તસવીરમાં છે હાથ મિલાવેલી એક ક્ષણ
ને એ જ ક્ષણમાં દૂર હંમેશાં જવા મળ્યાં !
– ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for March, 2019

બે મંજીરાં – ભગવતીકુમાર શર્મા

મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં…

કૃષ્ણકૃષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા;
એક મંજીરે સૂરજ ઝળહળ
બીજે અમિયલ ચન્દા.

શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા…

રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;
વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.

હરિના જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં…
મારે રુદિયે બે મંજીરાં.

– ભગવતીકુમાર શર્મા
(૨૪-૦૮-૧૯૮૭)

કૃષ્ણભક્તિની ચરમસીમાનું ખૂબ જાણીતું અને સ્વરબદ્ધ થયેલું ગીત… વાત કૃષ્ણભક્તિની છે પણ ભક્તિની પરાકાષ્ઠા એ છે કે કવિ પોતાની અંદર કૃષ્ણના બે ‘ઓલ ટાઇમ ગ્રેટેસ્ટ’ ભક્તોના સહવાસનું સંગીત બજતું અનુભવે છે. કવિના આત્મામાં બે મંજીરાં છે, એક જૂનાગઢના નરસિંહ મહેતા અને બીજી મેવાડની મીરાંબાઈ… રાસ જોવામાં તલ્લીન નરસિંહને ક્યારે મશાલ આખી સળગીને ખતમ થઈ જાય છે અને પોતાનો જ હાથ મશાલના સ્થાને સળગવા માંડે છે એનુંય ભાન રહેતું નથી અને બીજા પક્ષે મીરાંબાઈ ઝેરનો પ્યાલો અમૃત ગણીને પી જાય છે અને સમૂચી અંતઃકરણશુદ્ધિ પામે છે… કૃષ્ણભક્તિમાં કવિ આ બેવડી સમાધિ પ્રાપ્ત કરે છે…

Comments (2)

(નવી સવાર) – જુગલ દરજી

લોહીલુહાણ છે અને હાલત છે તારતાર,
નીકળ્યો’તો એક વિચાર જે ટોળાની આરપાર.

થોડીક હૂંફ આપીને જ્યાં કાઢી મ્યાન બહાર,
તલવારમાંથી નીકળી ચીસો ય ધારદાર.

રંગો ય એના એજ ને પીંછી ય એ જ લઈ,
બસ દોરવાની હોય છે કાયમ નવી સવાર.

કરવા મથો છો પણ તમે લ્યા નહિ કરી શકો,
છારીની જેમ બાજેલા દ્રશ્યોમાં ફેરફાર.

એકાદ હોય તો ચલો સ્વાગત કરું હું ,પણ,
આવે છે ઉર્મિઓ ય લબાચા લઈ હજાર.

કેવી સરળ ગઝલમાં અભિવ્યક્ત થાય વાત,
જે બોલવા કરું છું પ્રયત્નો હજારવાર.

પાગલ હશે કાં હોઈ શકે તારા સમ જુગલ
ઝંખે છે જે સમયથી સમયસરની સારવાર

– જુગલ દરજી

એક-એક શેર પાણીદાર. પ્રસ્તુત ગઝલના મત્લામાં ટોળાંની માનસિકતા જે રીતે રજૂ થઈ છે, એવી ભાગ્યે જ ક્યાંક રજૂ થઈ શકી હશે. માણસ એકલો હોય ત્યારે જે રીતે વિચાર કરે અને ટોળાંમાં હોય ત્યારે જે રીતે વિચાર કરી શકે છે એ બેમાં આસમાન-જમીનનો ફરક હોય છે. ટોળું ભાગ્યે જ તાર્કિકતાપૂર્ણ વિચારી શકે છે. ટોળાંની ગાડરિયાવૃત્તિએ દુનિયામાં મોટી-મોટી હોનારતો સર્જી છે. એક સ્વસ્થ વિચાર પણ ટોળાંમાં થઈને પસાર થાય છે તો એની હાલત લોહીલુહાણ અને વસ્ત્રો તારતાર થઈ જાય છે… બે જ લીટીમાં આટલી મોટી વાત સમાવી ગઝલનો શેર સમાવી લેવાની ક્ષમતા ધરાવે છે એટલે જ ગઝલ આજે સૌથી વધુ લોકપ્રિય કાવ્યપ્રકાર બની રહ્યો છે.

Comments (10)

માવાના શોખીનોનું ગીત – નરેશ સોલંકી

પ્લાસ્ટિકની કોથળીમાં સૂરજનો ચૂરો ને ચૂનામાં ચાંદાનો રસ
સૈ, વ્હાલમજી માવાને વસ

બન્ને હથેળીમાં હોવાની ઘટનાને આખું આકાશ ભરી મસળે છે
તારીખના પાનાની જેમ રોજ રોજ એનુંય સ્વાસ્થ્ય કથળે છે

પ્રેમભર્યા ગીત બધાં ચૂર ચૂર થાય એવુ મુખ ભર્યું એનું ઠસોઠસ
સૈ, વ્હાલમજી માવાને વસ

લાલલાલ હોઠ નહી કાળુંછમ હેત અને મોગરાની ગંધ સાવ કાળી
પૂનમની રાત સાવ પથ્થર થઈ જાય એવી અંદરથી કોરીકટ બાળી

કેટલાંય સુખ ત્યજી નાનકડા સુખ માટે તૂટે કાં તેની નસેનસ
સૈ, વ્હાલમજી માવાને વસ

– નરેશ સોલંકી

મગજ વિચારી પણ ન શકે એવા વિષય પણ કવિતામાં આવતા અચકાતા નથી. ઘણાં બધાં સદગુણોની સાથે ભારતવર્ષમાં તમાકુ-માવા-ગુટખાનું જે અનિષ્ટ પેઠું છે એસૌ અનિષ્ટોનો બાપ છે. પ્લાસ્ટિકની કોથળીમાં તમાકુ-ચૂનો-કાથો વગેરે ભરીને હાથની હથેળી પર એને લાંબો સમય ઘસ્યા બાદ ધીમે રહીને ચપટી ભરીને દાંત અને ગાલ વચ્ચેગલોફાંમાં એને ભરવાની જે ‘મર્દાનગી’ આપણી નસનસમાં ભરાઈ ગઈ છે, એણે દેશના યુવાધનને ખતમ કરવામાં કશું બાકી રાખ્યું નથી. સૂરજ અને ચાંદાનું પ્રતીક પ્રકૃતિ અને પ્રાકૃતિક સૌંદર્યની અમાપતાનું પ્રતીક છે પણ જે માવાને વશ થઈ જાય છે એને મન એની શી કિંમત? એ તો સૂરજના ચૂરા સાથે ચૂનામાં ચાંદાનો રસ ભેળવીને બસ, નશો જ કરશે…

Comments (5)

ज़ात का आईना-ख़ाना – अमीक़ हनफ़ी

ज़ात का आईना-ख़ाना
जिस में रौशन इक चराग़-ए-आरज़ू
चार-सू
ज़ाफ़रानी रौशनी के दाएरे
मुख़्तलिफ़ हैं आईनों के ज़ाविए
एक लेकिन अक्स-ए-ज़ात;
इक इकाई पर उसी की ज़र्ब से
कसरत-ए-वहदत का पैदा है तिलिस्म
ख़ल्वत-ए-आईना-ख़ाना में कहीं कोई नहीं
सिर्फ़ मैं!
मैं ही बुत
और मैं ही बुत-परस्त!
मैं ही बज़्म-ए-ज़ात में रौनक़-अफ़रोज़
जल्वा-हा-ए-ज़ात को देता हूँ दाद!
जब हवा-ए-शोख़ की मौज-ए-शरीर
तोड़ जाती है किसी खिड़की के पर्दे का जुमूद
तो बिगड़ जाता है खेल
देव-क़ामत अक्स को बौना बना देती है बाहर की किरन
ऐ मिरी ना-मुस्तइद मजहूल ज़ात
ऐ कि तू अज़-ख़ुद नज़र-बंद आईना-ख़ाने में है
सोचती है तू कहेगी अन-कहा
और कुछ कहती नहीं!
सोचती है तू लिखेगी शाहकार
और कुछ लिखती नहीं!
सोचती है तू जहाँ-दारी की बात
और कुछ करती नहीं!
सोचने ही सोचने में साअत-ए-तख़्लीक़ जब
तेरे शल हाथों से जाती है फिसल
तो बिलक पड़ती है तू
ऐ मिरी ना-मुस्तइद मजहूल ज़ात
ख़ल्वत-ए-आईना-ख़ाने से निकल
ऐ चराग़-ए-आरज़ू
जिस तरफ़ ज़ौ-पाश हो
जिस तरफ़ से शाह-राह-ए-जुस्तुजू
ताश और शतरंज के शाहों से बरतर है कहीं
वो पियादा जो चले
वो पियादा जो चले ख़ुद अपनी चाल
ऐ मिरी ना-मुस्तइद मजहूल ज़ात
कोई फ़िक्र!
कोई काम!
कोई बात!

-अमीक़ हनफ़ी (1928 – 1985)

मुख़्तलिफ़ = different, ज़ाविए = angle, ज़र्ब = blow, striking, stamping, multiplication
कसरत-ए-वहदत = diversity of unity, तिलिस्म = magic, spell, ख़ल्वत-ए-आईना-ख़ाना = Loneliness, solitude; seclusion, retirement, privacy;of house of mirrors
बज़्म-ए-ज़ात = company of self, रौनक़-अफ़रोज़ = graceful/bright/glowing appearance
जल्वा-हा-ए-ज़ात = Blandishments of self, जुमूद = freeze , देव-क़ामत = Demon; Giant-sized, ना-मुस्तइद = lazy, मजहूल = unknown, अज़-ख़ुद = of one’s own accord, voluntarily, शाहकार = masterpiece, साअत-ए-तख़्लीक़ = Moment of creation, शल = insensitive, ज़ौ-पाश = one who radiates light, one who illuminates
शाह-राह-ए-जुस्तुजू = highway of quest, बरतर = superior, better

આ ખૂબસૂરત નઝ્મ માનવીની એક સર્વ સામાન્ય હકીકત સામે તીખો કટાક્ષ છે. આપણે બધાં આપણા ખુદના આઈના-ઘરમાં કેદ છીએ. એને આપણી ઈચ્છાઓ ના દીવાઓથી રોશન કરીએ છીએ. આઈના-ઘરની વિશેષતા એ છે કે એના જુદા જુદા ખૂણે ગોઠવાયેલા અરીસાઓ એક જ વ્યક્તિત્વના અનેક પ્રતિબિંબોથી રચાતી એક માયાવી સૃષ્ટિ રચે છે, આ અનેક સ્વરૂપે હું એક જ છું નો ભ્રમ. આ આઈના-ઘરની કેદમાં આપણે એકલાં જ છીએ. ખુદની મૂર્તિ સ્થાપીને એને પૂજનારા મૂર્તિપૂજક. ખુદની મહેફીલમાં ખુદનો જ ઝળહળાટ! ખુદની ખુશામતની દાદ આપવી પડે. પણ આ સઘળું ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે જ્યારે આ બંધ ઘરના થીજી ગયેલા પડદાઓને એક ચંચળ હવાની નટખટ લહેરખી ઉડાડી દે છે અને બહારથી (વાસ્તવિકતાના જ્ઞાનના) કિરણો અંદર પ્રવેશીને આપણે રચેલા વિરાટ પ્રતિબિંબને વામન બનાવી દે છે.
કવિ પોતાની જાતને સંબોધતા કહે છે ઓ ગાફેલ, ગુમનામ, તું તો તારી મરજીથી જ ખુદને આઈના-ઘરમાં કેદ કરી બેઠો છે. તું વિચારે છે કે તું હજુ સુધી કોઈએ કહ્યું ન હોય એવું કહીશ, પણ કાંઈ કહી શકતો નથી. તું વિચારે છે કે તું એક માસ્ટરપીસની રચના કરીશ, પણ કાંઈ લખી શકતો નથી. તું વાતો દુનિયાદારીની કરે છે પણ કરતો કાંઈ નથી. આ વિચારવામાં ને વિચારવામાં તારા ભાવશૂન્ય હાથમાંથી સર્જનાત્મક ક્ષણો સરકી જાય છે અને તું વિલાપ કરવા માંડે છે.
નઝમની આખરમાં ખુદને આહ્વાન આપતા કહે છે, ઓ ગાફેલ, ગુમનામ આ આઈના-ઘરના એકાંતવાસમાંથી બહાર નીકળ.
આત્મખોજ ને રસ્તે ચાલી નીકળ, ઈચ્છાઓ ના દિવા એવા પથને પ્રકાશિત કરો. પત્તા અને શતરંજની રમતના (નામના) બાદશાહો કરતાં ( આઈના-ઘરનો કેદી એવો જ શહેનશાહ છે)
એવા પ્યાદા બહેતર છે જે ખુદ ચાલે છે, પ્રયત્નશીલ છે પોતાની કેડી કંડારવા માટે.
ઓ મારી ગાફેલ, ગુમનામ જાત કોઈ વિચાર, કોઈ પ્રવૃત્તિ કે કોઈ વાતમાં ( તું ખુદને ઉદ્યત કર).

– નેહલ

[ સમગ્ર પોસ્ટ માટે ડૉ. નેહલ વૈદ્યનો આભાર…..તેઓની વેબસાઈટ – inmymindinmyheart.com ]

Comments

વાતાવરણ રહે – જવાહર બક્ષી

ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે

જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે

મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે

મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં !
એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે

સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં
જીવનમાં તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે?

– જવાહર બક્ષી

 

પ્રત્યેક શેર અર્થગંભીર છે. બીજો શેર એક દ્રષ્ટાંત તરીકે – વાસુદેવનું વિશ્વરૂપ સામે હોય તેનો કોઈ અર્થ નથી જો દિવ્યદ્રષ્ટિ જ ન હોય એને નિહાળી શકે તેવી ! અધકચરું,મર્યાદાયુક્ત દર્શન નકામું.

Comments

ના સહી યાતનાને?! – દેવેન્દ્ર દવે

(મંદાક્રાન્તા)

જાણી જોઈ નિજ કર થકી સ્વર્ગ શી આ અયોધ્યા
લંકાથીયે બદતર કરી! નાથને કાળ આંબ્યો!
જેનાં કાજે વચનદ્વય તેં માંગતાં માગી લીધાં
(કૂડાં કીધાં કરમ-કુલટા દાસીથી દોરવાણી…)
ત્યાગ્યો એણે વિભવ… વસિયો એકલો નંદિગ્રામે!
રામે માંડ્યાં ચરણ અડવાણે, વને વાસ વેઠ્યો!
શુંયે સૂઝ્યું કઠણ કરમે? કાં ન કાળોતરોયે
ડંખ્યો તુંને? પયસભર તેં પાત્રમાં ઝેર ઘોળ્યું?
છાનું વેઠી અવિરતપણે કોસતાં કાળ વીત્યો,
ભીનાં નેત્રે નિજ ભવનને શાંત એકાંત ખૂણે
બેઠી જાણે ભડભડ વને ચીખતી પંખિણી… ત્યાં
ઓચિંતાના પગરવ થતાં કાન માંડ્યા સફાળા.
પાયે વંદી, રઘુવીર કહે, ‘સારતી આંસુ શાને?
મારાથી તેં અધિકતર મા! ના સહી યાતનાને?!’

– દેવેન્દ્ર દવે

મંથરાની ચડામણીમાં આવી જઈને કૈકયી દશરથ પાસે બે વચન માંગી બેઠી. દશરથે પ્રાણ ગુમાવ્યા. રામ વનમાં જઈ વસ્યા અને ભરત રાજગાદી પર બેસવાના બદલે વૈભવ ત્યાગીને નંદિગ્રામ જઈ વસ્યો. સ્વર્ગ જેવી અયોધ્યા લંકાથી બદતર બની. દૂધ ભર્યા પાત્રમાં જાણે કૈકયીના હાથે ઝેર ઘોળાયું. આટલી વાર્તા આપણે સહુ જાણીએ છીએ. પણ આ કવિતા છે અને કવિતા આપણને એ દર્શન કરાવે છે જે આપણે સામાન્યરીતે જોઈ શકતા નથી. કવિના તો ચશ્માં જ અલગ. કવિનો હાથ ઝાલીને કવિતા અહીંથી કૈકયીના અંતઃકરણમાં પ્રવેશે છે. આપણને દેખાતી ઘટનાઓની પાછળ છૂપાયેલો કૈકયીનો પશ્ચાતાપ કવિ જુએ છે. બે વચન પછી ઘટેલી અનિચ્છનીય ઘટાનોની ઘટમાળે કૈકયીને વ્યથિત કરી દીધી છે. દશરથ તો ગયા, રામ વનમાં અને ભરત નંદિગ્રામમાં શેકાયા પણ કૈકયી તો આ તમામ વરસ પોતે કરેલી ભૂલના અહેસાસની અગનઝાળમાં બળતી રહી છે. ભડભડ બળતા વનમાં ફસાઈ ગયેલ પક્ષી કેવી ચીસો પાડે એમ એનું હૈયું આક્રંદ કરી રહ્યું છે. પણ કવિતાની ઊંચાઈ ત્યાં વધે છે જ્યાં વનવાસથી પરત આવીને રામ કૈકયીને મળવા આવે છે અને રડતી જોઈને આશ્વાસન આપતાં એને મા કહીને સંબોધે છે.  કવિતા તો આ ‘મા’ સંબોધનમાં જ સંપૂર્ણ થઈ જાય છે. રામ માને આશ્વસ્ત કરતાં કહે છે કે એમના કરતાં એમની મા -કૈકયીએ- વધારે યાતના સહી છે એ વાતનો એમને પૂર્ણ અહેસાસ છે… સામાના દુઃખને સમજવાની અનુકંપા સૉનેટને ઉત્તમની શ્રેણીમાં લઈ જાય છે.

Comments (3)

ના માઉં – જગદીશ વ્યાસ

સાંકડો થઈ માઉં તો છું પણ આમ હું કદી આટલામાં ના માઉં
અસલી મારું રૂપ એવું કે ધરતીના આ માટલામાં ના માઉં.

હાથ અને પગ સાવ નોંધારા લટક્યા કરે, સવ નોંધારું શીશ
ધાવણું બાળક માય, મને તો સાંકડાં પડે ઊપણાં અને ઈસ
ચાર દિશાના ચાર પાયા હો એવડા નાના ખાટલામાં ના માઉં

નીતર્યા નર્યાં નીરમાં મને ઝીલતું તારી આંખનું સરોવર
જોઉં તો લાગે વચમાં રાતું ખીલતું કમળ હોઉં હું બરોબર
આમ તો હું છું એવડો કે બ્રહ્માંડ આખાના ચાટલામાં ના થાઉં

– જગદીશ વ્યાસ

કેન્સરના કારણે અકાળે દુનિયા ત્યજી ગયેલ આ કવિ વિશે વિશે માહિતી આપ અહીં – https://layastaro.com/?p=630 – મેળવી શકશો.

ધરતીના માટલામાં માઈ ન શકે એવું વિરાટ રૂપ એક શ્રીકૃષ્ણ જ ધારી શકે ને બીજો કવિ. ચાર દિશાના પાયાવાળો ખાટલો ને ધરતીનું માટલું સાવ નાનું પડે એવો કવિ પ્રિયજનની આંખના સરોવરમાં કીકીની વચ્ચે કમળ જેવા સૂક્ષ્મ રૂપમાં સમાઈ જાય છે. આ જ પ્રેમની સાચી તાકાત છે.

Comments (1)

ફાગણ આયો જી – વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

વસંત કેરી ડાળે ટહુકે, કોકિલ પંચમ ઢાળ કે ફાગણ આયો જી
નટખટ નટવર છેલછબીલો કરે કાંકરીચાળ કે ફાગણ આયો જી

ગોકુળની ગલીઓમાં ગુંજે રંગભરી પિચકારી,
શ્યામબાવરી જોતાં પેલો છળી ગયો ગિરધારી,
શ્યામરંગ મનભાવન, ગોરી ઘૂંટે અંતરિયાળ, કે ફાગણ આયો જી

પકડાપકડી, દોડાદોડી, લાલ, જાંબલી, પીળો,
છોરા-છોરી વચ્ચે ભળતો રંગ ગુલાબી, લીલો
થનગનતા હૈયામાં જાગે લાગણીઓની ઝાળ, કે ફાગણ આયો જી

શરમબાવરી બેઠી બેઠી ખુદને ખુદમાં રંગે,
રંગ પિયુનો ઘૂંટી ઘૂંટીને લેપ લગાવે અંગે,
પગલે પગલે કંકુ, કેસર, લોચન લાલમલાલ, કે ફાગણ આયો જી

એક અનાડી, અલબેલી, લટકાળી વળતી ટોળે,
નૈન નચાવી, હોંશ ઉડાવી, છોરાને રગદોળે,
રંગ પ્રીતનો ચઢે પછી નવ ઊતરે કોઈ કાળ, કે ફાગણ આયો જી

– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

લયસ્તરોના સર્વ વાચકોને હોળી-ધૂળેટીની રંગબેરંગી સ્નેહકામનાઓ…

ફાગણ તો કવિઓનો સદાનો મનભાવન વિષય છે. ઋતુઓ બદલાય એની સૌથી પહેલી અસર પશુ-પક્ષીઓ અનુભવે છે. માણસને તો હવે વૉટ્સએપ-ફેસબુક મદદ ન કરે તો વસંત ક્યારે શરૂ થઈ એની ખબર પણ પડવી શક્ય નથી. પણ કવિની વાત અલગ છે. કવિની સંવેદના ઋતુને જીવંત રાખે છે. જુઓ આ ગીત… પંચમ ઢાળમાં કોકિલ ગાઈ રહી છે પણ આ ડાળ કોઈ વૃક્ષની નહીં, સાક્ષાત્ વસંતની ડાળ છે. બીજી જ કડીમાં નટખટ નટવરના આગમન સાથે જ ફાગણ અને હોળીની મસ્તી ગામ-શહેરની ગલીઓ વળોતીને ગોકુળમાં આપણને લઈ જાય છે, જ્યાં શ્યામબાવરી ગોપી-રાધાને જોઈને ગિરધારી પણ છળી જાય છે કેમકે લાલ-જાંબલી-પીળો-લીલો ગમે તે રંગે શામળિયો કેમ ન રંગે, ગોપી તો એના અંતરમાં એક જ રંગ ઘૂંટી રહી છે. આ પ્રીતનો રંગ છે. એકવાર ચડ્યો તે ચડ્યો, પછી કોઈ કાળે એ ઊતરતો નથી…

Comments (4)

લિટલ રેડ રાઇડિંગ હૂડ/સહાયિકા – એમકે ચાવેઝ (અનુ. વિવેક મનહર ટેલર)

અને એ અન્ય સ્ત્રીઓ જે જીવનની પળ બે પળ માટે ગળપટ્ટામાંથી સરકી જઈ શકી હતી અને “ખરાબ” ગણાવાઈ હતી.
– ક્લેરિસા પિન્કોલા એસ્ટિસ, ‘વીમેન હુ રન વિથ વૉલ્વ્સ: મિથ્સ એન્ડ સ્ટોરીઝ ઑફ ધ વાઇલ્ડ વુમન આર્કિટાઇપ

રહસ્યે મારી મજ્જામાં ઘર કરેલું છે.

સ્ટ્રિપટીઝ સમયે હું અંગૂઠા પર ફરતી અને શિકાર
નજર આવું છું.

પછી,

હું તમને કદાચ બતાવી શકું
ભોગવાવુંનો મતલબ શો થાય છે.

પાશાગીરી અને પોપત્વ થઈ જાય ઊભા
અને છંટકાવ સતત ચારેતરફ.

કંઈ પણ થાય,

અંતમાં તમે એમને આછા ધુમ્મસમાં
ઢંકાયેલા જ પામશો,

મને ચાખી રહેલા.

એ લોકો એ જાણતા નથી કે – બુરખાની પાછળ

હું સૂતી છું વરુ સાથે
અને હું જ
વરુ છું.

મને શોધો તુપેલો, સાયપ્રસ
અને બ્લેક ગમના જંગલમાં
મધ્યશિરા,
બૂટ અને ધાર પર.

પાંદડાં સુદ્ધાંનેય દાંત હોઈ શકે છે.

માનવીય કૃત્યો માનવભક્ષી હોઈ શકે છે.

હું અહીં છું
બધા જ જંગલી ફૂલોને વીણતી.

– એમકે ચાવેઝ
(અનુ. વિવેક મનહર ટેલર)

પરીકથાઓ કોને ન ગમે? સિન્ડ્રેલા, સ્લિપિંગ બ્યુટી, એલિસ ઇન વન્ડરલેન્ડ, સ્નોવાઇટ, જેવી અનેક વાર્તાઓમાં મહત્ત્વાકાંક્ષી સ્ત્રીપાત્રો હંમેશા સાવકી મા, ડાકણ કે જાદુગરનીના સ્વરૂપમાં દુષ્ટ, કપટી, લાલચી, નિર્દયી અને ડરામણા જ નિરૂપાયાં છે. પુરુષપ્રધાન સમાજમાં પુરુષો દ્વારા રચાયેલી આ કથાઓએ જાણ્યે-અજાણ્યે સ્ત્રી જાતને પુરુષ કરતાં ઉતરતી –સેકન્ડ સેક્સ- તરીકે જ રજૂ કરી છે. અમેરિકન કવયિત્રી એમકે ચાવેઝ એક બહુખ્યાત બહુચર્ચિત લોકકથાને કેન્દ્રમાં રાખીને સ્ત્રીઓને જોવા માટે સમાજે સદીઓથી પહેરી રાખેલાં ચશ્માં બદલવાની સશક્ત કોશિશ કરે છે.

પ્રસ્તુત રચનાનો વિશદ આસ્વાદ આપ અહીં માણી શકશો.

*

Little Red Riding Hood/Companion

And those other females who managed to slip the collar
for a moment or two of life were branded “bad.”

–Clarrisa Pinkola Estés, from Women Who Run with the Wolves: Myths and Stories of the Wild Woman Archetype

The secret nests in my marrow.

At the striptease I appear pirouette
and prey.

Later,

I might show you
what it means to be consumed.

The pashadom and papacy come
to gush and forever satellite spatter,

no matter,

in the end you will find them
covered in a fine mist,

tasting of me.

What they do not know— beyond the veil

I lay with the wolf
& the wolf
is me.

Find me in a forest of tupelo,
cypress & black gum,
at midrib,
lobe, and blade.

Even a leaf can have teeth.

Human acts can be cannibalistic.

I am here
picking all of the wildflowers.

– MK Chavez

Comments (2)

હે જિંદગી – જશવંત લ. દેસાઈ

(વસંતમૃદંગ)

ત્યારે હતો રગરગે રણકાર રક્તનો,
પાંખો ગરુડ સમ વીંઝી ધનુષ્ય છૂટ્યાં
કો તીરે શી સતત ઝંખત આભ આંબવા,
વિશ્વજીત પદપ્રાપ્તિ નકી સમીપમાં!
સર્જી હશે પૃથવી આવડી નાનકી કાં?
દૃષ્ટિ ફરી ફરીથી કલ્પતી વ્યોમ વીંધવા!

આજે વિપર્યય કશો! ઘર કો અવાવરુ
કેરી બખોલ મહીં થર્થરતું હિયું લઈ
પાંખો સિવાઈ વળી મંદરુધિરની ગતિ
ક્યારે જશે અટકી? ભીતિ, કહીંક વૃક્ષનું
એકાદ પર્ણ ખરતું, ઘડી આખરી કો
આવી પડી! અવસ્થિતિ મહીં જીવવું રહ્યું,

ક્યારેક થાય જીવને: બસ, ઊડ ઊડ
હે જિંદગી, તદપિ તારી શી નાગચૂડ!

– જશવંત લ. દેસાઈ

વૃદ્ધાવસ્થા વીતી ગયેલા સોનેરી દિવસોને યાદ કરવાની અવસ્થા છે. સિમેન્ટનું અને શરીરનું ઘર અવાવરુ થયેલું અનુભવાય, એકલતાના પ્રતાપે હૈયું થરથર્યા કરે છે, રગેરગ અનુભવાતો રક્તનો રણકાર મંદ પડેલો અનુભવાય છે,ને ક્યારે અટકી જશે એની ભીતિ રહ્યા કરે છે, જે પાંખો ગરુડની જેમ વીંઝીને ધનુષ્યમાંથી છૂટેલ તીરની જેમ આભ આંબવાની ઇચ્છા રાખતી હતી એ પાંખો સીવાઈ ગઈ હોય એમ બંધ પડી છે; ક્યારેક વિશ્વજીત સિકંદર બનવું હાથવગું અનુભવાતું હતું ને પૃથ્વી આટલી નાની કેમ છે એવું લાગતું હતું પણ આજે એક પાંદડું પણ વૃક્ષથી ખરે છે તો ક્યાંક મારા ખરવાની ઘડી તો નથી આવી ગઈ ને એવો ફડકો પડી રહ્યો છે. મરી જવાની ઇચ્છા થાય છે પણ જિંદગીની નાગચૂડ પણ એવી છે કે જવા દેતી જ નથી…

ગઈકાલની અને આજની ભાષાની વચ્ચે ચાલવા જતાં ક્યાંક ભાષાકર્મ જરા લથડ્યું છે એ બાદ કરતાં રચના આસ્વાદ્ય થઈ છે.

Comments (2)

શકુંતલા ⁃ પ્રતિષ્ઠા પંડ્યા

સરી જવા દે વીંટીઓને આંગળીઓથી બધી
ઓગળી જવા દે વીંટીઓને માછલીઓના અંધારા પેટમાં
છો ભૂલી જતી શકુંતલા દુષ્યંતને
છો દોડી જતી છોડીને કાલિદાસને
છોડીને આદિપર્વની વાર્તાનો તંત
ઉછરવા દે શકુંતલાઓને શકુંત પક્ષીઓના ઝુંડ મહીં
ઊંચા,લીલા ઝાડની ટોચ પર
ખીલવા દે એની ઘઉંવર્ણી પીઠ પર
બે સુંવાળી,વિશાળ કાળી પાંખો
મર્યાદાઓના તારમાં દુષ્યંત બાંધી શકે નહિ એવી પાંખો
દુર્વાસાના ક્રોધની જ્વાળાઓ એને જલાવી શકે નહિ એવી પાંખો
ને પાંખમાં ભરીને લીલાં વન આખેઆખાં
પછી ઊડવા દે
ફડફડતા આકાશમાં
શકુંતલાઓ

⁃ પ્રતિષ્ઠા પંડ્યા

આજની આ કવિતાનો સર્વાંગ રસાસ્વાદ સમર્થ વિવેચક કવિ ઉદયન ઠક્કરની કલમે માણીએ:

મુક્તિ

શકુંતલાની કથા મહાભારતના આદિપર્વમાં મળે છે.

