ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે,
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે !
કલાપી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for September, 2013

જ્યારથી – મુકેશ જોષી

મેં સિતારાઓની એને વાત કીધી જ્યારથી,
એ મને આકાશ સમજે છે જુઓને ! ત્યારથી.

શુષ્ક નદીઓને જોઇને ડૂમે ચઢેલા
પ્હાડનાં આંસુનો હું તો અંશ છું,
એ મને કહે છે કે હું કો’
રાજવી દરિયાવની ભરતીનો એકલ વંશ છું.
મેં મારા જળપણાની વાત કીધી જ્યારથી,
માછલી બનવાને એ ઊછળી રહ્યા છે ત્યારથી.

ફૂલ થાવાનો કર્યો’તો કાંકરીચાળોય અંતે
ભાગ્યમાં ખોટો પડ્યો,
પથ્થરો મારે ખભે મૂકીને ઊભા હાથ
ને એવી ક્ષણે ફોટો પડ્યો.
મેં પછી પથ્થરપણાની વાત કીધી જ્યારથી,
એ હવે ઈશ્વરપણું શોધી રહ્યા છે ત્યારથી.

– મુકેશ જોષી

એક તાજગીસભર રચના…….

Comments (2)

પ્રતિજ્ઞા – રવીન્દ્રનાથ ઠાકુર અનુ-નગીનદાસ પારેખ

હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં ,નહિ થાઉં ,
જેને જે કહેવું હોય તે કહે.
જો તપસ્વિની ન મળે તો હું જરૂર તાપસ નહિ થાઉં.
મેં
કઠિન પ્રતિજ્ઞા કરી છે કે જો બકુલ વન ન મળે,
જો મન જેવું મન જીતવા ન પામું,
તો હું તાપસ નહિ થાઉં ,નહિ થાઉં ,
જો તે તપસ્વિની ન મળે તો.

હું ઘર છોડીને બહાર નહિ જાઉં, હું ઘર નહિ છોડું,
ઉદાસીન સંન્યાસી થઈને બહાર નહિ જાઉં.
જો ઘરની બહાર કોઈ જ વિશ્વને લોભાવનારું હાસ્ય ન હસે.
મધુર વાયુથી ચંચલ એવું નીલાંચલ જો ન ઊડે,
કંકણ અને નૂપુર જો રુમઝુમ ન વાગે,
જો તપસ્વિની ન મળે તો,
હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં ,નહિ થાઉં.

તારા સમ, હું તાપસ નહિ થાઉં.
જો એ તપને જોરે નવીન હૃદયમાં
જો હું નવું વિશ્વ રચી ન શકું,
જો હું વીણાના તાર ઝંકારીને કોઈના મર્મના દ્વાર તોડીને,
કોઈ નવીન આંખનો ઇશારો ન સમજી લઉં,
જો તપસ્વિની ન મળે તો હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં.

– રવીન્દ્રનાથ ઠાકુર અનુ-નગીનદાસ પારેખ

…………..ઉનકો ખુદા મિલે, હૈ ખુદા કી જિન્હેં તલાશ; મુઝકો તો બસ ઇક ઝલક મેરે દિલદાર કી મિલે…….. ઈશ્વર પ્રત્યે તો જો અદમ્ય પ્રીત હોય તો હોય, ન હોય તો તેને જાત ઉપર ઠોકી ન બેસાડાય . પ્રેમતત્વમાં શ્રદ્ધા રાખવી ઘટે, કદાચ ઐહિક પ્રેમ જ અલૌકિક પ્રેમ તરફ દોરી જશે ……

Comments (4)

સર્જનહાર સમેત – હરિકૃષ્ણ પાઠક

સરસર સરસર ઝાડ-પાંદડે
ફરફર ઊડે બારીમાં
તડતડ ધડધડ છાજ-છાપરે
સરતરબોળ અટારીમાં.
કાગળની હોડીમાં તરતી
ગલી ગલી કલશોર ભરી
ભીંત અઢેલી ઊભાં ઢોરાં
રુંવે રુંવે રોમાંચ ધરી.
મન વિરહીનાં આકુળ-વ્યાકુળ
હળ્યાં-મળ્યાંનાં છલકે હેત,
સચરાચર સુખ-સાગર છલકે
મલકે સર્જનહાર સમેત.

– હરિકૃષ્ણ પાઠક

ક્યારેક કૃતિનો વિચાર વિસ્તાર કરવાના બદલે સર્જકની તકનિક વિશેની વાત પણ વધુ રસદાર હોઈ શકે.

• છંદવિધાન: ત્રીસો સવૈયો – એકી પંક્તિમાં સોળ અને બેકીમાં ચૌદ માત્રા. ગાગાગાગા, ગાલલગાગા, ગાલગાલગા, લગાલગાગાની રેવાલ ચાલ જેવી પ્રવાહી ગતિ વરસાદની રવાની તાદૃશ કરી આપે છે.
• ઓનોમેટોપિઆ: રવાનુકારી શબ્દોના પ્રયોગથી “અવાજ”ને “ચાક્ષુષ” કરવાની કળા. સરસર સરસર ફરફર તડતડ ધડધડ સરતરબોળ – કવિએ આકાશમાંથી મુશળધાર વરસતા વરસાદની ગતિને કેવી આબેહૂબ રીતે ઉપસાવી આપી છે.
• પ્રાસરચના : શરૂઆતની ચાર પંક્તિમાં a-b–a-bની ચુસ્ત પ્રાસરચના પ્રયોજ્યા પછી કવિ માત્ર એકી સંખ્યાની કડીઓને પડતી મૂકી માત્ર બેકી સંખ્યાની કડીઓમાં પ્રાસ યોજે છે, જાણે વચ્ચેના પ્રાસ અનવરત વરસાદમાં ધોવાઈ ન ગયા હોય…
• વર્ણાનુપ્રાસ: સરસર સરસરના ચાર સ અને ચાર ર, ગલી ગલી, છાજ-છાપરે, ભીંતના ભ સાથે ઊભાંનો ભ અને અઢેલીના ઢ સાથે ઢોરાંનો ઢ, રુંવે-રુંવે રોમાંચના ત્રણ ર, હળ્યાં સાથે હેત, સચરાચર સાથે સુખ અને સાગરના સ, સર્જનહાર સાથે સમેતનો સ – વરસાદના ટીપાં એક પછી એક એકસરખા પડતાં હોય એવો ભાસ કવિ કેવો બખૂબી આટલી નાની કવિતામાં એક પછી એક વર્ણાનુપ્રાસ પ્રયોજી ઊભા કરી શક્યા છે !
• પાણીની જેમ એક પંક્તિમાંથી બીજીમાં ઢોળાતો નાદ – ઝાડ-પાંદડે પછીની પંક્તિમાં ઊડે, ભરીના ભ પછીની પંક્તિમાં તરત આવતો ભીંતનો ભ, ઢોરાંના ર ને પકડી શરો થતો આગલી પંક્તિના રુંવે રુંવે નો ર, આકુળ-વ્યાકુળના ‘ળ’નું આગલી પંક્તિના હળ્યાં મળ્યાંમાં ઢોળાવું, છલકે પછી તરત આવતો મલકેનો ઉપાડ- કવિએ વરસાદની ગતિને કેટકેટલી તરેહથી મૂર્ત કરી આપી છે !

Comments (5)

ખળભળ ! – નીતિન વડગામા

અનરાધારે વરસે વાદળ,
અંદર થાતું ખળભળ ખળભળ !

ચરણ તમારાં ચાલ્યાં કરશે,
તો જ વધાશે થોડું આગળ.

ગમતાં દ્વારે ઊભા રહેજો,
ખૂલી જાશે સઘળી સાંકળ.

કરશે અજવાળું અજવાળું,
નમણી નમણી એની અટકળ !

ભરખી જાતા સૂરજ સામે,
હસતી રહેતી ઝીણી ઝાકળ !

ધીમે ધીમે ગીત ગવાતું,
કાન દઈને તુંયે સાંભળ.

કાળા અક્ષર સૌ વાંચે છે,
કોણ ઉકેલે કોરો કાગળ ?

– નીતિન વડગામા

વરસાદ માઝા મૂકીને વરસી રહ્યો છે… સુરતમાંથી પૂર ઓસરે છે તો રાજકોટ-જામનગર જળબંબાકાર થાય છે.. એવામાં માણીએ નીતિન વડગામાની આ ભીની ભીની ગઝલ…

Comments (9)

શક્યતા – હેલ્પર ક્રિસ્ટી

આયનામાં કોઈ ડૂબી જાય તો –
કાચનું આકાશ તૂટી જાય તો –

રાહમાં તો આવવાનાં જંગલો,
ક્યાંક લીલો વાંસ ફૂટી જાય તો…

તો ખજૂરી સાવ લીલી થૈ જશે,
ઝાંઝવાં ભ્રમણાનાં એ પી જાય તો.

નામ તારું ભીંત પર હું કોતરું,
પણ સમયનો હાથ ભૂંસી જાય તો…

બસ, હવે બેસીએ લીલા ઘાસમાં,
માર્ગ વચ્ચે શ્વાસ ખૂટી જાય તો…

શોધતાં અસ્તિત્વ મારું ત્યાં જડે,
શબ્દના પોલાણે કૂજી જાય તો !

– હેલ્પર ક્રિસ્ટી

માત્ર સાડત્રીસ વર્ષની અલ્પ આયુ (૧૯૫૨-૧૯૮૯) ભોગવી અકાળે અસ્ત થઈ ગયેલ સુરતના કવિ હેલ્પર ક્રિસ્ટીની આ ગઝલ જાણે કવિને આવનાર મૃત્યુની એંધાણી ન મળી ગઈ હોય એવો ભાવ લઈ આવી છે… કાચના આકાશનું તૂટવું, સમયના હાથનું ભૂંસવું, માર્ગવચ્ચે શ્વાસનું ખૂટવું અને શબ્દના પોલાણમાં અસ્તિત્વનું ઢબૂરાઈ રહેવું – કેટકેટલા સંકેતો આ એક જ ગઝલમાં!

Comments (5)

વિદાય ટાણે – મકરંદ દવે

ના, ના, નથી દૂર નથી જ દૂર
જ્યાં વિશ્વ બંધાયું અલક્ષ્ય તાંતણે
તારાગણો સાથ અહીં કણે કણે
સામીપ્યના ઝંકૃત કોઈ સૂર
બજી રહ્યાં નીરવનાં નૂપુર
અગાધ શૂન્યે, વિરહી ક્ષણે ક્ષણે
મળી રહ્યા નિત્ય અદીઠ આપણે
વિયોગ જ્યાં ખંડિત, ચૂર ચૂર.

તો દૂરતા પાસ દરિદ્ર પ્રાણે
ના માગવું કાંઈ, પરંતુ નેહે
ડૂબી જવું અંદર, જ્યાં જુદાઈ
જેવું ન, એકત્વ વિદાયટાણે
બંસી બજાવે નિજ ગૂઢ ગેહે
સદા મિલાપે, સુણ ઓ મિતાઈ !

– મકરંદ દવે

ધીમે ધીમે બે-ત્રણ વાર વાંચતા આ અદભૂત સોનેટ કમળની જેમ ઊઘડે છે…… અલ્પવિરામને બરાબર ધ્યાનમાં રાખીને વાંચવાથી અર્થ અસ્પષ્ટ રહેતો નથી.

Comments (3)

પ્રેમ – હરીન્દ્ર દવે

‘ પ્રેમ મુજ તુજ પરે – ‘

કંઈ અનાદિ સમયથી
ઘણા રૂપમાં
મેં હંમેશા તને આ જ શબ્દો કહ્યા છે.
અને આજ પણ
હર પળે
ગુંજતો એ જ શબ્દધ્વનિ :
‘ પ્રેમ મુજ તુજ પરે .’

પણ કદી આટલા કાળમાં
તું પિછાણી શકી
મર્મ એ વાક્યનો ?
મેંય જયારે કર્યો યત્ન એ સમજવા
ધૂંધળા ધૂંધળા આવરણથી
ઘડી સત્ય ડોકાઈ છૂપી ગયું.

પ્રેમ મુજ
એ મનેય અગોચર કોઈ લાગણી,
જેની તંત્રી પરે
એક મોહક છતાં જેની સ્વરલિપિ છે
શોધવાની હજી,
એ બજે રાગિણી.

હું અનાદિથી એના રહસ્યો મથું જાણવા;
એટલે વિવિધ રૂપે રહું જન્મતો;
તુંય કાં તો મને
એ જ કારણે મળતી રહી હર સમે.

-હરીન્દ્ર દવે

‘ I love you ‘ – આ શબ્દો કદાચ માનવ ઈતિહાસમાં સૌથી વધુ ઉચ્ચારાયા હશે…… જો આપણે એમ નક્કી કરીએ કે જ્યાં સુધી પ્રત્યેક શબ્દ પૂરે પૂરો સમજાય નહીં, દરેક શબ્દનો ગૂઢતમ અર્થ સમજાય નહીં, ત્યાં સુધી એ આપણે ઉચ્ચારીશું નહીં, – તો હું તો ‘ I ‘ શબ્દ જ ન ઉચ્ચારી શકું………

Comments (5)

‘શ્રી સવા’ લાગી… – દિવ્યા રાજેશ મોદી

surya na hastaksharo

*

હું તને કેમ ચાહવા લાગી ?
દિલને હું એમ પૂછવા લાગી.

જળની વચ્ચે જગા થવા લાગી,
શું નદી સાવ તૂટવા લાગી ?

ટોચ પર સડસડાટ પ્હોંચીને,
આ હવા કેમ હાંફવા લાગી ?

બાગ પણ પાયમાલ લાગે છે,
પાનખરની જરા હવા લાગી.

દ્વાર જ્યાં બંધ થાય છે કોઈ,
એક બારી ત્યાં ખૂલવા લાગી.

વાત તારી ઉતારી કાગળમાં,
તો ગઝલને એ ‘શ્રી સવા’ લાગી !

સાથ તારો અહીં દુઆ જેવો,
પ્રીત તારી મને દવા લાગી !

– દિવ્યા રાજેશ મોદી

સુરતના પ્રતિભાવંત કવયિત્રી દિવ્યા રાજેશ મોદી એમના પ્રથમ ગઝલસંગ્રહ “સૂર્યના હસ્તાક્ષરો” લઈને આવ્યા છે. ટીમ લયસ્તરો તરફથી એમનું ઉષ્માસભર સ્વાગત છે…

પ્રસ્તુત ગઝલમાં કોઈ એક શેર પર આંગળી મૂકવી એ સૂર્યના હસ્તાક્ષરો કાગળ પર લેવા જેવું વિકટ કામ છે… બધા જ શેર અનવદ્યપણે સંતર્પક થયા છે…

કવયિત્રીને ખૂબ ખૂબ શુભકામનાઓ…

Comments (16)

આઝાદ ગઝલ – જિગર જોષી ‘પ્રેમ’

અગર માફક નહીં આવે, સરા-જાહેર કહેવાનો
સમય જેવી કુટેવો છે હું એથી બદલો લેવાનો

સતત પથ્થર કનડવાના,
ઝરણ જેવું જો વ્હેવાનો !

મને સ્થળ, કાળ જેવી કોઈ બાબત ક્યાં અસર કરતી ?
પ્રગટ થાવું હશે ત્યારે પ્રગટ થૈને જ રે’વાનો.

સતત વ્યવહાર રાખ્યો છે,
હું માંગું છું, એ દેવાનો.

કોઈની જ્યોત ઠારીને પૂછે જે ફૂંકની વ્યાખ્યા,
એ માણસ-જાત પર કાયમ મને પ્રશ્નાર્થ રે’વાનો.

– જિગર જોષી ‘પ્રેમ’

ખૂબ નાની વયે એક ગઝલ સંગ્રહ ભાગીદારીમાં અને એક સ્વતંત્રપણે આપ્યા પછીના જિગરના આ ત્રીજા સંગ્રહ – “An Endless Topic… અને હું…” (પ્રથમ કાવ્યસંગ્રહ) –નું લયસ્તરો તરફથી હાર્દિક સ્વાગત છે. ખૂબ જ લાં…બી બહેરની ગઝલથી માંડીને ટૂંકી બહેર સુધી કવિએ પોતાનો કસબ દેખાડ્યો છે. ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષાનું યોગ્ય કોક-ટેલ પણ આ સંગ્રહમાં નજરે ચડે છે અને ગીત અને ગદ્યકાવ્યો ઉપરાંત આવી આઝદ ગઝલ પણ. આ આઝાદ ગઝલના ટૂંકી બહેરના બંને શેર સવિશેષ ધ્યાન ખેંચે છે.

કવિને ખૂબ ખૂબ અભિનંદન !

Comments (10)

કારણ – ચિનુ મોદી ‘ઇર્શાદ’

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
પાંદડે ભેગું કરેલું તેજ છે.

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખને ખૂણે હજીયે ભેજ છે.

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે ?

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
એક ખુરશી છે ને સામે મેજ છે.

વાયુંમાં વિશ્વાસનું કારણ હતું –
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.

ખ્યાલ કર પુષ્પો ભરેલી ડાળનો,
એ તને શણગાર તો આપે જ છે.

બેય આંખો સાવ કોરી રાખજે,
રોજ ઝાકળ રાતના આવે જ છે.

હું ય દેખાતો હતો આ દર્પણે,
ઓરડો આ વાત ક્યાં માને જ છે ?

જ્યાં સુધી ‘ઇર્શાદ’ નામે જણ જીવે,
લાગણી પૃથ્વી ઉપર તો છે જ છે.

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

સિદ્ધહસ્ત સર્જક કદી આજીવન જમાનાએ નક્કી કરેલા રસ્તે આંખ મીંચીને ચાલતો નથી. ચિનુ મોદીની આ ગઝલમાં પહેલા ચાર શેરમાં એકનો એક ઉલા મિસરો વપરાયો છે. ગઝલ વાંચીએ ત્યારે પળભર એમ લાગે કે આખી ગઝલ આજ ઢબથી લખાઈ હશે જેમાં ઉલા મિસરો રદીફની જેમ એક જ હોય અને સાની મિસરો કાફિયાની જેમ બદલાતો રહે છે. આ પ્રકારની ગઝલ પણ લોકો લખી ગયા છે.. પણ ચિનુ મોદી આપણી ધારણાને પાંચમા શેરમાં જ જમીનદોસ્ત કરીને ટ્રેડિશન ફૉર્મેટમાં પ્રવેશ કરે છે… પ્રયોગ અને પરંપરાનું મજાનું ફ્યુઝન અનુભવી શકાય છે…

Comments (8)

Page 1 of 3123