માવાના શોખીનોનું ગીત – નરેશ સોલંકી
પ્લાસ્ટિકની કોથળીમાં સૂરજનો ચૂરો ને ચૂનામાં ચાંદાનો રસ
સૈ, વ્હાલમજી માવાને વસ
બન્ને હથેળીમાં હોવાની ઘટનાને આખું આકાશ ભરી મસળે છે
તારીખના પાનાની જેમ રોજ રોજ એનુંય સ્વાસ્થ્ય કથળે છે
પ્રેમભર્યા ગીત બધાં ચૂર ચૂર થાય એવુ મુખ ભર્યું એનું ઠસોઠસ
સૈ, વ્હાલમજી માવાને વસ
લાલલાલ હોઠ નહી કાળુંછમ હેત અને મોગરાની ગંધ સાવ કાળી
પૂનમની રાત સાવ પથ્થર થઈ જાય એવી અંદરથી કોરીકટ બાળી
કેટલાંય સુખ ત્યજી નાનકડા સુખ માટે તૂટે કાં તેની નસેનસ
સૈ, વ્હાલમજી માવાને વસ
– નરેશ સોલંકી
મગજ વિચારી પણ ન શકે એવા વિષય પણ કવિતામાં આવતા અચકાતા નથી. ઘણાં બધાં સદગુણોની સાથે ભારતવર્ષમાં તમાકુ-માવા-ગુટખાનું જે અનિષ્ટ પેઠું છે એસૌ અનિષ્ટોનો બાપ છે. પ્લાસ્ટિકની કોથળીમાં તમાકુ-ચૂનો-કાથો વગેરે ભરીને હાથની હથેળી પર એને લાંબો સમય ઘસ્યા બાદ ધીમે રહીને ચપટી ભરીને દાંત અને ગાલ વચ્ચેગલોફાંમાં એને ભરવાની જે ‘મર્દાનગી’ આપણી નસનસમાં ભરાઈ ગઈ છે, એણે દેશના યુવાધનને ખતમ કરવામાં કશું બાકી રાખ્યું નથી. સૂરજ અને ચાંદાનું પ્રતીક પ્રકૃતિ અને પ્રાકૃતિક સૌંદર્યની અમાપતાનું પ્રતીક છે પણ જે માવાને વશ થઈ જાય છે એને મન એની શી કિંમત? એ તો સૂરજના ચૂરા સાથે ચૂનામાં ચાંદાનો રસ ભેળવીને બસ, નશો જ કરશે…