ભીડભાડ દુનિયાની અમને તો કદી ન નડી,
આપણે તો મસ્તીથી આપણી ભીતર ચાલ્યા.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બેફામ

બેફામ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અવળો હિસાબ છે - બરકત વિરાણી 'બેફામ'
આપણી યાદગાર ગઝલો : ૦૯ : ઓ હૃદય, તેં પણ ભલા ! કેવો ફસાવ્યો છે મને? - બેફામ
આવ - બેફામ
એકલાં જવાના - બરકત વિરાણી 'બેફામ'
ગઝલ - બરકત વિરાણી 'બેફામ'
ગઝલમાં તબીબ, હકીમ અને વૈદ -સંકલન
ગુજરાતી ગઝલમાં લાશનું તરવું
જીવનનો માર્ગ - 'બેફામ'
દાદ -બેફામ
નથી દેતાં – બરકત વિરાણી ‘બેફામ’
નયનને બંધ રાખીને - બેફામ
પગલાં -'બેફામ'
પરમ સખા મૃત્યુ :૦૮: ગુજરાતી ગઝલમાં 'મૃત્યુ' :કડી ૦૧
ભટકે છે - બરકત વીરાણી 'બેફામ'
મહોબ્બતમાં - બરકત વિરાણી ‘બેફામ’
મુક્તક -બરકત વિરાણી ‘બેફામ’
શેર - બેફામ
સમજો નહીં કે - - બરકત વીરાણી 'બેફામ'એકલાં જવાના – બરકત વિરાણી ‘બેફામ’

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે પોતાના વિનાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

આપણે અંહી એકલા ને કિરતાર એકલો
એકલા જીવોને એનો આધાર એકલો
વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે
એકલા રહીને બેલી થવું રે બધાનાં
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

-બરકત વિરાણી ‘બેફામ’

નગ્ન સત્ય……unadulterated truth

Comments (5)

નથી દેતાં – બરકત વિરાણી ‘બેફામ’

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં

– બરકત વિરાણી ‘બેફામ’

Comments (6)

અવળો હિસાબ છે – બરકત વિરાણી ‘બેફામ’

દુનિયામાં પુણ્યકર્મનો અવળો હિસાબ છે,
સારા બનીને જીવવું એ પણ અજાબ છે…

બીજું શું આફતાબ અને માહતાબ છે,
કેવળ કોઇ રૂપાળા વદનના નકાબ છે…

ઓ નિંદકો, તમારી સમજફેર છે જરા,
હું નહિ પરંતુ મારું મુકદ્દર ખરાબ છે…

કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,
સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે…

દિવાનગીનો કેફ નહીં ઊતરી શકે,
એકવારની નથી એ સદાની શરાબ છે…

ખૂદ એ જ એક સવાલ બનીને રહી ગયાં,
મારી તમામ જીંદગીનો જે જવાબ છે…

બસ એટલું કે એના ઉપર હક નથી મને,
મારો નહી તો સૌથી સરસ ઇન્તેખાબ છે…

રસ કોઇનેય ક્યાં છે નિખાલસ મનુષ્યમાં,
મારું જીવન નહીં તો ઉઘાડી કિતાબ છે…

કિન્તુ મરણની ઊંઘમાં જોઇ નહીં શકો,
બેફામ જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે…

-બરકત વિરાણી ‘બેફામ’

Comments (2)

મહોબ્બતમાં – બરકત વિરાણી ‘બેફામ’

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાખુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.

– બરકત વિરાણી ‘બેફામ’

Comments (9)

ભટકે છે – બરકત વીરાણી ‘બેફામ’

વીતેલ પ્રસંગો એ રીતે જીવનની કથાના ભટકે છે,
જાણે કે મારા પુસ્તકના ફાટેલાં પાનાં ભટકે છે .

રસ્તા જ જગતના છે એવા,સૌ મોટા-નાના ભટકે છે,
કોઈ ભટકે છે છતરાયા,તો કોઈ છાના ભટકે છે .

સૌ વિહ્વળ છે, સૌ ચંચળ છે,કેવળ સૌનાં નોખાં સ્થળ છે,
રણમાં દીવાના ભટકે છે,ઉપવનમાં દાના ભટકે છે .

એક હું છું કે નિત ભટકું છું એકેક સમયની પળ પાછળ,
એક તું છે કે તારી પાછળ કંઈ લાખ જમાના ભટકે છે .

આ દુનિયા છે, આ દુનિયામાં જીવવાનો મોહ નથી છૂટતો,
‘બેફામ’ અહીં તો મોત પછી પણ જીવ ઘણાના ભટકે છે .

– બરકત વીરાણી ‘બેફામ’

Comments (10)

પરમ સખા મૃત્યુ :૦૮: ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૧

મૃત્યુ વિષયક ‘અમર’ શેરોનું સંકલન કરવું હોય તો બેફામ પહેલાં યાદ આવે. મક્તાના શેરમાં મૃત્યુને વણી લેવાનો એમનો ઉપક્રમ અભૂતપૂર્વ ગણાય છે. એક જ કવિ મૃત્યુની વાત કરે ત્યારે એના કેટકેટલા આયામ એ ચકાસે છે એ જાણવું હોય તો આ શેર-સંકલનમાંથી પસાર થવું ફરજિયાત છે…

બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ,
જગત છોડી ગયો હું એ પછી થઈ છે જગા મારી.

મારા મરણ ઉપર ને રડે આટલાં બધાં ?
બેફામ જિંદગીનાં બધાં દુઃખ વસૂલ છે.

કરી નક્કી ખુદાએ મારે માટે મોતની શિક્ષા.
ગુનાહ બસ એ જ કે હું જિન્દગાની લઈને આવ્યો છું.

જીવન માફક નથી મારું મરણ પણ સંકુચિત બેફામ,
કે હું આ આખી ધરતીને જ સમજું છું કબર મારી.

એમ વીતેલા દિવસને રોજ માગું છું ફરી,
કે જીવન પૂરું થયું છે ને મરણ મળતું નથી.

જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ,
ઘર જેટલી વિશાળ કોઈની કબર નથી.

સરકતી જિંદગી, એ પણ વળી નશ્વર જગત પર છે,
હવે સમજાય છે અમને કે આ તો રેતીનું ઘર છે.

જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
સદા માટે સૂવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.

બિચારા એ જ તો મારા મરણની રાહ જોતા’તા,
જનાજો કાઢજો બેફામ દુશ્મનની ગલીમાંથી.

મરણની બાદ પાછું એ જ જીવન માણીએ બેફામ
ખુદા પરવાનગી આપે તો જન્નતમાં જગત કરીએ.

જમાનાની હવા મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
હતાં જે ફૂલ એ ઊડી ગયાં મારી કબર પરથી.

જીવ્યો હું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મૂકીને ન કરજો મશ્કરી મારી.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે, કોઈ માનવ મસાણે છે.

કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.

ફકત એથી જ મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ,
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા થઈને.

કદાચિત્ મોત આવે એ પછી થઈ જાય એ પૂરી,
હજી હમણાં સુધી તો જિંદગી મારી અધૂરી છે.

જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?

કબરની સંકડામણ જોઈને બેફામ સમજી લો,
કે જન્નતમાં જવાના પંથ કંઈ પહોળા નથી હોતા.

વિશ્વાસ એવો મોતના રસ્તા ઉપર હતો,
બેફામ આંખ બંધ કરીને જતાં રહ્યાં.

આ ફૂલ, આ ચિરાગ, કબર પર વૃથા નથી,
બેફામ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.

બેફામ જાઉં છું હું નહાઈને સ્વર્ગમાં,
જીવન ભલે ન હોય, મરણ તો પવિત્ર છે.

વણીને શ્વાસ ને ઉચ્છવાસ બેફામ,
અદીઠું એક કફન પેદા કરું છું.

મોત જેમાં ફસાય છે બેફામ,
જિંદગી એવી જાળ લાગે છે.

નથી એ શ્વાસ કે એને સૂંઘી શકું બેફામ,
ન લાવો મારી કબર આસપાસ ફૂલોને.

એક સાથે ચીજ બે બેફામ પકડાઈ નહીં;
મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ.

મોતનીયે બાદ આ દુનિયા તો એની એ જ છે,
હા, ફકત બેફામ રહેવાની જગા બદલાઈ ગઈ.

– બરકત વીરાણી ‘બેફામ’

Comments (16)

મુક્તક -બરકત વિરાણી ‘બેફામ’

દુ:ખ ને સુખ અંતમાં – તાસીરમાં સરખાં નીકળ્યા,
સાર તકદીર ને તદબીરમાં સરખાં નીકળ્યા;
કે મળ્યાં અશ્રુ ને પ્રસ્વેદ ઉભય નીર રૂપે,
સ્વાદ પણ બેયના એ નીરમાં સરખા નીકળ્યાં.

– બરકત વિરાણી ‘બેફામ’

Comments (8)

ગુજરાતી ગઝલમાં લાશનું તરવું

જીવતો માણસ સંજોગો ખરાબ હોય તો નદી-સાગરમાં ડૂબી જાય છે પણ એની લાશ થોડા દિવસ પછી એ જ પાણી પર તરતી મળી આવે છે. પ્રકૃતિની આ કશું પણ ન સંઘરવાની વૃત્તિ ગુજરાતી ગઝલકારોની નજરે અવારનવાર ચડતી રહી છે. આજે થોડા શેર આ વિષય પર…

બરકત વિરાણી ‘બેફામ’ને લાશના તરવાની આ ઘટના ક્યાંક ખૂબ ઊંડે સ્પર્શી ગઈ લાગે છે. એમની ગઝલોમાં આ વાત અલગ-અલગ સ્વરૂપે અવારનવાર જોવા મળે છે.

