ચોમાસુ બેઠું,
ને ઉપરથી સળવળતું સત્તરમું બેઠું છે કાંખમાં,
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.
– મયૂર કોલડિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for May, 2019

ઉમા-મહેશ્વર – રામનારાયણ વિ. પાઠક

(શિખરિણી)

‘અરે ભોળા સ્વામી ! પ્રથમથી જ હું જાણતી હતી,
ઠગાવાના છો જી જલધિમથને વ્હેંચણી મહીં.
જુઓ ઇન્દ્રે લીધો તુરગમણિ ઉચ્ચૈ:શ્રવસ, ને
વળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો;
લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમ સમ લીધો શંખ ધવલ,
અને છૂટો મૂક્યો શશિયર સુધાનાં કિરણનો.
બધાએ ભેગા થૈ અમૃત તમને છેતરી પીધું
અને- ‘ભૂલે ! ભૂલે અમૃત, ઉદધિનું વસત શી ?
રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની !’
‘રહો જોયા એ તો, જગ મહીં બધે છેતરાઈને
શીખ્યા છો આવીને ઘરની ધરૂણી એક ઠગતાં.
બીજું તો જાણે કે ઠીક જ. વિષ પીધું ક્યમ કહો ?’
‘બન્યું એ તો એવું, કની સખી ! તહીં મંથન સમે,
દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને,
અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો,
મને મારા કંઠે મન થયું બસ્ એ રંગ ધરવા,-
મૂકી જો, આ બાહુ ઘન મહીં ન વિદ્યુત્ સમ દીસે ?’
તહીં વિશ્વે આખે પ્રણયઘન નિ:સીમ ઊલટ્યો;
અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું !

-રામનારાયણ વિ. પાઠક

દેવો અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્રમંથન કર્યું અને વિષ સહિત ચૌદ રત્નો પ્રાપ્ત થયા. ઐરાવત હાથી, ઉચ્ચૈઃશ્રવા ઘોડો, કલ્પવૃક્ષ, અપ્સરા રંભા તથા પારિજાત વૃક્ષ ઇન્દ્રએ લઈ લીધા, કામધેનુ ગાય ઋષિઓ લઈ ગયા, લક્ષ્મી દેવી, કૌસ્તુભમણિ, પંચરત્ન શંખ વિષ્ણુએ કબ્જે કર્યા, વારૂણીદેવી અસુરોએ રાખ્યાં, ચંદ્રમા વિહાર પર નીકળ્યા જેને પાછળથી શિવે જટા પર ધાર્યા, ધન્વન્તરી વૈદ્ય સ્વર્ગલોકમાં રહ્યા અને અમૃત માટે આખરે બધા લડી પડ્યા. હળાહળ વિષ લેવા કોઈ તૈયાર નહોતું, એ માટે ભોળા ભગવાન શંભુએ આગેકદમ કર્યા અને વિષ પીને ગળામાં ધારી લીધું અને નીલકંઠ તરીકે ઓળખાયા.

ભોળા શંભુને દેવતાઓ ઉલ્લુ બનાવી ગયા એ બાબતમાં પાર્વતી એમને વઢતા હોય એવી કલ્પનાને વિષય બનાવીને મજાનું સૉનેટ કવિ અહીં લઈ આવ્યા છે. પહેલી પંક્તિમાં જ ભોળા સ્વામી કહીને એ ઉધડો લે છે અને જેને હોઠે તમારા (પાર્વતીના) હોઠોની અનુપમ સુધાની તરસ વસતી હોય એ બીજા અમૃતની પરવા શીદ કરે એમ કહીને શિવ પોતાનો બચાવ પણ કરે છે અને પાર્વતીને મસકા પણ મારે છે. પણ પાર્વતી પણ કાચાં નથી. એ કહે છે, રહો હવે! તમને એક ઘરવાળીને જ ઠગતા આવડે છે. બીજું બધું છોડીને ઝેર જ કેમ પીધું એનો ખુલાસો કરો. ભોળાનાથ ખુલાસો કરતાં કહે છે કે સમુદ્રમંથન સમયે સાગરમાં સૂતેલા વિષ્ણુના કંઠે લક્ષ્મીનો હાથ એવો સોહી રહ્યો હતો કે મને પણ કાળો રંગ ધારવાનું મન થયું એટલે મેં ઝેર ગટગટાવીને ગળું શ્યામ કર્યું. હવે આ કાળા ગળા ઉપર આપનો હાથ કેવો વીજળી જેવો સુંદર લાગશે!

પાર્વતી પણ આખરે તો સ્ત્રી જ હતાં. એ શિવને વળગી પડે છે અને એ આશ્લેષમાં જગતભરનું વિષ સાર્થકત્વ પામે છે… કેવી મજાની વાત!

Comments (2)

(રહેવા દે) – ગૌરાંગ ઠાકર

ફક્ત જાગી જા, ત્યાગ રહેવા દે,
તું બધે તારો ભાગ રહેવા દે.

જાય છે તો બધું જ લઇ જા, પણ
આ સ્મરણનો વિભાગ રહેવા દે.

ઢાંક ચહેરો, ક્યાં તો બુઝાવ દીવો,
એક સ્થળે બે ચિરાગ, રહેવા દે.

કોઇ વંટોળને કહી દો કે,
ફૂલ ઊપર પરાગ રહેવા દે.

તું હૃદયથી જ કામ લઈ લે બસ,
ચાહવામાં દિમાગ રહેવા દે.

આગ હૈયામાં લાગી હો તો લખ,
માત્ર લખવાની આગ રહેવા દે.

– ગૌરાંગ ઠાકર

મજાની ગઝલ. છેલ્લો શેર તો દરેક સર્જકે પોતાના ડેસ્ક પર ચોવીસ કલાક નજર સામે જ રાખવા જેવો…

Comments (6)

એક પંક્તિ ખૂબ રખડાવી ગઈ – હર્ષ બ્રહ્મભટ્ટ

એક પંક્તિ ખૂબ રખડાવી ગઈ,
કેટલો ઊલટાવી – સુલટાવી ગઈ.

સાવ ખાલી આંખનું કેવું ગજું,
ચોતરફ બધ્ધુંય છલકાવી ગઈ.

કો’ક જન્મે આપણે પંખી હશું,
લાગણીઓ પાંખ ફફડાવી ગઈ.

જિંદગી આખી ગઝલ લખતો રહ્યો,
વાત જે ચુપકીદી સમજાવી ગઈ.

કેટલા, કેવા ખજાના નીકળ્યા ?
યાદ તાળાં એમ ઉઘડાવી ગઈ.

-હર્ષ બ્રહ્મભટ્ટ

Comments (2)

ત્રિપદી – ઉદયન ઠક્કર

એક કલરવતી કેડી પર ચાલ્યા
હાં રે ગમતાને હારે રાખી ને
જો ઇશારાની એડી પર ચાલ્યા !

એક ઠેસે કમાડ ખોલીને
ઝીણું ઝરણું રણક ઝણક ચાલ્યું
પહાડ જેવો પહાડ ખોલીને !

કેટલી ખુશખુશાલ જગ્યા છે !
પીપળે હીંચવું કે આંબલિયે ?
એ વિના ક્યાં કોઈ સમસ્યા છે…

ના કોઈ ભીંસ ના કોઈ અડચણ
કંઠમાં વાયરાની વરમાળા
આંખમાં ઓસબિંદુનું આંજણ

વાયરામાં વહી જતા પહાડો
જોઈને ખીણના વળાંકોને
પાણીપાણી થઈ જતા પહાડો !

હે જી ઝીણાં ઝરણ મળી આવ્યાં
ટહેલતાં ટેકરીએ અલગારી
સોનવર્ણા સ્મરણ મળી આવ્યા !

– ઉદયન ઠક્કર

Comments (3)

ચુંબન – સારા ટિસડેલ (અનુ.: વિવેક મનહર ટેલર)

આશ હતી એ મને ચાહશે,
ને એણે ચૂમ્યું મુજ મુખ,
પણ હું જાણે ઘાયલ પંખી
દખ્ખન ન પહોંચું એ દુઃખ

જાણું છું એ મને ચાહે છે,
આજ રાત દિલ તો પણ ખિન્ન;
ચુંબન એવું નહોતું અદભુત,
જોયેલ સૌ સ્વપ્નોથી ભિન્ન.

– સારા ટિસડેલ
(અનુ.: વિવેક મનહર ટેલર)

પ્રથમની તો વાત જ અલગ. પ્રથમ શાળા, પ્રથમ સાઇકલ, પ્રથમ કાર, પ્રથમ પ્રેમ, પ્રથમ ચુંબન, પ્રથમ ઘર, પ્રથમ બાળક – પહેલું એ કાયમ પહેલું જ રહેવાનું. અજોડ અને અનન્ય. સર્વોત્તમ. પણ ધમધોકાર તૈયારી બાદ મળેલું ‘પહેલું’ તમારી અપેક્ષા પર ખરું ન ઊતરે તો? તો શું થાય? સારા ટિસડેલની આ કવિતા આવી ‘પહેલા’ની નિષ્ફળતાની જ વાત કરે છે, કેમકે પૂર્વાનુભૂતિનો હાથ અનુભૂતિથી હંમેશા ઉપર જ રહેવાનો…

કવિતાના વિશદ રસાસ્વાદ માટે અહીં ક્લિક કરવા નમ્ર અનુરોધ છે.

The Kiss

I hoped that he would love me,
And he has kissed my mouth,
But I am like a stricken bird
That cannot reach the south.

For though I know he loves me,
To-night my heart is sad;
His kiss was not so wonderful
As all the dreams I had.

– Sara Teasdale

Comments

મોચી – ઉદયન ઠક્કર

મારા રોજના રસ્તા ઉપર એક મોચી
કૅન્સલ થયેલા બસસ્ટૉપની જેમ બેઠો છે
સ્મિતની રેખાઓ તેના ચહેરા પરથી
ચપ્પલના અંગૂઠાની જેમ વરસોથી
ઊખડી ગઈ છે
રસ્તાને ખૂણે મોચી
વીરગતિ પામનારના પાળિયા પેઠે
ખોડાઈ ગયો છે
અને જીવન ચંચળ પગલે ચાલ્યું જાય છે

તે ઊભો થાય ત્યારે
ધનુષ્યાકાર પીઠને કારણે બેઠેલો લાગે છે
ઘરાકોને અને દિવસોને
તે આવે તેવા
સમારતો જાય છે
ચોમાસામાં છિદ્રો પડેલા નસીબ નીચે
પડ્યો રહી
જૂતા સાથે પેટે ટાંકા લે છે

રાત્રે શરીરને બહેલાવવા જાય તો
બદનમાંથી બૂ આવતી હોવાથી
બજારભાવ કરતાં રૂા. ૨/- વધારે ચૂકવવા પડે છે

ફાજલ સમયમાં ચામડાની પેટી-બેટી બનાવતા રહી
પોતાની આવક ઉપર કેમ નથી લાવતો ?

પણ ના, જિંદગીના પગ પાસે બેસીને
નમ્ર થઈ ગયો છે
ઊંચે નજર કરી શકતો નથી

મોચીને નિવૃત્ત થવાની સવલતો અપાતી નથી
રસ્તાને ખૂણે તમને મોચી બેઠેલો ન દેખાય
તો સમજવું
કે જરા મોટા ગામતરે ગયો હશે.

– ઉદયન ઠક્કર

કવિનો કેમેરા માત્ર કુદરતના કે સ્ત્રીઓના સૌંદર્ય પૂરતો સીમિત હોતો નથી. એ સમાજના દરેક ખૂણામાં ફરી વળે છે અને અને એવા દૃશ્યો આપણી સમક્ષ તાદૃશ કરે છે, જે અન્યથા આપણે અચૂક ચૂકી જ જવાના હોઈએ. શહેરની ફૂતપાટ પર કોઈ બસસ્ટૉપ પાસે કે કોઈ ઝાડ નીચે અડ્ડો જમાવીને કોઈ મોચી બેઠો હોય અને બૂત-ચંપલ રિપેર કરીને રૂપિયા-બે રૂપિયાની આમદની કરી માંડ ગુજરાન ચલાવતો આપણે બધાએ જ લગભગ જોયો હશે પણ જ્યાં સુધી આપણી ચપ્પલની પટ્ટી તૂટી ન જાય કે બૂતમાં ખીલી ભોંકાય નહીં ત્યાં સુધી એના અસ્તિત્વ તરફ આપણે નજર નાંખતા નથી. એનું સ્થાન આપણા જીવનમાં કૅન્સલ થયેલા બસસ્ટૉપ જેવું છે. કવિ ઉદયન ઠક્કર મોચી વિશે એક અદભુત કાવ્ય લઈ આવ્યા છે. વિષય કરતાંય વિષયની માવજત એક સામાન્ય અવલોકનને ઉમદા કવિતાની કક્ષાએ લઈ જાય છે. અછાંદસ કવિતાઓને ડાબા હાથનો ખેલ ગણતા આજના કવિઓએ આ કવિતા પાસેથી અછાંદસ કવિતા કોને કહેવાય એના પાઠ ભણવા જોઈએ…

Comments (5)

ત્રુઠા.. ત્રુઠા – સંજુ વાળા

વિચારને વલોવી કરે પ્રયત્ન જૂઠા
એ તીર હોય તો પણ છે જન્મજાત બૂઠાં

જરાંક ઝીણવટથી તું કાન માંડી જો, તો
તને ય સંભળાશે બબડતાં બેઉં પૂઠાં

જગત છે કાચનું ઘર, સૌ ચીજ કાચની આ-
છે પોત તારું – મારું ય કાચ મુઠ્ઠેમૂઠા

હો પાંખની પ્રતીતિ ‘ને આભ માટે ઝંખા
હું શોધવાને આવ્યો છું પંખી એ અનૂઠાં

સ્વભાવગત્ ફકીરી મિજાજનો મહોત્સવ
એ રેવડી ય પામીને બોલે ત્રુઠા… ત્રુઠા

– સંજુ વાળા

કવિતા હોય કે વિચાર, જે સહજ આવે એ જ ઉત્તમ. વિચારોને વલોવી વલોવીને ખૂબ ઉમદા ભાષામાં પંડિતોય બે ઘડી માથું ખંજવાળતાં થઈ જાય એવું લખાણ કેમ ન કર્યું હોય, એ એટલું અસરદાર બનતું નથી, જેટલી અસરકારકતા સહજ અભિવ્યક્તિમાં જોવા મળે છે. આયાસવાળા વિચાર જન્મજાત બૂઠાં તીર જેવા હોય છે. છેલ્લા શેરમાં રેવડી પામીનેય પ્રસન્નતાની ડબલ રિસિપ્ટ આપતા ફકીરના મિજાજનો મહોત્સવ પણ સામેલ થવા જેવો છે. એકતરફ સ્વભાવગત ફકીરી છે અને એના મિજાજનો વળી મહોત્સવ- સમર્થ કવિને ભાષા વશવર્તી ચાલે છે તે આનું નામ…  અરે હા! વચ્ચેના ત્રણ શેર? એ બધાય સવાશેર છે… મમળાવી મમળાવીને માણો અને કહો કે ત્રુઠા.. ત્રુઠા…

Comments (4)

અવાજ જુદો! – રાજેન્દ્ર શુક્લ

જુદી જ તાસિર, અસર અલગ છે,
જુદી ભોમકા, અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે,
જુદી ગઝલ ને મિજાજ જુદો!

રસમ શબદની અહીં અનોખી,
અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે,
જુદી સમજ ને સમાજ જુદો!

જૂની પુરાણી અસલની ઓળખ,
અમે અકારણ જુદા ગણાયા,
અમારે મન તો ન કોઈ જુદું,
શું કરિયેં પામ્યા અવાજ જુદો!

મલક બધોયે ફરીફરીને
અહીં અચાનક મળ્યો વિસામો,
અમે અમારી સમીપ ઊભા,
નથી દરદથી ઈલાજ જુદો!

ગઝલ આખરી ગવાઈ રહી આ,
અહો ખમોશી છવાઈ રહી આ;
હું બંદગી યે કરું કિંહા લગ,
રહ્યો ન બંદાનવાજ જુદો!

– રાજેન્દ્ર શુક્લ

તમામ શેર સંકળાયેલા છે, પ્રથમ બે શેરમાં એક પશ્ચાદભૂ બને છે અને પછી મુદ્દો આવે છે – એકરૂપતા…..ભક્ત,ભક્તિ અને ભગવાન અલગ નથી એ realisation ઊભરે છે….

Comments

વેરી વૈશાખ….- તુષાર શુક્લ

વેરી વૈશાખ તારી કેવી રે શાખ
ના’વે નાહોલિયો, ના આવે મારી પાસ.
કોરું આકાશ, મારી ભીની રે આંખ
ના’એવ નાહોલિયો, ના આવે મારી પાસ….

સ્પર્શ્યાનું ફૂલ બની મહેક્યા કરે છે
મારી છાતીમાં તડકા બપોરનાં.
વ્હાલપનું વાદળ થઈ વરસ્યા કરે છે
મારાં ટેરવાં એ ટહૂકાઓ મોરના.
અંગમાં અનંગ રંગ ખેલાતા રાસ
તો ય ના’વે નાહોલિયો, ના આવે મારી પાસ…

ગુલમ્હોરી છાંયડાના તમને સોગંદ
હવે અંતરના અંતર ઓગાળો,
વીતેલા દિવસોની પીળચટ્ટી યાદોમાં
કેટલું રડે છે ગરમાળો !
પૂનમની ચાંદની થૈ રેલે અમાસ
તોય ના’વે નાહોલિયો, ના આવે મારી પાસ…

– તુષાર શુક્લ

Comments

નહિ રે વિસારું હરિ… – મીરાંબાઈ

નહિ રે વિસારું હરિ,
અંતરમાંથી નહિ રે વિસારું હરિ.

જલ જમુનાનાં પાણી રે જાતાં
શિર પર મટકી ધરી;
આવતાં ને જાતાં મારગ વચ્ચે
અમૂલખ વસ્તુ જડી. અતંરo

આવતાં ને જાતાં વૃન્દા રે વનમાં
ચરણ તમારે પડી;
પીળાં પીતાંબર, જરકસી જામા,
કેસર આડ કરી. અતંરo

મોરમુગટ ને કાને રે કુંડલ,
મુખ પર મોરલી ધરી;
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ,
વિઠ્ઠલવરને વરી. અતંરo

– મીરાંબાઈ

આજન્મ કૃષ્ણઘેલી મીરાં રાધાનો સ્વાંગ લઈને કેવી મજાની રીતથી કૃષ્ણને ચાહે છે! વાંચતાવેંત દિલને સ્પર્શી જાય એવી રચના છે…

Comments

ચાલને વાદળ થઈએ – ધ્રુવ ભટ્ટ

ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે
આપણામાં કોઈ હળ જોડે કે કોઈ બે જણા જાય ભીંજાતા ખેતરો ભણી જાય ભીંજાતાં વાવણી મિષે

આપણે તો આકાશ ભરીને આવવું અને છલકી જવું એવડું વનેવન
નાગડા નાતાં છોકરાંને જોઈ થાય તો આખા ગામને એની જેમ નાવાનું મન
હોય એવું તો થાય ગણીને આપણે તો બસ વરસી જાવું ગામને માથે સીમને માથે, ઉગમણે આથમણી દિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે

સાવ ધોળાં કે સાવ કાળાં જેમ ચાહીએ એવા ફૂલ-ગુલાબી રંગની રેલમછેલ
આપણી મોજે આપણાં ચિત્તર કાઢીએ એવું આયખું મળે દેહની તૂટે જેલ
આપણામાંથી આપણે તો બસ નીકળી જાવું ઝરમરીને કોઈ અજાણી ઝાકળ ઘેલી પાંદડી વિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે

– ધ્રુવ ભટ્ટ

ફરજિયાત ગાતા-ગાતાં વાંચવું પડે એવું ગીત. ગદ્યાળુ પઠન કરવા જાવ તો ગીતની મીઠાશ મરી પરવારવાની ગેરંટી.

Comments (2)

દુકાળ – રામચન્દ્ર પટેલ

સામે
સૂમસામ ઊભાં બુઠ્ઠાં ઝાડ,
પહાડ, ઉઘાડાં હાડ…
પથર પથરા પડ્યા ખખડિયાં નારિયેળ !

નદી તો,
કોક આદિવાસી કન્યાનું હાડખોખું
આંખો ફોડીને
ઊભી દિશાઓ,
વેળુ લઈને વાયરો ઊડે…

આભ
છાબ ભરી ભરીને નાંખે અંગારા
બળે પર્ણપીંછાં
વીંઝાય જટાયુ શો સીમવગડો
અહીં કોઈ અગ્નિમુખો ફરે…

પ્હેરો ભરે…
સૂર્યના હાથમાં આપીને ધારિયું !

– રામચન્દ્ર પટેલ

કવિ પણ એક રીતે ચિતારો છે. ચિતારો પીંછી અને રંગોથી સૃષ્ટિ સર્જે છે, કવિ કલમ અને શબ્દોથી. અહીં કવિ રામચન્દ્ર દુકાળનું જે શબ્દચિત્ર દોરી આપે છે, એ કોઈ રીતે ઉત્તમ ચિત્રકારની ઉમદા કળાકૃતિથી ઉતરતું નથી. નજર સામે ઝાડ બધા બુઠ્ઠાં થઈ ગયાં છે. પાંદડાંઓ બચ્યાં જ નથી એટલે કવિ સૂમસામ શબ્દ પ્રયોજી નીરવતા દોરી આપે છે. પહાડો બધા માંસ-મજ્જા ઉતરડી લેવાઈ હોય એમ લીલોતરી નંદવાઈ જવાના કારણે ખુલ્લા પડી ગયેલા હાડપિંજર જેવા ભાસે છે. નદી પણ હાડપિંજર જેવી જ….. સાવ ખાલીખમ. પથરાંઓ જાણે ઝાડ પરથી ખરેલાં નારિયેળ! દિશાઓ પણ જડ જેવી આંખો ફાડીને ઊભી છે. સૂકી ધૂળની ડમરીઓ ઊડાડતો વાયરો ફૂંકાય છે. આકાશમાંથી જાણે ટોપલે ટોપલે અંગારા વરસતા હોય એમ સૃષ્ટિ આખી સળગી રહી છે. સીમવગડાના ઝાડો જાણે અગ્નિમુખા રાવણ સામે લડત આપવા ઝઝૂમતા ઘાયલ જટાયુ હોય અને પાંદડાં જાણે એના પાંખ-પીછાં હોય જે સૂર્ય હાથમાં ધારિયું લઈને બાળતો-કાપતો હોય એવું ભાસે છે. પર્યાવરણને જાળવી રાખવા માટે વૃક્ષોની અનિવાર્યતા આથી વધુ વેધક શબ્દોમાં ભાગ્યે જ વર્ણવાઈ હશે.

શબ્દોમાંથી જન્મતા સંગીતના કારણે કવિતાને વળી ચિત્રથી એક વેંત ઊંચી કળા પણ ગણી શકાય. પહેલી પંક્તિથી જ કવિ અદભુત વર્ણસગાઈ લઈ આવે છે. સામે સૂમસામ – એકીસાથે સ-મ સ-મ સ-મ એમ ત્રણવાર સકાર અને મકાર કવિતા ઊઘડતાંની સાથે જ નૃત્યનો અનુભવ કરાવે છે પણ આગળ જતાં ક્રમશઃ સમજાય છે કે આ નર્તન કોઈ અપ્સરાનું નથી, આ તો સાક્ષાત્ કાળનું નર્તન છે. ઝાડ-પહાડ-હાડ, પથરા-પથરા-પડ્યા, પડ્યા-ખખડ્યા – alliterationના ખૂબસૂરત સાધનને કવિ બખૂબી દૃશ્યેન્દ્રિયની સાથોસાથ શ્રવણેન્દ્રિયને પણ ઉત્તેજે છે.

Comments (5)

કોણ… – રમેશ પારેખ

સાંજરે
મારાં શ્રમિત લોચનવિહંગો
વ્રુક્ષ પર એવી ગીચોગીચ રાત લઈ પાછાં વળે
કે કોઈ ડાળે પાંદડું એકકે ય તે ના ફરફરે
ને બોલકા સૌ છાંયડા પણ રાતભર મૂંગા રહે

પડતી સવારે
એમ કાંઈ પ્રશ્નનું આકાશ પાછું સાંજ સુધી
આંખે વાગ્યા કરે
કે રાતની ચુપકીદીને પણ જાણ ના થઈ એ રીતે
આ કોણ
મારા બંધ ઘરનાં આંગણે આવ્યું હતું…
આંગળીની છાપ કોની રહી ગઈ છે બારણે…
કોનું મન પાછું વળ્યું સાંકળમાં ખખડાયા વગર…

– રમેશ પારેખ

બળકટ શબ્દચિત્ર ! ગમે તે સંબંધ હોય, કોઈક પાત્ર મુક્તમને બધું જ કહે….કોઈક માત્ર સાંભળે….કોઈક કંઈ જ ન કહી શકે….કોઈક ઇંગિતમાંજ બોલે….સામા પાત્રની પ્રજ્ઞાથી અનભિજ્ઞ વ્યક્તિના સંકોચનો તો વળી કોઈ પાર જ ન હોય….સમજ-ગેરસમજ-અણસમજ-નાસમજ…….આટલા પરિમાણો બન્ને પક્ષના !!!!!

Comments (6)

મૃગજળ – મુકેશ જોષી

હવે મૃગજળ મને તો બહુ વહાલ કરે છે
હાથ સ્હેજ લંબાવું ભીનો કરવા
છતાં રેતીના બાચકા ન્યાલ કરે છે

તરવા માટે હવે રેતી ને
આંખેથી ઝરવા માટેય હવે રેતી
ઇચ્છાના સાગરની કોણે કરી હશે
આવડી તે મોટી ફજેતી
અટકળની લહેરો તો આવી આવીને
ચૂંટી ખણીને સવાલ કરે છે
આ મૃગજળ તને કેમ વહાલ કરે છે.

શ્વાસોથી ફૂંકાતી કાળઝાળ લૂ :
રોજ શેકાતા જીવતરના ઓરતા
પાણીનું નામઠામ સાંભળ્યા છતાં
હજુ હોઠ નથી આછુંય મ્હોરતા
દરવાજે ટાંગી ગયું કોઈ સૂરજ
ને કિરણો આ ઘરમાં ધમાલ કરે છે
જાણે જીવતરમાં ઝાંઝવાંનો ફાલ ખરે છે

– મુકેશ જોષી

એક એક શબ્દે વેદના ઘૂંટાયેલી છે……

 

Comments (1)

આપણા સંત્રીઓ – આલ્બ્રેશ્ટ હૌસહૉફર (અનુ.: વિવેક મનહર ટેલર)

જે હાથમાં છે જેલવાસાનો હવાલો આપણા,
એ સંત્રીઓ માણસ છે સારા. ખેડૂતોનું છે રુધિર.
છૂટા પડ્યા છે પંડના ગામોથી તેઓ ને લગીર
આવી પડ્યા આ વિશ્વમાં અણજાણ, સમજણ પારના.

તેઓ કદીક જ બોલે છે. બસ, આંખ તેઓની કદી
મૂંગી-મૂંગી પૂછે છે, જાણે જાણવું હો એ જ કે,
ક્યારેય અનુભવવાનો નહોતો તેઓના હૃદયોએ જે
માભોમની કિસ્મતનો બોજો, વેઠ્યો એ શી રીતથી.

પૂર્વીય પ્રાંતોમાંથી તેઓ આવ્યા છે જે ક્યારના
તારાજ બિલકુલ થઈ ગયા છે યુદ્ધના પરિણામથી.
પરિવાર કહો કે માલમત્તા – કંઈ હવે સાબૂત નથી.

સંભવ છે, તેઓ છે હજી જીવન પ્રતીકની રાહમાં
ચુપચાપ કામે રત રહે છે. કેદીઓ છે – તેઓ પણ.
સમજી શું શક્શે તેઓ આ? કાલે? પછી? ક્યારેય પણ?

– આલ્બ્રેશ્ટ હૌસહૉફર
(અંગ્રેજી પરથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

મૃત્યુનો અનુભવ ફર્સ્ટ હેન્ડ કોઈ કહી શકતું નથી પરંતુ મૃત્યુની પ્રતીક્ષાનો રંગ મૃત્યુના ઉંબરે આવી ઊભેલા ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે આલેખ્યો છે. આપણે ત્યાં રાવજી પટેલ અને જગદીશ વ્યાસના કાવ્યો આંગણે આવી ઊભેલા મૃત્યુના રંગોથી રંગાયેલા જોવા મળે છે. જર્મન ભૂગોળવિદ્ આલ્બ્રેશ્ટ હૌસહૉફર નાઝીઓ સામેના વિરોધના કારણે બર્લિનના મુઆબિત જિલ્લાની જેલમાં નિશ્ચિત મૃત્યુની અનિશ્ચિત રાહ જોતા હતા ત્યારે માંડ મળી શકેલા કાગળો પર જેલની અંદરની અને બહારની દુનિયા ઉતારતા રહ્યા.. 23 એપ્રિલ, 1945ના રોજ સૉવિયેટ સૈનિકોએ બર્લિન પર કબ્જો મેળવ્યો ત્યારે જેલના અધિકારીઓએ કેદીઓને છોડી મૂક્યા પણ જેલની બહાર જ સૈનિકો એમની રાહ જોતા હતા. એક નિર્જન જગ્યા પર લઈ જઈને તમામને ગોળી મારી દેવામાં આવી. ત્રણ અઠવાડિયા પછી કવિના નાના ભાઈને એમનું શબ જડ્યું ત્યારે કવિનો જમણો હાથ કોટની અંદર પાંચ કાગળોને હૃદયસરખો દાબીને પડ્યો હતો. આ પાંચ કાગળમાંથી જડી આવેલા એંસી સોનેટ્સ મુઆબિત સૉનેટ્સ તરીકે જાણીતા થયા. આ કવિતાઓએ વિશ્વને ખળભળાવી મૂક્યું. આ એંસી સોનેટ્સ મૃત્યુ અને અન્યાય સામે લખાયેલી આજ પર્યંતની શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન પામ્યાં છે…

કવિતાના વિશદ રસાસ્વાદ માટે આપ અહીં ક્લિક કરી શકો છો.

Our wardens

The wardens put in charge of our detention
are good fellows. Of farmer blood. Torn
from the protection of their villages
into a strange, not understood world.

They hardly speak. Only their eyes from time
to time ask humbly, as though they wanted to know
what their hearts were never to experience
that bear so heavily their homeland’s fate.

They come from Danube’s eastern regions
already devastated by the war.
Their families dead. Their goods and chattels wasted.

Perhaps they’re waiting still for a sign of life.
They work in silence. Prisoners – they too. Will they
understand that? Tomorrow? Later? Ever?

– Albrecht Haushofer
(Eng Translation from Germany: M. D. Herter Norton)

Comments (4)

કબીર – સંજુ વાળા

ઘટ ઘટ રામ તિહારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો…
ઘટ ઘટ રામ તિહારો…

તિનકે તિનકે તરુ જગાડ્યા કંકર કંકર પહાડ
વાળીછોળી અણસમજણની સૌ વિખેરી વાડ

બાંધ્યો ના બંધાય તું, છાપ-તિલકની પાર
પટ ભીતર, પટ બહારનો તેં સમજાવ્યો સાર

તાણે-વાણે ગહનગુંજનો ઈલમી વણ્યો ઈશારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો
ઘટ ઘટ રામ તિહારો…

તલમાં ચીંધ્યા તેલને, ચકમક ચીંધી આગ
દરિયા દાખ્યા બુન્દમાં ભાખ્યો બુન્દ અતાગ

ભક્તન કે મન ભજન બડો કાજી કહે અજાન
તેં બન્ને પલ્લે રહી, પરખ્યા એક સમાન

પૂરણ પ્રગટ્યો સધ્ધુકડીમાં વાણીવચ રણુંકારો
ઘટ ઘટ રામ તિહારો…

– સંજુ વાળા

કવિ સંજુ વાળાએ મધ્યયુગીન સંતોના કેટલાક શબ્દચિત્રો દોર્યાં છે. એમાનું એક તે કબીર.  ગીતની પહેલી જ કડીમાં કવિ કબીરને સાંગોપાંગ આપણી સમક્ષ સફળતાપૂર્વક લઈ આવે છે- ઘટ ઘટ રામ તિહારો- તારા રોમ-રોમમાં, અંગેઅંગમાં રામ છે! આથી અદકી બીજી કઈ ઓળખ હોય સંતની? આગળ કબીરના જાણીતા દોહાઓની આંગળી ઝાલીને કવિ એમની આગવી શૈલીમાં સંતનું શબ્દચિત્ર પૂરું કરી આપે છે.

Comments (7)

(હું તો જીવતરિયું ગૂંથતી રૈ) – ભરત ખેની

ટેભો ગૂંથાયો મારી આંગળીના ટેરવે, જીવતરિયું ગૂંથાયું નૈ,
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…

સગપણના સૂતરથી સમણાંઓ ટાંક્યાં
પણ આભલામાં ઝબકારો નૈ,
કાપડે ભરી ભાત ભારે સોહામણી
પણ મોરલામાં ટહુકારો નૈ

સખદખના ટેરવાંઓ માગે હિસાબ હું તો લોહીઝાણ ઝૂરતી રૈ.
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…

ઝમરખિયા દીવડાના ઝાંખા અજવાસમાં
ચાકળાને ચંદરવા જોતી,
ઓરતાઓ અંતરમાં સાવ રે અણોહરા
હું આણાં અભાગિયાંને રોતી

વરણાગી સપનાંની લાંબી વણજાર મારી આંખ્યુંમાં ખૂંચતી રૈ
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…

– ભરત ખેની

સ્ત્રી અને પુરુષના જીવન જીવવાના માપદંડ સાવ અલગ હોય છે. પુરુષ બહુધા સ્વકેન્દ્રી જીવે છે, જ્યારે સ્ત્રીના જીવનમાં સ્વકેન્દ્રિતા બહુ પાછળથી અને બહુ અલ્પમાત્રામાં આવે છે. એનું જીવન એના પરિવારની સાથે જ ગૂંથાયેલું હોય છે. આખી જિંદગી એ પોતાનું જીવતર ગૂંથવા મથે છે પણ ટાંકો એની આંગળીના ટેરવાં લોહીલુહાણ કરે છે પણ એનું જીવતર ગૂંથ્યું ગૂંથાતું નથી. સગપણના સૂતરથી એ પોતાના સ્વપ્નો ટાંકીને કપડામાં સોહામણી ભાત રચે છે પણ આ ભાતમાં જીવન પૂરાતું નથી. એના સ્નેહનો પડઘો પડતો નથી, એના જીવનમાં ઝબકારો જોવા મળતો નથી. આયખામાં પ્રકાશ પણ ઝમરખિયા દીવા જેવો આછો જ રહી ગયો છે, જેમાં પિયરથી ઉત્સાહભેર આણેલ ચાકળા અને ચંદરવા નાયિકા જોઈ રહી છે. ક્યારેક રંગસભર, ભાતસભર એ ચાકળા-ચંદરવા અંતરના ઉદાસ, ઝાંખા પડી ગયેલા ઓરતાઓ જેવા જ ઝાંખા પડી ગયેલ નજરે ચડે છે. અભાગી નાયિકા આણાંમાં તો કંઈ કંઈ વરણાગી સપનાંઓ લઈને અહીં આવી હતી, પણ આજે એ જ આંખોમાં ખૂંચી રહ્યાં છે ને જીવતર ગૂંથવા માંગતા ટેરવાંઓ સુખદુઃખના હિસાબ કરતાં લોહીઝાણ થઈ રહ્યાં છે.

Comments (10)

ઉદાસી- તુષાર શુક્લ

તને મળતાં ઉદાસી મને ઘેરી વળે
તો ય મળવાનું થાય મને મન.
આંખોથી અડકીને અળગો થઈ જાય
તો ય મ્હેકી ઉઠે છે મારું તન.
તને મળવાનું થાય મને મન.

મળવાને જાતી ને જઈને શરમાતી હું
શાને આવું તે મને થાતું.
કહી ના શકાય અને રહી ના શકાય
એનું કારણ મને ન સમજાતું
ઉંબર ઓળંગવાનું ઇજન આપે છે મને
આંગણામાં ઊભેલું યૌવન
તને મળવાનું થાય મને મન.

દિવસોની ભાષામાં ઓળખ પૂછો તો
થાય પૂરાં નહીં આંગળીનાં વેઢાં
તારા દીધેલાં ફૂલ છો ને સુકાઈ જાય
મેલું ના એક ઘડી રેઢાં
નામ તારું ફોઈજીએ પાડ્યું ગમે તે હોય
હું તો કહેવાની તને ‘સાજન’
તને મળવાનું થાય મને મન.

– તુષાર શુક્લ

Comments (6)

(બેઉનો વરસાદ) – ગૌરાંગ ઠાકર

બેઉની વચ્ચે વખત એવો પડ્યો,
બેઉનો વરસાદ પાણીમાં ગયો.

કેટલો અણઘડ ઈરાદો નીકળ્યો,
એમની આંખોમાં જઈ પાછો ફર્યો.

વાયરો ને વહેણ તો સંમત હતાં,
વહાણને જૂનો સુકાની બહુ નડ્યો.

આખરે લોહીલુહાણ આવ્યો પરત,
હોંશિયારી જ્યારે સાથે લઈ ગયો.

વાત કરવી એને બહુ ગમતી હતી,
ભીંત પર પોતે છબી થઈને રહ્યો .

ઓ કુંવારા શબ્દોના ધાડા! ખમો,
હું હજી હમણાં કવિતાને મળ્યો .

– ગૌરાંગ ઠાકર

ગૌરાંગ ઠાકર એમનો ત્રીજો ગઝલસંગ્રહ ‘કોઈ હૈયામાં ગયું લાગે છે’ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. લયસ્તરોના આંગણે એમનું સહૃદય સ્વાગત છે. ક્રિયાપદના કાફિયા કવિને વધુ માફક આવતા જણાય છે. પણ ગઝલની ફ્લેવર આહ્લાદક બની છે એની વિશેષ મજા છે.

સંબંધમાં કપરો વખત આવે ત્યારે જેમાં સાથે તરબતર થવાનું હોય એ વરસાદ પણ એળે જાય છે. પાણી વરસાવતા વરસાદનું પાણીમાં જવાનું કલ્પન ગઝલને કેવો મજાનો ઉઠાવ આપે છે! જૂની વિચારધારાવાળા માણસોની જડતા કઈ રીતે નડતરરૂપ બનતી હોય છે એની વાત જૂનો સુકાનીવાળો શેર બખૂબી ટાંકે છે. અને આખરી શેરમાં કવિના ચિત્તતંત્ર પર ઊમડી આવેલ ‘કુંવારા’ શબ્દોના ધાડા પણ ખૂબ સ-રસ શેર સર્જે છે.

Comments (4)

(ક્યાં છે દોસ્ત !) – કિરણસિંહ ચૌહાણ

એટલી પણ હાડમારી ક્યાં છે દોસ્ત !
આપદાઓ એકધારી ક્યાં છે દોસ્ત !

ખૂબ વાતો કરીએ પણ પહેલાં કહે,
આટલામાં ચાની લારી ક્યાં છે દોસ્ત ?

લાગણી તારી સુરક્ષિત છે હજી,
એને કાગળ પર ઉતારી ક્યાં છે દોસ્ત !

એટલે એ રાત રોકાતો નથી,
સૂર્યને માટે પથારી ક્યાં છે દોસ્ત !

મંચ માટે લીધું લંપટનું શરણ,
ક્યાં છે, સર્જકની ખુમારી ક્યાં છે દોસ્ત !

– કિરણસિંહ ચૌહાણ

મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય થયા છે અને કોઈપણ જાતના પૃથક્કરણના મહોતાજ નથી. છેલ્લો શેર કવિતાની કક્ષાએ પહોંચતો નથી પણ આજે ગુજરાતી ગઝલમાં કવિસંમેલનમાં ભાગ લેવા માટે કવિઓ જે કક્ષાએ પહોંચ્યા છે એ વરવી વાસ્તવિક્તા પર અખાના છપ્પાની જેમ એ સમસમટો ચાબખો મારે છે. કવિની સામાજિક ચેતનાનો એ દ્યોતક બને છે.

Comments (7)

હૈયું મારું ઠારે રે! – દેવેન્દ્ર દવે

(મનહર)

સ્વર્ગ મધ્યે સુરગણો ભેળા થઈ ગર્વ કરે
સુખડ શું સુખ મળ્યું ભાર્યા થકી ભારે રે!
બ્રહ્મા કહે: ગૃહિણીએ શિરે લીધી ફરજ સૌ
એથી નિત રત રહું સર્જનમાં ત્યારે રે!
વિષ્ણુ વદ્યાઃ લક્ષ્મી મારે દ્વાર આવી ત્યાર કેડે
સૃષ્ટિ તણાં પાલનની ફિકર ના મારે રે!
મહાદેવ બોલ્યા: જુઓ ધણિયાણી અન્નપૂર્ણા,
પછી કોણ પેટ કાજે ભાઈ! ઘેટાં ચારે રે?!
કામદેવ થનગની સૂર કાઢે: રતિ રોજ
શય્યા મારી કુસુમોથી હોંશે શણગારે રે!
અચંબાથી બાઘા પેરે જોઈ રહું ચારે કોરે
હતપ્રભ મન ડૂબ્યું વમળ-વિચારે રે!
‘કેમ ભૂલે? ભાર્યા થકી ભોગવતો સુખ ચારે’
ઓચિંતાની ગેબી વાણી હૈયું મારું ઠારે રે!

– દેવેન્દ્ર દવે

દલપતરામના પ્રિય મનહર છંદમાં એમની જ નામરાશિવાળા કવિ દેવેન્દ્ર દવે મજાનું સૉનેટ લઈ આવ્યા છે. કવિતાના મૂળ સ્વભાવથી થોડું વિપરિત આ સૉનેટ ખાસ્સું મુખર છે પણ મુખરતા વાતને હળવી બનાવે છે અને ખૂંચતી નથી એટલે સૉનેટ આસ્વાદ્ય બન્યું છે. કવિ મજાની કલ્પના કરે છે. સ્વર્ગમાં ચાર મુખ્ય દેવો પોતપોતાની પત્નીનાં ગુણગાન ગાય છે. સરસ્વતીએ ઘરની જવાબદારી માથે લઈ લીધી હોવાથી બ્રહ્મા બેરોકટોક સર્જનકાર્યમાં પ્રવૃત્ત રહી શકે છે. લક્ષ્મીના લીધે વિષ્ણુ સૃષ્ટિના પાલનની ચિંતાથી મુક્ત થઈ ગયા છે. તો પાર્વતી અન્નપૂર્ણા હોવાથી શંકર ભગવાન કોઈ પણ જાતના કામકાજ કરવાના બદલે કૈલાસ પર ધૂણી ધખાવી શકે છે. કામદેવને તો રતિ જેવી પત્ની હોવાથી રોજેરોજ બખ્ખા જ છે. અને લાડુ હંમેશા પારકે ભાણે જ મોટો લાગે એ ન્યાયે કથક બાઘા જેવો પોતાની કમનસીબી અને દેવોના સદભાગ્યની તુલના કરતો દુઃખી થાય છે. એવામાં કોઈક ગેબી વાણી એનું હૈયું ઠારતાં કહે છે કે આ બધાને તો એક-એક પત્ની થકી એક-એક જ સુખ છે પણ તારે તો એક જ પત્ની થકી આ ચારેય સુખ છે. कार्येषु मन्त्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रम्भाની આપણે ત્યાંની જાણીતી વિભાવના જ સૉનેટમાં જરા અલગ રીતે ઉપસી આવી છે.

Comments (2)

ડાયરીનું એક પાનું….- અનિલ ચાવડા

ડાયરીનું એક પાનું બીજા પાનાંને પૂછે છે,
ફૂલ નહીં મુકવાની ઘટના આપણી અંદર ખૂટે છે.

કાચીંડો ભગવતગીતા પર બેઠો ‘તો સંયોગવસ, બસ!
પંડિતો એમાં ય ઊંડા અર્થસંકેતો જુએ છે.

છેવટે એમાંથી તો અજવાસનાં બચ્ચાં જનમશે,
રાત આખી રાત જે અંધારનાં ઈંડાં મુકે છે.

ભેદરેખા પાતળી લાગે પરંતુ છે નહીં હો,
એ કહે સૂરજ ડૂબે છે; હું કહું સંધ્યા ઊગે છે.

પંડની પીડા વિશે કહેતા મને આવું સુજે છે,
ફૂંક માર્યે ચિત્રમાં દોરેલ અગ્નિ ક્યાં બુજે છે !

ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પછી મંદિરમાં બે,
એક ને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે.

જિંદગીની ખાલી જગ્યાનું કહું છું હું, અને એ,
છાપામાં આવેલ કોઠામાંની જગ્યાઓ પુરે છે.

– અનિલ ચાવડા

Comments (6)