(ક્યાં છે દોસ્ત !) – કિરણસિંહ ચૌહાણ
એટલી પણ હાડમારી ક્યાં છે દોસ્ત !
આપદાઓ એકધારી ક્યાં છે દોસ્ત !
ખૂબ વાતો કરીએ પણ પહેલાં કહે,
આટલામાં ચાની લારી ક્યાં છે દોસ્ત ?
લાગણી તારી સુરક્ષિત છે હજી,
એને કાગળ પર ઉતારી ક્યાં છે દોસ્ત !
એટલે એ રાત રોકાતો નથી,
સૂર્યને માટે પથારી ક્યાં છે દોસ્ત !
મંચ માટે લીધું લંપટનું શરણ,
ક્યાં છે, સર્જકની ખુમારી ક્યાં છે દોસ્ત !
– કિરણસિંહ ચૌહાણ
મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય થયા છે અને કોઈપણ જાતના પૃથક્કરણના મહોતાજ નથી. છેલ્લો શેર કવિતાની કક્ષાએ પહોંચતો નથી પણ આજે ગુજરાતી ગઝલમાં કવિસંમેલનમાં ભાગ લેવા માટે કવિઓ જે કક્ષાએ પહોંચ્યા છે એ વરવી વાસ્તવિક્તા પર અખાના છપ્પાની જેમ એ સમસમટો ચાબખો મારે છે. કવિની સામાજિક ચેતનાનો એ દ્યોતક બને છે.
Poonam said,
May 3, 2019 @ 3:01 AM
એટલે એ રાત રોકાતો નથી,
સૂર્યને માટે પથારી ક્યાં છે દોસ્ત !
Waah ! My fvrt…
Bharat Bhatt said,
May 5, 2019 @ 12:06 AM
સરસ ગઝલ, આખરી પંક્તિમાં , મારા મન્તવ્ય પ્રમાણે શરૂઆતનો “ક્યાંછે,” શબ્દ અશુચક લાગેછે. મિજાજી ગઝલ .ઉભરો આવે ઘણું કરવાનો.
ભરત ભટ્ટ
સિએટલ
વિવેક said,
May 6, 2019 @ 7:49 AM
@ ભરત ભટ્ટ:
અશુચક કે અસૂચક? મતલબ? ખૂલીને સમજાવશો?
આભાર.
Bharat Bhatt said,
May 10, 2019 @ 12:08 AM
સ અને શ ફેર ઉતાવળમાં મેં ન જોયો. અસૂચક યોગ્ય શબ્દ. વર્ષોથી અહીં રહેવાથી એવું થયું. બીજા ” ક્યાં છે ” શબ્દથી મર્મ સમજાઈ જાય છે. એવું મારું માનવું છે. હું એક્સપર્ટ નથી
ભરત ભટ્ટ
સિએટલ
વિવેક said,
May 10, 2019 @ 1:21 AM
@ ભરત ભટ્ટ:
આભાર. પુનરોક્તિ એ કવિતાને બળવત્તર બનાવતું અગત્યનું અંગ છે. કવિએ અહીં બે વાર ‘ક્યાં છે’ પ્રયોજીને પોતાની ફરિયાદને બેવડી ધાર આપી છે… એક જ વાત બે વાર બોલવામાં આવે ત્યારે વાત નીચે ગાઢી અંડરલાઇન થતી હોય છે…
Bharat Bhatt said,
May 10, 2019 @ 11:50 PM
આભાર વિવેકભાઈ, તમારા જેવા દિગ્ગજો સામે મારી ચર્ચા અયોગ્ય છે.આખી ગઝલ એક લયમાં જાય છે. વાંચન કરતાં મને એવું લાગ્યું. મંચ પર બોલવામાં અને લખવામાં થોડો ફેર હોઈ શકે ?
ભરત ભટ્ટ
સિએટલ
વિવેક said,
May 11, 2019 @ 1:58 AM
પ્રિય ભરતભાઈ,
કોઈપણ ગઝલ એક જ લયમાં જાય કેમકે એક જ છન્દમાં લખવામાં આવે છે. અને અહીં પણ આખી ગઝલમાં લય ક્યાંય તૂટતો નથી…