વિશ્વામિત્ર અને મેનકાએ પોતાની દીકરીને ત્યજી દીધી. ઋષિ કણ્વને એ બાળકી શકુંત (મોર અથવા ચાસ) પક્ષીઓના ઝુંડ વચ્ચેથી મળી માટે તેનું નામ રાખ્યું શકુંતલા.કણ્વે તેને પુત્રીની જેમ ઉછેરી.
મૃગયા કરતાં રાજા દુષ્યંત એક વાર કણ્વને આશ્રમે આવી ચડ્યા.ઋષિની ગેરહાજરીમાં શકુંતલાએ રાજાનો સત્કાર કર્યો.તેના રૂપ અને વિવેકથી આકર્ષાયેલા રાજાએ ગાંધર્વવિવાહનો પ્રસ્તાવ મૂક્યો.પોતાના પુત્રને ગાદી મળશે એ શરત રાજાએ માન્ય કરી પછી શંકુતલાએ ગાંધર્વવિવાહ કર્યા. તેને રાજધાનીમાં તેડાવવાનું વચન દઈને રાજાએ શકુંતલાની વિદાય લીધી.આ બાજુ શકુંતલાને પુત્ર થયો અને તેણે પોતાની નિર્ભયતાથી અને શક્તિથી બધાંને ચકિત કર્યાં.થોડાં વર્ષો પછી કણ્વે શકુંતલાને પુત્રસહિત પતિગૃહે વળાવી. દુષ્યંતને બધી વાતો યાદ હોવા છતાં તેણે શકુંતલાને ઓળખવાનો સાફ ઇન્કાર કર્યો. શકુંતલાએ સમજાવ્યું કે મારો નહિ તો તમારા પુત્રનો તો સ્વીકાર કરો! દુષ્યંત સાવ નામુકર ગયો ત્યારે તેની સામે આગઝરતી દ્રષ્ટિ નાખીને શકુંતલા પાછી જવા માંડી.તેવામાં આકાશવાણી થઈ.દેવતાએ કહ્યું,’રાજા, આ તારાં જ પત્ની અને પુત્ર છે,તેમનો સ્વીકાર કર!’ દુષ્યંતે તેમ કરવું પડ્યું.
મહાભારતની આ કથામાં અમુક ફેરફાર કરીને કાલિદાસે ‘અભિજ્ઞાનશાકુંતલમ્’ નાટક લખ્યું. દુષ્યંતે શકુંતલાને યાદગીરીરૂપે વીંટી આપી,એ આંગળીથી સરી પડી,માછલી તેને ગળી ગઈ, દુર્વાસાના શાપને લીધે દુષ્યંતને વિસ્મૃતિ થઈ- આ બધું કાલિદાસે મૂળ કથામાં ઉમેર્યું.કાલિદાસના નાટકમાં દુષ્યંતની રાજસભામાંથી શકુંતલાને તેની માતા મેનકા લઈ જાય છે. દુષ્યંતના પશ્ચાત્તાપ પછી હેમગિરિ પર્વત પર તેનો શકુંતલા સાથે પુનર્મિલાપ થાય છે.
હવે આપણે પ્રસ્તુત કાવ્ય જોઈએ.કવયિત્રી શકુંતલાની કથામાં ફેરફાર કરવા માગે છે. કાવ્ય ‘આજ્ઞાર્થ’માં લખાયું છે.અહીં વિનવણી નથી,કાકલૂદી નથી,પણ માગણી છે.

કવયિત્રી કહે છે-ભલેને વીંટી સરી પડે, ભલેને મત્સ્ય એને ગળી જાય, ભલેને દુષ્યંત બધું ભૂલી જાય.એક ડગલું આગળ જઈને કવયિત્રી ઇચ્છે છે કે શકુંતલા જ ભૂલી જાય દુષ્યંતને! આ કાલિદાસની નાયિકા નથી જે દુષ્યંતના દરબારમાં હાવરીબાવરી થઈ જાય, કે નથી આદિપર્વની નાયિકા જે દુષ્યંતને ઉપદેશ આપે. અરે, આને તો રાણી બનવાના ઓરતા જ નથી. એ કાલિદાસ અને વ્યાસ, બન્નેની કથાની બહાર દોડી જવા ઇચ્છે છે.કવયિત્રી એને પતિ અને પિતા બન્નેથી મુક્ત જોવા ઇચ્છે છે, શકુંત પક્ષીઓની વચ્ચે. તેનું સ્થાન પતિના ચરણોમાં નહિ પણ વૃક્ષની ટોચે છે. આ તેની નૈસર્ગિક (લીલી) અવસ્થા છે.

કવયિત્રી ઇચ્છે છે કે શકુંતલાને શકુંત જેવી પાંખો ઊગે,વિશાળ, જેથી તે મનસ્વિની બનીને ઊંચું ઉડ્ડયન કરી શકે. ‘ઘઉંવર્ણી’ (પીઠ) અને ‘સુંવાળી’ (પાંખો) આ બે વિશેષણો સ્ત્રીની સેન્સુઅસનેસનાં સૂચક છે.જો શકુંતલા દુષ્યંતને મળવા ઉત્સુક હોય જ નહિ તો દુર્વાસાનો શાપ નિષ્ફળ જાય. દુષ્યંતની તારની વાડ શી રીતે રોકી શકે પાંખાળી શકુંતલાને? શકુંત પંખીઓ વચ્ચેથી મળેલી શકુંતલાની નિયતિ કુદરતના ખોળે લીલુંછમ જીવવાની છે.તે પાંખો એવી તો ફફડાવશે કે આકાશ આખું ફફડતું લાગશે.

-ઉદયન ઠક્કર

Comments (2)

ઉખાણું – હરીન્દ્ર દવે

દૂધે ધોઈ ચાંદની
ચાંદનીએ ધોઈ રાત,
એવામાં જો મળે તો,
વ્હાલમ, માંડું રે એક વાત.

અડધું પિંજર હેમ મઢ્યું ને અડધું રૂપે સ્હોય,
એમાં બે અલબેલાં પંખી અલગ રહીને રોય.
વાત સમજ તો વ્હાલમ
ચાંદ-સૂરજની દઉં સોગાત.

વનવગડે એક વાટ ને વાટે ઊગ્યાં રાન ગુલાબ,
વણચૂંટ્યે વીણી લેવાની મળી છે અમને છાબ.
ભેદ સમજ તો તને વસાવું
કીકીમાં રળિયાત.

મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઈ,
એથી નાજુક ચીજ, નરી આંખે જે ના દેખાઈ;
દાખવ તો ઓ પિયુ !
તને દઉં હૈયાની ઠકરાત.

-હરીન્દ્ર દવે

વધુ એક કલાસિક…..સરળ શબ્દો, લાલિત્યપૂર્ણ લય, નાજુક અર્થ….

Comments

કેસુડો લાલ….- સુરેશ દલાલ

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

આવતા ને જાતા આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝા તોફાન;
ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.
આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયા અંતરને ઊંડે ઉછાળ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;
નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપના !!
થઇને ગુલાલ આજ રંગે ઘરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

-સુરેશ દલાલ

ક્લાસિક……

Comments

ઈશ્વર સુધી – પ્રમોદ અહિરે

બેઠો હું પહોંચી જવા અક્ષર સુધી,
ને કલમ પહોંચી ગઈ ઈશ્વર સુધી.

જાય છે રોજ્જે ઘણા સાગર સુધી,
કેટલા કિન્તુ ગયા અંદર સુધી?

મૌન સામે ના ટકી આખર સુધી,
અફવા તો પહોંચી હતી ઘરઘર સુધી.

વેલ પર જીવન હતું આખર સુધી,
તું ચૂંટીને લઈ ગયો અત્તર સુધી.

તું ફક્ત પથ્થરમાં જા અંદર સુધી,
શિલ્પ જાતે આવશે બાહર સુધી.

‘તું જ કર’થી ‘તું કશું ના કર’ સુધી,
પ્રેમ નક્કરથી ગયો જર્જર સુધી.

તે પછી રસ્તો ખૂલ્યો નટવર સુધી,
મીરાં પહેલાં પહોંચેલી ભીતર સુધી.

– પ્રમોદ અહિરે

મજાની મત્લા ગઝલ… દરેક મત્લા નક્કર.

Comments (2)

વળો હવે ઘર ઢાળા – વિજય રાજ્યગુરુ

હોલાયા અંગારા, કવ છું વળો હવે ઘર ઢાળા!
જુઓ હવે આ રથ આવ્યો છે, ઘોડા છે પાંખાળા,
કવ છું વળો હવે ઘર ઢાળા!

સાથ આટલો હતો ગયો છૂટી અફસોસ ન કરશો,
ધુમ્રસેર વિખરાઈ જવા દો, મુઠ્ઠીમાં ન પકડશો!
ઝાંખીપાંખી અટકળને પણ મારી દેજો તાળાં,
કવ છું વળો હવે ઘર ઢાળા!

ક્યાંક કોઈ બોલાશ થશે, આંખો સામે ઝળહળશું!
ચીજ જોઈતી નહીં મળે ને અમે સતત સાંભરશું!
પળો પાછલી ભેગી કરી કરી કરજો સરવાળા,
કવ છું વળો હવે ઘર ઢાળા!

અમે દૂધગંગાને કાંઠે રાહ તમારી જોશું,
તમે એકલા હાથે ઘરની પૂરી કરજો હોંશું!
કડકડતી ઠંડીમાં સ્મરણોથી રે’જો હૂંફાળા,
કવ છું વળો હવે ઘર ઢાળા!

– વિજય રાજ્યગુરુ

ગીતનું શીર્ષક ગીત શેના વિશે છે એ બોલવાનું ટાળે છે એટલે ફરજિયાત ભાવકે ગીત પાસેથી જ જવાબ મેળવવાનો રહે છે. પણ ગીત શરૂ થતાં જ અંગારા હોલાવાની અને પાંખાળા ઘોડાવાળા રથના આવવાની વાતથી કોઈકનું મૃત્યુ થયું છે અને મૃતક પાછળ જીવતાં-એકલા રહી જનાર પાત્રને સંબોધે છે એ તરત જ સમજી શકાય છે. આગળ જતાં સમજાય છે કે પત્નીનું અવસાન થયું છે, એને અગ્નિદાહ પણ દેવાઈ ચૂક્યો છે અને ચિતા પણ હવે ઠરી ગઈ છે, પણ સદ્યવિધુર થયેલો પતિ ઘર ભણી ‘એકલા’ જવાની હિંમત કરી શકતો નથી.

પત્ની પરલોક સિધાવી ગઈ છે પણ વૃદ્ધને એના પોતાના માટેના આજીવન પ્રેમની હવે પ્રતીતિ થાય છે. મૃતક કંઈ બોલવા માટે ફરી આવે નહીં પણ વિધુરને પત્ની પોતાની સાથે વાર્તાલાપ કરતી હોવાનું અનુભવાય છે કેમકે માણસના ગયા પછી જ એની ખરી કિંમત સમજાય છે. પત્ની કહે છે, સાથ છૂટી ગયો, અફસોસ ન કરશો. ધુમાડો હાથમાં પકડવાની જિદ્દ ન કરશો. કોઈક સાથે કંઈક બોલચાલ થશે કે જોઈતી વસ્તુ ઝટ જડશે નહીં ત્યારે પાણી માંગો ત્યારે દૂધ હાજર કરે દેતી પત્ની અવશ્ય યાદ આવશે. પત્ની સ્વર્ગમાં પતિની પ્રતીક્ષા કરશે પણ પતિને ખાસ ચીમકી આપે છે કે ઘરના તમામ જણની હોંશ એકલા હાથે પૂરી કરજો, મારા શોકમાં માથે હાથ દઈ બેસી ન રહેતાં. થીજી ગયેલા જીવતરને હવે માત્ર સ્મરણોની જ હૂંફ છે…. ઊઠો, પતિદેવ.. કહું છું, હવે ઘર તરફ પાછા વળો…

Comments (4)

ગઝલ – જિગર ફરાદીવાલા

થોડા દિવસ વ્યથાની કથામાં વહી જશે,
પણ એ પછી સ્વભાવે સમય ક્રૂર લાગશે!

ઊગ્યો’તો ચાંદો બારીએ, એ પણ ઢળી ગયો,
બાકી બચેલ રાત હવે કોને તાકશે?

ચીતરી મેં આખા ચિત્રમાં લીલોતરી ફકત,
તું રણ જુએને ત્યારે એ આંખોને ઠારશે.

અજવાસ એટલો બધો તારા સ્મરણનો છે,
ખુલ્લી રહી જો આંખ તો અંધાપો આવશે!

બસ આટલું કહી શકું હું આ ક્ષણે તને,
હસવા મથ્યો ને તેમાં રડાઈ ગયું હશે.

– જિગર ફરાદીવાલા

મત્લા તો જરા ધીમેથી વાંચીએતો તરત જ સમજાઈ જાય એવો અને સુંદર થયો છે પણ બીજા શેરનું સૌંદર્ય તો જુઓ! અહાહાહાહા!!! પ્રિયતમાને ચાંદની ઉપમા તો હજારો કવિઓ આપી ચૂક્યા છે પણ એની એ જ ચવાઈને ચુથ્થો થઈ ગયેલી ઉપમા જ વાપરીને કવિએ કેવું અદભુત કવિકર્મ કર્યું છે એ જુઓ…

Comments (10)

…….દડી ઉછાળી- રાજેન્દ્ર શુક્લ

ઈચ્છાની આપમેળે એણે દડી ઉછાળી,
બહુ એકલો હતો એ ને પાડવી’તી તાળી.

મૂળ શબ્દ ઊપન્યો કે તણખો કીઘો અફાળી,
કંઈયે હતું નહીં ત્યાં દીધું બધું ઉજાળી.

કૂંપળ થઈને કોળ્યો, ઝૂલ્યો થઈને ડાળી,
ફલછોડ થઇને આખર મઘમઘ થયો છે માળી.

કરતા અકરતા બંને છે, ને નથી કશું યે,
વીંટળાઈ ખુદ રહ્યો છે, છે ખુદ રહ્યો વીંટાળી.

અંદર ભરાઈ સઘળે મલકે છે મીઠું મીઠું,
કેવો ગતકડું એનું ખુશ થાય છે નિહાળી !

-રાજેન્દ્ર શુક્લ

મત્લાથી જ ચમત્કૃતિ સર્જાઈ જાય છે – માણસ એકલો છે અને તાળી પાડવા બે હાથ ખાલી જોઈએ – એટલે હાથમાં જે ઈચ્છાની દડી હતી તેને ઉછાળવી પડી…..નીચે આવતા ક્ષણાર્ધ માંડ થશે-પાછી ઝીલવી રહી, તેટલામાં તાળી પાડી દેવી પડે……સાર એ છે કે desires ને ગમે તેટલી ત્યાગવાનો પ્રયત્ન કરો, એ પાછી માથે પટકાવાની જ છે….તો ઉપાય શો કરવો ?- કવિ એ આપણા પર છોડે છે.

Comments (1)

કજિયો – કેતન ભટ્ટ

એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય,
પરભુ સીવે જે કપડું
તે જીવણ ને ટૂંકું થાય!

જીવણ ને તો જોઈએ
લાંબી ઈચ્છા કેરી બાંય,
પરભુ કેટલું મથે તો ય
જીવણ ન રાજી થાય,
ટૂંકા પનાના માપમાં
પરભુ તો ય મથતો જાય,
એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય!

આશાનું એક સરસ ખિસ્સું
પરભુ માપે મૂકે,
જીવણ ને લાલચ મુકવા ઈ
ખૂબ ટૂંકું લાગે,
નવી ભાતનાં ખિસ્સાં પરભુ
રોજ બતાવતો જાય,
એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય!

કોલર ઊંચા રાખવાનો
જીવણને ધખારો,
પરભુ સમજાવે એને કે
‘અહમ માપમાં રાખો’,
પણ એમ જીવણ કાંઈ પરભુનું
બધુંય માની જાય ?
એક ડોસાને દરજી સાથે
રોજ કજિયો થાય !

કંટાળી ને પરભુએ
અંતે બીલ મોટું આપ્યું ,
જોતા જ જીવણની
બે ય ફાટી ગઈ આંખ્યું,
હવે રોજ જીવણ
પરભુનાં માપમાં રહેતો જાય,
એક ડોસાને દરજી સાથે
હવે ન કજિયો થાય !

– કેતન ભટ્ટ

 

મસ્ત વાત !!!!!

Comments (2)

બરકરાર છે – પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

જગમાં ચહલ પહલ બધીયે બરકરાર છે,
મારા મર્યા પછીની આ પહેલી સવાર છે.

શ્વાસોની આવ-જાવને જીવવું ગણે છે જે,
ઈલાજ એમનો કરો, નક્કી બિમાર છે.

કોઇના આંસુ અવગણું, મારાથી નહિ બને,
ભીતર છે કોઈ જે મને ઝંઝોડનાર છે.

મારી ટકોરા જઉં કશે, આદત નથી મને,
ખેંચાણ એમાં હોય છે, ખુલ્લાં જે દ્વાર છે.

આઝાદી છે તને ભલે બીજાને પ્રેમ કર,
મારાથી પણ વધુ જો કોઈ ચાહનાર છે !

આરોપ સૌ સ્વીકારી લીધા એ જ કારણે,
તરફેણમાં ક્યાં મારી કોઈ બોલનાર છે.

કયાં છે ખબર ફરીથી અહીં આવશું કે નહીં,
બસ, આપણી તો આ ધરા પર એક લટાર છે.

– પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

મજાની ગઝલ. દુનિયાની વરવી વાસ્તવિક્તાને એકદમ સહજતાથી સ્પર્શ કરી જતા મત્લાનું સૌંદર્ય તો અદભુત! ટકોરા અને આઝાદીવાળો ચોથો-પાંચમો શેર સામાન્ય છે અને ભાષામાં પ્રવાહિતા ક્યાંક-ક્યાંક ઓછી પડે છે એ બાદ કરીએ તો આસ્વાદ્ય ગઝલ.

Comments (6)

હવે સપનાનો ઉત્સવ છે આંખમાં – મયૂર કોલડિયા

ચોમાસુ બેઠું,
ને ઉપરથી સળવળતું સત્તરમું બેઠું છે કાંખમાં,
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.

ઊભા ઊભા રે હવે વાગે છે ઠેસ,
હું તો ગબડું હયાતીના તળિયે,
ઓસરીથી ઓગળીને રેલાતી જાઉં છું,
આ કોના વિચારોના ફળિયે?
ભીતર લે હિલ્લોળા સપનાનું જોર,
મને, સમજણ! તું બાંધીને રાખ મા…
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.

વરસાદી છાંટાના પગરવ પર લાગ્યું
કે વ્હાલમ ખખડાવે છે બારણાં
ભર મેઘાડંબર ને આવો ઉઘાડ?
સાવ ઉંબરમાં તૂટે મારી ધારણા.
દરવાજે ધૂણે પ્રતીક્ષાનું ભૂત,
કહે, આશાના આગળિયા વાખ મા…
હવે સપનાનો ઉત્સવ છે આંખમાં.

– મયૂર કોલડિયા

સત્તરમું અને ચોમાસુ એકસાથે બેસે એ ક્ષણ કુમારિકાના તરુણી બનવાની ક્ષણ છે. સત્તરમાનો સળવળાટ સાંખવો જરી કપરો છે. ચાતાં-ફરતાં વાગે તો ઠીક, પણ ઊભા-ઊભાય ઠેસ વાગે એ રીતે દીવાસ્વપ્નમાં ખોવાઈ જવાય છે ને હોવાપણાંનું ઠે…ઠ તળ હાથ લાગી આવે છે. શરીર તો ઓસરીમાં બેઠેલું રહી જાય છે પણ મનડું મર્કટ તો ન જાણે કોના વિચારોના ફળિયામાં રેલાઈ પહોંચે છે! સપનાં જોવાની-પોષવાની આ અવસ્થામાં સમજણ આવીને કાંકરીચાળો કરે એય ગમતું નથી. ચોમાસે વરસાદના છાંટાનો અવાજ પણ વહાલમ બારને ટકોરાં દેતો હોય એવો લાગે છે. મન ઘડીભર વિમાસેય છે કે ઘેરા કાળા વાદળછાયા આભમાં આમ અચાનક ઉજાસ કેમ કરતાં થઈ ગયો? દોડીને ઉંબરે પહોંચે ત્યારે ધારણા તૂતે છે પણ પ્રતીક્ષા કહે છે કે આશા હેઠી ન મૂકીશ… આવશે, વહાલમ, આવશે જ!

કેવું મજાનું ગીત!

Comments (9)