બે મંજીરાં – ભગવતીકુમાર શર્મા
મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં…
કૃષ્ણકૃષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા;
એક મંજીરે સૂરજ ઝળહળ
બીજે અમિયલ ચન્દા.
શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા…
રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;
વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.
હરિના જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં…
મારે રુદિયે બે મંજીરાં.
– ભગવતીકુમાર શર્મા
(૨૪-૦૮-૧૯૮૭)
કૃષ્ણભક્તિની ચરમસીમાનું ખૂબ જાણીતું અને સ્વરબદ્ધ થયેલું ગીત… વાત કૃષ્ણભક્તિની છે પણ ભક્તિની પરાકાષ્ઠા એ છે કે કવિ પોતાની અંદર કૃષ્ણના બે ‘ઓલ ટાઇમ ગ્રેટેસ્ટ’ ભક્તોના સહવાસનું સંગીત બજતું અનુભવે છે. કવિના આત્મામાં બે મંજીરાં છે, એક જૂનાગઢના નરસિંહ મહેતા અને બીજી મેવાડની મીરાંબાઈ… રાસ જોવામાં તલ્લીન નરસિંહને ક્યારે મશાલ આખી સળગીને ખતમ થઈ જાય છે અને પોતાનો જ હાથ મશાલના સ્થાને સળગવા માંડે છે એનુંય ભાન રહેતું નથી અને બીજા પક્ષે મીરાંબાઈ ઝેરનો પ્યાલો અમૃત ગણીને પી જાય છે અને સમૂચી અંતઃકરણશુદ્ધિ પામે છે… કૃષ્ણભક્તિમાં કવિ આ બેવડી સમાધિ પ્રાપ્ત કરે છે…
Pravin Shah said,
March 30, 2019 @ 5:53 AM
ખૂબ સરળ અને ખૂબ સુન્દર .
બહુ ગમ્યુ .
suresh shah said,
March 30, 2019 @ 10:58 PM
અદ્ભુત.
રસમાં તરબોળ આ બે ને જગની ક્યાંથી પડી હોય!
મારો અંગત અનુભવ –
જાકાર્તા, ઈન્ડોનેશીયામા, સદગત ભીમસેન જોષી ને સાંભળ્યા’તા.
દોઢ કલાક અવિરત ભજન ગાયા. વચ્ચે પાણી પીવા સિવાય કોઈ રુકાવ નહિ.
કેટલાક શ્રોતા ચાલ્યા ગયા. પણ આને કાંઇ પડી નહોતી. પોતાની ધૂનમાં મસ્ત –
એના પ્રભુ ના ધ્યાન માં ગાવાનુ ચાલુ રાખ્યું.
આવો છે ભક્તિરસ નો આનંદ ….