એનો વાંધો કોઈને નહોતો કદી કે
એક સરોવર ઓઢીને તું નીકળે છે,
પણ ખભે ઊંચકીને રણ જે જાય, તેને
કેમ જાણીજોઈને સામે મળે છે?
મુકુલ ચોકસી

ફોગટ તારી રાડારાડ – મણિલાલ હ. પટેલ

લાગી   આવે    હાડોહાડ
ભાઇ કરે આંગણમાં વાડ

જીવન ખુદનો આપે અર્થ :
ગણ દિવસો ને વરસો કાઢ

જે  બંધાવે એ પણ જાય
મૂકી   સૂનાં   મેડી   માઢ.

ના છાંયો ના ફળની આશ,
‘ઊંચા  લોકો’   એવા તાડ

ઝાડ  નથી  એ છે જીવતર
બેઠો છે એ ડાળ ન  વાઢ

મતલબ બ્હેરાં સઘળાં લોક
ફોગટ    તારી     રાડારાડ

– મણિલાલ હ. પટેલ

રોજબરોજની ભાષામાં જીવનના કડવા સત્ય વણી લેતી ગઝલ. એક એક શેર જતા દિવસે રૂઢિપ્રયોગ તરીકે વપરાતો જોવા મળે તો નવાઈ નહીં એવો સરળ અને સચોટ થયો છે.

7 Comments »

  1. Dr. Dinesh Karia said,

    October 28, 2008 @ 2:42 AM

    મણિલાલ એટલે મણિલાલ… ખરેખર તેમની કૃતિ દિલને હચમચાવે નહી તે બને જ કેમ ?

  2. Shah Pravinchandra Kasturchand said,

    October 28, 2008 @ 7:07 AM

    “એક એક શેર જતા દિવસે રૂઢિપ્રયોગ તરીકે વપરાતો જોવા મળે તો નવાઈ નહીં એવો સરળ અને સચોટ થયો છે. ”

    આવા શબ્દો આવી વાત !
    લાગી જાયે બસ હાડોહાડ

  3. pragnaju said,

    October 28, 2008 @ 8:45 AM

    મતલબ બ્હેરાં સઘળાં લોક
    ફોગટ તારી રાડારાડ
    ટૂકામા સીધી સચોટ વાત
    યાદ આવી
    કહે દલપતરામ પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
    “ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે,
    પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
    સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”

  4. વિવેક said,

    October 28, 2008 @ 8:58 AM

    વાહ… વાહ.. સુંદર રચના…

    દિવાળીનો દિ’ વાળે એવી !

  5. sudhir patel said,

    October 28, 2008 @ 3:50 PM

    ધવલભાઈની વાત સાથે પૂરો સંમત છું. મજા આવી.
    સૌને શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન!!
    સુધીર પટેલ.

  6. uravshi parekh said,

    October 28, 2008 @ 8:38 PM

    સહુને સાલમુબારક.
    નુતન વરસાભિનન્દન્.
    સરસ રચના વન્ચવા મળી.
    જિન્દગી ના અનુભવો અને તેનો નિચોડ છે.

  7. ઊર્મિ said,

    November 3, 2008 @ 9:33 AM

    વાહ… કહેવતી-ગઝલ માણવાની મજા આવી ગઈ…!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment