સૌ સમયના વહેણમાં વહેતાં રહે છે એ રીતે
જેમ નદીઓને સતત વહેવું પડે છે ઢાળમાં !
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for March, 2013

શું થશે – ગની દહીંવાળા

માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શું થશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે

હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે

કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને
આપણે થાશું સફળ તો દેવગણનું શું થશે

જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે જીવવા દેજો મને
જૂજવા મૃગજળ જતાં રે’શે તો રણનું શું થશે

જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે

– ગની દહીંવાળા

Comments (8)

વ્યાખ્યા -એરિક ફ્રાઇડ

કુત્તો
જે મરણ પામે છે
અને જે જાણે છે
કે એ મરણ પામે છે
કુત્તાની માફક.

અને જે કહી શકે
કે એ જાણે છે
કે જે કુત્તાની માફક
મરે છે
એ માણસ છે.

-એરિક ફ્રાઇડ (જર્મની)
(અનુ. હરીન્દ્ર દવે)

आहारनिद्राभयमैथुनं च सामान्यमेतत् पशुभिर्नराणाम् । (આહાર, નિદ્રા, ભય, મિથુન આ બધું મનુષ્યો અને પ્રાણીઓમાં સરખું જ છે.) ફક્ત વિચારશક્તિ જ બંનેમાં ભેદ પાડે છે. પ્રાણી જાણે છે કે એ પ્રાણી તરીકે જ જન્મ્યા છે, એમ જ જીવે છે અને એમ જ મૃત્યુ પામે છે. પણ માણસ?

માણસ જન્મે તો છે માણસ સ્વરૂપે પણ માણસ થઈ રહેવું અને માણસની મોતે મરવું બહુ જ દોહ્યલું છે. રેટ-રેસમાં જીવતા આપણે બધા મહદાંશે કૂતરાની મોતે જ મરીએ છીએ…

Comments (6)

હવે આ હાથ રહે ના હેમ ! – પ્રિયકાન્ત મણિયાર

હવે આ હાથ રહે ના હેમ !
મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ !
.                                   હવે આ હાથ રહે ના હેમ !

બહુ દિન બેસી સિવડાવ્યા બસ કૈં નવરંગી વાઘા,
સાવ રેશમી ભાતભાતના મહીં રૂપેરી ધાગા;
જેહ મળે તે દર્પણ જોવા વણલીધેલો નેમ !
.                                   હવે આ હાથ રહે ના હેમ !

ભરબપ્પોરે ભોજનઘેને નિતની એ રાતોમાં,
ઘણું ખરું એ એમ ગયું ને કશુંક કૈં વાતોમાં;
પડ્યું પ્રમાદે કથીર થયું તે જાગ્યોયે નહીં વ્હેમ !
.                                   હવે આ હાથ રહે ના હેમ !

કદી કોઈને કાજે નહીં મેં કટકોય એ કાપ્યું,
અન્યશું દેતા થાય અમૂલખ મૂલ્ય નહીં મેં માપ્યું;
રતી સરીખું અવ રહ્યું એનો ઘાટ ઘડાશે કેમ ?
.                                   હવે આ હાથ રહે ના હેમ !

– પ્રિયકાન્ત મણિયાર

સમયનું સોનું સમયની સાથે સતત વપરાતું જ રહે છે, અને આપણે મન ફાવે તેમ વાપરતા જ રહીએ છીએ. અડધો સમય જાતને શણગારવામાં ને અડધો સમય વાતને શણગારવામાં વહી જાય છે. યોગ્ય માર્ગે ન વપરાતાં સોનું કથીર થઈ જાય છે એ પણ ધ્યાન રહેતું નથી. સમયના સોનાનો એકમાત્ર નિયમ યોગ્ય વ્યક્તિને આપવું એ જ છે.. જેમ આપો તેમ આ સોનું વધુ મૂલ્યવાન થતું છે.. પરાર્થે વપરાયેલો સમય જ જિંદગીનો સાચો સમય છે.

Comments (5)

મારી કોટડીમાં સામાન ઘણો – નીનુ મઝુમદાર

એક ખૂણે મારો પ્રેમ ભર્યો છે,
એક ખૂણે અભિલાષા
એક ખૂણે ધિક્કાર ભર્યો છે,
એકમાં ઘોર નિરાશા
બાળપણાની શેરી લઈ પેલી
ભરી છે આખી ને આખી.
યૌવનના કંઈ બાગ બગીચા,
પ્રીતડીઓ વણચાખી.
ભર્યો છે હાસ્યને રુદન સાથે ઝોળો સુખદુઃખ તણો
મારી કોટડીમાં સામાન ઘણો.

પાર વિનાની ભૂલ પડી છે,
કોઈના કંઈ ઉપકારો
ઓસરતા ભૂતકાળની મૂર્તિ,
ભાવિના કૈંક ચિતારો
સર્જનનો ઈતિહાસ ભર્યો છે,
ભૂગોળ ખગોળ ભેળો
લેશ જગ્યા નહીં મુજ માટે,
ઉભરાયો છે વ્યર્થનો મેળો.
બંધ આ મારાં દ્વારની પાછળ વધ્યો કોટિ કોટિ ગણો
મારી કોટડીમાં સામાન ઘણો.

– નીનુ મઝુમદાર

જન્મ લઈએ ત્યારે આપણી કોટડી ખાલી હોય છે પણ આપણો બધો પરિશ્રમ આ કોટડીને ભરવાની દિશામાં જ થતો હોય છે. પ્રેમ, મોહ, માયા, મદ, ક્રોધ, કામ ઓછું પડતું હોય એમ સંબંધો, આશાઓ, દુઃખ-સુખ – શું શું નથી ભર્યે જતા આપણે? બે ઘડી પણ આપણને એ પ્રતીતિ થતી નથી કે “મશક અહીંની અહીં રહી જવાની, છતાં પણ એ ભરવાની મહેનત દિવસ-રાત થઈ છે.”

Comments (10)

અધરાતે મધરાતે – હરીન્દ્ર દવે

અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું,
રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.

દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ
દૂર યમુનાના નીરને વલોવે
સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની
આજને અતીતમાં પરોવે.

કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
કુંજગલી કેમ કરી જાવું ?

રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે
મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે

ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું ?

– હરીન્દ્ર દવે

મને બહુ લાંબા સમયથી એક પ્રશ્ન થયા કરતો હતો કે કૃષ્ણ વૃંદાવન છોડી મથુરા જાય છે ત્યાર પછી તેઓ કદી પાછા વૃંદાવન આવતા નથી કે નથી કદી રાધાને મળતા. આવું કેમ ??  આમ તો સમગ્ર કૃષ્ણાવતાર અને મહાભારત mythological literature છે,છતાં શું કોઈ ગ્રંથમાં આ અંગે કોઈ ઉલ્લેખ કે સ્પષ્ટતા છે ખરી ? મારી રીતે મેં થોડી શોધખોળ કરી,પરંતુ કોઈ જવાબ મળ્યો નહિ. મૂળ મહાભારત તેમજ ભાગવતમાં રાધાના પાત્રનો કોઈ ઉલ્લેખ જ નથી. વિદ્વાનોના મતાનુસાર રાધાનું પાત્ર આશરે પાંચમી સદીની આસપાસ પ્રથમવાર ભીંતચિત્રોમાં દેખાય છે. તે પહેલા તેનો કોઈ જ ઉલ્લેખ નથી. હકીકત જે પણ હોય તે,  પરંતુ રાધા વગર કૃષ્ણની કલ્પના સુદ્ધા થાય ખરી !!!!

આ ગીતનું ખૂબ સુંદર સ્વરાંકન ટહુકો.કોમ પર ઉપલબ્ધ છે.

Comments (6)

– કર્યું હતું – મનોજ ખંડેરિયા

એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું

ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું

આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું

પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું

આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું

– મનોજ ખંડેરિયા

Comments (6)

દેવનું કાવ્ય – કૃત્સ ઋષિ

(અનુષ્ટુપ)

देवस्य पह्य काव्यम्
न ममार न जीर्यति ।

પરમાત્માનું આ કાવ્ય નીરખ : જે કદી મરતું નથી,
કદી જીર્ણ થતું નથી.

-કૃત્સ ઋષિ
(અથર્વવેદ, ૧૦,૮,૩૨)
(અનુ. હરીન્દ્ર દવે)

કવિ હરીન્દ્ર દવેના શબ્દોમાં:

અને આ કાવ્ય કોઈ પણ આધુનિક કાવ્ય જેટલું એબ્સર્ડ છે, સરરીઅલ છે અને વાસ્તવિક પણ છે, છતાં એ કાવ્ય છે કારણ કે એ હૃદયને સ્પર્શે છે.

વિસ્તરતું આકાશ આપણને એનો લય સંભળાવે છે; વહેતો પવન જાણે એના પ્રલંબિત લયની ઝાંખી આપે છે. ઊગતાં વૃક્ષો કે પ્રથમ વર્ષાની રાત પછીની સવારે માટીમાંથી કોળી ઊઠતાં તરણાં તેની લાગણીઓ છે. પરમાત્માનું કાવ્ય એટલે કે આ સકલ સંસારની લીલાનું કાવ્ય ન કદી મરે છે, ન કદી જીર્ણ થાય છે.

Comments (6)

હું પહેલો મળી જાઈશ – જવાહર બક્ષી

ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જાઈશ,
કોઈ દી તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જાઈશ.

નહીં જીવવું પડે ભ્રમના ચહેરાઓની આડશમાં
હરણનાં શિંગડાંઓ તોડીને હું નીકળી જાઈશ.

સમયનો બાદશાહ ! ક્યારેક બિનવારસ મરી જાશે,
સવારે ખૂલશે દરવાજા, ને હું પહેલો મળી જાઈશ.

પછી અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે
કોઈ વેળા હું સૂરજના ટકોરા સાંભળી જાઈશ.

– જવાહર બક્ષી

નકરી પૉઝિટિવિટીની ગઝલ… થાક લાગે, દિવસનું પડીકું વાળીને સૂઈ જવું પડે પણ સવારે આવતાં સોનેરી સ્વપ્નની આશા ઢળવાથી ફળવા સુધીની યાત્રા સહ્ય બનાવે છે. જીવનનું તથ્ય ભ્રમનિરસન કરી જીવવામાં રહેલું છે. હરણનાં શિંગડાંઓને તોડવાની વાતને તમે મૃગજળની પાર ઉતરવા સાથે અથવા સોનેરી મૃગના શિકાર સાથે પણ સાંકળી શકો. હરણનાં શિંગડાં કહે છે કે પોલાં હોય છે. ભ્રમના ચહેરા પણ એ જ રીતે પોલા નથી હોતા ?

“જઈશ”ની જગ્યાએ “જાઈશ” જેવો તળપદી અને પહોળો ઉચ્ચાર રદીફની ધનમૂલકતાને વધુ ઘૂંટીને ગઝલને વધુ ઉપકારક બનતો હોય એવું અનુભવાય છે.

Comments (7)

વિરહ – હીરાબહેન પાઠક

દયિત, તું નિર્દય !
પૂછું તને, મને આમ નોધાર,

મૂકીને જવામાં શો જડ્યો સાર ?
તું વદીશ ‘વિધિના એ લેખ’ !

હા ! વિધિના એ લેખ !
વજ્ર સજડ મારી જીવિત પે મેખ

ઊખડે ન કષ્ટ ક્લિષ્ટ રેખ
કાયકારાગાર તોડ્યે

છૂટે નવ છેક.
લહું આજ, પ્રિય !

વારંવાર ગ્લાનિરંગે,
લવ્યું નાહીં જે જે પૂર્વ તુજ સંગે

તુંજને વરીને હું ન વિરહને વરી ?
વિરહ, મારે પ્રેમનો પર્યાય.

– હીરાબહેન પાઠક

વાત વિરહની છે પણ સાવ સીધીસાદી નથી. કવિતામાંઉતરવું શરૂ કરીએ એટલે થોડીવારમાં જ  સમજાઈ જાય કે અહીં પતિ પત્નીને કાયમ માટે છોડી પ્રભુસદનમાં જઈ વસ્યો છે જ્યાં બંનેનું મિલન પત્નીની કાયાનું કારાગાર તૂટે એ પછી જ હવે શક્ય છે.

કવિતાના પહેલા ત્રણ શબ્દ જ આ સંબંધ વિશેનું આખું મહાકાવ્ય લખી આપે છે… વહાલાના સંબોધન પછીનો તુંકારો અને તરત જ નિર્દયી હોવાનો ઉપાલંભ બંને વચ્ચેનો સ્નેહતંતુ તાદૃશ કરી દે છે. આ છે શબ્દની શક્તિ!

અકાળે પતિનું મૃત્યુ એ ભલે વિધિના લેખ કેમ ન હોય પણ ભાર્યાના જીવતર પર તો એ વજ્રની મેખ સમા જડાઈ ગયા છે. પતિની હયાતિમાં જે પ્રેમાલાપ શબ્દોમાં મૂકાવો જોઈતો હતો પણ મૂકી શકાયો નહીં, એ અણકથ શબ્દો પત્નીને હવે વિરહરૂપી પ્રેમ બનીને પીડે છે.

આ જ કવયિત્રીએ સ્વર્ગવાસી પતિને સંબોધીને લખેલા પુસ્તકમાંનું આ કાવ્ય -મિલનની સાથ- પણ જોઈ જવા જેવું છે.

(દયિત=પતિ, વહાલું; લહું= લખું; લવ્યું= કહ્યું )

Comments (5)

અનુભવ ગહરા ગહરા – જયન્ત પાઠક

              અનુભવ ગહરા ગહરા 
              નિશદિન આઠે પ્રહરા:
કોઈ બજાવત ઝાંઝ-પખાવજ, મૃદંગ ઓ’ મંજીરા!

ચલત ફિરત મેં અપની ગતમેં 
              ગજ સમ ડોલત શિરા,
જલમેં લહર, લહરમેઁ જલકા
              સુન સુન ગીત ગંભીરા!

ઊઠકર નાચન લગા ચરણ દો
               જ્યું નાચત હો મીરા,
મેહ ગગનમેં ધીરા, ચદરિયાં 
               ભીની ભયી કબીરા!

– જયન્ત પાઠક

જીવન-ઉત્સવને ભરપેટ ઉજવતું આ કાવ્ય પાઠકસાહેબનું અંતિમ કાવ્ય છે. (આ કાવ્ય 30 ઓગસ્ટે લખેલું અને પહેલી સપ્ટેમ્બર, 2003એ એમનું અવસાન.) એક એક ક્ષણમાં ઊંડા અનુભવથી ભરેલા જીવનને કવિ સનાતન સંગીત સાથે સરખાવે છે. એ સુરમાં હળવેકથી માથું હલાવતા પોતે પસાર થતા હોય એવું સહજીક ચિત્ર કવિ દોરે છે. પાણી પરના તરંગોમાં પણ કવિને એ જ ગંભીર ગીતની પંક્તિઓ દેખાય છે. મન મીરાંની જેમ નાચી ઊઠે અને (જીવનરૂપી) ચાદર જ્યારે ખરે જ તરબતર થઈ જાય એ ક્ષણે વધારે તો શું કરવાનું બાકી રહે ? આટલી સંતૃપ્તિ પછી કદાચ ‘આવજો’ કહેવાનું જ બાકી રહેતું હશે.

Comments (8)

Page 1 of 3123