પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં,
જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.
મનોજ ખંડેરિયા

ફાગણ આયો જી – વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

વસંત કેરી ડાળે ટહુકે, કોકિલ પંચમ ઢાળ કે ફાગણ આયો જી
નટખટ નટવર છેલછબીલો કરે કાંકરીચાળ કે ફાગણ આયો જી

ગોકુળની ગલીઓમાં ગુંજે રંગભરી પિચકારી,
શ્યામબાવરી જોતાં પેલો છળી ગયો ગિરધારી,
શ્યામરંગ મનભાવન, ગોરી ઘૂંટે અંતરિયાળ, કે ફાગણ આયો જી

પકડાપકડી, દોડાદોડી, લાલ, જાંબલી, પીળો,
છોરા-છોરી વચ્ચે ભળતો રંગ ગુલાબી, લીલો
થનગનતા હૈયામાં જાગે લાગણીઓની ઝાળ, કે ફાગણ આયો જી

શરમબાવરી બેઠી બેઠી ખુદને ખુદમાં રંગે,
રંગ પિયુનો ઘૂંટી ઘૂંટીને લેપ લગાવે અંગે,
પગલે પગલે કંકુ, કેસર, લોચન લાલમલાલ, કે ફાગણ આયો જી

એક અનાડી, અલબેલી, લટકાળી વળતી ટોળે,
નૈન નચાવી, હોંશ ઉડાવી, છોરાને રગદોળે,
રંગ પ્રીતનો ચઢે પછી નવ ઊતરે કોઈ કાળ, કે ફાગણ આયો જી

– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

લયસ્તરોના સર્વ વાચકોને હોળી-ધૂળેટીની રંગબેરંગી સ્નેહકામનાઓ…

ફાગણ તો કવિઓનો સદાનો મનભાવન વિષય છે. ઋતુઓ બદલાય એની સૌથી પહેલી અસર પશુ-પક્ષીઓ અનુભવે છે. માણસને તો હવે વૉટ્સએપ-ફેસબુક મદદ ન કરે તો વસંત ક્યારે શરૂ થઈ એની ખબર પણ પડવી શક્ય નથી. પણ કવિની વાત અલગ છે. કવિની સંવેદના ઋતુને જીવંત રાખે છે. જુઓ આ ગીત… પંચમ ઢાળમાં કોકિલ ગાઈ રહી છે પણ આ ડાળ કોઈ વૃક્ષની નહીં, સાક્ષાત્ વસંતની ડાળ છે. બીજી જ કડીમાં નટખટ નટવરના આગમન સાથે જ ફાગણ અને હોળીની મસ્તી ગામ-શહેરની ગલીઓ વળોતીને ગોકુળમાં આપણને લઈ જાય છે, જ્યાં શ્યામબાવરી ગોપી-રાધાને જોઈને ગિરધારી પણ છળી જાય છે કેમકે લાલ-જાંબલી-પીળો-લીલો ગમે તે રંગે શામળિયો કેમ ન રંગે, ગોપી તો એના અંતરમાં એક જ રંગ ઘૂંટી રહી છે. આ પ્રીતનો રંગ છે. એકવાર ચડ્યો તે ચડ્યો, પછી કોઈ કાળે એ ઊતરતો નથી…

4 Comments »

  1. praheladbhai prajapati said,

    March 21, 2019 @ 4:49 AM

    સરસ્

  2. Pravin Shah said,

    March 21, 2019 @ 6:48 AM

    ઊડૅ રન્ગ ગુલાલ !

  3. રસિક ભાઈ said,

    March 21, 2019 @ 7:41 AM

    પગલે પગલે કંકુ કેસર. પ્રીત નો રંગ .વાહ ફાગણ આવ્યો ખરેખર મજા આવી ગઈ ર

  4. MEHULPRAJAPATI said,

    March 23, 2019 @ 2:20 AM

    વર્ષાબેન પ્રજાપતિ તમારી પ્રકૃતિ રચના બહુજ સુંદર,મને સરસ ગમી છે,વાહહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment