આખ્ખા ઘરમાં માર્યો આંટો,
કોણ મળ્યું, કહું ? હા, સન્નાટો.
ફૂલ જરા એ રીતે ચૂંટો,
મ્હેક ઉપર ના પડે લિસોટો.
જિગર જોષી ‘પ્રેમ’

દુકાળ – રામચન્દ્ર પટેલ

સામે
સૂમસામ ઊભાં બુઠ્ઠાં ઝાડ,
પહાડ, ઉઘાડાં હાડ…
પથર પથરા પડ્યા ખખડિયાં નારિયેળ !

નદી તો,
કોક આદિવાસી કન્યાનું હાડખોખું
આંખો ફોડીને
ઊભી દિશાઓ,
વેળુ લઈને વાયરો ઊડે…

આભ
છાબ ભરી ભરીને નાંખે અંગારા
બળે પર્ણપીંછાં
વીંઝાય જટાયુ શો સીમવગડો
અહીં કોઈ અગ્નિમુખો ફરે…

પ્હેરો ભરે…
સૂર્યના હાથમાં આપીને ધારિયું !

– રામચન્દ્ર પટેલ

કવિ પણ એક રીતે ચિતારો છે. ચિતારો પીંછી અને રંગોથી સૃષ્ટિ સર્જે છે, કવિ કલમ અને શબ્દોથી. અહીં કવિ રામચન્દ્ર દુકાળનું જે શબ્દચિત્ર દોરી આપે છે, એ કોઈ રીતે ઉત્તમ ચિત્રકારની ઉમદા કળાકૃતિથી ઉતરતું નથી. નજર સામે ઝાડ બધા બુઠ્ઠાં થઈ ગયાં છે. પાંદડાંઓ બચ્યાં જ નથી એટલે કવિ સૂમસામ શબ્દ પ્રયોજી નીરવતા દોરી આપે છે. પહાડો બધા માંસ-મજ્જા ઉતરડી લેવાઈ હોય એમ લીલોતરી નંદવાઈ જવાના કારણે ખુલ્લા પડી ગયેલા હાડપિંજર જેવા ભાસે છે. નદી પણ હાડપિંજર જેવી જ….. સાવ ખાલીખમ. પથરાંઓ જાણે ઝાડ પરથી ખરેલાં નારિયેળ! દિશાઓ પણ જડ જેવી આંખો ફાડીને ઊભી છે. સૂકી ધૂળની ડમરીઓ ઊડાડતો વાયરો ફૂંકાય છે. આકાશમાંથી જાણે ટોપલે ટોપલે અંગારા વરસતા હોય એમ સૃષ્ટિ આખી સળગી રહી છે. સીમવગડાના ઝાડો જાણે અગ્નિમુખા રાવણ સામે લડત આપવા ઝઝૂમતા ઘાયલ જટાયુ હોય અને પાંદડાં જાણે એના પાંખ-પીછાં હોય જે સૂર્ય હાથમાં ધારિયું લઈને બાળતો-કાપતો હોય એવું ભાસે છે. પર્યાવરણને જાળવી રાખવા માટે વૃક્ષોની અનિવાર્યતા આથી વધુ વેધક શબ્દોમાં ભાગ્યે જ વર્ણવાઈ હશે.

શબ્દોમાંથી જન્મતા સંગીતના કારણે કવિતાને વળી ચિત્રથી એક વેંત ઊંચી કળા પણ ગણી શકાય. પહેલી પંક્તિથી જ કવિ અદભુત વર્ણસગાઈ લઈ આવે છે. સામે સૂમસામ – એકીસાથે સ-મ સ-મ સ-મ એમ ત્રણવાર સકાર અને મકાર કવિતા ઊઘડતાંની સાથે જ નૃત્યનો અનુભવ કરાવે છે પણ આગળ જતાં ક્રમશઃ સમજાય છે કે આ નર્તન કોઈ અપ્સરાનું નથી, આ તો સાક્ષાત્ કાળનું નર્તન છે. ઝાડ-પહાડ-હાડ, પથરા-પથરા-પડ્યા, પડ્યા-ખખડ્યા – alliterationના ખૂબસૂરત સાધનને કવિ બખૂબી દૃશ્યેન્દ્રિયની સાથોસાથ શ્રવણેન્દ્રિયને પણ ઉત્તેજે છે.

5 Comments »

  1. ઈશ્ક પાલનપુરી said,

    May 16, 2019 @ 3:18 AM

    વાહ બહુ સરસ

  2. chenam shukla said,

    May 16, 2019 @ 4:38 AM

    અદ્ભુત શબ્દ ચિત્ર
    …૨૦૧૧માં આપે અહીં પોસ્ટ કરેલું જ છે.

  3. ketan yajnik said,

    May 16, 2019 @ 4:41 AM

    હાડ ની મહી હાર્દ સુંદર અનુભૂતિ

  4. વિવેક said,

    May 16, 2019 @ 8:39 AM

    @ ચેનમ શુક્લ:

    આપની વાત સાચી છે… પણ એ જ કવિતાને આજે આટલા વરસો પછી અલગ નજરે જોવાની કોશિશ કરી છે.. .

  5. હર્ષદ દવે said,

    May 16, 2019 @ 10:46 AM

    શબ્દોની પીંછીથી દોરાયેલું અદ્ભુત ચિત્ર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment