હો શંકા તો લાવો છબી ને મિલાવો,
સ્વયં ‘શૂન્ય’ રૂપે ખુદા રૂ-બ-રૂ છે.
‘શૂન્ય’ પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્મા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




જળબંબોળ – ભગવતીકુમાર શર્મા

મને વીંધતો ચોમાસનો મિજાજ જળબંબોળ;
મુશળધાર પડે સાટકા; રુદિયે ભીના સૉળ.

વીજ-દોરથી આભ-ધરા બંધાયા મુશ્કેટાટ;
મેઘ-ઝરૂખે જળકુંવરીએ માંડી છે ચોપાટ.

કરી સોગઠી ગાંડી, કીધો નભનો નરદમ તોડ;
મને વીંધતો ચોમાસાનો મિજાજ જળબંબોળ.

કુંવરીએ ભીના કાગળના ઠલવ્યા ટપાલથેલા;
મઘમઘ કવિતાના રુદિયેથી ફૂટતા દડદડ રેલા.

જળ-સ્થળની હોંસાતોંસીમાં પળપળ ડામાડોળ;
મને વીંધતો ચોમાસાનો મિજાજ જળબંબોળ.

– ભગવતીકુમાર શર્મા

ચોમાસું ફળે કે ન ફળે, આ ગીત  તો ચોક્કસ ફળે એવું છે. સૂરતને અત્યારે આ જળકુંવરીની ચોપાટની જ જરૂર છે. (આડવાતમાં: જળબંબોળ – ને એનો ભાઈ – જળબંબાકાર બન્ને શબ્દ વિચારી જુઓ. ગુજરાતી ભાષાની બરછટ મીઠાશ આવા મઝાના શબ્દોને આભારી છે. આ શબ્દો ક્યાંથી આવ્યા છે એ શોધતા મળ્યું નથી. તમને ખબર હોય તો જણાવજો. )

Comments (12)

ઓળખ – ભગવતીકુમાર શર્મા

જીવી જવાય છે હવે માત્ર સરનામામાં :
મળી શકીશ હું તમને
ફાઇવ સેવન ટુ ડબલ નૉટ સિક્સ
ઉપર,
અથવા શોધી કાઢજો મને
ટેલિફોન ડિરેક્ટરીમાંથી.
અજાણ્યા પૉસ્ટમેન અને ટેલિફોન-ઑપરેટર
મારા આત્મીય જનો;
હાજર હોઈશ
હું મારા ફ્લેટના બારણા પરની
નેઈમ-પ્લેટમાં,
મારા હોવા-ન હોવાનો સંકેત આપશે
‘ઇન’ અને ‘આઉટ’ના શબ્દો.
કોતરાઈ ચૂક્યો છું હું
લેટરહેડ અને રબર સ્ટેમ્પોમાં,
છતાંયે હું તમને યાદ ન રહું તો-
આ રહ્યું મારું વિઝિટંગ કાર્ડ;
તાજું જ છપાવ્યું છે !

-ભગવતીકુમાર શર્મા

આજે અત્યાધુનિક ઉપકરણોના પ્રતાપે જ્યારે દુનિયા સાવ નાનકડી થઈ ગઈ છે ત્યારે સંબંધો પણ કેવા સંકોચાઈ ગયા છે એ વિશેનો તીવ્ર કટાક્ષ. આજનો માણસ રૂબરૂમાં ક્યાંય મળતો નથી. એ મળે છે સરનામામાં, ટેલિફોન નંબર, ડિરેક્ટરી, નેઈમ પ્લેટ, લેટરહેડ અને રબર સ્ટેમ્પોમાં…

કવિ એક તરફ પોતાનો ટેલિફોન નંબર આપે છે અને પછી તરત જ પોતાને ડિરેક્ટરીમાંથી શોધી કાઢવા કહે છે. કેમ? કેમ કે કવિને આજના સંબંધની ઉષ્માના ઊંડાણની જાણ છે… કવિને ખાતરી છે કે ટેલિફોન નંબર પણ યાદ રાખી શકે એવો સંબંધ હવે ક્યાંય રહ્યો નથી…

Comments (8)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

ગઝલ – ભગવતીકુમાર શર્મા

સાધે   જો  કાયાકલ્પ  તો  ભમરો  કમળ  બને;
સૂર્યાસ્ત-સૂર્યોદયની   સફર  તો   સફળ   બને.

શોષાયેલાં    નવાણ    નયનમાં   ફૂટે   કદી;
ખાબોચિયુંયે    ત્યારે   સમન્દર   સકળ   બને.

થીજી  જવાનું   ભાગ્ય   બરફને   મળ્યું  છતાં
સૂરજ  ઊગી  શકે  તો  હિમાલય  સજળ  બને.

દૃષ્ટિના  ભેદ   પર   બધો  આધાર   છે  અહીં;
સ્થળ ત્યાં બને જ જળ અને જળ ત્યાં જ સ્થળ બને.

તૂટી   પડે   જો   વૃક્ષની    ટોચેથી   પાંદડું;
મારી    હયાતી   મૂલથી   આકળવિકળ   બને.

– ભગવતીકુમાર શર્મા

(નવાણ=કૂવો, વાવ, તળાવ વગેરે જળાશય)

Comments (6)

હું – ભગવતીકુમાર શર્મા

હું હથેળીની અણઉકલી રેખ છું
હું અનામી ફૂલ કેરી મ્હેક છું
હું જ મારાં સૌ રહસ્યોથી અજાણ
હું અતિ પ્રાચીન શિલાલેખ છું

– ભગવતીકુમાર શર્મા

ઉકેલી શકે કોણ જાત ને ? – અક્કલથી ન તોલી શકાય એ વાતને. બંધ કરી આંખ દિલથી સૂંઘી લો, તો પળમાં પારખી શકાય એ પદાર્થને.

Comments (5)

દર્પણ અંગત – ભગવતીકુમાર શર્મા

માંડ જીવતી રાખી છે મેં આ ક્ષણ અંગત;
કેમ જિવાડી, તેનું પાછું કારણ અંગત!

આશા છે કે મૃગજળમાં પણ ભરતી ચઢશે,
તેથી તો અકબંધ રહ્યું મારું રણ અંગત.

ટોળામાં તો ટાંકો પણ તૂટવા નહિ દીધો;
રહ્યા સતત વિખરાતા મારા કણ કણ અંગત.

વ્યાખ્યાની ઓળખચિઠ્ઠીનો અર્થ નથી કઈ;
શબ્દ,લોહી,સંકેતથી પણ એક સગપણ અંગત.

સહિયારા સંબંધોનો એક ટાપુ જુદો;
વાસ્તવમાં તો હું પણ અંગત,તું પણ અંગત.

ભીંત ભરાઈ ગઈ છે મારી છાયાઓથી;
ચાલ,વસાવી લઉં આજે એક દર્પણ અંગત.

બારે મેઘથી લથબથ ધરતીને શું કરવી?
મને ખપે છે મારો સૂકો શ્રાવણ અંગત.

Comments (10)

સભર નથી – ભગવતીકુમાર શર્મા

છે સમુદ્ર સાવ નિકટ છતાંયે પૂર્વવત એ સભર નથી,
હજી સૂર્ય ઊગે ને આથમે અને પહેલાં જેવો પ્રખર નથી.

અભિશપ્ત છું સિસિફસ સમો,ચઢું-ઊતરું છું હું પર્વતો,
હું કશેય પહોંચી નહીં શકું,બધું વ્યર્થ છે,આ સફર નથી.

અહીં કાળમીંઢ સદીઓ છે અને કાળખંડના ચોસલાં,
હું સમયનો ત્રસ્ત શિકાર છું,અહી પળ નથી અને પ્રહર નથી.

ગયો સાથ છૂટી દિશાઓનો,નહીં સ્પર્શ શેષ કશાયનો,
હું સ્વયંને પૂછ્યા કરું સતત,મને અંશ માત્ર ખબર નથી.

ગયો ક્યાં અનાહત નાદ એ ? મને ઝંખતો હતો સાદ એ ?
હું વિરાટ વિશ્વમાં એકલો, કોઈ ભાવભીનો યે સ્વર નથી.

આ નગર,ગલી અને ધૂળ આ,આ નદીનાં નીર ભર્યાં ભર્યાં,
તે સિવાય પૃથ્વીમાં ક્યાંય પણ મારું ઘર નથી, મારું ઘર નથી.

હું વહાવી દઉં છું લખી લખી મારા અક્ષરો,મારી સંપદા
જે પ્રવાહ તે વહ્યો જાય છે,અહીં બીજું કૈં જ અમર નથી.

– ભગવતીકુમાર શર્મા

એક સળંગ સૂર ધરાવતી આ ગઝલ નો બીજો શેર સદાય યાદ રહી જાય તેવો છે. [ સિસિફસ એ ગ્રીક પુરતાનકથા અનુસાર એક શાપિત રાજા હતો જેને શ્રાપ હતો કે તેણે એક મસમોટી ગોળાકાર શિલાને એક સીધા ઢોળાવવાળા પર્વત ઉપર ચડાવવાની હતી,પરંતુ તે જેવો તેની ટોચની નજીક પહોંચતો કે તે શિલા પછી ગબડીને તળેટીમાં ચાલી જતી…-તેણે અનંત સુધી એક અંતહીન,અર્થહીન પ્રવૃત્તિ કરતા રહેવાનું હતું…] એક નિરાશાના સૂર સાથે જે એક આત્મખોજનો,આત્મનિરીક્ષણનો સૂર છે તે આ ગઝલની ખૂબી છે.

[ ગઝલની ઊંડી સમજ ધરાવતા ભાવકોને એક નમ્ર વિનંતી- મારી સમજમાં વધારો થાય તે હેતુથી આ વિનંતી કરું છું, કવિ વિષે કોઇપણ comment કરવાની મારી કોઈ જ લાયકાત નથી- છઠ્ઠો શેર મને કઠ્યા કરે છે, બહુ જામતો હોય તેમ નથી લાગતું. કદાચ તે શેર વગર ગઝલ વધુ સબળ થતે તેમ લાગે છે. આપ પ્રકાશ પાડો તો આભારી થઈશ. ]

Comments (12)

કંઈ નથી – ભગવતીકુમાર શર્મા

વિશ્વમાં મંગળ અમંગળ કંઈ નથી;
આપણા હોવાનું અંજળ કંઈ નથી.

શ્વાસની સીમાની આગળ કંઈ નથી;
મૃત્યુની સરહદની પાછળ કંઈ નથી.

બત્રીસ કોઠે છે દીવાનો ઉજાસ;
આંખમાં ઝળહળ કે કાજળ કંઈ નથી.

નભ ભલે ને થૂંક ઉડાડ્યા કરે;
સૂર્ય ઊગતાંવેંત ઝાકળ કંઈ નથી.

મારી એકલતા છે મારું ઉપનિષદ;
શબ્દ, લેખણ, સાહી, કાગળ કંઈ નથી.

– ભગવતીકુમાર શર્મા

કવિ પહેલા જ શેરમાં હોવાપણાની ઘટનામાંથી હવા કાઢી નાખે છે. એટલું જ નહીં, બીજા શેરમાં એ ન-હોવાપણા (મૃત્યુ)ની ઘટનામાંથી પણ હવા કાઢી નાખે છે 🙂 ઉપરથી દેખાય એ કંઈ અંધારું કે અજવાળું નથી, ખરો ઉજાસ તો આખા શરીરમાં – બત્રીસ કોઢે – વ્યાપ્ત છે. ચોથા શેરમાં પહેલી વાર કોઈ કવિએ ઝાકળની થૂંક સાથે સરખામણી કરી છે. જોકે શેર એટલો જ ઊંડા અર્થવાળો છે.

ને છેલ્લો શેર ગઝલનો શિરમોર શેર છે – શબ્દ તો  છીછરા પાણીનું માછલું છે;  ચેતનાનો સાગર તો ખૂબ ઊંડો હોય છે.

Comments (17)

(માણસ જેવો માણસ છું) -ભગવતીકુમાર શર્મા

કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું.
પોચટ છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું.

આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું;
ઘાયલ છું, પાંખાળો છું; માણસ જેવો માણસ છું.

આંખે અશ્રુની ધારા, હોઠે સ્મિતના ઝબકારા;
ખુલ્લો છું, મર્માળો છું, માણસ જેવો માણસ છું.

ધિક્કારું છું હું પળમાં, પ્રેમ કરું છું હું પળમાં,
આશિક છું, કજિયાળો છું; માણસ જેવો માણસ છું.

ચોમાસે પાણી પાણી; ચૈત્રે લૂ ઝરતી વાણી;
ભેજલ છું, તડકાળો છું; માણસ જેવો માણસ છું.

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું,માણસ જેવો માણસ છું.

-ભગવતીકુમાર શર્મા

કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે સારો નથી અને કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે ખરાબ નથી. જેમ કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે સુખી નથી હોતો અને કોઈ પણ માણસ પૂરેપુરો દુ:ખી નથી હોતો. માણસ એટલે જ અધૂરપ. આ અધૂરપની પણ એક મધુરપ છે.  વિરોધી તત્વો વચ્ચે એ જીવે છે. ક્યારેક એનામાં હિટલર અને ગાંધીજી બંને હોય છે. યુધિષ્ઠિર અને દુર્યોધન સાથે સાથે હોય છે. એ જેટલો કોમળ હોય છે એટલો કઠોર હોય છે. રજનીશજીએ નમસ્કારનો એક અર્થ એવો આપ્યો કે આપણે બે હાથ જોડીએ છીએ એનો અર્થ એવો કે આપણે આપણી વિરોધીવૃત્તિ સાથે, આ વિરોધીવૃત્તિને શમાવીને કોઈકને નમસ્કાર કરીએ છીએ અને સામાની વિરોધીવૃત્તિનો પણ સ્વીકાર કરીએ છીએ.  માણસ એટલે જ દ્વંદ્વ. ક્યારેક એ જીભથી બોલે છે અને ક્યારેક એ જીવથી બોલે. ક્યારેક એ ન પણ બોલે અને ક્યારેક એ ન બોલવાનું પણ બોલે. એ કોમળ છે, કાંટાળો છે, પોચટ છે અને પથરાળો છે. એ ધારે તો મુલાયમ થઈ શકે અને કઠોર અને નઠોર પણ રહી શકે.  આકાશમાં ઊડવાનો એને થાક ન લાગે, પણ ધરતી પર તરફડતો હોય. એને ઘાયલ થતાં વાર નથી લાગતી અને પાંખ સાથે ઊડતાં એને મુશ્કેલી નડતી નથી. સુખ અને દુ:ખ બંને એકી સાથે અનુભવી શકે. આંખમાં આંસુ હોય અને છતાં હોઠ પર સ્મિતનો ઝબકારો હોય.  (-સુરેશ દલાલ)

દિવ્ય-ભાસ્કરમાં સુ.દ. દ્વારા આ ગઝલનો સંપૂર્ણ આસ્વાદ અહીં વાંચી શકો છો…

Comments (16)

યાદગાર ગીતો :૨૦: એવું કાંઈ નહીં ! – ભગવતીકુમાર શર્મા

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
                                                                      એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો
                                                                      તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
                                                                      એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
                                                                      એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
                                                                      એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
                                                                      એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

[audio:http://urmisaagar.com/saagar/audio/Have-pehlo-varsaad-bhagvatidada-soli-kapadia.mp3]
સંગીત અને સ્વર: સોલી કાપડિયા

ભગવતીકુમાર શર્મા (જન્મ: ૩૧-૫-૧૯૩૪, સુરત) એ સુરતનું ગૌરવ છે. કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર અને વ્યંગલેખક એવી બહુવિધ પ્રતિભા ધરાવતા ભગવતીકુમારે સુરતના ‘ગુજરાતમિત્ર’ના તંત્રી વિભાગમાં અડધા દાયકા સુધી રહ્યા. સુરતની સઘળી સાંસ્કૃતિક પ્રવૃતિઓને વેગ આપવામાં એમનો મોટો હાથ. સાહિત્યકાર સામાન્ય રીતે રાજકીય ઘટનાઓથી દૂર રહે એવું જોવા મળે. પણ ભગવતીકુમારમાંનો પત્રકાર અને સાહિત્યકાર હંમેશ એકબીજાના પૂરક બની રહ્યા એ એમની વિશિષ્ઠ સિદ્ધિ. (કાવ્યસંગ્રહો: સંભવ, છંદો છે પાંદડાં જેનાં, ઉજાગરો)

આ ગીતનો આસ્વાદ વિવેકે એટલી એટલી સરસ રીતે કરાવેલો કે એ જ અહીં ટાંકું છું : વરસાદની ઋતુ આમ તો કેટલી વહાલી લાગતી હોય છે ! પહેલા વરસાદનો રોમાંચ જ કંઈ ઓર હોય છે. ભીની માટીની ગંધ અને એવો જ ભીનો ભીનો મઘમઘતો સંબંધ, આભ, મોભ કે અગાસી – ચારેકોર બધું જ તરબોળ, વરસાદ પછીનો ઊજળો ઊઘાડ, કાળાં ઘનઘોર આકાશનો બોલાશ, મોરના ટહુકારા, વીજળીના ઝબકારા, ખેડૂઓના હલકારે છલકાઈ જતી સીમ અને ઝૂકેલા ઝરુખે ઝૂકીને પ્રતીક્ષા કરતું પ્રિયજન – વરસાદ આપણા અને સૃષ્ટિના રોમેરોમે કેવો સમ-વાદ સર્જે છે ! પણ આજ વર્ષાની ઋતુમાં પ્રિયજનનો સાથ ન હોય તો? ચોમાસાનું આકાશ મિલનના મેહને બદલે વેદનાર્દ્ર વ્રેહ વરસાવે તો? ભગવતીકુમાર શર્માના આ ગીતમાં પ્રિયજનની અનુપસ્થિતિમાં વરસાદ એના બધા જ સંદર્ભો કઈ રીતે ખોઈ બેસે છે એ આંખે ભીનાશ આણે એ રીતે વરસી આવ્યું છે. વરસાદ તો ચોમાસું છે એટલે પડે જ છે પણ હવે એનો અર્થ રહ્યો નથી. શહેર ભલે ભીનું થતું હોય, કવિને મન તો આભેય કોરું અને મોભેય કોરો. નળિયાં પણ કોરાં અને અગાસી પણ કોરી. પણ મને જે સુક્કાશ અહીં પીડી ગઈ એ અગાસી સાથે બારમાસીના પ્રાસની છે. ઈચ્છો કે ન ઈચ્છો ચોમાસું તો આઠ મહિના પછી પાછું આવવાનું જ. પણ પ્રેયસીના પાછાં ફરવાની કોઈ જ આશા ન હોય ત્યારે જ કોઈ વિરહાસિક્ત હૈયું આવી અને આટલી કોરાશ અનુભવી શકે છે. સાવ કોરી અગાસી અને તે ય બારમાસી – જાણે હવે બારેમાસ અહીં કોઈ ચોમાસું આવનાર જ નથી….પાણીના નામે જે કંઈ ગણો એ બીજું કંઈ નહીં, માત્ર આંસુ…

Comments (13)

પતંગ-ગીત – ભગવતીકુમાર શર્મા

પવનપાતળો કાગળ લઈને નભમાં ઊડે અગાશીજી;
વાંસ-સળીનો કિત્તો લઈને લખતી ગઝલ ઉદાસીજી!

પવન સૂસવે ઘડીક સામટો, ઘડીક ખાતો ખત્તાજી;
શ્વાસ હાવરા-પુલશા થઈને સાચવતા કલકત્તાજી !
ઠાગાઠૈયા, ઠુમકા, ઝૂમખાં હુંકારે અવિનાશીજી…

કાગળ પર રેશમના દોરે કન્યા બાંધે કન્નાજી;
પવન ટપાલી થઈ પહોંચાડે કાગળ એ જ તમન્નાજી!
કંઈ ગગનમાં તરે માછલી, એકલ મીન પિયાસીજી…

વિના અમાસે સૂર્ય ઘેરતા રાહુ બની પતંગાજી;
ધોળે દા’ડે નભમાં આલે અંધકારના દંગાજી!
આ જ ધરાનું પાણીપત ને આ જ ગગનનું પ્લાસીજી!

– ભગવતીકુમાર શર્મા

પતંગના નામે કવિ પોતાની કલ્પનાને છૂટ્ટી દોર આપીને તદ્દન નવી જાતનું ગીત બનાવે છે. ધરતી પરની આંકાક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ આકાશમાં પડે છે.

Comments (10)

અનુભવ થતો નથી – ભગવતીકુમાર શર્મા

Bhagvatikumar

(ભગવતીકુમાર શર્મા એમની એક લાક્ષણિક અદામાં..  …સુરત, ૨૦૦૬)

*

મોસમની આવ-જાનો અનુભવ થતો નથી;
ઉપવનમાં ભરવસંતેય કલરવ થતો નથી.

ક્ષણની ગતિવિધિઓમાં વિપ્લવ થતો નથી;
કેમે કરીને પૂરો હજી ભવ થતો નથી.

ભીતર તો ક્રૌંચવધ હવે હરપળ થતો રહે;
એકાદ શ્લોકનોયે કાં ઉદભવ થતો નથી ?

દુનિયા તો એની એ જ છે ઝળહળ ને ધૂમધામ;
જો તું નથી તો મનનો મહોત્સવ થતો નથી.

પ્યાલાઓ ગટગટાવું છું આકંઠ તે છતાં
ઓછો જરાયે યાદનો આસવ થતો નથી.

– ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્માને થોડા દિવસ પહેલાં જ ‘આદિ કવિ નરસિંહ મહેતા પુરસ્કાર’ એનાયત કરાયાની જાહેરાત થઈ. સુરતમાંથી આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેઓ જયંત પાઠક પછી બીજા કવિ છે. સાક્ષરને અભિનંદન આપવા માટે ‘લયસ્તરો’નો મંચ ઘણો વામણો છે પણ આ પ્રસંગે અમે હૃદયપૂર્વક અમારી ખુશી વ્યક્ત કરીએ છીએ…  અને માણીએ એમની વધુ એક સાદ્યંત સુંદર ગઝલ…

Comments (14)

જરાસંઘ છું – ભગવતીકુમાર શર્મા

સમય કેરી મુઠ્ઠીમાં હું બંધ છું
છું સૂરજ, ઘુવડ શો છતાં અંધ છું
કોઈ કૃષ્ણ રેતીનો ઢગલો કરે
હું જીવું છું કિન્તુ જરાસંઘ છું

– ભગવતીકુમાર શર્મા

Comments (3)

ગઝલ – ભગવતીકુમાર શર્મા

હૃદયમાં વધી રહી છે ઘેરી ઉદાસી પળેપળ ગઝલ જાણે મહેંદી હસનની,
અને સાંજટાણાનું ધુમ્મસ છે ઝાંખું કે વિહ્વળ ગઝલ જાણે મહેંદી હસનની.

આ ઘોંઘાટ, કલરવ વિનાનું ગગન, મ્લાન ટોળાં અને પાળિયાઓની વસ્તી,
મને એકલો છોડી નીકળી ગઈ ખૂબ આગળ ગઝલ જાણે મહેંદી હસનની.

અભિનય કર્યો જિંદગીએ ઘણો પણ અહીં પ્રેક્ષાગારો તો શબઘર સમાં છે,
કે ચીતરેલા શ્રોતાઓ સામે ગઈ હોય નિષ્ફળ ગઝલ જાણે મહેંદી હસનની.

મળી વારસામાં ફક્ત વેદનાઓ છતાં જાળવી એને વાજિંત્ર પેઠે,
મૂકી આવી બેચેન સુરીલી પેઢીઓ પાછળ ગઝલ જાણે મહેંદી હસનની.

– ભગવતીકુમાર શર્મા

મહેંદી હસનની કથળેલી તન-દુરસ્તી અને ધન-દુરસ્તીમાં સહાય અને સુધારાના હેતુથી સહાયતા નિધિની ટહેલ નાંખી હતી પણ કોઈક કારણોસર બે મહિનાની ઊંઘમંથી સફાળી જાગેલી પાકિસ્તાનની સરકારે હાલ પૂરતું બંને બાબતની કાઅળજી લઈ લીધી હોવાના કારણે મદદ મોકલવાનું રદ કર્યું અને એમના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ધાયુની દુઆ માટે“ सूर की कोई सीमा नहीं ” કાર્યક્રમ છઠ્ઠી એપ્રિલે ગાંધી સ્મૃતિ ભવન, સુરત ખાતે યોજ્યો જે ખૂબ સફળ રહ્યો એમ કહી શકાય કેમકે હકડેઠઠ ભરાયેલું પ્રેક્ષાગાર મધ્યાંતર પછી પણ યથાવત્ રહ્યું અને કાર્યક્રમ પૂરો જાહેર થયા પછી પણ ઊઠવા તૈયાર નહોતું. આ કાર્યક્રમના અનુસંધાનમાં સુરતના પત્રકાર મિત્ર, ફૈઝલ બકીલીએ એક ગઝલ મોકલાવી છે જે એમની પોતાની જ ટૂંકનોંધ સાભાર સાથેઅહીં મૂકીએ છીએ.

આ ગઝલમાં ઉપરછલ્લી રીતે ગઝલ જાણે મહેંદી હસનની -માત્ર રદીફ તરીકે ઉપયોગ કર્યો હોય એમ લાગે પણ મહેંદી હસનની ગાયકીનો તરેહવાર મિજાજ શેરેશેરે વ્યંજિત થતો આવ્યો છે. ગઝલ જાણે મહેંદી હસનની માત્ર રદીફ ન રહેતાં ગઝલનું રૂપક- પ્રતીક બની ગયેલું અનુભવી શકાય છે, એ આ ગઝલની ખરેખરી ખૂબી છે

Comments (7)

આપણી યાદગાર ગઝલો : ૧૧ : ઉદાસી આ સૂરજની આંખે ચડી છે – ભગવતીકુમાર શર્મા

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે.

તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભૂલાયેલ પંકતિઓ હોઠે ચડી છે.

– ભગવતીકુમાર શર્મા (જન્મ: 31 મે 1934)

આખી ગઝલમાં કવિએ ઉદાસીને ઘૂંટી છે અથવા ઉદાસીને ઉજવી છે એમ પણ કહી શકાય. અહીં કવિ કશું જ મોઘમ નથી રાખતા. શરૂઆત જ ઉદાસી શબ્દથી કરે છે જે આખી ગઝલમાં આવનારી ઉદાસીનાં એંધાણ આપી દે છે. પ્રિયતમની કંઈક એવી આતુરતાથી પ્રતિક્ષા થઈ રહી છે કે સ્વયં પ્રતિક્ષા જ હવે આતુર થઈ ઉઠી છે… અને ઝરૂખે ઊભા રહીને પ્રિયતમની રાહ જોતું પ્રિયજન જાણે કે ખુદ પ્રતિક્ષાનો જ એક પર્યાય બની ગયું છે, પરંતુ પ્રિયતમનાં આવવાનાં કોઈ એંધાણ નથી. અને આ પ્રતિક્ષા એટલે કંઈ થોડા કલાકોની કે થોડા દિવસોની પ્રતિક્ષા તો નથી જ. આ તો છે ચીર-પ્રતિક્ષા…! અને એનાં સમયનો ખ્યાલ આપણને ત્યારે આવે છે જ્યારે કવિ કહે છે જે ભીંત ઉપર એકવાર પ્રિયતમે મારું નામ લખ્યું હતું એના પર તો હવે મધુમાલતી છવાઈ ગઈ છે. અહીં ભીંત ખંડેર થઈ ગઈ છે એમ કવિ નથી કહેતા, પરંતુ નામ આખરે તો પ્રિયતમ દ્વારા લખવામાં આવ્યું છે એટલે જ કદાચ મધુમાલતી જેવો નાજુક અને સુગંધી શબ્દ વાપરે છે અને પ્રતિક્ષાની લંબાઈ સમજાવવા માટે તેઓ મધુમાલતીની વેલનાં ભીંતે ચડવા જેવો કોમળ વાક્યપ્રયોગ કરે છે. ઉદાસ ક્ષણોમાં જ્યારે ખાતરી થઈ જાય છે કે આ પ્રતિક્ષા પણ અનંત જ છે ત્યારે કવિ પ્રેમની પળોની યાદોની સભામાં ભૂલાયેલી પંક્તિને ગણગણવાની વાત કરે છે… જે પંક્તિ ખરેખર ભૂલાયેલી તો છે જ નહીં. અને આ પંકિત એટલે કે પ્રિયતમે કરેલી પ્રેમની વાતો. આમ પણ જ્યારે પ્રિયતમની પ્રતિક્ષા કરતાં હોઈએ ત્યારે તો ખાસ આપણું મન-હૃદય પ્રિયતમે કહેલી ઘણી વાતો અને ઘણા શબ્દો ઘૂંટવા અને ગણગણવા લાગી જાય છે; એ વાતો અને શબ્દો પ્રિયતમની હાજરીમાં તો કદાચ યાદ પણ નથી રહેતા. એક જ ભાવજગતમાં રહીને કવિ ચારેય શેરોમાં ડુસકાં, પ્રતિક્ષા, એકલતા અને યાદો દ્વારા જાણે કે આપણને ઉદાસીની પરિક્રમા કરાવે છે. એટલે જ ગઝલમાં માત્ર ચાર શેરો હોવા છતાં એ જરાય અધૂરી નથી લાગતી.

આ ગઝલનાં ભાગ-2 જેવી લાગતી એમની બીજી એક ગઝલ પણ આ જ રદીફ અને કાફિયા સાથે અહીં માણો.

Comments (11)

આદિલ મન્સૂરીને ગઝલ-અંજલી – ભગવતીકુમાર શર્મા

અ-પૂર્વ, નવ્ય ને ઉજ્જળ અચલ મળે, ન મળે!
ગઝલનો આવો મનોહર મહલ મળે, ન મળે!

ફરીથી આટલી ઉમદા ગઝલ મળે, ન મળે!
ગઝલનું શોભિતું શતદલ કમલ મળે, ન મળે!

કરી તે કાયાપલટ ગુર્જરી ગઝલ કેરી;
ફરી એ ગઝલો, એ મુક્તક તરલ મળે, ન મળે!

પરંપરાઓને તોડી છતાં ગઝલ કાયમ;
ફરી ગઝલનો એ નવલો અમલ મળે, ન મળે!

લચી પડ્યા છે હવે ખેતરો ઘણાં કિન્તુ;
ઉતારી તેં જે ગઝલની ફસલ મળે, ન મળે!

નવી જ ભોંય તેં ભાંગી પુરાણા વિસ્તારે;
ફરીથી આવી કો સિદ્ધિ વિરલ મળે, ન મળે!

– ભગવતીકુમાર શર્મા

આદિલસાહેબને ભગવતીકુમાર શર્માની અંજલી, આદિલસાહેબની સૌથી પ્રસિદ્ધ ગઝલના રદીફને કાયમ રાખીને લખેલી ગઝલ સ્વરૂપે.

Comments (9)

મુક્તક – ભગવતીકુમાર શર્મા

રેત છું પણ શીશીમાં ખરતો નથી,
શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી;
મારા પડછાયા કરે છે ઘાવ પણ
હું સમય છું એટલે મરતો નથી.

– ભગવતીકુમાર શર્મા

Comments (5)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૨

(ગઈકાલે કડી: ૧ આપે વાંચી?)

ગનીચાચાની હાસ્યપ્રવૃત્તિની અને એમની હઝલો (હાસ્ય ગઝલ)ની વાત નીકળી ત્યારે એમની પ્રસિદ્ધ ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલ પરથી રચેલ પ્રતિકાવ્ય શ્રી રવીન્દ્ર પારેખે રજૂ કરી વાતાવરણને હાસ્યના રંગે રંગી દીધું હતું. સંચાલક શ્રી રઈશ મનીઆર કવિગણના સંક્ષિપ્ત પરિચય સાથે ગનીચાચાની બહુઆયામી પ્રતિભાને ઉજાગર કરતી ઘણી બધી અપરિચિત વાતો વડે સભાગણ સાથે સંવાદ સાધતા રહ્યા. અને એક પછી એક કવિ મિત્રોને આવકારતા રહ્યા:

ગૌરાંગ ઠાકર:
આ રાત પડી આડે પડખે, ને ચાંદ કરે ચોકીદારી,
કંઈ લાખ સિતારા ચમકે છે, આ નભનો નજારો શા માટે?

મહેશ દાવડકર:
ન કંઈ આ પાર લાગે છે ન કંઈ ઓ પાર લાગે છે,
અહીં ક્ષણક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે.

ધ્વનિલ પારેખ:
સુરત છૂટ્યું, ગઝલ છૂટી પછી શબ્દો મળ્યા જ્યારે,
વીતેલા દિવસોના ખોળિયામાં મન ગયું પાછું.

કિરણ ચૌહાણ:
કદી ના હાથ જોડે, શિશ પણ તેઓ નમાવે નહીં,
એ સસ્મિત પાંપણો ઢાળે અને મીઠું નમન લાગે.

રઈશ મનીઆર:
અઘટિત ઘણું થયું છે, અલિખિત ઘણું રહ્યું છે,
અજીવિત ઘણું બન્યું છે અને હું મરી ગયો છું.

ganichacha1

(ડાબેથી રૂપિન પચ્ચીગર, હરીશ ઠક્કર, ભગવતીકુમાર શર્મા, પ્રજ્ઞા વશી, રતિલાલ અનિલ, ચંદ્રકાંત પુરોહિત. જમણી બાજુથી નયન દેસાઈ, રવીન્દ્ર પારેખ અને બકુલેશ દેસાઈ)

-સંચાલકે દરેક કવિને આપવામાં આવેલી ગનીચાચાની મૂળ પંક્તિઓથી ભાવકોને પરિચિત કર્યા હતા અને દરેક પંક્તિની ખાસિયત અને છંદની બારીકી પારેખનજરે સમજાવી હતી. ગનીચાચાની ગઝલોનું પરંપરા તથા આધુનિક્તા સાથેનું સંધાન અને સમતુલન પણ મજાના દૃષ્ટાંતો આપી એમણે સમજાવ્યા હતા. સાથેસાથે છેક પીઢ ગઝલકારોથી માંડીને નવોદિત કવિઓ એમના સંનિષ્ઠ સર્જનની સરવાણી રેલાવતાં રહ્યા.

જય નાયક:
પ્રયાસો લાખ કીધાં મેં છતાં ફાવી નથી શક્તો,
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શક્તો.

રમેશ ગાંધી:
શૂન્ય, શયદા, મીર, મનહર, હો મરીઝ કે હો ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

દિલીપ ઘાસવાલા
વિશ્વ આખુંયે થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.

ગુણવંત ઠક્કર:
યાત્રીએ જોયા મજાના તીર્થધામો, દોસ્તો,
ઈશ્વર અલ્લા શોધવામાં ખોયા વરસો, દોસ્તો;

પ્રજ્ઞા વશી:
ચરણ, રસ્તો અને આ આભ પણ છોને તમે લઈ લો,
ફકત ત્યાં પહોંચવાના લક્ષ્યની આરત મને આપો.

સુનિલ શાહ:
નથી સમજાતું કે આ આંસુ છે કે છે કોઈ પથ્થર,
હું મારી પાંપણોનો બોજ ઉઠાવી નથી શક્તો.

પ્રમોદ અહિરે:
ગનીની સાદગી ને નેકદિલનો આ પુરાવો છે,
એ કાગળ પર લખે અક્ષર અને એ લય થવા લાગે.

પ્રફુલ્લ દેસાઈ:
અમે થોભ્યા મિલનની વારતા અડધી સુણાવીને,
ઉઠેલા કેટલા પ્રશ્નો પછી મનમાં સમાવીને.

બકુલેશ દેસાઈ:
તમે ક્યારેય શું સંવેદી છે એવી દશા જેમાં
ઉપરથી હોય અણનમતા, ભીતરથી કરગરે કોઈ.

નયન દેસાઈ:
હાથમાં એના સળગતા બૉમ્બ ને વિસ્ફોટ છે,
હામ હૈયામાં ભલે હો પણ ધીરજની ખોટ છે,

કિસન સોસા:
પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયું અરથી ચડી કોઈ ને કોઈ પારણે આવ્યા.

ganichacha2

(ડાબેથી રૂપિન પચ્ચીગર અને ભગવતીકુમાર શર્મા)

રતિલાલ અનિલ:
હવાને પણ અઢેલી બેસવા દેતી નથી દુનિયા,
મને તું વાંચ, હું શાયર તણા અશઆર જેવો છું.

ભગવતીકુમાર શર્મા:
સરળ ને સીધો છું હું, બે અને બે ચાર જેવો છું,
અતળથી આવતા કો’ ઓમના ઉદગાર જેવો છું.

સળંગ ત્રણ કલાક ચાલેલા આ અદ્વિતીય તરહી મુશાયરાનું જી-ન્યુઝ ચેનલ પરથી લાઈવ પ્રસારણ થયું હતું તથા ઝી-ગુજરાતી ચેનલ માટે પણ રેકૉર્ડિંગ કરાયું હતું. 94.3 માય એફ.એમ. રેડિયો પર પણ આ કાર્યક્રમની ઝલક પ્રસારિત થનાર છે. રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી આ સમારોહમાં રજૂ થયેલી તમામ ગઝલોને ગ્રંથસ્થ કરવાનું સૂચન પણ આવકારાયું હતું અને આખા વર્ષને ગનીવર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો જેને સહુ શ્રોતાજનો તથા કવિમિત્રોએ વધાવી લીધો હતો. ખીચોખીચ ભરેલા રાષ્ટ્રીય કળા કેન્દ્રના ખીચોખીચ ભરેલા હૉલમાં ખુરશી ન મળવાના કારણે ત્રણ-ત્રણ કલાક ખડે પગે આ ગઝલવર્ષામાં ગચકાબોળ થનારા ભાવકમિત્રો એ પણ ઈશારો કરતા હતા કે આવનારા કાર્યક્રમો સમિતિએ આ સભાખંડની સીમા વળોટીને મોટી જગ્યાએ કરવા પડવાના… સુરતની ગઝલપ્રેમી જનતાને સલામ !

-રઈશ મનીઆર, વિવેક ટેલર

Comments (11)

વર્ષાકાવ્ય: ૭ :એવું કાંઈ નહીં ! – ભગવતીકુમાર શર્મા

હવે  પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !
હવે માટીની  ગંધ અને  ભીનો  સંબંધ  અને મઘમઘતો સાદ,
.                                                  એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી  અને તે ય  બારમાસી,  હવે જળમાં ગણો
.                                                  તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
.                                                  એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ  અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !

કાળું  ભમ્મર  આકાશ  મને  ઘેઘૂર  બોલાશ  સંભળાવે  નહીં;
મોર  આઘે  મોભારે  ક્યાંક  ટહુકે  તે  મારે  ઘેર  આવે  નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા  લઇને આવે ઉન્માદ,
.                                                  એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !

કોઈ  ઝૂકી  ઝરુખે  સાવ  કજળેલા  મુખે   વાટ   જોતું  નથી;
કોઈ  ભીની  હવાથી   શ્વાસ  ઘૂંટીને   સાનભાન  ખોતું  નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
.                                                  એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

વરસાદની ઋતુ આમ તો કેટલી વહાલી લાગતી હોય છે ! પહેલા વરસાદનો રોમાંચ જ કંઈ ઓર હોય છે. ભીની માટીની ગંધ અને એવો જ ભીનો ભીનો મઘમઘતો સંબંધ, આભ, મોભ કે અગાસી – ચારેકોર બધું જ તરબોળ, વરસાદ પછીનો ઊજળો ઊઘાડ, કાળાં ઘનઘોર આકાશનો બોલાશ, મોરના ટહુકારા, વીજળીના ઝબકારા, ખેડૂઓના હલકારે છલકાઈ જતી સીમ અને ઝૂકેલા ઝરુખે ઝૂકીને પ્રતીક્ષા કરતું પ્રિયજન – વરસાદ આપણા અને સૃષ્ટિના રોમેરોમે કેવો સમ-વાદ સર્જે છે ! પણ આજ વર્ષાની ઋતુમાં પ્રિયજનનો સાથ ન હોય તો? ચોમાસાનું આકાશ મિલનના મેહને બદલે વેદનાર્દ્ર વ્રેહ વરસાવે તો? ભગવતીકુમાર શર્માના આ ગીતમાં પ્રિયજનની અનુપસ્થિતિમાં વરસાદ એના બધા જ સંદર્ભો કઈ રીતે ખોઈ બેસે છે એ આંખે ભીનાશ આણે એ રીતે વરસી આવ્યું છે. વરસાદ તો ચોમાસું છે એટલે પડે જ છે પણ હવે એનો અર્થ રહ્યો નથી. શહેર ભલે ભીનું થતું હોય, કવિને મન તો આભેય કોરું અને મોભેય કોરો. નળિયાં પણ કોરાં અને અગાસી પણ કોરી. પણ મને જે સુક્કાશ અહીં પીડી ગઈ એ અગાસી સાથે બારમાસીના પ્રાસની છે. ઈચ્છો કે ન ઈચ્છો ચોમાસું તો આઠ મહિના પછી પાછું આવવાનું જ. પણ પ્રેયસીના પાછાં ફરવાની કોઈ જ આશા ન હોય ત્યારે જ કોઈ વિરહાસિક્ત હૈયું આવી અને આટલી કોરાશ અનુભવી શકે છે. સાવ કોરી અગાસી અને તે ય બારમાસી – જાણે હવે બારેમાસ અહીં કોઈ ચોમાસું આવનાર જ નથી….પાણીના નામે જે કંઈ ગણો એ બીજું કંઈ નહીં, માત્ર આંસુ…

Comments (9)

ગઝલ – ભગવતીકુમાર શર્મા

ઊભો’તો વૃક્ષ નીચે અને વીજળી પડી;
માળાની સાથે આખી હયાતી ઢળી પડી.

ખોટી જગ્યાએ જ્યારે કોઈ આંગળી પડી,
જે નાચતી હતી તે કઠપૂતળી પડી.

જીવું છું ઘાસબીડમાં અધ્ધરજીવે સતત;
લે, જો, આ મારા હાથથી દીવાસળી પડી.

પોથીની વચ્ચે ટાંપ તરીકે મૂકીશ હું;
સરકી ગયો સરપ અને આ કાંચળી પડી.

દર્પણની છોડ દોસ્તી, ચકલી સભાન થા;
તારા જ નીડમાંથી ફરી એક સળી પડી.

ફૂલોએ આંખ મીંચી દીધી દુઃખથી તરત,
જેવી કો ડાળખીથી ગુલાબી કળી પડી.

વાગ્યા ટકોરા તોય ના ઊઘડી શક્યાં કમાડ;
સન્નાટે સૂતી શેરી આ ઝબકી છળી પડી.

-ભગવતીકુમાર શર્મા

ભગવતીકાકા વિશે મારું દૃઢપણે એવું માનવું છે કે સાહિત્યને જે ચીવટાઈ અને ખંતથી એ આરાધે છે એટલી કાળજીથી આજનો અન્ય કોઈ સર્જક આરાધતો નહીં જ હોય. ગઝલ હોય કે ગીત, નવલિકા હોય કે નવલકથા, નિબંધ હોય કે વિવેચન, ભગવતીકાકા એમાં પોતાનો પ્રાણ રેડી દે છે. એમની ગઝલો જેમ-જેમ વધારે વાંચું છું, મારો આ મત વધુ અફર બનતો જાય છે. આ ગઝલના એક-એક શેરને હાથમાં લઈ જુઓ… અહીં ખરા સોના સિવાય બીજું કંઈ મળે તો કહેજો… દર્પ અને દર્પણની દોસ્તી ત્યજીને સભાન થયેલા આ શાયર પસાર થઈ ગયેલી ક્ષણોની કાંચળીનો પણ યાદોની ટાંપ તરીકે ઉપયોગ કરે છે. કેટલાક એવા હોય છે જે કુમળી કળીના ખરી જવાથી પણ અકથ્ય વેદના અનુભવી આંખો મીંચી જાય છે જ્યારે આખી શેરી ઝબકીને જાગી જાય એવા ટકોરાં પડે તોય ન ઊઘડે એવા દ્વાર જેવા પણ કેટલાક હોય છે.

Comments (6)

ગઝલે સુરત (કડી-૧)


(“ગઝલે સુરત”….                         …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)

૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા

દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી

હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા

શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ

વધુ આગળ વાંચો…

Comments (19)

કોઈ આવશે – ભગવતીકુમાર શર્મા

હમણાં નહીં તો સૈકા પછી કોઈ આવશે;
આખી મનુષ્યજાત સુધી કોઈ આવશે.

અવતાર સ્વાવલંબી હવે ક્યાં રહી શક્યા ?
પોતે નહીં તો એના વતી કોઈ આવશે !

ઊડે છે આમતેમ તણખલાંઓ નીડનાં;
પંખીની ચાંચે થઈને સળી કોઈ આવશે.

ચિંતામણી ઝરૂખે ઊભી હોય કે નહીં;
વિરહાગ્નિની તરીને નદી કોઈ આવશે.

પર્ણો ખર્યા કરે છે હવે બોધિવૃક્ષનાં;
સંભવ છે રાજપાટ ત્યજી કોઈ આવશે.

ઇચ્છા, મેં તારા નામ પર પાણી મૂકી દીધું;
લાગે છે, તોય અશ્રુ બની કોઈ આવશે !

શૈશવની બાળવારતા શોધી રહી મને;
સોનેરી પાંખવાળી પરી કોઈ આવશે ?

-ભગવતીકુમાર શર્મા

ભગવતીકાકાની ગઝલ ખૂબ ઊંડા ચિંતનના તારતમ્યરૂપે નીતરતી હોવાનું મેં કાયમ અનુભવ્યું છે. આ એક એવા સર્જક છે જે સર્જનને શોખ તરીકે નહીં પણ શ્વાસથીય વધુ અનિવાર્ય આવશ્યક્તા તરીકે લે છે. કાવ્યનો કોઈપણ પ્રકાર હોય, એમની સાધનાનું ઊંડાણ એમાં તરત જ વર્તાય. પ્રસ્તુત ગઝલનો ઇચ્છાવાળો શે’ર તો બેનમૂન થયો છે. ચિનુ મોદીના ખ્યાતનામ શે’ર –કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો, એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો-નું અદ્દલોઅદ્દલ અવળું પ્રતિબિંબ જ જોઈ લ્યો જાણે !

Comments (8)

પારિજાત છીએ – ભગવતીકુમાર શર્મા

અમે તો તત્ત્વની સાથેના તાલ્લુકાત છીએ,
અમે અમારાપણા અંગે અલ્પજ્ઞાત છીએ.

અમે સુગંધનો સોના પે દ્રષ્ટિપાત છીએ,
ધરો જો મૂર્તિને ચરણે તો પારિજાત છીએ.

ફળે જો સ્વપ્ન તો ઝળહળ અમે પ્રભાત છીએ,
તૂટે જો સ્વપ્ન તો ફૂલોનો અશ્રુપાત છીએ.

અમે ફલાણા ફલાણા નથી, ફલાણા નથી,
અમે તો જે છીએ તેવા જ જન્મજાત છીએ !

છે વ્યર્થ શોધ અમારી સળંગ હસ્તીની,
અમે આ વિશ્વમાં કેવળ પ્રસંગોપાત્ત છીએ.

સમુદ્રમોજું ધસે ત્યાં સુધી તો ક્ષેમકુશળ,
અમે તો રેત પે ચીતરેલી રમ્ય ભાત છીએ !

યમુના હો કે હો દરિયો થઈ જશે રસ્તો,
અમે પ્રભુનાં ચરણ પરનો પક્ષપાત છીએ.

-ભગવતીકુમાર શર્મા

ઈશ્વરના ચરણ પરનો પક્ષપાત હોવાની જેને શ્રદ્ધા છે એને કોઈ દરિયો કે નદી માર્ગ આપવાનું ચૂકતી નથી… કેવી સુંદર રજૂઆત! ભગવતીભાઈની આ ગઝલ એમની શિરમોર ગઝલોમાંની એક છે. પોતાના હોવા અંગેના અલગ-અલગ કલ્પનો લઈને આવતા દરેક શેર વારંવાર મમળાવવાનું મન થાય એવા સ્વાદિષ્ટ બન્યા છે. ( સુરતી કવિની ગઝલને વખાણવી હોય તો ‘સ્વાદિષ્ટ’થી વધારે મૂલ્યવાન બીજો કયો શબ્દ હોઈ શકે અને પાછો વખાણનાર પણ સુરતી જ હોય ત્યારે તો…. !)

Comments (4)

‘गमन’ ફિલ્મ જોયા પછી – ભગવતીકુમાર શર્મા

जब से गये हैं छोड के साजन बिदेसवा
કજરી સૂની સૂની અને સૂમસામ નેજવાં.

छू के जो उन को आती है बम्बई से ये हवा,
પુનરાગમનનો એય ક્યાં લાવે સંદેસવા?

पैसे, ख़तों- क़िताब, अंगूठे से दस्तख़त,
વેઢા ગણી ગણી હવે થાક્યાં છે ટેરવાં.

बम्बई की काली सडकों पर रफतारे-टॅक्सी,
હડફટમાં આવી જાય છે સ્વપ્નો નવાંસવાં.

कोडे़ बरस रहे हैं मुहर्रम में जिस्म पर,
શ્વાસોના રણમાં લોહીનાં ઊડે છે ઝાંઝવાં.

– ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્મા ભલે પોતાની જાતને આંધી વચ્ચે તણખલાંના કે તુચ્છ ઘટનાના માણસ લેખાવતા હોય, કવિ તરીકે એમનું પદાર્પણ અનન્ય છે. પત્રકાર તરીકે દિન-રાત શબ્દોની સાથે પનારો પડતો રહેતો હોવા છતાં પોતાનો કવિ તરીકેનો શબ્દ ઘસાઈ ન જાય એ માટે એમણે સતત કાળજી રાખી છે. ભગવતીકુમારની કવિતા એ પરંપરા અને આધુનિક્તાના સુભગ સમન્વયનું જ્વલંત ઉદાહરણ છે. રૂઢીની ધરતીમાંથી અરુઢતાનો છોડ કેવો ઊગે એ જોવું હોય તો એમની કવિતાઓ તરફ જોવાની ફરજ પડે. પહેલી નજરે દ્વિભાષી ભાસતી આ ગઝલમાં હકીકતે હિંદી, ગુજરાતી ઉપરાંત ક્યાંક ક્યાંક बिदेसवा જેવો વ્રજભાષી શબ્દ, ક્યાંક रफतारे-टॅक्सी જેવો ઉર્દૂ શબ્દ-પ્રયોગ તો ક્યાંક टॅक्सी જેવો અંગ્રેજી શબ્દ પણ નજરે ચડી જાય છે અને આ બધા જ એવી સાહજીકતાથી વણાઈ ગયા છે અહીં કે આ ગઝલ પ્રયોગાત્મક ગઝલ છે એવો તો ભાવકને અહેસાસ થતો જ નથી. (અને આ પ્રયોગ પાછો ઠેઠ 1979ની સાલમાં થયો છે!)

Comments (2)

ન કરો – ભગવતીકુમાર શર્મા

ફૂલને ફૂલ સ્વરૂપે જુઓ, ગજરો ન કરો;
ખુશ્બો ચૂપચાપ પ્રસારો, એનો જલસો ન કરો!

જળ છે, ખારાશ છે, ભરતી છે, અજંપો પણ છે.
તો ય માઝામાં રહો, આંખોનો દરિયો ન કરો !

પાનખરની ય અદબ હોય છે; જાળવવી પડે,
જો કે વગડો છે, છતાં ચૂપ રહો, ટહૂકો ન કરો!

સાચી ઓળખનો વધારે હશે સંભવ એમાં,
છો ને અંધાર યથાવત્ રહે, દીવો ન કરો!

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!

ભગવતીકુમાર શર્મા

આને ગદ્ય ગઝલ કહીશું?! કદાચ અગેય કહી શકાય તેવી આ ગઝલમાં ઉપરછલ્લી રીતે અકર્મણ્યતાનો સંદેશ આપણને લાગે,પણ સમતાથી સભર જીવન જીવવાનો બહુ જરૂરી સંદેશો આમાં કવિ આપણને આપે છે. જીવનના સૌથી મોટા ભય મૃત્યુનો પણ પરદો ન રાખવાની વાત કરી, કવિ આપણને અજાતશત્રુ બનવાની સલાહ આપે છે. ગીતાના ભારેખમ શ્લોકોનું આવું સરલીકરણ આપણા તનાવ અને મિથ્યા ખ્યાલોથી ભરેલા જીવનને એક હળવાશ આપી જાય છે.  

Comments (2)

અંધની ગઝલ – ભગવતી કુમાર શર્મા

હા, બને ઘટનાઓ, પણ દૃષ્યો વગર;
ફૂલ મારાં ઊઘડે સૂર્યો વગર,

હું અવાજોની સપાટી પર તરું;
મારું પુસ્તક હોય છે પૃષ્ઠો વગર.

શ્વાસમાં છે ટેરવાંનું દળકટક;
પુષ્પને પામી શકું રંગો વગર.

સપ્તરંગી મારાં આકાશો નથી:
ઊડતાં શીખ્યો છું હું પાંખો વગર.

એક નહિં, પણ સૂર્ય ડૂબ્યા બે ભલે:
રથ તો ચાલે છે અહીં અશ્વો વગર.

ક્યાં છે? શું છે? કોણ છે? કેવુંક છે?
જીવવાની ટેવ છે પ્રશ્નો વગર.

રંગ, રેખા, રૂપ, આકારોથી દૂર;
તોય હું જીવ્યા કરું સૂર્યો વગર.

આંખ પર છે કાળા સૂરજનો કડપ;
કિન્તુ ક્ષણ પણ ક્યાં વીતે સ્વપ્નો વગર?

ભગવતી કુમાર શર્મા

Comments (3)

અઢી અક્ષરનું ચોમાસું – ભગવતીકુમાર શર્મા

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ચાર અક્ષરના મેઘમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

– ભગવતીકુમાર શર્મા

 

અલગ જ જાતનું આ ગીત અડધું તો ક્રોસવર્ડ પઝલ જેવું લાગે છે ! અક્ષરોની ગણતરીની વાત અહીં માત્ર ગણતરી તરીકે જ નથી આવતી, એ તો આવે છે સમજાવવામાં માટે કે પ્રકૃતિના સૌંદર્યમાં પ્રિયજનને ઉમેરો તો જ સાચો સરવાળો થાય.   

Comments (40)

ગઝલ – ભગવતીકુમાર શર્મા

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.

તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.

-ભગવતીકુમાર શર્મા

નખશિખ સુરતી મુરબ્બી શ્રી ભગવતીકાકા અમારા શહેરનું ગૌરવ છે અને આજે એમની સલામીમાં બબ્બે પ્રસંગો છે: એક તો આજે એમનો જન્મદિવસ (31-05-2006) છે અને બીજું, ગુજરાતમિત્રમાં વર્ષોથી ‘નિર્લેપ’ના નામે છેલ્લા પાને લખાતી હાસ્યકોલમના ચૂંટેલા લેખોના ચાર પુસ્તકોનો વિમોચન સમારોહ આ લખાઈ રહ્યું છે ત્યારે યોજાઈ રહ્યો છે! આજન્મ પત્રકાર, ઉત્તમ કવિ, નિબંધકાર, સુંદર વાર્તાકાર અને નવલકથાકાર પણ. લયસ્તરો તરફથી એમને જન્મદિનની શુભેચ્છાઓ અને દીર્ઘાયુષ્યની કામનાઓ…

Comments (4)

ગમે ત્યારે હું ચાલ્યો જઈશ -ભગવતીકુમાર શર્મા

ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

કિનારો હોય કે મઝધાર મારે શો ફરક પડશે ?
ડુબાડી જાતે હોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

-ભગવતીકુમાર શર્મા

Comments

સૂની પડી સાંજ

સૂની પડેલી સાંજને સમજવા મથતા મારા પ્રિય ત્રણ શેર પ્રસ્તૃત છે.

એક  પડછાયો  પીધો તેનો નશો છે લોહીમાં,
આમ બસ હર એક સાંજો લડખડતી જાય છે.
-નયન દેસાઈ

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા  વિના  સાંજ  ડૂસકે ચડી છે.
-ભગવતીકુમાર શર્મા

બોલ મારા આ જનમના ને તે જનમના ભાગિયા,
કોણ  ઉમ્બર  પર  અધૂરી  સાંજ  આ  નાખી   ગયું.
-નયન દેસાઈ

(વધારાની માણવા જેવી હકીકત એ છે કે બન્ને કવિ મારા શહેર સૂરતના છે! )

Comments (5)