જે રીતે ટોચથી એકધારું પડે છે ઝરણ,
એમ મારામાં તારું સ્મરણ.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મણિલાલ હ. પટેલ

મણિલાલ હ. પટેલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

આપણે - મણિલાલ હ. પટેલ
આવશું (ચોમાસાનું ગીત:) - મણિલાલ હ. પટેલ
ગઝલ - મણિલાલ હ. પટેલ
ગીત - મણિલાલ હ. પટેલ
ફળ ના મૂકે - મણિલાલ હ. પટેલ
ફોગટ તારી રાડારાડ - મણિલાલ હ. પટેલઆવશું (ચોમાસાનું ગીત:) – મણિલાલ હ. પટેલ

અષાઢી મેઘ જેમ અણધાર્યા કોકવાર તારે મલક ચઢી આવશું
ધોધમાર, ઝરમર, ફૂહાર વળી વીજળી ને વાછંટો લાવશું… કોકવાર
આ તો પહેલો વરસાદ પછી બીજો વરસાદ
.                               એવું ભીંજાતાં ભીંજાતાં ગણવાનું હોય નહીં
ખેતર ને માટીની જેમ બધું લથબથ મહેકાય
.                               પછી કક્કાની જેમ કશું ભણવાનું હોય નહીં
ઘર આગળ મોગરો, ગુલાબ વળી વાડામાં બારમાસી ગલગોટા વાવશું
.                                                       …કોકવાર તારે મલક ચઢી આવશું

વૃક્ષોમાં અજવાળું થાય એવી વેળાનાં
.                               પંખીઓ તારામાં અટકળને ગાશે
બળબળતી પડસાળો ટળવળતી ઓસરીઓ
.                               ટાઢોળા વાયરાની જેમ બધે વાશે
માયાળુ લોક મને રોકશે ને કહેશે કે વરસો રે વાદળની જેમ વહી જાવ શું ?
અષાઢી મેઘ જેમ અણધાર્યા કોકવાર તારે મલક ચઢી આવશું

– મણિલાલ હ. પટેલ

અણધાર્યા આવી ચડવાની વાત… પહેલા અને બીજા વરસાદની કક્કાવારી ભગવતીકુમાર શર્માનું ગીત યાદ અપાવી દે.

 

 

Comments (3)

ફળ ના મૂકે – મણિલાલ હ. પટેલ

જીવ વગર એ જળ ના મૂકે,
કાળ કુંવારી પળ ના મૂકે.

માટીમાંથી સાદ ઊઠે છે,
કણબી અમથું હળ ના મૂકે.

એને પણ માયા લાગે છે,
ફોગટમાં ઝાકળ ના મૂકે.

ફૂલકૂંપળમાં ખૂલે છે એ,
અવર કશીએ કળ ના મૂકે.

વૃક્ષ થવાનું વ્હાલું લાગે,
ખાલીખમ એ ફળ ના મૂકે.

ક્રૂર ઘાતકી પ્રીત કાય-ની :
બળે દોરડી વળ ના મૂકે.

– મણિલાલ હ. પટેલ

ટૂંકી બહેરની પણ અર્થગંભીર ગઝલ…

Comments (10)

ગઝલ – મણિલાલ હ. પટેલ

શ્વાસ તો વ્હેતા પવન છે,
ને હૃદય જલતી અગન છે.

ઘાસ જેવી કેટલી ઘટનાઓ સૂકીભઠ પડી છે,
તું આવ ભડભડ દવ બની બળવાનું મન છે.

શ્વાસ વચ્ચે આગ વચ્ચે શ્વાસ વચ્ચે આગ છે,
આખરે તો પાનખર કવિઓનું મન છે.

સાંજનું એવું ગગન છે-
કોઈ પ્રેમીનું જ જાણે કે કફન છે.

ચોતરફ દિશાઓ દાવાનળ બની ઊભી રહી છે,
કાન ફૂંક્યા હોય જાણે એમ રઘવાયો પવન છે.

કારણોની છાતીમાં વિશ્વાસની નદીઓ નથી
કોઈ કહો કેવી તરસનું આ જતન છે ?

તું જળ બનીને આવ, હું તો રેત છું :
ભીનાશને પંપાળવાનું આ સપન છે.

હે શ્વાસ મારા કોઈ ચઢાવે તેમ ના ચઢશો તમે
પ્રેમ તો શાપિત વન છે.

લાગણીઓ લૂંટવા ટોળે મળે :
થાય ઈર્ષા એવું પતંગોનું પતન છે.

પાનખર મેં તો લીધી, અર્પણ વસંતો છે તને
સુખ નામ લે તને મારું વચન છે.

– મણિલાલ હ. પટેલ

ગઝલમાં પ્રયોગખોરી ક્યારથી શરૂ થઈ એવો પ્રશ્ન કોઈ પૂછે તો મને જવાબ આપવાનું મન થાય કે પહેલી ગઝલ લખાઈ ત્યારથી. ઘરેડમાં બંધાઈને જિંદગી જીવવી કદાચ આપણા માટે શક્ય જ નથી… નદીની જેમ માણસ કિનારા બદલતો રહે છે. શરૂઆતની ગઝલોમાં ભાવાભિવ્યક્તિના પ્રયોગ હતા, કદાચ નવ્યતર કલ્પનના પ્રયોગ હતા… સમયની સાથે છંદ-કાફિયા-રદીફ-મત્લા-મક્તાના પ્રયોગો શરૂ થયા… ગઝલમાં આકારના પ્રયોગ થયા… ત્રિકોણ ગઝલ, કુંભગઝલ, હાઈકુ ગઝલ અને યાદી બનાવવા બેસો તો આંગળીના વેઢા ખૂટી પડે… મણિલાલ પટેલની આ ગઝલમાં છંદના ગાલગાગાના અનિયત આવર્તનનો પ્રયોગ ધ્યાનાર્હ બન્યો છે.

Comments (16)

ફોગટ તારી રાડારાડ – મણિલાલ હ. પટેલ

લાગી   આવે    હાડોહાડ
ભાઇ કરે આંગણમાં વાડ

જીવન ખુદનો આપે અર્થ :
ગણ દિવસો ને વરસો કાઢ

જે  બંધાવે એ પણ જાય
મૂકી   સૂનાં   મેડી   માઢ.

ના છાંયો ના ફળની આશ,
‘ઊંચા  લોકો’   એવા તાડ

ઝાડ  નથી  એ છે જીવતર
બેઠો છે એ ડાળ ન  વાઢ

મતલબ બ્હેરાં સઘળાં લોક
ફોગટ    તારી     રાડારાડ

– મણિલાલ હ. પટેલ

રોજબરોજની ભાષામાં જીવનના કડવા સત્ય વણી લેતી ગઝલ. એક એક શેર જતા દિવસે રૂઢિપ્રયોગ તરીકે વપરાતો જોવા મળે તો નવાઈ નહીં એવો સરળ અને સચોટ થયો છે.

Comments (7)

ગીત – મણિલાલ હ. પટેલ

એકલતાઓ એમ વરસતી જાણે કે ચોમાસું
સાંજ પડે જેમ દીવા પ્રગટે એમ પ્રગટતાં આંસુ …

દૂર દેશની માયા ચીંધી લઈ લીધો મેવાડ
વર્ષો ઊંચાં વૃક્ષો આપી છીનવી લીધા પ્હાડ
મારામાંથી મને મૂકીને કોણ વળે છે પાછું … સાંજ પડે જેમ…

કલરવ પીંછાં સીમ ગામડાં યાદ મને છલકાવે
જીવવાની અફવાઓ પંખી શહેરોમાં ફેલાવે
છાતી વચ્ચે ઊમટી પડતું ઇડરિયા ચોમાસું… સાંજ પડે જેમ…

પીળાં પાંદડાં એમ ખરે છે ખરતું જાણે વ્હાલ
સાદ પાડતું કોણ મને એ ? પ્રગટે કેવા ખ્યાલ ?
તિમિરની કેડી પકડીને દૂર કેટલે જાશું ?… સાંજ પડે જેમ…

– મણિલાલ હ. પટેલ

Comments (5)

આપણે – મણિલાલ હ. પટેલ

કાગળો અક્ષર વગર તે આપણે,
શબ્દ-વિણ ખાલી નગર તે આપણે.

લાગણીની ઓટ છે, ભરતી નથી,
સાવ ખારા દવ અગર તે આપણે.

આજ પાછી યાદ આવી છે તરસ,
વિસ્મરણથી તરબતર તે આપણે.

આજના છાપા સમા તાજા છતાં
જિંદગીથી બેખબર તે આપણે.

ટેરવાંમાં સ્પર્શ નામે શ્હેર છે
આમ જોકે ઘર વગર તે આપણે.

– મણિલાલ હ. પટેલ

અહીં ‘આપણે’માં કવિએ વાચકને પણ સમાવી લીધો છે. જીવનના ખાલીપણાને વર્ણવતી આ ગઝલમાં મારો સૌથી ગમતો શેર – આજના છાપા સમા તાજા છતાં, જિંદગીથી બેખબર તે આપણે. ને છેલ્લો શેર પણ ઘણો સરસ થયો છે.

Comments (3)