અંતર બે દિલની વચ્ચેનું વધશે નહીં જરી,
વચ્ચે જો મોકળાશનો અવકાશ હોય તો.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2025

વીણેલાં મોતી – વિનોદ ઓઝા

કેવો બન્યો બનાવ, કશું જાણતો નથી,
કોણે કર્યો છે ઘાવ, કશું જાણતો નથી.

આકાર શોધીએ કે નિરાકાર શોધીએ,
શબ્દો મહીંથી કોઈ મદદગાર શોધીએ.

શાંત જળમાં કેમ આ ઊઠ્યાં વમળ?
કોણ ફેંકે છે નજર આ જળ તરફ?

એક, કેવળ એક પળની શોધમાં,
મીટ માંડી છે સતત હર પળ તરફ.

ડાળ પરથી પાંદડું નીચે ખર્યું હશે,
એ ક્ષણે એ ડાળને શું શું થયું હશે?

હાથમાં લીધાં કલમ કાગળ હવે,
જોઈએ શું થાય છે આગળ હવે.

આ હવામાં જેટલાં રજકણ હતાં,
શબ્દને પણ એટલાં કારણ હતાં.

આયનો તોડી કદી હું નીકળી શકતો નથી,
એટલે ક્યારેય હું ખુદને મળી શકતો નથી.

જો બારણાં હો બંધ તો ખોલી શકાય છે,
ખુલ્લી હવાની કેદ ક્યાં તોડી શકાય છે?

જિંદગીભર બોજ જેનો ઊંચક્યો,
છેવટે એ ખાલી થેલો નીકળ્યો.

એમ નહીં ભૂલી શકો સહેલાઈથી,
આ ગઝલ છે, આજનું છાપું નથી.

તું હવે વરસી પડે તો માનશું,
ખૂબ સાંભળ્યું છે તારું ગાજવું.

જિંદગીની એ જ છે સાચી મજા,
સ્મિતનું આંસુની સાથે આવવું.

– વિનોદ ઓઝા

લયસ્તરો પર આજે એક ‘તાઝા કલમ’ અને ‘તાઝા કલામ’ને સસ્નેહ આવકારીએ… કવિ વિનોદ ઓઝાના ગઝલ સંગ્રહ ‘કશું જાણતો નથી’માંથી પસંદગીના કેટલાક શેર મમળાવીએ….

Comments (15)

બાજત શબદ મૃદંગા – રાહુલ તુરી

બાજત શબદ મૃદંગા,
સુર તાલ લય વિલય થતાં જ્યાં સત્ત ખડા સરભંગા.

હાલ ચાલ સબ ખાલ ભાલ પર અજબ તેજ અંબાર,
અલખ ખલક સબ ફલક ઉપર આ નિરખત નૈન અપાર.
અટલ અવિચળ નાદ અનાહદ અનહદ હે આનંદા…

રવ અરવ સબ હોત ગરક જ્યાં થતા નહીં થડકારા,
રોમ વ્યોમ અરુ ભોમ હોમ ત્યાં સકળ શુન્ન સંસારા.
અકળ અગોચર એક અડિખમ અચરજ ભરા અભંગા…

– રાહુલ તુરી

મિશ્ર બોલીમાં રચાયેલ આ ગીત એના શ્રુતિસૌંદર્યને કારણે વાંચતા, સોરી, ગણગણતાવેંત આકર્ષી લે છે. પ્રવાહી લયોપરાંત પંક્તિએ-પંક્તિએ આંતર્પ્રાસાવલિ અને વર્ણસગાઈના રણકારના કારણે એક વાચ્યચિત્ર આંખો સમક્ષ ખડું થાય છે.

હું આધ્યાત્મમાર્ગનો અભ્યાસી નથી એટલે કાવ્યમાં રજૂ થયેલ આધ્યાત્મ-ફિલસફીની ગુણવત્તા વિશે કશું કહી શકવાને સમર્થ નથી, પણ જે વાચ્યાર્થ મને સમજાયો છે તે આ મુજબ છે: શબ્દને આપણે ત્યાં બ્રહ્મ ગણવામાં આવ્યો છે. એથી જ શબ્દનું મૃદંગ વાગતાવેંત સુરતાલ અને લય બધાનો વિલય થઈ જાય છે. માણસનાં હાલચાલ અને કાયા ઉપર અજબ તેજનો અંબાર છવાઈ જાય છે. ત્રિલોકને તાગી શકે એવી અપાર દિવ્ય દૃષ્ટિ સાંપડે છે. અટલ, અવિચળ અનાહતનાદ ગૂંજતા અનહદ આનંદાનુભૂતિમાં માનવમન સરી પડે છે. અવાજ અને મૌન –બંને નાશ પામે, હૃદયના થડકારા પણ સ્થિર થઈ જાય એવી સમાધિની અવસ્થામાં અસ્તિત્વના રૂંવેરૂંવા આકાશ બની રહે અને ધરતી યજ્ઞ બની રહે છે. સંસાર શૂન્ય બની રહે છે. જે પરાપૂર્વથી અકળ અને અગોચર રહ્યો છે એવા અડીખમ અચરજ સમા ઈશ્વરના સાક્ષાત્કારની આ ક્ષણે શબ્દના મૃદંગ અને અનહદ આનંદ સિવાય કશું જ બચતું નથી.

(સરભંગા=સર્વાંગી; બધામાં મળી જાય તેવું; ખલક=દુનિયા; ફલક=આકાશ, સ્વર્ગ; અરુ=અને)

Comments (14)

(માનપાન છોડીને) – ગૌરાંગ ઠાકર

આવું હું માનપાન છોડીને,
ક્યાંથી આવું સ્વમાન છોડીને?

ખંડખંડે જુદા જીવન જોઈ;
ઘર ગયું છે મકાન છોડીને.

ફૂલ બેબસ હતાં તો બેસી રહ્યાં,
ખુશબૂ ગઈ ફૂલદાન છોડીને.

રાધા વરદાન માંગવા કહે છે,
એમ પણ કહે છે, ક્હાન છોડીને.

તું કરે એ જ ઠીક થાય છે તો
ચાલ, બેસું સુકાન છોડીને.

મેરુ છું, મણકામાં મળું તને, પણ
એકસો આઠ સ્થાન છોડીને.

– ગૌરાંગ ઠાકર

લયસ્તરો પર આજે સત્કારીએ કવિશ્રીના નૂતન ગઝલસંગ્રહ ‘તમને ગઝલ તો કહેવી છે’ને!

મત્લામાં માનપાન અને સ્વમાન વચ્ચેનો બારીક તફાવત જોયો? આમા તો માનપાનમાં પણ માન આવી જજાય છે, પણ કવિ જ્યારે બેને અલગ તારવી બતાવે છે, ત્યારે આપણી સમજણના ઓરડામાં સૂક્ષ્મ ચમકારો થાય છે. માનપાન એ કેવળ દેખાડાના દાંત છે. ઘર મકાન છોડીને ચાલ્યું ગયું હોવાની વ્યંગોક્તિ અને રાધાની વરદાન આપવાની અનૂઠી પદ્ધતિ ઉપર તો સમરકંદો બુખારા ઓવારી દેવાનું મન થાય. ઈશ્વરને પડકાર ફેંકતો સુકાન છોડી બેસી જવાની વાત કરતો શેર પણ હૃદયસ્પર્શી થયો છે.

Comments (18)

પત્રમાં – જિતેન્દ્ર પ્રજાપતિ

ચોખવટ ક્યાં કઈ કરી’તી પત્રમાં,
એમણે બસ ‘ના’ લખી’તી પત્રમાં.

ભૂતકાળ આખોય ભીનો થઈ ગયો,
આહ થોડીક નીતરી’તી પત્રમાં.

એક અક્ષરમાં સમાવીને જગત,
ભીંત જાણે કે ચણી’તી પત્રમાં,

પત્ર ખોલ્યા બાદ આંખો કેદ થઈ,
બેડીઓ જાણે જડી’તી પત્રમાં.

હોશમાં આવ્યો નથી વાંચ્યા પછી,
ગમખ્વાર ઘટના ઘટી’તી પત્રમાં.

– જિતેન્દ્ર પ્રજાપતિ

લયસ્તરો પર આજે કવિશ્રીના ગઝલસંગ્રહ ‘સાદના દીવા’નું અજવાળું આવકારીએ…

મજાની મુસલસલ રચના… પત્રોનો એક જમાનો હતો, એક દબદબો હતો… સદીઓના એકહથ્થુ શાસન બાદ એનું સ્થાન ઇમેલે લઈ લીધું. પણ ત્રણેક દાયકામાં તો ઇમેલનું સ્થાન પણ હતું ન હતું થઈ ગયું. પણ મારા સહિતના અનેક ભાવકોની ઘણી બધી જિંદગી પત્રોના સધિયારે વીતી છે. એવા મિત્રો માટેની આ ગઝલ. છેલ્લા શેરની છેલ્લી પંક્તિના છંદદોષને બાદ કરતાં આખી ગઝલ કેવી સ-રસ થઈ છે!

Comments (14)

સૂરજમુખી – ચંદ્રકાન્ત શાહ

ત્રણ ને દસની સ્ટૅમ્પ લગાડી પોસ્ટ કરું છું
સ્ટૅમ્પ જોઈને ધાર, હશે આ કાગળમાં શું?

ત્રણ ને દસમાં આવે આખો ગ્રંથ
ઘણા ફોટાઓ બ્લૅક ઍન્ડ વ્હાઇટ
શું બૉક્સમાં તાજી-માજી કુકીઝ
આવે પાર્સલ પિન્ક રિબન બાંધેલું ટાઇટમ્ ટાઇટ

બીજી થોડી વધુ સ્ટૅમ્પ ચોંટાડી, આ લે, હું આવું છું—

સૂરજમુખી થઈ કાગળમાં આવે ક્યારેક
સહિયારો સોનેરી કૂણો સમય સાવ અકબંધ
કોકો શનેલ જેવી આવે
તું આવ્યાની કાચી પાકી સુગંધ

કાગળ લખવા જેટલું અંતર કાપી, ત્રણ ને દસની કોફી પીશું
સ્ટૅમ્પ જોઈને ધાર, હશે આ કાગળમાં શું?

– ચંદ્રકાન્ત શાહ

એક જમાનો હતો જ્યારે આપણે પત્ર લખતા હતા કોઈનો પત્ર આવશે એ આશામાં રોજ ટપાલીની કાગડોળે રાહ પણ જોતા હતા. પણ આજે આપણી વચ્ચે એક એવી પેઢી શ્વાસ લઈ રહી છે, જેણે જીવનમાં એકેય ટપાલ લખી જ ન હોય. ચંદુના હુલામણા નામથી જાણીતા ડાયાસ્પોરા કવિ ચંદ્રકાન્ત શાહ રુઢ કાવ્યધારાથી સદૈવ ઉફરા ચાલ્યા છે. પ્રસ્તુત ગીત એનો એક દાખલો છે. ત્રણ ને દસની ટિકિટ ચોડીને કવિએ પત્ર તો મોકલ્યો છે, પણ સામા પાત્રને આહ્વાન પણ આપ્યું છે કે ટિકિટ જોઈને અંદર શું હશે એ ધારી બતાવ. એક જાણીતો શેર યાદ આવે: ‘आदमी पहचाना जाता है क़याफ़ा देख कर, ख़त का मज़मूँ भाँप लेते हैं लिफ़ाफ़ा देख कर।‘ ત્રણ ડોલર ને દસ સેન્ટમાં બીજું શું શું થઈ શકે એની યાદીની સમાંતરે કવિએ મજાના ગીતની ગૂંફણી કરી છે… ગીતની અડખેપડખે બેસીને ભાવની કોફી પીતાં પીતાં કવિતાની કાચી પાકી સુગંધથી તર થઈએ…

Comments (10)

(માણવા જેવો હતો) – ભાવિન ગોપાણી

મને પાગલ બનાવી મારવા જેવો હતો,
હજી થોડો વધારે ચાહવા જેવો હતો.

બધી વાતે ખુલાસો ટાળવા જેવો હતો,
સમજદારીને મોકો આપવા જેવો હતો.

તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા,
એ કાગળ ખાનગીમાં વાંચવા જેવો હતો.

હું માનું છું, બહુ ખોટું થયું, છુટ્ટા પડ્યા,
એ માને છે કે છેડો ફાડવા જેવો હતો.

હતો પાતાળને લાયક, મળ્યું આકાશ છે,
ઉછાળ્યો છે, જે કિસ્સો દાટવા જેવો હતો.

તમે ભગવાનની તસવીર ટાંગી ભીંત પર?
તમારે તો અરીસો ટાંગવા જેવો હતો.

ન ફરક્યું સ્મિત ને ફરક્યું તો લાંબું ના ટક્યું,
ઉદાસી પર ભરોસો રાખવા જેવો હતો.

અમુકને તેડવા મજધારમાં પહોંચી ગયો!
કિનારાને કિનારે બાંધવા જેવો હતો.

ઊઠ્યો પડદો અને નાટક થયું એવું શરૂ,
હવે લાગે છે પડદો માણવા જેવો હતો.

– ભાવિન ગોપાણી

કવિના વધુ એક ગઝલ સંગ્રહ ‘ઓસરી’નું લયસ્તરોના આંગણે પ્રેમપૂર્વક સ્વાગત કરીએ…

સરળ ભાષામાં સરસ ગઝલ કઈ રીતે કહી શકાય એ જાણવું હોય તો આ કવિ પાસે આવવું રહ્યું. આજે મોટાભાગના ગઝલકાર જ્યાં પાંચ શેર પર અટકી જાય છે, ત્યાં પરંપરાના શાયરો સાથે કોઈ પરાપૂર્વનો નાતો ન હોય એમ લાંબી ગઝલ આપવામાં, શક્ય કાફિયાઓનો કસ કાઢવામાં આ ગઝલકાર અચકાતા નથી. નવ શેરની નવસેરા હાર જેવી મજાની ગઝલ સાથે શાયરને સત્કારીએ…

Comments (9)

અદલાબદલી – હરદ્વાર ગોસ્વામી



અમે
એકબીજાની જાતની અદલાબદલી કરી.
હું એનું જીવન જીવવા લાગ્યો
અને એ મારું.
બહુ સારું લાગ્યું.
એની જાતમાં હું રમમાણ હતો.
મારા સિવાય એની હયાતીમાં કોઈ બીજું નામ ન હતું.
મારા ઘરના બધા લોકો માટે પણ
એને સદ્ભાવ અને સમભાવ હતો.
‘ઈગો’ને બદલે ‘લેટ ગો’ને પ્રાધાન્ય આપ્યું.
હું એનો આશિક હતો
પણ આ અદલાબદલી પછી તો
સાત જનમનો દીવાનો થઈ ગયો.

આજે અમારે જાત બદલવાની હતી
હું એને ચોખ્ખું કહેવાનો છું કે
તારી જાત પાછી નહીં આપું.
એ મળી
હું કંઈ કહું એ પહેલાં તો
એણે ફટાફટ જાત બદલાવી
અને
જતાં જતાં કહેતી ગઈ
સાત જનમ સુધી ન મળતા…

– હરદ્વાર ગોસ્વામી

લયસ્તરો પર કવિના નવ્ય કાવ્યસંગ્રહ ‘અઢી ફૂટનું આકાશ’નું સહૃદય સ્વાગત છે…

સ્ત્રી-પુરુષના સ્વભાવ અને વ્યક્તિત્વની વિસંગતતા વિશે ઘણું લખાયું છે, પણ અહીં જે કુમાશથી આખી વાત રજૂ થઈ છે એ અલગ જ છે. સરળતમ ભાષામાં કવિએ જે કવિકર્મ કરી બતાવ્યું છે એ કાબિલ-એ-દાદ છે. પતિ અને પત્ની બંને મનમરજીથી જાતની અદલાબદલી કરે છે. પુરુસઃ સ્ત્રીનું જીવન જીવવું શરૂ કરે છે અને સ્ત્રી પુરુષનું. પુરુષને એ તો ખ્યાલ આવે છે કે સ્ત્રી એકીસાથે કેટકેટલા મોરચા સાચવતી હતી અને કેટકેટલા સંબંધોમાં પ્રાણ સીંચતી હતી. પુરુષ પહેલાં પણ એનો દીવાનો હતો જ. સ્ત્રીના આંતરમનના પ્રવાસ બાદ આ દીવાનગી પરાકાષ્ઠાએ પહોંચી ગઈ, પણ પુરુષ આ તબક્કે પણ પોતાની મર્યાદાઓ, પોતાની ખામીઓ, પોતાની ખરાબીઓને ઓળખી શકતો નથી એ વિડંબના શબ્દોની વચ્ચેની ખાલી જગ્યામાં સફળતાપૂર્વક છૂપાવી દઈને કવિએ મુખર લાગતી કવિતાના કાવ્યતત્ત્વને સુપેરે ઉજાગર કરી બતાવ્યું છે. કવિતાનો અંત કોઈપણ સંવેદનશીલ પુરુષને (જો એ સંવેદનશીલ હોય તો!) હચમચાવી દેવા માટે સક્ષમ છે.

Comments (13)

મિજાજ બદલું છું – રાજેન્દ્ર શુક્લ

મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,
ન આંખ બદલું ભલે, પણ અવાજ બદલું છું.

રમતરમતમાં હું રસ્મો-રિવાજ બદલું છું,
બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું.

સફર અટકતી નથી કંઈ તુફાન ટકરાતાં,
દિશા બદલતો નથી, હું જહાજ બદલું છું.

પ્રજળતું કૈંક રહે છે હંમેશા હોઠો પર,
કદીક શબ્દ, તો ક્યારેક સાજ બદલું છું.

સુરાલયે જ હવે ચાલ શૂન્યતા છોડી,
દરદ બદલતું નથી, તો ઈલાજ બદલું છું.

– રાજેન્દ્ર શુક્લ

લયસ્તરો પર આજે ફરી એકવાર જૂનું એ સોનું! રા.શુ.ની આ બહુખ્યાત અને સુવાંગ સુંદર ગઝલ આજ સુધી લયસ્તરોના નિધિમાં હતી જ નહીં એ લયસ્તરોનું જ દુર્ભાગ્ય ગણાય.

Comments (12)

ચિત્રમાનાં પંખીઓને – નયન હ. દેસાઈ

(મનહર ગીત)

કેમ સાવ મૂંગામૂંગા બેસી રહ્યાં, બોલો કાંઈ
લાગી ગયો મૌન તણો જાણે હડદોલો કાંઈ
રિસાયા છો કઈ વાતે
વાત કરો મારી સાથે

તમારી તો મીઠી મીઠી વાણીની મીઠાશ માણું
શબદોના સ્વરને ને વ્યંજનાને હું પ્રમાણું
ટહુકા વેરો પ્રભાતે
વાત કરો મારી સાથે

કોઈ નહીં બોલાવે તો આમ મૂંગા થૈ જવાનું?
રેખાઓમાં કેદ ક્યાંથી પાંખ ફફડાવવાનું
બે ઘડી તો વ્હાલાં વ્હાલાં પંખીડાઓ ડોલો કાંઈ
કેમ સાવ મૂંગા મૂંગા બેસી રહ્યાં બોલો કાંઈ
કોઈ પરિચયને નાતે
વાત કરો મારી સાથે…

– નયન હ. દેસાઈ

કવિ ઉદયન ઠક્કરે કેવળ ગીત અને ગઝલમાં રાચતા આજના કવિઓ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?” આવું જ ગીતના લય બાબતે પણ કહી શકાય. મોટાભાગના ગીતકારો ષટક્લ અને અષ્ટકલ -એમ બે જ લયમાં ગીતવિહાર કરતા દેખાય છે. આજે આ મહેણું ભાંગતી એક રચના માણીએ…

નયન દેસાઈ એટલે સતત કંઈ નવું કરવા મથ્યા કરતો કવિ. દલપતરામે લોકપ્રિય બનાવેલ મનહર છંદમાં આપને ત્યાં પ્રમાણમાં ઓછું કામ થયું હોવાથી એ ખોટની ભરપાઈ કરવા કવિએ મનહર છંદમાં આખેઆખો કાવ્યસંગ્રહ આપ્યો. આ સંગ્રહમાં ગઝલ, ગીતો ઉપરાંત બાળગીતો પણ છે – બધું જ મનહર છંદમાં. પ્રસ્તુત રચનાનો લય રુઢ લય ષટકલની નજીક નજીકનો છે, પણ એને ચુસ્ત ષટકલકરાર આપી શકાય એમ નથી. વળી, મનહર છંદની રવાનીમાં પઠન કરવાની જે મજા છે એ કદાચ ષટકલના રુઢ લયથી બે આંગળી ઊંચે છે.

ચિત્રમાંના પંખી તો મૂંગા જ હોવાનાં ને! પણ કવિ કોને કહે? એ તો એમની સાથે પણ વાર્તાલાપ સાધે છે, અને એમને કોઈને કોઈ બહાને જીવંત થઈ વાત કરવા ઈજન આપે છે… સરળ બાનીમાં કેવું સહજ ગીત!

Comments (6)

એમ થાતું કે- – માધવ રામાનુજ

વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી,
એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી.

ચારને ભારે લચક લચક થાઉં ને મૂઆં ઝાડવાં નફટ આંખ ફાડીને જોઈ રહે, મારી ઝાંઝરીયુંનું રણકી જોબન વાયરે ઊડ્યું જાય;
હાય રે, મારા પગને ભૂંડી ધૂળની લાગે નજર,મારાં પગલાં સૂંઘી પાછળ પાછળ આવતા ચીલા દોડતા આગળ થાય.
ગામને ઝાંપે આઘું ઓઢી ઘરની ભૂલું કેડી.
એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી

બારીએ બેઠી હોઉં ને ખોળો ખૂંદતી કોમળ પગલીયુંના ખિલખિલાટે ઊછળે છાતી : છલછલોછલ બે કાંઠે ઊભરાય નદીનાં વ્હેણ;
ઉંબરે ઊભી હોઉં ને વાટે ગાડેગાડાં સીમની કૂણી સાંજ ભરીને સાહ્યબો આવે, દનના ડુંગર ઊતરી આવે રાતનાં અબોલ કહેણ.
ઊંઘની આંબાડાળ : ટપોટપ સોણલિયાં લઉં વેડી.
વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી.

– માધવ રામાનુજ

દામ્પત્ય જીવનમાં પ્રસન્નતાનો પ્રસવ થાય ત્યારે આવું ગીત લખાય. ગીત ઉઘડતાં જ ચોકોર પર્વતોની વચ્ચેના ખીણપ્રદેશમાં વન, ગામ અને ખેતરો એકમેકને અઢેલીને શ્વસતાં હતાં એવો કોઈ સમય તાદૃશ થઈ આવે. મજા તો ત્યાં છે જ્યાં નાયિકાને આ આખેઆખા સૌંદર્યપ્રદેશને સહેજ ઝૂકીને તેડી લેવાના ઓરતા જાગે છે… આ પ્રકારની લાગણી એક સ્ત્રીના મનમાં જ જન્મે કારણ કે સ્ત્રી માત્રમાં એક માતા જીવતી હોય છે, અને પ્રસ્તુત રચનાનો તો છેડો જ માતૃત્વ સુધી લંબાયેલો છે. આઠ-આઠ માત્રાના આવર્તનોમાં લયબદ્ધ વિહાર કરતું આ ગીત એના બંને બંધના લાંબા કદ-કાઠીના લીધે વધુ મનનીય બન્યું છે. માથે ચારાનો ભાર હોવાના કારણે નાયિકાની ચાલમાં જે લચક આવે છે એવી જ લચક લાંબીલચ્ચ પંક્તિના પઠનના કારણે જન્મે છે. દિવસના ડુંગર પરથી રાતનાં અબોલ કહેણ ઊતરી આવે એ કલ્પન જ કેવું રોચક છે! અને ઊંઘની આંબાડાળ પરથી સપનાંઓ વેડી લેવાનેઇજન આપતો ગીતનો અંત પણ એવો જ હૃદ્ય થયો છે.

Comments (7)

આગળ જતાં – બાબુલાલ ચાવડા ‘આતુર

પર્વતો-ખીણો-અરણ્યો આવશે આગળ જતાં,
કૈંક પડકારો ને પ્રશ્નો આવશે આગળ જતાં.

કોઈ દૃષ્ટિથી અચાનક થઈ જશે ઓઝલ અને,
ધૂંધળાં બે-ચાર દૃશ્યો આવશે આગળ જતાં.

એકબીજાને સતત શોધ્યા કરીશું આપણે,
આપણા એવાય દિવસો આવશે આગળ જતાં.

જો અટકશે કોઈ વેળા ક્યાંક આ પાકી સડક,
ધૂળિયો એકાદ રસ્તો આવશે આગળ જતાં.

શક્ય છે આગળ જતાં હું હોઉં કે ના હોઉં પણ,
શક્ય છે મારા વિકલ્પો આવશે આગળ જતાં.

– બાબુલાલ ચાવડા ‘આતુર

‘આગળ જતાં’ ગઝલ સ-રસ થઈ છે. બધા જ શેર વારંવાર મમળાવ્યા કરવા ગમે એવા મજાના થયા છે. ગઝલ તો સહજ-સાધ્ય છે, એટલે દરેક ભાવકહૃદય સુધી આપબળે પહોંચી જ જશે, પણ મારું ધ્યાન સતત આખરી શેરમાં ‘શક્ય છે’ના બીજીવારના પ્રયોગ તરફ જયા કરે છે. શક્ય છે કે મારો આ ખટકો ખોટો પણ હોઈ શકે. નાના મોઢે મોટી વાત પણ છેલ્લા શેરના સાની મિસરામાં કાવ્યાનુભૂતિ સઘન બનવામાં ‘શક્ય છે’ પ્રયોગ અડચણરૂપ બનતો હોય એમ લાગ્યું. કાલે આપણે હોઈએ પણ અને ન પણ હોઈએ એ વાત જે રીતે સંભાવનાઓથી ભરી પડી છે, એથી વિપરિત ‘મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ’*ના ન્યાયે વિકલ્પોવાળી શક્યતા કરતાં નક્કર હકીકતદર્શક ન ગણાય? વિકલ્પો તો મળે જ મળે ને!

(* = ઓજસ પાલનપુરી)

Comments (6)

કહીં ગયા? કહીં આવ્યા? – પ્રિયકાન્ત મણિયાર

મઘમઘ ડોલે મોગરો એને જૂઈની આવે મ્હેંક,
વન આ વ્હાલું લાગતું પણ મન આ લેતું ઠેક.

આંજી જેવી આંખડી નભમાં ઊગ્યો ચંદ,
જલમાં રૂવે પોયણી એનો છલછલ છલક્યો છંદ.

સમીરણ સાંભળ આટલું પૂછીશ નહીં એ પાન,
કળપે કાળજ કેટલું ઓલી કોયલડીનું ગાન.

ઊડતાં ઊડતાં આભલે થઈ પયોધર-પ્રીત,
વરસી ક્યાં ગઈ વાદળી? એનું ગાવું મારે ગીત.

વસંત માંડી ચાલવા વળવાની મા ભૂલ!
ખરી ગયેલી ડાળ પર તુજ ફૂંકથી ફૂટે ફૂલ!

કહીં ગયા? કહીં આવિયા? નેણ વિનાની રાત,
‘ઠક’ ‘ઠક’ છેડો જાણતો ધૂળની કેવી ભાત!

– પ્રિયકાન્ત મણિયાર

ગીતલેખનમાં રસ હોય એવા સર્જકમિત્રો માટે ખાસ. કાવ્યસ્વરૂપ પ્રમાણે તો ગીત જ પણ પ્રચલિત છંદોલયના સ્થાને કવિએ અહીં દોહાઓની ગૂંથણી કરી છે. દોહામાં હોય એ મુજબ બંને પંક્તિ બબ્બે ચરણમાં વિભાજિત કરાઈ છે અને બંને પંક્તિમાં પહેલા ચરણના અંતે ‘લગા’ અને બીજા ચરણના અંતે ‘ગાલ’ પ્રમાણે માત્રા પણ કવિએ જાળવી છે. હા, બંને ચરણમાં અનુક્રમે હોવી જોઈતી ૧૩-૧૧ માત્રાઓ બધે જળવાઈ નથી એ અલગ વાત છે, પણ કવિને મન પ્રચલિત દોહા લખવા કરતાં ગીત લખવાનું પ્રાધાન્ય વિશેષ હોવાથી આ નિર્વાહ્ય ગણી શકાય.

Comments (2)

(વ્હાલીનાં વધામણાં લો કે!) – હેમાક્ષી શાહ ‘હેમી’

વીજળીના ચમકારા, ફૂંકાતો વાયરો બારી ને બારણાંઓ ઠોકે,
સાંકળથી જકડેલાં ખડકી-કમાડ તમે ખોલવાનો સંદેશો દો કે!

પીડા છે પાંગરી અંગોમાં, ઉપરથી ટહુકાઓ શૂળ મહી ભોંકે,
વર્ષાની હેલી એ ભીંજાતા હૈયાને ઉંબરની ઠેસ કંઈ રોકે!

દોડીને જાતું એ વાદળની હેઠે કે કોઈ ભલે રોકે કે ટોકે,
નાચી એ ઉઠ્યું છે ઊભી બજારમાં મરજાદા મેલીને ચોકે !

આંસુની બુંદો પર આશાનાં કિરણોથી રંગાતું મેઘધનુષ ઝોંકે,
બાંધીને બેઠો છે માનવ તો માયામાં માળા પણ ધોરીડા ડોકે,

સાદ મને દીધો છે રંગો તરંગોમાં ઉમટીને અણદીઠા કો’કે,
લાગે છે મુજને કે વાદળની ઓથે રહી જોતા છૂપાઈ, તમે છો કે?

પહોંચુ એ દુનિયામાં દૃષ્ટિની પાર, મુજ ઘેલીનું કામ નહિ જો કે,
ખાંગી કરીને પલાળો તો પૂરી ને વરસી વ્હાલીનાં વધામણાં લો કે!

– હેમાક્ષી શાહ ‘હેમી’

કવયિત્રીનું નામ મારા માટે સાવ નવું, પણ દિવ્ય ભાસ્કરની મધુરિમા પૂર્તિમાં આ ગીત વાંચતાવેંત દિલને સ્પર્શી ગયું. બબ્બે પંક્તિના છ યુગ્મક અને બારેબાર પંક્તિમાં સળંગ એક જ ચુસ્ત પ્રાસનિયોજના હોવાના કારણે ગીત વધુ હૃદ્ય બન્યું છે. કેટલીક પંક્તિમાં પ્રાસ આયાસપૂર્વક લવાયો છે એ જો ટાળી શકાયું હોત તો રચના વધુ ઓપી હોત… પણ નવી કલમો પાસેથી આ પ્રકારની જરા હટ કે રચનાઓ સાંપડે છે એ જોઈને ગુજરાતી કવિતાના ભવિષ્ય બાબતે સહેજસાજ નચિંત થઈ શકાય છે એનો આનંદ…

(ધોરીડો=બળદ)

Comments (24)