માર્ગ લઈ નવો તું જો ચાલ ચાલ રાખશે
ચાલ પડશે એ રીતે, જગ પછીતે ચાલશે
- વિવેક મનહર ટેલર

(માણવા જેવો હતો) – ભાવિન ગોપાણી

મને પાગલ બનાવી મારવા જેવો હતો,
હજી થોડો વધારે ચાહવા જેવો હતો.

બધી વાતે ખુલાસો ટાળવા જેવો હતો,
સમજદારીને મોકો આપવા જેવો હતો.

તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા,
એ કાગળ ખાનગીમાં વાંચવા જેવો હતો.

હું માનું છું, બહુ ખોટું થયું, છુટ્ટા પડ્યા,
એ માને છે કે છેડો ફાડવા જેવો હતો.

હતો પાતાળને લાયક, મળ્યું આકાશ છે,
ઉછાળ્યો છે, જે કિસ્સો દાટવા જેવો હતો.

તમે ભગવાનની તસવીર ટાંગી ભીંત પર?
તમારે તો અરીસો ટાંગવા જેવો હતો.

ન ફરક્યું સ્મિત ને ફરક્યું તો લાંબું ના ટક્યું,
ઉદાસી પર ભરોસો રાખવા જેવો હતો.

અમુકને તેડવા મજધારમાં પહોંચી ગયો!
કિનારાને કિનારે બાંધવા જેવો હતો.

ઊઠ્યો પડદો અને નાટક થયું એવું શરૂ,
હવે લાગે છે પડદો માણવા જેવો હતો.

– ભાવિન ગોપાણી

કવિના વધુ એક ગઝલ સંગ્રહ ‘ઓસરી’નું લયસ્તરોના આંગણે પ્રેમપૂર્વક સ્વાગત કરીએ…

સરળ ભાષામાં સરસ ગઝલ કઈ રીતે કહી શકાય એ જાણવું હોય તો આ કવિ પાસે આવવું રહ્યું. આજે મોટાભાગના ગઝલકાર જ્યાં પાંચ શેર પર અટકી જાય છે, ત્યાં પરંપરાના શાયરો સાથે કોઈ પરાપૂર્વનો નાતો ન હોય એમ લાંબી ગઝલ આપવામાં, શક્ય કાફિયાઓનો કસ કાઢવામાં આ ગઝલકાર અચકાતા નથી. નવ શેરની નવસેરા હાર જેવી મજાની ગઝલ સાથે શાયરને સત્કારીએ…

9 Comments »

  1. Varij Luhar said,

    July 18, 2025 @ 11:44 AM

    વાહ

  2. દિપક વૈષ્ણવ said,

    July 18, 2025 @ 1:50 PM

    વાહ!

  3. Riyaz Langda said,

    July 18, 2025 @ 3:11 PM

    વાહ!

  4. Dr Margi Doshi said,

    July 18, 2025 @ 5:36 PM

    સરળ છતાં સુંદર ગઝલ 👌👌

  5. Dipak Peshwani said,

    July 18, 2025 @ 6:41 PM

    વાહ.. પ્રિય ગઝલકારની અદ્ભુત ગઝલ…

  6. Binita said,

    July 18, 2025 @ 10:24 PM

    વાહ વાહ

  7. Bhavdip Vaghela said,

    July 19, 2025 @ 12:24 AM

    ગઝલની શરૂઆતથી જ કવિ મૃત્યુની અને ચાહતની પરાકાષ્ઠા ઓળંગી જાય છે. અતિ પ્રિય ગઝલ.

  8. જયેશ ભટ્ટ said,

    July 19, 2025 @ 11:35 AM

    વાહ

  9. જયેશ ભટ્ટ said,

    July 19, 2025 @ 11:36 AM

    વાહ, કાફિયા પાસે સરસ કામ લઈ રહ્યા છે કવિશ્રી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment