મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for March, 2011

તપ કરવાનું – ‘સ્નેહી’ પરમાર

સારું નરસું એવું શું ગજવે ભરવાનું ?
ફરવા આવ્યા છો અહીંયા તો બસ ફરવાનું !

તોય હવા ને હોવા વચ્ચે ભેદ ન સમજ્યો
કામ કરે છે કાયમ જે ફુગ્ગા ભરવાનું !

પિંજરને ટિંગાડી રાખો તોયે રહેશે
પંખી તો પંથી છે, ચીલો ચાતરવાનું.

દોરી છૂટે, દોરી ખૂટે ત્યાં લગ સાથી !
ઊંચે ઊડવાનું ને ઊંડે ફરફરવાનું.

એક જ પળ માટે સામેની બારી ખૂલે
એના માટે આખ્ખો દા’ડો તપ કરવાનું ?

– ‘સ્નેહી’ પરમાર

આ ગઝલ વાંચો અને એના પ્રેમમાં ન પડાય એવું બની શક્શે? કેટલાકે ડંકાની ચોટ પર તો કેટલાકે પોતાની જાતથીય છાનુંમાનું પણ તપ તો જરૂર કર્યું હશે…

Comments (18)

શિશિર – પ્રજારામ રાવળ

ખરખર ખરે
પાનખરપર્ણ
ઝરમર ઝરે.
શિશિરની શીત લહર જરી વાય,
વૃક્ષની કાય
જીર્ણ અતિ, પત્ર પત્ર થર્થરે !
પીત અતિ શુષ્ક
ખડખડે, રુક્ષ
વૃક્ષથી ખરે,
હવામાં તરે,
ધીમેથી ધરતી પર ઊતરે;
એક પછી એક
ઝરંત અનેક
પત્રનો તંત
વહંત અનંત.
ઊઘડે તરુવર કેરી કાય,
ચીવરે પીત ધરા ઢંકાય;
વૃક્ષ નિજ રૂપ ધરંતું નગ્ન,
પીત ચીવરમાં ધરતી મગ્ન:
બેઉ તપ તપે,
પંખી પંખીની સોડે લપે.

– પ્રજારામ રાવળ

આ કાનથી વાંચવાની કવિતા છે. નકરો સ્નિગ્ધ લય કાનથી મન સુધી કેવો જાદૂ કરે છે એ માણો. ( ચીવર=વસ્ત્ર )

Comments (10)

શબદસૃષ્ટિ અંતે – રાજેન્દ્ર શુક્લ

ભભૂતિ શું ભરપૂર ભેટી લઉં છું,
સકળને સમૂળું સમેટી લઉં છું.

ન તો ઊંઘવું આ, ન તો જાગવું આ,
અહર્નિશ ઉજાગર ઉંઘેટી લઉં છું.

હું રેલાઉં, ફેલાઉં, વરસી પડું પણ-
બીજી ક્ષણ મને હું ઉશેટી લઉં છું.

ભલો ભાવ ભગવો, ભલો મેઘધનુષી!
લિપટતું જે આવે લપેટી લઉં છું.

શબદ ક્ષીરસાગર, શબદ શેષશય્યા,
શબદસૃષ્ટિ અંતે હું લેટી લઉં છું.

– રાજેન્દ્ર શુક્લ
(‘ઘિર આયી ગિરનારી છાયા’)

એક એવી અવસ્થા આવે છે કે જ્યાં બધું છોડી દેવું અને સર્વસ્વને ભેટી લેવું એક જ બની જાય છે. ત્યાં શાંત થઈ જવું કે છલકી જવું એક જ બની જાય છે. અને જાગૃતિ ને નિદ્રા છાના પગલે ભેગા થઈ જાય છે.

જે ભાવ કુદરતી રીતે સ્ફૂરે – એ ભગવો હોય કે રંગીન – એ જ ખરો ભાવ છે. એને ભારે ભાવથી ભેટી જ લેવું !

છેલ્લો શેર તો ભારે મઝાનો થયો છે. શબ્દ જ ક્ષીરસાગર છે, શબ્દ જ સૃષ્ટિ છે અને એના અંતે આધાર પણ તો શબ્દની શેષશય્યાનો જ છે ! આ બધા પ્રતિકોથી, માણસને છેક ઈશ્વર-સમાન અવસ્થા સુધી લઈ જવાનું શબ્દનું સામર્થ્ય કવિ અહીં છતું કરે છે.

Comments (12)

ગઝલ – રઈશ મનીઆર

ભિન્ન ભાષા, ને અલગ લિપિ મળી,
પણ યુગેયુગ એ જ ગમગીની મળી.

ભીંત ખાલીપાની બહુ લીસી હતી,
શબ્દની, સારું થયું,ખીંટી મળી.

વિશ્વ આખું પોતીકું ગણનારને,
વેદના જયારે મળી,નિજી મળી.

સાંપડ્યું છે કોઈને તૈયાર ચિત્ર,
આપણું કિસ્મત કે બસ પીંછી મળી.

એક નદી રણમાં ઝઝૂમી જ્યાં સતત,
અંતે થોડી રેત ત્યાં ભીની મળી.

જિંદગી લાંબી ઘણી જીવ્યા તમે,
કેટલી ક્ષણ સાવ પોતીકી મળી ?

– રઈશ મનીઆર

Comments (25)

મને ક્ષમા કરજો – આદિ શંકરાચાર્ય

હે શિવ !
મારાં ત્રણ પાપ બદલ
મને ક્ષમા કરજો.
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો ત્યારે
ભૂલી ગયો કે તમે સર્વવ્યાપી છો !
હું સતત તમારો વિચાર કરું છું, કારણ કે
હું ભૂલી જાઉં છું કે તમે તો વિચારોથી પર છો !
હું તમને પ્રાર્થના કરું છું ત્યારે ભૂલી જાઉં છું
કે તમે તો શબ્દોથી પર છો !

-આદિ શંકરાચાર્ય

આપણને અસીમ ચાહતાં આવડતું નથી. આપણે બધાંને ટુકડાંઓમાં જ ચાહીએ છીએ. ઈશ્વરને પણ આપણે આપણી સગવડ પ્રમાણે વેતરી નાંખ્યો છે…

Comments (11)

ગઝલ – હેમેન શાહ

પંખી પાસે આવ્યું, બોલ્યું કાનમાં,
આ ઋતુ આવી તમારા માનમાં.

પૃથ્વીએ પડકાર વાદળને કર્યો,
પાણી હો તો આવી જા મેદાનમાં.

ખીલવાનો કંઈ નશો એવો હતો,
પાંદડાં ખરતાં ન આવ્યાં ધ્યાનમાં.

સત્ય ક્યાં છે એક સ્થળ પર કે સતત ?
ઓસ વેરાયું બધે ઉદ્યાનમાં.

કિમતી પળ આપીને સોદો કર્યો,
હું કમાયો પણ રહ્યો નુકસાનમાં.

સાબિતી કે તારણોમાં શું મળે ?
જો હશે તો એ હશે અનુમાનમાં.

મોંઘીને રંગીન કંઈ ચીજો હતી,
માત્ર મેં કક્કો લીધો સામાનમાં.

– હેમેન શાહ

સામનમાં એકમાત્ર સાચો કક્કો જ હોય તો જીવન આપમેળે શું મોંઘેરું ને રંગીન નથી બની રહેતું?

Comments (16)

ગઝલ – આશા પુરોહિત

તું ગઈ, ને એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.

ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.

કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

એકલા આ મૌનમાં જીવીને શું કરું,
તું નથી, ને એટલે સંવાદ પણ ગયો.

હું તને શોધ્યા કરું ને તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

– આશા પુરોહિત

કોઈનાં જવાથી એની સાથે સાથે બીજું શું શું ચાલ્યું જાય છે- એ વિષાદી ભાવને મત્લાથી લઈને મક્તા સુધી દરેક શેર વધુ ને વધુ ઘેરો બનાવે છે… કયા શેરને બેસ્ટ ગણવો એ સવાલનો જવાબ આપવોય અઘરો થઈ પડે એવી મજાની ગઝલ.

Comments (20)

ઘટમાં ઝાલર બાજે – ઊજમશી પરમાર

ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે ઘડી ઘડી,
દુનિયા આખી આજ અનોખા લયની મેડી ચડી.

પગલું મેલ્યે ધરતી ધબકે, ઉરના ઢોલ ધડૂકે,
અંધારેયે આંખ માંડતાં શત શત વીજ ઝબૂકે;
ધોમ ધખે ત્યાં અમી તણી આ વરસી ક્યાંથી ઝડી ?

વણદેખી કેડીનાં કામણ કિયે મુલક લઈ જાતાં,
ચડી હિંડોળે વળતાં વ્હાણાં પંચમ સૂરે ગાતાં,
સાવ અજાણી આંખેથી મધઝરતી ભાષા જડી !

– ઊજમશી પરમાર

એકવાર ઘટમાં ઝાલર વાગવા માંડે તો પછી દુનિયાનો લય પણ અનોખો જ લાગે… અને એકવાર ભીતરની દૃષ્ટિ બદલાઈ જાય, પછી તો સાવ અજાણી આંખોની ભાષા પણ મધઝરતી જ લાગે.

Comments (6)

ગુલામી – દલપત ચૌહાણ

ગુલામીની બેડીઓ
કેવી હોય છે, દોસ્તો ?
નજરે જોઈ નથી.
રાજમાર્ગ પર ચાલતાં ચાલતા
હ્રદય થડકો ચૂકી જાય
પૂજા માટે ઝૂકેલું મસ્તક
છેદાય જાય
નજર સામે સંભોગાતી સ્ત્રીની ચીસ
સંભળાય, તો ય
મૌનનો કિલ્લો તૂટે નહીં
તેને શું કહીશું, દોસ્તો ?

– દલપત ચૌહાણ

ગુલામી તો માનસિક અવસ્થા છે. કોઈ કાયદો કદી કોઈને સ્વતંત્ર બનાવી શકતો નથી. સ્વતંત્રતાની કિંમત આપવાની તૈયારી, એને પચાવવાની તાકાત, અને એને જીરવવાની હિંમત આ બધુ હોય તો જ કોશિશ કરવી. બાકી તો ઘેટાંના ટોળામાં એક વધારે, બીજું શું ?

Comments (10)

ગીત – મુકેશ જોષી

ફાટ્યા ને તૂટ્યા સંબંધોને થીગડાં લગાવો
તો ક્યાં સુધી ચાલે ?
એકવાર મન માંહે પડતી તિરાડ પછી
આપમેળે લંબાતી ચાલે

અણિયાળા શબ્દોના આછેરા સ્પર્શથી
તૂટે જ્યાં લાગણીની માળા
ઊખડી પડે રે પછી વ્હાલના પોપડા
ભીતર જુઓ તો અગનજ્વાળા
હાલતી હવેલીને ક્યાંથી બચાવો
જ્યાં મૂળમાંથી પાયાઓ હાલે…ફાટ્યા ને તૂટ્યા….

પાસે પાસે તો હવે રહેવાના ડોળ ફક્ત
મન તો છેટાં ને ખૂબ આઘાં
કાંકરીભાર નહીં ખમતા સંબંધ હવે
પહેરે છે કાચના જ વાઘા
તૂટ્યા ને ફૂટ્યા સંબંધોનો કાટમાળ
લટકે પાંપણની દીવાલે….ફાટ્યા ને તૂટ્યા….

– મુકેશ જોષી

‘ Love that does not renew itself every day becomes a habit and in turn a slavery’ – Kahlil Gibran.

Comments (15)

केनू संग खेलू होली – મીરાંબાઈ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Kinu Sang Khelun.mp3]

केनू संग खेलू होली
पिया त्यज गये है अकेली..!

माणिक मोती सब हम छोडे
गले में पहनी सेली
भोजन भवन भलो नही लागे
पिया कारन भयी रे अकेली
मुझे दुरी क्युँ मेली ?

अब तुम प्रीत अवर सु जोडी
हम से करी क्युं पहेली ?
बहु दिन बीते, अजहुन आये,
लग रही ताला वेली
केनु दिल मा ये हेली ?

श्याम बिना जीयडो मुरझावे,
जैसे जल बिन बेली,
मीरा को प्रभू दरसन दिजो
मै तो जनम जनम की चेली
दरस बिना खडी दुहेली…

– મીરાંબાઈ

આજે હોળીના શુભ અવસર પર મીરાંબાઈનું એક અદભુત ભજન લતા મંગેશકરના સ્વરમાં…

(ઑડિયો ટ્રેક સૌજન્ય: મનીષ ચેવલી, સુરત)

Comments (13)

રણ – વિપાશા મહેતા

રણમાં
એ નદી લાવી.
લોકો કહે
ના, નથી આવી.
લોકો કહે, નદી કેવી રીતે આવે, રણમાં ?

નદી ઉપર એણે બંધ બાંધ્યો.
લોકો કહે,
ના,
બંધ કેવી રીતે આવે, રણમાં ?

બંધ તૂટ્યો ને પૂર આવ્યું
લોકો કહે,
પૂર તે કંઈ આવે, રણમાં ?
પૂર ના આવે, રણમાં.

બધા ડૂબી ગયા, પૂરમાં.
ઘણા બધાં અવાજ આવ્યા
આવું તે કંઈ થાય અમારા રણમાં ?
આવું કાંઈ ન થાય અમારા રણમાં.

– વિપાશા મહેતા

કવિ કલમને પ્રામાણિક્તાથી પકડે ત્યારે એ પયગંબરની કક્ષાએ પહોંચે છે. ઉકેલના વિતંડાવાદમાં પડ્યા વિના જ એ સમસ્યાના મૂળ સુધી ભાવકને અને એ રીતે સમાજને લઈ જઈ શકે છે કેમકે સાચો પયગંબર જ જાણે છે કે સમસ્યાઓનો કોઈ તાર્કિક ઉકેલ હોઈ જ ન શકે. સમસ્યાના મૂળ સુધી સાચા અર્થમાં જે ઘડીએ પહોંચી શકીએ એ ઘડી જ હકીકતમાં સમસ્યાના અંતની શરૂઆત હોય છે.

પ્રસ્તુત કવિતા છતી આંખે આંધળા અને પોતાના અંધત્વને જ દૃષ્ટિ ગણીને જીવતા સમાજની ‘નોન-ફ્લેક્સિબિલિટિ’ની સમસ્યાના મૂળ સુધીનો પ્રવાસ છે.

Comments (11)

જળ ખુદ હોડી બને – હર્ષ બ્રહ્મભટ્ટ

હું ચરણ માંડું અને રસ્તો  બને,
એક ટીપું શક્ય છે દરિયો બને.

ઘાસ પરથી ઓસ છો ઊડી જતું,
એક પળ પાકે અને મોતી બને.

ચોતરફ ઘનઘોર છો અંધાર છે,
વીજળી ઝબકે અને નકશો બને.

એક વાદળ આભમાં દેખ્યા પછી,
ધરતી ઊંચી થાય ‘ને પ્હાડો બને.

પાણીમાં મેં ડૂબકી મારી અને-
શક્ય છે કે જળ ખુદ હોડી બને !

-હર્ષ બ્રહ્મભટ્ટ

વાદળને આભમાં જોવા ઊંચી થતી ધરતીને લીધે પહાડો રચાવાની કેવી મનહર કલ્પના !

Comments (16)

નાદાન બનીશું – વિવેક મનહર ટેલર

થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.

એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.

પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,
એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.

ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.

પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

– વિવેક મનહર ટેલર
(૨૬-૦૫-૨૦૧૦)

નેટના રસ્તે થઈને આજે સાચેસાચ ઘર ઘરમાં પહોંચેલા આપણા દિલોજાન દોસ્ત વિવેકને લયસ્તરો અને આપણા સૌ તરફથી જન્મદિવસની અઢળક અઢળક શુભેચ્છાઓ…

Comments (27)

કવિ – રિલ્કે ( અનુવાદ – ચંદ્રકાંત દેસાઈ)

હે પ્રહર !
તું મારાથી દૂર ઊડી રહ્યો છે;
તારી પાંખોની થપાટથી તું મને ઘાયલ કરે છે.
હું સાવ એકાકી;
શું કહેવું મારે મારા મુખ થકી,
મારી રાત્રિઓ અને દિવસોનું મારે શું કરવું ?

