લાંબો આ રાહ ને વળી પડછાયાનાં વનો,
માથે સ્મરણનો ભાર, હજી એકલો છું હું.
– ધર્મેશ ભટ્ટ

(વ્હાલીનાં વધામણાં લો કે!) – હેમાક્ષી શાહ ‘હેમી’

વીજળીના ચમકારા, ફૂંકાતો વાયરો બારી ને બારણાંઓ ઠોકે,
સાંકળથી જકડેલાં ખડકી-કમાડ તમે ખોલવાનો સંદેશો દો કે!

પીડા છે પાંગરી અંગોમાં, ઉપરથી ટહુકાઓ શૂળ મહી ભોંકે,
વર્ષાની હેલી એ ભીંજાતા હૈયાને ઉંબરની ઠેસ કંઈ રોકે!

દોડીને જાતું એ વાદળની હેઠે કે કોઈ ભલે રોકે કે ટોકે,
નાચી એ ઉઠ્યું છે ઊભી બજારમાં મરજાદા મેલીને ચોકે !

આંસુની બુંદો પર આશાનાં કિરણોથી રંગાતું મેઘધનુષ ઝોંકે,
બાંધીને બેઠો છે માનવ તો માયામાં માળા પણ ધોરીડા ડોકે,

સાદ મને દીધો છે રંગો તરંગોમાં ઉમટીને અણદીઠા કો’કે,
લાગે છે મુજને કે વાદળની ઓથે રહી જોતા છૂપાઈ, તમે છો કે?

પહોંચુ એ દુનિયામાં દૃષ્ટિની પાર, મુજ ઘેલીનું કામ નહિ જો કે,
ખાંગી કરીને પલાળો તો પૂરી ને વરસી વ્હાલીનાં વધામણાં લો કે!

– હેમાક્ષી શાહ ‘હેમી’

કવયિત્રીનું નામ મારા માટે સાવ નવું, પણ દિવ્ય ભાસ્કરની મધુરિમા પૂર્તિમાં આ ગીત વાંચતાવેંત દિલને સ્પર્શી ગયું. બબ્બે પંક્તિના છ યુગ્મક અને બારેબાર પંક્તિમાં સળંગ એક જ ચુસ્ત પ્રાસનિયોજના હોવાના કારણે ગીત વધુ હૃદ્ય બન્યું છે. કેટલીક પંક્તિમાં પ્રાસ આયાસપૂર્વક લવાયો છે એ જો ટાળી શકાયું હોત તો રચના વધુ ઓપી હોત… પણ નવી કલમો પાસેથી આ પ્રકારની જરા હટ કે રચનાઓ સાંપડે છે એ જોઈને ગુજરાતી કવિતાના ભવિષ્ય બાબતે સહેજસાજ નચિંત થઈ શકાય છે એનો આનંદ…

(ધોરીડો=બળદ)

24 Comments »

  1. Kiran Jogidas said,

    July 3, 2025 @ 11:52 AM

    ખરેખર ખૂબ સુંદર રચના છે.મને ગર્વ અને ખુશી છે કે આ કવયિત્રી અમારા ભરૂચના છે.

    હેમાક્ષીબેન ખૂબ સરસ લખે છે.

  2. રાજેન્દ્ર મહેરા said,

    July 3, 2025 @ 12:01 PM

    આનંદ..આનંદ..ખૂબ સરસ ગીત

  3. Barin Dixit said,

    July 3, 2025 @ 12:06 PM

    ખૂબ સરસ ગીત. છેક થી છેક સુધી વરસાદ પણ અંતિમબંધ માં વરસાદ મોકલનાર ની પાસે પહોંચી જવાની તાલાવેલી સરસ વર્ણવી છે.

  4. રેણુકા દવે said,

    July 3, 2025 @ 12:37 PM

    વાહ ભાઈ વાહ….ખૂબ સરસ મજાનું લયમાં વહી જતું ગીત…ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ

  5. કિશોર બારોટ said,

    July 3, 2025 @ 1:36 PM

    ઉજળી આશા જગાવનારી કલમનું સ્વાગત છે. 🌹

  6. Riyaz Langda said,

    July 3, 2025 @ 2:31 PM

    સરસ ગીત…👌👌

  7. Shabnam khoja said,

    July 3, 2025 @ 2:35 PM

    વાહ સરસ રચના છે.. ગમી.. કવયિત્રીને અભિનંદન ✨

  8. Jatin parmar said,

    July 3, 2025 @ 3:24 PM

    ખૂબ સરસ ગીત રચના અભિનંદન ઘણી ખુશી થઈ્

  9. Hemaxi Shah said,

    July 3, 2025 @ 3:36 PM

    ખૂબ ખૂબ ધન્યવાદ.
    આ રચનાને લયસ્તરો પર મીઠો આવકાર મળ્યો તેનો અઢળક આનંદ.
    પ્રતિભાવ આપનાર આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.

  10. Dr Margi Doshi said,

    July 3, 2025 @ 4:28 PM

    ખૂબ પ્રવાહિત ગીત રચના. . મજા પડી ગઈ

  11. Vishal shah said,

    July 3, 2025 @ 5:30 PM

    ખુબ સરસ રચના, ખુબ ખુબ અભિનંદન

  12. pratixa gohil said,

    July 3, 2025 @ 6:51 PM

    ખુબ સુંદર રચના, આગળ વધવાની ખૂબ શુભકામનાઓ

  13. Ramubhai Shankarbhai Vasava said,

    July 3, 2025 @ 6:52 PM

    ખૂબ સરસ રચના છે, ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ સહ.

  14. pratixa gohil said,

    July 3, 2025 @ 6:52 PM

    ખુબ સુંદર કાવ્ય રસાસ્વાદ.આગળ વધવાની ખૂબ શુભકામનાઓ

  15. Bharat Trivedi said,

    July 3, 2025 @ 7:47 PM

    આવાં સારાં ગીત ખરાબ ગીત કેટલાં ખરાબ હોય છે તેની સમજ આપતાં હોય છે . વિવેકભાઈ કલા પારખું છે .

  16. મહેબૂબ ઈખરવી said,

    July 3, 2025 @ 9:59 PM

    વાહ વાહ વાહ….
    ખૂબ સરસ.
    અભિનંદન

  17. Rita Patel said,

    July 4, 2025 @ 5:52 AM

    ખૂબ સુંદર રચના
    અભિનંદન.

  18. Shailesh Gadhavi said,

    July 4, 2025 @ 2:17 PM

    વાહ, સરસ રચના, અભિનંદન 💐

  19. Mittal Makwana said,

    July 4, 2025 @ 9:38 PM

    ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ સુંદર

  20. યોગેશ પંડ્યા said,

    July 5, 2025 @ 1:25 PM

    લય ના ઊંડા વહેણ માં ધસમસતા શબ્દો !

    ગીત જાણે હુબહુ ચોમાસું !
    નવી પણ સશક્ત કલમ..
    ઉપમા ,અલંકાર અને કલા ની અદ્ભૂત રંગ પંચમી!
    કવયિત્રી ને ખૂબ ખૂબ અભિનંદન..💐💐

  21. વ્રજેશ મિસ્ત્રી said,

    July 5, 2025 @ 1:32 PM

    સરસ.. આવકાર..

  22. Hatim Thathoa said,

    July 8, 2025 @ 6:38 PM

    I get only in English . Could you help me so it comes in Gujarati?
    When I like to make comment it always appears “you have been commented!!”Vivek sir since 15 years I am fan of lai staro. At the age 86 no way to use mobile that much!!

  23. વિવેક said,

    July 8, 2025 @ 6:45 PM

    @ હાતિમભાઈ:

    દોઢ દાયકાથી લયસ્તરો સઆથે જોડાયેલ રહેવા બદલ આપનો આભાર… મોબાઇલના સેટિંગમાં ભૂલથી અંગ્રેજીનો વિકલ્પ પસંદ કરાઈ ગયો હોવાથી આવી સમસ્યા સર્જાઈ હશે. કોઈક મોબાઇલના જાણકાર યુવાનની મદદ લઈને આ સેટિંગ બદલાવવું રહ્યું… એ ન કરી શકાય તો નવું બ્રાઉઝર વાપરી જુઓ. ગૂગલના બદલે ફાયરફોક્સ કે ક્રોમ પણ વાપરી શકાય. આઇફોન હોય તો સફારી પણ વાપરી શકો.

    આભાર

  24. Poonam said,

    July 12, 2025 @ 7:11 PM

    આંસુની બુંદો પર આશાનાં કિરણોથી રંગાતું મેઘધનુષ ઝોંકે,
    બાંધીને બેઠો છે માનવ તો માયામાં માળા પણ ધોરીડા ડોકે,
    – હેમાક્ષી શાહ ‘હેમી’ – Waah !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment