(હું તો જીવતરિયું ગૂંથતી રૈ) – ભરત ખેની
ટેભો ગૂંથાયો મારી આંગળીના ટેરવે, જીવતરિયું ગૂંથાયું નૈ,
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…
સગપણના સૂતરથી સમણાંઓ ટાંક્યાં
પણ આભલામાં ઝબકારો નૈ,
કાપડે ભરી ભાત ભારે સોહામણી
પણ મોરલામાં ટહુકારો નૈ
સખદખના ટેરવાંઓ માગે હિસાબ હું તો લોહીઝાણ ઝૂરતી રૈ.
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…
ઝમરખિયા દીવડાના ઝાંખા અજવાસમાં
ચાકળાને ચંદરવા જોતી,
ઓરતાઓ અંતરમાં સાવ રે અણોહરા
હું આણાં અભાગિયાંને રોતી
વરણાગી સપનાંની લાંબી વણજાર મારી આંખ્યુંમાં ખૂંચતી રૈ
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…
– ભરત ખેની
સ્ત્રી અને પુરુષના જીવન જીવવાના માપદંડ સાવ અલગ હોય છે. પુરુષ બહુધા સ્વકેન્દ્રી જીવે છે, જ્યારે સ્ત્રીના જીવનમાં સ્વકેન્દ્રિતા બહુ પાછળથી અને બહુ અલ્પમાત્રામાં આવે છે. એનું જીવન એના પરિવારની સાથે જ ગૂંથાયેલું હોય છે. આખી જિંદગી એ પોતાનું જીવતર ગૂંથવા મથે છે પણ ટાંકો એની આંગળીના ટેરવાં લોહીલુહાણ કરે છે પણ એનું જીવતર ગૂંથ્યું ગૂંથાતું નથી. સગપણના સૂતરથી એ પોતાના સ્વપ્નો ટાંકીને કપડામાં સોહામણી ભાત રચે છે પણ આ ભાતમાં જીવન પૂરાતું નથી. એના સ્નેહનો પડઘો પડતો નથી, એના જીવનમાં ઝબકારો જોવા મળતો નથી. આયખામાં પ્રકાશ પણ ઝમરખિયા દીવા જેવો આછો જ રહી ગયો છે, જેમાં પિયરથી ઉત્સાહભેર આણેલ ચાકળા અને ચંદરવા નાયિકા જોઈ રહી છે. ક્યારેક રંગસભર, ભાતસભર એ ચાકળા-ચંદરવા અંતરના ઉદાસ, ઝાંખા પડી ગયેલા ઓરતાઓ જેવા જ ઝાંખા પડી ગયેલ નજરે ચડે છે. અભાગી નાયિકા આણાંમાં તો કંઈ કંઈ વરણાગી સપનાંઓ લઈને અહીં આવી હતી, પણ આજે એ જ આંખોમાં ખૂંચી રહ્યાં છે ને જીવતર ગૂંથવા માંગતા ટેરવાંઓ સુખદુઃખના હિસાબ કરતાં લોહીઝાણ થઈ રહ્યાં છે.
saryu parikh said,
May 9, 2019 @ 10:28 AM
ઓહ્! એકે એક લીટી ઊંડી ઉતરી દર્દ જગાવે છે. સરયૂ પરીખ
vimala said,
May 9, 2019 @ 3:50 PM
“ઓરતાઓ અંતરમાં સાવ રે અણોહરા
હું આણાં અભાગિયાંને રોતી
વરણાગી સપનાંની લાંબી વણજાર મારી આંખ્યુંમાં ખૂંચતી રૈ
સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ…”
MAHESHCHANDRA THAKORLAL NAIK said,
May 10, 2019 @ 1:07 AM
સરસ રચના, શ્રી ભરતભાઈ ખેની ને અભિનદન્….
Lata kanuga said,
May 13, 2019 @ 6:35 AM
ભરતભાઈની રચનાનો ખૂબ સુંદર આસ્વાદ..
Bahadursinh Jadeja said,
May 17, 2019 @ 10:30 PM
અદ્ભુત રચના,એક એક લીટી હૃદય મા ઉતરી જાય, વ્યથા નું ચિત્રપટ સ્વરૂપ, ભરતભાઇ ને ખૂબ ખૂબ અભિનંદન.
Bharat said,
May 18, 2019 @ 9:26 AM
શ્રી વિવેક ટેલરસાહેબનો ખૂબ ખૂબ આભાર.
Amrit Gangar said,
May 20, 2019 @ 9:37 AM
Wonderful composition, it is so moving – woman as a weaver of life…
દીપલ ઉપાધ્યાય said,
May 23, 2019 @ 3:03 AM
ખૂબ સુંદર
Lata kanuga said,
May 25, 2019 @ 1:23 PM
ભાઉક રચનાનો સુંદર આસ્વાદ
ભરત સંઘવી said,
July 13, 2024 @ 2:25 PM
“ઓરતાઓ અંતરમાં સાવ રે અણોહરા, હું આણાં અભાગિયાંને રોતી”
આભલામાં ઝબકારો નૈ જેવા નિસાસા નાખીને જાણે કહેવા માંગતી હોય કે પતિમાં પૌરુષત્વ ની કમી છે.
ઉપરોક્ત પંક્તિઓમાં એવું ભાસે છે કે નાયિકાના માતૃત્વ પામવાનાં ઓરતાઓ અધુરા રહી ગયા હોય અને હવે પોતાના દુર્ભાગ્ય ઉપર આંસુ વહાવી રહી છે.