શોકનો માયો તો મરશે ન તમારો 'ઘાયલ',
હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં !
ઘાયલ

અદલાબદલી – હરદ્વાર ગોસ્વામી



અમે
એકબીજાની જાતની અદલાબદલી કરી.
હું એનું જીવન જીવવા લાગ્યો
અને એ મારું.
બહુ સારું લાગ્યું.
એની જાતમાં હું રમમાણ હતો.
મારા સિવાય એની હયાતીમાં કોઈ બીજું નામ ન હતું.
મારા ઘરના બધા લોકો માટે પણ
એને સદ્ભાવ અને સમભાવ હતો.
‘ઈગો’ને બદલે ‘લેટ ગો’ને પ્રાધાન્ય આપ્યું.
હું એનો આશિક હતો
પણ આ અદલાબદલી પછી તો
સાત જનમનો દીવાનો થઈ ગયો.

આજે અમારે જાત બદલવાની હતી
હું એને ચોખ્ખું કહેવાનો છું કે
તારી જાત પાછી નહીં આપું.
એ મળી
હું કંઈ કહું એ પહેલાં તો
એણે ફટાફટ જાત બદલાવી
અને
જતાં જતાં કહેતી ગઈ
સાત જનમ સુધી ન મળતા…

– હરદ્વાર ગોસ્વામી

લયસ્તરો પર કવિના નવ્ય કાવ્યસંગ્રહ ‘અઢી ફૂટનું આકાશ’નું સહૃદય સ્વાગત છે…

સ્ત્રી-પુરુષના સ્વભાવ અને વ્યક્તિત્વની વિસંગતતા વિશે ઘણું લખાયું છે, પણ અહીં જે કુમાશથી આખી વાત રજૂ થઈ છે એ અલગ જ છે. સરળતમ ભાષામાં કવિએ જે કવિકર્મ કરી બતાવ્યું છે એ કાબિલ-એ-દાદ છે. પતિ અને પત્ની બંને મનમરજીથી જાતની અદલાબદલી કરે છે. પુરુસઃ સ્ત્રીનું જીવન જીવવું શરૂ કરે છે અને સ્ત્રી પુરુષનું. પુરુષને એ તો ખ્યાલ આવે છે કે સ્ત્રી એકીસાથે કેટકેટલા મોરચા સાચવતી હતી અને કેટકેટલા સંબંધોમાં પ્રાણ સીંચતી હતી. પુરુષ પહેલાં પણ એનો દીવાનો હતો જ. સ્ત્રીના આંતરમનના પ્રવાસ બાદ આ દીવાનગી પરાકાષ્ઠાએ પહોંચી ગઈ, પણ પુરુષ આ તબક્કે પણ પોતાની મર્યાદાઓ, પોતાની ખામીઓ, પોતાની ખરાબીઓને ઓળખી શકતો નથી એ વિડંબના શબ્દોની વચ્ચેની ખાલી જગ્યામાં સફળતાપૂર્વક છૂપાવી દઈને કવિએ મુખર લાગતી કવિતાના કાવ્યતત્ત્વને સુપેરે ઉજાગર કરી બતાવ્યું છે. કવિતાનો અંત કોઈપણ સંવેદનશીલ પુરુષને (જો એ સંવેદનશીલ હોય તો!) હચમચાવી દેવા માટે સક્ષમ છે.

13 Comments »

  1. વ્રજેશ મિસ્ત્રી said,

    July 17, 2025 @ 12:30 PM

    જોરદાર.. ભાઈ.. હરદ્વાર… જોરદાર… અદભુત… વિવેકભાઈને અભિનંદન.. સરસ રચના લાવ્યા

  2. Shilpa bhavsar said,

    July 17, 2025 @ 12:33 PM

    ખૂબ જ સરસ અને સરળ ભાષામાં મનોભાવ પ્રગટ થયા છે.

  3. હરદ્વાર ગોસ્વામી said,

    July 17, 2025 @ 12:35 PM

    વિવેકભાઈ, આભારી છું… મારી કવિતાને યોગ્ય રીતે ખોલી આપી… પ્રતિભાવપ્રેમ માટે સૌ મિત્રો અને મુરબ્બીઓનો પણ આભાર.. લયસ્તરોનો લાગણી પહોંચે…

  4. Nirja parekh said,

    July 17, 2025 @ 12:50 PM

    વાહ અને બસ વાહ..બીજું કશું જ કહેવાનું બાકી ન રહ્યું

  5. યોગેશ પંડ્યા said,

    July 17, 2025 @ 12:57 PM

    ખૂબ જ સરસ કવિતા!
    સ્ત્રી અને પુરુષના આંતરમનને કવિનું કાવ્યકર્મ ખૂબ રોમાંચક છે.કેટલી ભિન્ન ભિન્ન છબીઓ ઉપસ્થિત થાય છે.હરદ્વાર ની એક અલગ બાની છે.તેમની કવીતાઓ ધીમે ધીમે ઝમે છે.અભિનંદન કવિ ને..અને વિવેકભાઈ આપનો આભાર..💐

  6. અસ્મિતા said,

    July 17, 2025 @ 1:08 PM

    કાંઈક નવું….

  7. Raksha shukla said,

    July 17, 2025 @ 3:03 PM

    યે બાત… હરદ્વાર અને વિવેકભાઈ બંને માટે ગૌરવ…👌🏻👍🏻🌹

  8. જયેશ ભટ્ટ said,

    July 17, 2025 @ 4:01 PM

    વાહ

  9. Sejal Desai said,

    July 17, 2025 @ 4:21 PM

    વાહ..ખૂબ સરસ અભિવ્યક્તિ

  10. Dipak Zala said,

    July 17, 2025 @ 4:24 PM

    ચોટદાર અને માર્મિક

  11. gaurang thaker said,

    July 17, 2025 @ 4:44 PM

    વાહ…

  12. Hiren K Mungla said,

    July 17, 2025 @ 7:19 PM

    સુંદર અભિવ્યક્તિ .

  13. Ramesh Maru said,

    July 19, 2025 @ 8:08 PM

    વાહ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment