (10)

એક ટેકરી – કરસનદાસ લુહાર

આખા ડિલે ઊઠી આવ્યા
જળના ઝળહળ સૉળ,
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ… !

સાવ અચાનક ચોમાસાએ
કર્યો કાનમાં સાદ…
અને પછી તો ઝરમર ઝરમર
કંકુનો વરસાદ !
દસે દિશાઓ કેસૂડાંની
થઈ ગઈ રાતીચોળ
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ… !

ભીનો મઘમઘ મૂંઝારો
ને પરપોટાતી ભીંત,
રૂંવેરૂંવે રણઝણ રણઝણ
મેઘધનુનાં ગીત
શ્વાસોચ્છ્વાસે છલ્લક
કુમકુમ કેસરિયાળી છૉળ,
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ… !

– કરસનદાસ લુહાર

એક ટેકરી પર પડતા પહેલા વરસાદનું કવિએ અદભૂત માદક વર્ણન કર્યું છે. વર્ણન એવુ સુંદર છે કે જાણે કવિ પહેલા પ્રેમનું વર્ણન કરતા હોય એવું લાગે છે … તમે જાતે જ ટેકરીની જગાએ ‘છોકરી’, નાહીની જગાએ ‘ચાહી’ અને જળ/ચોમાસાની જગાએ ‘પ્રેમ’ મૂકીને ગીત વાંચી જુઓ !

Comments (4)

બબાલ – કૃષ્ણ દવે

એની રોજે રોજ હોય છે બબાલ.
પરપોટા હાથમાં લઇ હમણાં કહેતો’તો
આની ઊખડતી નથી કેમ છાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી તો સુરજની સામે થઇ ગ્યો,
ને પછી નોંધાવી એફ. આઇ.આર.
શું કહું સાહેબ ! આણે ઘાયલ કરી છે,
મારી કેટલી યે મીટ્ઠી સવાર.
ધારદાર કિરણોને દેખાડી દેખાડી,
લૂંટે છે મોંઘેરો માલ.
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી તો દોડતો ઇ હાઇકોર્ટ ગ્યેલો,
ને જઇને વકીલને ઇ ક્યે:
ચકલી ને ચકલો તો માળો બાંધે છે,
હવે તાત્કાલિક લાવી દ્યો સ્ટે.
બેસવા દીધું ને એમાં એવું માને છે,
જાણે બાપાની હોય ના દિવાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી જુવાનજોધ ઝાડવાને કીધું,
કે માંડ્યા છે શેના આ ખેલ?
બાજુના ફળિયેથી ઊંચી થઇ આજકાલ,
જુએ છે કેમ ઓલી વેલ?
શેની ફૂટે છે આમ લીલીછમ કૂંપળ,
ને ઊઘડે છે ફૂલ કેમ લાલ?
એની રોજે રોજ હોય છે બબાલ

– કૃષ્ણ દવે

મારા પ્રિય કવિની કવિતા ફરી એક વાર અહીં રજુ કરુ છું. પ્રકૃતિનાં તત્વોના સુભગ દર્શનો તો અગણિત લખાયાં છે. પણ આ કવિની દ્રષ્ટિ કાંઇક જુદાજ મિજાજની છે.આ રીતે પણ આપણે આ સૌને જોઇ શકીએ!

પરોક્ષ રીતે કવિનો આક્રોશ છે કે, આપણે આધુનિકતામાં અને જીવનસંઘર્ષમાં પ્રકૃતિના તત્વોને જોવાની દૃષ્ટિ ખોઇ બેઠા છીયે. બધાની સાથે તકરાર કરવાની માણસની રીત પર પણ કવિનો આ વેધક કટાક્ષ દિલ પર અસર તો કરી જાય છે- અને તેય કેટલી બધી હળવાશથી ?

આ કવિને પૂરા માણવા હોય તો તેમની કૃતિ ‘વાંસલડી ડોટ કોમ’ વાંચશો.

Comments (4)

નડતો નથી – વિનય ઘાસવાલા

કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.

હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી.

ઠેસ પહોંચે કોઇના સન્માનને,
મનસૂબા એવા ‘વિનય’ ઘડતો નથી.

– વિનય ઘાસવાલા

Comments (5)

ગુલાલ મળે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

જુદા જુદા ધરમ મળે જુદા ખયાલ મળે,
નવાઈ છે કે સૌનું લોહી તો ય લાલ મળે.

એ ખજાનો હશે ખુશીનો ઉઘાડી જોજે,
તને જે આદમી ઉપરથી પાયમાલ મળે.

ઉપાય એ જ હશે તારી સૌ સમસ્યાનો
પાતાળ સાત તોડી જે તને સવાલ મળે.

આ કોણ આવીને બેઠું છે મારી આંખમાં,
ભરું હું મુઠ્ઠી ધૂળની અને ગુલાલ મળે.

કોણ અક્ષર નથી ઓળખતું ઓ ખુશી, તારા
અધૂરા સરનામે ય પણ મને ટપાલ મળે.

આંગણે કોડિયું ‘મિસ્કીન’ એક મૂકવું છે,
ફક્ત જો એક ઘડીભર વીતેલ કાલ મળે.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

એકથી એક ચડિયાતા શેરથી સજાવેલી આ ગઝલ જોઈને તરત જ મરીઝની યાદ આવી જાય. આ પહેલા વિવેકે રજૂ કરેલી એમની જ ગઝલ પણ ફરી જોઈ જવાનું ચૂકશો નહીં.

Comments (2)

અભિનંદન, વિવેક !

ગુજરાતી ભાષામાં બે સામાયિકો એવા છે કે જેમાં પોતાની કવિતા પ્રકાશિત થાય તો કોઈ પણ કવિને ગર્વ થાય. એક છે ‘કવિતા’ અને બીજું છે ‘કુમાર’. વિવેકની એક સુંદર ગઝલ ‘કવિતા’ના છેલ્લા અંકમાં પ્રકાશિત થઈ છે. અભિનંદન, વિવેક ! 

વિવેકની વધુ રચનાઓ આપ એના બ્લોગ શબ્દો છે શ્વાસ મારા પર માણી શકો છો.

Comments (2)

દીવાલ – હસમુખ પાઠક

તું-હું વચ્ચે
વિરહ દીવાલ.

રોજ શબ્દ-ટકોરા પાડું
તું સાંભળ.

રોજ કાન માંડું,
તને સાંભળવા.

મારા શબ્દ સામે
તારા બોલ મૌનના.

ન તૂટે વિરહ
ન ખૂટે વહાલ.

– હસમુખ પાઠક

વિરહની વ્યથાની અહીં વાત નથી, માત્ર વિરહની હકીકતની વાત છે. વિરહની સામે એક જ સત્યાગ્રહ ચાલી શકે અને એ છે વહાલનો સત્યાગ્રહ. આ વાત અહીં બહુ સરસ રીતે કરી છે. 

Comments (3)

હાઈકુ – પરાગ ત્રિવેદી

ભરબપોરે
તડકો ઓઢી સૂતું
ખેતર શાંત !

* * *

ઘોર અંધારી
રાત, તો યે સપનાં
રંગબેરંગી !

પરાગ ત્રિવેદી

Comments (8)