કેડીનું ગીત – મણિલાલ હ. પટેલ
સૈ હું તો વગડામાં વહી જાતી કેડી… !
રૂપ મારું વાયરાની લ્હેરખી :
હોય જાણે વાંસળીએ કોક ધૂન છેડી
સૈ હું તો આઘા મલકની કેડી… !
મારગ મેલીને હું તો ફંટાતી ચાલતી
સીમાડે સીમાડે મસ્તીમાં મ્હાલતી
ડુંગરની કેડે વિંટળાઉં અને
ઘાટીલી ટેકરીઓ લે મને તેડી
સૈ હું તો હૈયાં બ્હેલાવતી કેડી… !
કેટલાંય ગામોનાં પાદર બોલાવતાં
સુંવાળા રસ્તાઓ શમણાંમાં આવતા
જાય મારી બલ્લા! જયાં પથ્થરમાં
કોરેલાં હોય બધાં માઢ અને મેડી
સૈ હું તો ભવભવની કેડી… !
– મણિલાલ હ. પટેલ
વગડાની કેડી એટલે રોડ લેસ ટ્રાવેલ્ડ. ખેતર-પાદર વચ્ચેની મુખ્ય કેડીથી એ અલગ તરી આવે. કાવ્યનાયિકા સ્વયંને વગડામાં વહી જતી કેડી કહી ઓળખાવે છે, ત્યારે એનું અલ્લડ અળગાપણું છતું થાય છે. આ કેડી કેવળ પાદરની કેડી નથી, એ આઘા મલકની પણ છે… મતલબ એ ગામના યુવાનોને હાથવગી નથી, અથવા તો આઘા મલકમાં કોઈને એ હૈયાદાન કરી ચૂકી છે. એ ધોરી મારગ મેલીને મસ્તીમાં ફંટાતી ચાલે છે. ગામેગામના યુવાનો એના પર નિછાવર થવા તત્પર છે, પણ એને પથ્થરમાં કોરેલ માઢ-મેડી જેવા ચીલાચાલુ યુવાનોમાં રસ નથી… એ તો ભવોભવ સાથ નિભાવે એવા સુંવાળા રસ્તાઓના શમણાં જુએ છે…


હર્ષદ દવે said,
November 7, 2025 @ 12:00 PM
વાહ… પ્રકૃતિનું પ્રતીકાત્મક સરસ ગીત. કવિના પ્રકૃતિપ્રેમ અને કાવ્યનાયિકાના પ્રણયસંવેદનનું સાયુજ્ય રચીને વ્યક્ત થતું લયાન્વિત ગીત મજા કરાવી ગયું. આપના આસ્વાદથી વધુ ઉઘાડ પામી આ ગીતકવિતા. બંને સર્જકોને અભિનંદન.
કિશોર બારોટ said,
November 7, 2025 @ 2:21 PM
કવિશ્રી એ કેડીને બહુ લાડ લડાવ્યા.
ખૂબ સરસ.
ઘણા વર્ષો પહેલા કેડી વિશે કંઈક આવું લખેલું તેની ઝાંખી સ્મૃતિ છે.
‘કોઈ અવળચંડા પગલાંનું આ તે કેવું વાંકુ ચિતરામણ’.
Kishor Ahya said,
November 7, 2025 @ 5:19 PM
પ્રકૃતિ સાથે પ્રેમનો ઉમળકો ને શબ્દોનો સંગાથ હોય ત્યારેજ આવી મજાની રચના બને.
છલ્લી પંક્તિ
“જાય મારી બલ્લા! જયાં પથ્થરમાં
કોરેલાં હોય બધાં માઢ અને મેડી
સૈ હું તો ભવભવની કેડી… !”
નાઇકા કહે છે કોતરકામ કરી, બારણા ને ભીંતોમાં પથ્થરો મૂક્યા હોય તેવી સુંદર મેડી હોય,
(કોરેલાં હોય બધાં માઢ અને મેડી) જાય મારી બલા એટલેકે હું નહી મારું ભૂત જાય! (કારણ અધ્યાય રાખ્યું છે) પણ કહેવાનું એમ લાગે છે કે ફક્ત મેડી મોલાત જોઇને હું નહી જાવ, પણ ભવ ભવનૉ સંગ થઈ જાય ત્યાં હું જઈશ.( ભવ ભવ ની કેડી છું ) વાહ ! કવિ વાહ! ગીતની દરેક પંક્તિ ખીલી ઊઠી છે. “રૂપ મારું વાયરાની લ્હેરખી :
હોય જાણે વાંસળીએ કોક ધૂન છેડી ”
“ડુંગરની કેડે વિંટળાઉં અને
ઘાટીલી ટેકરીઓ લે મને તેડી
સૈ હું તો હૈયાં બ્હેલાવતી કેડી… !”
સાહિત્ય ક્ષેત્રે અનેક પારિતોષિક મેળવેલ શ્રી મણિલાલ હ.પટેલને આવી સરસ રચના આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
હમેશની જેમ શ્રી વિવેકભાઈ એ સરસ આસ્વાદ મૂક્યો છે.
🌹🌹🌹🌹
Uma Doshi said,
November 8, 2025 @ 8:10 PM
સુંદર
Uma Doshi said,
November 8, 2025 @ 8:11 PM
સરસ
Poonam said,
January 3, 2026 @ 2:00 PM
હોય જાણે વાંસળીએ કોક ધૂન છેડી
સૈ હું તો આઘા મલકની કેડી… ! Aahaa !
– મણિલાલ હ. પટેલ –