એ વાત છે અલગ કે તમે ચાહતા નથી,
તૂટી શકે છે આમ તો કોઈ દીવાર પણ.
મનહરલાલ ચોક્સી

માવાના શોખીનોનું ગીત – નરેશ સોલંકી

પ્લાસ્ટિકની કોથળીમાં સૂરજનો ચૂરો ને ચૂનામાં ચાંદાનો રસ
સૈ, વ્હાલમજી માવાને વસ

બન્ને હથેળીમાં હોવાની ઘટનાને આખું આકાશ ભરી મસળે છે
તારીખના પાનાની જેમ રોજ રોજ એનુંય સ્વાસ્થ્ય કથળે છે

પ્રેમભર્યા ગીત બધાં ચૂર ચૂર થાય એવુ મુખ ભર્યું એનું ઠસોઠસ
સૈ, વ્હાલમજી માવાને વસ

લાલલાલ હોઠ નહી કાળુંછમ હેત અને મોગરાની ગંધ સાવ કાળી
પૂનમની રાત સાવ પથ્થર થઈ જાય એવી અંદરથી કોરીકટ બાળી

કેટલાંય સુખ ત્યજી નાનકડા સુખ માટે તૂટે કાં તેની નસેનસ
સૈ, વ્હાલમજી માવાને વસ

– નરેશ સોલંકી

મગજ વિચારી પણ ન શકે એવા વિષય પણ કવિતામાં આવતા અચકાતા નથી. ઘણાં બધાં સદગુણોની સાથે ભારતવર્ષમાં તમાકુ-માવા-ગુટખાનું જે અનિષ્ટ પેઠું છે એસૌ અનિષ્ટોનો બાપ છે. પ્લાસ્ટિકની કોથળીમાં તમાકુ-ચૂનો-કાથો વગેરે ભરીને હાથની હથેળી પર એને લાંબો સમય ઘસ્યા બાદ ધીમે રહીને ચપટી ભરીને દાંત અને ગાલ વચ્ચેગલોફાંમાં એને ભરવાની જે ‘મર્દાનગી’ આપણી નસનસમાં ભરાઈ ગઈ છે, એણે દેશના યુવાધનને ખતમ કરવામાં કશું બાકી રાખ્યું નથી. સૂરજ અને ચાંદાનું પ્રતીક પ્રકૃતિ અને પ્રાકૃતિક સૌંદર્યની અમાપતાનું પ્રતીક છે પણ જે માવાને વશ થઈ જાય છે એને મન એની શી કિંમત? એ તો સૂરજના ચૂરા સાથે ચૂનામાં ચાંદાનો રસ ભેળવીને બસ, નશો જ કરશે…

6 Comments »

  1. suresh shah said,

    March 28, 2019 @ 2:33 AM

    Wow

    Ati Uttam

  2. Dharmesh said,

    March 28, 2019 @ 4:04 AM

    પ્રેમભર્યા ગીત બધાં ચૂર ચૂર થાય એવુ મુખ ભર્યું એનું ઠસોઠસ -આહા… બહોત ખુબ.
    આખી રચના ખુબ સરસ…

  3. Chetna Bhatt said,

    March 28, 2019 @ 3:06 PM

    Aa kavita banavnar na magaj ma chuno ane tambakoo bharya hase

  4. Sandhya Bhatt said,

    March 29, 2019 @ 1:34 AM

    ખરેખર નોંધપાત્ર….

  5. Chetna Bhatt said,

    March 29, 2019 @ 8:11 AM

    મારી પેહલી કમેંટ માટે માફી ચાહું છું કવિતા ના શિર્ષક ને જોઈને જ પૂર્વ ધારણા બાંધી લઈએ છીએ ઘણી વાર… આમાં કવિ કોઈ બીજા વ્યક્તિ જે તંબાકુ ની લત માંથી બારે નથી આવી શકતું એની મનોવ્યથા ની વાત કરતા હશે.. કવિ માટે પર્સનલ કમેંટ મારે ના કરવી જોઈએ..
    ખૂબ સુંદર રચના.. હમેશા કાંઈક નવું અને રસપ્રદ લાવવાનો ક્રમ ચાલુ જ રહે એવી શુભેચ્છાઓ.

  6. kantilal sopariwala said,

    June 6, 2024 @ 9:03 AM

    વ્યસનીઓ ની રાહ માં અંગારા વીખેરતું
    એવું મસ્ત તમારું આ ગીત આજકાલ
    નિર્દોષ પ્રેમ ઘટતો જાયછે એટલેજ તમાકુ
    ના વ્યસન ચરમસીમા પર છે
    k.b

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment