આપણે રહેવાનું કેવળ આપણામાં
આપણે મળવાનું કેવળ ધારણામાં.

હૂંફ શાને શોધે છે તું તાપણામાં?
એટલી ઉષ્મા નથી શું આપણામાં?
- વિવેક મનહર ટેલર

…..હતો ! – રતિલાલ ‘અનિલ’

મારાથી દૂર હું જ મને ભાળતો હતો,
રણમાં રહીને વીરડો હું ગાળતો હતો !

આવું ઉખાણું કોઈએ શું સાંભળ્યું હશે ?
મારી જ રાખથી મને અજવાળતો હતો !

પાગલપણાની વાત કંઈ એવી બની ગઈ,
હું જાગતો જ હતો ને મને ઢંઢોળતો હતો !

ખોવા સમું તો મારી કને શું બીજું હતું ?
મારામાં રોજ હું જ મને ખોળતો હતો !

બળતો સૂરજ તો આખો નદીમાં પડીને ન્હાય,
કાંઠે રહીને હું તો ચરણ બોલતો હતો !

કંઈ કેટલીય વાર હું પાષણ થઇ ગયો,
ભીની ક્ષણોમાં તોય મને ઢોળતો હતો !

બરડાની ખોટ એથી નથી સાલતી ‘અનિલ’
અસ્તિત્વની પિછાન સમો સોળ તો હતો !

-રતિલાલ ‘અનિલ’

3 Comments »

  1. Rina said,

    September 4, 2013 @ 12:28 AM

    ખોવા સમું તો મારી કને શું બીજું હતું ?
    મારામાં રોજ હું જ મને ખોળતો હતો !

    બળતો સૂરજ તો આખો નદીમાં પડીને ન્હાય,
    કાંઠે રહીને હું તો ચરણ બોલતો હતો !

    Waaaaahhhh

  2. Laxmikant Thakkar said,

    September 4, 2013 @ 7:32 AM

    *”એને” શોધતા શોધતા અચાનક હુંજ મુજને જડી ગયો છું .
    મુજમાં સ્થિર થઇ ખુદનાજ મર્મસ્થાને કેન્દ્રમાં,ઠરી ગયો છું.
    આ”હું”, “હું છું” ના મોજાં…ધ્વનિ-આંદોલનોના ગેબી નાદ,
    ઊછળ્યા કરે છે,ગૂંજ્યા કરે છે ભીતર, વારંવાર ,લગાતાર .
    આ ગૂંજ…આ ઘૂમરાવ,…આ ઘંટારવ….ઓમકાર વળે કરાર,
    ચકરાવે ચઢી ગયો છું આ ગોળ ગોળ ચક્કર ચક્કર વમળ ,
    ઊંડે…ઓર… ઊંડે…આ વમળમાં…વમળ…તેમાં વમળ…,
    અહંના વળ ,જાણે ‘બ્લેક હોલ ‘નું તળ, જાણે એ સ્થિર પળ.
    ‘…અને પછી, ‘આ’ કે ‘તે’ ?ના વિકલ્પ પણ આગળ પાછળ,
    મનની અંદર બંધાતી રહે, પળ-પળ , ‘હું’,’મારું’ની સાંકળ,
    તણખલા જ્યમ તણાયા કરું દિશાહીન સાવ વિકળ આકળ ,
    ફૂલો ,રંગો સુગંધો ને શીતળતા, કોમલ કળી પર ઝાકળ,
    કોણ જાણે આ લાંબી જીવન યાત્રા થાશે સફળ કે વિફળ?
    નિજમાં ઠરવું,કંઈ મળ્યું કે ના મળ્યું, શામાટે થાવું વિહ્વળ?
    પરમ આનંદની અનુભૂતિ,પછી કરવી શેની સખળ ડખળ?
    જોતા રહેવું, ગુજરતી પળ પછીની પળ, થઇ શાંત સરળ.

    ****************************************************************************

  3. P. P. M A N K A D said,

    September 4, 2013 @ 10:44 AM

    It is understable that Shri Ratilal ‘Anil’s’ poem would always be meaningful, but equally, or if I can write so, Laxmikant Thakkar’s poem is quite BETTER!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment