સૂઈ જા, ચાદર ! હવે સળ નહિ પડે,
સાંજનો કંકાસ ચાલુ છે હજી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સુ.દ. પર્વ

સુ.દ. પર્વ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સુ.દ. પર્વ:૧૫: પ્રાર્થના

Suresh Dalal - sketch

*

*

મને ઘૂઘવતા જળે ખડકનું પ્રભુ ! મૌન દો !

– સુરેશ દલાલ

*

*

જે રીતે સુંદરમે દોઢ લીટીમાં –તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી– પ્રેમનો આખો ઉપનિષદ લખી નાંખ્યો એમ સુ.દ.ની આ એક લીટીની પ્રાર્થના પણ જગતભરની પ્રાર્થનાઓમાં મોખરાનું સ્થાન મેળવી શકે એવી અદભુત છે…

Comments (5)

સુ.દ. પર્વ :૧૪: આંખ તો મારી આથમી રહી – સુરેશ દલાલ

Suresh dalal early age photos
(સુરેશ દલાલ….                                              ….ચિરયુવાન)

*

આંખ તો મારી આથમી રહી
કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે :
હમણાં હું તો ચાલી.

શ્વાસના થાક્યા વણઝારાનો
નાકથી છૂટે નાતો,
ચીમળાયેલી ચામડીને હવે
સ્પર્શ નથી વરતા’તો.

સૂકા હોઠની પાસે રાખો
ગંગાજળને ઝાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે :
અબઘડી હું ચાલી.

નસના ધોરી રસ્તા તૂટ્યા
લોહીનો ડૂબે લય.
સ્મરણમાં તો કાંઈ કશું નહીં :
વહી ગયેલી વય.

પંખી ઊડ્યું જાય ને પછી
કંપે જરી ડાળી.

– સુરેશ દલાલ

પંખી તો ઊડી ગયું પણ ડાળ સતત કંપતી રહેશે. સુ.દ.ના જવાથી ગુજરાતી સાહિત્યજગતમાં સર્જાયેલો ખાલીપો લાંબા સમય સુધી અનુભવાતો રહેશે. આ સાથે સાત દિવસથી ચાલી રહેલો અને ચૌદ કવિતાઓ મઢેલ "સુ.દ. પર્વ" અહીં પૂર્ણ કરીએ છીએ. કવિના પોતાના શબ્દોમાં કહીએ તો: "મૃત્યુથી મોટું પૂર્ણવિરામ અન્ય કોઈ નથી".

*

(સુ.દ.પર્વ તસ્વીર સૌજન્ય: શ્રી હિતેન આનંદપરા, શ્રી સંદિપ ભાટિયા)

Comments (5)

સુ.દ. પર્વ :૧૩: યાત્રા – સુરેશ દલાલ

 

Capture

મને હકીકતને વળગવામાં રસ નથી, એને ઓળંગવામાં રસ છે.
ટેબલ પર પડેલા પાણીના ગ્લાસને જોઉં છું ત્યારે
એના જળને કાચની દીવાલ બહાર પણ જોઈ શકું છું
સરોવરના જળરૂપે કે વાદળના ગર્ભમાં પણ.

ચાર દીવાલની બહાર જગત છે –
પણ જગતની બજારમાં ઊભા રહેવાનો કોઈ નશો નથી.
બધી દીવાલોને વીંધીને નીકળી જવું છે ક્યાંક
નીરવ શાંતિના લયબદ્ધ કોઈ તટ ઉપર.

હું ઘડિયાળને જોઉં છું ત્યારે કેવળ આંકડા કે કાંટાઓને જોતો નથી.
વર્તુળાકાર ગતિને ભેદીને નીકળી જવાની મારી ઝંખના છે.
જન્મ પહેલાં અને મૃત્યુ પછીના કાળના નિરામય સ્વરૂપનો
સાક્ષાત્કાર થાય છે ક્ષણાર્ધ.

શરીરથી આત્મા લગી હકીકતથી સત્ય સુધીની
યાત્રા તે કાવ્ય નહિ હોય ?

– સુરેશ દલાલ

કવિના પોતાના શબ્દોમાં:

"હકીકત અને સત્ય વચ્ચે એક સૂક્ષ્મ રેખા છે. કેટલીક હકીકતો તમને વળગેલી હોય છે. દા.ત. જન્મ, બચપણ, સંસ્કાર, સમગ્ર વાતાવરણ, સ્મૃતિ વગેરે. હકીકત એ પ્રથમ પગથિયું છે. એ પગથિયા પર ફસડાઈ પડવામાં મને રસ નથી. લોકો જ્યારે જ્યારે હકીકતને ઓળંગી શકે છે ત્યારે ત્યારે એટલા પૂરતા ખુશનસીબ છે. પાણી એ કદાચ હકીકતથી ગૂંગળાતો મારો જીવ છે. જળનું વાદળના ગર્ભમાં રહેવું એ એની સ્વાભાવિક્તા છે. જળનું સરોવરનું રૂપ એ એનું સૌંદર્ય છે. જળનું પાણીના ગ્લાસમાં રહેવું એ નકરી વાસ્તવિક હકીકત છે. હકીકતનો આપણે કાંકરો કાઢી શકતા નથી, કારણ કે તરસ લાગી હોય ત્યારે પેલો પાણીનો ગ્લાસ જ મદદે આવે છે. મારું જીવન એ બાહ્ય દૃષ્ટિએ હકીકત છે; પણ મારું કાવ્ય એ સત્ય છે. શરીર એ હકીકત છે. હું મારા શરીરથી અન્યના શરીર સુધી અને એ દ્વારા અન્યના આત્મા લગી પહોંચી શકું તો એ ક્ષણ કદાચ કાવ્ય હોય તો હોય.

"ગદ્યમાં લખાયેલું આ સૉનેટ છે. એની ચૌદ પંક્તિની હકીકતને સાચવી છે પણ છંદની હકીકતને તથા અન્ય કેટલાંક લક્ષણોને ઓળંગવાનો પ્રયત્ન કર્યો છે. કાવ્યમાં આ ઓળંગવાનો પ્રયત્ન કરી શક્યો, એ જો જીવનમાં કરી શક્યો હોત તો આ મૂંઝવણ, વ્યથા કે વ્યથાનું કાવ્ય ન રહેત."

Comments (3)

સુ.દ. પર્વ :૧૨: લીલા તારી – સુરેશ દલાલ

Suresh Dalal kavi

(મંદક્રાન્તા)

ત્હારું પ્હેલું રુદન સ્મિતની છોળ થૈને છવાયું !

ચ્હેરોમ્હોરો ધવલ તન ને ઓષ્ઠની પાંદડીઓ,
બિડાયેલાં નયન નમણાં : પોપચાંની સુવાસ;
ત્હારા પ્હેલા પરિચય થકી અંતરે લાગણી શી !
જાણે મારું બચપણ અહીં પારણામાં પધાર્યું !

ઓચિંતાનું વદન ભરીને હાસ્ય તારું સુહાય,
ને તું વ્હેતા પવન મહીં શા પાય ત્હારા ઉછાળે;
આક્રન્દોથી પલકભરમાં ખંડ ક્યારેક ગાજે
આશંકાનાં મનગગનમાં વાદળાંઓ છવાય !

ટીકી ટીકી કાશી નીરખતી શ્યામળી કીકીઓ બે;
કાલીઘેલી કદિક સરતી વાણી તારી અગમ્ય.

(લીલા તારી અભિનવ નિહાળી થતાં નેણ ધન્ય)

ધીમે ધીમે ડગ લથડતા ધારતા સ્થૈર્ય તેમાં
જોઉં છું હું નજર ભરીને મ્હાલતું ભાવિ મારું !

-સુરેશ દલાલ

રખે કોઈ સુ.દ.ને ગીત અને અછાંદસના કવિ ગણી લે. એમણે છંદોબદ્ધ સોનેટ અને મુક્તસોનેટમાં પણ ઘણું ખેડાણ કર્યું છે. મરાઠી કવિ વિંદા કરંદીકરના ઘણા બધા મુક્તસોનેતનો એમણે અનુવાદ પણ આપણને આપ્યો છે. એમના કહેવા પ્રમાણે એમને શિખરિણી છંદ વધુ ફાવે છે પણ પ્રસ્તુત સોનેટ મંદાક્રાન્તા છંદમાં છે. કવિની છંદ પરની પકડ જોતાં જ એમના અછાંદસ કાવ્યોમાં સંભળાતો આંતરલય ક્યાંથી પ્રગટ્યો છે એનું રહસ્ય હાથ આવે છે.

Comments (2)

સુ.દ. પર્વ :૧૧: તમે-અમે – સુરેશ દલાલ

Suresh Dalal06

રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

તમે રેતી કે હથેલી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલા, ઘાયલ : નહીં નામ કે ઠામ.

તમને તો કોઈ કારણ અમને નહીં બહાનાં નહીં વ્હેમ
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.,

તમને વાદળ, ધુમ્મસ વહાલાં અમને ઊજળી રાત,
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારિજાત.

અહો આંખથી ગંગાયમુના વહે એમ ને એમ,
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

-સુરેશ દલાલ

સરળતાનું સૌંદર્ય એ સુ.દ.ની કવિતાઓનું મુખ્ય ઘરેણું છે. અઘરી કવિતાઓથી ભાવકને ગુંચવી મારી પોતાની પંડિતાઈ સાબિત કરવાને બદલે સુ.દ. હંમેશા સરળ બાનીથી આમ આદમીના દિલ સુધી જવાનો પ્રયત્ન કરતા. એટલે જ એમના ગીતોમાં સહજ માધુર્ય અનુભવાય છે. Genuine poetry can communicate before it is understood. (T. S. Eliot). આ વાતની સાબિતી સુ.દ.ના ગીતોમાં સતત મળતી રહે છે.

Comments (6)

સુ.દ. પર્વ :૧૦: પ્રેમ અમારે કરવો – સુરેશ દલાલ

IMG_8412

સ્વર : ઉદિત નારાયણ
સ્વરકાર : શ્યામલ – સૌમિલ મુન્શી

[audio:http://urmisaagar.com/saagar/audio/prem amaare karavo-Suresh Dalal.mp3]

પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,
બાજી રમીએ અમે અને હા, જીત તમારી.

તમે સ્મિતને રહો સાચવી અને અમે અહીં આંસું,
તમે વસંતના કોકિલ, અમે ચાતક ને ચોમાસું;
અમે બારણાં ખુલ્લાં અને આ ભીંત તમારી.

સાવ અચાનક તમને ક્યારેક ખોટું માઠું લાગે,
પત્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગે;
તીર મારો ને તોય અમારે કહેવાનું કે ફૂલ જેવી છે પ્રીત તમારી.

– સુરેશ દલાલ

આજે ફરી માણીએ ‘હસ્તાક્ષર’ આલ્બમનું જ સુ.દ.નું બીજું એક હળવું પ્રણયગીત…

એક અંગત વાત… (પ્રજ્ઞાઆંટીએ આ મજાનું યાદ કરાવ્યું!)  2007માં સુ.દ.ની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા ‘ઉત્સવ સ્વજનોનો’ કાર્યક્રમમાં સુ.દ. સહિત ઘણા કવિઓને પ્રથમવાર મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલું… અને એ કાર્યક્રમનાં બે દિવસો મારે માટે ખૂબ જ યાદગાર રહ્યા હતા.  ‘ઉત્સવ સ્વજનોનો‘ કાર્યક્રમ વિશે લખેલો લેખ અહીં વાંચી શકો છો.

Comments (4)

સુ.દ. પર્વ :૦૯: કમાલ કરે છે, કમાલ કરે છે – સુરેશ દલાલ

Suresh Dalal03

સ્વર : નીરજ પાઠક
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

[audio:http://urmisaagar.com/saagar/audio/kamaal kare chhe-SureshDalal.mp3]

કમાલ કરે છે, કમાલ કરે છે,
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસી તો આમ કરી ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો, ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે !

નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે જાણે તલવાર અને મ્યાન.
દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં એકમેકને તો એવાં ન્યાલ કરે છે.

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.
બન્નેની વચ્ચે વહે આછું સંગીત પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે, ઝગડે છે, હસે છે, રડે છે, જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ ઘરની દિવાલને ગુલાલ કરે છે.

– સુરેશ દલાલ

આજે સુ.દ. જેવા હળવા મિજાજનાં કવિની શ્રદ્ધાંજલિ પણ એક હળવા મિજાજમાં… ગઈકાલે ધવલે મૂકેલી ડોસા-ડોસીનું ગીત વાંચીને મને ખૂબ ગમતું ડોસા-ડોસીનું આ ગીત યાદ આવ્યું.  પ્રસન્ન દાંપત્યજીવનને મજાની હળવાશથી બખૂબી રીતે આલેખતું ‘હસ્તાક્ષર’ આલ્બમનું આ ગીત મને ઘણું ગમે છે.  મને લાગે છે કે આ ગીત જો એકવાર સાંભળી લે તો ડોસા-ડોસીની કક્ષા તરફ જતા વડીલોને કદાચ ડોસા-ડોસી બની જવાનો બિલકુલ વાંધો નઈં આવે… 🙂

Comments (6)

સુ.દ. પર્વ :૦૮: ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું – સુરેશ દલાલ

Sureshbhai-AD-300x199

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!

– સુરેશ દલાલ

સુરેશ દલાલના ઘણા ગીત છે જે ગમી જાય એવા છે. એમાં આ ડોસા-ડોસી ગીતો તો વળી પરાણે મીઠા લાગે એટલા સરસ છે. સમયની કસોટી પર ખરા ઉતરેલા પ્રેમનું એમાં અદભૂત ચિત્રણ છે.

Comments (4)

સુ.દ. પર્વ :૦૭: Pre-scription – સુરેશ દલાલ

Suresh-Dalal (1)

 

[audio:http://dhavalshah.com/audio/prescription.mp3]

 

તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે?
– તો લખો.

તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે?
– તો લખો.

તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે?
– તો લખો.

તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે?
– તો લખો.

તમને આંખમાં આવેલા વાદળને નહીં વરસાવતાં આવડે છે?
– તો લખો.

તમને મેઘધનુષને સુક્કી ધરતી પર વાવતાં આવડે છે?
– તો લખો.

તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતાં આવડે છે?
– તો લખો.

તમને તમારાથી છૂટાં પડતાં આવડે છે?
– તો લખો.

તમને કંઈ પણ આવડતું નથી
એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે?
– તો લખો.

– સુરેશ દલાલ

સુરેશ દલાલની બહુ લોકપ્રિય કવિતા કવિના પોતાના અવાજમાં સાંભળો.

Comments (6)

સુ.દ. પર્વ :૦૬: (હું છું કોણ ?) – સુરેશ દલાલ

sureshdalal-300x270

હું વિચારોના વમળમાં ફસાયેલો હેમ્લેટ નથી. ‘ટુ બી ઓર નોટ ટુ બી’ના
સરકસી હિંચકા પર હું અહીંથી તહીં સામસામે અથડાતો અટવાતો નથી
કે નથી હું ઑથેલો – કે સીધો જ આચારમાં પકડાઈ જાઉં કે જકડાઈ
જાઉં અને પછી પસ્તાયા કરું. હું શંકા-કુશંકાથી ઘેરાયેલો અર્જુન નથી
– કે લડું કે ન લડુંની દ્વિધામાં રહેંસાતો, ભીંસાતો હોઉં. મારા સ્વારથ
પર કૃષ્ણ તો હોય જ ક્યાંથી ? હું રોમિયો નથી કે ભોમિયો નથી.

તો પછી, હું છું કોણ ?

હું છું આજનો માણસ. સવારથી રાત સુધી ઘણું બધું કરતો અને કશુંય
ન કરતો. એના નામને અને ઈતિહાસને સ્નાનસૂતકનો સંબંધ નથી. એનું
નામ તો રેશનકાર્ડમાં જ રોશન થાય. બહુ બહુ તો પાસપોર્ટમાં લખાય.
એને આંતરયુદ્ધ કે બાહ્ય્યુદ્ધનો પરિચય છે અને નથી. એ તો માત્ર મરણ
સુધી જીવવું પડે એટલા માટે જીવે છે. એક વાર એનું નામ કંકોતરીમાં
છપાયું તે છપાયું અને મરણનોંધમાં છપાશે ત્યારે એ હશે પણ નહીં.
જીવન મારું અંધ છે, મરણ મારો સ્કંધ છે, લૌકિક વહેવાર બંધ છે.

– સુરેશ દલાલ

સુરેશ દલાલની કલમ જલદીથી કડવી ન થતી. એ આશાના કવિ હતા, હતાશા જવલ્લે જ દેખાવા દેતા. અહીં કવિનો એ રંગ દેખાય છે. બધાને જીંદગી જીતવાની જડીબુટ્ટી શીખવતો ‘ઝલક’નો લેખક અહીં કડવી હકીકતને સલામ કરી લે છે. એ લખી નાખે છે : જીવન મારું અંધ છે, મરણ મારો સ્કંધ છે, લૌકિક વહેવાર બંધ છે.

Comments (3)

સુ.દ. પર્વ :૦૫: મધુમાલતી – સુરેશ દલાલ

suresh-dalal001

ઘાસમાં આળોટતાં
પવનને પકડવા
સૂર્યનાં કિરણોએ દોડાદોડ કરી મૂકી.

*

રાખમાંથી અગ્નિ તરફ
મહાપ્રસ્થાન કરે
તે કવિ.

*

મારી પ્રત્યેક પળ
એ તુલસીપત્ર
એ જ વિષ્ણુસહસ્ત્રનામ
અને એ જ સત્યનારાયણ.

*

જ્ઞાની સૂરજને એમ હતું
કે ઝાકળના વેદ વાંચું
ઝાકળને તો એમ થયું
કે અભેદ થઈને રાચું

*

એક નદીકિનારે
મંદિરોનું ટોળું
એમાં ક્યાંથી ઈશ્વર ખોળું

– સુરેશ દલાલ

‘મધુમાલતી’ નામનો સુરેશ દલાલનો ટચુકડો કાવ્યસંગ્રહ છે. બે-ત્રણ લીટીના દરેક મુક્ત કાવ્યમાં સુરેશ દલાલનું અલગારી ચિતન છલકે છે. એમાંથી થોડીક કવિતાઓ અહીં મૂકી છે. ત્રણ-ચાર ડગલામાં અર્થવિશ્વને માપી લેવાની કવિની હથોટી અહીં ચમકતી દેખાય છે.

Comments (10)

સુ.દ. પર્વ :૦૪: ગીત-સુરેશ દલાલ

DSC_4588

સુખને આપ્યો અંધાપો ને દુ:ખમાં સીવ્યા હોઠ
કિનારાને કાંઈ કશું નહીં: દરિયે ભરતી-ઓટ.

શિખર હોય કે હોય તળેટી:
કાંઈ કશો નહીં ફેર.
અંધારામાં પ્રકાશ જોયો
પ્રકાશમાં અંધેર.
બોલ્યા વિના પણ થઈ શકે છે મનની ગુપત-ગોઠ
સુખને આપ્યો અંધાપો ને દુ:ખમાં સીવ્યા હોઠ.

રણ હોય કે વૃંદાવન
પણ આવનજાવન ચાલે.
હવા સદાયે મીરાં જેવી
નાચે ઘૂંઘરું-તાલે.
વનમાં મન આ રાસ રમે ને રણમાં વહેતી પોઠ
સુખને આપ્યો અંધાપો ને દુ:ખમાં સીવ્યા હોઠ.

-સુરેશ દલાલ

Comments (4)

સુ.દ. પર્વ :૦૩: ગીત – વિદ્યાપતિ [મૈથિલી ભાષા] – અનુ-સુરેશ દલાલ

suresh_dalal_1

સખી ! મારી ઉદાસીનો ક્યાંય નહીં અંત

વરસાદી મોસમમાં વાદળ તો ઝૂક્યાં છે
મારું ઘર નથી: લંબાતો પંથ

ગાજવીજ કરતાં કેવાં જામ્યાં છે વાદળાં
ને ચારેબાજુ વરસે વરસાદ
શ્યામ તો ડૂબ્યો છે મારો પોતાની મસ્તીમાં
અહીં પળેપળે કણસે છે યાદ

વાદળ આ વીંધે મને એના તો તીરથી
ને વીંધાતી જાઉં હું અનંત

આનંદે-આનંદે થનગનતા મોરલા
ને પીધેલા તો કરે છે લવારો
વરસાદી પંખીઓનું એવું આક્રંદ :
મારા હૈયામાં ધગતો અંગારો

વીજળીની બેચેની ઘેરે અંધકારને
ને હું તો ઝબકારે-ઝબકારે અંધ !

-વિદ્યાપતિ – અનુ.-સુરેશ દલાલ

Comments (2)

સુ.દ. પર્વ :૦૨: થાય, આવું પણ થાય – સુરેશ દલાલ

DSC043911

થાય, આવું પણ થાય
કોયલ જયારે ચુપ રહે ત્યારે કાગડાઓ પણ ગાય
કોયલને તો વસંત જોઈએ
કાગડો બારેમાસ
કોઈકના કંઠમાં ફૂલની સુવા
તો કોઈકનું ઉજ્જડ ઘાસ
અલકનંદા છોડી દઈ કોઈ રણમાં જઈને ન્હાય
થાય, આવું પણ થાય
વૈશાખના ગુલમ્હોરની પડખે
બાવળ કેવો લાગે
તોયે આપને ગુંજી લેવું
આપણા ગમતા રાગે
જમીનથી જુઓ તો પગથિયાં ઊંચે ચડતાં જાય
ઉપરથી જુઓ તો પગથિયાં નીચે ઊતરતાં જાય
થાય, આવું પણ થાય.

-સુરેશ દલાલ

કવિશ્રીને અંજલિ આપતાં ગુણવંત શાહે કહ્યું છે – તદ્દન સરળ બાનીમાં ગીત રચીને જનસામાન્ય સુધી તેઓ સાહિત્યને સફળતાપૂર્વક લઈ ગયા છે. જેમ કદ વધતું ગયું તેમ બાની વધુ ને વધુ સરળ થતી ગઈ.

Comments (9)

સુ.દ. પર્વ :૦૧: ગીત – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-સુરેશ દલાલ

images

એક પછી એક અળગા કીધા સઘળા અલંકાર
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

ઉરની આપણ આડમાં આવે
અલંકારો કેમ એ ફાવે ?
જાય રે ડૂબી આપણી ઝીણી વાત,એને ઝંકાર,
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

પીગળી ગઈ પલમાં મારી,
‘છું કવિ હું’ એની ખુમારી
મહાકવિ! તવ ચરણ કને બંધનનો નહીં ભાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

સરળ સીધું,વાંસળી જેવું :
જીવવું મારે જીવન એવું
મધુર મધુર સૂરથી તમે છલકાવો સંસાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-સુરેશ દલાલ

Comments (6)

વન-મેન યુનિવર્સિટીનો અંત – “સુ.દ. પર્વ”નો આરંભ

224309_226120937405355_2357499_a

(શ્રી સુરેશ દલાલ…    …૧૧-૧૦-૧૯૩૨ થી ૧૦-૦૮-૨૦૧૨)

*

ગુજરાતી કવિતાની યુનિવર્સિટી રાતોરાત પડી ભાંગી… એક તોતિંગ ગઢ… એક આખું આકાશ… ગુજરાતી કવિતાના ઘરનો એક મોભી… એક જ રાતમાં શું શું નથી ગુમાવ્યું ગુજરાતી ભાષાએ? લગભગ એંસી વર્ષનું આયુષ્ય ભોગવીને ગઈ રાત્રે કવિશ્રી સુરેશ પુરુષોત્તમ દલાલે આખરી શ્વાસ લીધા. એની સાથે અસંખ્ય અનુવાદ અને આસ્વાદ આપણે ગુમાવ્યા. ગુજરાતી કવિતા વેચી શકાતી નથીની “ઇમેજ” સુ.દ.એ એકલા હાથે ધોઈ નાંખી. પાંચસો-છસો રૂપિયાની કિંમતના કાવ્યગ્રંથ ‘ઇમેજ’ બહાર પાડે અને ચણા-મમરાની જેમ ઊપડી જાય એવો સુખદ અકસ્માત સુ.દ. સિવાય કોઈ સર્જી ન શકે.

સુરેશભાઈ કવિતા માત્ર જીવ્યા નથી, શ્વસ્યા છે. એમની નસોમાં રક્તકણ નહીં, શબ્દ વહેતા હતા. કવિતા ગમે ત્યાંથી મળે, ગમે એ ભાષા-સંસ્કૃતિમાંથી મળે, એ સદૈવ એને આલિંગવા તત્ત્પર રહેતા. ગુજરાતના કંઈ કેટલાય નાના-મોટા સાહિત્યકારો એમના પારસ-સ્પર્શે પોતાના ગજાથીય વધુ મોટા બની શક્યા.

સુ. દ. (૧૧-૧૦-૧૯૩૨ થી ૧૦-૦૮-૨૦૧૨) શબ્દોના માણસ હતા. અછાંદસ કવિતા, છંદોબદ્ધ કાવ્યો, બાળકાવ્યો, ગીત, ગઝલ, સોનેટ, મુક્ત સોનેટ, દીર્ઘકાવ્ય, ગદ્યકવિતા – કવિતાના કોઈ અંગને એ સ્પર્શ્યા વિના રહ્યા નથી. કવિતા જીવતો આ માણસ ઊંમરની છેલ્લી સંધ્યાએ પણ અવિરત કાર્યરત રહ્યો હતો. કાવ્ય, અનુવાદ, આસ્વાદ, નિબંધ, કટારલેખન, વિવેચન, સંપાદન, વ્યક્તિચિત્ર – શબ્દની એકેય ગલી એવી નથી જ્યાં એમણે સરળતા, સહજતા અને અધિકૃતતાથી પગ ન મૂક્યો હોય. એમનાં નામ સાથે સંકળાયેલા પુસ્તકોની યાદી લખવા બેસીએ તો પાનાંઓ ઓછા પડી જાય. પચાસની નજીક પહોંચે એટલા તો એમના પોતાના કાવ્યસંગ્રહો જ છે. એમના પોતાના શબ્દમાં કહીએ તો – “આ માણસ લખે છે, ઘણું લખે છે. લખ-વા થયો હોય એમ લખે છે”

મૂળે એ ગીત અને અછાંદસના માણસ. ગઝલ વિશે એ પોતે જ કહે છે: “ગઝલ લખવાનો ચાળો કર્યો છે, પણ ગઝલમાં એનું ગજું નહીં” પણ એમણે આપણને જે અનુવાદો અને કાવ્યાસ્વાદો આપ્યા છે એના વિના આપણું સાહિત્ય પાંગળું લાગત એ હકીકત છે. એમને કોઈ કવિ પારકા કે પરાયા લાગતા નહોતા. એમના માટે કવિ એટલે કવિ. કવિ સાથે એમનો લોહીનો નાતો હતો કેમકે કવિ એમના કાનને ગાતો હોવાનું એ અનુભવતા.  સુ.દ. પ્રણય અને પ્રકૃતિના અનહદ આરાધક હતા. વેદના અને આસ્થા એ જાણે એમની કવિતાના બે બાજુ હતા. જીવન પરત્વેની ચિરંજીવ આશા એમના કાવ્યોમાં સદા ડોકાતી. કૃષ્ણ-રાધા-મીરાંના પ્રણયત્રિકોણનો જાણે એ ચોથો ખૂણો ન હોય એમ કૃષ્ણને આરાધતા. અને જોગાનુજોગ કૃષ્ણજન્મના દિવસે જ પ્રાણ પણ ત્યાગ્યા…

એ રસ્તાના માણસ હતા, નક્શાના નહીં. એમની ગતિમાં પળેપળ પ્રગતિ હતી. શબ્દને અડે ત્યારે એમનો વેગ પ્રવેગમાં પલટાઈ જતો. સુ.દ.ને હકીકતને વળગમાં રસ ન હતો, એ એને ઓળંગવામાં માનતા. કેમકે શરીરથી આત્મા લગી, હકીકતથી સત્ય સુધીની યાત્રાને જ તેઓ કવિતા માનતા હતા. એ હંમેશા શબ્દો સાથે ભૂલા પડવાની મજા માણતા હતા. અઘરી કવિતાના વિરોધી. એમની તમામ રચનાઓ એની સરળ અને સહજ બાનીના કારણે ધ્યાન ખેંચે છે. ક્યારેક વધુ પડતી સરળતા કાવ્યપદાર્થને ખાઈ જતી હોય એમ પણ લાગે. પણ સરવાળે એ સામાન્ય માનવી સુધી કવિતાને લઈ જવાની અનવરત મથામણમાં હોય એમ લાગે છે. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એમના વિશે લખ્યું હતું: “ભાઈ દલાલની કવિતાના બે-ત્રણ ઉપલક્ષણ ધ્યાન ખેંચે છે. અર્થાનુસારી કે અર્થપોષક શબ્દને બદલે રવાનુસારી પદ આવે છે અને પછી પદમાંથી અર્થનો ફણગો ફૂટે છે. સમગ્રતયા, ત્વરા તરવરાટ અને તરંગરતિનું પ્રૌઢિમાં, તેમ જ આન્તર આકુલતા, એકલતા, સંમૂઢતા અને વૈશ્વિક વક્રતાનું તીવ્ર સંવેદન સમાધાન અને શ્રદ્ધામાં વિશ્રાન્તિ લે છે, પરિપાક પામે છે.”

જન્મ થાણામાં. ૧૯૪૯માં મેટ્રિક. ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૫માં એમ.એ. અને ૧૯૬૯માં પી.એચ.ડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કોમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ૧૯૯૨માં નિવૃત્ત. ૧૯૮૯માં ‘ઈમેજ પબ્લિકેશન’ વૈયક્તિક સાહસ રૂપે શરૂ કર્યું. ૧૯૬૭થી ‘કવિતા’ દ્વિમાસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક. નર્મદ સુવર્ણચંદ્રક પણ મળ્યો. ૨૦૦૫માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. (આ અંતિમ પરિચ્છેદ ગુજરાતી સાહિત્ય પરિષદની સાઇટ પરથી સાભાર)

– વિવેક મનહર ટેલર

*

આવતીકાલથી લયસ્તરો સુ.દ.પર્વ નિમિત્તે કવિશ્રીના પ્રતિનિધિ કાવ્યોનો પરિચય કરાવશે. કવિશ્રીના પચાસથી વધુ કાવ્યો આપ અહીં પુનઃ અવલોકી શકો છો: https://layastaro.com/?cat=28

Comments (42)