મારી કોઈ પ્રિયતમા નથી,
નથી કોઈ ઘર.
હું જે કોઈ ચીજના સંપર્કમાં આવું છું
તેને સમૃદ્ધ કરું છું,
અને તે મને અકિંચન બનાવે છે.

– રિલ્કે
(અનુ. ચંદ્રકાંત દેસાઈ)

રિલ્કેની કવિતા અભાવ અને એકલતાની કવિતા છે. કવિના નામે એ પોતાની જ વાત કરે છે.

Comments (8)

(અણનમ બનાવીએ) – ઘાયલ

સદ્ધર બનાવીએ અતિ ધરખમ બનાવીએ,
નત મસ્તકોને ઊંચકી અણનમ બનાવીએ.

ખુશ્બોની યાને મહેકની મોસમ બનાવીએ,
આલમથી ભિન્ન આપણી આલમ બનવીએ.

આ પ્રેમનીય હોવી ઘટે ઇષ્ટ યોજના,
અભ્યાસ જેમ પ્રેમનો પણ ક્ર્મ બનાવીએ.

જેની જગતમાં ઉપમા કશે પણ મળે નહીં,
જીવન ગતિને એવી અનુપમ બનાવીએ.

આપસમાં મેળ હોય તો વમળોની શી વિસાત!
‘મનમેળ’ને જ નાવનો માલમ બનાવીએ.

એ રામભક્ત હો કે હો બંદો રહીમનો,
હમદર્દ હોય એમને હમદમ બનાવીએ.

‘ઘાયલ’- જે ઘાવ શત્રુનાયે રૂઝવી શકે,
એક એવો લેપ યાને કે મરહમ બનાવીએ.

– અમૃત ઘાયલ

જીંદગીને સરળ કરી નાખે એવી સલાહ, ‘ઘાયલ’ના શબ્દોમાં.

Comments (11)

ગઝલ – શ્યામ સાધુ

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત,મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયાં તરસ,ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓના ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે,
ઓ હૃદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?

– શ્યામ સાધુ

પહેલો શેર વાંચતાં જ એક તીવ્ર જીજ્ઞાસા થઇ- આટલા બળકટ મત્લા પછી શાયર આખી ગઝલમાં આ સ્તર કઈ રીતે જાળવશે ? પરંતુ શાયર માહિર છે- બીજા શેરમાં નીચે મૃગજળ તો આકાશમાં વાદળ કે જે વરસતું નથી અને મૃગજળના જ આકાશી રૂપ સમાન છે,તે બે વચ્ચે શાયર તલસતો રહે છે,તેનું બખૂબી વર્ણન છે.એકપણ શેર એવો નથી થયો જે કાબિલેદાદ ન હોય.

Comments (19)

હવા – નિરંજના દેસાઈ

દરવાજો બંધ હતો.
છતાં
કોણ જાણે ક્યાંથી
હવા
એને હડસેલો મારી
અંદર ધસી આવી !
ને પછી,
આખા ઓરડામાં
લાંબી સોડ તાણી
આડી પડી !
બારીની તિરાડો
ચૂંચી આંખે
એને જોઈ રહી !
દરવાજો આભો બની
જ્યાં ધકેલાયો હતો ત્યાં
ખોડાઈને ઊભો રહ્યો !
હવાએ
ન તો પડખું બદલવાનો
પ્રયાસ કર્યો,
ન ત્યાંથી જવાનો.
હું
એકીટશે
જોઈ રહું,
મારા જ ઘરમાં
પરાઈ વ્યક્તિ સમ !

– નિરંજના દેસાઈ

કેટલી સરળ-સહજ ભાષામાં કવયિત્રીએ આપણા જીવનમાં આપણી જાણ બહાર થઈ જતા અતિક્રમણની વાત કરી છે !!

Comments (14)

તમે કહો તો – આશા ગોસ્વામી

ઈશ્વર,
તમે કહો તો
મીણબત્તીથી
સૂરજને સળગાવી મૂકું.
સોયદોરો લઈને આભને
થીંગડા મારી આવું.
તમે કહો તો
સમયની બધી જ મર્યાદાઓ તોડીને ગાંડીતૂર
સરિતાની જેમ બેય કાંઠે છલકાઉં –
ને સાગર ઉલેચીને ખીણો સર્જું.
તમે કહો તો
પર્વતો તોડીને
ખીણો બનાવું ને ખીણોમાં
મારા આંસુના સાગર છલકાવું.
ઈશ્વર,
પછી તો તમે મને પ્રેમ કરશોને ?
તમે બોલોને ?
પછી તો તમે મને પ્રેમ કરશો જ ને ?

– આશા ગોસ્વામી

સ્ત્રી અને પુરુષની વચ્ચેનો મૂળભૂત તફાવત કયો ? પુરુષ પ્રેમ કરે છે પણ સેક્સ પામવા માટે અને સ્ત્રી સેક્સ ધરે છે, પ્રેમ પામવા માટે. સ્ત્રી શરીર શણગારે છે પણ સંવેદનાઓને નહીં… પુરુષ શરીર નથી શણગારતો પણ સંવેદનાઓને કાયમ શણગારે છે. સ્ત્રીને જે કહેવું છે એ સીધું જ અને આડંબરહીન ભાષામાં કહી શકે છે. આ કવિતા એનું એક બોલતું ઉદાહરણ છે. સ્ત્રી કયા ઈશ્વરને સંબોધે છે એ સહુએ પોતપોતાની રીતે જ નક્કી કરવાનું…

Comments (11)

અત્તર-અક્ષર – પન્ના નાયક

મારું જીવન
સરળ સીધી લીટી –
તું પ્રશ્નાવલિ

પન્ના નાયક

સત્તર અક્ષરમાં પોતાની અનુભૂતીનું અત્તર નાંખીને કવયિત્રી લાવ્યા છે એમનો નવો હાઈકુસંગ્રહ ‘અત્તર-અક્ષર’, જે જાન્યુઆરીની 25મી પ્રકાશિત થયો હતો.  આ સંગ્રહને એમણે આ પ્રકારનાં કુલ 206 હાઈકુથી શણગાર્યો છે.  એમાનાં થોડા હાઈકુ તમે એમની વેબસાઈટ પર પણ માણી શકો છો.  કવયિત્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…

Comments (11)

(ઝુલવા દે) – ઉદયન ઠક્કર

નાગરી નાતને પાન-સોપારી ને એલચીનાં બીડાં ચાવવા દે
હાં રે નરસિંહના પદ તણી ઠેસથી ઝૂલતા ઝૂલણે ઝુલવા દે.

આપણે તો ભલો એક કેદાર ને આપણો તો ભલો એકતારો
જૂજવા સૂરમાં, અવનવા તાલમાં, વિશ્વ બાજી રહ્યું, બાજવા દે.

આંખ મીંચીને ક્હેતા તો મેં કહી દીધું, સૃષ્ટિ સોહામણું સોણલું છે
પાછલા પ્હોરના પોપચાં સૂર્યના ટાંકણે-ટાંકણે ખૂલવા દે.

વાદળી વાયરામાં વહેતી જતી, વેલી પણ વૃક્ષને વીંટળાતી
ચાંચમાં ચાંચ પારેવડાં પ્રોવતાં, મોસમોનું કહ્યું માનવા દે.

– ઉદયન  ઠક્કર

ઊર્મિ-ઉડ્ડયનથી નરસિંહના સૂરને અડકી લેતી ગઝલ.

Comments (13)

વાડકી-વહેવાર – જયન્ત પાઠક

પાસે પારિજાત
રહેવા આવ્યું છે એક બુલબુલ-જોડું
ઓળખાણ રોજ વધે થોડું થોડું
આંગણે આવીને આપી જાય
સવારે સવારે
. ટહુકા બે-ચાર
હું ય સામે સંભળાવું એકાદ-બે ગીત-કડી
-પાડોશીની સાથે મારે વાડકી-વ્હેવાર!

– જયન્ત પાઠક

આ નાનકડી કવિતા આટલી મીઠડી કેમ લાગે છે ? એનું કારણ છે અનુભૂતિની સચ્ચાઈ, જે કદી મનને અડકી ગયા વિના રહેતી નથી.

કવિતા એટલે શું કોઈ પૂછે તો બેફીકર કહેવું – કવિતા એટલે તો અનુભૂતિને અવતરવા માટેની શંકર-જટા.

Comments (17)

(બુદ્ધ) – બોધિસત્વ

બુદ્ધ બુદ્ધને સંગ્રહતા નથી.
જો તમે બુદ્ધને જોવા તમારું મગજ વાપરશો,
તો તમે બુદ્ધને જોઈ નહીં શકો.
જ્યાં સુધી તમે બુદ્ધને અન્યત્ર શોધશો,
ત્યાં સુધી તમે કદી નહીં જોઈ શકો કે તમારું મગજ સ્વયં બુદ્ધ છે.
બુદ્ધ કદી સુત્રોચ્ચાર કરતા નથી.
બુદ્ધ કદી નિયમ પાળતા નથી,
અને બુદ્ધ કદી નિયમ તોડતા નથી.
બુદ્ધ ન તો કશું તોડે છે ન તો સાચવે છે.
બુદ્ધ પાપ-પુણ્ય આચરતા નથી.
બુદ્ધને શોધવા તમારે તમારા સ્વ-ભાવ,તમારી પ્રકૃતિને નીરખવી રહી.

– બોધિસત્વ

એક સરળ કાવ્યમાં કંઈ કેટલી ક્રાંતિઓ છુપાયેલી છે ! એક એક વાક્ય પરંપરાઓના મૂળિયાં ઉખેડી નવેસરથી વિચારવા મજબૂર કરે છે. શ્રી રમણ મહર્ષિનું પ્રિય વાક્ય યાદ કરાવે છે- ‘ know thyself ‘ ! હમણાં જ ક્યાંક વાંચ્યું -‘ અંધારું શાશ્વત છે,પ્રકાશ ખલેલ છે.’ !!!!

“Buddhas don’t save buddhas.
If you use your mind to look for a buddha,
you won’t see the Buddha.
As long as you look for a buddha somewhere else,
you’ll never see that your own mind is the Buddha.
Don’t use a buddha to worship a buddha.
And don’t use the mind to invoke a buddha.
Buddhas don’t recite sutras.
Buddhas don’t keep precepts.
And buddhas don’t break precepts.
Buddhas don’t keep or break anything.
Buddhas don’t do good or evil.
To find a buddha, you have to see your nature.

– Bodhisatva

Comments (13)

બે કાફિયાની ગઝલ – નેહા પુરોહિત

એક ઘર ગુમાવતું ઝળહળપણું,
દ્વારને વળગણ હશે સાંકળ તણું.

હું વરસતી ગઈ, બધાએ લઈ લીધું,
ભેજના સંદર્ભમાં ઝાકળપણું.

ના ગમ્યા ઉત્તુંગ હિમશિખરો કે જ્યાં
જળનું ખોવાઈ જતું ખળખળપણું.

કોઈ અમથું અમથું તડપાવે નહીં,
તેંય રાખ્યું હોય છે વળગણ ઘણું.

ચાહું કાયમ રાખવી મારી કને,
દીકરી, નડતું તને થાપણપણું.

– નેહા પુરોહિત

નેહા પુરોહિતે SMS વડે આ બે કાફિયાની ગઝલ મોકલાવી… વાંચતા જ ગમી ગઈ… પણ આ જ આધારના કાફિયા અને આ જ છંદ જાળવીને બે કાફિયાની એક ગઝલ મેં પણ લખી નાંખી. પ્રસ્તુત ગઝલની સાથે-સાથે એ ગઝલ પર પણ નજર નાંખવી ચૂકશો નહીં…

Comments (21)

ગઝલ – ગૌરાંગ ઠાકર

આ સંબંધો છે લોહીનાં, તમે ક્યાંથી અલગ કરશો ?
બહુ તો છત, દીવાલો કે પછી બારી અલગ કરશો.

જગતમાં ક્યાં બધુંયે તોડવું આસાન છે મિત્રો,
તમે શું ડાંગ મારીને અહીં પાણી અલગ કરશો ?

બધુંયે સ્થૂળ ને સ્થાવર હતું તે તો જુદું કીધું,
સ્મરણને કઈ રીતે મારા–તમારાથી અલગ કરશો ?

તમે શું એ જ જીવો છો, તમે જે જીવવા ધાર્યું,
હવે તમને તમારાથી શું સરખાવી અલગ કરશો ?

તમે ડૂબી જતાં સૂરજને અટકાવી નથી શકતાં,
સતત અજવાશની ઇચ્છા તમે ક્યાંથી અલગ કરશો ?

– ગૌરાંગ ઠાકર

ગૌરાંગ ઠાકરની આ રચના વિવેચકના શબ્દોની મહોતાજ નથી… બધા જ શેર સંઘેડાઉતાર અને કવિતાની શીઘ્ર પ્રત્યાયનક્ષમતાની કસોટી પર ખરા ઉતરે એવા…

Comments (15)

એવું બોલજે -રિષભ મહેતા

એક બાળકનેય જે સમજાય એવું બોલજે,
આ ગઝલ છે : જેવું મનમાં થાય એવું બોલજે.

મર્મ આપોઆપ ખૂલી જાય એવું બોલજે,
બોલ જે તારો પડે; ઝિલાય એવું બોલજે.

આભના સૂનકારમાં પડઘાય એવું બોલજે,
મુક્તકંઠે પંખીઓ જે ગાય એવું બોલજે.

કોઈ પથ્થરની સૂરત મલકાય એવું બોલજે,
ને હરિનાં લોચનો ભીંજાય એવું બોલજે.

કોઈએ જોયો નથી પણ સૌને તારા શબ્દમાં-
પોતપોતાનો પ્રભુ દેખાય એવું બોલજે.

આગ છે વાતાવરણમાં, વાતમાં, જઝબાતમાં,
તો જરા આબોહવા બદલાય એવું બોલજે.

ખૂબ મોટો બોજ લઈને લોક જીવે છે અહીં,
એમના હૈયાથી જ ઊંચકાય એવું બોલજે.

સાંભળે છે જે તને બોલી શકે છે તે સ્વયં,
માન સૌના મૌનનું સચવાય એવું બોલજે.

‘કંઈ હવે બોલું નહીં’ : નક્કી કરે એવું ભલે-
મૌન પણ તારું સહજ સમજાય એવું બોલજે !

ખૂબ નાજુક; ખૂબ નમણી; ખૂબ કોમળ છે ગઝલ;
અંગ એનું સ્હેજ ના મરડાય એવું બોલજે.

– રિષભ મહેતા

આપણે કેવું બોલવું જોઈએ- એ વિશે વિચારતા કરી મૂકે એવી મજાની બોલકી ગઝલ… એમની મને ગમતી ઘણી ગઝલોમાંની જ એક.

Comments (16)

મારી આંખમાં તું -રમેશ પારેખ

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?

મારી આંખમાં તું…

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…

-રમેશ પારેખ

ર.પા.નાં આ મઘમઘતા ગીત વિશે કશું કહેવાનું હોય ખરું ?  આમ પણ એમનાં ગીતો વંચાતા જ નથી હોતા, આપોઆપ જ ગવાઈ જાય છે… મને ખૂબ્બ જ પ્રિય એવા આ ગીતને શ્યામલ-સૌમિલ મુન્શીના સંગીત સાથે અને પાર્થિવ ગોહિલના સ્વરમાં આપ અહીં સાંભળી શકો છો.

Comments (7)

આ હવા – પ્રવીણ ગઢવી

આ-
હવા
આ –
જંગલ ઝાડી, સાગની કલગી,
કાંટાળી ઝાડી,
વાંસ ઝૂંડની જાળી
વનવાસીના વૃદ્ધ ચહેરાની કરચલી.
આ –
મહુડાની છાક,
દીપડાની છલાંગ,
ધુમ્મસની ધાબળી ઓઢી
ઘોરતા પહાડ.
આ –
તાતાતીર થકી વિંધાયેલી હાંહડી.
આ –
તડકાની તાડી
ઘટઘટ પીતાં ખાખર પાન
આ –
ખાપરીનું કોપરિયું જળ
આહ…
વાહ…
આ – હવા !

– પ્રવીણ ગઢવી

કવિના વર્ણનની કુમાશ જુઓ…  શબ્દોનો કેફ જુઓ…  અને દિલની આહ જુઓ !

Comments (8)