હું ડૂબી જઈશ તો પહોંચાડશે એ લાશને કાંઠે
રહેલો છે કોઈ એવોય તારણહાર મારામાં.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલેને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.

ખૂબી તો એ કે ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

નહિંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે.

– બરકત વિરાણી ‘બેફામ’

જરા મોડું થયું પણ આખરે એની દયા ઊતરી,
અમસ્તી લાશ કંઈ દરિયા ઉપર તરતી નથી હોતી.
-મરીઝ

સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
– સૈફ પાલનપુરી

ગરકાવ થઇ શકી નહીં ગઝલોના સાગરે
ઊર્મિની લાશ એમાં ડુબાડી શકી નથી
– હીના મોદી

બુદબુદા રૂપે પ્રકટ થઈ ડુબનારાની વ્યથા,
ઠેસ દિલને, બુદ્ધિને પેગામ એવો દઈ ગઈ,
કેવા હલકા છે જુઓ, સાગરના પાણી, શું કહું ?
જીવતો ડૂબી ગયો ને લાશ તરતી થઈ ગઈ !!
– જલન માતરી

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,
નહિંતર કાં એની લાશને તરવાનું મન થયું?!
-અમર પાલનપુરી

ઘણાં રોજ ડુબી મરે છે છતાં કયાંય પત્તો નથી,
હંમેશાં અહીં લાશ અંતે તરે એ જરૂરી નથી.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

લાશ કહે છે તરતાં તરતાં,
હાશ હવે ફાવ્યું પાણીમાં.
-મકરંદ મુસળે

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.
– વિવેક મનહર ટેલર

શબ પણ તરી શકે છે નદીની ઉપર તો દોસ્ત !
સામા પ્રવાહે તરવું એ છે જિંદગી ખરી.
– વિવેક મનહર ટેલર

Comments (23)

આવ – બેફામ

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં
કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ

– બેફામ

Comments (6)

આપણી યાદગાર ગઝલો : ૦૯ : ઓ હૃદય, તેં પણ ભલા ! કેવો ફસાવ્યો છે મને? – બેફામ

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!  

સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

એ બધાં બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

– બરકત વીરાણી ‘બેફામ’
(1925 – 1994)

સ્વર-સંગીત : મનહર ઉધાસ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Befam-O_HRIDAY.MP3]

ચૌદ વર્ષની ઉંમરે પ્રથમ ગઝલ લખનાર બેફામસાહેબ ‘શયદા’સાહેબનાં જમાઈ હતા.  એમની એક ગઝલને પસંદ કરવાનું અઘરું કામ કર્યું તો ખરું, પણ આ ગઝલની પસંદગી કરીને બીજી ઘણી ગઝલોને અન્યાય કર્યો હોય એવું પણ લાગ્યું.  ફરી જો એક યાદગાર ગઝલ પસંદ કરવા બેસું તો 100%  ગઝલ બદલાઈ જ જાય… એવી એવી સુંદર અને સ-રસ ગઝલોની એમણે ગુજરાતી સાહિત્યને ભેટ આપી છે.  એમની મોટાભાગની ગઝલોનાં મક્તાનાં શેરમાં એમણે મોતને જ ઉજવ્યું છે.  આ ગઝલનો મત્લા, મક્તા અને બીજા થોડા અશઆર ખૂબ જ લોકપ્રિય થયેલા છે.  ત્રીજા શેરમાં અન્યનાં પ્રેમમાં જાતને ભૂલી જવાની એમની ‘સાવ સહેલી વાત ‘ હૃદયને ખૂબ જ સ્પર્શી જાય છે. અને પછી પ્રેમીને ગુમાવવાની વેદના વ્યક્ત કરીને તરત જ ‘એણે પણ ગુમાવ્યો છે મને’ ની હૂંફ મૂકી દઈને કવિએ કમાલ કરી છે…!  જીવનમાં મળેલાં દર્દોની કવિએ ખુદા આગળ ફરિયાદ નથી કરી, ઊલટાનું દર્દ અને ખુશીઓને જીવનમાં સમતોલ રાખવાનાં ખુદાનાં ન્યાયને સાવ સહજ તરીકે સ્વીકારીને જાણે ખુદાનાં વકીલનું કામ કરતા હોય એમ લાગે છે.  અને આમ જોઈએ તો આખી ગઝલમાં જીવનમાં મળેલા દર્દોની કવિ દ્વારા કોઈ ફરિયાદ જ નથી… માત્ર વેદનાનો સહજ અને બખૂબી સ્વીકાર છે.

Comments (12)

Page 1 of 212