સૂરજમુખી – ચંદ્રકાન્ત શાહ
ત્રણ ને દસની સ્ટૅમ્પ લગાડી પોસ્ટ કરું છું
સ્ટૅમ્પ જોઈને ધાર, હશે આ કાગળમાં શું?
ત્રણ ને દસમાં આવે આખો ગ્રંથ
ઘણા ફોટાઓ બ્લૅક ઍન્ડ વ્હાઇટ
શું બૉક્સમાં તાજી-માજી કુકીઝ
આવે પાર્સલ પિન્ક રિબન બાંધેલું ટાઇટમ્ ટાઇટ
બીજી થોડી વધુ સ્ટૅમ્પ ચોંટાડી, આ લે, હું આવું છું—
સૂરજમુખી થઈ કાગળમાં આવે ક્યારેક
સહિયારો સોનેરી કૂણો સમય સાવ અકબંધ
કોકો શનેલ જેવી આવે
તું આવ્યાની કાચી પાકી સુગંધ
કાગળ લખવા જેટલું અંતર કાપી, ત્રણ ને દસની કોફી પીશું
સ્ટૅમ્પ જોઈને ધાર, હશે આ કાગળમાં શું?
– ચંદ્રકાન્ત શાહ
એક જમાનો હતો જ્યારે આપણે પત્ર લખતા હતા કોઈનો પત્ર આવશે એ આશામાં રોજ ટપાલીની કાગડોળે રાહ પણ જોતા હતા. પણ આજે આપણી વચ્ચે એક એવી પેઢી શ્વાસ લઈ રહી છે, જેણે જીવનમાં એકેય ટપાલ લખી જ ન હોય. ચંદુના હુલામણા નામથી જાણીતા ડાયાસ્પોરા કવિ ચંદ્રકાન્ત શાહ રુઢ કાવ્યધારાથી સદૈવ ઉફરા ચાલ્યા છે. પ્રસ્તુત ગીત એનો એક દાખલો છે. ત્રણ ને દસની ટિકિટ ચોડીને કવિએ પત્ર તો મોકલ્યો છે, પણ સામા પાત્રને આહ્વાન પણ આપ્યું છે કે ટિકિટ જોઈને અંદર શું હશે એ ધારી બતાવ. એક જાણીતો શેર યાદ આવે: ‘आदमी पहचाना जाता है क़याफ़ा देख कर, ख़त का मज़मूँ भाँप लेते हैं लिफ़ाफ़ा देख कर।‘ ત્રણ ડોલર ને દસ સેન્ટમાં બીજું શું શું થઈ શકે એની યાદીની સમાંતરે કવિએ મજાના ગીતની ગૂંફણી કરી છે… ગીતની અડખેપડખે બેસીને ભાવની કોફી પીતાં પીતાં કવિતાની કાચી પાકી સુગંધથી તર થઈએ…


Parulnayak said,
July 19, 2025 @ 11:23 AM
પરબીડિયું ખોલ્યું ના હોય અને ધારણાથી આખું આયખું મઘમઘે એ સમય અને રૂબરૂ મુલાકાત માટે તાલાવેલી ખૂબ જ સરસ રીતે ઉજાગર કરી છે.જો કે હવે આ પ્રતિક્ષા, ધારણા બધું જ હાથવગું છે.
Bhavna Sonaiya said,
July 19, 2025 @ 11:25 AM
વાહ… પોસ્ટ કાર્ડ અને આંતરદેશીયનાં એ જૂનાં દિવસો યાદ આવી ગયાં. ખૂબ સુંદર ગીત.
Varij Luhar said,
July 19, 2025 @ 11:26 AM
સરસ કાવ્ય
Dina Chhelavda said,
July 19, 2025 @ 11:40 AM
વાહ.. ખૂબ સરસ ગીત
વિજય રાજ્યગુરુ said,
July 19, 2025 @ 11:51 AM
સરસ
Prutha Mehta-Soni said,
July 19, 2025 @ 12:02 PM
હવે દંતકથા જેવી લાગશે આ કવિતા!
Hiren K Mungla said,
July 19, 2025 @ 12:59 PM
સ્વપ્ન સમું ગીત
Nirali shah said,
July 19, 2025 @ 2:56 PM
વાહ,ખૂબ સરસ ગીત, ત્રણ ડોલર અને દસ સેન્ટમાં કેટલું બધું આવી શકે એ ખૂબ સરસ રીતે કવિએ વણી લીધું છે ગીતમાં.
Nirali shah said,
July 19, 2025 @ 2:58 PM
વાહ,ખૂબ સરસ ગીત, ત્રણ ડોલર અને દસ સેન્ટમાં કેટલું બધું આવી શકે એ ખૂબ સરસ રીતે કવિએ વણી લીધું છે ગીતમાં. આજકાલના ફેસબુક ને વ્હોટ્સએપ પર જીવતા પ્રેમીઓને પણ પ્રેમપત્રના જમાનાની ઝાંખી કરવી દીધી.
વ્રજેશ મિસ્ત્રી said,
July 19, 2025 @ 6:22 PM
યે ભી ખૂબ